(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.)

સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના અંગે આપણે અસ્પષ્ટ ખ્યાલ ધરાવીએ છીએ. મોટા ભાગે તો આપણે આ શબ્દ‘આધ્યાત્મિક સાધના’ની અગત્યતા અંગે સ્પષ્ટ નથી. કદાચ આપણે એમ કહીએ કે આધ્યાત્મિક સાધના એટલે ઈશ્વરની શોધ. છતાં તેમાં પણ દરેકના મત જુદાજુદા હોઈ શકે. ખરેખર તો ‘ઈશ્વર’એ શબ્દનો અર્થ પણ દરેક વ્યક્તિ જુદીજુદી રીતે કરે છે. સાવ સાદી ભાષામાં કહીએ તો ઈશ્વર એટલે એવું પરમ તત્ત્વ કે જેને શરૂઆતમાં સમજવું ઘણું જ મુશ્કેલ છે. આપણા મનમાં જે દિવ્ય સ્વરૂપની ધારણા છે તેને આપણે ઈશ્વર કહીએ છીએ અને એ ધારણાને વર્ણવવા આપણે જુદાંજુદાં વિશેષણ આપીએ છીએ. વળી આ ધારણાઓ પણ દરેક વખતે સરખી હોતી નથી. શ્રી રામાનુજે સાદી રીતે ઈશ્વરને આ રીતે વર્ણવેલ છે:“अशेषकल्याणगुण संपन्न निखिलहेयगुणवर्जितः”એટલે કે ઈશ્વર એ ગુણોથી યુક્ત તથા દુર્ગુણોથી દૂર એવી વ્યક્તિ, આ વિધાન ઈશ્વર વિષે જાણવાના આપણા પ્રયત્નોને કંઈક અર્થ આપે છે. આમ, આપણી ધારણા મુજબ ઈશ્વર એટલે ઉદાત્ત ગુણોથી ભરપૂર એવું એક અસ્તિત્વ અથવા તો ઈશ્વર એટલે વિશેષણોથી પર એવો વ્યામ સિદ્ધાંત.

આ વિષય વ્યાવહારિક રીકે સમજી શકાય તેવો છે. જો આ અંગે આગળ વધીએ તો દિવ્યતાનો ઉદ્ભવ આધ્યાત્મિકતાના ઉદ્ભ‌વ સાથે સંભવી શકે. એ વાત પણ ચોક્કસ છે કે આપણે દેહનાં બંધનથી જકડાયેલા છીએ અને ‘હું શરીર છું, મન છું,’એવું માનીએ છીએ. પરંતુ આ સીમિતતાને ત્યારે જ પાર કરી શકાય જ્યારે આપણે દિવ્યતા તરફ દોરાઈ. તો આ જ આધ્યાત્મિક સાધના છે. અહીં આત્મા (આધિ + આત્મિક)નો એવો અર્થ થાય છે કે જે ભૌતિક ન હોય પણ પવિત્ર, શાશ્વત અને અવિનાશી હોય. તો આ ઈશ્વર કે દિવ્યતા માટેની આપણી માન્યતા છે. અને તેને સમજવા માટે (તેની પ્રાપ્તિ માટે) જુદાજુદા માર્ગો છે. આ માર્ગ તરફ દરેક વ્યક્તિ પોતાના માનસિક બંધારણ અને શક્તિ અનુસાર આગળ વધી શકે.

તો આ માર્ગ શું છે? તેનું ધ્યેય શું છે? ઈશ્વરીય ઉદાત્ત ગુણો કે દિવ્યતાનું આપણામાં સિંચન કરવું એટલે આ માર્ગનું અનુસરણ કરવું. આવી દિવ્યતાની અનુભૂતિ માટે ધીમેધીમે દુર્ગુણોથી દૂર અને ગુણોથી સમૃદ્ધ બનવું જોઈએ. (આ અંગે હું વિદ્વત્તાભરી ચર્ચા કરવા માગતો નથી. કારણ કે આપણને આ વિષે મહાનિબંધ જોઈતો નથી.) આથી આપણને પણ એવા વિચારો જોઈએ છે જે આધ્યાત્મિક જીવન માટે ઉપયોગી થઈ શકે. આથી આપણે આપણા ઈશ્વર વિષેના આદર્શ જેવા બનવાની કોશિશ કરવાની છે. આમ જીવનની કોઈપણ પરિસ્થિતિમાં આપણે હોઈએ, ધીરેધીરે સારા ગુણોનું સિંચન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી જાતને ખરાબ લક્ષણોથી છોડાવવી જોઈએ અને ઈશ્વરત્વ માટે જે ગુણો જરૂરી છે તેમને શક્ય હોય તેટલી માત્રામાં અપનાવવાની કોશિશ કરવી જોઈએ. કેટલાક લોકોનું માનવું છે કે મનુષ્ય હોવાને લીધે દિવ્યતાનાં સ્તરે પહોંચવું બહુ શક્ય નથી. જ્યારે કેટલાક લોકોના મત મુજબ આ શક્ય છે. કારણ કે આપણે મૂળભૂત રીતે જ આ ‘પરમતત્ત્વ’ના બનેલા છીએ. એક જ અગ્નિના તિખારા જેવા છીએ તથા મૂળભૂત રીતે દિવ્ય છીએ.

એ તો સ્પષ્ટ છે કે આપણામાં રહેલ દિવ્યતા ઉપર આવી ખોટી વિચારસરણી અને ખોટી જીવન-પદ્ધતિને કારણે એક પ્રકારનું આવરણ આવી ગયેલ છે. પરંતુ ધીમેધીમે આ આવરણોને દૂર કરવા જ પડશે. જેથી એ દિવ્યત્વ વ્યક્ત કરી શકીએ. આપણે સામાન્ય અસહાય માણસો છીએ એ વિચાર જ આપણા જીવનના કેન્દ્રબિંદુ સમા ‘આત્મા’વિષેની ખોટી ધારણામાંથી ઉદ્ભવ્યો છે. આપણે આવા ઠોકી બેસાડેલા વિચારથી મુક્ત થવું જ પડશે. ઈશ્વરમાં માનનારા મોટાભાગનાં લોકો આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રયાસ કરે છે, જ્યારે બીજા કેટલાક લોકો આમાં માનતા નથી. પણ જેઓ આ ઉચ્ચ સત્તામાં માને છે (વિશ્વાસ ધરાવે છે) તેઓ ધીમેધીમે મુમુક્ષુ બનતા જાય છે. પરંતુ તેનું પરિણામ આપણા જીવનમાં જોવા નહિ મળે. કારણ એક જ છે – તે માટેની વ્યાકુળતાનો અભાવ. આપણે આધ્યાત્મિકતાને ઝંખીએ તો છીએ પણ અર્ધ હૃદયથી અને એ તો નક્કી જ છે કે આવા અધકચરા ઉત્સાહથી કોઈ પ્રગતિ સાધી શકાય નહિ. આપણા મહાન સંતોએ તેમના દાખલારૂપ જીવનથી દર્શાવેલ છે કે કઈ રીતે ધીમેધીમે ઈશ્વર તરફ જઈને તેની પ્રાપ્તિ કરી શકાય. તેઓએ બતાવેલ છે કે સંપૂર્ણ સમર્પણ અને વ્યાકુળતા જ આધ્યાત્મિક માર્ગની પ્રગતિ નિશ્ચિત કરે છે.

એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે ભક્તો સાથે વાતો કરતાં કહ્યું, “લોકો ઈશ્વર પ્રાપ્તિ અંગે વાતો કરે છે પણ ફક્ત વાતો કરવાથી કંઈ વળે નહિ. જો તેઓ ખરેખર ઈશ્વર-સાક્ષાત્કાર માટે આતુર હોય તો નિષ્ઠાથી અને વ્યાકુળતાથી પ્રાર્થના કરવી જોઈએ.”આમ કહીને તેઓ જમીન ઉપર માતાજીનાં દર્શન માટે રડીને આળોટવા લાગ્યા. લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આ પ્રકારના સર્વાંગી પરિવર્તનનું કારણ શું? એક જ ક્ષણ પહેલાં તો તેઓ એક જુદી જ વ્યક્તિ તરીકે વાતો કરતા હતા અને હવે અચાનક પોતાની માને તીવ્ર વ્યાકુળતાથી પોકારનાર બાળક બની ગયા અને ખરેખર પોતાના પ્રિય એવા માતાજીની જુદાઈથી થતી પીડાની લાગણી પણ તેમના ચહેરા ઉપર દેખાઈ રહી હતી. આવા દાખલાથી તેઓ આપણને શીખવવા માગતા હતા કે ઈશ્વરપ્રાપ્તિ માટેની તીવ્ર વ્યાકુળતા કેવી હોઈ શકે? આપણે આ પ્રકારની વ્યાકુળતા કે નિષ્ઠા ધરાવતા નથી જ. આપણે ઈશ્વરની નજીક જવા વિષે જાણીએ છીએ જરૂર પણ આપણે પોતાની જાતને સમર્પિત કરવા અને આપણા આદર્શથી વિરુદ્ધ લઈ જતી હોય તેવી વસ્તુઓ છોડવા તૈયાર નથી. મોટાભાગના સાધકોનું આ ભાગ્યનિર્માણ છે. ખૂબ ઓછા લોકો આ દિવ્યતત્ત્વને શોધવાનું પસંદ કરે છે અને આમાંથી પણ ખરી ગંભીરતાપૂર્વક શોધનારા ખૂબ ઓછા છે. આવા લોકો જ ઈશ્વરનાં દિવ્યદર્શનનો આશીર્વાદ પામે છે. આનો પડઘો આપણને શાસ્ત્રમાંથી મળે છે.”

श्रवणयापि बहुभिर्यो ना लभ्यः।
श्रुणवन्तोऽपि बहवो यम्, न विद्युः।।

(કઠોપનિષદ ૧/૨/૭)

એટલે કે “અમુક લોકોને જ ઈશ્વર વિષે સાંભળવાની તક મળે છે અને આમાંથી બહુ ઓછા લોકો તેનો અર્થ સમજી શકે છે.”

બહુ જ થોડા લોકો ઈશ્વર પ્રાપ્તિની ઝંખના અને વ્યાકુળતા ધરાવે છે અને તેનો અર્થ સમજવા શક્તિમાનહોય છે. આવા ભાગ્યવાન લોકો જ ઈશ્વરદર્શનની દિવ્ય અનુભૂતિ કરી શકે છે. ઈશ્વર-પ્રાપ્તિ એ એવી વસ્તુ નથી કે જે પૂર્ણ બલિદાન વગર મેળવી શકાય. આ અંગે શ્રીરામકૃષ્ણદેવે બંગાળીમાં કહ્યું છે કે“ત્યાગ છાડા કીંછુ હોબેના, બાપુ”એટલે કે“બેટા, ત્યાગ વગર કઈ મેળવી શકાય નહિ.”

આ વાક્ય ગૃહસ્થી લોકો માટે એક બોંબવિસ્ફોટ સમાન છે કારણ કે તેઓ એવું માને છે કે ત્યાગ તો ફક્ત સંન્યાસીઓને માટે જ છે. શ્રીરામકૃષ્ણદેવ આવો અપવાદ ચલાવી લેતા નહિ. તેઓ કહેતા કે સાચી આધ્યાત્મિક પ્રગતિ ત્યાગ વિના સંભવી શકે નહિ. ગૃહસ્થીઓ માટે તેમણે એક રસ્તો બતાવતા કહ્યું છે, “ગૃહસ્થીઓએ બાહ્ય ત્યાગ કરવાની જરૂર નથી. માત્ર માનસિક ત્યાગથી પણ તેઓ આગળ વધી શકશે.”

આ ‘માનસિક-ત્યાગ’એ શું છે? ઇન્દ્રિય સુખો અને ભૌતિક સુખોની આસક્તિનો ત્યાગ. જો તમે આ પ્રકારની આસક્તિને જડમૂળથી ઉખેડી શકો તો સર્વોચ્ચ ઈશ્વર કે જે બધા જ પ્રકારની મલિનતાથી મુક્ત છે તેમજ બધા જ પ્રકારની સારાઈનું મૂર્તિમંત સ્વરૂપ છે તેમના તરફ આગળ વધવા પ્રગતિ કરી શકો. આ જ આધ્યાત્મિકતાનો માર્ગ છે. ખરેખર એ ઈશ્વર-પ્રાપ્તિ માટેનો સીધો ને સરળ માર્ગ છે તેમાં શંકા નથી – પણ ખરેખર કેટલા લોકો આ માર્ગનું અનુસરણ કરી શકે છે? અમે સંન્યાસી લોકો જાણીએ છીએ કે લોકો અમારી પાસેથી શેની અપેક્ષા રાખે છે? એક વખત એક સજ્જ્નને ત્યાં ગયેલ. ત્યાં તેમના એક સગા આવ્યા અને મને પૂછવા લાગ્યા, “સ્વામીજી તમે હાથની રેખાઓ જોઈને કંઈ બતાવી શકો છો?”મેં કહ્યું, “ના.” ફરી પૂછ્યું, “તમે દવાઓ (રોગની) અંગે જાણો છો?”મેં કહ્યું ‘ના’. એટલે તરત જ તેણે સીધું જ કહ્યું “તો તમે જાણો છો શું? તમે આ બધી બાબતો વિષે બતાવી ન શકો તો અમે તમારી પાસેથી શું મેળવી શકીએ?”તો મોટા ભાગના લોકો આધ્યાત્મિક જીવન માટે આ પ્રકારના વિચારો ધરાવે છે. લોકો શારીરિક, માનસિક અને એવા બીજા દુન્યવી દુ:ખોમાંથી મુક્ત થવાનો જ પ્રયાસ કરે છે. આપણે જિંદગીમાં સુખ, મધુરતા અને દીર્ઘઆયુષ્ય ઇચ્છીએ છીએ. આથી જ કોઈ સંન્યાસી અથવા તો ઈશ્વર-સાક્ષાત્કારના માર્ગને અનુસરતી કોઈ વ્યક્તિ પાસેથી આવી જ વસ્તુઓ માગવામાં આવે છે. આપણામાંનાં મોટાભાગનાં લોકો આ સિવાય બીજું કંઈ ઇચ્છતા જ નથી. આ છે આમજનતાનો આધ્યાત્મિકસાધના માટેનો ચીલાચાલુ ખ્યાલ. તેઓ એવા હેતુથી સાધના કરે છે કે જેથી તેઓ સુખી જિંદગી જીવી શકે અને ભૌતિક રીતે પરિપૂર્ણતા મેળવી શકે. આ જ તેમનાં જીવનનું એકમાત્ર ધ્યેય બની રહે છે.

આવા પ્રકારના ખ્યાલો રાખવાથી શું તેઓ સાચી શું આધ્યાત્મિકતા તરફ આગળ વધી શકે છે ખરા? ના, કદી નહીં. કદાચ ધીમે-ધીમે મનની પવિત્રતા મેળવી શકે. કારણ કે ઈશ્વરનું નામ લીધેલું કદી ફોગટ જતું નથી. કોઈપણ પ્રકારની દુન્યવી ઇચ્છાની પ્રાપ્તિ માટે લીધેલ ઈશ્વરનું પવિત્ર નામ ધીરેધીરે આપણને પવિત્ર બનાવે છે અને ઈશ્વરપ્રાપ્તિનાં અંતિમ ધ્યેય તથા પૂર્ણ ત્યાગની ભાવના તરફ દોરી જાય છે. પરંતુ આ ત્યાગ એકદમ નથી આવતો, તેના માટે સાધના કરવી પડે.

આધ્યાત્મિક સાધના પાછળનો મુખ્ય વિચાર એ છે કે ઈશ્વર એ અમૂલ્ય છે. બધી વસ્તુની કિંમત ઈશ્વરની સરખામણીમાં નગણ્ય બની જાય છે. જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવનના બધા જ પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય છે. શું ખરેખર આમ બને છે? આનંદ પ્રાપ્તિ માટેની ખોજને ઉચ્ચ ધ્યેય તરફ દોરી જવી જોઈએ. તેથી જ શાસ્ત્રમાં યજ્ઞ (બલિદાન)ની વાત કરેલ છે. જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ શકે. એવું પણ માનવામાં આવે છે કે આવા પ્રકારના યજ્ઞથી લાંબુ આયુષ્ય અને દરેક પ્રકારના દુન્યવી આનંદ મેળવી શકાય છે. નચિકેતાને કોઈએ ન ભોગવેલા હોય તેવા દુન્યવી ભોગો માટેનું પ્રલોભન યમરાજાએ આપેલ તેમજ આ ભોગના ઉપભોગ માટે લાંબુ આયુષ્ય આપવાનું પણ વચન આપેલ. પરંતુ સંનિષ્ઠ એવા નચિકેતાએ તેના જવાબમાં જણાવેલ કે “આ સુખોથી જીવનમાં નિરસતા અને કંટાળાની લાગણી જન્મે છે. તેમજ શાશ્વત સુખની સરખામણીમાં આ સુખો નગણ્ય છે.” આમ નચિકેતાએ શાશ્વત સુખ અને શાશ્વત અસ્તિત્વની ઝંખના કરેલી.

આપણે અજ્ઞાનને લીધે આ શાશ્વત જીવનને બદલે ક્ષણિક એવા ઈન્દ્રિયભોગ અને સુખોની લાલસા રાખીએ છીએ. લોકો જાણે છે કે આ જીવન ટૂંકું છે તેમજ સુખો પણ નિત્ય નથી. છતાં પણ તેના માટે તલપાપડ બને છે. આ એક કરુણતા છે અને આનું કારણ આપણી અંદર ઘર કરી ગયેલ નિષ્ઠાનો અભાવ છે બધા જ લોકો અસીમ સુખ, શાશ્વત અસ્તિત્વ અને અમાપ જ્ઞાનની જ ઝંખના ધરાવતા હોય છે. પરંતુ અંતિમ સત્ય અંગેના વિકૃત ખ્યાલોને લીધે ખોટે માર્ગેથી આ મેળવવા આપણે પ્રયાસ કરીએ છીએ. પરિણામે નિષ્ઠા બીજા માર્ગે દોરવાઈ જાય છે. આપણે ઈશ્વરને શોધીએ તો છીએ પણ સાથે-સાથે આવા સુખભોગની પણ અપેક્ષા રાખીએ છીએ.

શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે, “જો તમે પૂર્વદિશા તરફ જશો તો તેટલા જ પ્રમાણમાં પશ્ચિમ દિશાથી દૂર જશો. આ બન્ને કદી સાથે ન થઈ શકે. જો તમે આધ્યાત્મિક આનંદની અપેક્ષા રાખો તો દુન્યવી આનંદનો ત્યાગ કરવો જ પડે. જો આમ ન થઈ શકે તો સમજવું કે નિષ્ઠા ઓછી છે. નિષ્ઠા ધીમેધીમે આપણને સુખભોગનો પૂર્ણમાત્રામાં ત્યાગ કરવા પ્રેરે છે. જો ઈશ્વરની શોધ કરવી હશે તો ફક્ત તેની અને તેની જ શોધ કરવી જોઈએ, બીજા કશાની નહીં.”

યહુદીઓનાં શાસ્ત્રમાં કહેલ છે, “હું ઈર્ષ્યાળું ભગવાન છું.”એનો અર્થ એ કે ઈશ્વર તેના કોઈ હરીફને સહન કરી શકતો નથી એટલે કે આપણા હૃદયમાં બીજા કોઈનું સ્થાન હશે તો તે સ્થાને ઈશ્વર નહિ આવે! આપણું સંપૂર્ણ હૃદય આપણે ઈશ્વરને સોપવું જ પડશે અને આ જ આધ્યાત્મિક જીવન જીવવા માટેની શરત છે. શું આપણે આમ કરવા તૈયાર છીએ? કેટલા લોકો ઈશ્વર માટે આવો સંપૂર્ણ ત્યાગ કરવા તૈયાર છે? આપણે ઈશ્વરને સાધ્ય તરીકે નહિ પણ આપણી ઇચ્છા પૂર્ણ કરવા માટેના એક સાધન તરીકે મેળવવા માગીએ છીએ. આમ ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે ઈશ્વરની મદદની અપેક્ષા રાખીએ છીએ. આધ્યાત્મિક સાધના અંગે આપણા આવા જ ખ્યાલો છે. આવા વિચારોથી કંઈ મેળવી શકાતું નથી.

શાસ્ત્રોમાં સાધકને શરૂઆતના તબક્કામાં ઈશ્વરને પ્રાર્થના કરવાનું સૂચવેલ છે. “તમે માગો અને તે પ્રમાણે તમને જરૂર મળશે.” તો આમ કરવું શું બરાબર છે? હા. કારણ કે આમ કરવાથી શરૂઆતમાં આપણને એક આકર્ષણ રહે છે કે ઈશ્વર તરફની આતુરતાથી જોઈતો આનંદ મળી શકશે. આ એક પ્રકારની મજાક કે છેતરામણી કહી શકાય. આવી લાલચ ફક્ત ખાસ પ્રકારનું આકર્ષણ (ઈશ્વર તરફનું) ઉત્પન્ન કરે છે. જેથી આ માર્ગ તરફ આપણે ખેંચાઈએ. પરંતુ ધીમેધીમે જેમ આપણે આગળ વધતા જઈએ તેમ લાગે છે કે આ સાચું નથી. બાઈબલમાં કહ્યું છે કે શરૂઆતમાં યહુદી લોકો ઈશુખ્રિસ્તનું અનુકરણ એટલા માટે કરતા હતા કે તેમને રોમન લોકોના દબાવથી મુક્તિ જોઈતી હતી. તેથી તેઓ ઈશુખ્રિસ્તને યહુદીઓના તારણહાર તરીકે ગણતા, નહિ કે માનવતાના તારણહાર. પણ થયું શું? ખ્રિસ્તે જાહેરકર્યું કે તેઓ તો પૃથ્વી ઉપરના રાજ્યને બદલે સ્વર્ગનું રાજ્ય આપવા માગે છે. આ વસ્તુ યહુદીઓને ન ગમી. તેમાંના મોટાભાગના લોકો જુદા પડ્યા અને ઘણા ઓછા લોકો ઈશુનો બતાવેલ માર્ગ, કે જે ખરેખર આધ્યાત્મિક માર્ગ હતો, તેનું અનુસરણ કરી શક્યા તથા તેમને ઘણું સહન પણ કરવું પડ્યું. આમ આ જ હકીકત દરેક સંપ્રદાય માટે સાચી છે. જો તમે આવા માર્ગનું અનુસરણ કરવા ઇચ્છતા હોય તો બધું જ સહન કરવાની તૈયારી હોવી જોઈએ. સહન કર્યા વગર કંઈ પણ મેળવી ન શકાય.

क्षुरस्य धारा निशिता दुरत्यया दूर्गम्, पथस्तत कवयो वदन्ति ।।

“આ માર્ગ (આધ્યાત્મિક) ઉપર ચાલવું એ સાધુસંતોએ ખાંડાની ધાર ઉપર ચાલવા સમાન કહેલ છે અને તે ખરેખર ખૂબ જ કઠિન છે.” (કઠોપનિપદ ૧-૩-૧૪)

જો કોઈ વ્યક્તિને પગમાં ચીરા પડેલ હોય તો તેની પીડા તેને સહન કરવી જ પડે છે. એવો એક પણ દાખલો નથી કે જેમાં ઈશ્વરની શોધ કરનારે પુષ્કળ આંસુ સાર્યાં ન હોય ને મુશ્કેલી સહન ન કરી હોય. આ માર્ગ ગુલાબની પાંખડીઓનો નહિ પણ કાંટાનો બનેલો છે. આ માર્ગનું અનુસરણ કરવાનું કાયરનું નહિ પણ મર્દનું કામ છે. આ સંદર્ભથી સમજી શકાય છે કે આધ્યાત્મિક સાધનામાં નિષ્ઠા અને વ્યાકુળતા કેવી હોવી જોઈએ? આ માર્ગ ઉપર ચાલતી વ્યક્તિની પ્રગતિનો માપદંડ એ છે કે તે ગમે તેવાં દુ:ખો અને મુશ્કેલીઓ પડવા છતાં પણ હસતે મુખે તેને સ્વીકારે છે. આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે ચુકવવી પડતી આ કિંમત છે. શું આપણે આમ કરવા તૈયાર છીએ? ચાલો, આપણે આંતરખોજ કરીએ. આપણે બીજા લોકો વિષે વિચારવાની જરૂર નથી. આપણે માત્ર આપણી જ પ્રતિક્રિયાઓ જોવાની છે. બધી જ મુશ્કેલીઓને સહન કરવાની છે. ઈશ્વરની ભેટ માનીને તેનો હસતા મુખે સ્વીકાર કરવાનો છે. આમ કરવાની ખરેખર જરૂર છે.

આ માર્ગના શરૂઆતના તબ્બકામાં આનંદનો અનુભવ થતો નથી. તે માર્ગ ઘણો જ લાંબો છે. આવા પ્રકારની કહેવાતી વાતોથી ગભરાવાની જરૂર નથી. ધ્યેયપ્રાપ્તિ દ્વારા મળતા ઉચ્ચતમ આનંદની સરખામણીમાં દુનિયાનાં બધાં જ સુખો ફિક્કાં છે. યાત્રાનો આ અંત છે સર્વોચ્ચ આનંદમાં છે. આ સર્વોચ્ચ ભેટ છે. જેની પ્રાપ્તિમાં આપણી બધી વિંટંબણાઓ ઉકેલાઈ જાય છે.ફક્ત નિષ્ઠાવાન સાધક બનવાની જરૂર છે. આ વિચાર ભારપૂર્વક સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. આપણે આ કરી શકીશું? જો આમ કરવાની તૈયારી હોય તો પાછળ જોવાની કોઈ જરૂર નથી.“ઈશ્વરનું હું ધ્યાન કરીશ તો તે મને કેટલા પ્રમાણમાં સુખ આપશે”એવી ગણતરી નથી કરવાની. આમ કરવું તે તો બાળક જેવું વર્તન કરવા બરાબર છે જે હંમેશા એવું વિચારે કે જો તે આટલું કામ કરશે તો તેના બદલામાં તેને કેટલી મીઠાઈ મળશે? બાળકોને મીઠાઈની જ કિંમત હોય છે, તો શું આપણે બાળકો છીએ? ખરેખર આપણે આવા બાળકો જ છીએ. કારણ કે ઈશ્વરને માટે આપણી પ્રિય વસ્તુઓનો ત્યાગ કરવા આપણે તૈયાર નથી. આપણી જાતને પૂછવા જેવો આ સૌથી અગત્યનો પ્રશ્ન છે.

આધ્યાત્મિકતા માટે આતુરતા અને નિષ્ઠા વગર કંઈ જ સંભવ નથી. તમે કરેલા ત્યાગના પ્રમાણ ઉપરથી તમારી આધ્યાત્મિકતાની સમજણ કેટલી છે તે જાણી શકાય છે. આપણા માટે ઈશ્વર જ સર્વસ્વ બીજું બધું ભ્રમણા છે જેનું કંઈ મૂલ્ય નથી, માત્ર આભાસ છે. માટે જ મહાત્માઓએ આ દુનિયાને પ્રલોભનોથી ભરેલ બતાવેલ છે.

પ્રલેાભનોનો અર્થ એ થાય છે કે તે સત્યના માર્ગથી દૂર લઈ જાય છે. વ્યાકુળતાનો અર્થ એ કે એક માત્ર ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ (ઈશ્વરની અનુભૂતિ) માટે સમગ્રધ્યાન કેન્દ્રિત કરવું. માટે જ શ્રીરામકૃષ્ણદેવ હંમેશાં કહેતા, “હું માત્ર ઈશ્વર સિવાય બીજું કંઈ જાણતો નથી.”મનને માત્ર આ એક જ વિચારથી જરા પણ અળગું કરવું ન જોઈએ અને આ વિચાર જ આપણી બધી જ પ્રવૃત્તિઓ અને પ્રેરણાઓનો સ્રોત હોવો જોઈએ. આ વિચારને જીવનમાં સાંકળવાથી જ આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરવા તૈયાર થઈ શકાશે. હું શ્રી શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના કરું છું કે તેમની કૃપાથી આપણે સૌ આપણા મનને ધીમે ધીમે તૈયાર કરીએ અને અંતિમ સત્યની પ્રાપ્તિ તરફ આગળ વધીએ.

ભાષાંતરકાર : ડૉ.મુન્નીબેન કે. માંડવિયા

(‘પ્રબુદ્ધ ભારત’માંથી સાભાર )

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.