આધુનિક ભારતમાં ધર્મનું નવીન પ્રબળ જાગરણ મોટેભાગે આ જ ક્રાંતિકારી બુદ્ધિની દેણગી છે. ઠાકુર પોતાની આગવી ક્રાંતિકારી વિચારબુદ્ધિની અગનઝાળ નરેનમાં પ્રગટાવી ગયા. વિવેકાનંદની ધર્મવ્યાખ્યામાં અને તેના પ્રચારમાં જે ભભૂકતો અગ્નિ, પ્રચૂર પ્રાણશક્તિ અને જીવનજાગરણની શક્તિ રહેલી છે તેનું ઉગમસ્થાન આ જ ક્રાંતિકારી બુદ્ધિપ્રતિભા છે. ધર્મ ક્રાંતિકારી ન હોય તો ઈશપ્રેમસંવહનના યંત્રરૂપ બની ના શકે. મિથ્યાની સંગાથે બાંધછોડ કરીને, ધર્મ જ્યારે અક્રાંતિકારી બને, સારી રીતે રહેવા-ખાવાની ચીલાચાલુ દશાએ આવીને ઊભો રહે ત્યારે જ થાય  ધર્મની ગ્લાનિ. ધર્મ જ્યારે ગ્લાનિહીન બને ત્યારે એની સ્વચ્છ-નિર્મળ, સબળ, મુક્તધારા સમાજમાં સર્વોદય લાવી દે છે. ત્યારે તે બને છે મા અન્નપૂર્ણા — સહુને અન્ન પહોંચાડી દેતી મા -ચતુર્વર્ગદાત્રી- ચારેય પુરુષાર્થ પૂર્ણ કરી દેનારી મા; આવો ધર્મ તે જ ઈશપ્રેમ. તેથી જ ઠાકુરે નરેનની ક્રાંતિકારી ચેતનાને વિશેષપણે જાગ્રત કરી.

વળી એક બીજી તાલીમ પણ ઠાકુરે નરેનને વિશેષરૂપે આપી : પ્રભુને વિવિધભાવે પ્રેમ કરવાની તાલીમ. ફક્ત એકવારનાં દર્શન નહિ, ઘરે લાવીને અનેક પ્રકારે એને ચાહવો જોઈએ. કારણ કે તેઓ એક હોવા છતાં બહુરૂપે સાધ્ય અને પ્રાપ્ય છે. વિરાટને ક્ષુદ્રભાવે ન જોવાય. સમુદ્રને ઘટમાં રહેલું પાણી સમજવું તે ભૂલ છે. એમાં આવશ્યક છે અનુભૂતિનાં ગાંભીર્ય, વૈવિધ્ય અને મોકળાશ. ઠાકુર પોતે જે અનંત ભાવમય  છે એનું રહસ્ય બીજું કશુંયે નથી પણ કેવળ પ્રેમમાત્ર છે. પ્રેમ ન હોય તો પૂર્ણ ન થવાય. પૂર્ણ થયા વિના પૂર્ણને કેવી રીતે પામી શકાય? પૂર્ણને પામ્યા વિના અપૂર્ણ આપીને કોઈ સેવા ચાલે નહિ, માત્ર આત્મસેવા ચાલે. 

નરેન્દ્રની ભીતર જે ભાવ હતો એને જ ઠાકુરે એમની નરેન્દ્ર સાધનામાં ઘૂંટ્યો. એકેય ભાવનું એમાં બહારથી આરોપણ ન કર્યું. બાળપણથી નરેન્દ્ર ભાવવૈવિધ્યનો આધારસ્તંભ હતો. અને વળી હતો ખુશમિજાજી, દરિયાવદિલ, વાક્‌ચતુર તેમજ સત્યાન્વેષી, જિજ્ઞાસુ, પવિત્રહૃદયી. બહારથી દેખાય બેપરવા, પણ બીજી બાજુએ ધ્યાનનિષ્ઠ બ્રહ્મચારી. કશાયનો ડર નહિ, સાવ નિડર-સાહસિક. અને વળી, ‘પરમદયાળુ’, કોમળહૃદયી પણ ખરો. એક બાજુ અસ્ત્રાની ધાર સમી તીક્ષ્ણબુદ્ધિ સાથે તર્કવાદી, વૈજ્ઞાનિક દૃષ્ટિવાળો, તો બીજી બાજુએ સંસારવિરાગી, ભક્તિથી છલકતા હૃદયવાળો. ભાવવૈચિત્ર્યનો તે આધારસ્તંભ ન હોત તો બહુભાવમય આધેયને ધારણ કેવી રીતે કરત? અને કેવી રીતે બનત પેલા ઈશપ્રેમસંવહનના યંત્રરૂપ?

અવતાર એકને માટે નથી. બહુની અંદર વહેતા થવાની જ અવતારની વિશેષ રટણા હોય છે. તેથી જ ઠાકુરે એકને પણ સ્વીકાર્યા અને બહુનો પણ સ્વીકાર કર્યો. ઉત્તરકાળે જ્યારે વિવેકાનંદે યોગની વ્યાખ્યા કરેલી ત્યારે જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગની ભિન્ન ભિન્ન ધારાઓ દ્વારા ઠાકુરને વિવિધ પ્રકારની અનુભૂતિઓથી જે સત્ય સાંપડ્યું, તેમનું વિતરણ એમની સ્વકીય અનુભૂતિઓને અજવાળે બહુજનમાં થયેલું. ઈશપ્રેમસંવહનની આ એક ઉત્તમ પદ્ધતિ છે.

ગળાના કેન્સરને લીધે ઠાકુરે આટલા બધા શારીરિક કષ્ટનો સ્વીકાર કરેલો તેનું એક કારણ એ પણ હોઈ શકે કે હજુએ એ પળે નરેન્દ્રસાધના થોડીક અધૂરી હતી. ઠાકુરની મહાસમાધિના ફક્ત થોડાક જ દિવસો પહેલાં નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ થયેલી. કાલીને માન્યા પછી પૂર્ણાહૂતિ થઈ. હવે ઠાકુરે વધારે વિલંબ ન કર્યો. પોતાની સકળ અનુભૂતિઓનું ઐશ્વર્ય, બોધિદૃષ્ટિ, અલૌકિકશક્તિ એ શિષ્યમાં સંચારિત કરી દઈને પોતે બન્યા ‘ફકીર’. આ જ હતી ઠાકુરની નરેન્દ્રસાધનાની સિદ્ધિ. ત્યારે પછી ત્રણચાર દિવસથી વધુ દેહ ન રાખ્યો, હવે એનું પ્રયોજન પણ હતું નહિ…

* * *

પ્રથમ દર્શનથી માંડીને કાશીપુરના છેલ્લા દિવસ સુધી નરેનની આત્મિક સત્તાને ઠાકુર જે રીતે એક અત્યંત નિપૂણ શિલ્પીની માફક ઘડતા રહ્યા, તેમની એ શૈલીની સમીક્ષા એક અભિનવ ધ્યાનવસ્તુ છે. આ નરેન્દ્રને આશ્રય બનાવીને જ પેલો લીલાપ્રવાહ વિશ્વમાનવના નવમંદિરે પ્રગટ થવાનો હતો, તેથી જ તો ઠાકુરે નરેન્દ્રસાધનામાં પોતાની તમામ નિષ્ઠા લગાવી દીધી હતી.

અવતારનો મુખ્ય ઉદ્દેશ પ્રેમસંવહનનો છે. તેનું એક પાસું છે કાર્ય કરવાનું, સંગ્રામનું, દુદુંભી બજાવવાનું – ઘોષણા કરવાનું, પ્રચારનું પાસું. ઠાકુર પોતાના ઐશ્વર્યને એકઠું કરીને અધીરા થઈને બેઠા હતા. હવે કેવી રીતે આ બધું ઐશ્વર્ય બધાંને વહેંચી દઈને નિશ્ચિંત બની જવાય એની જ પીડા હતી એમને.

સાધનાના પ્રબળ ઝંઝાવાતની થપાટો ખાઈને ઠાકુરનું શરીર એટલું તો કોમળ થઈ ગયું કે પૂરી ભાંગતાં પણ એમના આંગળામાંથી લોહી નીકળતું. અને તોયે અંતરની તમન્ના એવી કે દ્વારે દ્વારે જઈને જીવોનાં દુ:ખ દૂર કરે, જ્ઞાનદાન કરે, પ્રેમવિતરણ કરે. પણ, આ શરીરે એ વિપુલ કાર્ય તદ્દન અસંભવિત. એને કારણે શ્રીરામકૃષ્ણના પ્રાણોમાં એવી તો ઊંડી વેદના વરતાતી કે તે સામાન્ય લોકોથી અણજાણી રહી છે.

ગિરિશબાબુ કહેતા : ‘એક દિવસ પરમહંસદેવની પાસે જઈને જોયું તો તેમની આંખોમાંથી દડદડ આંસું વહી રહ્યાં છે, અને મુખેથી આ શબ્દો સરી પડે છે : મારા નિતાઈએ પગે ચાલી ચાલીને ઘેરેઘેર પ્રેમની લહાણી કરી. અને મારાથી ગાડી ન હોય તો ચાલી પણ શકાતું નથી. વળી એકવાર કહેલું, ‘સાબુદાણાની કાંજી પીને પણ પરસેવા કરીશ.’

રસરાજ ઠાકુરના હૈયામાં જીવકારુણ્યની આટઆટલી વેદના ગંઠાઈને, ધરબાઈને પડી હતી, એ વાતને ન તો કોઈ જાણતું કે ન કોઈ સમજતું. નરેનને એટલે જ હસીને ઘણા દુ:ખથી કહી હતી પેલી વાત : ‘એક ભૂતે પોતાનો સાથીદાર શોધવાના કરેલ નિષ્ફળ પ્રયત્નોની વાત. ભૂખ્યા તરસ્યા રણપ્રદેશની દિશાએ નજર કરીને હિમશિખરના હૈયે કેવી તો પીડા ઉપડે, એ વાતની કોને ખબર પડે?’ નરેન્દ્રને જોતાં જ જાણી લીધું કે એ જ બનશે એમની થીજી ગયેલી વેદનાનો મુક્તિપ્રવાહ. એ જ વહેતી કરીને દોરશે નવભગીરથની જેમ શંખનિનાદે એમની પ્રેમગંગધારાને, દિશદિશાએ અને દેશદેશાંતરે. માત્ર મુક્તિનો સંકેત નહિ, એ તો શાસ્ત્રોમાં પણ છે. એ તો પહોંચાડશે આ ધરતીપરના દુ:ખજર્જરિત જનગણની પાસે ઈશહૃદયની પ્રેમસંજીવની શક્તિને અને એ પણ સહસ્ર સહસ્ર ધસમસતી ધારાએ.

નરેનને સર્વકંઈ આપીને ઠાકુર ‘ફકીર’ થયા. આનો શો અર્થ? નરેનની સત્તામાં ટાંકેટાંકે – તાણેવાણે વણાઈ ગયા. નરેનને કહ્યું હતું : ‘તું મને જ્યાં ક્યાંય લઈ જઈશ ત્યાં ત્યાં હું જઈશ. જા, હવે તું ચારે દિશાએ જા. મહામુક્તિની ચાવી રાખી પોતાના હાથમાં પોતાની વજ્રમૂઠી ભીડીને.

વિવેકાનંદ શ્રીરામકૃષ્ણનો નૂતન આત્મ આવિર્ભાવ છે. વિવેકાનંદ કેવળ શિષ્ય નથી, એ આત્માની અભિવ્યક્તિ છે. એ સત્યના મર્મને જાણી લઈને જ ગિરિશબાબુએ કહ્યું હતું: ‘વિવેકાનંદને શ્રીરામકૃષ્ણ વિના જે માને એ અજ્ઞાન.’ અને જો વિવેકાનંદ શ્રીરામકૃષ્ણવિહોણા હોત તો ગિરિગુફાઓમાં ધ્યાનલીન થઈને રહેવાનું એમને માટે શક્ય બન્યું હોત. તેઓ શ્રીરામકૃષ્ણરહિત ન હતા, તેથી જ એમને બનવું પડ્યું પરિવ્રાજક. ‘તે જ તો બધું બન્યા છે’, એટલે તો તેમને ધ્યાનના આસનેથી ઉઠાડીને જનઅરણ્યમાં મોકલ્યા હતા, એમના એ ‘બધું બનવાની’ વચ્ચોવચ્ચ. વિવેકાનંદને ચાલતા કરીને પોતાના પ્રેમને વહેતો કર્યો ગ્રામેગ્રામે, કુટિરેકુટિરે, શહેરેશહેરે, નગરેનગરે, કુબેકુબે અને દિશદિશામાં.

Total Views: 170

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.