શ્રીરામકૃષ્ણ – ચૈતન્યનું ચિંતન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ. શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય. મેં તેને કહ્યું, ‘‘ચૈતન્યનું ચિંતન કરીને શું અચેતન થાય ?’’

મણિ – જી, સમજ્યો. આ તો કોઈ અનિત્ય વિષયનું ચિંતન નથી ને ? જે નિત્ય-ચૈતન્યસ્વરૂપ, તેમાં મન લગાડવાથી માણસ અચેતન શા માટે થઈ જાય ?

શ્રીરામકૃષ્ણ (પ્રસન્ન થઈને) – આ ઈશ્વરની કૃપા. તેમની કૃપા ન હોય તો સંદેહ ટળે નહિ.

‘‘આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ.’’

‘‘ઈશ્વરની કૃપા થાય તો પછી ડર નહિ. છોકરું પોતે બાપનો હાથ પકડીને ચાલતાં ચાલતાંય કદાચ પડી જાય ! પરંતુ બાપ જો છોકરાનો હાથ પકડે તો પછી પડવાની બીક રહે નહિ. તેમ ઈશ્વર જો કૃપા કરીને સંદેહ મટાડી દે અને દર્શન આપે, તો કશી તકલીફ નહિ. પણ ઈશ્વરને પામવા સારુ ખૂબ વ્યાકુળ થઈને પોકારતાં પોકારતાં, સાધના કરતાં કરતાં, પછી તેની કૃપા થાય. છોકરું બહુ જ વ્યાકુળ થઈને ગોતાગોત કરતું આમતેમ દોડ્યા કરે છે, એ જોઈને માને દયા આવે. મા સંતાઈ ગઈ હોય તે આવીને દર્શન દે.’’

મણિ વિચાર કરે છે કે મા દોડાદોડી કરાવે શું કરવા ? તરત જ ઠાકુર બોલી ઊઠ્યા કે ‘‘માની ઇચ્છા કે જરાક દોડાદોડી થાય, તો જ જરા ગમ્મત આવે. માએ જ લીલાથી આ સંસારની રચના કરી છે. એનું જ નામ મહામાયા. એટલે એ શક્તિરૂપી માના શરણાગત થવું જોઈએ. મહામાયાએ માયાપાશમાં બાંધી રાખ્યા છે, એ પાશ છેદન કરી શકાય તો જ ઈશ્વરદર્શન થઈ શકે.’’

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવી હોય તો એ આદ્યાશક્તિને પ્રસન્ન કરવી જોઈએ. એ જ મહામાયા, જગતને મોહિત કરીને સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે છે. તેણે જ બધાને અજ્ઞાની કરી રાખેલ છે. એ મહામાયા જો બારણું છોડી દે, તો અંદર જઈ શકાય. બહાર પડ્યા રહેવાથી બહારની વસ્તુ જ માત્ર દેખાય; એ નિત્ય-સચ્ચિદાનંદ-પુરુષને જાણી શકાય નહિ. એટલે પુરાણમાં, ચંડીમાં કહ્યું છે કે મધુકૈટભ-વધ વખતે બ્રહ્મા વગેરે દેવતાઓ મહામાયાની સ્તુતિ કરે છે :

त्वं स्वाहा त्वं स्वधा त्वं हि वषट्कार स्वरात्मिका ।
सुधा त्वमक्षरे नित्ये त्रिधा मात्रात्मिका स्थिता ।।

‘‘શક્તિ જ જગતનો મૂળ આધાર. એ આદ્યાશક્તિની અંદર વિદ્યા અને અવિદ્યા બેય છે. તેમાં અવિદ્યા મોહિત કરે. અવિદ્યા, એટલે કે જેનાથી કામ-કાંચન મોહિત કરે. વિદ્યા એટલે કે જેનાથી ભક્તિ, દયા, જ્ઞાન, પ્રેમ વગેરે આવે, જે ઈશ્વરને માર્ગે લઈ જાય તે. એ વિદ્યાને પ્રસન્ન કરવી જોઈએ. એટલા માટે શક્તિપૂજાનું વિધાન.’

(‘શ્રીરામકૃષ્ણ-કથામૃત’ માંથી ભાગ-૧, પૃ. ૬૨-૬૩)

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.