(3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. આ શુભ પ્રસંગ ઉપલક્ષે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી સંકલિત ગુરુ સંબંધિત શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિઓનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. કૌંસમાં આપેલ પ્રથમ નંબર ખંડ અને દ્વિતીય નંબર અધ્યાય સૂચિત કરે છે. – સં.)

આતુર થઈને ઈશ્વરને પોકારવા જોઈએ. ગુરુને મોઢેથી સાંભળી લેવું જોઈએ, કે કેમ કરીને ઈશ્વરને પમાય! ગુરુ પોતે પૂર્ણ જ્ઞાની હોય, તો જ માર્ગ બતાવી શકે.

પૂર્ણજ્ઞાન થયે વાસના જાય, પાંચ વરસના બાળક જેવો સ્વભાવ થાય. દત્તાત્રેય અને જડભરત, એમનો બાળક જેવો સ્વભાવ થયો હતો. (17.11)

વાત એમ છે કે ઈંડાની અંદરનું બચ્ચું બરાબર તૈયાર ન થાય ત્યાં સુધી માદા તેને ચાંચ મારે નહિ. યોગ્ય સમય થતાં વેંત માદા ઈંડું ફોડે.

પરંતુ જરા સાધના કરવાની જરૂર ખરી. ગુરુ જ બધું કરે, પણ તોય છેલ્લે શિષ્ય પાસે જરા સાધના કરાવી લે. મોટું ઝાડ કાપતી વખતે લગભગ આખુંય થડ કપાઈ રહે એટલે કાપવાવાળા જરા આઘા ખસીને ઊભા રહે. ત્યાર પછી કડેડાટ કરતુંને એની મેળે ભાંગી પડે.

જ્યારે ધોરિયો ખોદીને નદીનું પાણી ખેતરમાં લાવે, ત્યારે ખોદતાં ખોદતાં એક જરાક વધુ ખોદ્યે નદીની સાથે જોડાઈ જવા જેવું થઈ જાય, ત્યારે જે ખોદનારો હોય તે એક બાજુએ ખસીને ઊભો રહે. એટલે વચ્ચેની માટી પલળીને એની મેળે પડી જાય, અને નદીનું પાણી હડેડાટ કરતુંકને ધોરિયામાં ચાલ્યું આવે. (18.4)

ગુરુ-વાક્યમાં શ્રદ્ધા. જેમ સૂતરની દોરી પકડીને આગળ વધો તો એના બીજા છેડે બાંધેલી વસ્તુ મળી જાય, એમ ગુરુનું વચન સમજીને શ્રદ્ધાપૂર્વક આગળ વધ્યે ભગવાનની પ્રાપ્તિ થાય. (27.7)

(હાજરાને ઉદ્દેશીને) ‘એક’ એ જ્ઞાન હોય એટલે (અનેક) એ જ્ઞાન પણ હોય જ. એકલાં શાસ્ત્રોનાં થોથાં વાંચ્યે શું વળે?

શાસ્ત્રોમાં રેતી અને ખાંડ ભળી ગયેલાં છે, તેમાંથી ખાંડ ખાંડ લેવી અતિશય કઠણ. એટલે શાસ્ત્રોનો મર્મ સાધુ-મુખે, ગુરુ-મુખે સાંભળી લેવો જોઈએ. પછી ગ્રંથોની શી જરૂર? (27.15)

Total Views: 368

4 Comments

 1. Hitesh Damji July 6, 2023 at 6:51 am - Reply

  Krupahi k valam

 2. નેહલ ત્રીવેદી July 6, 2023 at 5:26 am - Reply

  🙏🙏ॐ जय श्री राम कृष्णाय नम :🙏🙏
  🌹🌹 गुरु चरण 👣कमल बलिहार ।

 3. Maithili Tripathi July 1, 2023 at 4:13 am - Reply

  Jay Thakur🙏🏻. Adbhut adbhyt

 4. Sanjeev mehta July 1, 2023 at 1:21 am - Reply

  Jay guru..jay Swami vivekananda..

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.