ગંગા કનખલે પુણ્યા કુરુક્ષેત્રે સરસ્વતી,
ગ્રામે યદિ વા અરણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા.
શ્રીશ્રી મા નર્મદામૈયા ભગવાન શિવના પ્રસ્વેદથી ઉત્પન્ન થયાં છે. તેમને શિવપુત્રી કહે છે. તેમણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને વરદાન માગ્યાં. એક તો તે અક્ષયા અને તેનો ક્યારેય ક્ષય ન થાય. ગંગા જેટલો જ તેમનો મહિમા ગવાય તેથી તેમને દક્ષિણ ગંગા તથા માહેશ્વરી ગંગા કહેવાય છે. લોકકલ્યાણ માટે ભગવાન શિવે તેમને પૃથ્વી પર રહેવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું, ‘મને હંમેશાં આપનાં દર્શન થતાં રહે.’ ભગવાને ‘તથાસ્તુ’ કહ્યું. એટલે જ નર્મદાતટે ઘાટે ઘાટે અસંખ્ય શિવમંદિર છે. તેમજ કહેવત છે, ‘નર્મદાતટે જેટલા કંકર એટલા શંકર.’ તેથી જ વિદ્વાનો કહે છે, ‘નર્મદેશ્વર શિવની પ્રાણપ્રતિષ્ઠાની જરૂરિયાત રહેતી નથી.’ પુરાણના એક મત અનુસાર નર્મદામૈયા બ્રહ્મચારિણી છે. તેમના વિવાહ થયા નથી, તપસ્વિની છે, વૈરાગ્યદાયિની છે. તેથી જ કહેવાય છે, ‘જ્હાન્વી તટે મરણ કુર્યાત્, રેવા તટે તપઃ કુર્યાત્.’ તેથી કેટલાય સાધુ-સંતો, ઋષિ-મુનિઓ અને દેવી-દેવતાઓએ નર્મદાતટે તપસ્યા કરી છે, સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હંમેશાં શિવનો વાસ હોવાથી ભારતનાં સર્વ તીર્થો નર્મદાખંડમાં આવીને વસ્યાં છે. તેથી જ નર્મદાનો ઘાટે ઘાટ પુણ્યશાળી છે, પાવન છે. કહેવાય છે, ગંગાના સ્નાનથી, યમુનાના પાનથી અને નર્મદાનાં દર્શનમાત્રથી સમાન ફળ પ્રાપ્ત થાય છે. ગંગામૈયા સ્વયં વર્ષમાં એક વાર આવી પાપોનો ભાર તેમને આપી નિર્મલ બની ફરી સ્વસ્થાને જાય છે. દર્શનથી પણ બધાંને આનંદ આપનાર હોવાથી તેમને નર્મદા કહે છે અને અવારનવાર વહેણમાં રવ સાથે કૂદકા-ભૂસકા લગાવતાં હોવાથી તેમને રેવા પણ કહે છે. આટલી ગરિમા હોવાથી વિશ્વમાં એક માત્ર નર્મદા નદીની પરિક્રમાનો મહિમા છે.
અત્યારના કાળે ભારતવર્ષમાં અનેક તીર્થો, મંદિરો, દેવી-દેવતાઓ વિશેષ જાગ્રત છે એવું કહેવાય છે. તેમાંનાં એક શ્રીશ્રી નર્મદામૈયા જાગ્રત દેવી છે. પ્રાચીનકાળમાં માર્કન્ડેય ઋષિ, પિપ્લાદ મુનિ, નારદ મુનિ વગેરેથી લઈને આદિગુરુ શંકરાચાર્ય, પૂ. વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ, નારેશ્વરના પૂ.રંગ અવધૂત બાબા, પૂ. મોટા, અહલ્યાબાઈ, માંડવગઢનાં રાણી રૂપમતિ, પૂ. દગડુ મહારાજ, પૂ. ડોંગરેજી મહારાજ વગેરે તથા અત્યારના સમયમાં તૈલી ભટ્યાણના સીતારામ બાબા, જગદીશ મઢીના જગદીશબાપુ વગેરેએ શ્રીશ્રી માની અનુભૂતિ અને કૃપાકટાક્ષ પ્રાપ્ત કર્યાં છે.
આપણા મહાન ઋષિમુનિઓએ માનવજીવનમાં આવતી અનેક મુશ્કેલીને દૂર કરવાના વિવિધ ઉપાયો બતાવ્યા છે. શ્રીશ્રી નર્મદામૈયાને પ્રસન્ન કરવાથી શ્રીશ્રી માની કૃપાથી આિધભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક સમસ્યાઓ દૂર થાય છે. શ્રીનર્મદામૈયા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સહજતાથી આપનારાં કૃપામયી દેવી છે. શ્રીશ્રી નર્મદામૈયાને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો જોઈએ.
એક તો નર્મદામૈયાના તટે તપ કરવું, તેમના પરિક્રમાવાસીઓની સેવા કરવી, નર્મદામૈયાની પરિક્રમા કરવી. ચાતુર્માસ દરમિયાન અથવા અનુકૂળતા અનુસાર કેટલોક કાળ અતિ સાદાઈથી નર્મદાતટે રહી શ્રીમદ્ ભાગવત પારાયણ, રામાયણ, વિષ્ણુસહસ્રનામ, શિવપુરાણ, નર્મદાપુરાણ, શ્રીરામકૃષ્ણ કથામૃત પારાયણ, અથવા ગાયત્રી પુરશ્ચરણ અથવા કોઈ મંત્ર દ્વારા પુરશ્ચરણ, જપયજ્ઞ વગેરે દ્વારા તપ કરવાથી શ્રીશ્રીમાની કૃપા પ્રાપ્ત થાય છે. મહેશ્વરની સામે શાલિવાહન પહેલાં દક્ષિણતટ પર આવેલ માંડવ્યાશ્રમના એક સંત સાથે મુલાકાત થઈ હતી. તેઓ વર્ષોથી નર્મદાતટે રહીને તપસ્યા કરે છે. યુવાન અવસ્થામાં કાવાદાવાથી પોતાની જમીન હડપ કરનારા પર ક્રોધના આવેશમાં પરસ્પર થયેલ હુમલામાં તેમને ખૂનના આરોપ બદલ જન્મટીપની સજા થઈ હતી. તેમનામાં નર્મદાભક્તિના અંકુર રોપાયેલા હતા. તેમને ખૂબ જ પશ્ચાત્તાપ થયો અને વારંવાર વ્યાકુળતાથી નર્મદામૈયાને પોતાને જેલમાંથી છોડાવવા અંગેની પ્રાર્થના કરતા હતા. શ્રીશ્રી માની જાણે કૃપા થઈ! ઇન્દિરા ગાંધીની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે ભારત સરકારે ભારતની જેલમાંથી દશ હજાર કેદીઓને કારાવાસમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમાં આ યુવાનનું પણ નામ હતું! કહેવાય છે કે નર્મદાતટે સતત ત્રણ વર્ષ તપસ્યા કરનારને પછીથી વિશ્વનું એકેય સ્થાન વિશેષરૂપે નિવાસ કરવા માટે સારું લાગતું નથી! ઓમકારેશ્વર મંદિરના પાછળના ભાગે એક શિલા પર કાચી કુટિયામાં વર્ષોથી એક મૌનવ્રતી સંત દિગમ્બર રહી તપ કરે છે. કોઈ કહે છે કે તે ઉન્માદી છે, પાગલ છે પણ તેમના દેહમાં એક પ્રકારનો ચળકાટ, તેજ છે. આ કાષ્ઠમૌનવ્રતધારીને ઘણા પરમહંસ કહે છે!
ઈ.સ.2015ના ગુજરાતી નવા વર્ષના દિવસે સંન્યાસી પરિક્રમા કરતા કરતા ગુજરાતમાં નિકોરા પછી સોમજ ગામમાં સવારે આવી પહોચ્ં યા. મંડળીમાં ત્રણ વ્યક્તિ હતી. એક ઘર પાસેથી પસાર થતા હતા, ત્યાં તો એક બહેને અમારી મંડળીને જોઈને ચા-પાણી પીવા બોલાવી. અગાઉથી નક્કી થયા મુજબ પડોશી સાથે તે બહેનને બહાર દેવદર્શને જવાનું હશે. પડોશી વારંવાર બોલાવતા હતા પણ બહેને પરિક્રમાવાસીઓને જોઈને ચા-પાણી પીવા બોલાવી લીધા. ચા આપતાં આપતાં બહેને કહ્યું, ‘મહારાજ, અમે આ પરિક્રમાવાસીઓની સેવા કરી એને તો આ ગામના ઘણા લોકો અમારી નિંદા કરે. વ્યંગ કરીને કહે કે, ‘આ પરિક્રમાવાસીઓ કંઈ તમારા સગા થાય છે!’ સંન્યાસીએ ગંભીર શબ્દોમાં બહેનને કહ્યું, ‘તમારા પડોશીને કહી દો કે આ પરિક્રમાવાસીઓ જ મારા સાચા સગા છે.’ બહેને કહ્યું, ‘હા મહારાજ, સાચી વાત છે. અમે અત્યંત ગરીબ હતાં. હું અને મારા પતિ ખેતમજૂરી કરતાં અને થઈ શકે તેટલી પરિક્રમાવાસીઓની સેવા કરતા. આજે અમારું પોતાનું ઘર છે, ખેતર છે. અમે અત્યંત આનંદમાં રહીએ છીએ.’ આવાં તો અસંખ્ય ઉદાહરણો છે પરંતુ સ્થાનાભાવને કારણે વિસ્તૃતીકરણ કરતા નથી.
નર્મદા પરિક્રમા કરનારને તો ફળ હાજરોહાજર પ્રાપ્ત થાય છે, તે એટલે સુધી કે પૂ. રંગ અવધૂત બાબા કહે છે કે ‘કોઈ નાસ્તિક હોય તેને પણ ભગવાનની હાજરી અથવા કૃપાનો અનુભવ કરવો હોય તો નીકળી પડે નર્મદા પરિક્રમામાં.’ સંન્યાસીને નાનપણથી શરદીનો કોઠો. અવારનવાર શરદી-ઉધરસ લાગેલાં જ હોય. લીંબડી આશ્રમથી નીકળ્યા ત્યારે નાના દવાખાનામાં સેવા આપતા સેવાભાવી ભક્તે સંન્યાસીને લગભગ દશ-પંદર પ્રકારના રોગોની દવાઓ- જાણે નાનીશી પોટલી આપી દીધી! સંન્યાસીએ પરિક્રમાની શરૂઆતના ત્રીજા દિવસે આ બધી દવા નર્મદામૈયામાં પધરાવી દીધી અને મનોમન નિશ્ચય કર્યો, ‘નર્મદામૈયાની કૃપા અને નિર્મળ જળ જ મારું ઔષધ છે.’ અને આશ્ચર્ય સાથે અનુભવ્યું કે દોઢ વર્ષની આ પરિક્રમામાં સંન્યાસી એક વાર પણ બીમાર પડ્યા ન હતા!
શ્રીશ્રી નર્મદામૈયાની પરિક્રમા દ્વારા તેમની કૃપા પ્રાપ્ત કરી અસાધ્ય બીમારી દૂર થવી, નોકરી મળવી વગેરે જેવી અસંખ્ય સાંસારિક ઇચ્છાઓ અનેકના જીવનમાં પૂર્ણ થઈ છે એવાં અસંખ્ય ઉદાહરણો સંન્યાસીને પરિક્રમા દરમિયાન જોવા-સાંભળવા મળ્યાં. આ વૈજ્ઞાનિકકાળમાં સુવિધાઓ વધી હોવા છતાં પગે ચાલીને નર્મદા પરિક્રમા કરવી કઠિન અને લાંબી છે. આમ બધા માટે ચાલીને પરિક્રમા કરવી અસંભવ છે અને આવશ્યક પણ નથી. આ માટેના ઉપાયો પણ સાધુ-સંતોએ આપ્યા છે. અમૃતલાલ વેગડની જેમ ખંડ-ખંડ પરિક્રમા કરી શકાય, થોડું ચાલીને-થોડું ગાડીમાં બેસીને અથવા પૂર્ણ પરિક્રમા ગાડીમાં બેસીને કરી શકાય. ઘણા કહે છે કે ચૈત્ર મહિનામાં ગુજરાતમાં થતી ૨૧ કિલોમિટરની ઉત્તરવાહિની પરિક્રમા સતત ત્રણ વાર કરીએ તો પૂર્ણ પરિક્રમા જેટલું જ તેનું માહાત્મ્ય છે.
બેલુર મઠમાં દુર્ગાપૂજા વખતે એક વખત શ્રીમા શારદાદેવી દર્શને આવ્યાં. ત્યાં બ્રહ્મચારીઓને શાક સમારતા જોઈને શ્રીમા ખૂબ જ પ્રસન્ન થયાં અને હર્ષવ્યક્ત કર્યો. આ વાત મઠમાં આગની જેમ ફેલાઈ ગઈ અને બધા હર્ષિત થયા કે ગમે તેમ શાકભાજીને કાપીને પણ હોય કે સ્તુતિ કરીને કે જપ કરીને ગમે તેમ શ્રીજગદંબાને પ્રસન્ન કરવાં એ જ આપણો હેતુ છે.
એક સ્વામીજી ખુલ્લા પગે નર્મદા પરિક્રમા કરતા હતા. એક શૂળ જેવો કાંટો તેમના પગમાં ભોંકાયો. તેમના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. તેઓ ‘મા, મા’ કરતા એક પથ્થર પર બેસી ગયા. કાંટો કાઢ્યો. તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં. થોડી વાર પછી જુએ છે તો પાસે જ વહેતા નર્મદામૈયાના નિર્મળ જળમાં કેટલાંક નવાં ચંપલની જોડ તરતી આવતી દેખાઈ. જાણે મા કહેતાં હોય, ‘પહેરી લે, શા માટે આટલું કષ્ટ વેઠે છે?’ આ જોઈ મહારાજને ખૂબ જ આશ્ચર્ય થયું, નર્મદામૈયાની કૃપા વહેતી હોય તેવું લાગ્યું. મહારાજની આંખોમાં વધુ અશ્રુ વહેવા લાગ્યાં અને શ્રી માને કહેવા લાગ્યા, ‘મા! ભૌતિક વસ્તુઓ આપીને તું મને ભ્રમિત ન કર. મારે જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ્ય જોઈએ!’ આમ પ્રસન્ન રાજા પાસે જઈને ચોખા-દાળ માગવાં કે હીરા-મોતી માગવાં તે આપણે નક્કી કરવાનું છે. આમ સાધકો-ભક્તો વિભિન્ન ઉપાયે શ્રીશ્રી નર્મદામૈયાને પ્રસન્ન કરી, અધિકાર પ્રમાણે પોતાની ઇચ્છાપૂર્તિ કરતા હોય છે. શ્રીશ્રી નર્મદામૈયાની જય.
Your Content Goes Here