શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ના માર્ચ – એપ્રિલ,૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘The approach to Truth in Vedanta’નો દુષ્યંત પંઽયાએ કરેલ ગુજરાતી અનુવાદનો બીજો અને છેલ્લો ભાગ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં

(ગતાંકથી ચાલુ)

મનુષ્યે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી, જગતને સમજવાનો યત્ન કરી એને અંકુશમાં રાખવાનો યત્ન કરી, એનો ઉપયોગ પોતાના આત્મવિકાસ માટે કરવો જોઈએ. એ સુંદર છે. એ એટલું જ હોત તો, એ જ્ઞાને આપણે અટકીએ છીએ ત્યારે આજે જે પ્રશ્નો ઊભા થાય છે એ આપણે જોવા પામ્યા જ ન હોત. પ્રવર્તમાન સંજોગો આપણને કહે છે કે ભૌતિક વિદ્યાઓમાં બધી મોટી પ્રગતિઓ છતાં, લોકો સુખી નથી. અહીં એક મનુષ્ય છે, એ સદા લોકોને લૂંટવા અને મારી નાખવા તત્પર છે અથવા આત્મહત્યા કરવા તત્પર છે. એનામાં શી ઊણપ છે? ભૌતિક વિજ્ઞાનના બધા સાધનોયંત્રો એની પાસે છે પરંતુ એ દુ:ખી છે; એ તાણ અનુભવે છે; એને સંતોષ નથી. કશુંક અવળે પાટે ચડી ગયું છે — આખો સમાજ ઊંધો ચત્તો થઈ ગયો છે. શા કારણે? આ વિજ્ઞાન પૂરતું છે શું? ના, એ નથી. મનુષ્યનો ઊંડાણથી અભ્યાસ કરો એમ શ્રીકૃષ્ણ કહે છે અને વેદાંત પણ કહે છે, માનવીમાં ગહન સત્ય છૂપાયેલું પડ્યું છે. એને સમજવાની કોશિશ કરો, એનો સાક્ષાત્કાર કરવાની કોશિશ કરો; એટલે, મહાન વસ્તુઓ નીપજશે. આમ માત્ર બાહ્ય જગતના અધ્યયનની મર્યાદા આપણને અહીં દેખાય છે. વૈજ્ઞાનિક સત્યનું જ્ઞાન શું ત્યાં જ પૂરું થાય છે? આઈનસ્ટાઈનના આ અવતરણનો ઉલ્લેખ હું વારંવાર કરું છું; ‘વિજ્ઞાન પ્લુટોનીયમની પ્રકૃતિ ભેદી શકે છે પરંતુ, માનવ હૃદયમાં રહેલા અનિષ્ટને એ ભેદી શકતું નથી.’ અર્થાત્ વિજ્ઞાનને અને સત્યની શોધને બીજું પરિમાણ હોવું જ જોઈએ. પ્રથમના પરિમાણની સાથે, આ બીજું પરિમાણ ઉપનિષદોએ ખોજ્યું અને તેની શોધ કરી. પરંતુ તમારી પાસે તો એ માત્ર માહિતી તરીકે આવે છે, એને પામવાનો પ્રયાસ તમારે જાતે કરવો ઘટે. વિજ્ઞાનની આ કક્ષા પુસ્તકિયા અભ્યાસ કે ચર્ચા માટેનું બાહ્ય વિજ્ઞાન નથી. એ અનુભૂતિનું વિજ્ઞાન છે. બ્રહ્મસૂત્ર ભાષ્યની પોતાની પ્રસ્તાવનામાં શંકરાચાર્ય કહે છે કે: ‘બ્રહ્મજ્ઞાન બ્રહ્મના અનુભવમાં વીરમે છે (અનુભવ અવસાનં બ્રહ્મ વિજ્ઞાનમ્)’

આ જ વાત વેદાંત ફરી ફરીને કહે છે; માન્યતાનો સ્વીકાર નહીં પણ પ્રયોગ અને અનુભવ. બ્રહ્મસૂત્રોની પોતાની પ્રસ્તાવનામાં આચાર્ય શંકર કહે છે તેમ એ ‘(વસ્તુ તંત્ર જ્ઞાન), જેવા છે તેવા સત્યનું જ્ઞાન છે.’ વેદાંત કહે છે કે આંતર્જગતમાં, બધું જ્ઞાન હોવા તરફનું છે; તમારી સત્ય પ્રકૃતિને જાણવાનો તમે પ્રયાસ કરો ત્યારે, તમને અનુભવ થાય છે કે તમે તે છો. બાહ્ય જગતમાં, એવું કદી થતું નથી. હું કોઈ તારકનો અભ્યાસ કરું તો, હું તારક બની જતો નથી, હું મેજનો અભ્યાસ કરું તો, હું મેજ બનતો નથી. પરંતુ તમે તમારી જાતનો ઊંડાણમાં અભ્યાસ કરો ત્યારે, તમે તે છો અને તમે તે બનો છો. તમે ઊર્ધ્વગતિ પામો છો. તમે વિકાસ પામો છો, તમે તે સત્ત્વમાં વિકસો છો. જ્ઞાન પ્રાપ્ત કરીને, એક સિદ્ધાર્થ બુદ્ધ બને છે, પ્રેમ અને કરુણાથી પૂર્ણ, એક નવો મનુષ્ય દૃશ્યમાં આવે છે. માનવીમાં કેવું અદ્‌ભુત પરિવર્તન થાય છે!

સભ્યતાના અનેકવિધ ઉપકરણો હોવા છતાં, આજે, આપણા સમાજમાં પુષ્કળ માનવીય પ્રશ્નો છે અને, સૌથી વિશેષે તો, અણુયુદ્ધનો અને આંતર્હિંસાનો ભય છે. પારણું ઝુલાવતો હાથ અને બોંબ ફેંકી આખા કુટુંબનો વિનાશ કરતો હાથ – બંનેમાં તમને એક જ હાથ જોવા મળશે; પરંતુ આ હાથને પેલા હાથમાં કેવી રીતે ફેરવવો? આમાં કોઈ ભૌતિક વિજ્ઞાન આપણને સહાય કરી શકે તેમ નથી. આને શક્ય બનાવતી મનુષ્યની ગહનતાની વિદ્યા હોવી જ જોઈએ.

માનવ ઊર્જા સ્રોતોનું વિજ્ઞાન

સત્ય અને માનવ અભ્યુદયના પ્રેમથી પ્રેરાઈને, વેદાંતે મનુષ્યની ગહનતાનું વિજ્ઞાન વિકસાવ્યું અને સાન્ત, મર્ત્ય માનવીની પાછળ રહેલા અનન્ત, અમર આત્માની તેણે શોધ કરી. (દ્રવ્યના) જથ્થાની સાથે કામ પાડતાં ભૌતિક વિજ્ઞાનોની ગાણિતિક ચોકસાઈ વેદાંત પાસે ભલે ન હોય. અહીં, તમે તમારી જાતની સાથે કામ પાડો છો. અને, જીવનના જથ્થા સાથે નહીં પણ તેના ગુણની સાથે તમે કામ પાડો છો. આ પ્રકારના નિરીક્ષણ દ્વારા જ મનુષ્યતંત્રની પાયાની સમૃદ્ધિ આવે છે. મનુષ્યના ઊંડાણની ગહનવિદ્યા ઉપનિષદોએ આમ વિકસાવી. બાહ્ય દૃષ્ટિએ મનુષ્ય આવો દેખાય છે; આંતરિક દૃષ્ટિએ, એ કશોક ભિન્ન છે. મુક્તિ અને આવશ્યકતાનો, મૃત્યુ અને અમરતાનું મનુષ્ય અદ્‌ભુત મિશ્રણ છે. મહાભારત કહે છે:

અમૃતઞ્ચૈવ મૃત્યુશ્ચ દ્વયં દેહે પ્રતિષ્ઠિતમ્ ;

મૃત્યુરાપદ્યતે મોહાત્ સત્યેનાપદ્યતેઽમૃતમ્ —

‘અમરત્વ અને મૃત્યુ બંને દેહમાં પ્રતિષ્ઠિત છે; મોહની પાછળ પડીને મનુષ્ય મૃત્યુ પ્રાપ્ત કરે છે અને, સત્યને અનુસરીને અમરત્વ પ્રાપ્ત કરે છે.’

મનુષ્ય જાતને વેદાંતે આ પડકાર ફેંક્યો છે. અર્થાત્, આ જ જીવનમાં, આ જ દેહમાં, જ્ઞાન અને કરુણાથી સંપન્ન, દૃઢ મનવાળું અને નિર્ભય ચારિત્ર અને વ્યક્તિત્વનું સ્થિર માળખું આપણે બાંધી શકીએ છીએ. બાહ્ય શારીરિક શક્તિઓને સારા કે માઠાનું કશું મૂલ્યવળગણ નથી. આંધિ, વીજળી, સૂર્યપ્રકાશ – આ પોતે સારાં કે ખરાબ નથી. પણ માનવી એમની સાથે એકવાર કામ પાડવા લાગ્યો એટલે આપણે ત્યાં સારા ખરાબ વગેરે શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. સારું કે ખરાબ, કશું પ્રકૃતિમાં નથી પણ, માનવીમાં છે. અહીં એક દીવો છે. એ દીવાના પ્રકાશમાં હું ખોટો ચેક લખી શકું છું કે એ જ દીવાના પ્રકાશમાં દાનમાં મોટી રકમ આપી શકું છું. પ્રકાશ કશાને માટે જવાબદાર નથી. મારા વિશેની મારી સમજણને અનુલક્ષીને એ તકનો લાભ મેં સાચી કે ખોટી રીતે કર્યો છે.

બાહ્ય પ્રકૃતિમાં ઊર્જાઓનું જ્ઞાન અને તેમના પર અંકુશ ભૌતિક વિજ્ઞાન આપે છે; અને પ્રત્યેક મનુષ્યમાં ગોપિત ઊર્જા સ્રોતોનું અદ્‌ભુત નિરીક્ષણ વેદાંત આપે છે. આ મનુષ્યનું પાર્થિવ શરીર છે, શક્તિનું કેન્દ્ર છે; આપણે એને સ્નાયવી શક્તિ કહીએ છીએ. એક સમયે માનવજાત પાસે માત્ર એ શક્તિ જ હતી છતાં, આ સ્થૂળ શક્તિ અતિ સામાન્ય છે, જો કે, એક કાળે, મનુષ્ય પાસે માત્ર તે શક્તિ જ હતી. આદિ માનવ માત્ર આ એક શક્તિ પર જ અંકુશ ધરાવતો હતો. આજે એ સ્નાયવી શક્તિ તદ્દન સામાન્ય બની ગઈ છે કારણ, આ સ્નાયવી શક્તિ કરતાં કોટિગણી વધારે શક્તિમતી ઊર્જા વિજ્ઞાન પેદા કરી શકે છે. આપણાં રોકેટો કોટિગણી સ્નાયવી શક્તિ સિવાય કશું નથી. એટલે, એ શક્તિ ઉચ્ચ પ્રકારની નથી.

સ્નાયુ સામે જોઈએ ત્યારે, એ મોટો દેખાય છે. આપણે એને સ્થૂળ શક્તિ કહીએ છીએ પરંતુ, એ સ્થૂળ શક્તિની પાછળ સૂક્ષ્મ શક્તિસ્રોત છે. એ જ્ઞાનતંતુ છે. એ તંતુ ઘણો નાનો છે પણ, એને કાપી નાખીએ તો સ્નાયુ મૃત બની જાય છે; આમ માનવતંત્રમાં શક્તિનો અદ્‌ભુત ક્રમ જોવા મળે છે. બાહ્ય શક્તિ સ્થૂળ અને મર્યાદિત છે, આંતરિક શક્તિ સૂક્ષ્મ અને અસીમ છે. આ જ્ઞાનતંતુ તંત્રની પાછળ મન છે, એ શક્તિનો વધારે મોટો ભંડાર છે પણ, એ વધારે સૂક્ષ્મ છે. જ્ઞાનતંતુને તમે જોઈ તો શકો છો પરંતુ, મનને કોઈ જોઈ શકતું નથી. વિખ્યાત જ્ઞાનતંતુશાસ્ત્રી સર ચાર્લ્સ શેરિંગ્ટન જણાવે છે તે પ્રમાણે માનવમન ઇંદ્રિયોની પકડની બહાર છે અને કાયમ તે અદૃશ્ય જ રહેવાનું છે. કોઈ પણ ઇંદ્રિયથી મનને કદી જોઈ શકાતું નથી અને, એ મન આટલી બધી ઊર્જા ધારણ કરે છે. મનોવ્યાપાર ખોટકાઈ જાય છે ત્યારે, બધા સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓ નિષ્પ્રાણ થઈ જાય છે – એ સર્વશક્તિહીન બની જાય છે. આમ મનુષ્યપ્રાણીમાં આપણે ઊંડા ઊતરીએ છીએ ત્યારે, સૂક્ષ્મતા, બહુલતા અને આંતરિકતાના ચડતા પ્રમાણમાં આપણને ઊર્જા જોવા મળે છે.

કઠ ઉપનિષદના ત્રીજા અધ્યાય પરની પોતાની ટીકામાં શંકરાચાર્ય ત્રણ શબ્દો કહે છે. એ છે – સૂક્ષ્મા:, મહાન્તશ્ચ, પ્રત્યગાત્મભૂતાશ્ચ. ‘સૂક્ષ્મતા, મહત્તા અને આંતરિકતાને ચડતે ક્રમે’ માનવ ઊર્જાસ્રોતો વ્યવસ્થિત છે. તમે જેમ ભીતર જાઓ તેમ, શક્તિનો ગુણ અને જથ્થો વૃદ્ધિ પામે છે; એ સૂક્ષ્મતર છે, મહત્તર છે અને, વધારે આત્મવત છે. સ્નાયુ એ તમે નથી, એ તમારું કરણ છે. જ્ઞાનતંતુ તમે છો પણ, તમે ઊંડેરા જાઓ છો ત્યારે, તમે મન છો અને, જ્ઞાનતંતુ માત્ર કરણ-સાધન- છે, એ કર્તા નથી, કર્મ છે. પછી આપણે મનની હદ ઓળંગીએ છીએ. મનથી પર સત્યરૂપ આત્મા છે જે, નિત્ય કર્તા છે અને કદી કર્મ નથી.

શ્વેતાશ્વતર ઉપનિષદે કહ્યા પ્રમાણે, ‘એનું પરિમાણ અનન્ત છે (પુરુષં મહાન્તં) — સાન્ત મનુષ્યની પાછળ અનન્ત મનુષ્ય રહેલો છે. તમે જેમ ઊંડેરા ઉતરશો તેમ, તમારામાં ઊર્જાના વધારે સ્રોત તમને સાંપડશે.

આમ, ઊંડે જવાથી, ત્યાં રહેલા વિશુદ્ધ ઊર્જાનો અદ્‌ભુત સ્રોત આપણને સાંપડશે. આપણે આજે સ્નાયવી-શારીરિક-શક્તિ તેમ જ માનસિક કે, બૌદ્ધિક, શક્તિનો વિનિયોગ કરી રહ્યાં છીએ. બાહ્ય જગત સાથે કામ પાડવામાં એ ભલે અસાધારણ ભાસે પણ એ છે સાધારણ જ. ગુનાગોરી અને ગેરવર્તણૂકનું આજનું પ્રમાણ જોતાં, માનવજીવનના પ્રશ્નો કેવળ માનસિક શક્તિ વડે ઉકેલી શકાશે નહીં. બૌદ્ધિક શક્તિ વડે ગુનાનો પ્રશ્ન હલ કરી શકાશે નહીં કારણ કે, કેટલાક મહાન ગુનેગારો બૌદ્ધિકો છે! એમની પાસે પુષ્કળ બુદ્ધિ છે; પણ એ બુદ્ધિને થોડી વિશુદ્ધિની આવશ્યક્તા છે. એણે બીજી વ્યક્તિનો આદર કરવાનો છે. પોતાનામાં કશું અનંત ન જુએ અને, આ જનીતતંત્રથી મુક્ત ન થાય ત્યાં સુધી, એ તેમ કરી શકે નહીં.

દરેક બાળકે એક નવા ભીતરી પરિમાણમાં વિકાસ સાધવાનો છે. એ બુદ્ધિથી પર છે; વધારે શિક્ષણ, વધારે પુસ્તકો, વધારે વિદ્વતાથી એ સાધી શકાતું નથી. એટલે તો, ભારતમાં આપણી પુરાણી પરંપરા અનુસાર, માત્ર પાંડિત્ય પૂજાતું નથી. કોઈ ભલે મહાન પંડિત હોય પણ, એનામાં પ્રેમ અને અનુકંપા વિકસ્યાં ન હોય તો, સમાજ એને ઉચ્ચતમ આદરમાન આપશે નહીં. એટલે, મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ બિલકુલ જરૂરનો છે.

માનવ ઉત્ક્રાંતિના ધ્યેય વિશે વેદાન્ત

બધા બૌદ્ધિક વિકાસ છતાં, આજે, જગતમાં એ પ્રકારના વિકાસની ઊણપ છે. એક મનુષ્ય બીજાનું કેવું શોષણ કરે છે, બીજા ઉપર કેવી જોરતલબી કરે છે તે, આપણે જોઈ શકીએ છીએ. કેટલીયે વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં પણ, આ પ્રશ્ન આપણને જોવા મળે છે. ધારો કે એક વડો વૈજ્ઞાનિક છે; હાથ નીચેના માણસોને એ ઉપર આવવા દેતો નથી; અથવા તો, એમનાં સંશોધનો એ પોતાને નામે ચડાવી લે છે. એમાં શું ખોટું છે? બૌદ્ધિક વિકાસ થયો છે પણ, આધ્યાત્મિક વિકાસનો અભાવ છે. જીવનની દરેક શાખાપ્રશાખામાં આપણને આ દેખાશે. બૌદ્ધિક સપાટીથી આગળ પણ માનવવિકાસ થવો જોઈએ એટલે, આધ્યાત્મિક રીતે વિકસિત મનુષ્ય પોતાના ચિત્તમાં શાંતિ અનુભવે છે અને તેથી, જગત સાથે પણ એ શાંતિથી વ્યવહાર કરે છે. મારા મનમાં ગૂંચ હોય, મનમાં ગ્રંથિઓ અને મહત્ત્વકાંક્ષાઓ હોય તો, એ સર્વ મને, અન્ય લોકોની પકડથી દૂર લઈ જશે અને પછી, જગતને હું ઉપાધિરૂપ બની જઈશ. શા માટે મારે એવા રહેવું જોઈએ? હું અનંત શાંતિ અને કરુણાનું કેન્દ્ર ન બની શકું અને, બીજાં સૌને ઈશ્વરના આશીર્વાદ ન વાંછી શકું? વેદાન્ત અનુસાર માનવ ઉત્ક્રાંતિનું ધ્યેય આ છે.

મનુષ્ય જીવનનું ધ્યેય શું છે? શ્રીરામકૃષ્ણ કથામૃતમાં, અનેક સ્થળે શ્રીરામકૃષ્ણ ઉત્તર આપે છે કે, મનુષ્ય જીવનનું ધ્યેય ઈશ્વર સાક્ષાત્કાર છે. વિવેકાનંદે વેદાન્ત દર્શનનો અને આધ્યાત્મિકતાનો સાર આપ્યો ત્યારે, એના પાયાના સત્ય તરીકે એમણે દરેક માનવીની જન્મજાત દિવ્યતાને મૂકી હતી.

‘પ્રત્યેક આત્મામાં દિવ્યતા નિહિત છે. બાહ્ય અને આંતરિક પ્રકૃતિને વશ કરીને, આ દિવ્યતાનો આવિષ્કાર કરવો તે ધ્યેય છે. આ તમે કર્મ દ્વારા, ભક્તિ દ્વારા કે, મનના સંયમ વડે કે, ફિલસૂફી દ્વારા – આમાંના એક કે વધારે વડે કે બધાંય વડે – હાંસલ કરો અને મુક્ત બનો. ધર્મનો સાર આ છે. સિદ્ધાંતો, વાદો, પૂજાપચારો, ગ્રંથો, મંદિરો, પ્રતિમાઓ સર્વ દ્વૈતીયિક વિગતો છે.’

આ સંબંધમાં હું અનેક વાર બર્ટ્રેણ્ડ રસેલને ટાંકું છું. એ અજ્ઞેયવાદી હતા, ધર્મપુરુષ નહીં. પણ, યુદ્ધોત્તર પરિસ્થિતિ જોઈને, પોતાના પુસ્તક ઈમ્પૅક્ટ ઑફ સાયન્સ ઑન સૉસાયટી (સમાજ પર વિજ્ઞાનનો પ્રભાવ)-માં કહે છે કે, ‘જ્ઞાનમાં વૃદ્ધિ પામે છે તેટલો માનવી ડહાપણમાં વૃદ્ધિ નહીં પામે તો, જ્ઞાનવૃદ્ધિ દુ:ખ વૃદ્ધિ જ થશે.’ જ્ઞાન જેટલું વધારે તેટલું દુ:ખ વધારે, આદિ માનવને દુ:ખ ઓછું હતું કારણ, એ ઘણું થોડું જાણતો હતો.

આમ, જ્ઞાને શાણપણમાં વિકસવું જોઈએ. એ શાણપણમાં કેવી રીતે વિકસી શકે? આ બાહ્ય જ્ઞાનને, મનુષ્યની અનંત આધ્યાત્મિક પ્રકૃતિના જ્ઞાન સાથે જોડવામાં આવે ત્યારે, એ શાણપણમાં વિકસે છે. કોઈ બુદ્ધમાં, કોઈ જિસસમાં, કોઈ રામકૃષ્ણમાં આપણને એ જોવા મળે છે. જ્ઞાનને એ સૌ ઉચ્ચતમ કક્ષાએ લઈ ગયા હતા. એમણે આવિષ્કૃત કરેલી ઊર્જા અનંત ઊર્જા હતી. સદીઓ, યુગો વીતી ગયેલ છે છતાં, એમની ઊર્જા કાર્યરત છે. એ શી રીતે બને છે? ભૌતિક ભાષામાં, આપણે કહીએ છીએ કે, સૂર્ય આટલા લાખ માઈલ દૂર છે છતાં, એ આપણને અહીં ઉષ્ણતા આપે છે. સૂર્યમાંથી ઉત્પન્ન થતી પ્રચંડ શક્તિને કારણે જ એ થતું હશે. એ જ રીતે બુદ્ધ ૨૫૦૦ વર્ષ અગાઉ જીવંત હતા. પાર્થિવ દૃષ્ટિએ એ નથી છતાં, એ પોતાનો પ્રભાવ ફેલાવે છે અને, લાખ્ખો લોકોને એનો લાભ મળે છે. જિસસનું પણ તેવું જ. પરંતુ એ શક્તિના સ્રોતને આપણે કેવી રીતે શોધીએ છીએ? એમના સ્નાયુમાંથી એ ઉદ્‌ભવી હતી? એ સ્નાયુ તો મરી ગયેલ છે અને અદૃશ્ય થઈ ગયેલ છે. એમની બુદ્ધિમાંથી એ આવતી હતી? એમના કેટલાક સમકાલીનોની તુલનાએ એઓ સામાન્ય બુદ્ધિના હતા. ઈસુ ખ્રિસ્ત એક સાદા સુથારના દીકરા હતા. પરંતુ, પોતાની ભીતરથી, પોતાના આધ્યાત્મિક પરિમાણમાંથી તેમણે કેવી તો અદ્‌ભુત ઊર્જા આપી! કેવી તો અદ્‌ભુત ઊર્જા એ હશે! આત્મશક્તિ જ સાચી શક્તિ છે. આ સ્વીકારીને, એના પ્રકાશ અનુસાર આપણું જીવન આપણે ઘડવું જોઈએ.

નેપોલિયનમાં ખૂબ બળ અને શક્તિ હતાં અને, પોતાનું ધાર્યું કરવા માટે એણે તલવારનો ઉપયોગ કર્યો હતો. સેંય્‌ટ હેલીના ટાપુ ઉપર એ બ્રિટિશ કેદી હતો ત્યારે, એની પાસે વિચારવાનો અને પોતાના જીવનનો ક્યાસ કાઢવાનો સમય હતો. પરિણામે, એણે નીચેનું ચિંતનપૂત કથન કર્યું: ‘આ જગતમાં બે શક્તિઓ છે – આત્મા અને તલવાર. આત્માએ હંમેશાં તલવાર પર વિજય મેળવ્યો છે. સિકંદરે, સીઝરે, શાર્લમ્હાને અને મેં મહાન સામ્રાજ્યો રચ્યાં. આ સામ્રાજ્યોનો આધાર શો હતો? તલવાર, અને એ બધાં નાશ પામ્યાં. આત્મા ઉપર, પ્રેમ ઉપર માત્ર જિસસે સામ્રાજ્ય ખડું કર્યું. અને આજે પણ લાખ્ખો લોકો એને માટે પ્રાણ દેવા તૈયાર છે.’

પોતાની તલવારને ખૂબ કુશળતાથી વાપરનાર માનવીનો આ એકરાર છે. પરંતુ એ આત્મશક્તિને નમ્યો. વેદાન્ત કહે છે કે, એ આત્મશક્તિનો સ્રોત સૌમાં છે. પ્રત્યેક મનુષ્યનો એ જન્મસિદ્ધ અધિકાર છે. નવજાત શિશુમાં એ અનંત સ્રોત રહેલો છે. એ સ્રોતનો એ શિશુ રોજરોજ આવિષ્કાર કરતો રહે તે આપણે જોવાનું છે. માનવ વિકાસની એ અનન્યતા છે. એ વિકાસમાં ભૌતિક વિદ્યાઓ આપણને પ્રથમ સહાયરૂપ થઈ શકે પણ એ જ માત્ર સહાય નથી. ત્યાં જ ન અટકો.

એટલે, આપણા વેદાન્તાચાર્યોએ કહ્યું, બંને પ્રવાહોને સાથે રહેવા દો. ભારતમાં, અલ્લાહાબાદ કે, પ્રયાગ પાસે ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. ભારત એને ખૂબ પવિત્ર તીર્થ માને છે. એ જ રીતે, ભૌતિક વિદ્યા અને અધ્યાત્મ, જ્ઞાનના એ બે પ્રવાહોની આપણે આવશ્યક્તા છે; વધારે ચોકસાઈથી કહીએ તો, એ બે પ્રવાહોની વચ્ચે ત્રીજો, મૂલ્યોના વિજ્ઞાનના પ્રવાહને ભેળવી ત્રિવેણી સંગમ કરવો જોઈએ. તો, આજે, પૂર્ણ માનવ વિકાસ દ્વારા આ સંગમની શક્યતા છે; એક પ્રવાહ સુવિકસિત છે, અર્થાત્, ભૌતિક વિદ્યાનો; અધ્યાત્મવિદ્યા અને મૂલ્યવિજ્ઞાનના બીજા બે પ્રવાહો ભૌતિકવાદમાં અને, અસહિષ્ણુ જાતીય ધર્મોમાં ગુંગળાઈ ગયા છે, ૧૮૯૬ના જૂનની ૭મીએ લંડનથી ભગિની નિવેદિતાને લખતાં વિવેકાનંદે કહ્યું હતું કે:

‘મારો આદર્શ થોડાક જ શબ્દોમાં મૂકી શકાય તેવો છે અને તે છે મનુષ્યજાતને પોતાની દિવ્યતાનો બોધ કરવાનો અને જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેના આવિષ્કારની રીત જાણવાનો…

જગતના ધર્મો નિષ્પ્રાણ મશ્કરીઓ બની ગયા છે. જગતને જરૂર છે ચારિત્ર્યની. જેમનું જીવન નિ:સ્વાર્થ પ્રેમની જ્વાળા હોય તેમને જગત ઝંખે છે. એ પ્રેમ દરેક શબ્દને વીજગર્જના બનાવશે.’

આધ્યાત્મિક વિકાસ હકીકત છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં આપણે તેને પુન: સ્થાન આપવું પડશે. માનવીના અંતરમાં રહેલા યુદ્ધથી જ બહારનું યુદ્ધ આરંભાય છે. હૃદયના આવેગો મનની સમતુલાને અને, જગતના મધ્યમ રાહને હલબલાવી નાખે છે. માનવના અને મનુષ્યજાતિભાનને સ્થાન મળ્યું છે તે યુનેસ્કોમાં એક આમુખ છે જેમાં, રાજકીય લખાણમાં પ્રથમવાર આપણે આધ્યાત્મિક વિચારને પ્રવેશતો જોઈએ છીએ. ‘યુદ્ધોનો આરંભ માનવચિત્તમાં થતો હોય છે તેથી, શાંતિમાં રક્ષણાત્મક પગલાં પણ માનવચિત્તમાં જ ભરવાં જોઈએ.’

બીજા વિશ્વયુદ્ધના આરંભની અગાઉ જ, ડૉ. જોશુઆ ઑલ્ડ ફીલ્ડ નામના એક બ્રિટિશ બૌદ્ધિકે, ૧૯૩૯માં, લંડનમાં એક પ્રવચન આપ્યું હતું. તેનો અહેવાલ વર્તમાનપત્રોમાં આવ્યો હતો; સર્વાઈના કરારનો કદાચ એ ઉલ્લેખ કરતા હશે: ‘સારા સ્વભાવના માણસો યુદ્ધનાં પગલાંની ચર્ચા કરવા મળે તેના કરતાં, ખરાબ સ્વભાવના માણસો શાંતિનાં પગલાંની ચર્ચા કરવા મળે તેથી વધારે યુદ્ધો થાય છે.’

આપણી આ ભયંકર દુનિયામાં જ્યાં, એક મનુષ્યનું ગેરવર્તન જીવન અને મિલકતનો ખૂબ નાશ નોતરી શકે છે ત્યાં, આ વિષય ખૂબ અગત્યનો છે — વ્યવહારની તેમજ સિદ્ધાંતની દૃષ્ટિએ. પ્રકૃતિની ઉત્ક્રાંતિની મનુષ્ય ઉત્તમ નીપજ છે. એ ખરેખર શું છે તે આપણે જાણવું જ રહ્યું. એ ન સમજ્યા તો, અપણે જે કંઈ વિકસાવ્યું છે તે સઘળું માણસને હાથે ભસ્મીભૂત થઈ જશે. રોમન સભ્યતાનો નાશ એ સભ્યતાની બહાર ઉછરેલા બર્બરોએ કર્યો હતો. પરંતુ, આજની સભ્યતા નાશ પામશે તો, એ સભ્યતાએ પોતે જ ઉછેરેલ બર્બરો એનો નાશ કરશે. માનવ્યના આવેગને વિકસાવવો જ જોઈએ; એ વધુ ઊંડાણેથી પ્રગટ થાય છે અને, મનુષ્યની ગહનતાના અભ્યાસમાંથી એ જન્મે છે. માનવીનો આધ્યાત્મિક વિકાસ થતાં, એની પાસે સનાતન સત્ય પ્રગટે છે. આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ એક છીએ; આપણે એકમેકથી ભિન્ન નથી.

ઈશ ઉપનિષદ્‌માં એક મહાન શ્લોક (છઠ્ઠો) છે:

યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવાનુપશ્યતિ;

 સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે —

‘આત્મામાં ભૂતમાત્રનો અને ભૂતમાત્રમાં આત્માનો સાક્ષાત્કાર કરનાર, એ જ્ઞાન પામીને, કોઈનો દ્વેષ નહીં કરે.’

આ આધ્યાત્મિક વિકાસ એક હકીકત છે. એ આંતરિક ઉત્ક્રાંતિ છે. સદ્‌ભાગ્યે, વીસમી સદીના જીવશાસ્ત્ર પાસે ઉત્ક્રાંતિનો નવીન ખ્યાલ છે. આ તબક્કે એક પ્રશ્ન ઊઠે છે. માનવ તબક્કે, ઉત્ક્રાંતિનું ધ્યેય શું હોઈ શકે? ૧૯૫૯માં ડાર્વિન શતાબ્દિ સમારોહ પ્રસંગે શિકાગો યુનિવર્સિટીમાં મળેલી જીવશાસ્ત્રીઓની પરિષદમાં આ ગહન પ્રશ્ન ચર્ચાયો હતો અને, એ કાર્યવાહી ત્રણ ગ્રંથો રૂપે આપણને ઉપલબ્ધ છે. સર જૂલિયન હક્સ્લી કહે છે:

‘આપણા પ્રવર્તમાન જ્ઞાનના પ્રકાશની મર્યાદામાં, મનુષ્યનો સૌથી વ્યાપક હેતુ અસ્તિત્વ નથી, સંખ્યાવૃદ્ધિ નથી, સંસ્થાની વૃદ્ધિંગત સંકુલતા નથી કે, પર્યાવરણ ઉપર વધારે અંકુશ નથી પરંતુ, વધારે પરિપૂર્ણતાની પ્રાપ્તિ છે – માનવજાતિ વડે સામૂહિક રૂપમાં વધારે શક્યતાઓ હાંસલ કરવી અને, એના વ્યક્તિગત સભ્યો દ્વારા તેની વધારે પ્રાપ્તિ કરવી…

મનુષ્યના અંતિમ કે સુષુપ્ત ધ્યેય તરીકે, આ વધારે પરિપૂર્ણતાનું ધ્યેય સ્વીકારાયું કે, આગળ આવનાર મનો-સામાજિક ઉત્ક્રાંતિના દીર્ઘ પંથમાં સહારૂપ થવા માટે, માનવ શક્યતાઓના વિજ્ઞાનની આપણને આવશ્યકતા રહેશે. (ભાર લેખકનો છે)

એ વિજ્ઞાન ભારતે ઉપનિષદોમાં વિકસાવ્યું હતું અને, ઈ.સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં બુદ્ધથી માંડી આપણા પોતાના યુગમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ સુધી એ પોષાતું આવ્યું છે. માનવ ઉત્ક્રાંતિનો એ જ રાહ છે અને તેની એ જ નેમ છે. આવા આધ્યાત્મિક રીતે વિકસેલા લોકોની સંખ્યા સમાજમાં વધે તો, ચોક્કસ વધારે શાંતિ, વધારે સંવાદિતા અને વધારે સાચું વિજ્ઞાન થવાનાં જ છે. એ માટે તો, વેદાન્ત માને છે કે, ભૌતિક વિજ્ઞાન, મૂલ્યોનું વિજ્ઞાન અને, અધ્યાત્મ વિજ્ઞાન, ઊર્જાના એ ત્રણ પ્રવાહો માનવ વ્યક્તિ અને સમૂહની પરિપૂર્ણતાની સિદ્ધિ માટે, સમાંતર વહેવા જોઈએ. વેદાન્ત મૂલ્યોના વિજ્ઞાનને ભૌતિક વિદ્યાઓ અને અધ્યાત્મવિદ્યા વચ્ચેની કડી માને છે.

માનવ જીવન બે પ્રવાસોનું હોવું ઘટે

પ્રત્યેક મનુષ્યે કરવાના બે પ્રવાસની વાત વેદાન્ત કરે છે. એક પ્રવાસ તે સ્થળકાળનો, બાહ્ય પ્રવાસ. બીજો તે પોતાની અનંત પ્રકૃતિ ભણીનો આંતરિક પ્રવાસ છે. આ અંતર પ્રવાસ આલંકારિક અર્થમાં જ પ્રવાસ છે; પરંતુ એનો ખરો અર્થ છે આકલન અથવા, સાક્ષાત્કાર. આ શરીરમાં જ એ કરી શકાય છે એટલે, આ દેહ-મન સંકુલ પૂર્ણ માનવ વિકાસની પ્રયોગશાળા બને છે.

બાહ્ય જગતને એ તમે લાગુ કરો છો ત્યારે, ભૌતિક વિજ્ઞાનનાં મહાન તંત્રો તમે વિકસાવો છો; તમારી જાતની અંદર તેને લાગુ પાડો એટલે, મહાન અધ્યાત્મવિદ્યાનો તમે વિકાસ સાધો છો અને, મૂલ્યોનું વિજ્ઞાન એનું આરંભબિંદુ છે. પોતાના દેહને પ્રયોગશાળામાં ફેરવવામાં વેદાન્ત દરેકને સહાય કરે છે. એ શું કરે છે? બહારથી મળતા દ્વેષનું પ્રેમમાં રૂપાન્તર કરી એ બહાર પ્રેમ આપે છે. ભૌતિક નિયમાનુસાર કદી એમ બની શકે નહીં. વેદાન્ત કહે છે કે મનુષ્ય જુદો પ્રતિભાવ આપી શકે. મને દ્વેષનો એક એકમ મળે તો, હું એ દસગણો આપી શકું! એ દર્શાવે છે કે હું મુક્ત છું, સ્વસંચાલિત યંત્ર નથી. પણ અહીં તો શોધિત યંત્ર છે; મારામાં દ્વેષ પ્રવેશે છે, હું એની ઉપર પ્રક્રિયા કરું છું અને, માત્ર પ્રેમ અને અનુકંપા પ્રગટ કરું છું.

શિકાગોની ડાર્વિન શતાબ્દિ પરિષદમાંના પોતાના એક પ્રવચનમાં, સર જૂલિયન હક્સ્લીએ કહ્યું હતું કે, પ્રાણી કક્ષા સુધી, ઉત્ક્રાંતિનો માપદંડ જથ્થો હતો પણ, માનવકક્ષાએ એ ગુણવિકાસ છે તે, આ સંદર્ભમાં નોંધવું રસપ્રદ થશે. વેદાન્ત અને અર્વાચીન જીવશાસ્ત્ર બંને તમને પૂછતાં નથી કે, ‘તમારી પાસે વિશાળ ઘર છે? એમાં જાતજાતનાં યંત્રો છે? પરંતુ એ બંને પૂછે છે, ‘તમને શાંતિ છે ને? તમે બધાંની સાથે શાંતિથી અને પ્રેમથી રહી શકો છો?’ રોમાં રોલાં અનુસાર, વિવેકાનંદે કહ્યું હતું કે, વેદાન્ત જાતે વિજ્ઞાન છે અને, બધાં ભૌતિક વિજ્ઞાનોને વેદાન્ત માનભર્યું સ્થાન આપે છે. પછી ભલે, એ ભૌતિક વિજ્ઞાનો વેદાન્તનો સ્વીકાર કરે કે ન કરે. પશ્ચિમના કેટલાક ભૌતિક શાસ્ત્રીઓ આજે વેદાન્તનાં સત્યોનો ભાવાત્મક પ્રતિભાવ આપે છે. છાન્દોગ્ય ઉપનિષદ (૬ પ્રપાઠક) તત્ ત્વં અસિ (તું તે અનંત આત્મા છે) કહે છે તે ગહન સત્યને અણુવૈજ્ઞાનિક સ્ક્રોડિંજર ટાંકે છે. એક નાસ્તિક બ્રિટિશ સૂક્ષ્મજીવશાસ્ત્રી પ્રૉ. જે.વી. એસ. હેલ્ડેને ભારતમાં જઈ વસ્યા હતા અને ભુવનેશ્વરમાં અવસાન પામ્યા હતા; તેમણે પોતાના એક પ્રવચનમાં કહ્યું હતું કે, ‘હું જર્મની ગયો ત્યારે, મારા એક મિત્રની સૂક્ષ્મજીવશાસ્ત્રની પ્રયોગશાળાએ ગયો હતો અને ત્યાં પ્રવેશદ્વારે, ‘તત્ ત્વં અસિ’ એ ઉપનિષદ સંદેશ કોતરેલો જોયો હતો. એ સંદેશ ખરે જ ખૂબ ગહન છે.’ પછી પોતાના શ્રોતાઓને એમણે કહ્યું હતું કે, ‘તમારામાંથી કોઈ આ સત્યને સમજી અને જીવી શકશો તો મને ખૂબ આનંદ થશે અને, હું માનીશ કે મને મારા પ્રવચનનો બદલો મળી ગયો છે.’ અર્વાચીન વિજ્ઞાન માનવજાતને આજે અવકાશયુગમાં લઈ ગયેલ છે. આ સંદર્ભમાં, કેટલાંક હજાર વર્ષો પહેલાં શ્વેતાશ્વતર ઉપનિષદે (૬.૨૦માં) આપેલી ચેતવણી સાંભળવી રસપ્રદ થશે:

યદા ચર્મવત્ આકાશં વેષ્ટયિષ્યન્તિ માનવા: ;

તદા દેવમ્ અવિજ્ઞાય દુ:ખસ્યાન્તો ભવિષ્યતિ —

‘મનુષ્ય આકાશને ચામડાની માફક લપેટી શકે પણ, (પોતાની ભીતરના) દિવ્ય સત્યના સાક્ષાત્કાર વિના, એમના દુ:ખનો અંત નહીં આવે.’

સમાપન

ભારતમાં અને વિશ્વમાં બધે વરસોવરસ હું પ્રવાસ કરું છું ત્યારે, ભૌતિક વિજ્ઞાનમાં સત્યના અભિગમના અનુસંધાનમાં, વેદાન્તમાંના સત્ય પ્રત્યેના અભિગમમાં રસની વૃદ્ધિ મને જોવા મળે છે. ભારતમાં પણ, આમજનતાની વાત કરીએ તો, વેદાન્ત એમને માટે પણ નવું છે. સ્વામી વિવેકાનંદે એને મઠમાંથી અને પોથીઓમાંથી બહાર કાઢી, ભારતમાં અને વિદેશોમાં, એને સર્વ માનવજાત સમક્ષ મૂક્યું અને સૌએ એનો આનંદદાયક પ્રતિભાવ આપ્યો. આ ઉત્સાહ વર્તમાન માનવ વિકૃતિઓ દૂર કરવામાં અને, આવી રહેલા દાયકાઓમાં વધારે શાંતિપૂર્ણ માનવતાવાદી જગતની સ્થાપના કરવામાં સહાય કરશે. એ જ તો વેદાન્તની અગત્ય છે. પ્રાચીન કાળમાં આ ગહન સત્ય જેટલું અગત્યનું હતું તેટલું આજે પણ છે; માન્યતાઓ પુરાણી અને નકામી બની જાય પરંતુ, સત્ય કદી જૂનું થતું નથી, એ નિત્ય તે જ રહે છે, સનાતન રહે છે. એ પ્રેરણાએ એલ્ડસ હક્સ્લીને પોતાનું પ્રખ્યાત પુસ્તક, ધ પરેનિયલ ફિલોસોફી (સનાતન દર્શન) લખવા પ્રેર્યા હતા. નવી રીતે અને, બદલાતા સંજોગોમાં, મનુષ્ય જીવનને એ કેવી રીતે લાગુ પાડી શકાય તે વિવેકાનંદે દર્શાવ્યું હતું. આવી રહેલી સદીઓમાં, માનવ જીવન પર એની સંરક્ષક વૈશ્વિક અસર જોવા મળશે.

ભાષાંતર : દુષ્યંત પંડ્યા

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.