(19 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના શુભ અવસર નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવ કથિત ભગવાન ગણેશની આ દૃષ્ટાંત કથાઓ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.)

શ્રીગણપતિનું પ્રત્યેક સ્ત્રીમાં માતૃજ્ઞાન

દક્ષિણેશ્વર રહેતા હતા ત્યારે એક દિવસે શ્રીરામકૃષ્ણે એમના નારી માત્રમાં માતૃભાવનો ઉલ્લેખ કરીને એક પૌરાણિક વાર્તા કહેલી. સિદ્ધ જ્ઞાની ગણના અધિનાયક શ્રીગણપતિદેવના હૃદયમાં એ પ્રકારનો માતૃભાવ કેવી રીતે દૃઢપણે સ્થપાઈ ગયેલો, તેનું વર્ણન આ વાર્તા દ્વારા થાય છે. ગંડસ્થળેથી મદઝરતા અને સૂંઢને ઝુલાવ્યા કરતા હાથીના મોઢાવાળા આ દુંદાળા દેવ ઉપર આના પહેલાં અમને કાંઈ બહુ ભક્તિ શ્રદ્ધા હતી નહિ. પરંતુ શ્રીરામકૃષ્ણને શ્રીમુખેથી આ કથા સાંભળી ત્યારથી લાગ્યું છે કે શ્રીગણપતિ ખરેખર જ સહુ દેવતાઓની પહેલાં પૂજવા યોગ્ય છે.

કિશોરવયમાં ગણેશે એક દિવસ રમતાં રમતાં એક બિલાડી જોઈ ને છોકરમતના અટકચાળામાં એને કાંઈ કેટલીયે રીતે ત્રાસ આપીને અને મારીઝૂડીને લોહીલુહાણ કરી મૂકી. જેમ તેમ કરીને જીવ બચાવીને બિલાડી ભાગી છૂટી, ત્યારે ગણપતિ શાંત પડ્યા અને પોતાની માતા શ્રીપાર્વતીદેવીની પાસે ગયા. તો ત્યાં તેમણે જોયું કે દેવીના શરીર ઉપર ઠેકઠેકાણે મારનાં નિશાન પડેલાં છે. માતાની એવી દશા જોઈને બાળકે ખૂબ જ દુઃખ પામીને એમ થવાનું કારણ પૂછ્યું. ત્યારે દેવીએ ખેદપૂર્વક જવાબ દીધો કે “તું જ તો મારી આવી દુર્દશાનું કારણ છે.” માતૃભક્ત ગણેશ એવી વાત સાંભળીને નવાઈ પામી ગયા અને વધારે દુઃખી થઈને આંસુભરી આંખે બોલ્યા, “તું કેવી વાત કરે છે, મા! મેં વળી તને ક્યારે મારી? અને વળી એવું પણ યાદ નથી આવતું કે એવું કોઈ ખરાબ કામ મેં કર્યું હોય કે જેને લીધે તારા મૂરખ બાળકને કારણે તારે બીજાને હાથે આવું અપમાન સહન કરવું પડે.” જગન્મયી શ્રીદેવીએ ત્યાર પછી બાળકને કહ્યું કે “જરા વિચાર કરી જો તો, કોઈક જીવને આજે તેં માર માર્યો છે ખરો?” ગણપતિ બોલ્યા, “એ તો કર્યું છે. હમણાં થોડી જ વાર પહેલાં એક બિલાડીને મારેલી.” એ બિલાડી જેની હશે એણે જ માતાને આમ માર મારેલો છે, એમ વિચારીને ગણેશજી ત્યારે રડવા લાગ્યા. ત્યારે પછી પસ્તાઈ રહેલા બાળકને વહાલથી છાતીએ ચાંપીને શ્રીજગજ્જનનીએ કહ્યું, “એવું નથી, બેટા, તારી સામે રહેલા મારા આ શરીરને કોઈએ માર નથી માર્યો, પરંતુ હું પોતે જ બિલાડી અને બીજાં તમામ પ્રાણીઓ રૂપે સંસારમાં વિચરણ કરું છું. તેથી તારા મારનાં ચિહ્‌નો મારા શરીર ઉપર દેખાય છે. તેં તો અજાણતામાં આવું કરેલું છે એટલે દુઃખ ન કર. પરંતુ આજથી હવે આ વાતને યાદ રાખજે કે સ્ત્રીજાતિ ધરાવતા સઘળા જીવો મારા અંશથી ઉત્પન્ન થયેલા છે અને પુરુષરૂપ ધરાવનારા જીવોએ તારા પિતાના અંશથી જન્મ લીધેલો છે. શિવ અને શક્તિ સિવાય જગતમાં કંઈ પણ નથી.” ગણેશે માતાની આ વાત શ્રદ્ધાપૂર્વક દિલમાં ઉતારી અને લગ્નને લાયક ઉંમરે પહોંચતાં માતાની સાથે પરણવું પડશે, એમ વિચારીને વિવાહના બંધનમાં બંધાવા માટે ઇન્કાર કર્યો. આ રીતે શ્રીગણેશ હંમેશને માટે બ્રહ્મચારી બનીને રહ્યા અને શિવશકત્યાત્મક જગત, એ વાતને હૃદયમાં હરહંમેશ ધારણ કરીને રહેવાથી જ્ઞાનીજનોમાં અગ્રગણ્ય બન્યા.

ગણેશ અને કાર્તિકેયનું જગત-પરિભ્રમણ

શ્રીરામકૃષ્ણે ગણપતિના જ્ઞાનની ગરિમા દાખવનારી નીચેની કથા કહેલી: એક વખતે પાર્વતીદેવીએ પોતાનો અત્યંત મૂલ્યવાન રત્નહાર બતાવીને ગણેશને અને કાર્તિકને કહ્યું કે જગતનાં ચૌદે ભુવનોનું પરિભ્રમણ કરીને તમારા બેમાંથી જે પહેલો મારી પાસે પહોંચશે, તેને હું આ રત્નહાર આપીશ. કાર્તિકેયનું વાહન મોર. મોટાભાઈનું દુંદાળું, સ્થૂળ, ભારે શરીર અને એમના વાહન ઉંદરની મંદ ગતિને યાદ કરીને, મોં મચકોડીને હાંસીભર્યું હસ્યા અને ‘રત્નહાર તો મારો જ થશે’ એમ નક્કીપણે માનીને મોર પર ચડીને જગતની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. કાર્તિકેયના નીકળ્યા પછી કેટલીયે વાર ગણેશજી પોતાને સ્થાનેથી ઊભા થયા અને જ્ઞાનદૃષ્ટિ વડે શિવશકત્યાત્મક જગતને શ્રીહરપાર્વતીના શરીરમાં રહેલું જોઈને ધીરે પગલે એમની પ્રદક્ષિણા અને પ્રણામ કરીને નિશ્ચિંત મને બેસી રહ્યા. પછી કાર્તિકેય પાછા આવ્યા એટલે પાર્વતીદેવીએ પ્રસાદી રત્નહાર ગણપતિનો છે, એમ કહીને એમના ગળામાં એ હાર સ્નેહપૂર્વક પહેરાવી દીધો.

આ પ્રમાણે ગણપતિના નારીમાત્રમાં માતૃભાવનો ઉલ્લેખ કરીને શ્રીરામકૃષ્ણે કહ્યું કે “મારો પણ સ્ત્રીમાત્ર તરફ એ જાતનો ભાવ; તેથી જ પરણેતર સ્ત્રીની અંદર શ્રીજગદંબાની માતૃમૂર્તિનાં સાક્ષાત્ દર્શન કરીને તેની પૂજા અને પાદવંદના કરેલી.”

(શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, 2.11)

Total Views: 579

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.