(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં)

પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું પણ કંઈ યાદ રહેતું નથી. એના માટે શું કરવું?

ઉ: એના માટે ઉપાય છે, નીચે આપેલાં ‘સફળતાપૂર્વક ભણવા માટેનાં સૂચનો’—

૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્ય-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે.’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ધા જાગૃત થશે.

૨. કર્મનો સિદ્ધાંત કહે છે: ‘જેવાં કર્મ તેવાં ફળ’ આજનું પ્રારબ્ધ પુરુષાર્થ પર અવલંબે છે. ‘તમે જ પોતાના ભાગ્યવિધાતા છો.’ આ વાત યાદ રાખી કઠોર પરિશ્રમ પુરુષાર્થમાં લાગી જવું જોઈએ.

૩. ‘मा फलेषु कदाचन’— ફળ વિશેની ચિંતા છોડી દઈ કર્મમાં (ભણવામાં) મન પરોવવું જોઈએ. આથી ટેન્શન ચાલ્યું જશે. ‘Do your best and leave the rest’ અનાસક્તિપૂર્વક ભણવાથી ભણવાનું કાર્ય પૂજા બની જશે—કર્મયોગ બની જશે. પરીક્ષામાં તો સારી સફળતા મળશે જ. દિવ્યતાને અભિવ્યક્ત કરવાનો—ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ પણ મોકળો થશે.

૪. એકાગ્રતાપૂર્વક ભણવાથી ઓછા સમયમાં વધુ અને સારી રીતે ભણાશે. એકાગ્રતા કેળવવા માટેના કેટલાક ઉપાયો:

ક. મનને ચંચળ કરે તેવી વસ્તુઓથી દૂર રહેવું—ટી.વી., ફિલ્મ, સસ્તાં મેગેઝીનો, નવલકથા, કુસંગતો વગેરે.

ખ. મનની શુદ્ધિ વધે તેવી વસ્તુઓ-તેવો ખોરાક લેવો જોઈએ. આંખ, કાન, નાક, મુખ વગેરેનો સદ્‌ઉપયોગ કરવો જોઈએ.

ગ. દરરોજ નિયમિત પ્રાર્થના કરવી અને થોડા વખત માટે ધ્યાન કરવું. સવારના પહોરમાં ઊઠીને તરત જ અને રાતે સૂતી વખતે પ્રાર્થના-ધ્યાન કરવાથી ઘણો ફાયદો થશે.

ઘ. દરરોજ ઓછામાં ઓછું ૧૫ મિનિટ માટે સદ્‌ગ્રંથોનું વાચન કરવું.

પ. માપસર (નહિ વધુ, નહિ ઓછો) ખોરાક લેવો. માપસર નીંદર કરવી.

૬. નિયમિત જીવન જીવવાથી મન પર નિયંત્રણ સરળ બનશે. એક નિશ્ચિત દિનચર્યા બનાવી તેનું પાલન કરવાથી ઘણો ફાયદો થશે. ‘ભણતી વખતે ભણવું અને રમતી વખતે રમવું’ આ સરળ નિયમ અત્યંત મહત્ત્વનો છે.

૭. ભણતી વખતે પેપર અને પેન હાથમાં હોવાં જોઈએ. દરેક પાઠનો સારાંશ પોતાની ભાષામાં સંક્ષેપમાં લખ્યા બાદ જ પછીના પાઠમાં-પ્રશ્નમાં આગળ વધવું જોઈએ.

૮. જો કોઈ વિષય કઠિન લાગતો હોય તો સાથી-મિત્રોની મદદ લઈ શકાય. મિત્રની સાથે બેસીને ભણવાનો પ્રયોગ પણ કરી શકાય.

૯. દરેક વિષયને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રાથમિક બાબતો જો સારી રીતે સમજાઈ જશે તો પરીક્ષા વખતે વિષય ભુલાઈ જવાનો ડર નહિ રહે.

૧૦. ગ્રાફ, ચાર્ટ વગેરે બનાવી દીવાલમાં ટાંગી રાખવાથી અને અવારનવાર તે તરફ જોવાથી કેટલાક વિષયોની મૂળભૂત વાતો માનસપટલ પર અંકિત થઈ જશે.    

આનો અમલ કરશો તો ચોક્કસ તમને બધું યાદ રહેશે.

પ્ર: મને ખબર હોય કે આ કામ ખોટું છે છતાં થઈ જાય છે અને પછી પસ્તાવો થાય છે.

ઉ: બહુ સારી વાત છે કે ખોટું કામ કર્યાં પછી પસ્તાવો થાય છે. પણ પછી ફરીથી એવું કામ ન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ખાલી પસ્તાવાથી કશું ન વળે. ગઈગુજરી ભૂલી, ભવિષ્યની ચિંતા ન કરતાં વર્તમાનમાં જીવવું એ જ જીવન જીવવાની કળા છે.

પ્ર: મારામાં આત્મવિશ્વાસ ખૂબ જ ઓછો છે, તો શું કરવું?

ઉ: જ્યારે જ્યારે આત્મવિશ્વાસમાં અભાવ આવે ત્યારે યાદ રાખવું અને મનમાં કહેવું કે ‘મારી અંદર આત્માની અનંત શક્તિ છે, મારામાં પૂરતો આત્મવિશ્વાસ છે.’ આ વારંવાર યાદ રાખવાથી આત્મવિશ્વાસ આવશે. અને રોજ સવારે નિયમિત ઊઠીને ધ્યાન કરવાથી તેમાં વધારો થતો રહેશે.

બીજું છે, જેમ હનુમાન ચાલીસા છે, તેમ તમારી પોતાની ચાલીસા બનાવો. એમાં તમારા ચાલીસ ગુણો લખો. મને આ આવડે, મને તે આવડે, મારા જીવનમાં આ સારું છે, પેલું સારું છે વગેરે. રોજ રાત્રે એ ગાવાનું. ‘નથી-નથી’ની રેકર્ડ વગાડવાથી આત્મવિશ્વાસ જતો રહે. ‘છે-છે’ની રેકર્ડ વગાડવાથી વધે.

Total Views: 1,063

5 Comments

 1. Punambhai Patel December 16, 2022 at 7:23 am - Reply

  Useful for youths

 2. Shakti Kishorbhai Gohel December 14, 2022 at 11:53 am - Reply

  🙏😇

 3. Er. Bhupendra Sonigra December 9, 2022 at 4:59 am - Reply

  ખુબજ સુંદર, વિદ્યાર્થી ને ઉપયોગી લેખ.

 4. MAULIKKUMAR December 9, 2022 at 4:49 am - Reply

  ખૂબ જ સુંદર રીતે વાત સમજાવી

 5. Mayur katariya December 8, 2022 at 12:01 pm - Reply

  નિષ્ફળતા નો સામનો કેવી રીતે કરવો?

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.