સ્વામી વિવેકાનંદે 1 જાન્યુઆરી, 1896ના રોજ ન્યૂયોર્કમાં ‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રવચન સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 1, પૃ.55 પર પ્રકાશિત થયેલ છે. આ વ્યાખ્યાનના કેટલાક અંશોને સમજવાનો પ્રયાસ આપણે કરીશું.

આપણી ક્ષમતાઓનું નિયમન

સ્વામીજી કહે છે: ‘આપણે એક જ લક્ષ્ય જુદા જુદા માર્ગે પ્રાપ્ત કરી શકીએ. વેદાંતનો આ એક ભવ્ય વિચાર છે અને આ માર્ગોના મેં ચાર વિભાગ પાડ્યા છે. કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન આ વિભાગો તદ્દન જુદા નથી; એકબીજા એકબીજામાં ભળી જાય તેવા છે… આખરે તો આ ચારે માર્ગો ભેગા થઈને એક બની જાય છે. તમામ ધર્મો તેમજ કાર્ય અને ઉપાસનાની સર્વ રીતો આપણને એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે.’

સ્વામીજીએ આપણા જીવનના પ્રત્યેક પાસાનું વિશ્લેષણ કરી આપણી ક્ષમતાઓને ચાર હિસ્સાઓમાં વહેંચી નાખી છે: કાર્ય કરવાની ક્ષમતા, લાગણીઓને વ્યક્ત કરવાની ક્ષમતા, મનને એકાગ્ર કરવાની ક્ષમતા, અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની ક્ષમતા. આ ચારને કારણે જ આપણે પશુયોનિમાંથી મનુષ્યયોનિમાં પગલું ભરી શક્યા છીએ.

આ ચારેય પરિબળોને જો ઈશ્વરપ્રાપ્તિ હેતુ નિયંત્રિત કરવામાં આવે તો આપણું સમગ્ર જીવન હોમકુંડની જેમ સાધનાગ્નિથી પ્રજ્વલિત થઈ ઊઠે.

આ ચારેય ક્ષમતાઓને નિયંત્રિત કરવા માટે સ્વામીજીએ આપણને ચાર યોગ શીખવ્યા છે. આપણે દિવસ દરમિયાન જે કંઈ કાર્ય કરીએ છીએ તેને આપણે કર્મયોગ દ્વારા સુનિયોજિત કરી શકીએ, આપણી લાગણીઓને આપણે ભક્તિયોગ દ્વારા ઊર્ધ્વમુખી કરી શકીએ, આપણા મનને રાજયોગ દ્વારા સુતીક્ષ્ણ બનાવી શકીએ અને આપણી સંકલ્પશક્તિને જ્ઞાનયોગના માધ્યમે સબળ બનાવી શકીએ.

સ્વામીજી પોતે તો વ્યાવહારિક અને આધ્યાત્મિક જીવનમાં કોઈ અંતર જોતા નથી. પરંતુ જો કોઈ માત્ર વ્યાવહારિક દૃષ્ટિએ પણ વિચારે તો ચાર યોગના ચાર વ્યાવહારિક ગુણો—નિ:સ્વાર્થતા, કરુણા, એકાગ્રતા, અને સંકલ્પશક્તિ—એને સામાજિક જીવનમાં પણ ઘણા ઉપયોગી થઈ પડે.

આજના સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કાર્યક્ષેત્રના યુગમાં એકાગ્રતા અને સંકલ્પશક્તિનું મહત્ત્વ તો બધા જ સમજે છે. પણ એથી ઉત્પન્ન થતા તણાવનું નિવારણ નિ:સ્વાર્થતા અને કરુણા દ્વારા થઈ શકે એનો હજી બહોળો પ્રચાર થયો નથી.

સ્વાધીનતા માટેનો સંઘર્ષ

સ્વામીજી આગળ કહે છે: ‘આપણી આસપાસ જે કાંઈ આપણે જોઈએ છીએ તે સર્વ અણુથી માંડીને માનવ સુધીનાં, જીવનહીન ચેતનાહીન જડ પદાર્થથી માંડીને પૃથ્વી પરની ઊંચામાં ઊંચી સૃષ્ટિ માનવ આત્મા સુધીનાં, સર્વે મુક્તિ માટે મથે છે. હકીકતે જોઈએ તો આ સમગ્ર વિશ્વ આ સ્વાધીનતા માટેના સંઘર્ષનું પરિણામ છે.’

ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અનુસાર પ્રકૃતિ સાથે સંઘર્ષ કરીને અથવા સમયે સમયે આપણા DNAમાં આવતી રહેલ વિકૃતિઓના પરિણામે આપણો વિકાસ થયો છે. પરંતુ હિંદુ શાસ્ત્ર અનુસાર આત્મા સમય અને અવકાશની પરે છે અને પૂર્ણ જ છે.

સમય અને અવકાશની ઉત્પત્તિ, વિશ્વ બ્રહ્માંડની ઉત્ક્રાંતિ, ગ્રહો અને તારાઓનો જન્મ, તેમજ જીવનનો પ્રારંભ આત્માની અભિવ્યક્તિ છે.

આપણા જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે આપણો અંતરાત્મા કોઈ મહત્‌ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા મથે છે. એ ભલે અઘરી પરીક્ષા પાસ કરી પ્રશંસા પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય કે નોકરી-ધંધામાં સફળતા પ્રાપ્ત કરી અઢળક ધન કમાવવાની વાસના હોય કે વિજ્ઞાન, સાહિત્ય, કે કળાના ક્ષેત્રમાં નામના મેળવવાનો સંઘર્ષ હોય—એ બધું જ ધૂંધળા કાચમાંથી દેખાતા સૂર્યકિરણની જેમ પૂર્ણત્વ પ્રાપ્તિની અસ્પષ્ટ છાયામાત્ર છે.

નદીની કલકલ, પક્ષીઓનો કલરવ, પ્રકૃતિનું સૌંદર્ય, પહાડોની સ્તબ્ધતા, માનો સ્નેહ, શિશુનું રુદન, ગાયકનું ગાન—આ બધું જ આત્માની સ્તુતિ-અર્ચના છે.

ગગનને ચુંબતી ઇમારતો બનાવવાની આપણી ઘેલછા, સમુદ્રના તળિયે ડૂબકી મારવાનો ઉત્સાહ, એવરેસ્ટ સર કરવાનો સંઘર્ષ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવનું અન્વેષણ, ચાંદ પર કદમ માંડવાનો વિજય—આ બધા જ પૂર્ણતાની સફરના મુકામો છે.

Total Views: 432

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.