(ગતાંકથી ચાલુ)

૪. માનવીય ઉત્કૃષ્ટતામાં ગ્રીક વિશેષતા : એની મર્યાદાઓ

પરંતુ આનું સર્વોત્તમ ફળ છે માનવતાવાદ, આ જગતમાં માણસની પરિસ્થિતિ સુધારવા માટેની ફિલસૂફી અને એ માટેનો પ્રયત્ન. લોવ્વેઝ ડિકિન્સનના પુસ્તક ‘ધ ગ્રીક વ્યુ ઓફ લાઈફ’ (ગ્રીક જીવનદૃષ્ટિ)ની પ્રસ્તાવનામાં ઈ.એમ.ફોર્સ્ટરના શબ્દોમાં : “ગ્રીસ પાસે વિજ્ઞાન ન હતું. જો કે એ સાચું છે કે, આખા વિશ્વની ઉપાધિઓ એને ન હતી. આમ છતાં, આધુનિક માનવીને એના સમાજ સાથેના સંબંધમાં અસર કરતી હોય અને સંતાપતી હોય એવી ઘણી બાબતો એનાં નાનાં નગરરાજ્યોની પરિધિમાં પણ સમાવિષ્ટ તો હતી. અને એના લેખકો બુદ્ધિશાળી હતા તેથી તેઓ સંવેદનશીલ હતા. તેથી બે હજાર કરતાં વધારે વર્ષો પુરાણો હોવા છતાં એ દેશ આજે આપણને જે સમાચાર આપે છે તે તાજા જ લાગે છે.”

શ્રીરામકૃષ્ણના શિષ્ય તરીકે સ્વામી વિવેકાનંદે પણ ભારતની સંસ્કૃતિનાં સબળ અને અમર તત્ત્વોને આત્મસાત્ કર્યાં હતાં, ભૌતિક અને ઇન્દ્રિયોથી પર, રાજકીયથી પણ પર એવી માનવીય ઉત્કૃષ્ટતાના જે બીજા પરિમાણને વેદો અને ઉપનિષદોની સનાતન ફિલસૂફીએ અને આધ્યાત્મિકતાએ વિકસાવ્યું હતું, તેમાંથી એ સંસ્કૃતિએ પ્રેરણા લીધી હતી. આ ફિલસૂફીએ મનુષ્યને આંતરિક આધ્યાત્મિક ઊંડાણનું પરિમાણ બક્ષ્યું, જે ‘બાહ્ય રાજકીય પરિમાણ’ કરતાં તદ્દન ભિન્ન હતું. માનવવ્યક્તિત્વના ઊંડાણના પરિમાણની એ પરિશોધ કરતી અને, એ પરિશોધ કરતાં, એણે માત્ર જીવનના વ્યાપારની જ નહીં પણ, મૃત્યુના આકરા વ્યવહારની પણ તપાસ કરી અને, મનુષ્યનું સાચું સ્વરૂપ અમર અને દૈવી છે એ સત્ય એણે જ્યાં સુધી પ્રગટ ન કર્યું ત્યાં સુધી એ થોભી નહીં. મનુષ્યનું સાચું સ્વરૂપ ‘આત્મન્’ છે- ‘નિત્ય શુદ્ધ, નિત્ય પ્રકાશિત અને નિત્ય મુક્ત આત્મા છે’ એમ શંકરાચાર્યે કહ્યું છે, અથવા જેને વિશે પ્રાચીન ઋગ્વેદ કહે છે તે પ્રમાણે જીવન અને મૃત્યુ તેની બે પ્રતિચ્છાયા છે (૧૦.૧૨૧.૨):

य आत्मदा बलदा यस्यविश्व
उपासते प्रशिष्यम यस्य देवः
यस्य छाया अमृतम यस्य मृत्युः
कस्मै देवाय हविषा विधेम

‘જે આપણને આપણું વ્યક્તિત્વ અર્પે છે, જે આપણને બલ આપે છે, જેની આજ્ઞા દેવો સહિત સૌ ઉઠાવે છે, અમૃત અને મૃત્યુ જેની છાયા છે, તે દેવને અમે આહુતિ અર્પણ કરીએ છીએ.’

મૃત્યુના કોયડાનો વિચાર કર્યા સિવાય કોઇ સંસ્કૃતિ, કોઇ ફિલસૂફી ઊંડાણ પ્રાપ્ત કરી શકતી નથી. સોક્રેટિસે અને ગ્રીક રહસ્યવાદી ધર્મે જે ગહન વારસો આપ્યો હતો તેને આત્મસાત્ ન કરી શકવાની ગ્રીક-રોમન સંસ્કૃતિની આ એક મોટી ઊણપ હતી. ખ્રિસ્તી ધર્મની ઊંડી આધ્યાત્મિકતાનું અને એને માર્મિક રીતે આત્મસાત્ કરવામાં નિષ્ફળ નીવડનાર આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિ માટે પણ આમ કહી શકાય.

લોવ્વેઝ ડિકિસન (એજન પૃ. ૬૮) કહે છે: “(પ્રાચીન) ગ્રીસને જગતમાં જેમ જેમ વધારે નિરાંત સાંપડી તેમ તેમ તેણે પોતાની શક્તિ ઓના વપરાશ ઉપર પોતાની જાતને વધારે સુખેથી તે વધારે મુક્તપણે વહેવા દીધી; કર્મોમાં અને આવેગોમાં એ વધારે ઊંડાણપૂર્વક અને ચેતનાપૂર્વક જીવવા લાગ્યો અને વાર્ધક્ય તથા મૃત્યુના વ્યાપારોને વધારે દૂર હડસેલતો અને એથી વધારે અજાણ એ થતો ગયો. આ પ્રશ્ન પરત્વે આપણે સમજી શકીએ છીએ ત્યાં સુધી, પોતાના ધર્મમાંથી એને ઓછો પ્રકાશ અને એથીય ઓછું સાંત્વન સાંપડ્યાં. એના જીવનનું સંગીત વિસંવાદ દૂર થયા વિના જ પૂરું થયું, અને એની માન્યતાના સંબંધે બુદ્ધિ પોતાની ટિપ્પણી લાવે તે પૂર્વે જ પોતાની લાગણીએ એ માન્યતાની ઊણપ પર પોતાનો પ્રભાવ પાડ્યો હતો.”

‘માનવી! તારી જાતને ઓળખ’ – એવા સદીઓ પછીના ગ્રીકોએ કરેલા કથન ઉપર પૂરો ભાર દઈને, આંતરખોજ ઉપર એમણે વજન દીધું હતું, પણ જે રસ્તે જતાં એ લોકો અર્ધે જઈને અટકી ગયા હતા, તે વિશે ઉપનિષદોએ ભારતીય સંસ્કૃતિને પ્રબળ આંતરિક શક્તિ અર્પી છે, અને તેને એક ચિરકાલીન આધ્યાત્મિક રસે રસી દીધી છે, અને એ રીતે ધર્મના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને મુક્ત વિચારણાની પરંપરાનો આરંભ કર્યો છે. વળી, પશ્ચિમને મળેલા ગ્રીસના વારસા અંગેના ઇ.એમ.ફોર્સ્ટરના આ શબ્દો કે, “આપણને ઘણી ઘણી અસર ઉપજાવનાર અને ઘણી લાગણી ઉત્પન્ન કરનાર એ છે”- એને જો અહીં લાગુ પાડીએ તો ભારતમાં અને ભારતીય સંસ્કૃતિથી અભિભૂત થયેલા દેશોમાં ઔપનિષદિક વલણ પણ આવા જ પ્રકારનું જોઇ શકાય છે.

અગાઉ જણાવ્યા પ્રમાણે પ્રાચીન ગ્રીક લોકોએ વિકસાવેલાં મનુષ્ય વિશેનાં ‘રાજકીય’ દૃષ્ટિબિન્દુ કરતાં તદ્દન ભિન્ન એવું મનુષ્ય વિશેનું આધ્યાત્મિક દૃષ્ટિબિન્દુ આ તત્ત્વજ્ઞાને આપ્યું. અંતરની ગહનતા પર અપાયેલા આ ભારનું ભારતીય સંસ્કૃતિ પર એક વિશેષ પરિણામ આવ્યું છે; તે એ છે કે, સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન, ભારતની વિસ્તારની પ્રવૃત્તિ પેલા ‘રાજકીય’ દૃષ્ટિબિંદુવાળા મનુષ્યની વિસ્તારપ્રવૃત્તિઓ કરતાં જુદી જ ભાત પાડતી, અનાક્રમક, રહી છે. માનવજાત માટેના તેના સંદેશનો પ્રત્યેક શબ્દ સ્વામી વિવેકાનંદે કહ્યું છે તે પ્રમાણે, “આગળ શાંતિ અને પાછળ આશીર્વાદ સાથે ઉચ્ચારાયો છે”…………. “અને તેથી અમે અસ્તિત્વ ધરાવી રહ્યા છીએ.” (‘કમ્પ્લીટ વર્ક્સ’ વો.૭, પૃ. ૧૦૫-૧૦૯)

“જગત ઉપર અમારી માતૃભૂમિનું ઋણ ઘણું મોટું છે. દુનિયાના બીજા ભાગોમાંય સંસ્કૃતિઓ તો જન્મી છે. અને પ્રાચીન તેમ અર્વાચીન કાળમાં એ પ્રજાઓ તરફથી અન્ય પ્રજા ભણી વિસ્મયકારક વિચારો પણ લઇ જવામાં આવ્યા છે…………… પરંતુ, બરાબર ધ્યાન રાખજો, મારા મિત્રો કે, ત્યાં યુદ્ધનાં રણશિંગાંના નાદો અને શસ્ત્રસજ્જ લશ્કરોની કૂચ સાથે જ એ બધું બન્યું છે; ત્યાં દરેક વિચારને રક્તના પૂરમાં ઝબોળાવું પડ્યું હતું……………શક્તિના દરેક શબ્દ પાછળ લાખ્ખોનાં ડૂસકાં, અનાથોની ચીસો અને વિધવાઓનાં આંસુ ઊઠતાં રહ્યાં હતાં. આમ, બીજા અનેક દેશોએ શીખવ્યું છે; પરંતુ, હજારો વર્ષ સુધી આ ભારત શાંતિમાં જ રહેતું આવ્યું હતું. જ્યારે ગ્રીસનું અસ્તિત્વ પણ ન હતું ત્યારે પણ અહીં પ્રવૃતિઓ ધમધમતી…………… એથીય પુરાણા યુગમાં, જ્યારે ઇતિહાસની પાટી પર અક્ષર મંડાતા ન હતા અને પરંપરા પણ જ્યાં ડોકિયું કરવાની હિમ્મત કરી શકે તેમ નથી તેવા અતિ પ્રાચીન સમયમાં, ભારતમાંથી વિચારો પછી વિચારો કૂચ કરતા બહાર પડ્યા છે. પરંતુ, દરેક શબ્દ આગળ શાંતિ અને પાછળ આશીર્વાદ સાથે વપરાયો છે. જગતની બધી પ્રજાઓમાં, અમે કદીય વિજયી પ્રજા નથી બન્યા, અને છતાં અમારાં મસ્તકે તેના આર્શીવાદ તો છે જ, અને તેથી તો અમે અસ્તિત્વ ધરાવી રહ્યા છીએ…….

‘રાજકીય મહત્તા કે શસ્ત્રબળ કદીચે અમારી પ્રજાનું ધ્યેય નથી, એમ કદીયે ન હતું, અને મારા શબ્દો યાદ રાખજો કે, એમ કદી બનશે પણ નહીં. પરંતુ અમને બીજું એક કાર્ય સુપરત થયેલું છે; એ છે સમસ્ત પ્રજાની આધ્યાત્મિક શક્તિને સાચવવી, જાણે કે ડાયનેમોમાં કરતા હોઇએ તેવી રીતે તેને સંચિત કરવી. અને અનુકૂળ સમય આવે ત્યારે એ શક્તિનાં પૂર જગત પર વહેવડાવવાં. જગતને ભારતની ભેટ છે આધ્યાત્મિક પ્રકાશની.

પોતાની જાતમાં વિશ્વાસ અને એમાં પ્રજ્વલિત પ્રોમિથિયન સ્ફૂલ્લિંગ પર આધારિત માનવીય ઉત્કૃષ્ટતાનો એક પ્રકાર ગ્રીક, રોમન અને અર્વાચીન પાશ્ચાત્ય પ્રજાઓએ હાંસલ કર્યો છે. આના વડે ઉચ્ચ કક્ષાનું સમાજકલ્યાણ અને માનવવ્યક્તિત્વ તથા ગરિમાનો ભાવ એ લોકો ઊભાં કરી શક્યા છે. પરંતુ પશ્ચિમના લોકોનું ધ્યાન સ્વામી વિવેકાનંદે એ વાત તરફ દોર્યું કે, માનવીય ઉત્કૃષ્ટતા, એ કંઇ માત્ર માનવશક્તિની વ્યાપ્તિના વિજ્ઞાનમાં જ સમાઈ જતી નથી ભારતના પ્રાચીન અને સનાતન વેદાંતનું ચિરંતન તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા પશ્ચિમની પ્રજાને પીરસ્યા પછી, ૧૮૯૭માં ભારતમાં આપેલા એક વ્યાખ્યાનમાં, સ્થિર અને પૂર્ણ સંસ્કૃતિના વિકાસ માટે, ઇન્દ્રિયો પર આધારિત અને ભૌતિક પાયાને બદલે પોતાની સંસ્કૃતિનું મંડાણ ઇન્દ્રિયાતીત અને આધ્યાત્મિક પાયા પર કરવા સ્વામીજીએ તેમને ઉદ્‌બોધન કર્યું: (‘ધી કમ્પ્લીટ વર્ક્સ’, વો.૩. પૃ.૧૫૯). “આધ્યાત્મિક પાયો નહીં હોય તો આવતાં પચાસ વર્ષોમાં આખી પાશ્ચાત્ય સંસ્કૃતિ કડડભૂસ થઇ જશે. તલવારથી માણસ જાત પર રાજ કરવાનો પ્રયત્ન કરવો એ તદ્દન નિરર્થક અને નકામું છે. સત્તાને જોરે શાસન કરવાના ખ્યાલો જે જે કેન્દ્રોમાંથી ઊઠ્યા છે, તે બધાં જ કેન્દ્રોને તમે ઘસાતાં, સડતાં અને ભાંગી પડતાં જોશો. ભૌતિક શક્તિનો આવિષ્કાર કરનાર યુરોપ જો પોતાનું એવું શાસન નહીં બદલે, પોતાની ભૂમિકામાં ફેરફાર નહીં કરે અને આધ્યાત્મિકતાને પોતોના જીવનનો પાયો નહીં બનાવે તો પચાસ વર્ષમાં એ ધૂળ ફાકતું થઇ જશે. અને એ યુરોપને બચાવી શકશે માત્ર ઉપનિષદો જ.”

માણસને સામાજિક પ્રાણી તરીકે જોવાનું દૃષ્ટિબિંદુ અને એ માણસને ઇન્દ્રિયોની પરિપાટીએ સંતુષ્ટ રાખવાના પ્રયત્નો કરવાનું દૃષ્ટિબિંદુ પ્રમાણમાં વાજબી છે. અને શરૂઆતને તબક્કે એ ફળદાયી પણ છે; પરંતુ એને વધારે પડતું ખેંચવાથી, તે વ્યક્તિમાં અને સમાજમાં એ જુદી જુદી ખેંચતાણો ઊભી કરવાનું અને વિફલતા તરફ જ લઇ જવાનું. કારણ કે એમ થતાં, મનુષ્યની સર્જનશક્તિ ઇન્દ્રિયકક્ષાએ જ રૂંધાઇ જવાની અને માનવવ્યક્તિત્વની ઉચ્ચતર આધ્યાત્મિક સપાટી તરફ એ શક્તિ વળતી થંભી જવાની.

માણસ માત્ર સામાજિક સંસ્થાનો જ સભ્ય નથી એનું વ્યક્તિત્વ કેવળ ‘રાજકીય’ (રાજતંત્રની છત્રછાયામાં રહેવાતા ગ્રીક શબ્દના અર્થમાં) નથી પરંતુ, માનવવિકાસ અને માનવીય ઉત્કૃષ્ટતાનું એક બીજું પરિમાણ પણ છે. આ પરિમાણ આધ્યાત્મિક કહેવાય છે. પ્રથમ પરિમાણ ક્ષિતિજ પર વિસ્તરતું (ક્ષિતિજગામી) અને પાર્શ્વ (બાહ્ય વિકાસનું) છે. તો આ બીજું ઊંચાઇનું અને આંતરિક વિકાસનું છે. એરિસ્ટોટલે કહ્યું હતું કે, મનુષ્ય સામાજિક પ્રાણી છે. એ સાચું છે; આપણા વિકાસ માટે આપણને સામુદાયિક પાર્શ્વભૂમિકાની આવશ્યકતા છે; પરંતુ મનુષ્યને ઊંચાઇનું પણ એક પરિમાણ છે, જે એની જાગૃતિના ઊંડાણની અને આંતરિક આધ્યાત્મિક વિકાસની અપેક્ષા રાખે છે. વેદાંત કહે છે કે, મનુષ્ય વિશેનું આ એક આશ્ચર્યકારક સત્ય છે; એ કોઇ સંપ્રદાય કે મતાંધતા નથી પરંતુ, પૂર્વ અને પશ્ચિમના અનેક સંતોએ સાક્ષાત્કાર કરેલું સત્ય છે અને સૌ કોઈ તેના સત્યની ખાતરી કરી શકે છે. ‘માનવી, તારી જાતને ઓળખ’- એ ડેલ્ફીના ભવિષ્યવેત્તાના પ્રખ્યાત વચનમાં પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં પણ ઉત્કૃષ્ટતાનું આ ચડિયાતું તત્ત્વ લોકો સમક્ષ મૂકવામાં આવ્યું હતું. તમે તમારી બાહ્ય પરિસ્થિતિને પિછાણો, એટલું જ પૂરતું નથી. પરંતુ તેની સાથે એ ઉદાત્ત અને ઉચ્ચ અંત:તત્ત્વને પણ શોધવું પડશે અને તેની અનુભૂતિ પણ કરવી પડશે.

આ સત્યને સમજનાર અને તેનો સાક્ષાત્કાર કરનાર માત્ર એક જ ગ્રીક હતો, સોક્રેટીસ. અનંત અને અમર આત્મા તરીકે એણે પોતાની જાતને પ્રમાણી હતી; અને મનુષ્યનું માત્ર સામાજિક રાજકીય પરિમાણ, ક્ષિતિજલક્ષી પરિમાણ જાણનાર ગ્રીક લોકો તેને સમજી શક્યા ન હતા. એમની સમજમર્યાદાની બહારનું એ હતું. બહારનાં પરિબળો સાથે લડતા અને એની ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપતા માણસને તો તેઓ સમજી શકતા પરંતુ સોક્રેટીસની મહત્તા એથી કંઇક વધારે ગહન અને કંઇક વધારે સૂક્ષ્મ હતી. સોક્રેટીસના ઊંચેરા આધ્યાત્મિક પરિમાણને એથેન્સનું રાજ્ય સમજી ન શક્યું એ એક મહાન કરુણિકા હતી; અને તેથી એને મૃત્યુદંડ દેવામાં આવ્યો હતો. એથેન્સના યુવાનોને બગાડનાર તરીકે એના ન્યાયકર્તાઓએ એને વર્ણવ્યો હતો. કેવું દુ:ખદ વર્ણન! અને કેવી ઉત્કૃષ્ટતા અને ગરિમા! પરંતુ ગ્રીકોની સામાજિક અને રાજકીય ફિલસૂફી આ ચારિત્ર્યની ઉત્કૃષ્ટતાને પારખી શકી નહીં. સોક્રેટીસના દૃષ્ટાંતની સાથે જ હું ઈસુ ખ્રિસ્તનું દૃષ્ટાંત પણ લઉં છું. માનવીની આધ્યાત્મિક ગહનતાનો એક પ્રચંડ સંદેશ ઈસુએ પણ આપ્યો હતો. પરંતુ, તત્કાલીન યહૂદીઓની સામાજિક-રાજકીય ફિલસૂફી એ ગ્રહણ ન કરી શકી અને એણે એમને મૃત્યુદંડ આપ્યો. એથેન્સવાસીઓ અને યહૂદીઓ માત્ર સામાજિક-રાજકીય ચારિત્ર્યની ઉત્કૃષ્ટતાને જ સમજી અને પ્રશંસી શકતા; એથી ઉચ્ચતર કક્ષાની વાત નહીં. બર્ટ્રેન્ડ રસેલના આ કથન – લોકો શીખી શકે તે કરતાં વધારે ઝડપથી કશું શીખવો તો તમે તકલીફમાં મુકાવાના- ની સત્યતાનું દૃષ્ટાંત પૂરું પાડે છે.

(ક્રમશ:)

ભાષાંતરકાર:- શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.