(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.)

એ આનંદની બાબત છે કે વિવિધ સ્થળોએ શૈક્ષણિક સંસ્થાઓ સર્જાઈ રહી છે. ભારત જેવા દેશમાં આ અત્યંત જરૂરી છે, કારણ કે અહીં ઘણા લોકો માટે શિક્ષણ ગજાંની બહાર છે. ભારતની વસ્તીનો મોટો ભાગ કોઈ પણ જાતના શિક્ષણથી વંચિત છે. આ કમનસીબ ઘટના છે: એ ખૂબ આવશ્યક છે કે શિક્ષણ દરેક નાગરિક માટે સુલભ બનાવાય. પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તે જોતાં આ આદર્શ સિદ્ધ કરવા આપણે ઘણો લાંબો માર્ગ કાપવાનો છે. શિક્ષણ તો રાષ્ટ્રીય સંસ્કૃતિનો અગત્યનો હિસ્સો બનવું જોઈએ; તેના સિવાય કોઈ પણ પ્રકારની સાચી પ્રગતિ નહીં થઈ શકે. સ્વામી વિવેકાનંદે શિક્ષણના પ્રસાર પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમના મતે, “કોઈ પણ પ્રજાની આમજનતામાં શિક્ષણ અને વધુ બુદ્ધિશક્તિનો જે પ્રમાણમાં ફેલાવો થયો હોય તે પ્રમાણમાં તે પ્રજા પ્રગતિશીલ હોય. જો આપણે ફરી ઊભા થવું હોય તો આપણે પણ આમજનતામાં શિક્ષણ ફેલાવવું પડશે.”

પરંતુ આની સાથોસાથ સ્વામીજી આપણે શિક્ષણના આદર્શ પ્રત્યે સજાગ રહીએ તે પણ ઈચ્છતા હતા. આ મુદ્દાને મનમાં યાદ રાખવાનો છે જેથી આપણી પાસે સ્પષ્ટ દિશા- સૂચન થાય, જેને આધારે આપણે આગળ વધી શકીએ. કારણ કે ખોટી દિશામાં શિક્ષણ હોય તે સાવ શિક્ષણ ન હોય તેના કરતાં પણ ખરાબ છે. તેથી જ સ્વામી વિવેકાનંદ શિક્ષણ દ્વારા જે હેતુ સિદ્ધ કરવાનો છે તે વિષે સ્પષ્ટ દર્શન આપણી પાસે હોય તેવું ઈચ્છતા હતા. તેમણે શિક્ષણની વ્યાખ્યા કરેલી કે, “શિક્ષણ એ મનુષ્યમાં રહેલ પૂર્ણતાની અભિવ્યક્તિ છે.” આ વિધાન કદાચ અસ્પષ્ટ લાગે. મનુષ્યમાં કઈ પૂર્ણતા આપણને જોવા મળે છે? આ સમજવું પડશે.

સ્વામી વિવેકાનંદ વેદાંતમાર્ગી હતા અને તેમની દૃષ્ટિ વેદાંતી હતી. જેનું અત્યારે અસ્તિત્વ જ ન હોય તેવી વસ્તુના વિકાસમાં તે ન માનતા. તેમના મતે પૂર્ણત્વ આપણા દરેકમાં હસ્તી ધરાવે છે. આપણો પ્રયત્ન તે હસ્તી ધરાવતા પૂર્ણત્વને પ્રગટ કરવાનો જ હોય. તેની પદ્ધતિ છે યોગ્ય શિક્ષણ. ‘શિક્ષણ’ શબ્દ ઘણા વિશાળ અર્થમાં વપરાયો છે – તેનો અર્થ ‘માત્ર વર્તમાન શિક્ષણપદ્ધતિનો અમલ’ તેવો જ નથી. આપણે બધી રીતે પૂર્ણ થવું પડશે અને તે પરિપક્વ શિક્ષણપદ્ધતિ દ્વારા જ સિદ્ધ થઈ શકે, જે બાળકને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે કેળવણી આપી શકે. શિક્ષણ કંઈ એવી ચીજ નથી જેને બાળકના મગજમાં બહારથી દાખલ કરી શકાય. સ્વામીજીના મતે તે શિક્ષણ નથી. તેઓ કહે છે કે દરેક બાળક સુષુપ્ત રીતે પૂર્ણ વ્યક્તિ છે અને શિક્ષકની એ ફરજ બને છે કે તે તેની આ આંતરિક પૂર્ણતાને પ્રગટ કરવામાં સહાય કરે. જે શિક્ષક પોતાના વ્યક્તિત્વને બાળક ૫૨ થોપવાનો પ્રયત્ન કરે છે કે તેના વ્યક્તિત્વને ઉપયોગી ન હોય તેવા વિચારો તેનામાં ઘુસાડવા પ્રયત્ન કરે છે તે વિદ્યાર્થીનું ભલું કરવાને બદલે તેને નુકસાન પહોંચાડે છે. શિક્ષકે તો બાળકની પ્રકૃતિગત દિવ્યતાને જ પ્રગટ કરવામાં સહાય કરવાની છે અને તે પણ શક્ય એટલી શ્રેષ્ઠ રીતે થાય તે રીતે કરવાનું છે. શિક્ષક પાસે એવી દૃષ્ટિ હોવી જ જોઈએ કે તે બાળકને કશું નવું નથી આપતો, પણ તેનામાં જે સુષુપ્ત પડેલું છે તેને જ પ્રગટ કરવામાં મદદરૂપ થઈ રહેલ છે. આ વેદાંતી વિચારને આધારે શિક્ષણને તપાસવાનું છે અને સ્વામીજી પણ આ પ્રકારનું શિક્ષણ અપાય તે ઈચ્છતા હતા.

જ્યારે આપણે કહીએ છીએ કે તેનામાં સુષુપ્ત પૂર્ણતા છે, તો તે પૂર્ણતાનો અર્થ કેવો કરીએ છીએ? વેદાંતના મતે મનુષ્ય દિવ્ય અને પૂર્ણ વ્યક્તિત્વ છે: તે પવિત્ર અને પૂર્ણ આત્મા છે. માત્ર અજ્ઞાનતાને કારણે તે ઢંકાયેલ છે. પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનો અર્થ માત્ર એટલો જ છે કે સર્વપ્રકારની અપૂર્ણતાને દૂર કરવી.

આપણે બધા આપણી મર્યાદાઓથી જાગ્રત છીએ. આપણે એમ માનીએ છીએ કે આપણે આ કે તે ન કરી શકીએ; આપણને એ ખ્યાલ નથી કે આપણી આપણા પ્રત્યે તથા આસપાસના જગત પ્રત્યે કઈ કઈ ફરજો છે; અને આપણે આપણા આત્માને પણ તાત્ત્વિક રીતે નથી સમજી શકતા, વગેરે. આ બધી સમસ્યાઓનો ઉકેલ આપણી અંદરથી જ શોધવાનો છે. શિક્ષક તે વિદ્યાર્થી પર લાદી ન શકે. આપણું શિક્ષણ આ રીતે જ અપાવું જોઈએ. આપણે તો હજી શિક્ષણના વિચાર વિષે ગુંચવાયેલા છીએ. આપણે તે વિષે સ્પષ્ટ નથી. સ્વામીજીના શિક્ષણ વિષેના વિચારો ઘણા જાણે છે અને તેનાથી આશ્ચર્યચકિત પણ થાય છે. હવે તો આ વિચારોને પ્રખર ચિંતકો સ્વીકારે પણ છે.

સ્વામીજીએ કહ્યું છે, “જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત નથી આપતી, જે ચારિત્ર્યબળને બહલાવતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત નથી આપતી, તે શું કેળવણીના નામને લાયક છે.” આનો અર્થ એવો થઈ શકે કે તે માત્ર થોડા વિચારોનો સંગ્રહ નથી જે વિદ્યાર્થી બહારથી મેળવે છે; તે તો તેના અસ્તિત્વમાં એવા આત્મસાત્ થઈ જવા જોઈએ કે તેનામાં રહેલ સુષુપ્ત પૂર્ણતાને પ્રગટ કરવા પ્રેરે.

શિક્ષણ એકાંગી પણ ન હોવું જોઈએ. તે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગટતું બળ હોવું જોઈએ. માત્ર કશુંક યાદ રાખી લેવાથી વ્યક્તિ શિક્ષિત નથી બની જતી અને એમ જ હોય તો સ્વામીજી કટાક્ષમાં કહેતા, આપણાં પુસ્તકાલયો વિશ્વમાં શ્રેષ્ઠ શિક્ષિત હોઈ શકે. પુસ્તકોમાં તો પુષ્કળ વિચારો છે, પણ આવશ્યકતા તેમને આત્મસાત્ કરવાની અને તેના પ્રભાવમાં જીવનને ઘડવાની છે. આપણાં યુવક-યુવતીઓ ઘણા વિચારો જાણે છે, તેઓ ખૂબ વાંચે છે ને ખૂબ શીખે છે, પણ તે જ્ઞાનનો કેમ ઉપયોગ કરવો તે નથી જાણતાં. વર્તમાન શિક્ષણ માત્ર વિચારો આપી શકે છે, પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કેમ કરવો તેની શક્તિ નથી આપતું. ઊંચામાં ઊંચી ડિગ્રી મેળવ્યા પછી પણ વિદ્યાર્થીઓ તેનો શું ઉપયોગ કરી શકાય તે નથી જાણતા.

મને આના સંદર્ભમાં એક પ્રસંગ યાદ આવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક ઉમેદવાર જ્યારે અમેરિકાની એક સંસ્થામાં નોકરી મેળવવા ગયો, ત્યારે ત્યાંના સત્તાવાળાઓએ પ્રશ્ન પૂછ્યો, “તમારી લાયકાત શું છે?” તેણે જવાબ આપ્યો, “હું એમ.એ. કે એમ.એસસી. છું.” બીજો પ્રશ્ન પૂછાયો, “તમે શું કરી શકો?” તે આ પ્રશ્નનો જવાબ ન આપી શક્યો. તેને પોતાની વિદ્યાનો શું ઉપયોગ કરવો તેની સૂઝ ન હતી. આ પરિસ્થિતિ શોચનીય છે. તેથી જ આપણી પેઢી પશ્ચિમના ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ કરતાં સૈદ્ધાંતિક રીતે ખૂબ હોશિયાર હોવા છતાં વ્યવહારુ રીતે ખાસ આગળ નથી. પશ્ચિમમાં ભણેલ એક ભક્ત પાસેથી મેં પરદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ વિષે એક અભિપ્રાય સાંભળેલો. તે કહેતો, “સૈદ્ધાંતિક રીતે પશ્ચિમના વિદ્યાર્થીઓ આપણા જેટલા સારા નથી, પણ વ્યવહારુ કામના સંદર્ભમાં તેઓ ભારતીય વિદ્યાર્થીઓ કરતાં ખૂબ ચડિયાતા છે.” આનું કારણ એ છે કે આપણે આપણા જ્ઞાનને કદી વ્યવહારમાં નથી મૂક્યું, આપણા માટે તે માત્ર સિદ્ધાંતમાં જ રહે છે. આપણે તેને કદી વ્યવહારુ નથી બનાવ્યું. તેથી જ આપણે પાછળ રહ્યા છીએ અને બીજા દેશો આ વિચારોનો ઉપયોગ કરી આગળ વધે છે. આપણે આપણા વિચારોના જીવનમાં ઉપયોગ કર્યા વિના જ સંગ્રહ્યા છે. એટલે જ, આપણું શિક્ષણ ઉપયોગી અને પરિણામલક્ષી હોવું જોઈએ, નહીં તો તેનું કશું મૂલ્ય નથી. આવું ઉપયોગી શિક્ષણ આપણી યુવાપેઢીને આપવું જોઈએ જેથી તેઓ દેશના ભાવિ માટે શ્રેષ્ઠ, સબળ અને ઉત્પાદક ફાળો આપી શકે. શિક્ષણથી આપણે જીવનના પ્રશ્નો ઉકેલવામાં સક્ષમ બનવું જ જોઈએ.

આગળ જણાવ્યું તેમ, શિક્ષણ માત્ર પુસ્તકમાંથી મેળવાતી વિદ્યા જ નથી. મા શારદામણિદેવીનું ઉદાહરણ જ લો. તે પોતાનું નામ લખતાં પણ નહોતાં જાણતાં.

તેમણે તેની શરૂઆત કરેલી, પણ ખાસ પ્રગતિ ન કરી, કારણ કે ત્યારે સ્થિતિ એવી હતી કે સ્ત્રીને શિક્ષણથી વંચિત રખાતી, તે ભાગ્યે જ શાળાએ જઈ શકતી, માત્ર સ્ત્રી હોવાને કારણે તેમને ભણવા નહોતી દેવાતી. આપણી વસતિનો આ વિશાળ વિભાગ આ રીતે શિક્ષણ વિનાનો જ રહ્યો. પણ શ્રીરામકૃષ્ણે – જે માતાજીને સારી રીતે પરખી શક્યા – મા શારદાદેવીને સાક્ષાત્ સરસ્વતીદેવી તરીકે વર્ણવ્યાં છે. તે જાણે લોકોને જ્ઞાન આપવા જ જન્મ્યાં હતાં. પણ તે પોતે લખતાં-વાંચતાં નહોતાં જાણતાં! છતાં તે જ્ઞાનનો અવતાર જ હતાં.

એટલે શિક્ષણ એ માત્ર લખવું-વાંચવું જ નથી. વ્યક્તિ શાળા-કૉલેજ કે યુનિવર્સિટીમાં ગયા વિના પણ શિક્ષિત થઈ શકે છે. શ્રીરામકૃષ્ણ કદી વિધિસર શિક્ષણ લેવા નહોતા ગયા. (અલબત્ત, ત્યાંની પ્રાથમિક શાળામાં થોડા સમય માટે તેમને મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી.) તેમનું શિક્ષણ પ્રાથમિક ધોરણ સુધીનું મર્યાદિત હતું. તે માત્ર વાંચી-લખી શકતા, પણ એવા કેટલાય વિદ્વાનો, કેળવણીકારો કે વકીલો હતા જેઓ તેમનાં ચરણો પાસે કલાકો બેસી મંત્રમુગ્ધ થઈ તેમના ડહાપણથી ભરપૂર શબ્દો સાંભળતા, તો શું તે શિક્ષિત ન હતા? શ્રીરામકૃષ્ણ કહે છે, “જ્યાં સુધી હું જીવીશ, ત્યાં સુધી હું શીખીશ.” આજીવન શિક્ષણ – અને તે પણ માત્ર પુસ્તકો કે શાળામાંથી મેળવેલ નહીં, પણ આસપાસના વિશ્વનું ચકોર અવલોકન અને વ્યક્તિગત અનુભવોનું પુષ્કળ ભાથું – આ તેમના જ્ઞાનનું મૂળ હતું. તેમનો ઉપદેશ તેમનું કુદરતનું તીક્ષ્ણ નિરીક્ષણ સૂચવે છે. તેમનાં ઉદાહરણો માનવ-જીવનના દૈનિક અનુભવોમાંથી આવે છે અને ખૂબજ વ્યવહારુ હોય છે. તેથી જ જેમણે વિધિસર શિક્ષણ નથી લીધું તેઓ પણ તેને ઝડપથી સમજી શકે છે અને તેની કદર કરી શકે છે. પુસ્તક ન વાંચી શકતી વ્યક્તિ પણ શ્રીરામકૃષ્ણ જે કહે છે તે સમજી શકે છે અને તેમાંથી ખૂબ લાભ મેળવી શકે છે.

તો, આ શિક્ષણ છે. તેણે આપણી બુદ્ધિને સમૃદ્ધ બનાવવી જોઈએ અને આપણા જીવનને સમગ્ર રીતે ઘડવું જોઈએ. તેને ખંડિત ન કરી શકાય. આપણે સુગ્રથિત વ્યક્તિ થવું જોઈએ; અને આ સુગ્રથિતતા ત્યારે જ શક્ય બને જ્યારે આપણે વિશાળ દૃષ્ટિએ એક સંપૂર્ણ જીવનરીતિ વિકસાવીએ જેમાં આપણું સમગ્ર જીવન – કોઈ ખંડ જ નહીં – તાદાત્મ્ય અનુભવી શકે. આપણો શારીરિક, માનસિક, નૈતિક તથા આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ, આ રીતે જ સાચી પ્રગતિ અને સર્વગ્રાહી વિકાસ શક્ય બને છે.

શિક્ષણ એ માત્ર આપણે એકઠી કરીએ છીએ તે માહિતી જ નથી. પણ તેણે સાચું ડહાપણ પણ આપવું જોઈએ. જ્ઞાન તો ઉપરછલ્લું પણ હોઈ શકે અને બહારથી ઉધાર પણ લઈ શકાય, પણ તે ખાસ ઉપયોગી નથી થતું. આપણે, સ્વામીજી કહે છે તેમ, વિચારોને પચાવવા જોઈએ. આ આત્મસાત્પણું આપણને પરિવર્તન કરવાની કે પ્રગતિ કરવાની શક્તિ આપશે, અને ત્યારે જ શિક્ષણ આપણા માટે તથા વિશ્વ માટે આશીર્વાદરૂપ થશે.

તેથી, આપણા શિક્ષણે આપણને મનુષ્ય બનાવવા જોઈએ. તે વિના શિક્ષણનો કોઈ અર્થ નથી. જો આપણે શિક્ષણના આદર્શ વિષે જાગ્રત નહીં હોઈએ તો આપણું શિક્ષણ માત્ર શક્તિનો વ્યય હશે, અરે! તે નુકસાનકારક પણ થઈ શકશે. આપણે થોડી માહિતી એકઠી કરીએ અને ગૌરવ લઈએ કે આપણે પુષ્કળ શિક્ષણ મેળવ્યું છે. પણ માહિતીથી જ્ઞાન અને ડહાપણ આવવાં જોઈએ. તેણે દરેક વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓને પડકારવાની ક્ષમતા આપવી જોઈએ.

કન્યાઓને પણ યોગ્ય શિક્ષણ અપાવવું જોઈએ જેથી તેઓ સાચી માતા બની શકે, સારી સ્ત્રી બની શકે. સ્વામીજીએ કહેલું કે સ્ત્રીઓએ પોતાના જીવનને સીતા, સાવિત્રી, ગાર્ગીના જેવી કે બીજી સ્ત્રીઓના જીવન આદર્શ પ્રમાણે ઘડવું જોઈએ.

આ આદર્શ ક્યારેય ભૂલાવો ન જોઈએ. આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણી મહિલાઓ એવી રીતે વિકાસ કરે કે ભાવિ ભારતના ઘડતરમાં અગત્યનું બળ બની ૨હે. બાળક અન્ય પાસેથી જે કેળવણી મેળવે છે તેના કરતાં મા પાસેથી જે કેળવણી મેળવે છે તે વધારે મહત્ત્વની છે. શાસ્ત્રો કહે છે, “માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ” – “માને દેવસ્વરૂપે જુઓ, પિતાને દેવસ્વરૂપે જુઓ, શિક્ષકને દેવસ્વરૂપે જુઓ.” પ્રથમ માતાનું સ્થાન આદરણીય છે, પછી પિતા અને પછી શિક્ષક. તેથી માતાની તેનાં બાળકો પ્રત્યે ખૂબ મોટી જવાબદારી છે, કારણ કે પોતાનાં યોગ્ય ઉદાહરણથી જ તે તેનાં બાળકોને સારી રીતે કેળવી શકે. તેની કેળવણી જ બાળકની ભાવિ અન્ય કેળવણીઓનો પાયો છે. પ્રાચીન યુગમાં તો મનાતું હતું કે બાળકની કેળવણી તો માતાના ગર્ભમાંથી જ શરૂ થાય છે. તેથી માતાની જવાબદારી વધારે છે અને તેથી તેણે સ્વયં યોગ્ય રીતે કેળવાવું જોઈએ જેથી ઉત્તમ વિચારો અને વર્તન કરી શકે. આ રીતે સ્ત્રીઓ સારી રીતે મા, બહેન, પત્નીનો ભાગ ભજવી શકે, જેથી માત્ર તેમનાં પોતાના જ ઘરોનું કલ્યાણ નહીં, પણ સમાજ તથા વિશ્વનું ભલું કરી શકે.

હું શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના કરું છું કે તેમની કૃપાથી દેશના ભવ્ય ભાવિ માટે સર્વત્ર આદર્શ સંસ્થાઓ સ્થપાય.

(“પ્રબુદ્ધભારત” જાન્યુઆરી ૧૯૯૩માંથી)

અનુવાદ: શ્રી હરેશ ધોળકિયા

સંદર્ભ:

૧ શતાબ્દી ગ્રંથમાળા, પુસ્તક ૬, પાનું ૨૧૦

૨ શતાબ્દી ગ્રંથમાળા, ભાગ-૧૧,પાનું ૭

Total Views: 309

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.