(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં)

પ્ર: સ્વામીજી, જીવનમાં માનસિક સમસ્યા એટલી હદ સુધી વધી જાય છે કે ઘણી દવા લીધા છતાં કોઈ ઇલાજ થઈ શકે તેમ લાગતું નથી . આત્મહત્યાના વિચાર આવે છે. તો યોગ્ય માર્ગદર્શન આપશો.

ઉ: પણ ફાયદો શું થશે? એ કોઈ વિકલ્પ નથી. આત્મહત્યા એટલે ઊલમાંથી ચૂલમાં પડવું. નાની આગમાંથી મોટી આગમાં પડવું. આપણને એવું લાગે છે કે આત્મહત્યા કરીએ એટલે બધાં દુઃખ ખતમ, પણ એવું નથી. ઊલટું દુઃખ શરૂ થશે. મર્યા પછી શરીર જાય છે પણ આત્મા મરતો નથી. પછી પ્રેતયોનિમાં જવું પડે, બહુ દુઃખ થાય. પછી જડયોનિમાં જવું પડે. આમ, ચોર્યાસી લાખ યોનિમાં જન્મ લીધા પછી ફરી મનુષ્યનો અવતાર મળે. ફરી એ જ દુઃખ, જે આજે છે તે જ. આમ, ચક્ર ચાલતું રહે. એટલે જે કંઈ સંઘર્ષ છે, તકલીફો છે, તેને બહાદુરીપૂર્વક ખતમ કરી નાખો. કર્મ, પ્રારબ્ધને ખતમ કરી નાખો, દુઃખ સહન કરી લો. એના માટે ભગવાનને પ્રાર્થના કરો કે દુઃખ સહન કરવાની તમને શક્તિ આપે. ‘રામકૃષ્ણ જ્યોત’નો ગયા વર્ષે દીપોત્સવી અંક પ્રકાશિત થયો હતો, ‘તણાવમુક્તિ વિશેષાંક’, તેમાં ઘણા ઉપાયો આપ્યા છે. ઉપરાંત રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક છે ‘આધુનિક માનવ શાંતિની શોધમાં’. તેમાંથી પણ તમારા ઘણા પ્રશ્નોના ઉત્તર મળશે.

પ્ર: ઘણી વખત એવું થાય છે કે કોઈ સાથે નથી અને હતાશ થઈ જવાય છે.

ઉ: કોઈ દિવસ આવા નકારાત્મક વિચારો ન કરવા. ‘જિસકા કોઈ નહિ ઉસકા તો ખુદા હોતા હૈ.’ કોઈ નથી એમ ન વિચારો, ભગવાન હંમેશાં તમારી સાથે છે. હતાશ ન થવું.

પ્ર: જ્યારે કોઈ વ્યક્તિ ઉપર આપણે ખૂબ જ વિશ્વાસ કરીએ અને એ વ્યક્તિ આપણો વિશ્વાસ તોડે, ત્યારે શું કરવું જોઈએ?

ઉ: આ તકલીફનું એક કારણ છે “EGO”- અહંકાર, અને બીજું છે ‘Attachment”- આસક્તિ. Attachment હોય ત્યાં માલિકીનો ભાવ આવે, પછી આવે ઈર્ષ્યા અને પછી Depression –હતાશા આવે. કોઈ પણ સંબંધમાં આગળ વધતા પહેલાં વિચાર કરવો જોઈએ. બીજું, આવું થાય તો સમજવાનું કે ભગવાને આપણા માટે કોઈ બીજું સુંદર પાત્ર Reserved – અનામત રાખ્યું છે.

પ્ર: તેને ભૂલવા છતાં ન ભૂલી શકાય તો શું કરવું જોઈએ?

ઉ: Keep yourself engaged. સકારાત્મક વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે બીજું કશું વિચારવાનો સમય જ ન મળે. સારું વાચન, ધ્યાન, પ્રાર્થના કે કોઈ Creative- સર્જનાત્મક કાર્ય કરવામાં કે સેવા કરવામાં આવે તો ધીરે ધીરે તકલીફ ક્યારે ભુલાઈ જશે તેની ખબર પણ નહિ પડે. પૂર્વ તરફ જશો તો પશ્ચિમ પાછળ છૂટી જશે. ભગવાનને પ્રાર્થના કરો કે સહન કરવાની શક્તિ આપે.

પ્ર: જ્યારે એમ લાગે કે જિંદગી સાવ ખતમ થઈ ગઈ છે, ત્યારે શું કરવું?

ઉ: અરે! જિંદગી ખતમ નથી થઈ, હજી તો શરૂઆત છે. સ્વામી વિવેકાનંદના જીવનમાં કેટલા સંઘર્ષો આવ્યા હતા, તેના પ્રમાણમાં આપણા જીવનમાં તો કંઈ નથી. સંઘર્ષ તો આવશે જ. ‘Greater the struggle, greater the person who comes out of it.’ સંઘર્ષ જેટલો મહાન હશે તેટલા જ તમે મહાન બનશો. તમને જ્યારે એવું લાગે કે બધું ખતમ થઈ ગયું છે, ત્યારે યાદ રાખજો કે ભગવાન તમને મહાન બનાવવા માગે છે. સંઘર્ષનો બહાદુરીપૂર્વક મુકાબલો કરો. સ્વામીજી અને વાંદરાની વાત આપણે જાણીએ છીએ. શરૂઆતમાં સ્વામીજી વાંદરાથી ડરી ગયા, પછી એક સાધુના કહેવાથી વાંદરાનો બહાદુરીપૂર્વક સામનો કરતાં વાંદરા ભાગી ગયા. “Face the brutes, face the difficulties.”

પ્ર: જ્યારે જાણીતી કે અજાણી વ્યક્તિ સામે આપણી વાતની રજૂઆત ન કરી શકતા હોઈએ તો બધા સાથે involve કઈ રીતે થઈ શકાય?

ઉ: સરળ ઉપાય છે. જ્યારે તમે સામેથી ન બોલી શકતા હો, ત્યારે પત્ર દ્વારા વાત કહી શકાય.

પ્ર: સંન્યાસી બનવું જોઈએ કે સંસારી રહેવું જોઈએ?

ઉ: સંન્યાસી અને ગૃહસ્થ બંને સમાન રીતે મહાન છે. સ્વામીજીએ તેમના ‘કર્મયોગ’ નામના પુસ્તકમાં કહ્યું છે. એક વાર્તા છે. રાજાને પ્રશ્ન થયો કે સંન્યાસી મહાન કે ગૃહસ્થ..? પછી પુરવાર કર્યું કે બંને સમાન રીતે મહાન છે.

પરંતુ સંન્યાસી-જીવન કરતાં મહાન અને કઠિન જીવન બીજું કોઈ નથી. બધા સંન્યાસી ન બની શકે. અને તેની જરૂર પણ નથી. પ્રબુદ્ધ નાગરિક બનો. હા, સંન્યાસી કે સંન્યાસિની બનવા ઇચ્છતી વ્યક્તિની રામકૃષ્ણ મિશન અને શારદા મઠને ખૂબ જરૂર છે. પરંતુ તેઓના જીવનનો ઉદ્દેશ્ય “આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ” હોવો જોઈએ. જગતની સેવા કરતાં કરતાં આત્માના મોક્ષની પ્રાપ્તિ કરવી, તેવો હોવો જોઈએ. વધુ વિગતો માટે તમે આશ્રમનો સંપર્ક કરો.

પ્ર: ઘણીવાર નાની નાની વાતમાં ટેન્શન થાય છે, ત્યારે શું કરવું જોઈએ?

ઉ: ન લેવું. હોતા હૈ, હો જાયેગા. હકારાત્મક વિચારો કરવા. યે ભી નહીં રહેગા.

પ્ર: કોઈ પણ એક નિર્ણય લેવો હોય તો બહુ વિચાર કરવો પડે છે. તો તેનો ઉપાય શું?

ઉ: ‘વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય.’ વિચાર કરવો એ તો બહુ સારી વાત છે.

પ્ર: દુનિયા વિશ્વાસ પર ટકેલી છે પરંતુ તેમાં કોઈ વફાદાર નથી રહેતું. શું આપણે પણ અવિશ્વાસુ બની જવું કે સહન કરવું?

ઉ: બંગાળીમાં એક કહેવત છે. ‘કોઈ જોઈને શીખે, કોઈ પડીને શીખે, વળી કોઈ જોઈને પણ ન શીખે અને પડીને પણ ન શીખે.’ કોઈ વિશ્વાસઘાત કરે તો સહન કરી લઈ આપણે શીખવું જોઈએ કે કોના પર વિશ્વાસ કરી શકાય. આપણે અવિશ્વાસુ બની જવું એ કોઈ ઉપાય નથી.

પ્ર: જ્યારે વ્યક્તિ જીવનમાં લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ જાય અને એકલો પડી જાય ત્યારે તેને સ્વામી વિવેકાનંદના કયા શક્તિશાળી વિચારને યાદ કરવો જોઈએ?

ઉ: એક “શક્તિદાયી વિચાર” નામની નાની પુસ્તિકા છે. એમાંથી એકાદ વિચાર તમને લાગુ પડી જશે. રોજ એક વાક્ય-વિચાર વાંચવાનું રાખો. ક્યારે કયું વાક્ય તમને લાગુ પડી જાય તે કહી શકાય નહિ. બધા સુંદર વિચારો એમાં છે. સ્વામીજીના ઉપદેશોમાંથી ચૂંટી કાઢેલા વિચારો તેમાં આપેલા છે.

પ્ર: આપણે ટેન્શન ન લેવું હોય તો પણ આવે છે. એવું કેમ?

ઉ: તમારો વાંક નથી. આ જમાનો જ ટેન્શનનો છે. તેનાં ઘણાં કારણો છે. છતાં બધા જ ટેન્શનની એક રામબાણ દવા છે સકારાત્મકતા. સકારાત્મક વિચારો અને સતત કાર્યરત રહેવાથી તેનાથી મુક્ત થઈ શકાય. જો આપણા જીવનમાં સકારાત્મકતા આવી જાય તો ગમે તેવા તણાવમાંથી આપણે બહાર નીકળી શકીશું. સકારાત્મકતા બહુ જરૂરી છે. ગાંધીજી કહેતા કે, ‘પ્રાર્થના મારા મનનો ખોરાક છે.’ અત્યારે કોઈને સમય નથી એટલે પ્રાર્થના નથી કરતા માટે મનને ખોરાક નથી મળતો. તેથી મન દુર્બળ બની ગયું છે. આમ, નાની નાની વાતમાં તણાવ અને આત્મહત્યાના વિચારો આવે છે. તેના માટે સરળ ઉપાય છે—દરરોજ સવારે અને સાંજે એક એક મિનિટ ધ્યાન, એક એક મિનિટ પ્રાર્થના અને પાંચ પાંચ મિનિટ શક્તિશાળી વિચારોવાળા પુસ્તકોનું વાચન.

પ્ર: Stressના કારણે વાંચીએ તે યાદ રહેતું નથી.

ઉ: પહેલાં Stress શાના કારણે છે તે નક્કી કરો અને તે પ્રમાણે તેનો ઉપાય શોધો.

પ્ર: ચંચળ મનને એકાગ્ર કેમ કરવું?

ઉ: આ એક મોટો અને અગત્યનો પ્રશ્ન છે. એક પુસ્તક છે ‘એકાગ્રતા અને ધ્યાન’. તેમાં મનને એકાગ્ર કેવી રીતે કરી શકાય, તેનાથી શા ફાયદો થાય વગેરે માહિતી વિસ્તારપૂર્વક આપેલી છે. તમારા પ્રશ્નનો ઉત્તર તમને આ પુસ્તકમાંથી મળી જશે.

(પ્રિય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય ‘My Question’ રાખવાનો રહેશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા અપાયેલ પ્રશ્નોનો ઉકેલ અહીં છાપવામાં આવશે.)

Total Views: 1,232

2 Comments

  1. નેહલ ત્રિવેદી November 5, 2022 at 7:51 am - Reply

    સ્વામીજી
    સાદર પ્રણામ 🙏🌷🌺
    પ્રશ્નોતરી ખુબ જ રસપ્રદ અને સહાયકારક છે
    સ્વામીજી ,
    મારો પ્રશ્ન છે. રોજબરોજનાં તાણભર્યા સામાન્ય ગુહસ્થ જીવનમાં ભક્તિમાર્ગ કેવી રીતે અનુસરી શકાય ? એના માટે અમારા જેવા સામાન્ય લોકોએ શું કરવું જરૂરી છે.? તે બાબત માર્ગદર્શન આપવા વિનંતી છે
    ॐ नमो भगवते वासुदेवाय ।🙏🙏

  2. Sharmilaben R Limbasiya November 3, 2022 at 1:32 am - Reply

    excellent

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.