તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડના વિરુદ્ધમાં ચુકાદો આપી તેને આદેશ આપ્યો છે કે સંસ્કૃતને વૈકલ્પિક વિષય તરીકે સ્થાન આપવું. આ ચુકાદામાં ન્યાયમૂર્તિશ્રી હંસારિયાએ એક માર્મિક ઘટના ટાંકી છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક પ્રાધ્યાપક પોતાના અભ્યાસખંડમાં અભ્યાસમગ્ન હતા, ત્યારે એક અંગ્રેજ સૈનિકે ઉશ્કેરાયેલી લાગણી સાથે ત્યાં પ્રવેશ કર્યો અને તે વખતે ચાલી રહેલા વિશ્વયુદ્ધમાં જર્મનો સામે લડી રહેલા દેશના સંખ્યાબંધ સૈનિકોના વેદનાભર્યા ઘાવોમાં હિસ્સેદાર નહિ બનવા માટે પ્રાધ્યાપક પર રોષ ઠાલવ્યો. પ્રાધ્યાપકે શાંતિથી યુવાન સૈનિકને પૂછ્યું: ‘જે દેશ માટે તું પોતાનું લોહી રેડવા તૈયાર છો તે દેશ એટલે શું ?’ સૈનિકે જવાબ આપ્યો: ‘દેશની સરહદો, દેશના લોકો.’ પ્રાધ્યાપકે પૂછ્યું, ‘બસ એટલું જ ?’ સૈનિકે વિચારીને જવાબ આપ્યો: ‘દેશ એટલે દેશની સંસ્કૃતિ.’ પ્રાધ્યાપકે શાંતિથી કહ્યું : ‘તો મારા મિત્ર, હું અહીં અભ્યાસખંડમાં બેઠો બેઠો આ દેશની સંસ્કૃતિના રક્ષણનું કાર્ય કરું છું.’ સૈનિક શાંત પડ્યો અને પ્રાધ્યાપકને આદરપૂર્વક નમન કરી ચાલ્યો ગયો.

સુપ્રીમ કોર્ટના અન્ય એક કેસમાં નિર્ણય આપતી વખતે ન્યાયમૂર્તિશ્રી મોહન જે. કહે છે: ‘યુદ્ધ જિતાય છે, શાંતિ જળવાય છે, વિકાસ સધાય છે, સભ્યતાનું સર્જન થાય છે અને ઇતિહાસ ઘડાય છે, આ બધું કંઈ યુદ્ધભૂમિમાં થતું નથી. એ તો શૈક્ષણિક સંસ્થાઓમાં જ થવા પામે છે, એ જ સંસ્કૃતિની બીજશાયિકાઓ (Seedbeds) છે.’

ઈંગ્લેન્ડની એક શાળામાં એક વાર એક રાજાની મુલાકાત વખતે શાળાના હેડમાસ્ટરે પોતાનો હેટ ન ઉતાર્યો તેથી અધિકારીઓ નારાજ થયા અને રાજાને ફરિયાદ કરી. રાજાએ કહ્યું, ‘તેણે ઠીક જ કર્યું છે, વિદ્યાર્થીઓની સમક્ષ તેને (હેડ માસ્ટરને) – શિક્ષકને જ સર્વોચ્ચ માન મળવું જોઈએ.’

આ તો થઈ વિદેશની વાત. આપણા દેશની સંસ્કૃતિમાં તો એવી પરંપરા છે કે શિક્ષકોને – ગુરુઓને રાજા-મહારાજાઓ પણ સર્વોચ્ચ આસને બેસાડે છે. પહેલાંના સમયમાં લૌકિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન – પરા અને અપરા વિદ્યા એકીસાથે અપાતાં અને આમ શિક્ષકો એ ગુરુની ભૂમિકા અદા કરતા અને રાજા મહારાજાઓ પાસેથી સર્વોચ્ચ સન્માન મેળવતા. આજની તાતી આવશ્યકતા છે, શિક્ષકોને આવું ઉચ્ચ સન્માન આપવું જેથી સમાજના સર્વોત્કૃષ્ટ આદર્શવાન પ્રતિભાવાન લોકો ડૉક્ટર, એન્જિનીયર કે આઈ.એ.એસ. ઓફિસર બનવા કરતાં શિક્ષક બનવા પ્રેરાય. ઉત્કૃષ્ટ શિક્ષકો દ્વારા જ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું- ઉત્કૃષ્ટ નાગરિકોનું નિર્માણ થશે, રાષ્ટ્રનું ભવ્ય ઘડતર થશે.

દિવ્યતાના પ્રકટીકરણની શ્રેષ્ઠ તક – શિક્ષકત્વ ઃ

સ્વામી વિવેકાનંદ કહે છે: ‘પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. આ દિવ્યતાને પ્રકટ કરવી એ જ માનવજીવનનો ઉદૃેશ છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે. મતવાદો, રીતિરિવાજો, બાહ્ય ઉપચારો એ બધું તો ગૌણ છે.’ આ દિવ્યત્વના પ્રકટીકરણ માટે સ્વામીજી રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ – આમ ચાર યોગોના સમન્વયને જીવનમાં અપનાવવાનું કહે છે. સિસ્ટર નિવેદિતાના કહેવા પ્રમાણે સ્વામી વિવેકાનંદના સંદેશની વિશેષતા આ છે – પરિશ્રમ કરવો એ જ પ્રાર્થના છે, કાર્ય કરવું એ જ પૂજા છે. સ્વામીજીના મત પ્રમાણે કારખાનું, લેબોરેટરી, ખેતર વગેરે ઈશ્વરપ્રાપ્તિ માટે એટલાં જ યોગ્ય સ્થળો છે જેટલાં મંદિરો અથવા તપસ્વીઓની ગુફાઓ. જો કે દરેક કાર્ય પૂજા બની શકે છે અને દરેક સ્થળમાં આ કર્મયોગ-વ્યાવહારિક વેદાંત – આચરી શકાય છે, તેમ છતાં વિદ્યાદાન-જ્ઞાનદાનનું પવિત્ર કાર્ય વધુ સરળતાથી વધુ સારી પૂજા બને છે અને મંદિર કે વિદ્યામંદિરના શાંત પવિત્ર વાતાવરણમાં આ સાધના વધુ સરળતાથી શક્ય છે, એ હકીકત નકારી શકાય નહિ.

વળી સાધના માટે નિયમિતતા, (Regularity), સ્થિરતા (Stability), નિશ્ચિંતતા (Security) વગેરે પણ સહાયરૂપ થાય છે. શિક્ષક ભાઈ-બહેનોને સમયબદ્ધ રીતે શાળાએ જવાનું અને આવવાનું, સમયસર પોતાના વિષય તાસ લેવાના હોય છે. ધંધો કરનારની જેમ રાત-દિવસની યંત્રવત્ દોડધામ નહિ અથવા કારખાનામાં કાર્ય કરતાં નોકરિયાતોની જેમ શિફ્ટ ડ્યૂટી નહિ ! સાધના માટે, સ્વાધ્યાય માટે સમય પણ તેઓ ધારે એટલો ફાળવી શકે – પૂર્વઘોષિત રજાઓ, અઘોષિત રજાઓ, વેકેશનની રજાઓ, હડતાલની રજાઓ સિવાય Earned leave, Casual leave, Medical leave વગેરે ખરી જ. પીરીયડો વચ્ચે પણ સમય કાઢી શકાય. વળી તેઓને નિશ્ચિત પગાર (Fixed Salary) મળે એટલે જીવનમાં સ્થિરતા અને નિશ્ચિંતતા (Security) હોય છે જ્યારે ધંધામાં તો ક્યારેક ચડતી આવે તો ક્યારેક પડતી ય આવે. આમ બધી રીતે જોતાં શિક્ષકત્વનું કાર્ય એ સાધના માટે સૌથી વધુ અનુકૂળ કાર્ય છે. જ્ઞાનદાનથી મોટું કયું દાન હોઈ શકે ? ઉચ્ચતમ સેવાની સર્વોત્તમ તક તેઓને મળેલ છે. ‘જે કરે સેવા તે પામે મેવા’ના સિદ્ધાંત પ્રમાણે તેઓને આમ બેવડો લાભ મળી શકે છે. વંદન હો સમાજના પાયાના પથ્થર સમાં શિક્ષક ભાઈ-બહેનોને !

૭મી જૂન, ૧૮૯૬ના રોજ સ્વામી વિવેકાનંદે મિસ માર્ગારેટ નોબેલને પત્ર દ્વારા સળગતો સાદ આપ્યો હતો- ‘દુનિયાને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળમાં આત્મબલિદાન તે કાયદો હતો અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય બહુજન સુખાય’ દુનિયાના વીરોમાંયે શૂરવીર અને શ્રેષ્ઠમાંયે સર્વશ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અનંત દયાવાળા સેંકડો બુદ્ધોની જરૂર છે… જાગો, ઓ મહાનુભાવો ! જાગો, દુનિયા દુ:ખમાં બળી રહી છે, તમારાથી સૂઈ રહેવાય કે? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલા દેવો જવાબ ન આપે ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો.’ મિસ નોબેલે આ પોકાર સાંભળ્યો, પોતાનું સમસ્ત જીવન ભારતીય નારીના શિક્ષણના કાજે, ભારતમાતાના કાજે, જગતના ઉદ્ધારના કાજે નિવેદિત કરી દીધું, એટલા માટે સ્વામી વિવેકાનંદે તેમને બ્રહ્મચર્યદીક્ષા વખતે નામ આપ્યું – ‘નિવેદિતા’. પોતે જાગૃત થયા પછી તો તેમણે કેટકેટલાંયને જગાડ્યાં ! તેમનું જીવન શિક્ષક ભાઈ-બહેનો માટે અત્યંત પ્રેરણાદાયી છે.

વિશ્વનો ઇતિહાસ આવાં જ શિક્ષક ભાઈ-બહેનોનો ઇતિહાસ છે જેમણે પોતે માનવસમાજ માટે ઐતિહાસિક કાર્ય કર્યું છે અથવા ઇતિહાસ સર્જનારા મહાન વ્યક્તિઓના શિક્ષકરૂપે તેઓને પ્રેરણા પૂરી પાડી છે. કેટલાય અંગ્રેજો પોતાની મહાનતાનો શ્રેય ૧૯મી શતાબ્દીના સુપ્રસિદ્ધ હેડમાસ્ટર આર્નોલ્ડ થોમસનને આપે છે. ૧૯મી શતાબ્દીના શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અથવા તો આપણી શતાબ્દીના શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’, સ્વામી પ્રેમેશાનંદજી – કેટકેટલાનાં નામ યાદ કરવાં ? સ્વામી વિવેકાનંદ પોતે પણ સંન્યાસ ગ્રહણ કર્યા પહેલાં શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં થોડા સમય માટે ‘હેડમાસ્ટર’ રૂપે રહ્યા હતા, શિક્ષકત્વનું કાર્ય તેમને સૌથી વધુ પસંદ હતું.

શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ – માસ્ટર મહાશયથી કાકાસાહેબ કાલેલકર ખૂબ પ્રભાવિત થયા હતા, તેમને મળવા તેઓ કલકત્તા ગયા હતા. શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે જે વાર્તાલાપો કરતા તે માસ્ટર મહાશય પોતાની ડાયરીમાં લખી રાખતા. પછીથી સ્વામી વિવેકાનંદના આગ્રહથી તેમણે પુસ્તકાકારે આ ડાયરીનાં લખાણ પ્રકાશિત કર્યાં. મૂળ બંગાળીમાં લખાયેલ આ પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નો હિન્દી અનુવાદ સૂર્યકાન્ત ત્રિપાઠી- નિરાલાજીએ કર્યો છે.

અંગ્રેજી, ફ્રેંચ, જર્મની, સ્પેનીશ, રશિયન, ડચ વગેરે વિદેશની ઘણી ભાષાઓમાં, અને ગુજરાતી, મરાઠી, કન્નડ, તામિલ, તેલગુ, મલયાલમ, ઉડીયા, વગેરે દેશની કેટલીય ભાષાઓમાં આ પુસ્તકના અનુવાદોની લાખો પ્રતો પ્રકાશિત થઈ છે. કેટકેટલાંય નરનારીઓનાં જીવનમાં કથામૃતની અમીધારાએ શાંતિનું સિંચન કર્યું છે, કેટલાંયને આત્મહત્યામાંથી, હતાશામાંથી ઉગાર્યા છે, કેટકેટલાંયના જીવનમાં પરિવર્તન આણ્યું છે. રામકૃષ્ણ મઠ અને મિશનના અનેક સંન્યાસીઓ પોતાના જીવનના પરિવર્તન માટે આ પુસ્તકને પ્રેરણાસ્રોત માને છે. એક શિક્ષક વિશ્વના ઇતિહાસમાં કેટલું મોટું પ્રદાન કરી શકે તેનું આ ઉજ્જવળ ઉદાહરણ છે.

આજે રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશના અનેક કેન્દ્રોના વડારૂપે આસનસ્થ સંન્યાસીઓના પ્રેરણાસ્રોત હતા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ, જેઓ પોતાના પૂર્વાશ્રમમાં એક શિક્ષક હતા. તેમના તેજસ્વી ચારિત્ર્યથી પ્રભાવિત થઈ, તેમની પ્રેરણા મેળવી કેટલાય યુવકોએ પોતાનું સમસ્ત જીવન જગતના કલ્યાણાર્થે હોમી દીધું – રામકૃષ્ણ મિશનમાં જોડાઈ ગયા. તેઓ પોતે ઘણાં વર્ષો પછી રામકૃષ્ણ સંઘમાં જોડાયા.

આજે પણ કેટલાંક શિક્ષક ભાઈ-બહેનો નામ યશ-માન-સન્માનની અપેક્ષા રાખ્યા વગર, પ્રતિકૂળ સંજોગોમાં પણ, નિંદાની પરવા કર્યા વગર, ઉન્નત જીવન જીવી રહ્યાં છે અને વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં રાષ્ટ્ર નિર્માણમાં, સમાજ ઘડતરમાં મહાન ભૂમિકા ભજવી રહ્યાં છે. આ સૌ શિક્ષક ભાઈ-બહેનો હાર્દિક અભિનંદનને પાત્ર છે – તેઓને આપણા વંદન હો. પ્રભુના ચરણોમાં પ્રાર્થના કે આવાં મહાન શિક્ષક ભાઈ-બહેનોની સંખ્યા વધતી રહે- સ્વામી વિવેકાનંદનો સળગતો સાદ ‘જાગો, જાગો’ સાંભળીને શિક્ષક ભાઈ-બહેનો પોતે જાગે અને બીજાંઓને જગાડે, પોતાનું ચારિત્ર્ય ઘડતર કરે, વિદ્યાર્થીઓને સાચા અર્થમાં મનુષ્ય બનાવે, અને આમ પોતાનું માનવ જીવન સાર્થક કરે અને સમાજ ઘડતર માટે, વિશ્વના કલ્યાણ માટે મહાન યંત્ર રૂપ બને.

Total Views: 313

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.