ગતાંકથી આગળ…

રાત્રે આઠેક વાગ્યે નાછૂટકે અને ક-મને ચાર પરિક્રમાવાસીઓને થોડું થોડું ભોજન આપવું પડ્યું. અમે તે પ્રસાદ રૂપે ગ્રહણ કર્યું. હજી પણ ઠંડીના દિવસો ચાલુ હતા. ચારેય તરફ ખુલ્લા ડુંગરાઓ હતા અને રાત્રે ધીમે ધીમે ઠંડી વધતી જવાની હતી. જો રાત્રે અહીં ઓટલા ઉપર જ સૂવાનું થાય તો ઠંડીના કારણે મંડળીમાંના એકાદ-બેના પાળિયા બંધાવાની ઘણી શક્યતા હતી !

અમારી મંડળીમાંના પંડિતજી બાહોશ અને ચાલાક! તેમણે સરપંચના ઘરમાં પ્રવેશ કરીને જોઈ લીધું કે તેમના ઓરડાના બે ખૂણામાં બે-બે પથારીની જગ્યા આરામથી થઈ શકે તેમ છે ત્યારબાદ પંડિતજી અમને બધાને એમના ઘરમાં લઈ ગયા, જાણે કે પોતે જ ઘરમાલિક હોય. અને અમને કહેવા લાગ્યા કે, ‘મહારાજજી, આ બાજુ બે પથારી અને પેલી બાજુ બે પથારી કરી લો, ઠંડી નહીં લાગે.’ અમે પણ આજ્ઞાંકિત શિષ્યોની જેમ ‘હા, હા, પંડિતજી’ એમ કહીને અમારાં આસનો ઘરમાં લઈ ગયા. સરપંચ અને ઘરના અન્ય પરિવારજનો બાઘાની જેમ આ બધું જોતા રહ્યા અને મૌન રહ્યા. મૌન પણ એક પ્રકારની સંમતિ જ છે! એ લોકોને પણ એમ થયું હશે કે પરિક્રમાવાસીઓને બહાર સુવડાવવામાં જોખમ છે. સૂવાની પથારીઓ ઓરડામાં ગોઠવાઈ ગઈ અને આખા દિવસના પરિશ્રમથી થાકેલાં શરીર ઘસઘસાટ નિદ્રાધીન થયાં.

વહેલી પ્રભાતે નિત્યકર્મ પૂર્ણ કરી મંડળી પોતાના સાધન-ભજનમાં રત હતી. સરપંચના દીકરાએ ટીવીમાં મોટા અવાજે આધુનિક ગાનોના ઘોંઘાટથી વિક્ષેપ ઉત્પન્ન કર્યાે. જાણે પોતાના આશ્રમમાં કોઈએ વિક્ષેપ ઉત્પન્ન કર્યાે હોય એ રીતે એક સંન્યાસી છોકરાને વઢ્યા. છોકરો તો વિસ્ફારિત આંખોએ જોવા લાગ્યો. મારું ઘર, મારું ટીવી અને મને ઠપકો! શરૂઆતમાં તો તેણે ગણકાર્યું નહીં પણ થોડી ક્ષણો પછી ટીવી બંધ કરી જતો રહ્યો. સવારના ચા-પ્રસાદ કરી મંડળી એક નવા અનુભવ સાથે નર્મદેહરના નાદ સાથે પરિક્રમા માર્ગે નીકળી પડી.

આજે ચાલતાં ચાલતાં બપોર થઈ ગયા. ગઈ કાલે સવારના ૧૦ વાગ્યે ભોજન અને રાત્રે ઉપવાસ જેવા ભોજનના કારણે બધાને કકડીને ભૂખ લાગી હતી. એક ગામ આવ્યું. નાની કિરાણાની દુકાનવાળા સદ્‌ગૃહસ્થે યથાશક્તિ પારલેના બિસ્કિટનું એક એક પેકેટ આપ્યું. આથી તો સંન્યાસી છંછેડાઈ ગયા. જાણે ઘોર અપમાન લાગ્યું. સામેના નાનકડા શિવમંદિરના છાંયામાં પોતાનું પ્લાસ્ટિક-આસન પાથરી વિશ્રામ કરતાં કરતાં સૂવાનો ડોળ કરવા લાગ્યા. અને બધો ગુસ્સો શિવમંદિરના અધિષ્ઠાતા ભગવાન શિવ પર જાણે ઊતર્યાે. કોઈની પાસે નથી ભીખ માગવી કે નથી ભિક્ષા માગવી. ભોળાનાથ તો ભોળાનાથ છે, કરુણાસાગર. લગભગ પંદર-વીસ મિનિટ પછી એક સદ્‌ગૃહસ્થ હાજર થયા અને અમારી મંડળીને નમસ્કાર કર્યા અને કહ્યું, ‘બાબા, ચાલો અમારે ત્યાં ભોજન કરવા માટે.’ અમને તો વિસ્મય થયો. અમે સૂતાં સૂતાં જ પૂછ્યું, ‘તમે કેવી રીતે અહીં આવ્યા?’ એમણે કહ્યું, ‘જુઓ, આ મંદિરની પરસાળથી ૨૦૦ મિટરના મેદાન પછી નાનાં નાનાં મકાનોની કોલોની છે. એમાં મારું પણ ઘર છે. મારાં પત્ની ઘરના પાછળના ભાગમાં આવ્યાં ત્યારે તેમણે શિવમંદિરે સંતોની મંડળીને જોઈ અને તરત મારી પાસે આવી કહ્યું, ‘શિવમંદિરે પરિક્રમાવાસી સાધુ-સંતો આવ્યા લાગે છે, તાત્કાલિક તેઓને લઈ આવો. આપણા ઘેર ભોજન કરાવીએ.’ ભગવાન શિવ અને નર્મદામૈયાની અનંત કરુણાનો મંડળીના દરેક સભ્યને અનુભવ થયો. અમૃત સમાન સુંદર ભોજન ગ્રહણ કરી મંડળી આગળ વધી. હવે ઝરવાણી ગામ આવવાનું છે. સરદાર સરોવર નજીક, રેવાનદીના સામા કિનારે, સાતપુડા પર્વતમાળામાં આવેલું છે ઝરવાણી ગામ, જે નર્મદા વનવિભાગનો શૂળપાણેશ્વર અભયારણ્યનો એક ભાગ છે. અભયારણ્યની સીમાઓ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યો સાથે પણ જોડાયેલી છે. વનવિભાગ દ્વારા ઝરવાણી ખાતે કેમ્પિંગ સાઈટ્સ બનાવાઈ છે. અહીં આશરે ૧૫-૨૦ પ્રવૃત્તિઓ જેવી કે ટ્રેકિંગ, બર્ડ વોચિંગ, રાત્રી-આકાશદર્શન, બોટનિકલ ગાર્ડન, ઔષધિવનમાં લટાર, સ્થાનિક આદિવાસી ભોજન, ફિલ્મ, ચિત્રકામ વગેરે કરાવવામાં આવે છે. સામાન્યતઃ નવેમ્બર સુધી અહીં ધોધ પડતો હોય છે. ચોમાસામાં ઉપરવાસ વરસાદ પડે ત્યારે એ સમય પૂરતું પાણીનું તાણ વધી જાય અને માટી મિશ્રિત ધોધ પડવા લાગે, અન્યથા શ્વેત ધોધ અને પારદર્શક ઘૂંટણબૂડ પાણી રમણીય હોય છે. ધોધનું સાચું નામ ધરખડી ધોધ છે.

ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે. એટલે તો નર્મદા જિલ્લાને કેટલાક કાશ્મીર કહે છે. ઝરવાણી ધોધ ભલે ઊંચાઈમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડૂબ નદીના પાણીમાં ચાલીને જવું પડે છે. જે એક સાહસ સાથે રોમાંચની લાગણી પણ આપે છે. ઝરવાણી ધોધથી ઉપર જતો રસ્તો ઝરવાણી ગામ તરફ પર્વત પર જાય છે. જ્યાં વન વિભાગનું રેસ્ટ હાઉસ છે, તેની પાછળ વળાંક લેતી નદીથી બનતો નેકલેસ પોઇન્ટ જોવા લાયક છે. નજીકમાં બીજો ધોધ નિનાઇ ધોધ છે.

માથાસરથી ઝરવાણી ૧૦ કિ.મિ. અને ત્યાંથી ૧૧ કિ.મિ. ગોરા કોલોની હરિધામ આશ્રમ થાય છે. ગોરા શબ્દને ન તો રવીન્દ્રનાથ ઠાકુર સાથે સંબંધ છે કે ન તો ગોરા કુંભાર સાથે. આપણે જેને ‘ગોરા’ તરીકે ઓળખીએ છીએ, એ બ્રિટિશરો સાથે સંબંધ છે. ત્યાંના શિક્ષકોએ કહેલ કે ગોરાઓએ જે સોળેક જેટલાં ક્વાર્ટર્સ બનાવેલાં એ ગોરા કોલોની તરીકે ઓળખાતાં હતાં. એમાંનાં જ પાંચેક ક્વાર્ટર્સમાં નિવાસી શાળા ચાલી રહી છે. ત્યારથી એ વિસ્તારનું નામ ગોરા કોલોની અને વળતે દિવસે ગામનું નામ પણ ગોરા પડ્યું.

ઝરવાણીની આજુબાજુના ડુંગરો અને નીચે વહેતી નાનકડી નદી અને તેમાંથી પડતા નાનકડા ધોધનો આહ્લાદ માણી, ગોરા કોલોનીમાં આવેલ નવા બંધાયેલ શૂળપાણેશ્વર મંદિરનાં દર્શન કરવાની તાલાવેલીમાં તરત જ આગળ નીકળી પડ્યા.

શૂળપાણેશ્વરનું પ્રાચીન મંદિર અને અન્ય તીર્થાે હવે નર્મદા ડેમના નીરમાં ગરક થઈ ગયાં છે. સરકાર અને ભક્તો દ્વારા નવનિર્મિત આ શૂળપાણેશ્વર મંદિરનો મહિમા પણ ઘણો છે. પ્રાચીન સમયમાં શૂળપાણેશ્વર તીર્થમાં શિવજીના ત્રિશૂળમાં લાગેલ કલંક અને ડાઘ દૂર થયાં હતાં તેમ અમારાં પણ ભવોભવનાં પાપ-તાપ, શ્રાપ વગેરે દૂર થઈ જશે એવી મોટી આશા હતી! પરંતુ હજુયે અમને સાચાં જ્ઞાન-ભક્તિ તો પ્રાપ્ત નથી થયાં. તો તીર્થાેનો મહિમા અને સાચા હૃદયથી પરિક્રમા કરનાર પરિક્રમાવાસી પર શ્રી શ્રીનર્મદામૈયાના અમોઘ આશીર્વાદ શું વિફળ? પરંતુ સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ વગેરેની અનેક આંટીઘૂંટી હોય છે. એટલે જ ભગવદ્ ગીતામાં કહ્યું છે ઃ

‘किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः।’

અર્થાત્ ‘કર્મ શું અને અકર્મ શું એ વિશે સંતો પણ મૂંઝવણ અનુભવે છે.’ વળી પરમ ભક્ત નરસિંહ મહેતાએ પણ આપણને મોટો દિલાસો આપ્યો છે ઃ

‘જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો.’

શૂળપાણેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ અમારી મંડળીને ઉમળકાભેર આવકાર આપ્યો. જળ આપી મંદિરમાં પૂજા કરવાની અમારી ઇચ્છાને પ્રેમભર્યું અનુમોદન આપ્યું. મંદિરની સાધારણ વ્યવસ્થામાં રહેવા માટે અમને આમંત્રણ આપ્યું. પરંતુ અહીંથી તો નર્મદા થોડી દૂર છે. અમારે તો હવે જલદીમાં જલદી નર્મદામૈયાને મળવાની આતુરતા છે. થોડે જ દૂર હરિધામ આશ્રમમાં પરિક્રમાવાસીઓને માટે રહેવાની સુવિધા હોય છે અને ત્યાંથી નર્મદા એકદમ પાસે જ છે. એટલે અમે અમારા ઝોળીઝંડા ઉપાડી આગળ વધ્યા. વળી એક નાનો આશ્રમ આવ્યો. દક્ષિણ ભારતના એક પ્રેમિક સાધુ-મહાત્માએ પરમ પ્રેમપૂર્વક પોતાની કુટિયા એકદમ નાની હોવા છતાં મંડળી ત્યાં રહેવા ઇચ્છે તો તે માટેની સાધારણ વ્યવસ્થા કરી આપવા તત્પરતા બતાવી. પરંતુ મંડળી તો નર્મદામૈયા પાસે જવા અને સ્નાન કરવા માટે અધીરી હતી. મહારાજના હાથે પ્રેમપૂર્વક ચાનું પાન કરી તેમને સંતોષ આપી મંડળીએ હરિધામ તરફ પ્રયાણ કર્યું. (ક્રમશઃ)

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.