યદુવંશીઓને ઋષિઓનો શ્રાપ

પોતાના બાહુબળથી સુરક્ષિત યદુવંશીઓ દ્વારા દુષ્ટ રાજાઓ અને એમની સેનાઓનો સંહાર કરીને શ્રીકૃષ્ણે વિચાર કર્યાે કે હજુ પણ પૃથ્વીનો ભાર પૂર્ણરૂપે દૂર થયો નથી કેમ કે જેમના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતા નથી, તે યદુવંશ હજુય પૃથ્વી પર વિદ્યમાન છે. એમણે વિચાર્યું, ‘આ યદુવંશ મારા પર આશ્રિત છે અને જનબળ તેમજ ધનબળને કારણે ઉચ્છૃંખલ બની રહ્યો છે. દેવતાઓ પણ એને પરાજિત કરી શકતા નથી. એના નાશનો એક જ ઉપાય છે- યાદવોમાં અંદરોઅંદર ઝઘડો ઊભો થાય અને તેઓ પરસ્પર લડીને મરે. યદુવંશીઓને પરસ્પર લડાવીને જ હું શાંતિ મેળવી શકીશ અને ત્યાર બાદ સ્વધામ પાછો ફરી શકીશ.’ શ્રીકૃષ્ણે નિશ્ચય કર્યાે કે તેઓ આ કાર્ય બ્રાહ્મણોના શ્રાપના બહાના દ્વારા જ સિદ્ધ કરશે.

એ સમયે વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, નારદ વગેરે મહાન મહાન ઋષિઓ દ્વારકાની નજીક પિંડારક ક્ષેત્રમાં નિવાસ કરી રહ્યા હતા. એક દિવસ યદુવંશના કેટલાક ઉદ્દંડ કુમારો રમતાં રમતાં ઋષિઓ પાસે પહોંચી ગયા. તેઓ જામ્બવતીના પુત્ર સામ્બને સ્ત્રીના વેશમાં સજાવીને ઋષિઓ પાસે લઈ ગયા અને બનાવટી નમ્રતાથી એમના ચરણોમાં પ્રણામ કરીને પ્રશ્ન પૂછ્યો, ‘બ્રાહ્મણો! આ નવયુવતી ગર્ભવતી છે અને તમને એક વાત પૂછવા માગે છે. તમે સર્વજ્ઞ છો. એને પુત્રની બહુ લાલસા છે. તમે લોકો બતાવો કે એના ગર્ભથી પુત્ર જન્મશે કે પુત્રી?’ જ્યારે એ યુવાનોએ એ ઋષિઓની મશ્કરી કરવાની ઇચ્છા કરી ત્યારે ઋષિગણ અત્યંત ક્રોધિત થઈ ગયો. ઋષિઓએ કહ્યું, ‘મૂર્ખાઓ! આ એક એવા મુસળને જન્મ આપશે કે જે તમારા કુળનો નાશ કરવાવાળું હશે!’ ઋષિઓની આ વાત સાંભળીને એ યુવાનો ખૂબ જ ડરી ગયા. તેમણે જ્યારે સામ્બનું પેટ ખોલીને જોયું તો ખરેખર એમાંથી લોખંડનું એક મુસળ જડ્યું. હવે તેઓ પસ્તાવો કરવા લાગ્યા અને રડતાં રડતાં કહેવા લાગ્યા, ‘અમે અભાગિયાઓએ આ શું અનર્થ કરી નાખ્યો? હવે લોકો અમને શું કહેશે?’ આ રીતે તેઓ અત્યંત ભયભીત થઈ ગયા અને મુસળને લઈને રાજસભામાં ગયા. એમનાં મોં ફીક્કાં પડી ગયાં હતાં. રાજસભામાં એમણે રાજા ઉગ્રસેનને સમગ્ર ઘટના કહી સંભળાવી. બધા સભાસદો ઋષિઓના શ્રાપની વાત સાંભળીને તથા મુસળને જોઈને અત્યંત ભયભીત થઈ ગયા. કારણ કે તેઓ જાણતા હતા કે ઋષિઓનો શ્રાપ કદાપિ મિથ્યા થઈ શકતો નથી. રાજા ઉગ્રસેને તે મુસળના ચૂરેચૂરા કરી નાખ્યા અને એ ચૂરાને તથા વધેલા લોખંડના ટુકડાને સમુદ્રમાં ફેંકાવી દીધા. એક માછલી એ લોખંડના ટુકડાને ગળી ગઈ અને ચૂરા સમુદ્રના તંરગોની સાથે સાથે વહેતાં વહેતાં કિનારે આવી ગયા અને થોડાક જ દિવસોમાં ગાંઠ વગરના એક ઘાસ રૂપે ઊગી નીકળ્યા. એક માછીમારે બીજી માછલીઓની સાથે તે માછલીને પણ પોતાની જાળમાં પકડી લીધી. જરા નામના પારધીએ એ માછલીના પેટમાંથી નીકળેલા એ લોખંડના ટુકડાને પોતાના બાણમાં લગાડી દીધો. ભગવાન બધું જ જાણતા હતા. તેઓ આ શ્રાપને મિથ્યા પણ કરી શકતા હતા. પરંતુ તેમને એમ કરવું યોગ્ય જણાયું નહીં.

દેવતાઓનું દ્વારકામાં આગમન

આ પછી એક દિવસ પોતાના સનકાદિ પુત્રો અને દેવતાઓ સાથે બ્રહ્માજી, ભૂતગણો સાથે મહાદેવજી અને તેમની સાથે દેવરાજ ઇન્દ્ર તેમજ બીજા દેવતાઓ દ્વારકા આવ્યા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરવા આવ્યા હતા, જેઓ આ પૃથ્વી પર પોતાના સંબંધીઓ સાથે સાધારણ મનુષ્યના રૂપમાં રહેતા હતા. અહીં તેમણે ભગવાનના અલૌકિક સૌંદર્યનાં દર્શન કર્યાં. તેમણે સ્વર્ગનાં દિવ્ય પુષ્પોથી શ્રીકૃષ્ણને ઢાંકી દીધા તથા ભક્તિભાવથી એમની પૂજા કર્યા બાદ વિભિન્ન પદો અને સ્તોત્રો દ્વારા એમની સ્તુતિ કરી.

પછી બ્રહ્માજીએ હાથ જોડીને ભગવાનને અરજ કરી, ‘પ્રભુ! અમારા લોકોના અનુરોધથી આપે દુષ્ટોનો વિનાશ કરવા માટે આ ધરાધામ માટે અવતાર લીધો હતો. આપે આ કાર્ય પૂરું કરીને ધર્મની સંસ્થાપના કરી દીધી. હવે લોકો કેવળ આપની લીલાઓનું શ્રવણ કરીને આસાનીથી અજ્ઞાનરૂપી અંધકારને પાર કરી જશે. આપને આ ભૂલોકમાં આવ્યાને ૧૨૫ વર્ષ થઈ ગયાં છે. હવે અમારા લોકોનું એવું કોઈ કામ બાકી નથી કે જેને પૂર્ણ કરવાને માટે આપને અહીં રહેવાની આવશ્યકતા હોય. એટલે જો આપ યોગ્ય સમજો તો આપના પરમધામમાં પધારો તથા અમારું પાલન-પોષણ કરો.’ શ્રીકૃષ્ણે કહ્યું, ‘બ્રહમાજી! તમે જે કહી રહ્યા છો, હું પહેલાંથી જ તેમ કરવાનું નક્કી કરી ચૂક્યો છું. પરંતુ હજુ એક કામ બાકી છે. યદુવંશીઓ બળ-વિક્રમ તથા ધનસંપત્તિથી ઉન્મત્ત થઈ રહ્યા છે. તેઓ આ સમગ્ર પૃથ્વીને ગળી જવાને તૈયાર થઈ ગયા છે. એમને મેં એવી રીતે રોકી રાખ્યા છે, જેવી રીતે સમુદ્રને એના કિનારાની ભૂમિ રોકી રાખે છે. જો હું આ ઘમંડી યદુવંશીઓના આ વિશાળ વંશને નષ્ટ કર્યા વિના જ ચાલ્યો જઈશ તો તેઓ સમગ્ર લોકોનો નાશ કરી નાખશે. બ્રાહ્મણોના શ્રાપથી આ વંશના નાશનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એમનો અંત થઈ ગયા પછી હું સ્વધામ પાછો ફરી જઈશ.’ શ્રીકૃષ્ણના આમ કહેવા પર બ્રહ્મા વગેરે દેવતાઓએ એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા.

Total Views: 414

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.