ગતાંકથી આગળ….

વડ, પીપળી, આંબલી વગેરે વિશાળ વટવૃક્ષોની વચ્ચે પાકાં બનાવેલાં ભવનોમાં પરિક્રમાવાસીઓ માટે એક વિશાળ ખંડમાં ભોજનગૃહ તેમજ વિશ્રામગૃહ, એક તરફ ભોજન બનાવવા માટે રસોડું અને નાનકડાં શ્રીરામજી અને શિવ મંદિર હતાં. બીજા પ્રાંગણમાં આદિવાસી બાળકો માટે વિશાળ શાળા-છાત્રાલય હતાં. પૂ.ચરણદાસજી મહારાજ અહીંના મહંત સ્વામી છે, જેમનો બીજો એક આશ્રમ સૌરાષ્ટ્રના ગોંડલ શહેરમાં આવેલ છે. પૂ.મહારાજ ત્યારે ગોંડલમાં બિરાજતા હતા. અત્યારે આશ્રમના કોઠારી બટુક મહારાજ હતા. દાઢી-મૂંછથી શોભતું મુખ તથા શ્યામવર્ણ અને હાથી સમાન વિશાળકાય શરીર હોવા છતાં મહારાજ વિદ્યુત ગતિએ કાર્ય કરતા હતા.

નર્મદા જિલ્લામાં નર્મદા બંધ પાસે કેવડિયા કોલોનીથી નજીક તથા રાજપીપળા જવાના હાઈવે રસ્તે ગોરા ગામમાં ‘હરિધામ’ આશ્રમ આવેલ છે. જગ્યા બહુ સારી છે. આ જગ્યાની નજીકમાં ચંદ્રવંશી રાજા હરિણ્યના તેજ-તપથી ધરતી પર અવતરિત થયેલ નર્મદા નદી વહે છે. નર્મદા ગુજરાતની જીવાદોરી જ નહીં, પરંતુ ભારતીય ધર્મસંસ્કૃતિની આદ્ય જીવનધારા છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના હોય, આદ્ય જગદ્‌ગુરુ શંકરાચાર્યજીની મંત્રદીક્ષા હોય કે અન્ય દેવતાઓનો વાસ હોય, નર્મદા નદીના તટ ઉપર સૂર્યવંશી અને ચંદ્રવંશી મહારાજાઓએ દશ યોજનના વિશાળ યજ્ઞમંડપ અને અનેક કુંડ સ્થાપીને અશ્વમેધ યજ્ઞ કર્યા છે. નર્મદા સર્વદેવમયી અને સર્વતીર્થમયી છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નર્મદાનદીનો પ્રવાહ સાત કલ્પ સુધી અવરોધાશે નહીં. સ્કંદ પુરાણના સાતમા ખંડ અનુસાર નર્મદાના ધરાવતરણથી લાખો વર્ષ પછી ત્રેતાયુગના પ્રથમ ચરણમાં ગંગાનદીનું ધરતી ઉપર અવતરણ થયું હતું. ગંગાનદી પછી ૬ લાખ ૪૮ હજાર વર્ષ બાદ યમુના, સરયૂ, સરસ્વતી, ગંડકી વગેરે નદીઓનું ત્રેતાયુગના બીજા ચરણમાં અવતરણ થયું હતું. નર્મદા નદીની આટલી પ્રાચીનતાને કારણે આ નદી ભારતીય સંસ્કૃતિની આદ્ય નદી બની રહી છે. એક સંશોધન અનુસાર ચંદ્રવંશી રાજા હરિણ્ય દ્વારા ૧૪ હજાર વર્ષની આકરી તપસ્યા બાદ પ્રસન્ન થયેલા ભગવાન શિવજીના અનુગ્રહથી આજથી ૧,૯૭,૨૪,૭૨,૨૬૨ વર્ષ પહેલાં સ્વાયંભુવ મન્વન્ત સત્યયુગના પ્રથમ ચરણમાં માગસર માસની સુદ-૭ના દિને વિંધ્ય પર્વતના શિખર ઉપરથી નર્મદા નદીનું આ પૃથ્વી પર અવતરણ થયું છે. આ નદીનો તટ અનેક ઋષિ-મુનિઓનું સાધનાસ્થળ બની રહ્યો છે. આજે વિશ્વમાં કોઈ પણ નદીની પ્રદક્ષિણા થતી હોય તો તે માત્ર નર્મદા છે. આજે પણ લોકો તેની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ છે ગંગા, પણ જયેષ્ઠ છે નર્મદા. જ્યારે ગંગા નહોતી, નર્મદા ત્યારે પણ હતી. નર્મદા મહિમાનું આ વિવરણ હરિધામ દ્વારા પ્રકાશિત પુસ્તકમાંથી સાભાર ગૃહીત છે. આવી પવિત્ર નર્મદાને કાંઠે પૂજ્યશ્રી હરિચરણદાસ બાપુનો ‘હરિધામ’ આશ્રમ આવેલ છે. સુંદર બાગ અને પવિત્ર વાતાવરણ. શહેરોના કલુષિત વાતાવરણથી દૂર માનવી જ્યારે અહીં આવે છે, ત્યારે તેને અનેરી શાંતિ મળે છે.

વિશ્રામગૃહમાં આસન લગાવી સંન્યાસી નર્મદા સ્નાન માટે દોડી ગયા. સ્ફટિક સમાન નિર્મળ, પાવન, શીતલ જળનો સ્નેહ-સ્પર્શ થતાં જ શરીર-મનની આધિ-વ્યાધિ જાણે ક્યાંય દૂર થઈ ગઈ. જાણે આદિકાળ પછી ફરી નર્મદા-સ્નાન કરવા આવતા હોય તેમ નર્મદામૈયાની ગોદમાંથી બહાર નીકળવાનું મન થતું જ ન હતું.

હરિધામમાં બે દિવસ આનંદથી વિતાવ્યા પછી પી.સ્વામીએ પરિક્રમામાં આગળ વધવાની ઇચ્છા પ્રગટ કરી. તેમણે કહ્યું, ‘ચાતુર્માસને તો હજુ સમય છે. આજે તો ૭મી માર્ચ, ૨૦૧૫ અને ચાતુર્માસ ગુરુપૂર્ણિમા પછી શરૂ થશે. ત્યાં સુધીમાં તો ઘણુંયે અંતર કપાઈ જશે.’ પરંતુ સંન્યાસીએ કહ્યું, ‘ગુજરાતમાં નર્મદાતટે સૌથી વધુ તીર્થસ્થાનો આવેલાં હોવાથી બધાં તીર્થાેનો આહ્‌લાદ લઈને ગુજરાતમાં જ કોઈ એક સારી જગ્યાએ ચાતુર્માસ કરવા ઇચ્છું છું.’ પછી સંન્યાસીએ પી.સ્વામીને આગળ વધવું હોય તો વધે એવું સૂચન કર્યું. મંડળીમાં રહેલ ઈન્દોરના પંડિતજીને ખૂબ આશ્ચર્ય થયું, કારણ કે પરિક્રમામાં અવારનવાર ભયજનક નિર્જનસ્થાનો આવતાં હોવાથી એક સાથે ચાલવાથી એકબીજાને ઘણી સહાયતા મળે છે. પરંતુ સંન્યાસી ગુજરાતના નર્મદાતટનાં તીર્થાેમાં વધુ સમય ગાળવા માટે દૃઢ હતા.

આમ અહીં મંડળી વિખેરાઈ અને પી.સ્વામી તેમજ પંડિતજી પરિક્રમામાં આગળ વધ્યા. સંન્યાસી અહીં વધુ બે-ત્રણ દિવસ રહી પરિક્રમામાર્ગમાં એક કિ.મિ. દૂર આવેલ સ્વામી વિયોગાનંદ મહારાજના આનંદ આશ્રયધામમાં પહોંચ્યા. નર્મદા જિલ્લાના શૂળપાણેશ્વર ક્ષેત્રના ગરુડેશ્વર તાલુકાના ગોરા મુકામે વસંતપુરામાં આનંદ આશ્રયધામ આવેલ છે.

શાંત, સુંદર, સ્વચ્છ, સુઘડ આશ્રમ. ચારે તરફ વૃક્ષ-લતા. આરસપહાણનાં સુંદર મંદિરો-ભવનો. આ બધી સેવા-સુવિધા અને દિવ્યતાથી મહેંકતો આશ્રમ સાધકના મનને હરી લે છે. અહીંના પ્રભારી સ્વામી કૃપાલાનંદ મહારાજે લાગણીભર્યું સ્વાગત કર્યું. સંન્યાસીએ થોડા દિવસ આ આશ્રમમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરતાં સ્વામીજીએ નિવાસ કરવાની હર્ષપૂર્વક પરવાનગી આપી. સ્ફટિકનું શિવલિંગ ધરાવતા ભગવાન ચંદ્રમૌલેશ્વર, રાજરાજેશ્વરી ત્રિપુરાસુંદરી તથા પંચમુખી હનુમાનજી આરસપહાણના આ વિશાળ મંદિરમાં બિરાજમાન છે.

૩૦૦ માણસ બેસી શકે તેવું આરસપહાણનું બનેલ આ મંદિર અત્યંત દિવ્ય અને ભવ્ય છે. આ મંદિરની બહાર આગળની તરફ જમણી બાજુ શ્રીગણેશજીનું આરસપહાણ નિર્મિત સંુદર નાનું મંદિર છે. આશ્રયધામમાં પરિક્રમાવાસીઓ માટે નિવાસભવન, ભોજનાલય, સત્સંગ હોલ, ગૌશાળા, અતિથિશાળા, યજ્ઞશાળા, છાત્રાલયની સેવા થાય છે. અતિ પાવન, રમણીય, નિર્જન એવું આ ધામ સાધકોને સાધના માટે અત્યંત ઉપકારક અને ફળદાયી નિવડે છે.

આ આશ્રમની સ્થાપના ૨૦૦૨માં થઈ અને ૨૦૦૫માં વસંતપંચમીના બીજા દિવસે મંદિરોની સ્થાપના થઈ છે. આશરે ૭૫ વર્ષની ઉંમરના વયોવૃદ્ધ, તેજસ્વી, બ્રહ્મનિષ્ઠ મહામંડલેશ્વર પૂ. સ્વામી વિયોગાનંદ સરસ્વતી મહારાજે આશ્રમની સ્થાપના કરી છે. આ ઉપરાંત આ પહેલાં તેમણે હૃષીકેશમાં ‘ગુજરાતી આશ્રમ’ એ નામે પ્રખ્યાત આશ્રમની સ્થાપના કરી છે. પછીથી ગંગોત્રીમાં આવેલ ‘ઈશાવાસ્યમ્‌’ આશ્રમ, ૨૦૦૨માં ‘આનંદઆશ્રમ’ (ગોરાકોલોની), ૨૦૧૫માં નેમાવર પાસે નર્મદાનદીના દક્ષિણતટ પર હંડિયા ગામે ‘શિવકરુણાધામ’ અને તાજેતરમાં ઉત્તરકાશીમાં ગંગાકિનારે પણ આશ્રમની સ્થાપના કરી છે. બધા જ આશ્રમોમાં સાધકો, સાધુ-સંતોની ખૂબ જ સારી સેવા થાય છે. અને પરમ પૂજ્ય મહારાજની તપસ્યાથી આ કેન્દ્રો આપણી આધ્યાત્મિક સંસ્કૃતિની દિવ્ય જ્યોતિ સમાં બન્યાં છે.

પરિક્રમાવાસીઓને પણ બે-ત્રણ દિવસ આશ્રમની સેવાનો લાભ મળે છે. ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ-ગૃહસ્થ પૂજારીઓ વારા પ્રમાણે આખો દિવસ નિત્યક્રમ અનુસાર મંદિરોમાં પૂજા કરે છે. સવાર-સાંજ તેમના સુલલિત કંઠથી વહેતા સ્તોત્રપાઠથી મંદિર ગૂંજતું હોય છે.

અહીંનું સાદું ભોજન પણ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. વિશેષ કરીને રોટલી તો સંન્યાસીની દાઢે વળગી. અહીં આશ્રમમાં બે કૂતરા રાખ્યા હતા. તે બન્ને ચતુર હતા. તેમાંનો એક કૂતરો, તેને ભોજનમાં આપવામાં આવતી રોટલીઓ લઈને દૂર ભાગી જતો અને પછી તરત આમતેમ પોતાની રીતે હરતો-ફરતો. સંન્યાસીને આ જોઈને વિસ્મય થયો. આટલી બધી રોટલી લઈને કૂતરો દરરોજ ક્યાં જતો હશે! સંન્યાસીએ એક વાર તપાસ કરતાં જોયું કે આ કૂતરો રોટલીઓ લઈને દૂર રહેલી રેતીના ઢગલામાં પગ વડે જગ્યા કરી ખાડો કરે છે, તેમાં રોટલીઓ સંતાડી દે છે અને પછી તેના પર રેતી ઢાંકી દે છે. બીજા લોકોને પૂછતાં જાણવા મળ્યું કે હવે પછી જ્યારે એ કૂતરાને ભૂખ લાગશે ત્યારે તે સંતાડેલી રોટલી ખાશે!

આશ્રમની બહાર નર્મદા તરફ ૨૦૦-૩૦૦ મિટરનો પટ હતો અને પછી નર્મદા નદી. સંન્યાસી રોજ સવારે બાલ્યભોગ (નાસ્તો) કર્યા પછી નર્મદા નદીએ સ્નાન કરવા પહોંચી જતા. થોડી થોડી વારે સાયરનો સંભળાતી. એક-બે દિવસ પછી ખબર પડી કે આ સાયરનના અવાજ નર્મદા ડેમના નિયંત્રણ વિભાગમાંથી આવતા હતા. તે લોકો સવારમાં થોડા થોડા સમયના અંતરે નર્મદા ડેમમાંથી પાણી છોડતા હતા અને નર્મદાતટની આસપાસના લોકો સાયરનના અવાજથી સજાગ બની જતા હતા.

સંન્યાસીએ આનંદ-આશ્રયધામના પુસ્તકાલયમાંથી શ્રીમદ્ દેવીપુરાણ લઈ વાંચવાનું શરૂ કર્યું હતું પરંતુ હજીય પૂરું કર્યું નથી. શ્રીશ્રી નર્મદામૈયાની કૃપાથી શૂળપાણેશ્વર ઝાડીની એકદમ અંદરનો પરિક્રમા માર્ગ અત્યંત આનંદ અને સહજતાથી પાર થઈ ગયો હતો તેથી સંન્યાસીને નર્મદાતટે વસવાટ કરતી નર્મદા સ્વરૂપ કેટલીક કન્યાઓને ‘કન્યાભોજન’ કરાવવાની ઇચ્છા હતી. લીંબડીમાં રહેતા શ્રીશ્રી ઠાકુર-મા-સ્વામીજી અને નર્મદામૈયાના પરમ ભક્ત શ્રી સુરેશભાઈ અને બીજા ભક્ત સંન્યાસીને આનંદ-આશ્રયધામમાં મળવા આવ્યા. તેઓને સંન્યાસીએ પરિક્રમાની ખાટી-મીઠી વાતો કરી. તેઓ ખૂબ જ રાજી થયા. શૂળપાણેશ્વરની ઝાડીમાં મદદ કરનાર ઉદાર દિલના આદિવાસીઓની વાત અને તેમની પાસેથી પરાણે લીધેલ બેન્ક ખાતાની વિગત શ્રી સુરેશભાઈને આપી અને તેઓને કંઈક આર્થિક મદદ કરવા કહ્યું જે સુરેશભાઈએ સહર્ષ સ્વીકાર્યું. બન્ને ભક્તો પરિક્રમાવાસીઓને પ્રણામી આપતા ગયા. સંન્યાસી અને આનંદઆશ્રમમાં અતિથિ રૂપે રહેતા ગણેશ બ્રહ્મચારી એક કિ.મિ. આગળ આવેલ હરિધામમાં બટુક મહારાજ પાસે દોડી ગયા અને કન્યાભોજન અંગેની માહિતી પૂછી.

ઉદાર દિલના પૂ. બટુક મહારાજે કહ્યું, ‘માત્ર તમારે શ્રમદાન આપવું પડશે, બીજો ખર્ચ નહીં થાય.’ અમે કહ્યું, ‘શ્રમદાન ઉપરાંત અમે કેટલીક કન્યાને પાંચ રૂપિયા પ્રણામી આપીશું.’ તેમણે કહ્યું, ‘કન્યાની સાથે કુમારને પણ પાંચ રૂપિયા આપવા પડશે.’ પછી શ્રી ગણેશ મહારાજે પણ કંઈક પૈસા આપવાનું કહેતાં, પૂ. બટુક મહારાજે કહ્યું, ‘તમારે થાય તેટલા આપજો, બાકી ભગવાનની કૃપાથી થઈ રહેશે.’ નિશ્ચિત દિવસે મન-શરીર-પ્રાણથી ભોજનપ્રસાદ બનાવવામાં પૂરતું અધિક શ્રમદાન આપ્યું. ભોગ તૈયાર થતાં શ્રીનર્મદાતટે મા નર્મદાને થાળ ધરાવ્યો! શ્રીશ્રી નર્મદામૈયાની પૂજા કરી અડધો ભોજનથાળ જળમાં પધરાવ્યો. તટથી થોડે દૂર બે કન્યાઓ ઊભી હતી. તેઓ આ બધો પૂજાવિધિ જોતી હતી. અમે તેમને પાસે બોલાવી પરંતુ તે ન આવી ત્યારે અમે જ તેની પાસે જઈ વાતો કરી. એક કન્યા લજ્જાશીલ અને બીજી હસતી હતી. તેઓ પાસેની કોઈ શાળામાં ભણે છે તેમ જાણવા મળ્યું. જે હોય તે અમે તેમને ભોજન થાળમાંથી પ્રસાદ અને પાંચ-પાંચ રૂપિયા આપ્યા અને જાણે નર્મદામૈયાએ અમારી નાનીશી પૂજા સ્વીકારી હોય તેવી પરમ સંતુષ્ટિ થઈ. હરિધામ-છાત્રાલયમાં રહેતાં બધાં કુમારી-કુમારને જાતે પીરસીને પ્રસાદ ગ્રહણ કરાવી પરમ સંતુષ્ટિ થઈ. અને આમ સંન્યાસીની ‘કન્યાભોજન’ની ઇચ્છા પૂર્ણ થઈ. (ક્રમશઃ)

Total Views: 339

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.