ગતાંકથી આગળ…

એક વાર શ્રીરામકૃષ્ણે પોતાની પાસે નિયમિત આવતા અને મુક્તપણે વાત કરતા એક બ્રાહ્મણની વાત કરી. એક દિવસ એ આવ્યો અને એણે શ્રીરામકૃષ્ણ સાથે કટાક્ષભરી અને તોછડાઈભરી વાણીમાં વાત કરી: ‘કેમ છો, બામણ !’ આ સાંભળી શ્રીરામકૃષ્ણે પોતાના સાથીને વાત કહી : ‘એની પાસે થોડો પૈસો આવ્યો લાગે છે. એને કારણે મને એનામાં આ ફેરફાર દેખાય છે !’ આ વિષય પર શ્રીરામકૃષ્ણની એક અગત્યની દૃષ્ટાંતકથા પણ છે :

‘એક બાગમાં આમતેમ કૂદકા મારતા એક દેડકાને એક રૂપિયો જડ્યો, ચકચકતો રૂપિયો. દેડકાએ એ લીધો, એને જોયો અને એને એ ગમી જતાં એ રૂપિયાને પોતાના ખાડામાં લઈ ગયો. એને ત્યાં રાખ્યો પણ તે ઘડીથી એ દેડકો બદલાઈ ગયો. ‘મારી પાસે એક રૂપિયો છે ! હું પૈસાદાર છું.’ બીજે દિવસે એ ખાડા પાસે એક હાથી આવ્યો; એને જોઈ દેડકો બોલી ઊઠ્યો : ‘મારા ખાબોચિયા પાસેથી આ હાથી પસાર થઈ જ કેમ શકે?’ આમ બોલીને, હાથી પાસે જઈને દેડકાએ તેને થોડી લાતો મારી ને પછી પાછો પોતાના ખાડામાં ગયો અને ત્યાં પડેલા રૂપિયા સામે જોવા લાગ્યો. એ દેડકાના અસ્તિત્વની એ હાથીને કદી ખબર પણ ન પડી; પણ દેડકાને સંતોષ હતો : ‘સત્તા અને આધિપત્યની મારી ભાવના મેં વ્યક્ત કરી છે.’

આ સત્તાનો અપચો છે અને જગતના સાહિત્યમાં સત્તાના આ અપચાના કેટલાય ઉલ્લેખો છે. સૌ સમજી શકે એ માટે હું ‘પાચન’ શબ્દ વાપરું છું. તમે જે ખોરાક લો તેનું પાચન થાય તો તમને શક્તિ પ્રાપ્ત થાય. પાચન ન થાય તો તે વિષ બને. એ રીતે બધા અનુભવો પચાવવાના છે. અને માનવીમાં રહેલી એક જ શક્તિ, અધ્યાત્મ શક્તિ જ તેમને પચાવી શકે છે. અધ્યાત્મનો અગ્નિ બધી સત્તાને પચાવી શકે. આ અધ્યાયમાં આગળ ઉપર ज्ञानाग्निः પ્રયોગ આવશે. યોગનો અહીં એ અર્થ છે.

શેક્સપિયરના નાટક Measure for Measure (અંક ૨.૨)માં આ વિષય આવે છે :

પણ માનવી, ગર્વીલો માનવી,

થોડી સત્તાના વાઘા પહેરે છે ત્યારે

પોતાને અપાયેલા કાચ જેવા તત્ત્વથી

સદંતર અજ્ઞાન, ગુસ્સે ભરાયેલા વાનરની માફક

ઊંચે આવેલા સ્વર્ગ સન્મુખ એવી વિલક્ષણ

ક્રીડા કરવા લાગે છે કે

દેવદૂતો પણ રડી પડે;..’

કોણ છે આ માનવી ? અદ્‌ભુત કાર્યો કરી શકયો હોત પણ એ વાનરવેડા કરે છે. માનવીની આ દશા જોઈ દેવદૂતો રડી ઊઠે છે. કારણ ? એણે થોડી સત્તાના વાઘા ચડાવ્યા છે. લાંબો સમય નહીં. ઘણા સમય અગાઉ, મારા એક મિત્ર ડેપ્યુટી કમિશ્નરે મને મૈસુરમાં કહ્યું હતું: ‘સ્વામીજી, મારી બદલીનો આદેશ આવ્યા પછી હું ઓફિસે જાઉં છું તો કોઈ ઊભું થતું નથી. આ પહેલાં બધાં ઊભાં થતાં. હવે એ લોકોએ તે બંધ કરી દીધું છે.’ એ ‘થોડી’ (થોડા સમયની) સત્તા કહેવાય. એટલી મર્યાદિત એ છે. આ મહાન વિષયને શેક્સપિયર સમજતો હતો: ‘માનવી થોડી સત્તાના વાઘા પહેરે છે ત્યારે પોતાને અપાયેલા કાચ જેવા તત્ત્વથી સદંતર અજ્ઞાત બને છે’, – એ ‘તત્ત્વ’ એટલે એનો પોતાનો આત્મા, અનંત આત્મા. એ તત્ત્વને એણે ઓળખ્યું હોત તો સત્તાને એણે પચાવી હોત. એને એ જાણતો નથી એટલે એ, ‘ઊંચે આવેલા સ્વર્ગ સન્મુખ વિલક્ષણ ક્રીડા કરવા લાગે છે કે દેવદૂતો પણ રડી પડે.’

જેમના હાથમાં સત્તા છે તેમને હાથે થતા તેના દુરુપયોગથી આપણા સમાજમાં આજે કેટલો અન્યાય પ્રવર્તી રહ્યો છે! હું એક દાખલો આપું છું. એવા લાખો આપણને મળશે. દિલ્હીમાં એક નાગરિકે પોતાનો ખખડધજ ટેલિફોન બદલાવી દેવાની માગણી એક અધિકારી સમક્ષ કરી. એ અધિકારીએ મોટી રકમની લાંચ માગી ને પેલો તે આપી શકે તેવી તેની સ્થિતિ ન હતી. બધાને પડતા પેલી એ નાગરિક વડાપ્રધાન પાસે ગયો અને એને એ ફોન મળી ગયો. થોડા દિવસ પછી પેલા જ અમલદારે એ ફોન પાછો લઈ લીધો ! નાગરિક કેટલો લાચાર છે ! સામાન્ય નાગરિકોને આ નિમ્નતર કક્ષાઓની લાંચ ખૂબ ત્રાસદાયક છે.

અન્યાયના આવા સેંકડો ને સેંકડો દાખલા આપણને જોવા મળે છે. સમાજમાં અન્યાયની વૃદ્ધિથી લોકતાંત્રિક રાજ્ય ઉત્તરોત્તર નબળું થતું જાય છે. ગરીબાઈ અને અજ્ઞાન ભલે હોય, એથી નિર્બળતા આવતી નથી. પરંતુ અન્યાય હોય અને એ વૃદ્ધિ પામતો જાય તો લોકતાંત્રિક રાજ્યનું પોત ઘસાઈ જાય છે. જેમની પાસે સત્તા છે તે લોકો તેનો દુરુપયોગ કરે છે તે કારણે તો આ અન્યાય જન્મે છે. એ સત્તાને પચાવવાની અને એને લોકોપયોગી બનાવવાની આધ્યાત્મિક શક્તિ એ લોકો પાસે નથી. આપણા ઊછરતા લોકતંત્રને સુદૃઢ કરવા અને કરોડો લોકોના પ્રશ્નો ઉકેલવા માટે આપણને ફિલસૂફીની જરૂર પડે છે. શ્રીકૃષ્ણ અહીં એ ફિલસૂફી – એ દર્શન – આપે છે. સત્તા ધારણ કરો. આપણને સત્તાની આવશ્યકતા છે જ પરંતુ રાજ્યના અને લોકોના કલ્યાણ માટે તે કેમ વાપરવી તે આપણે જાણવું જોઈએ; સત્તાધારીઓમાં એ પાચનશક્તિ ગહનતર સ્રોતમાંથી પ્રકટશે, એ સ્રોત છે મનુષ્યનું આધ્યાત્મિક સ્વરૂપ. એ સત્તાનો તમે આવિષ્કાર કરો એટલે બધું સમુંસૂતરું થઈ જશે. અન્યાય નહીં, ત્રાસ નહીં, શોષણ નહીં; પછી તમારી સમગ્ર કારકિર્દી દરમિયાન માત્ર માનવતાની ભાવના, સેવાની ભાવના જ તમને પ્રેરશે. આપણા વહીવટદારોના ૧૦ થી ૧૫ ટકાને ગળે આ બોધ ઉતરાવી શકાય તોપણ પરિસ્થિતિમાં મોટો સુધારો થઈ જશે. પણ હજી એમ બનતું નથી, આપણી પાસે ઉપાય હોવા છતાંય. આપણી પાસે ઔષધ – ઉપાય – છે એટલે આપણે રોગથી ડરવાનું નથી. રોગ ખરાબ છે; ઇલાજ વગરનો રોગ વધારે ખરાબ છે. પણ એ કિસ્સો છે, ‘પ્રાપ્ય ઔષધ સાથેનો રોગ’; આપણે એક દિવસે કે બીજે, એ રોગને દૂર કરી શકીશું. ને હું આશા રાખું છું કે આપણા લોકો ગીતાનું આ મહાન તત્ત્વદર્શન અને એની રાજર્ષિની વિભાવના સમજશે અને રાષ્ટ્ર માટે તથા લોકો માટે સેવાભાવનાથી રંગાશે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં ૧૯૪૯માં હૈદરાબાદના મિલિટરી ગવર્નર જનરલ જે. એન. ચૌધરી સાથેના વાર્તાલાપનો ઉલ્લેખ મેં કર્યો છે. એમણે પૂછ્યું હતું, ‘ગવર્નર તરીકે મારે માટે આ ગીતાનો કશો સંદેશ છે?’ મેં ઉત્તર આપ્યો હતો. ‘હા, ઘણો જ અગત્યનો સંદેશ છે.’ એ ધારતા હતા કે માત્ર ‘મનને શાંતિ મળે એ માટે હું રોજ થોડા શ્લોક વાંચું છું.’ ‘ના, એ તદ્દન ખોટું છે. બધા લોકોના હિત માટે સત્તાનો ઉપયોગ કેમ કરવો એ તમને આ તત્ત્વદર્શન કહેશે’, મેં કહ્યું હતું. આ ખંડની ટીકામાં શંકરાચાર્ય કહે છે : क्षत्रियाणां बलाधानाय, ‘સત્તાધારી ક્ષત્રિયોને બલ આપવા માટે.’ આજ સુધી ભારતમાં ક્ષત્રિયોની એક જ્ઞાતિ હતી. પણ ક્ષત્રિયત્વનો ગુણ વૈશ્વિક ઘટના છે. (ક્રમશ:)

Total Views: 473

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.