આજ રથોત્સવ. મંગળવાર, જુલાઈ ૧૪, ૧૮૮૫, બપોરના એક વાગ્યો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ જમ્યા પછી પાછા દીવાનખાનામાં આવીને ભક્તો સાથે બેઠા છે. એક ભક્ત પૂર્ણને બોલાવી લાવ્યો છે. ઠાકુર મહાઆનંદથી માસ્ટરને કહે છે, ‘અરે ભાઈ, પૂર્ણ આવ્યો છે!’ નરેન્દ્ર, છોટો નરેન, નારાયણ, હરિપદ અને બીજા ભક્તો પાસે બેઠા છે અને ઠાકુરની સાથે વાતો કરી રહ્યા છે.

છોટો નરેન – વારુ, આપણને સ્વતંત્ર ઈચ્છા છે કે નહિ?

શ્રીરામકૃષ્ણ – આપણા માંહેનો ‘હું’ કોણ એ શોધો જોઈએ. ‘હું’ શોધતાં શોધતાં ‘એ’ (પરમાત્મા) નીકળી પડે! ‘હું સંચો, ઈશ્વર સંચો ચલાવનાર.’ ચીનાઈ પૂતળી હાથમાં કાગળ લઈને દુકાને જાય એમ સાંભળ્યું છે! તેમ ઈશ્વર જ કર્તા! પોતાને અકર્તા સમજીને કર્તાની પેઠે કામ કરો.

‘જ્યાં સુધી ઉપાધિ, ત્યાં સુધી અજ્ઞાન. હું પંડિત, હું જ્ઞાની, હું પૈસાવાળો, હું પ્રતિષ્ઠિત, હું માલિક, બાપુ, ગુરુ, બાબા એ બધું અજ્ઞાનથી થાય. ‘હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર’ એનું નામ જ્ઞાન. ત્યારે બીજી બધી ઉપાધિ ચાલી ગઈ! લાકડાં બળીને રાખ થઈ જાય પછી તેનો તડતડ અવાજ રહે નહિ, તેનો તાપ પણ રહે નહિ. પછી બધું ઠંડું! શાંતિ: શાંતિ: શાંનિ:!’

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને)- જરાક ગાને!

નરેન્દ્ર – ઘેર જાઉં, કેટલુંય કામ છે.

શ્રીરામકૃષ્ણ – ત્યારે બાપુ, અમારી વાત તું સાંભળે શેનો?

જેને હોય કાને સોના,
તેની વાતો સોળ આના;
જેને હોયે કૂલે ભમરો,
તેની વાતો કોઈ સુણે ના.

(સૌનું હાસ્ય).

‘તું ગૂહને બગીચે જઈ શકે. મોટે ભાગે સાંભળું કે આજ નરેન્દ્ર ક્યાં, તો ગૂહને બગીચે! એ વાત હું તો કાઢત નહિ, પણ તેં જ વાત કઢાવી!’

નરેન્દ્ર થોડી વાર મૂગો થઈ રહ્યો છે. પછી કહે છે કે વાજિંત્રો નથી, એકલું ગીત શી રીતે ગાઉં?

શ્રીરામકૃષ્ણ-ભાઈ અમારી તો જે અવસ્થા છે તે આ છે. એટલાથી બને તો ગાઓ. તેમાંય વળી બલરામની વ્યવસ્થા.

બલરામ કહેશે કે આપે હોડીમાં આવવું. એ જો ન જ બને, તો ગાડી ભાડે કરીને આવવું (સૌનું હાસ્ય). આજે ખાવા દીધું છે, એટલે આજે બપોર પછી નચાવી લેશે. (સૌનું હાસ્ય). એક દિવસ અહીંયાંથી ભાડાની ઘોડાગાડી કરી આપેલી, તેનું ભાડું ઠરાવેલું બાર આના. મેં કહ્યું કે, બાર આનામાં ઠેઠ દક્ષિણેશ્વર આવશે? એટલે એ કહે કે, ‘એમ જ થાય.’ રસ્તામાં જતાં જતાં ગાડી એક બાજુએથી કિનાર ભાંગીને પડી ગઈ. (સૌ કોઈનું ખડખડાટ હાસ્ય). વળી, રસ્તામાં ઘોડો વચ્ચે તદ્દન ઊભો રહી જાય; કોઈ રીતે ચાલે નહિ. એટલે ગાડીવાળો ચાબૂકથી તેને ખૂબ મારે. એટલે એ ઘોડો કોઈ કોઈ વાર વળી ખૂબ દોડે! (સૌનું ખડખડાટ હાસ્ય). પછી અહીંયાં રામ ખોલ બજાવશે, અને આપણે નાચવાનું; રામને તાલનું ભાન નહિ! (સૌનું હાસ્ય). બલરામનો અંતરનો ભાવ એવો કે તમે જ ગાઓ, તમે જ નાચો ને આનંદ કરો. (સૌનું હાસ્ય).

ભક્તો ઘેરથી ભોજન વગેરેથી પરવારીને ક્રમેક્રમે આવી રહ્યા છે.

મહેન્દ્ર મુખર્જીને દૂર પ્રણામ કરતા જોઈને ઠાકુર તેને પ્રણામ કરે છે, તેમ પાછા સલામ કરે છે. પાસેના એક યુવક ભક્તને કહે છે કે એને કહેને કે (મેં) ‘સલામ કરી;’ એ બહું ‘ઓલકૉટ’ ‘ઑલકૉટ’ કરે છે! (સૌનું હાસ્ય). ગૃહસ્થ ભક્તોમાંથી ઘણાય પોતાના ઘરનાં બૈરાંને લાવ્યા છે. તેઓ શ્રીઠાકુરનાં દર્શન કરે અને રથની સન્મુખે કીર્તનાનંદ જુએ એ સારુ. રામ, ગિરીશ, વગેરે ભક્તો ક્રમે-ક્રમે આવ્યા છે. યુવક ભક્તો પણ ઘણાખરા આવ્યા છે.

હવે નરેન્દ્ર ગીત ગાય છે :

કેટલા દિવસે થશે પ્રેમસંચાર,
થઈ પૂર્ણકામ બોલશું હરિનામ,
નયને વહેશે પ્રેમ-અશ્રુધાર…. વગેરે

ગીત : ગાઢ અંધકારે મા, તારી ચમકે અરૂપરાશિ,
તેથી યોગી ધ્યાન ધરે થઈ ગિરિગુહાવાસી…

બલરામે આજે કીર્તનકારની વ્યવસ્થા કરી છે. વૈષ્ણવચરણ અને બનવારીનું કીર્તન. હવે વૈષ્ણવ ચરણ ગાય છે :

શ્રીદુર્ગાનામ જપો સદા રસના તું મારી,
દુ:ખમાં શ્રીદુર્ગા વિના કોણ રક્ષણકારી.

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર સમાધિ-મગ્ન! ઊભા ઊભા સમાધિસ્થ! છોટો નરેન તેમને પકડી રહ્યો છે. સહાસ્ય વદન. થોડી વાર પછી બધું સ્થિર! ઓરડો ભરીને ભક્તો આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા છે. મહિલા-ભક્તો ચકમાંથી જુએ છે. સાક્ષાત્ નારાયણ જાણે કે દેહ ધારણ કરીને ભક્તને માટે આવ્યા છે! કેવી રીતે ઈશ્વરને ચાહવો જોઈએ એ શીખવવા જાણે આવ્યા છે!

ઈશ્વરનું નામ લેતાં લેતાં કેટલીય વાર પછી સમાધિભંગથી, ઠાકુર પોતાને આસને બેઠા. એટલે વૈષ્ણવચરણે વળી ગીત ઉપાડ્યું :

‘હરિ હરિ બોલો રે વીણા…’ હવે બીજો કીર્તનિયો, બનવારી ગીત ગાય છે. પરંતુ ગીત ગાતાં ગાતાં વારંવાર આહા! આહા! એમ બોલ્યા કરે ને સાથે જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા કરે. એથી શ્રોતાઓ કોઈ કોઈ હસે ને કોઈ કોઈ કંટાળે.

બપોર નમી ગયા છે. એટલામાં ઓસરીમાં ઠાકોરજી શ્રીજગન્નાથદેવનો નાનો રથ ધજા, પતાકા, વગેરેથી સારી રીતે શણગારીને બહાર લાવવામાં આવ્યો છે. શ્રી જગન્નાથ, સુભદ્રા અને બલરામ ચંદન-ચર્ચિત છે અને વસ્ત્ર, આભૂષણ અને પુષ્પમાળા વગેરેથી સુશોભિત થયાં છે. ઠાકુર બનવારીનું કીર્તન છોડીને ઓસરીમાં રથની સામે પધાર્યા. ભક્તોય સાથે સાથે ચાલ્યા. ઠાકુરે રથની દોરી પકડીને જરાક વાર ખેંચી. ત્યાર પછી રથની સામે ભક્તો સાથે નૃત્ય અને કીર્તન કરે છે. બીજાં ગીતોની સાથે ઠાકુરે ગીત ઉપાડ્યું :

જેમનાં હરિ બોલતાં નયન ઝરે એવા,
એવા બે ભાઈ આવ્યા છે રે!
જેઓ માર ખાઈને પ્રેમ યાચે એવા,
એવા બે ભાઈ આવ્યા છે રે!

ગીત : નદિયા ડગમગ, ડગમગ કરે
ગૌરપ્રેમના હિલ્લોળે રે… વગેરે

નાની ઓસરીમાં રથની સાથે સાથે કીર્તન અને નૃત્ય થઈ રહ્યું છે. ઉચ્ચ સ્તરનું કીર્તન અને ખોલનો અવાજ સાંભળીને બહારના લોકો કેટલાય ઓસરીમાં આવી ગયા છે. ઠાકુર હરિપ્રેમમાં મતવાલા. ભક્તો પણ સાથે સાથે પ્રેમોન્મત્ત થઈને નાચી રહ્યા છે.

રથની સામે કીર્તન અને નૃત્ય કરી રહ્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ ઓરડામાં આવીને બેઠા છે. મણિ વગેરે ભક્તો તેમની પદસેવા કરી રહ્યા છે.

નરેન્દ્ર દિવ્ય ભાવમાં આવી જઈને તાનપુરો (તંબૂરો) લઈને વળી ગીતો ગાય છે.

ગીત : ‘આવો મા આવો મા,
ઓ હૃદયરમા, પ્રાણપૂતળી ઓ,
હૃદય-આસને, થાઓ બિરાજિત,
દેખીએ તમોને ઓ.’

ગીત : મા, તું તારા; તમે
ત્રિગુણધરા પરાત્પરા!
હું જાણું કે તમે દીનદયામયી,
તમે દુખોમાં છો દુ:ખહરા….

તમે સંધ્યા, તમે ગાયત્રી,
તમે જગદ્ધાત્રી ઓ મા;
તમે ડૂબતાનું ત્રાણકારી,
સદાશિવની મનોહારી….

તમે જળે, તમે સ્થળે,
તમે આદ્યમૂળે છો મા,
તમે સર્વ ઘટે, તમે અર્ધ્ય-પૂટે,
સાકાર આકાર નિરાકારા…

ગીત : તમોને જ કર્યા છે.
જીવનના ધ્રુવતારા,
આ સિધુમાં હવે કદી
થાઉં નહિ પથહારા….

એક ભક્ત નરેન્દ્રને કહે છે કે, તમે આ ગીત ગાશો?

‘અંતરમાં જાગી છે ઓ મા અંતરયામિની?

શ્રીરામકૃષ્ણ-જા જા! અત્યારે એ બધાં ગીત શું! અત્યારે તો આનંદનાં ગીત – ‘શ્યામા સુધા-તરંગિણી.’

નરેન્દ્ર ગાય છે :

ક્યારે ક્યે રંગે રહો મા શ્યામા,
સુધાતરંગિણી!
તમે રંગે ભંગે અપાંગે અંગે
ભંગ દીઓ જનની! વગેરે.

ભાવમાં ઉન્મત્ત થઈને નરેન્દ્રનાથ વારે વારે ગાવા લાગા-

‘કદી કમળે કમળે રહો મા પૂર્ણાબ્રહ્મ સનાતની.’

ઠાકુરેય પ્રેમોન્મત્ત થઈને નૃત્ય કરે છે અને ગાય છે, “ઓ મા પૂર્ણબ્રહ્મ સનાતની!” કેટલીય વાર સુધી નૃત્ય કર્યા પછી ઠાકુર પાછા પોતાના આસને બેઠા. નરેન્દ્ર ભાવના આવેશમાં આવીને નેત્રમાં અશ્રુસહિત ગીત ગાય છે. એ જોઈને ઠાકુર અત્યંત આનંદિત થયા.

રાતના નવ વાગવાનો સુમાર. હજીયે ભક્તો સાથે ઠાકુર બેઠા છે. વળી, વૈષ્ણવચરણનું ગીત સાંભળે છે.

ગીત : શ્રીગૌરાંગ સુંદર નવ નટવર
તપ્તકાંચન કાય ….વગેરે.

ગીત : ઓળખું કેમ કરીને
તમને (હરિ) …વગેરે…

રાતના અગિયાર વાગવા આવ્યા છે. ભક્તો પ્રણામ કરીને રજા લે છે.

શ્રીરામકૃષ્ણ-વારુ, બીજા બધા ઘેર જાઓ. (નરેન્દ્ર અને છોટા નરેનને દેખાડીને) આ બે જણ રહે એટલે થયું. (ગિરિશને) તમે શું ઘેર જઈને જમવાના? રોકાઓ તો જરા વાર રોકાઓ. હુક્કો? ઓહ, બલરામનો નોકરેય એવો છે! બૂમ મારી જુઓને; આપે એવો નથી. (સૌનું હાસ્ય). પણ તમે હુક્કો પીને જાઓ.

શ્રીયુત ગિરીશની સાથે ચશ્માં પહેરેલ એક મિત્ર આવેલા છે. એ આ બધું જોઈ સાંભળીને ચાલ્યા ગયા. ઠાકુર ગિરીશને કહે છે, “તમને અને હરે પ્યાલાને કહેવાનું કે પરાણે કોઈને લઈ આવશો મા! સમય થયા વિના (ચૈતન્ય) થાય નહિ.”

એક ભક્તે પ્રણામ કર્યા. સાથે એક છોકરો. ઠાકુર સસ્નેહે કહે છે ‘ત્યારે તમે આવજો. પાછો આ છોકરો સાથે છે.’ નરેન્દ્ર, છોટો નરેન અને બીજા એકબે ભક્તો થોડી વધુ વાર રહીને ઘેર પાછા ગયા.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ (૩) પૃ.સં. ૧૨૭-૧૩૧)

Total Views: 209

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.