(સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્‍યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે બેલુર મઠમાં એમણે મઠના સંન્યાસીઓ સાથે કરેલ વાર્તાલાપ અહીં પ્રસ્તુત છે. -સં)

એ સમયે મઠમાં શ્રીમહારાજ (સ્વામી બ્રહ્માનંદ), બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદ), મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ), ખોકા મહારાજ (સ્વામી સુબોધાનંદ) વગેરે રહે છે. કેટલાક દિવસથી શ્રીમહારાજે નિયમ કર્યાે છે કે સવારે ચાર વાગ્યે ઊઠીને પ્રાતઃકાર્ય પૂરાં કરીને સાડા-ચાર વાગ્યે બધા સાધુ, બ્રહ્મચારીઓએ જપધ્યાનમાં બેસવું. બે કલાક જપ-ધ્યાન કર્યા બાદ મહારાજના નિવાસસ્થાને લગભગ એક કલાક ભજન-કીર્તન થતાં. સાધુ-બ્રહ્મચારીઓને સમયસર જગાડવા માટે મહારાજ પોતે ચાર વાગ્યા પહેલાં જ ઊઠી જતા અને ચારમાં દશ મિનિટ પહેલાં એક સેવકને ઘંટ વગાડવાનું કહેતા. કોઈ કોઈ દિવસ ભજન પૂરાં થયા પછી તેઓ સાધના તથા અન્ય અનેક બાબતો પર ઉપદેશ આપતા.

મહારાજઃ ઇન્દ્રિયોના સ્વામી મનને વશમાં રાખવું જોઈએ. પછી મન અને બુદ્ધિ બંનેનો આત્મામાં લય કરી દેવો જોઈએ. મનનો સંપૂર્ણ નાશ કર્યા વગર કામ થશે નહીં. સાધુસંગને પરિણામે ઇન્દ્રિયો ચૂપ બેઠી છે, તેથી એવું ન વિચારવું કે તે સંયમિત બની ગઈ છે. સમાધિની પ્રાપ્તિ થયા વગર તેનું પૂરું દમન થતું નથી. થોડીક છૂટ આપશો તો જોશો કે ઇન્દ્રિયો બમણા વેગથી બહિર્મુખ બની દોડી રહી છે. એટલા માટે જ્યાં સુધી મન-બુદ્ધિની પેલે પાર ન જવાય ત્યાં સુધી પૂરી સાવચેતી રાખવાની જરૂર રહે છે.

ભગવાન છે, ધર્મ છે—આ બધી ખાલી વાતો નથી અથવા નીતિના રક્ષણ માટે નથી. સાચે સાચ તે છે. તે પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય છે. એનાથી વધારે સત્ય બીજું કંઈ જ નથી. ધર્માન્ધતા સારી નથી. ધીર, સ્થિર, સંયમી બનવું પડશે.

ચાર વખત ધ્યાન કરવું—સવારે, સ્નાન પછી, સંધ્યાસમયે અને મધ્યરાત્રીએ. ભગવાનપ્રાપ્તિ માટે ઘરબાર છોડીને આવ્યા છો તો તેમને મેળવવા માટે એકનિષ્ઠ બની પ્રાણના ભોગે પ્રયત્ન કરવો જોઈએ. પાગલકૂતરાની જેમ ભગવાન માટે વ્યાકુળ થઈ જવું જોઈએ. બે મુઠ્ઠી દાળ-ભાત ખાઈને મઠમાં માત્ર પડ્યા રહેવું, તે અત્યંત દયાજનક—હીન જીવન છે, ન ઘરના રહેશો, ન ઘાટના; બંને બાજુ સપાટ થઈ જશે! “ઈતો નષ્ટઃ તતો ભ્રષ્ટઃ” થઈ જશો. જો મન એમાં ન ચોંટે તો અભ્યાસ કરો. રોજ ગીતાના એક અધ્યાયનો પાઠ કરવો જરૂરી છે. મેં જાતે જોયું છે; મન જ્યારે નીચે આવે છે, ત્યારે ગીતાપાઠ કરવાથી જ મનનો મેલ એકદમ ધોવાઈ જાય છે. બે મુઠ્ઠી દાળભાત ખાઈને પડ્યા રહેવાનો અર્થ તો છે “ઈતો નષ્ટઃ તતો ભ્રષ્ટઃ”

હંમેશાં મનને ચકાસવું પડશે, પોતાની જાતને પૂછવું પડશેઃ “હું શું કરવા અહીં આવ્યો છું? કેવી રીતે દિવસો વિતાવી રહ્યો છું? શું મારે ખરેખર ભગવાન જ જોઈએ છે? જો જોઈએ છે તો હું શું કરી રહ્યો છું?” હૃદય ઉપર હાથ રાખીને જુઓ અને પૂછો કે જેવું કરવું જોઈએ તેવું કામ હું કરી રહ્યો છું કે નહીં? મન કામચોરી કરવાનો પ્રયત્ન કરશે. પણ તેનું ગળું પકડીને અંકુશમાં રાખવું પડશે, જેથી તે કામચોરી ન કરી શકે. સત્યને પકડવું પડશે. પવિત્ર બનવું પડશે. તમે જેટલા પવિત્ર બનશો, તેટલી જ મનની એકાગ્રતા વધશે, અને મનની છળકપટવૃત્તિ પકડાઈ જશે, અને એક દિવસ તેની આ દુષ્પ્રવૃત્તિનો સંપૂર્ણપણે નાશ થઈ જશે. “કે શત્રવઃ સન્તિ નિજેન્દ્રિયાણિ. તાન્યેવ મિત્રાણિ જિતાનિ યાનિ.” આ મન જ પોતાનો શત્રુ છે અને મન જ પોતાનો મિત્ર છે. જે જેટલી ઊલટતપાસ કરી મનની ભૂલોને બહાર કાઢશે અને તેને દૂર કરવામાં સમર્થ થશે તે એટલી જ ત્વરિત ગતિથી સાધના ક્ષેત્રમાં આગળ વધતો જશે.

ખૂબ જપ-ધ્યાન કરો. પહેલાં પહેલાં તો મન સ્થૂલ વસ્તુઓમાં લાગેલું રહે છે. જપ-ધ્યાન કરવાથી તે ધીમે ધીમે સૂક્ષ્મ વિષયોને ગ્રહણ કરતાં શીખે છે. શીતકાલ તો જપ-ધ્યાનનો સમય છે અને આ ઉંમર પણ એ માટે યોગ્ય છે. “ઈહાસને શુષ્યતુ મે શરીરમ્‌” કહીને બેસી જાઓ. ભગવાન ખરેખર છે કે નહીં તે એક વખત ચકાસી તો જુઓ. થોડી થોડી તિતિક્ષાનો અભ્યાસ કરવો સારો છે—જેમ કે અમાસ કે એકાદશીના દિવસે એક ટંક જમવું. નિરર્થક ગપ્પાં માર્યા વગર આખો દિવસ ઈશ્વરનું સ્મરણ-મનન કરવું. ઊઠતાં-બેસતાં, બધો જ વખત. આ રીતે કરવાથી જોશો કે કુલકુંડલિની શક્તિ ધીમે ધીમે જાગ્રત થઈ રહી છે. શું સ્મરણ-મનનથી વધારે સારી બીજી કોઈ વસ્તુ છે ખરી? માયાનાં આવરણ એક પછી એક હટી જશે અને ત્યારે જોઈ શકશો કે પોતાની અંદર જ કેટલી અદ્‌ભુત વસ્તુ છે, ત્યારે તમે સ્વયંપ્રકાશ બની જશો.

દિવસો વીત્યે જાય છે. શું કરી રહ્યા છો? આ દિવસો પાછા આવશે નહીં. ઠાકુરની પાસે પ્રાર્થના કરો, તેઓ હજુ પણ હાજર છે. હૃદયના ઊંડાણમાંથી પોકારવાથી તેઓ માર્ગ બતાવતા લઈ જાય છેે. તેમને છોડશો નહીં, નહીં તો મરશો. “તમે મારા”, “હું તમારો” એ ભાવ જોઈએ. આ માર્ગે આવીને જો જપ-ધ્યાન નહીં કરો, ઈશ્વરમાં મનને ડુબાવવાનો પ્રયત્ન નહીં કરો, તો ખૂબ દુઃખી થશો. મન ફક્ત કામિની-કાંચન માટે લાલચુ બની ભટકતું રહેશે. સત્ત્વનો તમોગુણ જોઈએ. જેમ કે “હજુ સુધી મને ભગવાન પ્રાપ્તિ થઈ નથી, તો આ અભાગી જીવનને વધારે શું ટકાવવું?” આવો ભાવ થવો સારો છે.

Total Views: 1,181

One Comment

  1. Atul Jani (Agantuk) July 26, 2022 at 4:38 am - Reply

    રાજા મહારાજની સાધના માં પ્રગતિ માટે ખૂબ જ ઉપયોગી વાતો.
    પ્રભુર માનસ સુત જય શ્રી રાખાલ.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.