ગતાંકથી ચાલુ….

કુલસીયાભાઈએ પોતાના ઘરમાં ત્રણેય પરિક્રમાવાસીઓને આશરો આપ્યો. પહાડી પર આવેલ ઘર સીધું સાદું હતું. પહાડી નીચે આવેલ કુંડમાં સ્નાન કરી પરિક્રમાવાસીઓ સંધ્યા ઉપાસનામાં રત બન્યા. રાત્રે જાડા ચોખાનો ભાત અને મગનું શાક અમારી મંડળીએ પેટ ભરીને ખાધું.

બીજે દિવસે નિત્યક્રમ પૂર્ણ કરી આગામી યાત્રા માટે પરિક્રમાવાસીઓ તૈયાર થયા. હવે ૧૦ કિ.મી. સુધી જંગલ આવવાનું હતું. તેથી દયાવાન આદિવાસી કુટુંબે ત્રણેય પરિક્રમાવાસીઓને બપોરનો ભોજન-પ્રસાદ સવારમાં જ જમાડી દીધો. વકી નામનો યુવક અમારી સાથે માર્ગદર્શન માટે આવ્યો. અમને જોઈને એમની ભેંસ ભડકી ગઈ અને ખીલા સહિત દોડીને દૂર ભાગી. વકીએ કહ્યું, ‘બાબા, તમે લોકો સીધા સીધા નીકળો, હું ભેંસને પકડીને બાંધી દઈ પછી તમારી પાસે આવી પહોંચીશ.’ અડધોક કિલોમીટર જેટલું ચાલ્યા ત્યાં તો અચાનક ત્યાગીજી પ્રગટ થઈ ગયા. એકબીજાને ફરી મળીને અત્યંત હર્ષ થયો. આગલા દિવસથી ત્યાગીજી અમારી અને અમે ત્યાગીજીની ચિંતા કરતા હતા. ભાદલમાં કાળુભાઈને ત્યાંથી છૂટા પડી નર્મદા તટે કોઈ જગ્યાએ ત્યાગીજીએ વાસ કર્યો. પછી સાદરી વગેરે ગામ થઈ ભૌમાનાનો દુર્ગમ પહાડ પાર કરી અનેક કષ્ટો વેઠી શ્રીશ્રી નર્મદામાની કૃપાથી સાજા નરવા અમારી પાસે પહોંચી ગયા. ફરી પાછા મળી ગયા એના આનંદમાં ત્યાગીજીએ પોતાની મૂડીમાં રહેલ ખાંડમાંથી અને કમંડળમાંથી જળ લઈ સુંદર શરબત બનાવી અમને બધાને પિવડાવ્યું. હવે અમારી ચાર જણાની મંડળી બે અઢી કિલોમીટરનો માર્ગ પાર કરી એક જગ્યાએ અનાયાસે વિશ્રામ કરવા થોભી. આગળનો માર્ગ ચાલુ કરવા જતા હતા ત્યાં પી. સ્વામીએ ઝાડ પર એક નાની બાલિકા અને એક-બે નાનાં બાળકો જોયાં. અમે થોભી ગયા અને પી. સ્વામીએ તેમને ચોકલેટ-પિપરમીટ આપવા માટે નીચે બોલાવવા પ્રયત્ન કર્યો. સંકોચ, લજ્જા, અજાણતાપણું વગેરેના મિશ્રિતભાવથી તેઓ નીચે આવતાં ન હતાં. વળી તેઓ બીતાં પણ ન હતાં અને એકબીજાની સામે જોઈ હસતાં હતાં. તેઓ આમને આમ લગભગ ૧૦ મિનિટ સુધી નીચે ન આવ્યાં. પછી પરાણે પરાણે, ફોસલાવી, પ્રેમપૂર્વક તેમને નીચે બોલાવી પી. સ્વામીએ તેમને ચોકલેટ વગેરે આપ્યાં. પ્રસાદ મેળવી બાળકો તુરંત જતાં રહ્યાં. ત્યાં સુધીમાં ભૌમાનાનો આદિવાસી યુવાન વકી આવી ગયો. અમે રસ્તામાં આગળ ચાલવાનું શરૂ કરવાના હતા ત્યાં વકીએ એકદમ ડાબી બાજુમાં નજરે પડે નહિ તેવી નાની પગદંડી બતાવી અને કહ્યું, ‘આપણે અહીંથી એક નાનકડો પહાડ ચડી આગળ વધવાનું છે.’ અમે તો મૂક બની ગયા અને આશ્ચર્યથી એકબીજાની સામે જોવા લાગ્યા.

જો પેલાં બાળકો ત્યાં ન હોત અથવા તરત નીચે ઊતરી અમારી ભેટ લઈ ચાલ્યાં ગયાં હોત તો અમે જંગલના અવળા રસ્તે આગળ ચાલી ભૂલા પડી ગયા હોત. જ્યાં સુધી વકી આવ્યો નહિ ત્યાં સુધી બાળકો ઝાડ પરથી નીચે નહોતાં ઊતરતાં અને જાણે અમને રોકી રાખ્યા હતા ! કોણ હતાં તે બાળકો ! શ્રીશ્રી નર્મદા મૈયાની અનંત અનુકંપા, કૃપા અને રખોપાની અનુભૂતિ કરતાં આંખમાં ઝરઝરિયાં આવી ગયાં. નર્મદા માની જય બોલાવી વકીની સાથે આગળ ચાલવા લાગ્યા. થોડેક દૂર સુધી રસ્તો બતાવી વકી પાછો વળી ગયો. દરિદ્ર આદિવાસીઓના જીવનનાં ગરિમા, પ્રેમ, સહાનુભૂતિ, સૌજન્યતા, નિસ્વાર્થતા, નીડરતા વગેરે ગુણો નિહાળી તેઓને મનોમન વંદી રહ્યા. આનંદથી જંગલનો રસ્તો પાર કરતાં કરતાં લગભગ બપોરના ૩ વાગ્યે નર્મદા ડેમના બૅક વોટર પાસેના સાવરીયા ગામે પહોંચી ગયા. નાની પહાડીઓ, જાણે લીલા મખમલથી મઢાવેલી હોય! મનમાં થઈ આવ્યું કે અહીં આપણો એક આશ્રમ હોય તો કેવું સારું ! દૂર દૂરછૂટાંછવાયેલાં ઝૂંપડાઓ, નાનાં કાચાં મકાનો દેખાવા લાગ્યાં.

અહીંથી શૂલપાણેશ્વરની ઝાડીની કઠિનતા પૂરી થઈ. ગામમાં તપાસ કરી પરંતુ ભોજન-પ્રસાદની વ્યવસ્થા થાય તેમ લાગતું ન હતું. સૂચન મુજબ આગળ વધ્યા, વળી એક પહાડી પરથી પાર થવાનું હતું. સંન્યાસીએ અણગમો વ્યક્ત કરીને કહ્યું, ‘વળી પાછી એક પહાડી !’ તે સમતલ રસ્તે જ જવાનો આગ્રહ કરતા હતા. પરંતુ પી. સ્વામી અને પંડિતજીએ કહ્યું, ‘આ એક જ પહાડી છે, પછી રસ્તો આવી જશે.’ સંન્યાસીનાં ચંપલ વધુ લપસણાં થઈ ગયાં હતાં, એ પણ પહાડી ન ચઢવાનું બીજું કારણ હતું. પહાડી પછી થોડો રસ્તો ચાલતાં રાજપારડી ગામ આવ્યું. ત્યાં આદિવાસી નિવાસી-શાળા હતી. અત્યારે તો હોળીના દિવસોની રજાને કારણે કોઈ તો હતું નહિ. અહીં પરિક્રમાવાસીઓના પેટમાં લાય લાગી હતી. ત્યાગીજી અને પી. સ્વામીએ ગામમાંથી નિવાસી-શાળાના ગૃહપતિને પકડી, સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરી ભોજનશાળામાંથી કોઈ પણ રીતે સીધું-અનાજ કઢાવ્યું.

ચૂલા પર અગ્નિદેવ પ્રગટાવી ખીચડી પકાવી. ભુખ સંતોષી પરમતૃષ્ટિનો આનંદ પ્રાપ્ત કર્યો. અહીં રહેવાની વ્યવસ્થા થઈ ન શકી. એટલે આગળ ચાલવા લાગ્યા અને બિલગામમાં આવેલ નિવાસી-શાળામાં એક રૂમની સફાઈ કરી આસન લગાવ્યું. કુલીગ્રામ પછી પહાડી આવવાની હોવાથી વધારાનો બધો સામાન ખાલી કરી નાખ્યો હતો. અહીં તો ઓઢવા-પાથરવાનું કશું મળ્યું નહિ. ફેબ્રુઆરી માસની ખૂબ જ ઠંડી. અત્યાર સુધી ગમે તે જગ્યા કે પરિસ્થિતિમાં રાત્રે સંન્યાસી અનાયાસે નિદ્રાધીન થઈ જતા. પરંતુ અહીં સખત ઠંડીની એવી અસર વારે વારે નિદ્રામાં ખલેલ પહોંચાડવા લાગી. આમ ગરમ કપડાંના અભાવે ખરેખરી ઠંડીનો અનુભવ પણ થયો. બીજે દિવસે તૈયાર થઈ ‘નર્મદે હર’ના સાદ સાથે પરિક્રમામાં આગળ નીકળી પડ્યા.

શિશિરની સવાર. ખૂબ જ ઠંડી છતાં નિત્યક્રમ-ઉપાસના પૂર્ણ કરી ચાર પરિક્રમાવાસી(બે સંન્યાસી, એક ત્યાગીજી, એક બ્રાહ્મણ પંડિતજી)ની મંડળી ‘નર્મદે હર’ના નાદ સાથે તીવ્ર ગતિએ માર્ગ કાપવા લાગી. બીજાસનમાં રાધાકૃષ્ણના મંદિર પછી શૂલપાણેશ્વરની ઝાડીમાં અહીં સુધી ક્યાંય મંદિર દેખાયું જ નહીં! પી. સ્વામી અને પંડિતજીને આ પહાડી પાર કરતાં કરતાં હવે ટૂંકા ટૂંકા રસ્તા શોધવાનું અને જોખમ હોય તોય તેના પર જવાનું જાણે વ્યસન લાગી ગયું! અને પી. સ્વામી તો રસ્તા પરનાં ઝાડ-પાન, ફળ-ફૂલ ઇત્યાદિ તપાસતા રહેતા, જોતા રહેતા, શોધતા રહેતા, જાણે વનસ્પતિશાસ્ત્રના જિજ્ઞાસુ વિદ્યાર્થી હોય! અને સાચે જ એક જગ્યાએ ઝાડને

વીંટળાયેલ વનસ્પતિના ફૂલની અંદર રહેલ બીજને જોઈને ખૂબ જ આનંદ વ્યક્ત કરવા લાગ્યા.

આ વનસ્પતિ ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે. અમે તેની વિશેષતા પૂછી. તેમણે તે બીજને બતાવ્યું- શિવલિંગ આકારનું હતું. તેમણે કહ્યું, ‘કહેવાય છે કે સંતાનપ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ બીજનું દૂધ સાથે સેવન કરે તો સંતાન પ્રાપ્ત થાય છે!’ આજે વળી મેં તો નવું સાંભળ્યું. પ્રાચીન સમયમાં એવું કહેવાયું છે કે અમુક વિશિષ્ટ ઔષધિમાં વિશેષ ગુણો હોય છે. એટલે એકદમ પી. સ્વામીની વાતને નકારી શકાય તેમ ન હતી. આમ આનંદ કરતાં કરતાં સુંદર સીધો રસ્તો પાર કર્યો.

(ક્રમશ 🙂

Total Views: 348

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.