(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર પ્રતિ અનન્ય ભક્તિ અને શ્રદ્ધા હતી.એના જન્મ સમયે માતાપિતાને દિવ્યદર્શનો પ્રાપ્ત થયેલાં એની વાતો મહોલ્લાની સ્ત્રીઓએ પહેલેથી જ સાંભળી હતી. દેવદેવીના ભાવાવેશે ગદાધર સમાધિમાં ચાલ્યો જતો, એ પણ જોયું હતું. એની ઝળહળતી દેવભક્તિ, પુરાણકથા કરતી વખતની તન્મયતા, મધુરકંઠનું સંગીત, અને આત્મીય સરળ ઉદાર વ્યવહારથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતાં. આ લેખમાં ગદાધરની મધુર બાળલીલાનું અનન્ય વર્ણન છે. – સં.)

વણિક શેરીની સ્ત્રીઓની ગદાધર તરફ શ્રદ્ધા ભક્તિ

સીતાનાથના પરિવારની અને વણિકશેરીની બીજી સહુ નારીઓને એમ કરતાં કરતાં ગદાધરનું બહુ ઘેલું લાગી ગયું. એક થોડાક દિવસ બાળક આવ્યો ના હોય તો કો’કને તેડવા મોકલે. સીતાનાથના ઘરમાં કથાપાઠ કરતા કે ભજનકીર્તન કરતા બાળકને કોઈ કોઈવાર ભાવાવેશ થઈ આવતો, તે દેખીને એને માટેની આ રમણીઓની ભક્તિ વળી ઓર વધી ગઈ. અમે સાંભળ્યું છે કે એવા ભાવસમાધિકાળે એમાંની ઘણીએ બાળકને ભગવાન શ્રીગૌરાંગ અથવા તો શ્રીકૃષ્ણની જીવતીજાગતી મૂર્તિ ગણીને પૂજા કરેલી અને અભિનય કરવામાં મદદરૂપ થશે એમ વિચારીને એને માટે એક સોનાની મુરલી અને જુદાં જુદાં સ્ત્રીપુરુષ પાત્રોની વેશભૂષા પણ તૈયાર કરાવી દીધેલી.

ધર્મશીલતા, પાવન પ્રકૃતિ, તીક્ષ્ણ બુદ્ધિ અને હાજરજવાબીપણું તથા પ્રેમપૂર્ણ સરળ નિર્દોષ વ્યવહાર વડે ગદાધરે મહોલ્લાના નારીગણ ઉપર એ કાળે કેવો તો અધિકાર જમાવેલો તેનું વર્ણન અમને એમાંની કોઈ કોઈને મોઢે સાંભળવાનો લાભ ક્યારેક ક્યારેક મળેલો છે. ઈ.સ. ૧૮૯૩ના વૈશાખની શરૂઆતમાં શ્રીરામકૃષ્ણાનંદ સ્વામીની સાથે અમે કેટલાક જણા કામારપુકુર ગયેલા ત્યારે સીતાનાથ પાઈનની દીકરી રુક્મિણીને મળવાનો લાભ મળેલો. ત્યારે તેમની ઉંમર આશરે સાઠેક વરસની હશે. ગદાધરના ઉપર કહેલા પ્રભાવને વિશે એમણે જે વાત કરેલી તેને એમના પોતાના શબ્દોમાં ટાંકવાથી વાચકને એનો પૂરો ખ્યાલ આવવા પામશે. એમણે કહેલું કે:

ગદાધર સંબંધે શ્રીમતી રુક્મિણીએ કરેલી વાત

‘અમારું ઘર અહિંયાંથી જરાક ઉત્તરમાં—જુઓ, પણે દેખાય. આજકાલ તો એ ઘર આવી ભાંગીતૂટી હાલતમાં છે, કુટુંબ પણ એક જોતાં નહિ જેવું રહ્યું છે. પણ હું જ્યારે સત્તર અઢાર વરસની હતી ત્યારે એ ઘર શ્રીમંતની હવેલી જેવું દેખાતું હતું. મારા બાપુજીનું નામ સીતાનાથ પાઈન. મોટાકાકાની ને નાનાકાકાની બધી મળીને અમે સત્તર અઢાર બહેનો હતી, અને ઉંમરમાં એકબીજાથી બે-પાંચ વરસે નાની મોટી હોઈશું. પણ બધીયે જુવાનીના ઉંબરે આવીને ઊભેલી. ગદાધર બચપણથી જ અમારી ભેળો રમતો-કૂદતો એટલે અમને એકબીજા ઉપર બહુ ભાવ હતો.

અમે મોટી-જોટી થઈ આવી તો પણ તે અમારે ઘેર આવતો અને એ રીતે મોટા થઈ ગયા પછી પણ ઘરના અંદરના ભાગમાં આવજા કરતો. બાપુજી એના પર બહુ હેત રાખતા, પોતાના ઈષ્ટની જેમ દેખતા અને શ્રદ્ધા ભક્તિ કરતા. પડોશના કોઈ કોઈ એમને કહેતા કે ‘તમારા ઘરમાં આટલી જુવાન દીકરીઓ છે અને ગદાધર પણ મોટો થઈ ગયો છે. હવે એને ઘરની અંદરની બાજુએ શું કામ જવા દો છો?’ એના જવાબમાં બાપુજી કહેતા, ‘એની તમે સહેજે ફિકર ના કરો, ગદાધરને હું સારી રીતે ઓળખું છું.’ એટલે એથી આગળ કાંઈ કહેવાની જિગર એમની ચાલતી નહિ.

ઘરની અંદરની તરફ આવીને ગદાધર અમને કેટલી બધી પુરાણકથાઓ કહેતો. કેટલાં તો ફારસ કાઢતો! લગભગ રોજ અમે એ સાંભળતાં જઈએ ને હસતાં હસતાં ઘરનું કામ કરતાં જઈએ. જ્યારે તે અમારી વચમાં હોય ત્યારે કેવા તો આનંદમાં વખત પસાર થઈ જતો તેની વાત આ એક મોઢાથી હું શી રીતે કહું? કો’ક દિવસે તે ના આવે તો તે દહાડે એ ક્યાંક માંદો-સાજો તો નથી થયોને એવા વિચારથી અમારા મનમાં એવો તો અજંપો થયા કરતો. તે દિવસે પછી અમારામાંની એકાદ પાણી ભરવાને કે બીજા કોઈ કામને બહાને ગોરાણીમા (ચંદ્રાદેવી)ને મળીને એના ખબર કાઢી ના લાવે ત્યાં લગી અમારામાંથી કોઈને ચેન પડતું નહિ. એની એકેએક વાત અમને અમૃત સમી લાગતી, તેથી જે દિવસે તે અમારે ઘેર ના આવ્યો હોય ત્યારે એની ને એની વાત કરીને અમે દિવસ કાઢતાં.’

ગામના પુરુષોનો ગદાધર પ્રત્યે અનુરાગ

કેવળ સ્ત્રીઓની સંગાથે આ રીતે હળીભળીને જ ગદાધર અટકી નહોતો ગયેલો. એની બહુમુખી પ્રતિભા અને સહુની સાથેના પ્રેમપૂર્ણ વ્યવહારને લીધે ગામનાં આબાલ-વૃદ્ધ-વનિતા તમામની જોડે એ ભળી ગયેલો. રોજ સંધ્યાકાળે ગામના વૃદ્ધો ને જુવાનો ભેગા થઈને જે જે ઠેકાણે ભાગવત વગેરે પુરાણો વાંચીને કે પછી ભજન-કીર્તન કરીને આનંદ કરતા, તે બધાં સ્થાનોમાં તેની અવરજવર રહેતી. બધાંમાંથી જે દહાડે જે ઠેકાણે બાળક પહોંચ્યો હોય ત્યાં તે દિવસે આનંદનાં મોજાં ઉછળતાં. કારણ કે એની માફક પુરાણકથાનું વાચન કે ધર્મતત્ત્વની ભક્તિપૂર્ણ આલોચના કરવામાં ગામમાં એનો જોટો નહોતો.

કીર્તનવેળાની એના જેવી ભાવની ઉન્મત્તતા, એની જેમ ભજનની કડીઓને નવા નવા ભાવપૂર્ણ ઊથલા દેવાની શક્તિ અને એના જેવો મધુર કંઠ અને રમણીય નૃત્ય બીજા કોઈનામાં જોવા મળતાં નહિ. એટલું જ નહિ પણ રંગતરમૂજની મહેફિલમાં પણ વિદૂષીવેડા કરવામાં, સ્ત્રીપુરુષોના તમામ હાવભાવોની નકલ ઉતારવામાં ને પ્રસંગને અનુરૂપ નિતનવાં ટુચકા ને ગાયનો જોડીને સહુનાં દિલ બહેલાવવામાં પણ એની બરાબરી કોઈ કરી શકતું નહિ. આ બધાંને લીધે શું જુવાન કે શું ઘરડા બધાં ય તેના ઉપર બહુ વહાલ રાખતા અને રોજ સાંજે તેના આવવાની રાહ જોઈને બેસતા. બાળક પણ તેથી એક દિવસ એક ઠેકાણે તો બીજા દિવસે બીજે ઠેકાણે ફરતો રહીને સહુની સંગાથે સરખે ભાવે ભળી જઈને એમના આનંદમાં ઓર વધારો કરતો.

વળી આટલીક ઉંમરે પણ એનામાં મોટી ઉંમરના માણસ જેવી ઠરેલ બુદ્ધિ હોવાથી ઘણા પોતપોતાની સાંસારિક સમસ્યાઓના ઉકેલ માટે એની સલાહ પૂછતા. ધાર્મિક વ્યક્તિઓ એના પવિત્ર સ્વભાવથી આકર્ષાઈને અને ભગવદ્‌ નામે ને કીર્તને એને ભાવસમાધિ થતી જોઈને એનાં સલાહસૂચનો સ્વીકારીને પોતાના ગંતવ્ય માર્ગે આગળ વધતા. (એમ સાંભળવા મળે છે કે શ્રીનિવાસ ચૂડગર શાંખારી વગેરે કેટલાક યુવકો ત્યારથી ગદાધરની દેવતાબુદ્ધિથી પૂજા કરતા.)

કેવળ પાખંડી અને ધુતારાઓ એને દેખીને દાઝતા કારણ કે ગદાધરની તીક્ષ્ણ બુદ્ધિ એમનો ઉપરનો મોહક અંચળો ભેદીને અંદર છુપાયેલી મેલી મુરાદો પકડી પાડતી અને સત્યનિષ્ઠ, સ્પષ્ટવક્તા બાળક બધાંની સામે એને ઢોલ પીટીને છતી કરતો ને એમનાં મોઢાં કાળાં કરતો. એટલું જ નહિ, પણ ગમ્મતી ગદાધર ઘણીવાર બીજાઓની હાજરીમાં એમનાં દંભી આચરણોની નકલ કરીને ઠઠ્ઠા પણ ઉડાવતો ફરતો. એને લીધે એ લોકો મનમાં ને મનમાં ક્રોધથી સળગી જતા પણ બધાંને પ્રિય અને નીડર બાળકને કશું ય કરી શકતા નહિ. એટલે ગદાધરના પંજામાંથી જાત છોડાવવા માટે એમને ઘણીવાર શરણાગતિનો આશરો લેવો પડતો કેમ કે શરણે આવેલા ઉપર બાળકની અપાર કરુણા કાયમ વરસતી.

અર્થકરી વિદ્યા પ્રાપ્ત કરવા પરત્વે ગદાધરની ઉદાસીનતાનું કારણ

અમે કહી ગયા તેમ ગદાધરે હજી સુધી રોજ દિવસમાં ગમે ત્યારે એક વાર નિશાળે જવાનું ચાલુ રાખેલું. ભાઈબંધો ઉપરનો એનો પ્રેમ જ એમ કરવાનું ખરું કારણ હતું. હકીકતમાં તો ચૌદમું વરસ બેઠું ત્યારથી જ બાળકનાં ભક્તિ ભાવુકતા એટલાં બધાં વધી ગયેલાં કે નિશાળમાં અપાતું અર્થપ્રાપ્તિને કાજે ઉપયોગી બનનારું શિક્ષણ પોતાને માટે સાવ જ નકામું છે એવી ખાતરી એને થવા માંડેલી, ત્યારથી જ એને અંતરમાં અનુભવ થઈ રહેલો કે એનું પોતાનું જીવન કાંઈક બીજા જ કાર્ય માટે સર્જાયેલું છે અને ધર્મસાક્ષાત્કાર કરવામાં એણે પોતાની બધી જ શક્તિ લગાડી દેવી પડશે.

એ વિશેનું અસ્પષ્ટ ચિત્ર એના માનસપટ ઉપર ઘણીવાર ઉપસી આવતું, પણ હજી એ છાયાનાં અંગોપાંગો પૂરેપૂરાં વિકસિત થયેલાં ના હોવાથી તે એને બધે વખતે એક સરખો પકડવા-સમજવા સમર્થ થતો નહિ. તે છતાં, એ પોતાનું જીવન ભવિષ્યમાં કેવી રીતે ગાળશે એવી વાત મનનાં જ્યારે પણ ઊઠતી, ત્યારે એની વિચારશીલ બુદ્ધિ તરત જ ઈશ્વર ઉપર એકાંતિક નિર્ભરતાની દિશા ચીંધી દઈને એના કલ્પનાપટ ઉપર ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન અને નિઃસંગે વિચરણની છબી ઉજ્જ્વળ રંગે આલેખી દેતી.

પણ બીજી જ ક્ષણે એનું પ્રેમપૂર્ણ હૃદય એને માતા અને ભાઈઓની સાંસારિક અવસ્થાની વાત યાદ કરાવી દઈને એને એ માર્ગે જવાના અભિલાષને ત્યાગી દેવા અને પોતાના પિતાની માફક પ્રભુ ઉપર દૃઢ ભરોસો રાખીને સંસારમાં રહી એમને બને તેટલી સહાય કરવા ઉત્તેજતું. આમ બુદ્ધિ અને હૃદય એને અલગ અલગ માર્ગ ચીંધતા એટલે પછી ‘રઘુવીર કરે તે ખરું’ એમ વિચારીને તે ઈશ્વરના આદેશની પ્રતીક્ષા કરતો રહેતો. કેમ કે એનું પ્રેમસભર હૃદય એકમાત્ર એમને જ પોતીકાં ગણીને પહેલેથી જ એમનો આધાર ધરતું આવેલું. તેથી યોગ્ય સમયે એ પોતે જ આ પ્રશ્નનું સમાધાન કરી દેશે એમ વિચારીને તે ઘણીવાર પોતાના મનને શાંત કરતો. આવા બુદ્ધિ અને હૃદયના દ્વંદ્વસ્થળે એના વિશુદ્ધ હૃદયની જ અંતે જીત થતી અને એની પ્રેરણાથી જ એ હવે બધાં કામ કર્યે જતો.

કામારપુકુરમાં ગદાધર

Total Views: 448

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.