ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન બુદ્ધનો શિષ્ય બન્યો એવું જ્યારે સાંભળ્યું ત્યારે તે અતિ ક્રોધે ભરાયો અને ભગવાન બુદ્ધ પાસે જઈ બેફામ ગાળો દેવા માંડયો. ભગવાન બુદ્ધે પ્રત્યુત્તર આપવાને બદલે અત્યંત પ્રશાંત ચિત્તે બધી ગાળો સાંભળી. બ્રાહ્મણ જ્યારે થાકીને બોલતો બંધ થયો ત્યારે ભગવાન બુદ્ધે બ્રાહ્મણને પૂછ્યું- ‘હે બ્રાહ્મણ દેવતા, તમારે ઘરે કોઈ અતિથિ પધારે ત્યારે તમે તેમને ભોજન સામગ્રી આપો છો ખરા?’ બ્રાહ્મણે તરતજ જવાબ આપ્યો, ‘અવશ્ય. હું અતિથિધર્મ બરાબર જાણું છું. અતિથિને ખાવા પીવાનું આપું છું. તેમજ અન્ય જરૂરી વસ્તુઓ પણ આપું છું.’ ભગવાન બુદ્ધે પૂછ્યું, હે બ્રાહ્મણ દેવતા, જો તે અતિથિ તમારી વસ્તુઓ ન સ્વીકારે તો કહેશો કે આ વસ્તુઓ કોની પાસે રહેશે? કેમ વળી, મારી પાસે જ રહેશે’, બ્રાહ્મણે કહ્યું. ભગવાન બુદ્ધે સ્મિત કરતાં કહ્યું, ‘હે બ્રાહ્મણ દેવતા! તમે મારી પાસે ગાળોની ભેટ લાવ્યા હતા પણ હું રોષે ભરાયો નહિ, સ્વસ્થ રહ્યો, તમારી ગાળોનો સ્વીકાર કર્યો નહિ એટલે આ ગાળોની ભેટ પણ તમારી પાસે જ રહેશે ને?’ બ્રાહ્મણ પાસે આનો કોઈ ઉત્તર નહોતો.

ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના બારમાં અધ્યાયમાં કહે છે કે જે નિંદા-સ્તુતિને સમાન સમજે છે એવો ભક્ત મને પ્રિય છે. શું જીવન-વ્યવહારમાં નિંદા-સ્તુતિને સમાન સમજીને સ્વસ્થ રહેવું શક્ય છે? હા, આજે પણ એવાં પ્રત્યક્ષ ઉદાહરણો જોવા મળે છે જે આ વાતની પ્રતીતિ કરાવે છે.

રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ મહારાજ થોડાં વર્ષો પૂર્વે મિશનના એક કેન્દ્રમાં પધાર્યા હતા. ત્યારે એક બાળકે પૂ. મહારાજ પાસેથી મંત્રદીક્ષા લેવાની હઠ પકડી. તેની માતાએ પણ તેમની પાસે જ મંત્રીક્ષા લીધેલી એટલે તેણે પણ પૂ. મહારાજને આ માટે વારંવાર વિનંતિ કરી. સામાન્ય રીતે પૂ. મહારાજ બાળકોને મંત્રદીક્ષા આપતા ન હતા પણ આ બન્નેની આજીજીથી પીગળી ગયા અને મંત્રદીક્ષા આપી. મંત્રદીક્ષા થઈ ગયા પછી બાળકના પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ધૂઆંપૂવાં થઈ ગયા. તેઓ મોટા ડૉક્ટર હતા અને ઘોર નાસ્તિક હતા. બપોરે જ્યારે પૂ. મહારાજશ્રી પોતાના ઓરડામાં એકલા બેઠા હતા ત્યારે તેઓ ત્યાં અચાનક આવી ચડયા અને ક્રોધાવેશમાં બેફામ ગાળો દેવા માંડયા. તેમણે આરોપ મૂકતાં કહ્યું કે મહારાજે જ તેમના બાળકને ફોસલાવીને મંત્રદીક્ષા આપી દીધી છે. પૂ. મહારાજજીએ નિર્વિકાર ચિત્તે બધું સાંભળ્યું અને પ્રત્યુત્તરમાં મૌન પાળ્યું. પાછળથી (લગભગ બે વર્ષો બાદ) આ ડૉક્ટરનું અદ્‌ભુત હૃદય પરિવર્તન થયું. અને તેઓ રામકૃષ્ણ સંઘના અને પૂ.મહારાજશ્રીના ભક્ત બની ગયા અને મિશનનાં સેવા કાર્યોમાં સક્રિય સહકાર આપવા લાગ્યા.

જ્યારે કોઈ વ્યક્તિ સદ્જીવન જીવવાનો પ્રારંભ કરે છે ત્યારે તેને નિંદાનો સામનો અચૂક કરવો પડે છે. સંસારમાં મોટા ભાગના લોકો મૂલ્યલક્ષી કે આદર્શવાદી જીવન જીવવામાં માનતા નથી. તેમને મન આ બધું વેદિયાપણું લાગે છે, અસામાન્ય લાગે છે. આવા સામાન્ય લોકો નિંદા કરે ત્યારે શું કરવું? આ વિશે હિન્દીમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે :

હાથી ચલે બાજારમેં કૂત્તા ભોકે હજાર ।
સાધુ કો દુર્ભાવ નહિ નિંદે ચાહે સંસાર ।।

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં આ વિષે સુંદર માર્ગદર્શન મળે છે.

૫મી માર્ચ ૧૮૮૨, શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડામાં નાની પાટ પર બેસીને ભક્તો સાથે વાતચીત કરી રહ્યા છે. એક યુવાન – નરેન્દ્ર (પછીથી સ્વામી વિવેકાનંદ)ને ઉદ્દેશીને અને તેની સામે જોઈને શ્રીરામકૃષ્ણ આનંદિત થઈને વાતો કરી રહ્યા છે. સંસારમાં, વ્યવહારમાં રચ્યા પચ્યા રહેનાર સંસારી વ્યક્તિ સંબંધે વાત ચાલી રહી છે. જેઓ ઈશ્વર-ઈશ્વર અને ધર્મ-ધર્મ કર્યા કરે તેમની એ નિંદા કરે. વળી સંસારમાં કેટલાય નઠારા લોકો હોય તેમની સાથે કેવો વ્યવહાર રાખવો ઘટે, એ બધી વાતો ચાલે છે.

શ્રીરામકૃષ્ણ : નરેન્દ્ર, તું શું કહે છે? સંસારી લોકો તો કેટલુંય બોલે! પણ હાથી જ્યારે રસ્તામાં જતો હોય ત્યારે કેટલાંય પ્રાણીઓ તેની પાછળ પડે, પણ હાથી તેની સામું જુએ પણ નહિ, તારી જો કોઈ નિંદા કરે તો તને કેવું લાગે?

નરેન્દ્ર : હું માનું કે કૂતરા હાઉં હાઉં કરે છે.

શ્રીરામકૃષ્ણ : (હસીને) ના રે ના, એટલું બધું નહિં. ઈશ્વર પ્રાણી માત્રમાં છે પણ સારા માણસોની સાથે હળવું મળવું સારું, જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે, એટલે કાંઈ એને ભેટી પડાય નહિ! જો એમ કહો કો વાઘ નારાયણ છે. તો ભાગી જ શા માટે? તેનો જવાબ છે એ કે જેઓ કહે છે કે ‘ભાગી જાઓ’. તેઓ પણ નારાયણ છે તો તેમની વાતો કેમ ન સાંભળવી?

આ પછી શ્રીરામકૃષ્ણદેવે હાથી અને મહાવત નારાયણ વાળી વાર્તા કહી સંભળાવી. ‘જો કોઈ ખરાબ માણસ આપણું નુકશાન કરવા આવે અથવા નુકશાન કરે, તો શું ચૂપ રહેવું?’ એક ભક્તના આ પ્રશ્નના જવાબમાં શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવા માટે જરા તમોગુણ દેખાડવાની જરૂર ખરી, પણ તે નુકશાન કરશે એમ માનીને તેનું નુકશાન કરવું એ યોગ્ય નથી.’ આ પછી ‘સાપ અને બ્રહ્મચારી’ વાળી વાર્તા કહીને શ્રીરામકૃષ્ણદેવે ઉમેર્યું, ‘દુષ્ટ માણસોની સામે ફૂંફાડો રાખવો જોઈએ.’

‘તો શું અન્યાયનો પ્રતિકાર ન કરવો?’ અવશ્ય કરવો, પણ સજ્જન વ્યક્તિ સજ્જનતાને છાજે તેવી રીતે પ્રતિકાર કરે છે. આ વિષે એક પ્રસિદ્ધ વાર્તા છે. એક ભક્ત હોડીમાં બેસીને જઈ રહ્યો હતો, સાથે બેઠેલા લોકો ઘોર સંસારી હતા. તેઓ ભક્તની ઠેકડી ઉડાવવા માંડ્યા. ભક્ત નિર્વિકાર ચિત્તે પ્રભુનું સ્મરણ કરતો બેઠો રહ્યો. નાવ નદીના મધ્યભાગ સુધી પહોંચી. પણ આ લોકોની નિંદાની વર્ષા ભક્ત પર ચાલતી જ હતી, છેવટે ભગવાનથી ન રહેવાયું. તેઓ તુરતજ ભક્તની સામે પ્રકટ થઈ ગયા અને કહ્યું, ‘જો તું કહે તો હમણાં જ આ નાવ પલટાવીને બધાંને ડુબાડી દઉં અને તને બચાવી લઉં.’ ભક્તે હાથ જોડીને કહ્યું, ‘પ્રભુ,પલટાવવી જ હોય તો નાવ નહિ પલટાવતા, આ લોકોની બુદ્ધિ પલટાવી દો. એનાથી સમસ્યાનો ઉકેલ થઈ જશે. બિચારા લોકોની બુદ્ધિ બહેર મારી ગઈ છે. એટલે જ ધર્મની વાત નથી સમજી શકતા ને!’

એકવાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને એક વ્યક્તિએ જણાવ્યું કે અમુક વ્યક્તિ આપની ખૂબ નિંદા કરતી ફરે છે. થોડીવાર તેઓ વિચારમગ્ન રહ્યા, અને પછી તેમણે કહ્યું, ‘મને તો યાદ આવતું નથી કે મેં તેનું કાંઈ ભલું કર્યું હોય…તો પછી કેમ મારી નિંદા કરે છે?’ એનો અર્થ એ કે જેમની તેઓ સહાયતા કરતા તેઓ જ પાછળથી તેમની નિંદા કરતા. પણ તેથી તેમના સ્વભાવમાં કાંઈ ફેર પડ્યો નહિ, તેઓ બીજાનું ભલું કરતા જ રહ્યા.

એક સાધુ નદી કિનારે બેઠો હતો. ત્યારે તેણે જોયું કે એક વીંછી પાણીમાં પડી ગયો. તેણે કરુણાવશ વીંછીને પાણીમાંથી કાઢી બહાર મૂક્યો. જમીન પર આવતા વેંત વીંછીએ સાધુને ડંખ માર્યો. થોડીવાર પછી પાછો તે પાણીમાં પડી ગયો અને તરફડવા માંડ્યો. ફરી સાધુને દયા આવી અને ફરી તેને બહાર કાઢ્યો. જમીન પર આવતાં વેંત વીછીએ ફરીથી ડંખ માર્યો. ફરીથી તે પાણીમાં પડ્યો અને ફરી સાધુએ તેને બચાવ્યો. એક માણસ આ બધું જોતો હતો, તેણે નવાઈથી સાધુને પૂછ્યું, ‘તમને વારંવાર આ વીંછી ડંખ મારે છે છતાં તમે તેને કેમ બચાવો છો?’ સાધુએ કહ્યું, ‘વીછીંનો સ્વભાવ જ છે ડંખ મારવો અને સાધુનો સ્વભાવ છે અન્યનું ભલું કરવું. વીંછી પોતાનો સ્વભાવ છોડતો નથી તો મારે મારો સ્વભાવ શા માટે છોડવો જોઈએ?’

સ્વામી વિવેકાનંદજી કહે છે કે, ‘જ્યારે કોઈ તમારી નિંદા કરે ત્યારે તેને આશીર્વાદ આપો. જરા વિચારો તો ખરા, તેઓ તમારા આ લુચ્ચા અહંને ભૂંસી નાંખીને કેટલું ભલું કરી રહ્યા છે?’ ખરેખર આધ્યાત્મિક સાધનાનો અંતિમ ઉદ્દેશ તો આ ક્ષુદ્ર અહંને સમગ્રતાથી ભૂંસી નાખવાનો જ છે. રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ આ બધા જ યોગો આ ક્ષુદ્ર અહંને ભુલાવવામાં અથવા ભૂંસી નાખવામાં અથવા તેના સ્થાને વિરાટ અહંને સ્થાપવામાં સહાયરૂપ થાય છે. એટલે આપણે તો નિંદા કરનારી વ્યક્તિઓના કૃતજ્ઞ રહેવું જોઈએ કે તેમણે આપણને આ ક્ષુદ્ર અહંને ઓગાળવામાં સહાય કરી! વળી, શાસ્ત્રોમાં કહ્યું છે કે નિંદકના પુણ્ય જેની નિંદા થાય છે તે વ્યક્તિના ખાતામાં જમા થાય છે. આમ, કાંઈ કર્યા વગર આપણા એકાઉન્ટમાં તેમનું પોતાનું પુણ્ય ટ્રાન્સફર કરવા બદલ પણ આપણે તેમના આભારી થવું જોઈએ!

અમેરિકાનું એક સમાચાર-પત્ર વિલિયમ મૅકિન્લેનું સખત વિરોધી હતું. એટલે જ્યારે તેઓ પ્રૅસિડેન્ટ પદ માટે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા ત્યારે આ સમાચાર-પત્રે એક પ્રેસ રિપોર્ટરને તેની પાછળ લગાડી દીધો. તેનું કાર્ય એટલું જ હતું કે મૅકિન્લેની સાથે-સાથે ટ્રેનમાં જવું અને તેમના વિરોધી મુદ્દાઓને સમાચાર-પત્ર માટે મોકલતા રહેવું. તેણે આ કાર્ય પૂરજોશથી શરૂ કર્યું. મૅકિન્લેને પણ આની ખબર પડી પણ તેમણે કાંઈ પ્રતિરોધ ન કર્યો. એક દિવસ તેમણે જોયું કે એ રિપોર્ટર ટ્રેનમાં કડકડતી ટાઢમાં કાંઈ ઓઢ્યા વગર જ સૂતો છે. તેમણે પોતાનો ઓવરકોટ તેને ઓઢાડી દીધો. જ્યારે રિપોર્ટરની ઊંઘ ઊડી અને આ વાતની જાણ થઈ કે તરત જ તેણે સમાચાર-પત્રને તાર દ્વારા પોતાનું રાજીનામું મોકલાવી દીધું. જે વ્યક્તિનું આવું વિશાળ હૃદય હોય કે જે પોતાની ટીકા કરનાર પ્રત્યે આવી મૈત્રી ભાવના રાખે, તેના વિરોધમાં નિંદાના જ સૂર વહાવ્યે રાખવા એ શક્ય ખરું?

અમેરિકાના ભૂતપૂર્વ પ્રૅસિડેન્ટ અબ્રાહમ લિંકને કહ્યું હતું, ‘મારા પર ટીકાના જેટલા પત્રો આવે છે તેમના જવાબ દેવાની તો વાત દૂર રહી, પણ જો તેમને ફક્ત વાંચું, તો પણ મારે બીજું બધું કામકાજ છોડી દેવું પડે. હું તો મારાથી શક્ય એટલી સારી રીતે કાર્ય કરું છું. જો અંતમાં હું સફળ થાઉં તો અન્ય લોકોએ મારા વિરુદ્ધમાં કહેલું બધું ફોગટ છે. અને જો અંતમાં હું ખોટો પુરવાર થાઉં તો હજારો દેવો સોગંદપૂર્વક મારી સચ્ચાઈ પુરવાર કરવા મથે તો ય કાંઈ ફેર પડશે નહિં.’

બે સિદ્ધાંતોમાં જો દૃઢ શ્રદ્ધા હશે તો આપણે આપણી નિંદા સાંભળીને પણ વિચલિત નહિ થઈએ. પહેલો – ‘સત્યમેવ જયતે’, અંતમાં સત્યનો જય અવશ્ય થાય છે. બીજો – કર્મનો સિદ્ધાંત, ‘જેવું વાવશો તેવું લણશો’, જે નિંદા કરશે તેને તેનું ફળ અવશ્ય મળશે પણ આપણે જો પ્રતિક્રિયા કરીશું, તો તેનું ફળ પણ આપણને ભોગવવું પડશે. સ્વામી વિવેકાનંદ રાજ્યોગમાં કહે છે, ‘એક એક દુષ્ટ વિચાર આઘાત ખાઈને પાછો આવવાનો જ, ધિક્કારનો દરેકે દરેક વિચાર, પછી ભલે તે ગુફામાં પેસીને કર્યો હોય, પણ તે સંઘરાઈ રહે છે, અને આ જિંદગીમાં તે પ્રચંડ શક્તિસહિત એક દિવસે કોઈક દુ:ખરૂપે તમારી પાસે આવશે. જો તમે ધિક્કાર અને ઈર્ષ્યાની ભાવના સેવશો તો તે તમારા પર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આવી પડશે. કોઈ પણ શક્તિ તેને રોકી શકતી નથી; એકવાર તમે તેમને વહેતા કર્યા, એટલે તમારે તેમનાં ફળ ભોગવ્યા વિના છૂટકો જ નથી. આ યાદ રાખશો તો દુષ્ટ કામ કરતાં અટકશો.’ આપણે નિર્દોષ હોવા છતાં જ્યારે પોતાની નિંદા સાંભળીએ ત્યારે એમ માનીએ કે આ પણ કદાચ પૂર્વકર્મનું ફળ હશે, તો આ ક્રિયા-પ્રતિક્રિયાના વિષચક્રમાંથી બચી જઈશું.

‘ગામને મોઢે ગળણું ન બંધાય’ આ કહેવત યાદ રાખવાથી, આપણે નિંદાથી વિચલિત નહિ થઈએ. ‘બાપ, બેટો અને ગધેડો’વાળી વાર્તા તો સુપ્રસિદ્ધ છે. બેટાને ગધેડા પર બેસાડ્યો તો લોકોએ બાપની નિંદા કરી, બાપને ગધેડા પર બેસાડ્યો તો લોકોએ બેટાની નિંદા કરી. બન્ને ગધેડા પર બેઠા ત્યારે લોકોએ બન્નેની ગધેડા પર અત્યાચાર કરવા માટે નિંદા કરી. બન્ને પગે ચાલતા ગયા ત્યારે પણ બન્નેની મૂર્ખતા માટે નિંદા કરી. છેવટે લોકોની નિંદા પર ધ્યાન દેવાનું ફળ એ જ આવ્યું, કે બન્ને ગધેડાને ઊંચકીને નદીના પુલ પરથી પસાર થતા હતા ત્યારે ગધેડો નદીમાં પડી ગયો.

એક વૈરાગી સાધુ નદી કિનારે વિશ્રામ લઈ રહ્યો હતો. પોતાની પાસે તે કોઈ ચીજવસ્તુ રાખતો નહિ, તો સુવા માટે પથારી તો ક્યાંથી હોય? ઝાડ તળે જમીન પર એક પથ્થરને ઓશીકું બનાવી સુતો હતો. કેટલીક સખીઓ પાણી ભરવા જઈ રહી હતી, તેમણે આ સાધુને જોયો ત્યારે એકબીજા સાથે વાતો કરવા લાગી, ‘જોયું, પેલા સાધુને, કેવો ઢોંગી વૈરાગી છે! ઓશીકા વગર ભાઈસાહેબને ચાલતું નથી, એટલે પથ્થરનું ઓશીકું બનાવ્યું છે!’ પાણી ભરીને તેઓ પાછી ત્યાંથી પસાર થઈ ત્યારે તેઓએ જોયું કે સાધુએ માથા પરથી પથ્થર ખસેડી લીધો છે. આ જોઈ તેઓ એકબીજાને કહેવા લાગી, ‘સાધુઓ બધાનો ત્યાગ કરી શકે છે, પણ અહંકારનો ત્યાગ કરી શકતા નથી. જોયું પેલા સાધુને? આપણે અમથી એવી ટીકા કરી કે ભાઈસાહેબને માઠું લાગી ગયું અને પથ્થર ખસેડી લીધો!’

કેટલાક લોકોનો સ્વભાવ જ નિંદા કરવાનો હોય છે. આપણે ગમે તેવી રીતે ગમે તેવું સારું કાર્ય કરશું તો પણ તેઓ કાંઈ ખામી કાઢશે જ. ત્યારે આપણે વિચલિત થયા વગર આત્મ-નિરીક્ષણ કરીએ. ‘ખરેખર, આપણી જાણ્યે અજાણ્યે પણ કોઈ ભૂલ તો નથી થતીને. જો ભૂલ થઈ હોય તો તરત જ ક્ષમા માગી લઈએ. આથી નિંદા કરવાવાળામાં અદ્‌ભુત હૃદય પરિવર્તન થશે. જો નિંદા કરવાનો કોઈનો ઉદ્દેશ આપણને ઉતારી પાડવાનો જ હોય અને આપણે સ્વેચ્છાથી ઊતરી જઈએ, નમન કરીએ અને ક્ષમા પ્રાર્થીએ, પછી વિરોધ પક્ષ વિરોધમાં રહી શકે ખરો? જો આપણું અમાર્મિક આત્મ-નિરીક્ષણ એમ સૂચવે કે આ નિંદા સાંભળવી પડે છે તેમાં આપણે સીધી કે આડકતરી રીતે બિલકુલ જવાબદાર નથી, આપણે નામ-યશની આકાંક્ષાથી કે અન્ય કારણોસર નિંદકની ઈર્ષ્યાવૃત્તિને ઉત્તેજન આપવા જેવું પણ કોઈ કાર્ય કર્યું નથી, તો પછી નિંદક માટે પ્રાર્થના કરવી જોઈએ. કોઈપણ કારણ વગર જો કોઈ વ્યક્તિ નિંદા કરતી હોય તો તે ઈર્ષ્યા અથવા અન્ય કોઈ માનસિક રોગથી પીડિત છે અને દર્દી પ્રત્યે તો હમદર્દી જ હોય. માટે તેના આ રોગના નિવારણ માટે પ્રાર્થના કરવી ઘટે.

સ્વામી વિવેકાનંદજીએ જ્યારે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને શિવજ્ઞાનથી જીવસેવાનાં સેવાકાર્યો પ્રારંભ કર્યા ત્યારે સંન્યાસીઓને, દર્દીઓની સારવાર કરવી, હિસાબ રાખવો, આવાં બધાં કાર્યો કરતાં જોઈને લોકો ખૂબ ટીકા કરતા. સ્વામી વિવેકાનંદજીએ પોતાના શિષ્યો સ્વામી કલ્યાણાનંદજી અને સ્વામી નિશ્ચલાનંદજીને રોગીઓની સારવાર કરવા માટે હરિદ્વાર મોકલ્યા. રામકૃષ્ણ મિશનના સાધુઓને અન્ય સાધુઓ અને લોકો ભંગી સાધુ કહીને બોલાવતા અને તેઓને સાધુ જમાતથી અલગ જ સમજતા. ધીરે ધીરે આ સેવાની મહેક પ્રસરવા લાગી, લોકો આ સેવાનું મૂલ્ય સમજ્યા, અને હવે તો અન્ય સંન્યાસીઓ પોતે પણ આવા સેવાકાર્યમાં લાગી ગયા છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, દરેક મહાન કાર્યને ત્રણ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે : વિરોધ, ઉપેક્ષા અને સ્વીકાર. કોઈપણ વ્યક્તિ જ્યારે દૃઢસંકલ્પ થઈ ક્રાંતિકારી પરિવર્તન લાવવાવાળા શુભકાર્યનો પ્રારંભ કરે છે ત્યારે નિંદાનો વંટોળ આવવાનો જ છે. તેણે બહાદુરીપૂર્વક પ્રશાંતચિત્તે આ વંટોળ સહન કરવો જ પડશે. એટલે જ કહ્યું છે, ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને.’

સ્વામી વિવેકાનંદજી જ્યારે અમેરિકામાં ટૂંક સમયમાં અદ્‌ભુત પ્રસિદ્ધિ પામ્યા ત્યારે તેમના જ જૂના ભારતીય મિત્રના પોતાના પેટમાં તેલ રેડાયું. તેણે ખ્રિસ્તી મિશનરીઓ સાથે ભળીને સ્વામી વિવેકાનંદજીની બધા પ્રકારે નિંદા કરવાનો પ્રારંભ કર્યો. ત્યાં સુધી કે તેમના ચારિત્ર્ય પર પણ ખોટા આક્ષેપો કર્યા. શ્રીમા શારદાદેવી શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી, વૈધવ્યનાં ચિહ્નો ધારણ કરવા ગયાં ત્યારે શ્રીરામકૃષ્ણદેવે દર્શન આપી તેમને આમ કરવાની ના પાડીને કહ્યું, ‘હું તો એક ઓરડામાંથી બીજે ઓરડે ગયો છું.’ શ્રીમાએ પાતળી કિનારવાળી સાડી પહેરવાનું ચાલુ રાખ્યું. પણ આ માટે લોકોએ તેમની કેટલી ટીકા કરી! જ્યારે તેઓ જયરામવાટીમાં હતા ત્યારે નાત-જાતના ભેદભાવ વગર બધા પર કૃપા વરસાવતા. આમજાદ જેવા મુસલમાન ડાકુને પણ પ્રેમથી ખવડાવતા. આ બધા માટે ગામના લોકોની કેટલી ટીકા તેમને સહન કરવી પડતી! શ્રીરામકૃષ્ણદેવને વિશે તો દક્ષિણેશ્વરના સ્વાર્થી કર્મચારીઓએ ભ્રામક પ્રચાર કર્યો હતો- ‘નાના પુજારી (શ્રીરામકૃષ્ણ) તો પાગલ થઈ ગયા છે.’ ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ઈશુ ખ્રિસ્ત, મહમ્મદ પયગંબર, નરસિંહ મહેતા, મીરાંબાઈ, કોઈ પણ લોકનિંદાથી બચી શક્યા હતાં? જો આપણે સત્યના માર્ગે જવું હોય તો તેના માટે કિંમત તો ચૂકવવી જ પડશે – લોકનિંદા સહન કરવી જ પડશે..

એટલા માટે જ્યારે કોઈ આપણી નિંદા કરે – પીઠ પાછળ અથવા પ્રત્યક્ષ – ત્યારે આપણે આટલું કરીએ –

૧. પ્રશાંત ચિત્તે, મગજની સમતુલા ગુમાવ્યા વગર બધું સાંભળીએ, ભાવનામાં વહી ગયા વગર બુદ્ધિપૂર્વક વિચાર કરીએ.

૨. અન્ય કોઈએ કરેલ નિંદાની વાત આપણા સુધી પહોંચે, ત્યાં સુધીમાં બદલાઈ તો નથી ગઈને, તેની ખાતરી કરી લઈએ. ઘણા લોકોને મીઠું મરચું ભભરાવીને બોલવાની ટેવ હોય છે. તો વળી કેટલાકને બે પક્ષોની નિંદાની વાતો એકબીજાને કહીને ઝઘડો કરાવવાની ટેવ હોય છે.

૩. સત્ય હકીકત જાણ્યા પછી તેનું પૃથક્કરણ કરીએ. નિંદકે કેમ આ વાત કરી? આ માટે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે, આંશિકરૂપે પણ કારણરૂપ હોઈએ તો તરત જ આપણો દોષ સ્વીકારીને નિંદક પાસે ક્ષમા પ્રાર્થીએ. આથી જે લોકો આપણા કલ્યાણ માટે નિંદા કરે છે (જો કે તેની સંખ્યા જૂજ હોય છે!) તેઓની કૃપાદૃષ્ટિ આપણા પર વધુ રહેશે અને જેઓ ઈર્ષ્યા અથવા અન્ય કારણોથી નિંદા કરવા પ્રેરાયા હશે તેઓનો જુસ્સો પણ ક્ષમા માગવાથી ધીમો પડી જશે.

૪. જો નિર્મમ આત્મ-વિશ્લેષણ પછી પણ એમ લાગે કે આપણી પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ દોષ નથી, વિના કારણે જ નિંદકે નિંદા કરી છે, તો એમ સમજવું કે નિંદક ઈર્ષ્યા વગેરે માનસિક રોગોથી પીડાય છે. દર્દી પ્રત્યે હમદર્દી રાખીએ અને તેનો રોગ મટે તેના માટે પ્રાર્થના કરીએ.

૫. નિંદક પ્રત્યે આપણે કૃતજ્ઞતાની ભાવના રાખીએ. તેઓ આપણા ક્ષુદ્ર અહંને ભુંસાવીને આધ્યાત્મિક સાધનામાં સહાયરૂપ થઈ રહ્યા છે. વળી, તેઓનું પુણ્ય તેઓ અજાણતાથી આપણા ખાતામાં જમા કરાવી રહ્યા છે.

૬. ‘સત્યમેવ જયતે’ અને કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખી ધૈર્યપૂર્વક નિંદા સહન કરીએ અને ક્રિયા-પ્રતિક્રિયાના વિષચક્રમાંથી બચવાનો પ્રયત્ન કરીએ.

૭. ‘ગામને મોઢે ગળણું ન બંધાય’ એ ઉક્તિને ધ્યાનમાં રાખી નિંદાથી વિચલિત થયા વગર મક્કમપણે સત્યના માર્ગે આગળ ધપીએ.

અંતમાં સંત કબીરની વાણીને અનુસરીને નિંદકોને આપણી પાસે રાખીને આપણો સ્વભાવ નિર્મળ બનાવીએ –

નિંદક નિયરે રાખિયે, આંગન કુટિ છવાય
બિનપાની સાબુન બિના, નિર્મલ કરે સુભાય

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.