અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત

શ્રીઠાકુર કહે છે : ‘હું એમની માયા પણ લઉં છું અને એમના અનેક રૂપોને પણ લઉં છું. માયાના પ્રભાવે જે વિવિધતા દેખાય છે તેને પણ હું સ્વીકારું છું અને એ વિવિધતાવિહોણા અદ્વૈતતત્ત્વને પણ સ્વીકારું છું.’ આ છે શ્રીઠાકુરનો ભાવ, એમનું સર્વગ્રાહી સ્વરૂપ. ‘બધું નહિ લેવાથી માપતોલ ઓછો થાય છે’ આ છે વિશિષ્ટાદ્વૈતવાદની વાત. તેઓ શું કેવળ ચૈતન્યરૂપ છે? શું તેઓ જડરૂપ નથી? જો જડ પણ આપણા અનુભવમાં વસ્તુરૂપે દેખાય છે તો તેઓ જડરૂપ પણ છે. જે ચિદ્‌ વિશિષ્ટ છે, તેઓ જ અચિદ્‌વિશિષ્ટ છે. આ છે વિશિષ્ટાદ્વૈતવાદનો સિદ્ધાંત. એટલે ચિદ્‌વિશિષ્ટ અને અચિદ્‌વિશિષ્ટ એ બંનેને જ્યારે આત્મસ્વરૂપ માનીને એની ગણના કરવી પડે છે ત્યારે એ બેમાંથી એકને ત્યજી દેવાથી આત્માના પૂર્ણસ્વરૂપનું આખ્યાન નથી થતું. જે જાગ્રત નથી, સ્વપ્ન અને સુષુપ્તિ નથી, એમ કહેવાથી કંઈક છૂટી ગયું, રહી ગયું. એટલા માટે શ્રીઠાકુર કહે છે : ‘હું બધાને સ્વીકારું છું. એમને ન લેવાથી માપતોલ ઓછો થઈ જાય છે.’

એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો: ‘માપતોલ કેમ ઓછો પડે છે?’ વિશિષ્ટાદ્વૈતવાદના તત્ત્વને સમજાવતાં શ્રીઠાકુરે સહજભાવે કહ્યું: ‘બ્રહ્મ જીવ જગદ્‌વિશિષ્ટ છે. ‘નેતિ નેતિ’ એમ કહેતી વખતે જીવ જગતને છોડી દેવું પડે છે. જ્યાં સુધી અહંબુદ્ધિ છે ત્યાં સુધી એ જ બોધ જ્ઞાન થાય છે કે તેઓ જ સર્વ કંઈ છે, ચોવીસ તત્ત્વ તેઓ પોતે જ બન્યા છે.’ વિશિષ્ટાદ્વૈતવાદી કહે છે : બ્રહ્મ એક છે તે પોતાની માયા દ્વારા પોતાને અનેક રૂપોમાં પ્રગટ કરી શકે છે જેમ કે એક વૃક્ષ, તેની ડાળ, તેનાં પાંદડાં, ફૂલ ફળ વગેરે; આ બધાંને વૃક્ષના થડમાં પણ વૃક્ષ છે અને એનાં ફળ-ફૂલ-પાનમાં પણ એ વૃક્ષ રહેલું છે, સાથે મળીને વૃક્ષ બને છે. એવી જ રીતે જગદ્‌વિશિષ્ટબ્રહ્મ તથા સ્વપ્ન અને સુષુપ્તિવિશિષ્ટ બ્રહ્મ આ બધાને મેળવીને જ બ્રહ્મની પૂર્ણતાનો અનુભવ કરી શકાય છે. એટલા માટે એક ને છોડી દેવાથી તોલમાપ ઓછો થઈ જાય છે.

એના ઉત્તરમાં વેદાંતવાદીઓ કહે છે : છોડી દેવાથી જો તોલમાપ ઘટે છે તો દોરડી અને સાપના સાપને છોડી દેવાથી દોરડીમાં પણ ઘટાડો દેખાશે. જ્યારે જોયું કે સાપ નથી તો એનાથી દોરડીની સત્તામાં કઈ કમી આવી ખરી? એવી રીતે જીવજગતને છોડી દેવાથી બ્રહ્મમાં કઈ કમી આવશે? વાસ્તવમાં આવું બધું નથી. એટલા માટે મિથ્યા કહેવાય છે. જે નથી પણ દેખાય છે: જેમ કે સાપ નથી પણ સાપ જેવું દેખાય છે, એને મિથ્યા કહેવાય છે. એનો અર્થ એ નથી કે તે શૂન્ય છે, એક બ્રહ્મ જ છે. જેને જગત કહું છું, તે બ્રહ્મ છે – ‘योऽयं स्‍थाणु: पुमानेष:’ દૂરથી જોવાને લીધે એક વ્યક્તિ વૃક્ષના ઠૂંઠા જેવી લાગે છે. નજીક જઈને જોયું તો એક વ્યક્તિ ઊભી છે. જ્યારે આ અનુભવ થયો ત્યારે જે મિથ્યા અર્થાત્‌ આરોપિત હતું, તે દૂર થઈ ગયું; જે અસલ વસ્તુ હતી, તે જ રહી ગઈ. એટલે વેદાંતવાદીઓ કહે છે કે માપતોલ ઓછાં થતાં નથી.

શ્રીઠાકુરના વિચાર તથા વિશ્લેષણ

તત્ત્વનો આસ્વાદ શ્રીઠાકુરે અનેક રીતે કર્યો છે. એટલે જ તેઓ કહે છે : ‘માપતોલ ઓછો પડે છે.’ વળી તેઓ કહે છે : ‘હું માત્ર આ અદ્વૈતવાદના જ પથનો શા માટે બનું? હું તો અદ્વૈતરૂપ અને ચિત્રવિચિત્ર રૂપ એ બંનેનો આસ્વાદ કરીશ.’ વળી પાછું તેમણે ઉમેર્યું: ‘હું બધું ખાઈશ, ખાટું-મીઠું-લુખ્ખું-સૂકું-રસદાર બધું જ ખાઈશ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનું આસ્વાદન કરીશ તથા તુરીય (જો કે અહીં ‘આસ્વાદન’ શબ્દ પ્રયોજ્ય નથી છતાં પણ)નો અનુભવ પણ મારા આનંદનો વિષય હશે.’ એટલા માટે ‘નેતિ નેતિ’નો વિચાર કરતી વખતે જીવજગતને છોડી દેવું પડે છે. આ ‘નેતિ નેતિ’ના વિચાર વિના અદ્વયતત્ત્વ સુધી પહોંચી શકાતું નથી. એટલા માટે બ્રહ્મજીવ નથી, જગત નથી, આ રીતે છોડતાં છોડતાં જ્યારે એવા સ્વરૂપમાં પહોંચી જવાય કે જ્યાં કંઈ છોડવાનું બાકી રહેતું નથી ત્યારે સમગ્ર આરોપવર્જિત એ અધિષ્ઠાનનું જ્ઞાન થયું કહેવાય. આ અધિષ્ઠાનજ્ઞાન પછી આ દ્વૈતરાજ્યમાં પાછા ફરીને સાધક જુએ છે – જેને મેં ‘એક’ કહ્યું હતું, તે જ ‘અનેક’ છે; તો ‘અનેક’ની ભીતર ‘એક’ની નિર્બાધ અનુભૂતિ થાય છે. એવો અનુભવ થાય છે કે જીવ-જગત-ચોવિસતત્ત્વ એ બધું તે જ છે. બીલાનો સાર એમ કહેવાથી બીલાનો ગરભ એમ સમજીએ છીએ એની છાલ, એના બીજને છોડીને એના ગરભને જ કહ્યું કે આ બીલું છે. પરંતુ એનું વજન જોવા માટે એની છાલ, એના બીજ અને ગરભ એ બધાંને સાથે લઈને તોળવાં પડશે. એટલા માટે શ્રીઠાકુર કહે છે : ‘જેનો ગરભ છે તેનાં જ બીજ અને છાલ વગેરે છે. જેનો નિત્ય છે, તેની જ લીલા છે.’

જે નિત્યરૂપે એક અવિભાજ્ય અદ્વયતત્ત્વ છે તે જ લીલા રૂપે આપણી સમક્ષ અનેક રૂપે દેખાય છે. એને લીલા એટલા માટે કહેવાય છે કે કોઈ પણ પ્રયોજન વિના તે પોતાને અનેકરૂપોમાં વિભક્ત કરે છે. તે પોતાની અચિંત્ય શક્તિના પ્રભાવથી એકરૂપ બનીને પણ અનેક થયા છે. ‘એકોઽહં બહુસ્યામ્‌’ – ‘હું એક છું, અનેક બની જાઉં’. એમનો આવું વિચારવાનો ઉદ્દેશ શો છે? કંઈ નહિ. લીલાનો અર્થ જ આ છે : નિષ્પ્રયોજન ક્રિયા. લીલામાં એ અદ્વયતત્ત્વ માયાના પ્રભાવથી સ્વયંને અનેક રૂપોમાં વિભક્ત કરે છે. ‘માયા’ એટલા માટે કહેવાય છે કે વાસ્તવિક વૈચિત્ર્ય ન હોવા છતાં પણ એના દ્વારા વૈચિત્ર્ય જોઈ શકાય છે. આ વૈચિત્ર્ય આ રીતનું છે : જેમ જાદુગર પોતાની શક્તિના પ્રભાવથી અનેક પ્રકારના ખેલ બતાવે છે. એક ગોટલો એમણે વાવ્યો, વૃક્ષ થયું, એમાં ફળ આવ્યાં, ફળ ખવડાવી દીધાં; પરંતુ પછીથી જોવા મળ્યું કે ત્યાં કંઈ નથી, એ બધું મિથ્યા છે. જાદુગરની જાદુગરીથી એવું બધું થયું હતું. ભગવાન પણ એક મોટા જાદુગર છે એની જાદુગરીએ સમગ્ર જગતને મુગ્ધ બનાવી દીધું છે. માયા દ્વારા જગતની સૃષ્ટિ કરીને તેઓ તેનું વિવિધરૂપે આસ્વાદન કરે છે. તેઓ જ જડરૂપ છે અને એ જડરૂપનાં અનુભવ કરતાં જે ચેતન છે તે પણ તેઓ જ છે. તેઓ એક પણ છે અને અનેક પણ. તેઓ ઈશ્વર છે અને જીવજગત પણ તેઓ જ છે. આ રીતે સર્વત્ર એમની જ સત્તા છે. શ્રીઠાકુરે કેટલીયેવાર કહ્યું છે : ‘જેમનો નિત્ય તેમની જ લીલા. લીલાથી નિત્ય અને નિત્યથી લીલા. હવે કહે છે કે જે રાજાનો પુત્ર છે તે સાતેય મહેલમાં આવ-જા કરી શકે છે, એના માટે કોઈ રોકટોક નથી. નિત્યથી લીલામાં આવે છે અને વળી પાછા લીલામાંથી નિત્યમાં જાય છે, એને ક્યાંય ભય નથી.

આ જે નિર્ભય અવસ્થા છે, વેદાંતવાદીઓ પણ એની જ વાત કરે છે. જ્યારે આ જગતને એ જુએ છે ત્યારે તેને બંધનનો ભય થતો નથી, કારણ કે એની દૃષ્ટિએ તે વાસ્તવિક નથી પરંતુ કલ્પનામાત્ર છે. અદ્વૈતવાદની દૃષ્ટિએ જે જગતરૂપ પ્રતીત થાય છે તે બ્રહ્મસિવાય બીજું કંઈ નથી. આ બ્રહ્મજ્ઞાન પર પ્રતિષ્ઠિત બનીને જગતના વૈચિત્ર્યથી મોહિત થતો નથી, મહામાયાની માયા તેને મુગ્ધ કરી શકતી નથી. આ માયાના પડદાને ભેદીને તે સ્વરૂપમાં પહોંચી જાય છે. એટલા માટે શ્રીઠાકુર કહે છે : ‘હું નિત્ય, લીલા બધું લઉં છું, માયા એમ કહીને સંસારને ઉડાડી દેતો નથી; એવું કરવાથી તો માપતોલ ઓછાં પડે.’

ૐકાર અને જગતની અભિવ્યક્તિ

દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુર મહિમાચરણ વગેરે ભક્તો સાથે ‘ૐકાર અને નિત્યલીલા’ એ વિષય પર ચર્ચા કરે છે. મહિમાચરણને કહે છે: ‘ૐકારની વ્યાખ્યામાં— અ-કાર, ઉ-કાર અને મ-કાર — બસ એમ જ તમે લોકો કહો છો.’ શ્રીઠાકુર ૐકારની વ્યાખ્યા પોતાના અનુભૂતિલબ્ધ જ્ઞાનથી કરે છે. ઝાલરનો રણકાર ટં-અ-અ-મ-મ્‌. ચોતરફ નિ:સ્તબ્ધતા છે, ‘ટં’નો એક ધ્વનિ થયો, ત્યાર પછી ધીમે ધીમે તે શાંત થઈ ગયો. શ્રીઠાકુર ઉપમા દેતાં કહે છે : ‘જેમ સમુદ્રમાં એક વજનદાર વસ્તુ પડવાથી તેમાં તરંગો ઉઠવા લાગે છે, ફરી એ તરંગો ધીમે ધીમે સમુદ્રમાં મળીભળી જાય છે. ઝાલરના ‘ટં’ રવની જેમ એક તરંગ શરૂ થયો, થોડીવાર સુધી એ તરંગ ચાલતો રહે છે અને વળી પાછી નિસ્તરંગ અવસ્થા આવી જાય છે.’ શ્રીઠાકુર કહે છે : ‘નિત્યથી લીલા આરંભ થઈ; મહાકારણથી સ્થૂળ, સૂક્ષ્મ, કારણશરીર દેખાયાં, – આ તુરીયથી જ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા નીકળી આવી અને વળી મહાસમુદ્રની લહેરો મહાસમુદ્રમાં જ લીન થઈ ગઈ.’

નિત્યને પકડીને લીલામાં અને લીલાને પકડીને નિત્યમાં – આ વાતને શ્રીઠાકુર અત્યંત સ્પષ્ટ હૃદયગ્રાહી બોધગમ્ય રૂપે આપણી સામે રાખે છે. જગતનો જ્યારે આરંભ થયો ત્યારે જાણે કે ઘંટારવના ટંકારની જેમ એક તરંગ ઊઠ્યો. થોડીવાર પછી એ તરંગ પ્રવાહિત થયો અને વળી પાછો નિસ્તરંગ અવસ્થામાં આવી ગયો. એ નિત્ય તુરીય અવસ્થાથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાઓ એક એક કરીને આવે છે અને એ તુરીય અવસ્થામાં જ એ બધી અવસ્થાઓ પાછી ફરે છે. સમુદ્રના તરંગનો વિલય સમુદ્રમાં જ થાય છે. શ્રીઠાકુર કહે છે : ‘હું ‘ટં’ શબ્દની ઉપમા આપું છું. મેં આ બધું જોયું છે… તમારા લોકોના પુસ્તકોમાં શું છે  એ બધું હું જાણતો નથી.’ એવું નથી કે એ વાત શાસ્ત્રમાં નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે જગતની સૃષ્ટિ થાય છે ત્યારે પહેલાં જાણે કે એક ધ્વનિની અભિવ્યક્તિ થાય છે. આમ થવા છતાં પણ કોઈ વર્ણની સૃષ્ટિ થતી નથી. એને જ ‘ૐકાર’ કહેવાય છે. આ ૐકારના વર્ણ ક્રમશ: અલગ અલગ રૂપ ધારણ કરીને ‘અ-ઉ-મ’ એમ બનીને આવે છે. આ વર્ણમાલા જાણે કે સૃષ્ટિનું આદિ ઉપકરણ છે, અર્થાત્‌ જગતનું સૂક્ષ્મ રૂપ છે. એની ભીતરથી ધીરે ધીરે આ વૈચિત્ર્યમય જગતની, નામરૂપની સૃષ્ટિ થઈ છે. નામરૂપે સંક્ષેપમાં સમગ્ર જગતને સમજવું જોઈએ. બ્રહ્મના મનમાં જગતસૃષ્ટિની ઇચ્છા થઈ. એણે વિચાર્યું કે નામરૂપના માધ્યમથી સમસ્ત જગતને હું પ્રકાશિત કરીશ. આ રીતે નામરૂપે સમગ્ર જગતનો આવિર્ભાવ થયો. ‘ૐકાર’ એ નામની જ સૂક્ષ્મ અભિવ્યક્તિ છે. મહાસમુદ્રના શાંત જળરાશિ પર એક વસ્તુ પડવાથી તરંગો ઊઠ્યા એ તરંગો જળરાશિની ચારે તરફ ફેલાઈ ગયા અને પછી ધીમે ધીમે સમુદ્રમાં મળી-ભળી ગયા. આ પ્રકારે કારણ સમુદ્રરૂપી બ્રહ્મના મનમાં જગતની સૃષ્ટિની ઇચ્છા ઉત્પન્ન થઈ; આ ઇચ્છા જ સમુદ્રમાં પડનારી પેલી ભારે વસ્તુ બની; પરિણામે નામરૂપતરંગની સૃષ્ટિ થઈ; કારણ સમુદ્રનો જે તરંગ છે તે જ નામરૂપે અભિવ્યક્ત આ જગત છે. આ વિશ્વ બ્રહ્માંડથી ઉત્પન્ન થઈને તેની જ ભીતર લીન થઈ ગયું. લીલાથી નિત્ય, નિત્યની લીલા – આ વાત સમજાવવા માટે શ્રીઠાકુર આ ઉપમા આપે છે.

નિત્ય અને લીલા

આ જે જગતને આપણે જોઈએ છીએ તે નિત્ય સ્વરૂપ બ્રહ્મમાંથી આવ્યુ છે. નિત્યમાંથી લીલા આવી છે. તે આ જગત રૂપે લીલા કરે છે. વિશ્વબ્રહ્માંડના રૂપે તે જાણે કે વિભાજિત થઈ જાય છે, સ્વયંને અનેક રૂપોમાં વિભક્ત કરીને લીલા કરી રહ્યું છે. આ લીલાખેલ પૂરો થઈ જતા તે જગતને પોતાનામાં સમાવી લેશે. સમુદ્રનું ઉદાહરણ ઘણું સુંદર મજાનું છે. સમુદ્ર એટલે કે કારણસમુદ્ર; જ્યાંથી જગતની ઉત્પત્તિ થાય છે એ કારણ છે. એ કારણવારિરૂપમાં ભગવાન અનંત શૈયા પર સૂતા છે. અર્થાત્‌ અનંતની સાથે એક થઈ ગયા છે. ભગવાનની ઇચ્છા થઈ કે તેઓ સ્રષ્ટા બનશે અર્થાત્‌ જગતની સૃષ્ટિ કરશે. તેઓ સત્‌ બન્યા; તેઓ જ સ્થૂલ, સૂક્ષ્મ, કાર્ય અને કારણ બન્યા – ‘स सच्‍च तच्‍च अभवत्‌’ – આ જગત બ્રહ્મનું નામરૂપ વિશિષ્ટ સ્વરૂપ છે અને એ નામરૂપ એનાથી ભિન્ન નથી કારણ કે કોઈ બહારના ઉપાદાનથી તેની સૃષ્ટિ થઈ નથી. એણે પોતાને અનેક રૂપોમાં વિભક્ત કર્યો છે. આમ ન થાત તો જગતની સૃષ્ટિ સંભવ ન બનત. નામરૂપને એણે જ પ્રકાશિત કર્યું છે તથા લીલા-ખેલ પૂરો થતાં તેને પોતાની ભીતર ખેંચી લે છે. ‘સંહાર’નો અર્થ આ છે : એને પોતાની ભીતર લઈ લો. ઊર્ણનાભ એટલે કે કરોળિયાના ઉદાહરણ દ્વારા જગતની સૃષ્ટિ અને સંહારને સમજાવવામાં આવ્યા છે – ‘यथोर्णनाभि: सृजते गुह्‌णते च’ (મુંડકોપનિષદ – ૧.૧.૭) જેવી રીતે કરોળિયો પોતાના શરીરમાંથી જાળ ઉત્પન્ન કરે છે અને પુન: એ જાળને પોતાની ભીતર સમાવી લે છે. એવી રીતે ભગવાન પોતે જગતના રૂપે પોતાની જાતને પ્રકાશિત કરીને પુન: એ જગતને પોતાની ભીતર સમેટી લે છે. જેવી રીતે કુંભાર માટીમાંથી ઘડો બનાવે છે અને એ ઘડો ફૂટવાથી માટીના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે તેવી રીતે ઈશ્વર પોતે જગતનું ઉપાદાન કારણ છે. એમનાથી જ જગતની સૃષ્ટિ થાય છે અને એમનામાં જ એની પરિસમાપ્તિ પણ થાય છે. ઉપાદાનકારણ તથા નિમિત્તકારણ એ બંને તેઓ જ છે. જો તેઓ ચૈતન્ય ન હોત તો આ સૃષ્ટિમાં જે સુંદર યોજનાઓ દેખાય છે, એક ‘પ્લાન’ દૃષ્ટિગોચર થાય છે તે કેમ કરીને બનત? જડ વસ્તુ મસ્તિષ્કનું કામ કરી શકતી નથી. ચૈતન્યનો સંયોગ ન થાય તો જડવસ્તુ જગતના રૂપે પરિણત બનતી નથી. ઈશ્વર માટે આમ કહેવામાં આવ્યું છે : ‘कारणं कारणानाम्‌’- સ્થૂળ, સૂક્ષ્મ, કારણ આ ત્રણ અલગ અલગ અવસ્થાઓનું કારણ પણ તેઓ જ છે. ‘एतदात्‍यम्‌ इदं सर्वम्‌’ – તેઓ જ સમસ્ત જગત છે. નિત્ય ન હોય તો લીલા ક્યાંથી આવશે અને વળી પાછી ક્યાં જશે? રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ દ્વારા જગત આપણને પોતાના અસ્તિત્વનું સ્મરણ કરાવે છે. જગતના આદિને તો મેં નથી જોયો, પરંતુ તેની ભીતરથી તેની પરિવર્તનશીલતાની ઉપલબ્ધિ કરું છું. એ વખતે શું આ પરિવર્તનશીલ જગત અનાદિ છે? આ પ્રશ્ન ઊભો થાય. જગતની પ્રત્યેક વસ્તુ એ બતાવે છે કે જે પરિવર્તનશીલ છે તેને આદિ છે અને અંત છે. જગત જો પરિવર્તનશીલ હોય તો તેના આદિ અંત છે. આદિની કલ્પના કરતી વખતે લીલાને પકડીને નિત્યમાં જવું પડે છે. ભાગવતમાં, ઉપનિષદમાં વર્ણન આવે છે: સ્થૂળ ક્રમશ: સૂક્ષ્મથી સૂક્ષ્મતર બનીને કારણમાં પરિવર્તિત થાય છે અને અંતે બધું એક મહાકારણમાં લીન થઈ જાય છે.

આપણી પંચેન્દ્રિયોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ જે વિષયો છે તે બધા આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી એ પાંચ સૂક્ષ્મ ભૂતોની તન્માત્રાઓમાંથી નીકળ્યા છે. આ પંચતત્ત્વ પૃથ્વીથી શરૂ થઈને ક્રમશ: સૂક્ષ્મથી સૂક્ષ્મતર બનીને સૂક્ષ્મતરમાં વિલીન થઈ જાય છે અને અંતે આકાશ બાકી શેષ વધે છે. હવે ભલે આ બધાં તત્ત્વોમાં આકાશ જ બધાથી સૂક્ષ્મ છે પણ એ આકાશની પણ ઉત્પત્તિ અને લય છે. તે અવ્યક્તથી નિપજે છે અને એમાં જ લય પામે છે. ‘અવ્યક્ત’ એટલે અનભિવ્યક્ત. ગીતાભાષ્યની ઉપક્રમણિકામાં શ્રીશંકરાચાર્યે આ શ્લોક આપ્યો છે:

नारायण: परोऽव्‍यक्तादण्डमव्‍यक्तसम्भवम।
अण्डस्‍यान्‍तस्त्‍विमे लोका: सप्तद्वीपा च मेदीनी॥

નારાયણ છે પરમતત્ત્વ. એમાંથી જગતકારણ ‘અવ્યક્ત’ નીકળ્યું છે. એ પરમકારણ અવ્યક્તમાંથી બ્રહ્માંડનું અંડરૂપ નીકળ્યું છે. વિભિન્ન રૂપોમાં હજુ તેની અભિવ્યક્તિ થઈ નથી છતાં પણ બધી અભિવ્યક્તિની સંભાવના એમાં રહેલી છે; જેમ ઈંડાની ભીતર જીવ સંકુચિત કે અવ્યક્ત ભાવે રહે છે તેમ આ બ્રહ્માંડની ભીતર સપ્તદ્વીપા પૃથ્વી છે, આખું જગત છે. કઠોપનિષદ (૧.૩.૧૦.૧૧)માં કહ્યું છે :

इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः ।
मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥
महत: परमव्यक्तमव्यक्तात् पुरुष: पर:।
पुरुषान्न परं किञ्चित्सा काष्ठा सा परा गति: ॥

અર્થ કે સૂક્ષ્મભૂત ઇન્દ્રિસમૂહથી ‘પર’ કે વ્યાપક હોય છે. સૂક્ષ્મભૂતથી ઇન્દ્રિયોનું સર્જન થયું છે, વિષય ઇન્દ્રિયોને અનુભૂતિ પ્રદાન કરે છે, એટલે વિષય ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ અને સૂક્ષ્મતર છે. ‘अर्थेभ्यश्च परं मनः।’ મન આ સૂક્ષ્મભૂતની અપેક્ષાએ વ્યાપક છે. આવી રીતે મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ, બુદ્ધિથી મહાન છે આત્મા. જગતના સૂક્ષ્મકારણ રૂપને ‘મહત્‌’ કહેવામાં આવ્યું છે, એટલા માટે મહાન છે. ‘महत: परम अव्यक्तम्‌।’ મહત્‌થી પર છે અવ્યક્ત. ‘अव्यक्तात् पुरुष: पर:।’ અવ્યક્તથી પુરુષ શ્રેષ્ઠ છે. બ્રહ્મને પુરુષ કહે છે. ‘पुरुषात्‌ परं किंचित्‌’ પુરુષથી શ્રેષ્ઠ કંઈ પણ નથી. ‘सा काष्ठा सा परागति:’ તે પુરુષ જ પરમ તત્ત્વ છે, ચરમ લક્ષ્ય છે. આ રીતે લીલા દ્વારા નિત્યમાં પહોંચવાનું બને છે.

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.