(કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨)

પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ

શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત થવા આવ્યા છે. માસ્ટર મહાશયે આ ઘરનું જે વર્ણન કર્યું છે તેના પરથી એવું પ્રતીત થાય છે કે તે વાસ્તવમાં એક સાધના ક્ષેત્ર છે. શ્રીઠાકુરના આવવાની વાત સાંભળીને ભક્તગણ વિશેષરૂપે આકર્ષાઈને અહીં આવ્યા છે. ચોતરફ લોકોનો મેળો જામ્યો છે. શ્રીઠાકુરે હસતા હસતા આવીને આસન ગ્રહણ કર્યું. આ જે વર્ણન છે એને વિશેષ રૂપે ધ્યાનમાં રાખવાની જરૂર છે. કલ્પના કરો – ઉત્સવનું આયોજન છે, ભીડ ઊમટી પડી છે અને એમની વચ્ચે આનંદોદ્‌ભાસિત-આનંદોજ્જ્વલ મુખમંડળવાળા શ્રીઠાકુર હસતા હસતા આવે છે અને આસન ગ્રહણ કરે છે. ભક્તગણ સ્થિર નજરે એમને નિહાળી રહ્યા છે. એમ કહેવું પડશે કે માસ્ટર મહાશયે જાણે કે પોતાનાં મનશ્ચક્ષુ દ્વારા ધ્યાન કરતાં કરતાં આ દૃશ્યનું વર્ણન કર્યું છે. એટલા માટે જ આપણે પણ જાણે કે ધ્યાન કરતાં કરતાં તે દૃશ્યને આપણાં પોતાનાં મનસશ્ચક્ષુથી જોઈ શકીએ છીએ.

શ્રીઠાકુરે કહ્યું: ‘‘આ રહ્યા શિવનાથ! જુઓ, તમે લોકો ભક્ત છો, તમને બધાને જોઈને ખૂબ આનંદ આવે છે. ગંજેડીનો સ્વભાવ એવો હોય છે કે તે બીજા ગંજેડીને જોઈને ખૂબ ખુશ થાય છે.’’

શ્રીઠાકુર કહે છે કે ભક્તને જોઈને ભક્તને આનંદ ઉપજે છે અને એ જ આકર્ષણથી શ્રીઠાકુરનું અહીં આવવાનું બન્યું છે. જો કે બ્રાહ્મભક્ત સનાતન ધર્મના વિરોધી હતા છતાં પણ એમનામાં એવી કંઈક આંતરિકતા હતી કે જે શ્રીઠાકુરને આકર્ષતી હતી.

ત્યાર પછી શ્રીઠાકુર કહે છે : ‘‘જેમનું મન ઈશ્વરમાં નથી એમ જોઉં છું એમને હું કહું છું – તમે લોકો થોડીવાર ત્યાં જઈને બેસો, અથવા એમ કહું છું કે જાઓ, બિલ્ડીંગ (રાણી રાસમણિની કાલીવાડી સાથે આવેલી કોઠી વગેરે) જોઈ આવો.’’

પ્રાકૃત માનવ

આપણે જાણીએ છીએ કે જ્યાં અનેક લોકોનો સમાગમ થાય છે ત્યાં એક જ મનોભાવવાળા બધા લોકો હોતા નથી. જે ભગવદ્‌ભક્ત છે તેઓ તો શ્રીઠાકુરના સાંનિધ્યમાં આવીને એમની વાતોને મનોયોગપૂર્વક સાંભળતાં સાંભળતાં આનંદનો અનુભવ કરશે; અને જેમનો મનોભાવ આવો નથી તેઓને સ્વાભાવિક રીતે આ બધું સારું ન લાગે. સારું નથી લાગતું એ વાત તો આપણે ચારે બાજુએ નજર નાખી જોતાં જ સમજી શકીએ છીએ. અનેક લોકોની વચ્ચે અલ્પમાત્રામાં પણ એવા લોકો હોય છે કે જેમને ભગવત્પ્રસંગમાં આનંદ મળે છે. બાકીના બીજા લોકો માટે તો એ અરુચિનું કારણ બની જાય છે.તુલસીદાસનો એક દોહો છે: ‘ગલી ગલી ગોરસ ફિરૈ, બૈઠે સુરા બિકાય.’ દૂધ તો ઘરે ઘરે ફરી ફરીને વેચવું પડે છે, જ્યારે શરાબ માટે ફેરી કરવી પડતી નથી, એક જગ્યાએ બેસીને જ એ વેંચી શકાય છે; જેને જરૂર હોય તે પોતે આવીને શરાબ લઈ જાય છે. જે કલકત્તામાં રહે છે તેઓ જાણે છે કે જે રસ્તે સિનેમા-થિયેટર હોય છે એ રસ્તેથી ચાલવું કેટલું મુશ્કેલ હોય છે. ત્યાં આખો દિવસ માણસોની ભીડ રહેતી હોય છે અને ભગવત્કથા સાંભળવા માટે ભલા કેટલા લોકો આવે છે? કેટલાક લોકો તો કુતૂહલવશ એવું વિચારીને આવે છે : ‘વારુ, અહીં આટલા લોકો શા માટે એકઠા થયા છે, જરા જઈને જોઈએ તો ખરા!’ અને જોયું તો કીર્તન થઈ રહ્યાં છે, તે સાંભળીને કહે છે : ‘સારુ, અહીં તો કીર્તન ચાલે છે! એને બદલે મારપીટ થતી હોત તો જોવામાં મજા આવત!’ આવો છે માનવનો સ્વભાવ! એવું લાગે છે કે ભગવત્પ્રસંગનો આનંદ માણવો સાધારણ મનુષ્યના સ્વભાવની બહારની વાત છે. જો કોઈ એવું કરે તો તે બધાની વચ્ચે ઉપહાસનું પાત્ર બની જાય છે. અમે લોકો બાળપણમાં જ્યારે બેલુર મઠમાં આવતા જતા હતા ત્યારે કેટલાક લોકો નિંદાભાવથી કહેતા : ‘આટલી ઉંમરમાં વળી સાધુઓ પાસે આટલું બધું આવવું જવું શા માટે? અહીં શું છે?’ તો પછી કરવું શું? બાળપણમાં છોકરા રમતના મેદાન પર જાય છે આ વાત તો, સમજાય એવી છે. થોડી વધુ ઉંમર થતા માણસ પાનાં- ચોપાટ ખેલે છે; આ વાત પણ સમજમાં આવે એવી છે. પરંતુ, આ વાત સમજમાં આવતી નથી કે જ્યારે તે વૃદ્ધ થઈ જાય છે ત્યારે પણ એને સત્સંગ માટે સમય મળતો નથી અને ત્યારે પણ તે સાંસારિક વિષયોમાં મદહોશ બનીને રહે છે. જ્યારે કેટલાક વૃદ્ધો એકી સાથે બેસે છે ત્યારે તેઓ જે અંદરોઅંદર ચર્ચા કરે છે તે સાંભળીને આપણને આ વાત સમજાઈ જાય છે કે તેઓ જીવનભર જે કરતા આવ્યા છે તેને બેઠા બેઠા વાગોળે છે. આ પરિસ્થિતિને બદલવી પડશે અને એ બદલી પણ શકે છે; જો આપણે એને માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરીએ તો. સ્થળે સ્થળે ભગવત્‌-ચર્ચા કરવા માટે કોઈ સ્થાન ચોક્કસ કરી રાખવું જોઈએ જેથી બે-ચાર લોકો હોવા છતાં પણ તેઓ ત્યાં બેસીને સત્સંગ કરીને પોતાના ભગવદ્‌ભાવને વધારે દૃઢ કરી શકે. આ બે-ચાર જણાને જોઈને બીજા પણ કેટલાક લોકો ખેંચાઈને ત્યાં આવશે. મેં ઘણીવાર જોયું છે, આપણામાંથી જ કેટલાક કહે છે: ‘અહીં વધારે લોકો આવતા નથી.’ એના ઉત્તરમાં બીજો કહે છે: ‘એનો એક ઉપાય છે, ચાલો આપણે મારામારી કરીએ. હમણાં જ લોકોની ભીડ જામી જશે.’ ઉદ્દેશ્ય છે ભગવત્‌ચર્ચા માટે લોકોને આકર્ષવાનો. બીજું કોઈ આકર્ષણ બતાવીને એ લોકોને ભગવત્‌ચર્ચામાં લાવવાની કોઈ સાર્થકતા નથી. પાશ્ચાત્યદેશોમાં પણ હોય કે પછી ભલે અહીં ભારતમાં હોય, દેવસ્થાનમાં જ્યારે વધારે લોકો આવતા નથી, ત્યારે લોકો માઈક લગાડી દે છે અને હોહા-દેકારો કરતા રહે છે. અને વળી એમાં જો સાર્વજનિક ઉત્સવ હોય તો તો પછી એની વાત જ ન પૂછો! મનની સ્વાભાવિક ગતિ જ આવો દેકારો કરવા તરફ હોય છે એટલા માટે લોકોને આકર્ષિત કરવા આ પ્રકારની રીત અજમાવાય છે. પરંતુ, જો બે-ચાર લોકો મળીને પણ ઉચ્ચભાવને સાથે રાખીને રહે તો તેમનો એ ભાવ આંતરિક ભાવ બને અને એનો પ્રભાવ અમોઘ બની શકે. આપણી બહિર્મુખી દૃષ્ટિ પ્રાય: લોકોની સંખ્યા કોઈપણ અનુષ્ઠાનની સફળતાની ઓળખાણ બની જાય છે. ઘણીવાર લોકો મને પૂછે છે: ‘વારુ, તમારે ત્યાં અહીં કેટલાક લોકો આવે છે?’ હું કહું છું: ‘હું ક્યારેય માણસની ગણતરી કરતો નથી. એક વાતાવરણનું નિર્માણ કરવું એ જ મારું કામ છે.’

જીવનનો ઉદ્દેશ

શાસ્ત્રો કહે છે કે ઘણા લોકો આ બાજુએ આકર્ષાતા નથી. અસંખ્ય લોકો આ પૃથ્વી પર આવે છે અને ‘जायस्व म्रियस्व’ના ચકરાવામાં પડતા રહે છે. આવે છે, જન્મ લે છે, સુખદુ:ખ વગેરે ભોગવે છે અને મરી જાય છે. જીવન તદ્દન ઉદ્દેશ્યહીન, લક્ષ્યહીન બની જાય છે. અને જો કોઈને પૂછીએ-‘વારુ, તમારા જીવનનો ઉદ્દેશ શો છે?’ તો તે કહેશે-‘કેવો ઉદ્દેશ?’ તે એ વાત પણ વિચારી નથી શકતા કે જીવનમાં કોઈ ઉદ્દેશ હોય છે. જેમ કે શ્રીબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે શ્રીઠાકુરને કહ્યું હતું: ‘જીવનનો ઉદ્દેશ, આહાર, નિદ્રા, વગેરે છે.’ એના ઉત્તરમાં શ્રીઠાકુરે કહ્યું: ‘આખું જીવન જેવી રીતે વીતાવો છો એના જ આ સમયે તમને ઓડકાર આવે છે.’ બંકિમચંદ્ર તો નિ:સંદેહ બુદ્ધિમાન હતા. એમણે શ્રીઠાકુરની આ ભર્ત્સના-ટીકાને સારી રીતે મનમાં લીધી, તેઓ અસંતુષ્ટ ન થયા પરંતુ, અંતે અત્યંત નમ્રતા સાથે તેમણે કહ્યું: ‘નહિ મહારાજ, અમે પણ ભગવાનનું નામ લઈએ છીએ.’ આ તો ઘણી સારી વાત કહેવાય. પરંતુ આવી રીતે ભગવાનનામ લેવાથી કાંઈ કામ ચાલવાનું નથી. બે-ચાર લોકોએ તો એને પોતાના જીવનનો એક માત્ર ઉદ્દેશ બનાવીને પડ્યા રહેવું પડશે. માત્ર મઠ-મંદિરોમાં જ નહિ, પરંતુ ઘરમાં પણ ક્યાંય જો બે-ચાર લોકો આ ભગવદ્‌ભાવને દૃઢતાથી પકડીને રહે તો ત્યાં ધીમે ધીમે એક વાતાવરણ ઊભું થશે. દરેક સ્થળે એક વ્યક્તિ અવશ્ય એવો હશે કે જે એ કેન્દ્રના પ્રાણરૂપ હશે અને એનું ચારિત્ર જોઈને બીજા લોકો આકર્ષાશે. આવી રીતે નાનાં નાનાં કેન્દ્રો જો બધે સ્થળે ફેલાઈ જાય તો સર્વત્ર એક અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાની સંભાવના જન્મશે. મોટી મોટી સભા કે સમિતિઓ રચીને આવું વાતાવરણ ઊભું ન કરી શકાય. આવી સભા-સમિતિઓ લોકોના કુતૂહલને જ સંતુષ્ટ કરે છે. તેમનાં જીવનને તે સ્પર્શી શકતી નથી. આટલી બધી સરળતાથી જીવનને સ્પર્શી શકાતું નથી કારણ કે તે તો વળી એક વધુ ગહન વસ્તુ છે; એટલા માટે શ્રીઠાકુર આ બધા સ્થળે આવતાજાતા રહેતા હતા. તેઓ બ્રાહ્મસમાજમાં જતા હતા ત્યાં સુધી કે તેઓ તાંત્રિકોના સાધનાચક્રમાં પણ જતા. એ સમયના જ્ઞાની-ગુણીજનો અને સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓના દર્શન માટે તેઓ સ્વયં જતા હતા. કાલનાના ભગવાનદાસ બાબાજીને પણ જોવા ગયા હતા, મહર્ષિ દેવેન્દ્રનાથ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, શશધર તર્કચૂડામણિને મળવા ગયા હતા; કારણ કે તેઓ જાણતા હતા કે આ વિશિષ્ટ લોકોની ભીતર જો થોડો ઘણો પણ ઈશ્વરીયભાવ સંચારિત-પ્રવેશિત કરી દેવાય તો કેટલાંય કાર્યો સિદ્ધ થશે. એટલે જ તેઓ પોતે જ એમની પાસે ગયા હતા એમાં એમની પોતાની ગરજ વધુ હતી. જે કાર્ય માટે એમનું આગમન થયું હતું તે ઉદ્દેશને પૂરો તો કરવો જ પડે. તેઓ જાણતા હતા કે આ બધાં કાર્યો ‘મા’ની ઇચ્છાથી જ થશે; એટલા માટે તેની ભૂમિકા તૈયાર કરવા માટે તેઓ માના હાથનું યંત્ર બનીને આ પ્રકારે ફરતા રહેતા.

શ્રીઠાકુરનું આચરણ અને એનો ઉદ્દેશ

ત્યાર પછી શ્રીઠાકુર કહે છે: ‘સંસારી લોકોને જો તમે કહો કે બધું છોડીને ઈશ્વરનાં ચરણકમળમાં લીન બની જાઓ તો તેઓ ક્યારેય સાંભળશે નહિ.’ શ્રીઠાકુર જાણતા હતા કે જો એકદમ શુદ્ધ ભગવદ્‌ભાવનો જ પ્રચાર કરવામાં આવે તો બહુ અલ્પ લોકો જ તેને ગ્રહણ કરી શકશે. શાસ્ત્રો આ વાત જાણે છે, આચાર્યગણ પણ એને સમજે છે અને જે સ્વયં અવતારી પુરુષ છે તેઓ પણ આ વાતને બહુ સારી રીતે જાણે છે. એટલા માટે શ્રીઠાકુર પોતાના ભક્તોની સાથે માત્ર ભગવત્‌ચર્ચા જ નહોતા કરતા પરંતુ એની સાથે વિનોદની વાતો પણ કરતા. જે એમના સંપર્કમાં આવ્યા હતા તેઓ જ આ વાત સમજી શકતા કે કેવી રીતે એમના અગાધ સ્નેહે પોતપોતાના માતપિતાના સ્નેહને પણ તુચ્છ બનાવી દીધો હતો. કેટકેટલા પ્રકારે તેઓ એમને આકર્ષિત કરતા. કેટલાકને તેઓ કહેતા: ‘અરે! આને તમાકુ-હુક્કો પીવડાવો;’ વળી કેટલાકને કહેતા: ‘આને કંઈક ખાવાનું દો;’ અને વળી બીજાને કહેતા: ‘તેને ગાડી ભાડું આપી દેજો.’ આ બધું એટલે સુધી બનતું રહ્યું કે જ્યારે તેઓ અંતિમશય્યા પર હતા ત્યારે એમને મળવા – જોવા આવેલા ગિરિશબાબુને ફગુવાની દુકાનની કચોરી ખવડાવવા વ્યગ્ર બની ગયા હતા, હાલીચાલી તો શકતા નહોતા, છતાંય ગમે તેમ કરીને કુંજામાંથી પાણી લઈને એમને પીવડાવવા લાગ્યા! એમને આ બધું કરવાની શી જરૂર હતી? આવશ્યકતા એ હતી કે તેઓ જાણતા હતા, તેઓ એ લોકોને યંત્રરૂપ બનાવીને જાય છે જેનાથી એમના દ્વારા અનેક લોકોને એમના ભાવને ગ્રહણ કરવાની તક મળી શકે. એટલે જ એમણે આટલું દુ:ખકષ્ટ વેઠ્યું, જીવનમાં આટલા બધા ત્યાગનો સ્વીકાર કર્યો. કેટલી સુંદર રીતે પ્રચારકાર્ય આગળ વધી રહ્યું છે આમ વિચારી આપણે અવાક્‌ બની જઈએ છીએ. એવું લાગે છે જાણે કે આ બાબતમાં તેઓ પોતે પણ અનભિજ્ઞ હતા. ‘અનભિજ્ઞ’ એટલા માટે કહું છું કે એ તો એમના જીવનમાં શ્વાસોચ્છ્‌વાસ સમાન સહજ સરળ હતું. આ રીતે એમના પ્રત્યેક કાર્ય દ્વારા સહજ અને સ્વાભાવિક રૂપે લોકકલ્યાણ સંપન્ન થતું હતું.

(ક્રમશ:)

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram