સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ છીએ. આ બધા ભય જે આપણી પાછળ પડેલા છે, તે આપણા જડ દ્રવ્યમાં માનવાને કારણે છે. તેની પાછળ મન હોવાથી જ જડ પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આપણે જે જોઈએ છીએ તે પ્રકૃતિ (‘પ્રકૃતિ’એટલે જડ દ્રવ્ય અને મન)માં થઈને નીકળતો ઈશ્વર છે.’1

આજનો આપણો સૌથી મોટો રોગ છે ‘મારી પાસે સમય નથી’. દિવસ અને રાતની આપણી સાઇકલ એવી ખોરવાઈ ગઈ છે કે કામ પરથી ઘરે મોડા પણ આવીએ અને થાક લાગ્યો હોવા છતાં મોડી રાત સુધી મોબાઇલ અથવા ટીવી જોયા કરીએ. બીજા દિવસની શરૂઆત મોડી થાય અને ઊઠ્યા પછી આખું શરીર નિસ્તેજ લાગે.

કોરોનાકાળના બંધનમાં ટીવી-મોબાઇલનો આ રોગ વધુ વકર્યો છે. આપણને સાત થી આઠ કલાકની ગહન નિદ્રાની જરૂર છે. ટીવી કે મોબાઇલના સ્ક્રીનમાંથી નીકળતા રેડિયેશનના કારણે આપણા મનમાં એવો રજસ ઉત્પન્ન થાય છે કે આપણે નવ-દસ કલાક સૂતા પણ રહીએ છતાં આપણને આરામ મળતો નથી.

આમ ને આમ દિવસો વીતતા જાય ત્યારે મનમાં સ્ટ્રેસ-હોર્મોનનો જમાવડો થતો જાય અને ધીરે ધીરે આપણી એકાગ્રતા અને સંકલ્પશક્તિ શિથિલ પડતાં જાય. મનમાં બધો સમય એક ઉચાટનો અને અનિશ્ચિતતાનો ભાવ રહ્યા કરે અને કશું પણ કરવાથી મન શાંત થાય નહીં.

એક સમય હતો, આપણે જમ્યા પછી રાત્રે ઓટલા પર બેસતા અને પડોશીઓ અને મિત્રો સાથે ગપ લગાવતા. એનાથી જ જાણે દિવસભરનો થાક ઊતરી જતો. પુરુષો કામ પરથી પણ વહેલા ઘરે આવી જતા.

આપણા પૂર્વજો અંધારી રાતમાં આકાશ તરફ જોઈ નક્ષત્રો અને ગ્રહોની ગતિમાં ખોવાઈ જતા. હજુ થોડાં વર્ષો પહલાંની જ વાત, જ્યારે ગામડાઓમાં મોબાઇલ ટાવર આવ્યા નહોતા, ત્યારે બાળકો ખેતરો અને સીમમાં ક્રિકેટ અને ગિલ્લી-ડંડા રમતાં. સૂર્યાસ્ત પછી જ્યારે પ્રકૃતિ સાવ નિ:સ્તબ્ધ થઈ જતી ત્યારે અનંત વ્યોમમાં વ્યાપ્ત ‘હર હર બમ બમ’ના નાદ સાથે આપણે એકચિત્ત થઈ જતા.

એવું નથી કે આજે આપણામાં એકાએક પૈસાનો વધુ પડતો લોભ જાગી ઊઠ્યો છે, પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિષચક્રમાં જોડાઈને ભારત પણ પોતાની ધીર-સ્થિર ગતિને ગુમાવવા બેઠું છે અને અમેરિકા, યુરોપ જેવા ગઈકાલના દેશોની સાથે ચંચળચિત્ત-મર્કટ બનવાના આરે પહોંચી ગયું છે.

હવે પ્રશ્ન થાય કે ભારત જેવી અતિવિકસિત સંસ્કૃતિ કેવી રીતે આ વિષચક્રનો ભોગ બની ગઈ. તો સ્વામીજી કહે છે કે આ જડપ્રકૃતિ પણ ઈશ્વરના પ્રકાશથી જ પ્રકાશિત છે, જે એક ટૂંક સમય માટે વિકરાળ શક્તિ મેળવી બેસે છે. જેમ પૃથ્વી પરનું એક નાનકડું વાદળ પૃથ્વીથી લાખો ગણા વિરાટ સૂર્યને ઢાંકી દે એમ.

સ્વામીજી જ્યારે કાશ્મીરમાં હતા ત્યારે એક તાંત્રિકના શિષ્યો એમના ઉપદેશોથી પ્રભાવિત થઈ એમની મુલાકાતે નિયમિત આવવા લાગ્યા. આ તાંત્રિક ગુસ્સે ભરાઈ ગયો અને એણે સ્વામીજી ઉપર કોઈ જાદુટોણાં કર્યાં. સ્વામીજીને ટૂંક સમયમાં જ ઝાડા-ઊલટી થઈ ગયાં અને એમણે ઉતાવળમાં કાશ્મીર છોડીને કલીકતા આવતા રહેવું પડ્યું. તેઓ શ્રીમા પાસે જઈ ફરિયાદ કરવા લાગ્યા કે યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવનો શિષ્ય, નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત, એવાે હું બે ટકાના તાંત્રિકનાં જાદુટોણાં સામે હારી ગયો! શ્રીમાએ ઉત્તર આપ્યો કે બેટા, ‘શક્તિ’ તો સ્વીકારવી પડે ને.

બીજા એક સુવિચારમાં સ્વામીજી કહે છે:

‘હિંમતવાન બનો તેમજ અંતરથી સાચા બનો; પછી તમે નિષ્ઠાપૂર્વક ગમે તે માર્ગનું અવલંબન લો, તમે અખંડને પ્રાપ્ત કરવાના જ. સાંકળની એક કડીને એકવાર ઝડપી લો એટલે ક્રમે ક્રમે આખી સાંકળ હાથ આવવાની જ. વૃક્ષના મૂળમાં પાણી રેડો (એટલે કે ઈશ્વરને પ્રાપ્ત કરો) એટલે આખા વૃક્ષમાં પાણી પહોંચે; ઈશ્વરને પ્રાપ્ત કરવાથી આપણે બધું પ્રાપ્ત કરીએ છીએ.’2

સ્વામીજીના ગુરુભાઈ સરળ-સહજ સ્વામી અખંડાનંદજી મહારાજ અતિ અલ્પ વયસે શ્રીરામકૃષ્ણદેવની શરણમાં આવ્યા હતા. સંસારનો લેશમાત્ર દોષ એમને સ્પર્શ્યો ન હતો. મા ભારતીની સેવામાં જીવન-સર્વસ્વ હોમી દેવાના સ્વામીજીના આહ્‌વાનને સાદ આપીને તેઓએ અનાથ બાળકોની સેવા કરવાનું બીડું ઝડપ્યું હતું. સારગાછિ નામક એક પરગણામાં તેઓએ અનાથ આશ્રમની શરૂઆત કરી હતી. વૃદ્ધ વયસે તેઓ યુવા સંન્યાસીઓને પ્રેરિત કરવા માટે પોતાના સંઘર્ષના દિવસોનું વર્ણન કરે છે:

‘એ સમયે હું લગભગ પૂરી રાત જાગતો રહેતો. રાત્રે લેખન-વાંચનનું કામ થતું. દિવસ તો આશ્રમનું કામ, અનાથ બાળકોની સેવામાં જ ચાલ્યો જતો. દિવસે તો સ્થિર થઈને લખવા-વાંચવાનો સમય ક્યાંથી મળવાનો! માટે જ રાત્રે બાળકો સૂઈ જાય અને આશ્રમના કાર્યનો પ્રવાહ ધીમો પડે ત્યારે ફૂરસદ મળતી. લખતાં લખતાં વાંચતાં વાંચતાં સવાર પડી ગઈ હોય એમ કેટલા દિવસો સુધી ચાલ્યું છે. આ રીતે કેટલી રાતો એક પછી એક જાગીને વિતાવી છે. લખવાના સમયે અંતરમાંથી ભાવ અને ભાષા સ્ફૂરી આવતાં. આ બાજુ સૂર્યોદય થઈ ગયો છે, દીવાની બત્તી ક્ષીણ થઈ ગઈ છે, અને બાળકોને ઉઠાડવાનો સમય થઈ ગયો છે. થોડી થોડી વારે સૂતેલાં બાળકોની તરફ નજર જતી અને મન ચંચળ થઈ ઊઠતું કે આજે બધા કામમાં મોડું થઈ જશે. છતાં પણ ભાવ બધા આવી પડ્યા છે અને સાથે સાથે જો લખી ન નાખું તો કામકાજમાં વ્યસ્ત સમસ્ત દિન અને સંધ્યા પસાર થયા પછી—સોળ-સત્તર કલાક પછી—એ શું મનમાં રહેશે? આ વિચાર આવતો અને ઝડપથી કલમ ચાલતી. દિન ચાલ્યો જતો, સંધ્યા ચાલી જતી, રાત પણ ચાલી જતી, 24 કલાક પણ ખૂટી પડતા—સૂવાની ફૂરસદ કોની પાસે હતી? ઊંઘ પોતે ઊંઘી પડતી.’3

શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને સંન્યાસી શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે:

‘મા જો જ્ઞાનભંડાર ઠાલવ્યા ન કરે તો ક્યાંથી પ્રાપ્ત કરશો? જ્યારે તે કૃપા વરસાવી બધાં જ બારણાં ખોલી આપશે ત્યારે જ આ લોક અને પરલોકનું રહસ્ય ખૂલશે. આપણે જેને બુદ્ધિ કહીએ છીએ, તે વાસ્તવમાં બુદ્ધિ છે જ નહીં. તેની મર્યાદા ઘણી જ છે, જેને આ જીવનમાં જ જીવનનો ખરો આનંદ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે અને ‘હું કોણ છું, અહીં શા માટે આવ્યો છું? શા માટે દુઃખકષ્ટ ભોગવી રહ્યો છું? માણસ શા માટે દેવત્વ કે પશુત્વને પામે છે?’ આવી સમસ્યાઓના ઉકેલ માટે જે તત્પર છે એ લોકો માટે આ એક જ કર્તવ્ય છે કે કોઈ પણ રીતે ભગવાનને મેળવી લે. એમને જાણવાથી સઘળા પ્રશ્નોની સમાપ્તિ થઈ જશે.

બાળકો થાંભલો પકડીને તેની ચારે બાજુ ખૂબ જોરથી ફરે છે. તેનાથી તેમને ઘણો આનંદ થાય છે. એ લોકોનું મન ક્યાં હોય છે, જાણો છો? તે થાંભલા પર. તેઓ સારી રીતે જાણે છે કે થાંભલો છોડી દેવાથી તેઓ પડી જશે અને તેમને વાગી જશે. થાંભલાને ખૂબ જોરથી પકડીને પછી ગમે તેટલાં ચક્કર લગાવો કોઈ ભય નથી. એ રીતે પહેલાં તેમને જાણવા જોઈએ. તેને જાણીને તે થાંભલો (ભગવાન) ખૂબ જોરથી પકડી રાખવો જોઈએ. થાંભલો જોરથી પકડ્યા પછી જે કંઈ કરશો તે બરાબર જ હશે. ક્યારેય ખોટા રસ્તા પર પગ નહીં પડે. ત્યારે જ્ઞાન, ભક્તિ કે કર્મના કોઈ પણ માર્ગે ભલેને આગળ વધો, તો પણ તમે તો ખરા જ, પણ બીજા દશને માટે પણ કલ્યાણમય બની જશો. તમારો મનુષ્યજન્મ સફળ થઈ જશે.’4

Footnotes

  1. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 3.248
  2. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 3.248
  3. સ્વામી અખંડાનંદ કે જે રૂપ દેખિયાછિ, પૃ. 75
  4. ધ્યાન, ધર્મ અને સાધના, પૃ. 51
Total Views: 653

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.