‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ – જેટલા દિવસ શરીર રહે તેટલા દિવસ રહે.’

‘અક્ષય મરી ગયો તે ઘડીએ તો કાંઈ થયું નહીં. માણસ કેવી રીતે મરી જાય તે બરાબર ઊભાં ઊભાં જોયું. જોયું કે જાણે મ્યાનની અંદર તલવાર રહેલી, એને મ્યાનમાંથી બહાર ખેંચી કાઢી. તલવારને કશુંયે થયું નહીં, હતી તેવી ને તેવી રહી અને મ્યાન ત્યાં પડી રહ્યું. જોઈને ખૂબ આનંદ થયો – ખૂબ હસ્યો, ગીતો ગાયાં ને નાચ્યો. એના શરીરને તો બાળીઝાળીને આવ્યા. બીજા દિવસે (ઓરડાની ઉગમણી બાજુએ, કાલી મંદિરના ચોગાનની સામેની ઓશરીને ચીંધીને) ત્યાં ઊભેલો ને જોઉં છું કે જાણે ભીના ટુવાલને નિચોવીએ એવી રીતે મારું કાળજુ નિચોવાઈ રહ્યું છે. અક્ષયને માટે મારા પ્રાણ એમ નિચોવાઈ રહ્યું છે. મનમાં થયું, મા અહીંયાં (મારે) તો પહેરવાનાં કપડાંનું ય કશું ભાનસાન નથી તો ભત્રીજા સંગાથે તે વળી કેટલો સંબંધ હોય! અહીં પણ (મનેય) જયારે આવું થાય છે તો શોકથી સંસારી લોકની તો શી દશા થતી હશે – એ જ બતાવી રહી છો ને? – ભલે.’

‘પણ એટલું તો જાણજો કે જે લોકો ભગવાનને પકડીને રહે તે આવા વિષમ શોકમાં પણ સાવ ડૂબી ના જાય. જરાક હાલકડોલક થઈને સ્થિર થઈ જાય. નાનકડી નાવ જેટલો જેનો આધાર તે એકદમ અસ્થિર થઈ ઊઠે ને કદાચ ડૂબીયે જાય. જોતા નથી? ગંગામાં સ્ટીમર પસાર થાય ત્યારે નાની હોડીઓની શી દશા થાય છે તે? એમ લાગે કે જાણે આ ડૂબી, હવે બચવી મુશ્કેલ છે. કોઈ કોઈ તો વળી ઊંધીયે વળી જાય. પણ મોટાં મોટાં હજાર મણ વહન કરતાં વહાણ બેચાર વાર હાલકડોલક થઈ પાછાં હતાં તેમનાં તેમ સ્થિર થઈ જાય; પણ બેચાર ધક્કા તો ખાવા જ પડે.’

‘અને સંસારનો આ બધાની (પુત્રાદિની) સાથેનો સંબંધેય વળી કેટલા દિવસનો? સુખની આશાએ માણસ સંસાર કરવા જાય – લગ્ન કર્યાં, છોકરાં થયાં, એ છોકરાં પાછાં મોટાં થયાં એટલે એમનેય પરણાવ્યાં – એમ થોડા દિવસ તો બધું ઠીકઠાક ચાલ્યું, પણ તે પછી એક માંદો પડ્યો ને બીજો મરી ગયો, તો વળી ત્રીજો ખોટા રવાડે ચઢ્યો ફિકર-ચિંતામાં આવરોબાવરો બની જાય; જેમ જેમ એનાં આશા-અરમાનોના ભુક્કા ઊડતા જાય તેમ તેમ એના ચિત્કારોની માત્રાયે વધતી જાય. જોયું નથી તમે? કંદોઈના ચૂલામાં સુંદરવનનાં ભીનાં લાકડાં પહેલાં પહેલાં તો સારી રીતે બળે પણ પછી જેમ જેમ તે બળતાં જાય તેમ તેમ અંદરનો રસ પાછળ ઠેલાતો ઠેલાતો ફીણના પરપોટાની જેમ છૂટવા મંડે અને ચૂં-ચા, ફુસ્‌ફાસ્ એવા જાત જાતના અવાજ થવા માંડે – બરાબર એના જેવું.’ (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ-૨, પૃ.૨૦-૨૧)

Total Views: 506

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.