(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજ દ્વારા મૂળ બંગાળીમાં લખાયેલ પુસ્તિકાનો પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ ‘ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર’ ના અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

‘એ જ (ઈશ્વર) તો સર્વ કંઈ બન્યા છે’ : આ છે શ્રીરામકૃષ્ણદેવની વાણી. આ જગતનું સર્વકંઈ એટલે એમનું જ ‘થવું’, ‘હોવું’. એ જ બન્યા છે અણુ અને એ જ બન્યા છે વિરાટ. એ બંનેની વચ્ચે પણ જે કંઈ છે તે બધું તે જ છે. આ બ્રહ્માંડમાં એવું કશું નથી કે જ્યાં એમનું હોવાપણું કે અસ્તિત્વ ન હોય.

આ ત્રિભુવનમાં જે કંઈ પણ બને છે, થાય છે તેમાં એમનું એક વિશેષ રૂપે ‘હોવાપણું’ એટલે કે એમનું વિશેષ રૂપ રહેલું છે. આ વિશેષપણે બનવું એટલે અવતાર. ગિરિશબાબુની ભાષામાં કહીએ તો અવતારનું ‘બધું યે બેકાનૂની’. કાયદાની કે નિયમની વાત માનીએ તો પછી અવતરણની વાત કરવી ચાલે નહિ. એટલે જ આ અવતરણમાં ખપ પડે છે જાદુગરીનો. એ જાદુગરી બને છે ‘માયા’. બહારથી દેખાવે તો બધું આપણા જેવું જ ભાસે પણ એમની ભીતર ભરેલ છે પૂર્ણ સાક્ષાત્‌ સ્વયંભૂ. માણસના જેવું જ આચરણ; હસવું, રડવું, ભૂખ, તરસ, ઠોકર ખાઈને હાથ ભાંગવો; આ બધુંયે હોવા છતાં તે જ્ઞાનીશ્વર. આબેહૂબ માનવની નકલ જ જાણો અને એમ ન બને તો મનુષ્ય એમને પગલે પગલે કેમ કરીને ચાલી શકે?

સચ્ચિદાનંદ પ્રભુના આ વિશેષરૂપને ‘શ્રીરામકૃષ્ણ’ના નામે જાણીએ છીએ અને માનીએ છીએ. એમના પ્રાણની વિશેષ વાંછા કઈ? સાધુપરિત્રાણ, દુષ્કૃતિનાશન કે પછી ધર્મસંસ્થાપન. એ એમનું પ્રધાન લક્ષ્ય હોય એવું જણાતું નથી. ભગવત્પ્રેમપ્રવાહના વારિને અહીં લાવીને વહેતાં કરી મૂકવાં એ જ શ્રીરામકૃષ્ણના અંતરની સવિશેષ આરઝૂ, એમ આપણને લાગે છે. સ્વામી વિવેકાનંદે ‘ખંડન-ભવ-બંધન’ સ્તોત્રમાં શ્રીઠાકુરના જે અસીમ ભાવરૂપનું આલેખન કર્યું છે તેમાનું એક વર્ણન છે : ‘ચિર-ઉન્મદ-પ્રેમપાથાર’. આ આટલાક શબ્દોમાં સ્વામીજીએ શ્રીરામકૃષ્ણના મર્મની ઊંડામાં ઊંડી વસેલી વેદનાને, સાધન-સાપેક્ષ સત્યરૂપે સાધારણજનને માટે જાણીતી કરી દીધી છે. આ પ્રેમને જેમણે વાણી રૂપે કંડાર્યો, એ પોતે પણ એ જ ભગવત્પ્રેમ-સંવહનનું એક અતિ આશ્ચર્યકારક પ્રગટીકરણ છે.

એમના વિશેષ રૂપે અવતરવાની હકીકતને સ્વીકારી લીધા વિના, તેઓ પોતે ભગવત્પ્રેમપ્રવાહની લ્હાણી કરવાને અવતર્યા હતા; એ સત્યની પૂરેપૂરી ધારણા આપણને થાય નહિ એ વાત ખરી; પરંતુ એમણે અવતરીને ભગવત્પ્રેમનો જે વરસાદ વરસાવ્યો છે તે બધું તો આપણા સૌની નજર સમક્ષ જ થયું છે ને! આદિઅંતહીન મૂળમાંથી એ પ્રેમપ્રવાહનું અવતરણ થયું તેનું પ્રમાણ સાંપડે છે, એમના પોતાના જ ‘જે રામ, જે કૃષ્ણ, તે જ આ દેહે રામકૃષ્ણ’ એ અંગીકારમાંથી.

શા માટે અવતર્યા? પ્રેમના તાણે, શિવ થયા જીવ! ભલા, એમાં પ્રેમની શી જરૂર હતી? એ પ્રશ્નનો ઉત્તર દે કોણ? ‘ચિર-ઉન્મદ-પ્રેમપાથાર’ કર્યા તે. ઈશપ્રેમ-સંવહનનો આ આદિકાંડ તો રહી ગયો સાવ અમારી દૃષ્ટિથી ઓઝલપડદે. પણ આ, જે ‘જીવ શા’ રૂપે ભગવત્પ્રેમે પાગલ થયા તે બધું તો આપણી આંખોની સામે જ બની ગયું. એ ઉન્મત્તતાનું આબેહુબ વાણીસ્વરૂપ ‘ચિર-ઉન્મદ-પ્રેમપાથાર’ વિના બીજા કોઈ શબ્દોમાં થઈ શકે ખરું?

વૈધીપૂજા બહુ દહાડા ન ચાલી. હાડોહાડ હતા તે બેકાનૂની. કેમ કરીને ચાલે એ બધું? ભવતારિણી શું માત્ર શ્યામ પથ્થર જ કે પછી આ બધાં છોકરાંવની મા પણ ખરી? ‘મા’, ‘મા’ કરતા એવા તો પ્રેમોન્મત્ત બની ગયા કે પાષાણમયી પણ ઝણઝણી ઊઠી. એકવાર પાગલ થઈ ગયા પછી જાણ્યું કે આ રોગ હવે મટવાનો નથી. કારણ કે એ હતા ‘ચિર-ઉન્મત્ત’. વિવિધ પ્રકારે થતું રહ્યું નિરંતર અનંત લીલાનું આસ્વાદન. દિનરાત ક્યાં ઊગ્યાં અને ક્યાં આથમ્યાં તેનું કંઈ ઠેકાણું રહ્યું નહિ. એ વાવંટોળમાં વીંટળાઈને દેહાત્મબોધ ક્યાંય ઊડી ગયો. એવી ઉન્મત્તતા સ્થિર થઈ નિર્વિકલ્પ સમાધિમાં. લીલા નિત્યે પહોંચીને પલટાઈ સુસ્થિર ખડકના રૂપે. એમ જણાયું કે હવે આ વખતે શાંત થઈ જશે. પણ એ ક્યાંથી બને? વળી પાછું ઊઠ્યું એક નવું વાવાઝોડું! ભવતારિણીના આદેશે આ વેળાએ લીલા અને નિત્યના બેઉ કાંઠાને છલકાવી દેતું વાવાઝોડું! આને જ કહે છે ‘ભાવમુખે રહેવું’.

પ્રથમવાર ‘જીવ શા’ રૂપે જ્યારે ઈશપ્રેમથી ઉન્મત્ત થઈ ઊઠેલા ત્યારે દિવસ આથમતાં પારાવાર પીડાથી ભોંય ઉપર મોઢું ઘસતાં ઘસતાં રડતા અને કહેતા: ‘એક બીજો દહાડો વીતી ગયો, મા! તોયે તારાં દર્શન પામ્યો નહિ, મા!’ એ વેદનાની તુલના અશક્ય. સાધનાને અંતે પોતાના ઈશત્વના બોધે આરૂઢ થઈને વળી પાછા થયા પ્રેમોન્મત્ત. વળી પાછી એ જ પેલી આરત. પણ હવે વેદનાથી ભોંયે મોઢું ઘસવાને બદલે સંધ્યા-આરતીને ટાણે બાબુઓની બંગલીની અગાશીએથી આકાશના એકાંતે, અંતરમાં ધરબી રાખેલા આરતભર્યાં રુદન – નિમંત્રણને વહેતું મેલતા: ‘ઓરે! તમે બધા ક્યાં છો? આવોને અહીં! તમારા વિના હવે મારાથી નથી રહેવાતું રે!’ ‘જીવ શા’નો જે પ્રેમપ્રવાહ ઉદ્દામવેગે બાર-બાર વર્ષ પર્યંત ભગવાનભણી ધસમસતો વહી રહ્યો, એના વહેણે હવે માનવભણી વળાંક લીધો. એવો જ પેલો ખળભળાટ, એ જ પેલી હૈયું વિદારી નાખતી વેદના, એ જ આંસુંના ધોધ અને એ જ નાદીઠાની આરત-યાતના; અને એ પ્રાપ્ત થયે એ જ પેલું આનંદે ઝગમગતું હાસ્ય.

આપણે જ્યારે ‘ભગવાનભણી’ અને ‘માનવભણી’ કહીએ ત્યારે એમ સમજીએ છીએ કે બેઉ ઊલટી દિશાનાં વહેણ છે. પણ જેમણે એ જાણેલું કે ભગવાન જ સર્વકંઈ બન્યા છે, એમના પ્રેમને નહોતો કોઈ દિશાભેદ કે નહોતો કોઈ વસ્તુભેદ. પણ આપણા અજ્ઞાનમાંથી ઉપજેલી વ્યવહારિક દૃષ્ટિએ એ બે દિશા અલગ અલગ ખરી. તેથી જ આપણને લાગે છે કે સાધનાના અંતે શ્રીરામકૃષ્ણના પ્રેમપ્રવાહના વહેણે વળાંક લીધો.

* * *

શ્રીરામકૃષ્ણના ભગવન્મુખી પ્રેમના હકદાર તેઓ પોતે જ. એ પ્રેમપ્રવાહે તરતાં તરતાં પોતે જ પોતાને સાધ્યરૂપે સાંપડ્યા અને આટઆટલો પ્રેમ પોતાને કરવો તે પણ પોતાને દઈ દેવાને કાજે જ. સાધન કર્યા વિના સાધ્યને સમર્પી દીધું હોત તો કોણ એનું મૂલ્ય સમજત? એમના આ સર્વકંઈ બનવાની અંદર જ આ જે વિશેષરૂપે બનવાનું, તે પોતાને સવિશેષરૂપે દેવાને માટે. 

આ રટણાને સાથે લઈને જ તો તેઓ અવતરેલા. અખંડને ઓરડે ધ્યાનલીન ઋષિને કંઠે કોમળકિશલય બાહુ વીંટાળીને વહાલ કરીને કહ્યું: ‘હું જાઉં છું, તમે પણ ચાલો.’ પ્રેમના જોરે ઊતારી આણ્યા અખંડમાં લીન ચૈતન્યપુરુષને. શું કરવા ઊતારી આણ્યા? જીવો ખાતર નિજઈશપ્રેમના જામીન તરીકે મૂકી જવા માટે. પ્રથમ દર્શને જ ઓળખી લીધા પ્રેમના આકર્ષણે ઊતરી આવેલા એ નરઋષિને – નરેનને.

પહેલે દહાડેથી જ ઓળખી જઈને અધીરા થઈ ગયેલા. કેવું તો દુર્લભધન આ નરેન! જે દિવસે નરેન દક્ષિણેશ્વર પહેલવહેલો આવ્યો ત્યારે એને એક આડશે લઈ જઈને આંસુંભરી આંખે સ્તવન કર્યું: ‘જાણું છું હું એ પ્રભુ, તમે એ જ પુરાતન ઋષિ! નરરૂપે નારાયણ; જીવોની દુર્ગતિનું નિવારણ કરવા કાજે ફરી એકવાર દેહધારણ કર્યો છે તમે!’ વિશ્વનાથ દત્તનો દીકરો ‘બિલે’ તો પડી ગયો સાવ આશ્ચર્યમાં. વિચારવા લાગ્યો : ‘આ કોને મળવા આવ્યો છું? આ તો નર્યા પાગલ છે!’

પાગલ તો ખરા જ વળી, ત્યારે નરેન્દ્રને સમજણ કેવી રીતે પડે કે એ પોતે પણ એ ઈશ્વરીયોજનામાંની એ જ એક વસ્તુ છે. એક કાળે ઠાકુરે કાલીસાધનામાં જે એકાગ્રતા, ઉદ્યમ અને તન્મયતા પ્રયોજેલાં, લગભગ એવું જ નરેન્દ્રસાધનામાં કરી રહ્યા છે. ભવતારિણીને માટે ઠાકુર એક સમયે જેટલું રડેલા એનાથી કંઈ ઓછું નહોતા રડ્યા આ કાયસ્થના દીકરા નરેન્દ્રને માટે. ‘મા’, ‘મા’ કરીને કેટલીયે ઊંઘવિહોણી, વેદનાભરી રાતો વીતાવેલી. તો અહીં ‘નરેન, નરેન’ કરતા આખી રાત ટુવાલ નિચોવાતો હોય એવા અમળાટની પીડા પણ અનુભવેલી.

નરેન્દ્રને ન જોવાથી ઠાકુરને કેમ આટલી બધી યાતના થતી એની તો સાધારણ ભક્તોને તો શું પણ ખુદ નરેન્દ્રને પણ પ્રારંભમાં સમજ પડતી હોય એવું જણાતું નથી. એટલે જ તો તાતાં તિરસ્કારનાં વેણ કાઢેલાં: ‘આટલું બધું નરેન નરેન કરશો તો છેવટે ભરતરાજા જેવી દશા થશે.’ અને ભક્તોમાંથી કોઈ કોઈએ તો અતિશય અણગમો પણ જાહેર કર્યો: ‘બસ, એક ફક્ત ‘નરેન, ખાને; નરેન, ખાને!’ અમે તો જાણે ગંગાના પાણીમાં વહી આવ્યા છીએ.’ બહાર વરંડામાં હાજરા આ છોકરાઓ પ્રત્યેની આસક્તિ વિશે ટીકા ટિપ્પણી ચલાવ્યે રાખે છે. પણ જે દહાડે જોયું કે પલભરમાં અનાસક્ત થઈ જઈને શ્રીરામકૃષ્ણ એવા તો સમાધિમગ્ન થઈ જતા કે દુનિયા તો એક દિશાએ પડી રહેતી. તે દિવસે એને પણ સમજાઈ ગયું કે આમના આસક્તિ પ્રકરણનો પણ નક્કી કંઈ દિવ્ય અર્થ છે. સમદર્શી ઠાકુર શા માટે આ નરેન્દ્રની બાબતમાં અતિમાત્રામાં અસમદર્શી થઈ ગયેલા; એ સમજવાનું તો એમના તિરોધાન પછી બહુ લાંબા સમયે લોકોએ શરૂ કરેલું.

બાળપણથી માંડીને સદા નિડર શ્રીરામકૃષ્ણના જીવનમાં ખરેખરા ભયે કેવળ એક જ વાર દેખા દીધેલ એ ભય હતો – નરેનની બાબતમાં જ. એ ડરને એમણે પોતે જ વ્યક્ત કરેલો અને તે સૂરના માધ્યમે.

‘વાત કહેતાં ડરું, ના કહું તોયે ડરું!
મને ઊઠે સંદેહ ક્યાંક બેસું ના ખોઈ
તુજને, મુજ ધનને, હે રાધે!
જાણીએ અમે એ મન તારું, દઈશું તને એ જ મંતર-
અમે જે મંત્રતરણીએ વિપદા તર્યા,
હવે છે મન તારું.’

આ વિપત્તિમાંથી તારનાર મંત્રનૌકા એટલે બીજું કશું પણ નહિ, ‘કામિની-કાંચનત્યાગ ના કર્યે બનશે નહિ, બાપુ!’ શું નહિ બને? જેને ખાતર અખંડનું ઘર છોડીને ખંડને ઘેર ઊતરી આવવાનું થયું છે, એ જ નહિ બને. નરેન ઉપરની આસક્તિ, તે એને ત્યાગના મંત્રે દીક્ષિત કરવાને માટે જ છે.

અને નરેન્દ્રને જે અસમભાવે ચાહ્યો તે પણ સમદર્શી હતા તેથી જ. તેમણે જાણી લીધેલું કે તેઓ જે મૂડી નરેન્દ્રને સોંપશે તે સકલ માનવજાતને પહોંચશે. પોતાના ઐશ્વર્યના સહુને વારસદાર કરવા હતા એટલે તો નરેન ઉપર એમણે વધારે વહાલ વરસાવ્યું. આ જ તો સમદર્શીની છે ઓળખ. કેરી ખાઈને મોં લૂછીને બેઠા રહે, રસગુલ્લા લાવવાનું કહે તો રસચૂસીને લઈ આવે – એ જાતના આધારે કાંઈ ઈશપ્રેમ વહેતો કરવાનું ચાલે?

એટલો બધો તો જીવપ્રેમ અને એટલી બધી આતુરતા કે જરાય વિલંબ સહેવાતો ન હતો. નરેન્દ્ર પહેલીવાર જે દિવસે દક્ષિણેશ્વર આવ્યો તે દહાડે જ શાંભવીદીક્ષા દ્વારા એને સર્વકંઈ આપી દેવા ધારેલું. પરંતુ નરેન્દ્ર ચિત્કાર કરી ઊઠ્યો : ‘અરે! તમે આ શું કરો છો મને? ઘરે મારાં મા-બાપ છે.’ અને સર્વકંઈ આપી દેવાનું બન્યું નહિ. માયા કોઈ દિવસ નરેન્દ્રને બાંધી શકી ન હતી પણ માયાના રાજ્યમાં આવીને થોડીઘણી સલામી આપ્યા વિના કંઈ પાર ઉતરાય ખરું? જોવામાં પણ સારું ન લાગે અને જાણે કાંઈક માન્યામાં ન આવે તેવું. એટલે આમ જે પહેલે દિવસે નરેનને આપવા ધારેલું તે પાંચ વર્ષ પછી કાશીપુરમાં બધુંય આપી દઈને ‘ફકીર’ થઈને નિશ્ચિંત બનેલા.

(ક્રમશ:)

Total Views: 210

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.