ગતાંકથી આગળ….

સમુદ્રાઃ સરિતઃ સર્વાઃ કલ્પે કલ્પે ક્ષયં ગતાઃ।

સપ્તકલ્પક્ષયે ક્ષીણે ન મૃતા તેન નર્મદા।।

અર્થાત્ સમુદ્રો, નદીઓ સર્વ, કલ્પે કલ્પે થતાં ક્ષય; સાત કલ્પ થતાં ક્ષીણ, તોય ના નર્મદા ક્ષય.

નર્મદેહરના સાદ સાથે વડફલીથી ચા-પ્રસાદ કરી સવારે આઠેક વાગ્યે નીકળી પડ્યા. માર્ચ, ૨૦૧૫ના શરૂઆતના દિવસો. દસ વાગ્યા સુધીમાં આઠેક કિ.મિ. દૂર કણજી ગામ આવ્યું. અહીંથી ગુજરાતની શરૂઆત થાય છે. ગુજરાત!!! ગુજરાતના શૂરવીરો, ભક્તો, જ્ઞાનીજનો, દાતાઓ, શાંતિપ્રિય લાગણીશીલ-ભાવિક લોકો, ગુજરાતની અસ્મિતા, આમ ગરવી ગુજરાતનું સુલલિત ચિત્ર નેત્ર સમક્ષ ખડું થઈ ગયું! અને સાચે જ કણજીમાં તેનો અનુભવ પણ થઈ ગયો. ચાર સાધુબાબાને જોઈને સદ્‌ગૃહસ્થ પટેલ નાનાશા મહેલમાં લઈ ગયા. ફળિયામાં તુલસી, બીજા નાના-નાના ફૂલ-છોડ તથા એક તરફ ધાન રાખવાની જગ્યા હતી. ફળિયા પછી ઓસરી, ઓરડા, બાજુમાં રસોડું વગેરે સુંદર સાદગીભર્યું, સ્વચ્છ ગૃહ હતું. પરમ પ્રેમથી સાધુબાબાઓને ચા પિવડાવવામાં આવી. થોડા વાતોએ વળગ્યા. વાત-વાતમાં કહ્યું, ‘બાબા, સાડા દસનો સમય તો થઈ ગયો છે, અહીં જ ભોજન-પ્રસાદ લઈ લો ને, આમેય આગળનું ગામ દૂર છે.’ આ સાંભળી મંડળી પણ અહીં જ ભોજન લેવાનું વિચારવા લાગી. સંન્યાસીએ કહ્યું, ‘પણ…’ ‘ભોજન બનતાં કેટલી વાર લાગે?’ પટેલ બોલ્યા. અને અમને પોતાના ઓરડામાં રહેલ નાનાશા મંદિર સામે લઈ ગયા અને અમને બેસાડી સામે જૂનું હાર્માેનિયમ મૂકી દીધું. ‘ભોજન તૈયાર થાય ત્યાં સુધી ભજન ગાઓ.’ નિરુપાયે પી.સ્વામીએ થોડા ભજનના રાગણા તાણ્યા અને સંગીતનો અભ્યાસ ન હોવા છતાં બેતાલ સિદ્ધ એક સંન્યાસીએ પણ બે-ત્રણ ભજનો ઠપકાર્યાં. આમ, ભજનની બાબતમાં તેઓએ અમને સહન કર્યા હશે. જો કે ભજન ભાવથી ગવાયાં હતાં. તોપણ ભજનની કળા ગાયબ હતી. ત્યાં સુધીમાં ભોજન તૈયાર. ભોજનમાં થાળી ભરીને ભાત અને મગનું શાક. પ્રેમપૂર્વક પેટભરી ભોજન પૂર્ણ કરી, થોડો વિશ્રામ કરી મંડળી પરિક્રમાની વાટે ફરી નીકળી પડી.

ચારે તરફ નાની-નાની પહાડીઓ-થોડી હરીયાળી, થોડી ભૂખરી- દૃષ્ટિગોચર થતી હતી. એવામાં પહાડીઓની વચ્ચે નર્મદામૈયા(નર્મદા નદી)નાં દર્શન થઈ ગયાં. મનમાં સ્નેહ અને આનંદ વ્યાપી ગયો. શ્રીશ્રીમાનાં દર્શન કરી જાણે થાક પણ ઊતરી ગયો! કારણ કે છેક ૧૦૦ કિ.મિ. દૂર સાવરિયા ગાઁવમાં શ્રીનર્મદા ડેમના બેક વોટરમાં સ્નાન થયું હતું અને તેને છ-સાત દિવસ થઈ ગયા હતા.

આપણે અગાઉ પણ કહ્યું હતું કે શ્રીશ્રીનર્મદામૈયાના ભૌતિક જળ સ્વરૂપનો આશરે ૮૦% ભાગ મધ્યપ્રદેશમાં વહે છે, પ% જેટલો મહારાષ્ટ્રમાં અને ૧૫% જેટલો ગુજરાતમાં વહે છે, પરંતુ નર્મદાપુરાણમાં ઉલ્લેખિત ૮૦% તીર્થાે ગુજરાતમાં આવેલ છેે, જે ગુજરાતનું મોટું સૌભાગ્ય કહેવાય. તે તીર્થની શરૂઆત આ વિસ્તારથી જ થઈ જાય છે. અહીં પહેલાં પ્રાચીન શૂળપાણેશ્વરનું મંદિર હતું. પહેલાંના સમયમાં પરિક્રમાવાસીઓ દુર્ગમ પહાડીઓનો રસ્તો પાર કરી પ્રાચીન શૂળપાણેશ્વર મંદિરનાં દર્શન કરી ગોરા કોલોની ગામ પહોંચતા. પરંતુ હવે નર્મદા ડેમના બંધને કારણે પ્રાચીન શૂળપાણેશ્વર મંદિર ડૂબમાં ચાલ્યું ગયું છે અને ડેમનું પાણી સાવરિયા ગાઁવ સુધી પહોંચી ગયું છે.

તે સમયના શૂળપાણેશ્વરના ભવ્ય, દિવ્ય દર્શનનું સુંદર આલેખન નર્મદાનંદજીએ ‘સાધકની સ્વાનુભવ કથા’માં કરેલ છે. વાચકોના લાભાર્થે તે પ્રસ્તુત કરીએ છીએ તથા નર્મદાપ્રેમી જિજ્ઞાસુઓ તે ગ્રંથ વાંચવા પ્રેરાય તે પણ હેતુ છે. (આ ગ્રંથનું પ્રાપ્તિસ્થાનઃ શ્રી દત્ત આશ્રમ, મુ. ઉછાલી, પો. દઢાલ, વાયા – તા. અંકલેશ્વ, જિ. ભરૂચ (ગુજરાત) મો. ૯૯૭૯૯ ૮૬૧૭૯ પર સંપર્ક કરવો.)

સિંદુરી-નર્મદાના સંગમથી થોડે આગળ ચીમલખેડી નામનું પહાડી ગામ હતું. અહીં નર્મદા કિનારે, રેતી હતી એવા સ્થળે, પહાડી જંગલમાંથી ગુંદર એકઠું કરાવનારનું પીઠું હતું. વાંસ ને પાંદડાંની છાપરી ઠેઠ જળધારા પાસે બાંધવામાં આવી હતી. નર્મદાજીનું દૃશ્ય બહુ રમણીય હતું. ધારા બહુ ઊંડી અને વેગીલી હતી. પહાડ ફાડીને વહેતો નર્મદાજીનો જળપ્રવાહ અવારનવાર નવીન રૂપ ધારણ કરે; શૂળપાણની આખીય પહાડીમાં વહેતા જળપ્રવાહનાં જુદાં જુદાં સ્વરૂપ જોવા મળે એ સદ્‌ભાગ્ય તો ખરું જ. નર્મદાજીનું સાચું સ્વરૂપ જોવું હોય તો શૂળપાણની ઝાડીમાં જ! વાત્સલ્ય માણવું હોય તોપણ ઝાડીમાં જ! (દિવ્યતાનું દર્શન, અનુભૂતિ થાય તો તે પણ શૂળપાણની ઝાડીમાં; આ સર્વ વાતો સદ્‌ગુરુ રંગ અવધૂતબાબાએ મને સમજાવી હતી.)

આજે મારે જુવારના રોટલા બનાવવાના હતા. આસપાસમાં એરંડા ઊગેલા હતા. એરંડાનું મોટું પાન હું તોડી લાવ્યો અને થાળી ઊલટી કરી, એના પર થોડો લોટ ભભરાવી, એરંડાનું ચત્તું પત્તું મૂકી રોટલો ઘડવા માંડ્યો. પત્તું અને રોટલો એની મેળે ગોળ ફરતાં જાય એટલે રોટલો ઘડવામાં સરળતા પડી. રોટલો ઘડાઈ જાય કે પાંદડાંને ઉઠાવી તવા પર નાખી દેતો હતો. રોટલો તવામાં પડે કે પછી ઉપર ચોંટેલું પાંદડું ઉખેડી લેતો.જુવારના રોટલા બનાવવાનો જેને અભ્યાસ ન હોય તેને હાથે રોટલો વારંવાર તૂટી જાય. પણ એરંડાના પાન પર મૂકીને ઘડી કાઢી, પાંદડાં સાથે જ રોટલાને તવા પર નાંખી દીધો હોય તો રોટલો તૂટે નહીં.મને પીઠાવાળા ભાઈએ આ તરકીબ બતાવી અને હું એ પ્રમાણે કરી શક્યો. ભીનું કપડું કરી, તે પર જુવાર કે મકાઈના રોટલા ઘડી, તવા પર શેકવાનું હું યાત્રામાં શીખ્યો હતો. હવે પાંદડાં પર રોટલા ઘડતાં શીખ્યો. ઘેર તો પાણીનો લોટો ભરવાની પણ તકલીફ નહીં લીધેલી. તૈયાર ભાણે બેસી ખાધેલું અને રસોઈમાં વાંધાવચકા કાઢતો! યાત્રામાં હવે બધો રૂઆબ નીકળી ગયો હતો!

છેલ્લા ચારેક દિવસની કઠિન યાત્રાથી મારા શરીરે સોજા થયા હતા. અહીં કામ કરતા બે સેવાભાવી તડવી છોકરાઓ એરંડાના છોડ પરથી એરંડા તોડી લાવ્યા અને બધાને વાટી નાખ્યા. સફેદ ચીકણા મલમ જેવું બનાવી, મારા આખા શરીરે એની બહુ માલિશ કરી. પછી નર્મદાસ્નાન કરવાની સલાહ આપી. આ ઇલાજ અકસીર નીવડયો. સૂજી ગયેલું શરીર પાછું ઠેકાણે આવી ગયું. બે-ત્રણ દિવસ અહીં રહી હું શૂળપાણેશ્વર તરફ ચાલ્યો.

હવે પ્રદેશ રળિયામણો થતો જતો હતો. વસ્તી પણ પ્રમાણમાં વધતી જતી હતી. નિર્જનતા, કર્કશતા, શુષ્કતા વગેરેથી ભરેલું વાતાવરણ જાણે બદલાતું જતું હતું; પ્રસન્નતા પ્રગટાવે એવું વાતાવરણ લાગતું હતું. હવે ગુજરાતની સરહદ નજીક આવી ગઈ હતી. માયાળુ, દયાળુ, ઉદાર, સાહસિક ગુજરાતની અસર જાણે પહાડ અને જંગલને પણ થવા લાગી હતી.

પહાડી જંગલના વાંસ વગેરે લાકડાં અને વૃક્ષોનો ગુંદર મેળવીને, દૂર દૂર વેચવા મોકલનાર વેપારીઓનાં પીઠાં હવે જોવા મળતાં હતાં. પીઠાની છાપરીઓમાં નોકરી કરતા તડવી લોકો સાધુયાત્રિકની સેવા કરતા. તેઓ ગુજરાતી ભાષા બહુ શુદ્ધ બોલતા હતા; પહેરવેશ પણ ગુજરાતી હતો.

ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર, મહર્ષિ દયાનંદ સરસ્વતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા વલ્લભભાઈ પટેલ જેવા ચાણકય ને પોલાદી પુરુષની ગરવી ગુજરાત તરફ પગલાં પાડતો હું શૂળપાણેશ્વર સુધીની છ માઈલની યાત્રા કરી, નર્મદાજીની ધારા પાસેના લાકડાંના એક પીઠા પાસે આવી પહોંચ્યો. માર્ગે ધાનખેડી ગામ હતું. શૂળપાણેશ્વરનું શિવાલય અને પાસે જ આવેલું માણાવેલી ગામ પહાડમાં હોવાથી મેં જળધારા પાસેના પીઠાંની છાપરીમાં મુકામ કર્યાે. ચોપાસનું સૌંદર્ય મુગ્ધ કરે એવું હતું.

શૂળપાણેશ્વર મહાદેવનું શિવાલય ભૃગુત્તુંગ નામની પહાડી પર છે. ભગવાન શિવજીએ અહીં ત્રિશૂળભેદ નામે પાવનાકારી તીર્થ પ્રકટાવ્યું છે. એ સર્વ પાપનો નાશ કરનાર છે. શિવજીએ અંધક દાનવનો ત્રિશૂળ વડે નાશ કર્યાે અને પોતાનો ગણ બનાવ્યો; પણ ત્રિશૂળ મેલું થયું.

બ્રહ્મહત્યાનું રક્ત ત્રિશૂળને લાગ્યું. ત્રિશૂળને લાગેલા ડાઘ ધોવા શિવજી અનેક તીર્થાેમાં પધાર્યા. અંતે નર્મદાજીના આ દક્ષિણતટે, ભૃગુપર્વત પર પધારી, ત્રિશૂળને ધરતીમાં માર્યું. ત્યાં એક મોટો કુંડાકાર ખાડો થઈ ગયો; એ જ રુદ્રકુંડ નામે પ્રસિદ્ધ થયો. દેવોની પ્રાર્થનાથી એમાં સરસ્વતીગંગા પ્રકટ થયાં. ત્રિશૂળના ડાઘ આ ત્રિશૂળભેદ તીર્થમાં નષ્ટ થયા તેથી આ તીર્થ અતિ પાવનકારી ગણાયું. અહીં દેવોએ એકસો આઠ રક્ષકો રાખ્યા; જેથી તપ કરનાર નિર્વિઘ્ને તપ કરી શકે.

રુદ્રકુંડમાં સરસ્વતીગંગા પ્રકટ્યાં. એ કુંડમાં ભોગાવતીગંગા અને દેવગંગા નદી આવી મળતી હતી. આ કુંડમાંથી જળ બહાર આવીને નર્મદાજીને મળે એ માટે શિવજીએ કુંડથી રેખા દોરી હતી. કુંડનું જળ નર્મદાજીમાં જવા લાગ્યું. આમ અહીં ત્રિવેણીસંગમ થયો. સંગમ-સ્થળ ચક્રતીર્થ નામે ઓળખાયું. આ સ્થળે શિવજીએ વિષ્ણુને ચક્ર આપ્યું હતું. અહીં સ્વયં જનાર્દને વાસ કર્યાે. રુદ્રકુંડનું જળ આગળ વધીને નદીનું રૂપ ધારણ કરતું હતું. ત્યાં આગળ, જમણી બાજુના પહાડમાં વિશાળ પ્રાચીન ગુફાનું દર્શન થતું હતું. અર્ધચંદ્રાકાર ગુફા ઘણી ઊંચી અને પહોળી હતી. આ ગુફા માર્કન્ડેયઋષિની ગુફાને નામે પ્રસિદ્ધ છે. અહીં માર્કન્ડેયઋષિએ તપ કર્યું હતું.

ગુફામાં લોટેશ્વર (માર્કન્ડેશ્વર) મહાદેવનું લિંગ સ્થાપિત હતું. લિંગનાં દર્શન કરી, ગુફામાં આળોટનારને યમ દરબાર દેખવો પડતો નથી. એટલે કે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગુફામાં બેસી રુદ્રસૂક્તનો પાઠ કરનારને સર્વ વેદના પાઠ કર્યાનું પુણ્ય મળે છે.

રુદ્રકુંડ પાસેનો ઊંચો પહાડ ભૃગુત્તંગ તરીકે પ્રસિદ્ધ છે. એની ટોચ પર શિવલિંગ છે, એની ટોચ ભૈરવજાપને નામે ઓળખાય છે. શિવલિંગનું યથાવિધિ પૂજન કર્યા પછી, શ્રદ્ધાળુજન ટોચ પરથી નીચે કુંડમાં પડે તો તેને મુકિત મળે અને તેવી વ્યક્તિ શિવલોકમાં જાય એવું એનું પ્રાચીન મહાત્મ્ય છે. ચૈત્ર માસની અમાવાસ્યાએ જે રુદ્રકુંડમાં શ્રાદ્ધ કરે છે તેને સર્વ તીર્થાેનું પુણ્ય મળે છે.

પ્રાચીનકાળમાં રાજા ચિત્રસેને કુંડ પાસેના ભૃગુત્તુંગ પહાડ પર ઘણું તપ ક્યું હતું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણે પ્રસન્ન થયા હતા. ત્રણ દેવો અહીં નિત્ય વાસ કરશે અને ચિત્રસેન રાજા નંદિગણ થશે એવું વરદાન રાજાને મળ્યું. ત્યારથી ત્રણે દેવોનો વાસ અહીં થયો છે. બ્રહ્માજીએ અહીં બ્રહ્મેશ્વરની પણ સ્થાપના કરી હતી.

ચિત્રસેને દીર્ઘતપામુનિનાં અને એના કુટુંબના સભ્યોનાં હાડકાં આ રુદ્રકુંડમાં પધરાવ્યાં હતાં. પરિણામે મુનિ તથા કુટુંબીજનોની મુક્તિ થઈ હતી. વર્તમાન સમયમાં નર્મદા ડેમને કારણે આ બધાં પાવન-૫વિત્ર સ્થળો ડૂબમાં ચાલ્યાં ગયાં છે. (ક્રમશઃ)

 

Total Views: 440

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.