સત્યભામાનો શ્રીકૃષ્ણ સાથે વિવાહ :

શ્રીકૃષ્ણની સાથે આવેલા તેમના મિત્રો બાર દિવસ સુધી ગુફાના દ્વાર પર તેમની રાહ જોતા રહ્યા. પરંતુ જ્યારે તેઓએ જોયું કે શ્રીકૃષ્ણ હજુ સુધી ગુફામાંથી બહાર નીકળ્યા નથી ત્યારે તેઓ અત્યંત દુ:ખી અને નિરાશ થઈને દ્વારકા આવી ગયા. જ્યારે માતા દેવકી, રુક્મિણી, વસુદેવજી, અન્ય સંબંધીઓ તથા કુટુંબીઓને માલૂમ પડ્યું કે શ્રીકૃષ્ણ ગુફામાંથી નીકળ્યા નથી ત્યારે તે બધાંને ઘણો શોક થયો. બધા દ્વારકાવાસી પણ દુ:ખી થઈને સત્રાજિત્ને ખરું-ખોટું સંભળાવવા લાગ્યા અને શ્રીકૃષ્ણ સુરક્ષિત રીતે પાછા આવી જાય તે માટે મહામાયા દુર્ગાદેવીના શરણે ગયા અને તેમની ઉપાસના કરવા લાગ્યા. આ દરમિયાન જ શ્રીકૃષ્ણ મણિ અને પોતાની નવવધૂ જામ્બવતીની સાથે સફલ-મનોરથ થઈને બધાંને પ્રસન્ન કરતા પ્રગટ થયા. બધા દ્વારકાવાસી શ્રીકૃષ્ણને પત્ની સાથે તેમજ ગળામાં મણિ ધારણ કરેલા જોઈને પ્રસન્નતાથી વિભોર બની ગયા.

શ્રીકૃષ્ણ સ્યમન્તક મણિને પોતાની પાસે રાખવા માગતા ન હતા. તેઓએ સત્રાજિત્ને રાજસભામાં મહારાજા ઉગ્રસેન પાસે બોલાવડાવ્યો અને જે રીતે તેમને મણિ મળ્યો હતો તે બધી ઘટના ક્રમાનુસાર જણાવી અને અંતે તે મણિ સત્રાજિત્ને પાછો આપી દીધો. સત્રાજિત્ પોતાના કરેલા કર્મ માટે અત્યંત લજ્જિત થઈ ગયો. મણિ તો તેણે લઈ લીધો પરંતુ તે અત્યંત શરમાઈ ગયો. પસ્તાવો કરતો કરતો તે પોતાને ઘેર પાછો ગયો. હવે તે એ જ વિચારતો હતો, ‘હું મારા અપરાધનું શુદ્ધીકરણ કેવી રીતે કરું? શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્ન કેવી રીતે થાય? ધનના લોભમાં મેં ઘણી મૂઢતાનું કામ કર્યું છે. હવે એવું કયું કામ કરું કે જેથી મારું કલ્યાણ થાય અને લોકો મને દોષ દે નહીં?’ અંતમાં તેણે નિશ્ચય કર્યો કે તે સ્યમન્તક મણિ શ્રીકૃષ્ણને આપી દેશે અને સાથે ને સાથે પોતાની કન્યા સત્યભામાનો વિવાહ પણ તેમની સાથે જ કરી દેશેે. સત્યભામા સારા સ્વભાવવાળી, સુંદર તથા ઉદારતા વગેરે સદ્ગુણોથી સંપન્ન હતી. સત્રાજિત્ થોડાક જ દિવસોમાં શ્રીકૃષ્ણ પાસે ગયો અને પોતાની કન્યા તથા મણિ એ બન્ને શ્રીકૃષ્ણને અર્પણ કરી દીધાં. શ્રીકૃષ્ણે વિધિપૂર્વક સત્યભામાનું પાણિગ્રહણ કર્યું પરંતુ સ્યમન્તક મણિ સ્વીકાર કરવાનો ઇન્કાર કરીને તેમણે સત્રાજિત્ને કહ્યંુ, ‘સૂર્યદેવે આ મણિ તમને આપ્યો છે અને તે તમારે જ રાખવો જોઈએ. તમે માત્ર તેમાંથી નીકળતું સોનું અમને આપતા રહેજો.’

સત્રાજિત્ની હત્યા :

આ સમય દરમિયાન શ્રીકૃષ્ણ પાસે એક અત્યંત દુ:ખદ અને ભયાનક સમાચાર પહોંચ્યા. તેઓએ સાંભળ્યું કે વારણાવત નામના નગરના એક મહેલમાં, જ્યાં પાંચ પાંડવો પોતાની માતા કુંતા સાથે રહેતા હતા, ત્યાં ભીષણ આગ લાગી અને તે આગમાં તે બધાં બળીને મરી ગયાં. આમજનતાને વિશ્વાસ હતો કે આ કુકર્મ દુર્યોધને જ કરાવ્યું છે. શ્રીકૃષ્ણ અને બલરામ ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર, વિદુર વગેરે પાસે શોક સંવેદના પ્રગટ કરવા માટે હસ્તિનાપુર ગયા. પરંતુ શ્રીકૃષ્ણ જાણતા હતા કે પાંડવો વાસ્તવમાં સુરક્ષિત છે.

પરંતુ શ્રીકૃષ્ણની ગેરહાજરીમાં દ્વારકાપુરીમાં એક અઘટિત અને ભયાનક ઘટના થઈ ગઈ. અંધકકુળના કૃતવર્મા અને અક્રૂરની આંખો ઘણા સમયથી સ્યમન્તક મણિ પર ચોંટેલી હતી. તેઓ સત્યભામા સાથે વિવાહ કરવાની પણ ઇચ્છા રાખતા હતા અને તેનો વિવાહ શ્રીકૃષ્ણ સાથે થઈ જવાને લીધે તેઓ અત્યંત ક્ષુબ્ધ થઈ ગયા હતા. સત્યભામા સાથે વિવાહ કરવાની આશા ધરાવતી બીજી પણ એક વ્યક્તિ હતી શતધન્વા. શ્રીકૃષ્ણ હસ્તિનાપુર ગયા ત્યાર પછી દ્વારકામાં અક્રૂર અને કૃતવર્માને મોકો મળી ગયો અને તેઓએ શતધન્વા પાસે જઈને એવું કહીને ઉશ્કેર્યો, ‘સત્રાજિતે આપણને છેતર્યા છે. તેણે આપણો તિરસ્કાર કરીને સત્યભામાનો વિવાહ કૃષ્ણ સાથે કરી દીધો. તમે સત્રાજિત્નો વધ કરીને તેની પાસેથી મણિ શા માટે છીનવી લેતા નથી?’ તેમની ચઢવણીથી તથા મણિના લોભમાં પાપી શતધન્વાએ સૂતેલા સત્રાજિત્ને મારી નાખ્યો અને મણિ લઈને ત્યાંથી ભાગી આવ્યો. પોતાના પિતાના મૃત શરીરને જોઈને સત્યભામાએ ખૂબ વિલાપ કર્યો. ત્યાર બાદ તેણે હસ્તિનાપુર આવીને શ્રીકૃષ્ણને પોતાના પિતાની હત્યાનું સઘળું વૃત્તાંત સંભળાવ્યું. આ દુ:ખદ સમાચાર સાંભળીને શ્રીકૃષ્ણ બલરામજી તથા સત્યભામાને સાથે લઈને દ્વારકા પાછા આવી ગયા અને શતધન્વા પાસેથી મણિ પડાવી લેવાની પેરવી કરવા લાગ્યા.

શ્રીકૃષ્ણનો અભિપ્રાય જાણીને શતધન્વા ડરી ગયો અને કૃતવર્માની સહાયતા માગવા ગયો. કૃતવર્માએ તેને કહ્યું, ‘ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી સર્વશક્તિમાન ઈશ્વર છે. હું તેમનો સામનો કરી શકું નહીં. એવું વળી કોણ છે કે જે તેમની સાથે વેર બાંધીને આ લોક અને પરલોકમાં શાંતિથી રહી શકે?’ કૃતવર્માનો આવો જવાબ સાંભળીને શતધન્વાએ અક્રૂરને સહાયતા માટે પ્રાર્થના કરી. અક્રૂરે એવું કહીને કે, ‘એવું કોણ છે કે જે સર્વશક્તિમાન શ્રીકૃષ્ણના સામર્થ્યને જાણીને તેમની સાથે વેર-વિરોધ કરે’, તેને મદદ કરવાનો અસ્વીકાર કર્યો. આમ અક્રૂરે ચોખ્ખોચટ જવાબ આપી દેતાં શતધન્વાએ મણિ અક્રૂર પાસે રાખી દીધો અને પોતે ઘોડા પર બેસીને તીવ્ર વેગે દ્વારકા તરફ ભાગી ગયો.

બલરામજી અને શ્રીકૃષ્ણે રથ પર સવાર થઈને શતધન્વાનો પીછો કર્યો. મિથિલાપુરી પહોંચતાં પહોંચતાં શતધન્વાનો ઘોડો પડી જઈને મૃત્યુ પામ્યો ત્યારે શતધન્વાએ પોતાનો પીછો કરતા શ્રીકૃષ્ણના ભયથી પગપાળા જ ભાગવા માંડ્યું. અંતે શ્રીકૃષ્ણે તેને પકડી લીધો અને પોતાના ધારદાર ચક્રથી તેનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ત્યાર બાદ શ્રીકૃષ્ણે તેનાં વસ્ત્રોમાં સ્યમન્તક મણિને શોધ્યો પરંતુ શતધન્વા પાસે સ્યમન્તક મણિ મળ્યો નહીં. તેઓએ બલરામજીને કહ્યું, ‘આપણે શતધન્વાને ખોટો માર્યો, કારણ કે તેની પાસે તો મણિ છે નહીં.’ બલરામજીએ કહ્યું, ‘એમાં શંકા નથી કે શતધન્વાએ સ્યમન્તક મણિ કોઈકની પાસે મૂકી રાખ્યો છે. હવે તમે દ્વારકા જાઓ અને ત્યાં તેની ભાળ મેળવો. હું વિદેહરાજને મળવા જાઉં છું કારણ કે તેઓ મારા અત્યંત પ્રિય મિત્ર છે.’ આમ કહીને બલરામજી મિથિલા ચાલ્યા ગયા અને શ્રીકૃષ્ણ દ્વારકા પાછા આવ્યા. જ્યારે અક્રૂર અને કૃતવર્માએ સાંભળ્યું કે શ્રીકૃષ્ણે શતધન્વાનો વધ કરી દીધો છે ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈને દ્વારકાથી નાસી છૂટ્યા. શ્રીકૃષ્ણે દ્વારકા પહોંચ્યા પછી એક સંદેશવાહકને મોકલીને અક્રૂરને દ્વારકા બોલાવડાવ્યા. ભગવાને અક્રૂરનું મધુર વચનોથી સ્વાગત કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ બધાંના પ્રત્યેક સંકલ્પને જાણે છે એટલા માટે તેઓએ હસતાં હસતાં અક્રૂરને કહ્યું, ‘કાકાજી! મને આ વાતની પહેલેથી જ ખબર છે કે શતધન્વાએ તે મણિ તમારી પાસે જ રાખી મૂક્યો છે. તમે જાણો જ છો કે સત્રાજિત્ને કોઈ પુત્ર નથી. એટલા માટે તેની પુત્રીના પુત્રો જ તેનું ઋણ ચૂકવશે અને જે કંઈ બચશે, તેના તેઓ ઉત્તરાધિકારી પણ બનશે. આ રીતે જો કે સ્યમન્તક મણિ અમારા પુત્રોને જ મળવી જોઈએ, છતાં પણ તે મણિ તમારી પાસે જ ભલે રહ્યો કારણ કે તમે ખૂબ પવિત્ર આત્મા છો. પરંતુ મુશ્કેલી એ છે કે બલરામજી મણિની બાબતમાં મારા પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા નથી. એટલા માટે તે મણિ બતાવીને બલરામજી, સત્યભામા અને જામ્બવતીનો સંદેહ દૂર કરી દો.’ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે આ રીતે સાંત્વના આપીને એમને સમજાવ્યા ત્યારે અક્રૂરે તે મણિ તેમને આપી દીધો. શ્રીકૃષ્ણે તે મણિ પોતાના જાતિબંધુઓને બતાવીને પોતાનું કલંક દૂર કર્યું અને તે મણિ પાછો અક્રૂરને સોંપી દીધો.

Total Views: 339

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.