(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.)

સોનાની વર્ષા

એ દિવસોમાં વિદ્યાર્થી પોતાનો દૈનિક આહાર જુદાં જુદાં ઘરોમાંથી ભિક્ષા માગીને મેળવતો હતો. શંકર ગુરુકુળમાંથી એક દિવસ ભિક્ષાને માટે એક ગામમાં ગયો જ્યાં તે એક નિર્ધન બ્રાહ્મણીના ઘરે પહોંચ્યો. બાળકને જોઈને એ ગરીબ બ્રાહ્મણીને એમ વિચારીને દુઃખ થયું કે એની પાસે આપવાને માટે કંઈ પણ નથી. પરંતુ તે એને ખાલી હાથે પાછો જવા દેવા ઇચ્છતી ન હતી. એની પાસે રસોડામાં ફક્ત એક સૂકો આમળો હતો. એણે તે આમળાને ઘણા આદર અને પ્રેમથી એ બટુકને આપી દીધો. એની ભક્તિ જોઈને શંકર અત્યંત પ્રભાવિત થયો. એણે ભગવતી લક્ષ્મીની સ્તુતિ કરીને તરત જ એક સ્તોત્રની રચના કરી અને લક્ષ્મીજી પાસે એ દુઃખી મહિલા ઉપર કૃપા કરવાની પ્રાર્થના કરી. એક ચમત્કાર થયો. શંકરની સ્તુતિથી પ્રસન્ન થઈને દેવી લક્ષ્મીજીએ બ્રાહ્મણીના ઘરને સોનાના આમળાથી ભરી દીધું. શંકર દ્વારા રચિત આ સ્તોત્ર ‘કનકધારા સ્તોત્ર’ના નામથી પ્રસિદ્ધ છે.

ગુરુકુળમાંથી ઘરે પાછા

પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ સમાવર્તિત થઈને શંકર ઘરે પાછો આવ્યો. એની મા ઘરડી થઈ ગઈ હતી અને શંકર ઘણી નિષ્ઠાથી એની સેવા કરતો હતો. ગામની સીમાથી થોડેક દૂર વહેતી પૂર્ણા નદી (હાલનું નામ અલવઈ) માં તે દરરોજ સ્નાન કરવા જતી હતી. વૃદ્ધાવસ્થાને કારણે ધીરે ધીરે એના માટે નદી સુધી જવાનું કઠિન થઈ ગયું, પરંતુ નદીમાં દરરોજ સ્નાન કર્યા વિના એને ચેન પડતું ન હતું. આઠ વર્ષના શંકરે માતાના દુઃખને સમજીને નદીની અધિષ્ઠાત્રી દેવીને પ્રાર્થના કરી. પરિણામે નદીએ પોતાનો માર્ગ બદલીને ગામની નજીકથી જ વહેવાનું શરૂ કરી દીધું. હવે એની માતાને એમાં સ્નાન કરવામાં કોઈ તકલીફ પડતી ન હતી.

શંકર સંન્યાસી બન્યા

શંકર બાળપણથી જ એક સંન્યાસી બનવાનો ઇચ્છુક હતો. એટલા માટે એણે એક દિવસ પોતાની મા પાસેથી આજ્ઞા માગી. પરંતુ એની મા પોતાના પુત્ર વગર જીવન પસાર કરવાના વિષયમાં વિચાર પણ કરી શકતી ન હતી. જે દિવસે એણે શંકરની આ ઇચ્છાને જાણી, એને નિરંતર એ બીક સતાવવા લાગી કે એનો પુત્ર ક્યાંક એને છોડીને ચાલ્યો ન જાય.

એક દિવસે, જ્યારે તે શંકરની સાથે પૂર્ણા નદીમાં સ્નાન કરી રહી હતી, અચાનક એક મગરે શંકરનો પગ પકડી લીધો. શંકર જ્યારે મગરના દ્વારા પાણીની અંદર ઘસડાઈ જવા લાગ્યો, એણે જોરથી અવાજ કરીને પોતાની માને કહ્યું, ‘મા! મગર મને પાણીમાં ખેંચી રહ્યો છે. જો તું મને સંન્યાસ લેવાની રજા આપે તો સંભવ છે કે એ મને છોડી દે.’ આર્યમ્માએ વિચાર્યું, ‘કદાચ શંકર સંન્યાસીના રૂપમાં પણ જીવંત રહ્યો તો હું ક્યારેક-ક્યારેક એને મળી શકીશ, પરંતુ જો તે મૃત્યુ પામશે તો એને જોવાનું પણ સંભવ રહેશે નહીં. વિવશ થઈને માએ શંકરને સંન્યાસી બનવાની અનુમતિ આપી દીધી. જેવો શંકર નિર્ધારિત મંત્રોનો જાપ કરીને સંન્યાસી બન્યો કે તરત એ મગરે એનો પગ છોડી દીધો અને પાણીમાં અદ્રશ્ય થઈ ગયો. કહેવાય છે કે તે મગર બ્રહ્માના દ્વારા શાપિત એક ગંધર્વ હતો. તે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને શંકરના ગુણગાન ગાતો ગાતો પોતાના લોકમાં ચાલ્યો ગયો.

Total Views: 711

2 Comments

  1. Rasendra Adhvaryu July 23, 2022 at 11:44 am - Reply

    કેવી મર્મશીલ વાતો, કેટલુંય આવું આપણા અભ્યાસક્રમમાં મુકવાની જરૂર છે. આપણી સઁસ્કૃતિ જળવાઈ રહે અને બાળકો ને માર્ગદર્શન પણ થાય. શિક્ષણ નીતિ ઘડનાર રામકૃષ્ણસંઘનું માર્ગદર્શન લે તો સોનામાં સુગંધ ભળે !

  2. Atul Jani (Agantuk) July 23, 2022 at 9:34 am - Reply

    શંકરાચાર્યજી નું જીવન અદભૂત છે. 32 વર્ષની ટુંકી આયુ મા તેમણે જે મહાન કાર્ય કર્યું તે અતુલનીય છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.