ગતાંકથી આગળ…

योग નામના સાદા શબ્દથી ઓળખાતું અને વ્યવહારુ વેદાંત ગણાતું આ તત્ત્વદર્શન આમ ગુરુશિષ્ય પરંપરા દ્વારા અનેક પેઢીઓને પ્રાપ્ત થયું હતું. एवं, ‘આમ’ परम्परा, ‘પરંપરા’, प्राप्तર્ૈ, ‘પ્રાપ્ત’, ગુરુશિષ્ય પરંપરા દ્વારા મેળવેલું; राजर्षयो विदुः, ‘રાજર્ષિઓ એ જાણતા હતા !’ राजनश्च ते ऋषयश्च इति राजषिर्ः, એમ શંકરાચાર્ય કહે છે; ‘જેઓ રાજા અને ઋષિ બંને છે તેઓ રાજર્ષિ કહેવાય છે;’ આ શબ્દ આપણે માટે તથા સૌને માટે અગત્યનો છે. આજે આપણે ગીતાનું અધ્યયન કરીએ. આપણા પોતાના દેશ માટે તેમજ બીજા દેશો માટે વહીવટ, રાજકારણ કે સંચાલન તથા માનવજાતનું ભાવિ, એમનું સુખ અને એમનું કલ્યાણ કરવા માટે આપણે માર્ગદર્શક તત્ત્વજ્ઞાનની જરૂર રહે છે. એટલે સત્તા અને જવાબદારી ધારણ કરતા સૌ મનુષ્યો માટે શ્રીકૃષ્ણ આ દર્શનનું વિવેચન કરે છે. એમને શ્રીકૃષ્ણ રાજાઓ કહે છે કેમ કે એ સૌ સત્તા સાથે કામ પાર પાડે છે; એમને એ ઋષિઓ કહે છે કારણ કે તેઓ આ યોગદર્શનને અનુસરે છે અને આધ્યાત્મિક પ્રેરણાને ધારણ કરે છે. એટલે શ્રીકૃષ્ણ તેમને રાજર્ષિઓ કહે છે.

આપણી બધી શક્તિ સૂર્યમાંથી આવે છે. ભારતમાં આપણે સૂર્યની વિભાવનાને આદર્શ રૂપ આપ્યું છે. વાસ્તવમાં The National Geographic Magazine સપ્ટેમ્બર, ૧૯૪૮ના અંકમાં The Smithsonian Institution પરના લેખમાં કહે છે :

‘સૂર્ય મહા-જનની છે. પૃથ્વીની સપાટી પર પ્રકાશનાં જે અનંત પૂર એ રેલાવે છે તેના ક્ષણિક સ્થૂલીકરણ તરીકે આ ગ્રહ પરથી જીવન સમસ્તને સમજી શકાય. લીલી વનસ્પતિ માટે ધરતીમાંનાં પાણીમાંથી અને વાતાવરણમાંના કાર્બન ડાયોકસાઈડમાંથી શર્કરા અને કાંજીનું એકત્રીકરણ શકય બનાવે છે ને એ રીતે, બધા પ્રકારના ખાદ્ય પદાર્થાે પેદા કરે છે. ગળપણમાં, રોટલીમાં અને માંસમાં આપણે સૂર્યપ્રકાશ ખાઈએ છીએ, કરોડો વર્ષ પહેલાંના સૂર્યપ્રકાશને કોલસા અને તેલરૂપે બાળીએ છીએ, ઊન અને સૂતરનાં વસ્ત્રો રૂપે સૂર્યપ્રકાશ પહેરીએ છીએ; વાયુ અને વૃષ્ટિને સૂર્યપ્રકાશ ઉત્પન્ન કરે છે અને યુગોના શિયાળા-ઉનાળા પણ એની કૃતિ છે.

‘જીવન અને પ્રકાશ તાણાવાણાની માફક વિશિષ્ટ રીતે વણાયેલાં છે.’

મનુષ્યજીવન અને એના ભાવિ માટે ભારતવર્ષ સૂર્યની અગત્ય સમજતો હતો. ઋગ્વેદમાં આરાધનાનું પાત્ર બન્યો. એનો સુપ્રસિદ્ધ મંત્ર ગાયત્રી જાણીતો છે :

ॐ तत् सवितुर् वरेण्यं भर्गो देवस्य धीमहि

धियो यो नः प्रचोदयात् । (૩.૬૨.૧૦)

‘ૐ એ પવિત્ર સવિતાના ગૌરવનું અમે ધ્યાન ધરીએ છીએ; એ અમને પવિત્ર બુદ્ધિ આપો.’ સૂર્યના આધ્યાત્મિક સત્યની પાછળ ભૌતિક સૂર્ય બહિર્ભાગ છે. જીવન અને પ્રકાશનો એ સિદ્ધાંત છે. આ બોધ પાછળની આ પુરાણ કલ્પના છે. પણ તમે નીચે ઊતરો છો ત્યારે માનવકક્ષાએ આવો છો. ‘વિવસ્વાને મનુને આ શીખવ્યું’. સમગ્ર મનુષ્યજાતિ જેમાંથી ઊતરી આવી છે તે આદિ પિતા મનુ હતો, એમ મનાય છે. માટે તો માણસો માનવો કહેવાય છે, માનવ શબ્દ મનુમાંથી ઉદ્ભવ્યો છે.

મનુએ એ યોગ ઇક્ષ્વાકુને શીખવ્યો. ઇક્ષ્વાકુ સૂર્યવંશનો સ્થાપક હતો અને એ વંશમાં પછીથી રામ આવ્યા. તો અહીં આકરી જવાબદારીવાળા ત્રણ પુરુષો છે; માર્ગદર્શક તત્ત્વદર્શનની એમને જરૂર હતી અને ‘મેં તે તેમને શીખવ્યું છે’, એમ શ્રીકૃષ્ણ અહીં કહે છે.

પછી ‘આ તત્ત્વજ્ઞાન ઊતરી આવ્યું છે’, परम्पराप्राप्तम् इमं राजर्षयो विदुः, ‘રાજર્ષિઓની પેઢીઓ આ તત્ત્વજ્ઞાન જાણતી હતી.’ कालेन महता, ‘પરંતુ લાંબો કાળ વીત્યા પછી’, स योगो नष्टः परन्तप, ‘હે અર્જુન, આ યોગ સમાજમાંથી નાશ પામી ગયો.’ અમે શંકરાચાર્યનું ગીતા પરના ભાષ્યનું અધ્યયન કરતા હતા ત્યારે શંકરાચાર્યનું એક કથન અમારા ધ્યાન પર આવતું. તે એ હતું કે સમાજમાં મનુષ્યો ખૂબ લોભી, ખૂબ કામી અને ખૂબ ઇંદ્રિયાસક્ત થઈ જાય છે ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે; પછી સમાજમાંથી ઉચ્ચતર શક્તિઓ અદૃશ્ય થઈ જાય છે. આજે ભારતમાં આપણને એ જ જોવા મળે છે : ઉચ્ચતર મૂલ્યો ઝડપથી અદૃશ્ય થતાં જાય છે. આપણી આજે તે દશા છે. એટલે શ્રીકૃષ્ણ કહે છે કે યુગો પછી આ નિર્બળતા આવી. ધર્મની અવનતિ થઈ અને સ્વાભાવિક રીતે, અધર્મનું જોર વધી ગયું. એથી માનવસમાજમાં કટોકટી ઊભી થઈ. योगो नष्टः परन्तप, ‘હે અર્જુન, યોગ નાશ પામ્યો.’ આ શ્લોક પરની પોતાની ટીકામાં આ યોગ કેવી રીતે નાશ પામ્યો તે શંકરાચાર્ય સમજાવે છે : दुर्बलान् अजितेन्द्रियान् प्राप्य योगो नष्टः परन्तप, ‘આ યોગ શારીરિક રીતે અને માનસિક રીતે નબળા થઈ ગયેલા લોકો – दुर्बलान्- ના, ઇંદ્રિયશક્તિઓ પરના સંયમ વગરના લોકોના હાથમાં આવતાં, વધારેને વધારે ક્ષીણ થતો જઈ એ યોગ નાશ પામ્યો !

આપણા દેશનો કે બેબિલોનિયા અને રોમ વગેરે દેશોનો અભ્યાસ કરનાર કોઈપણ વ્યક્તિ આ કથન સમજી શકશે. લોકો ધર્મને અને જીવનને કેટલીક વાર વીરવૃત્તિથી જોતા. એમણે અદ્‌ભુત, રચનાત્મક કાર્ય કર્યું હતું, સમૃદ્ધ સંસ્કૃતિ અને સભ્યતા ઊભાં કર્યાં હતાં. પછીથી, માનસિક ક્લાન્તિ આવી, થોડી શારીરિક નિર્બળતા આવી, લોકો ધર્મને નિસ્તેજ કરવા લાગ્યા અને એને વધારે ને વધારે સસ્તો બનાવવા લાગ્યા. ભારતની જ વાત કરીએ તો આ પતનની પ્રક્રિયામાં, સસ્તામાં સસ્તો ધર્મ આપણને આજના યુગમાં વારસામાં મળ્યો. પૈસા ચૂકવીને થોડોક વિધિ કરો અને એ પણ કોઈ પુરોહિત દ્વારા- પછી બીજા કશાની જરૂર નથી. ઉચ્ચ ચારિત્ર્યશક્તિની જરૂર નથી, સર્જનાત્મક આવેગની જરૂર નથી, માનવસમાજ માટે કાળજીની જરૂર નથી, આ બધી ઉચ્ચતર બાબતો અદૃશ્ય થઈ ગઈ. ધર્મ કેટલો તો નિસ્તેજ બની ગયો ! પછી વળી સવારથી સાંજ સુધીના વિધિનિષેધો હતા. આપણે પાણી જમણે હાથે પીવું કે ડાબે હાથે તે મોટો પ્રશ્ન હતો અને શું યોગ્ય એ નક્કી કરવા પંડિતોની સભા ભરાય ! આવા નાના વિષયો પર ખૂબ ચર્ચાઓ થતી અને આઠ કે દસ વર્ષની નાની વયે કન્યાઓનાં લગ્ન કરવામાં આવતાં. આજે પણ ધર્મને નામે બાલિશ ચર્ચાઓ કરવામાં આવે છે. ધર્મનાં બધાં વ્યાપક સ્વરૂપો વીસરી જવાયાં અને રંક માનવો માટેની લાગણી સુકાઈ ગઈ. એટલે શંકરાચાર્યે જે કહ્યું છે તે આપણે જોઈએ છીએ : લોકો પોતાનું શરીરબળ ખોઈ બેસે, મનોબળ ગુમાવે અને ઇંદ્રિયતંત્ર ઉપરનો સંયમ ગુમાવે – ઇંદ્રિયતંત્ર પરના પ્રમાણસરના સંયમ વિના ઉચ્ચ ચારિત્ર્યનું નિર્માણ થઈ શકે નહીં – આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે યોગ ક્ષીણ થઈ નાશ પામે. આ બીજા શ્લોકમાં શ્રીકૃષ્ણ આપણને એ વાત કરે છે : स कालेनेह महता योगो नष्टः परन्तप, ‘હે અર્જુન, યોગ નાશ પામ્યો.’ પછી એ આગળ કહે છે :

स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः।

भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्।।3।।

‘તને મારો ભક્ત અને મિત્ર જાણીને મેં તને એ ગહન પુરાતન યોગ કહ્યો છે.’ (ક્રમશ 🙂

Total Views: 403

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.