(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ દ્વારા આખ્યાયિત આ પ્રવચનને લિપિબદ્ધ કર્યું છે શ્રી નલિનભાઈ મહેતાએ. નોંધનીય છે કે ડૉ. વસંત પરીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સર્વપ્રથમ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા આપ્યાં હતાં. -સં)

મહામાનવ યુગનાયક સ્વામી વિવેકાનંદ અનેક મહાપુરુષો અને વ્યક્તિઓના હંમેશાં પ્રેરણાસ્રોત રહ્યા છે, પછી તે દેશ-વિદેશના તત્ત્વજ્ઞાની હોય, સંત હોય, સમાજસુધારક હોય, કોઈ સાહિત્યકાર હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય. તેઓએ હંમેશાં પોતાનાં કાર્યો અને વિચારોથી ઘણાંને પ્રેરિત કર્યાં છે. આવા જ એક વક્તા, લેખક, ડૉક્ટર અને સમાજસુધારક જેવી બહુમુખી પ્રતિભા ધરાવનાર ગુજરાતી સાહિત્યકાર છે ડૉ. વસંત પરીખ.

૧૪મી ફેબ્રુઆરી, ૧૯૨૯, વસંત પંચમીના શુભ દિવસે ઉત્તરપ્રદેશના અલીગઢ ગામે જન્મેલા અને જેમનું મૂળ વતન વડનગર છે, તેવા શ્રી વસંતભાઈ પરીખે એક વર્ષના હતા ત્યારે પિતાજીની અને દોઢ વર્ષના હતા ત્યારે માતુશ્રીની છત્રછાયા ગુમાવી દીધી. કાકાઓએ પાંચેય ભાઈ-બહેનોને દત્તક લીધાં. કાકા વૃજલાલ પરીખે વસંતભાઈને દત્તક લીધા અને તેઓ મુંબઈ ગયા. તેમને બાળપણથી જ સ્વામીજીનાં પુસ્તકોનું વાંચન કરતાં કરતાં આત્મનિર્ભરતા અને સેવાના ભાવનું ઉદ્દીપન થયું. આર્થિક સ્થિતિ સારી નહોતી પરંતુ ‘હું કોઈના પર બોજારૂપ નહિ બનું’ તેવા નિર્ધાર સાથે ફૂટપાથ પર પેન્સિલ-રબ્બર વેચીને તેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. સ્વામીજીનાં પુસ્તકોના પ્રભાવ હેઠળ પ્રથમ સંન્યાસી બનવાનું વિચાર્યું. પરંતુ કાકાની જવાબદારી, સમાજસેવાની તીવ્ર ઇચ્છા અને કાકાએ તેમની સગાઈ કરી હોવાથી અંતે સંન્યાસી થવાનો વિચાર પડતો મૂક્યો, પરંતુ આજીવન બ્રહ્મચારી રહી સેવાકાર્ય કરવાનો નિશ્ચય કર્યો.

ભાવિ પત્ની રત્નપ્રભાને બ્રહ્મચારી રહેવાનો સંકલ્પ પત્ર દ્વારા જણાવ્યો. આર્યકન્યા રત્નપ્રભાએ પણ અડગ નિશ્ચયભર્યો જવાબ આપ્યો, ‘તમારી પ્રત્યેક ભાવનાનું હું સંપૂર્ણ માન રાખીશ, પણ લગ્ન તો હું તમારી સાથે જ કરીશ, નહિ તો કુંવારી જ રહીશ.’ અહીં આપણને શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીના જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે.

ડૉક્ટર થયા પછી વસંતભાઈ લીંબડીના આરોગ્ય-કેન્દ્રમાં સેવારત થયા. શ્રીમતી રત્નપ્રભા બહેને નર્સિંગની તાલીમ લીધા પછી તેઓ પણ આ સેવાયજ્ઞમાં જોડાયાં. વખત જતાં રત્નપ્રભા બહેને નિ:શુલ્ક પ્રસૂતિગૃહ શરૂ કર્યું. ૧૯૫૩માં વિનોબાજીના ભૂદાન આંદોલનમાં જોડાવા માટે તે હોસ્પિટલ અન્યને સોંપી દીધી. તે દરમિયાન સેવાનાં ભેખધારી આ દંપતીએ બહેનની સ્મૃતિમાં હોસ્પિટલ શરૂ કરી અને અન્ય સેવાકાર્યો પણ શરૂ કર્યાં. તેઓ જરૂર પૂરતા જ પૈસા લેતાં અને બાકી બધું સેવાકાર્યમાં વાપરતાં.

લોકપ્રિય થવાથી વસંતભાઈ વિધાનસભાની ચૂંટણીમાં જીતી ગયા અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા મેદાને પડ્યા. વિધાનસભ્ય તરીકે મળતો પગાર પણ તેઓ નહોતા લેતા. આમ, એક આદર્શ લોકસેવક બની રહ્યા. સેવાકાર્ય માટે પોતે કરેલા ખર્ચ અને સમયનો પૂરો હિસાબ તેઓ જનતા સમક્ષ બોર્ડ પર લખી જાહેર કરતા.

દુષ્કાળપીડિત બનાસકાંઠા પર “અભિશાપિત બનાસકાંઠા” નામનું પુસ્તક લખ્યું અને તેના વેચાણ થકી મળેલા ૧૭ લાખ રૂપિયા રાહતકાર્યમાં વાપર્યા. બનાસકાંઠાના પાણીના પ્રશ્ન વિશે ‘ધરોઈ ડેમ’ નામનું પુસ્તક લખ્યું અને તેના કાયમી ઉકેલ માટે ગાંધીનગરથી ૧૬૮ કિ.મી.ની પદયાત્રા કરી. શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે મુલાકાત કરી. અંતે ધરોઈ ડેમ (ધ-ધરતી, રોઈ-રડી ઊઠી) બનાવવાની મંજૂરી મળી. અને આમ, ઉત્તર ગુજરાતમાં ઉંઝા-બનાસકાંઠાના પાણીનો પ્રશ્ન હલ કર્યો. આમ, તેમણે સેવા કેવી રીતે કરી શકાય તેનો આદર્શ સ્થાપિત કર્યો.

એક વાર પ્રસૂતિગૃહમાં એક મહિલા પુત્રીને જન્મ આપી મૃત્યુ પામી. સગાં-વહાલાંએ બાળકીનું પાલન-પોષણ કરવાની અશક્તિ દેખાડી. તેથી આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાની ભીષ્મપ્રતિજ્ઞા લેનાર દંપતીએ આ બાળકીને દત્તક લીધી. ૬ વર્ષની ઉંમરે બાળકીએ વિનોબાજીને પત્ર લખી જેલમાં રહેલા તેમના પિતાને છોડાવવાની વિનંતી કરી. (૧૯૭૫ની કટોકટીમાં સરકારનો વિરોધ કરવાને કારણે વસંતભાઈને જેલવાસ થયો હતો.) વિનોબાજીએ આ પત્ર તેમના માસિકપત્ર “ભૂમિપુત્ર”માં છાપ્યો, અંતે વસંતભાઈને છોડી મૂકવામાં આવ્યા.

નેત્રયજ્ઞ વસંતભાઈનો જીવનયજ્ઞ બની ગયો હતો. આંખનાં અને અન્ય કુલ દોઢ લાખ જેટલાં ઓપરેશનો તેમણે નિ:શુલ્ક કર્યાં હતાં. તેઓ ૧૭-૧૮ કલાક સેવાકાર્ય કરતાં. બિહારમાં પણ તેમણે વીસ હજાર જેટલાં આંખનાં નિ:શુલ્ક ઓપરેશનો કર્યાં.

આ આદર્શ દંપતીનું જીવન અત્યંત સાદગીપૂર્ણ રીતે પવિત્રતાપૂર્વક સેવાકાર્યમાં વીતતું ગયું. નિવૃત્તિ બાદ પણ સેવાકાર્ય ન છોડતાં તેઓએ ‘કરુણાસેતુ ટ્રસ્ટ’ની સ્થાપના કરી અને માત્ર ગરીબ દર્દીઓની જ નહીં પરંતુ પૈસાના અભાવથી પીડાતા દરેક લોકોની સારવાર કરી.

વસંતભાઈને વાંચનમાં ખૂબ રુચિ હતી. સવારે વહેલા ઊઠી સેવાકાર્યના વ્યસ્ત સમય વચ્ચે પણ તેઓ પ્રાર્થના-પૂજા કરી પોતાનો વાંચન અને લેખનનો શોખ પૂરો કરતા રહ્યા. તેમણે ૪૨ જેટલાં પુસ્તકો લખ્યાં, જેની કુલ ૧૪ લાખ પ્રતો વેચાઈ ગઈ. તેમાંથી થયેલી ૩ લાખ રૂપિયાની આવકને સેવા સંબંધિત કાર્યોમાં ખર્ચ કરી. તેમનાં પુસ્તકો સેવા અને ઉચ્ચ જીવનમૂલ્યો સંબંધિત વિષય પર આધારિત રહેતાં. તેમણે ૧૬૦૦થી વધુ પ્રવચનો પણ આપ્યાં હતાં.

સ્વામી વિવેકાનંદનાં પ્રવચનો પર આધારિત પુસ્તક “કળીથી ફૂલ”નું સંકલન પણ તેમણે કર્યું. તેમનાં દત્તક લીધેલાં પુત્રી આશાબહેન એક કુશળ ચિત્રકાર છે. તેઓ પણ ચિત્રના વેચાણથી થતી આવકને દાનમાં આપી દે છે. તેઓ કહે છે:

“પિતાજીની લાઇબ્રેરીમાં સ્વામીજીનાં પુસ્તકો રહેતાં. તેઓ તે વાંચતા અને અમને સહુને વંચાવતા. આજે પણ મારી લાઇબ્રેરીમાં મેં સ્વામીજીનાં તે પુસ્તકો સાચવી રાખેલાં છે. પિતાજી અમને સ્વામીજીનો કોઈ પ્રસંગ સંભળાવે ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેવા માંડતાં. વાંચતાં વાંચતાં તેઓ ‘મેરા નરેન્દ્ર, મેરા નરેન્દ્ર’ કહી ભાવાવેશમાં આવી જતા. તેમનું સંન્યાસી બનવાનું સ્વપ્ન સાકાર ન થયું, પરંતુ તેમનું જીવન સંન્યાસી જેવું જ હતું. સ્વામીજીના ‘શિવજ્ઞાને જીવસેવા’ના મંત્રને તેમણે આત્મસાત્‌ કર્યો હતો. તેઓ કોઈ દર્દીને નામથી ન બોલાવતાં, ‘નારાયણ’ કહી સંબોધતા. સ્વામીજીએ કહ્યું હતું: ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવ, તો તમે સાંભળ્યું છે, હવે નવો મંત્ર કહું છું ‘દરિદ્રદેવો ભવ, રોગીદેવો ભવ’. આ મંત્રને પિતાજી શબ્દશ: અનુસર્યા.’

એક વખત અમેરિકાથી તેમના મિત્રે એક જેકેટ મોકલ્યું ત્યારે તેઓ બોલી ઊઠ્યા હતા, ‘શિકાગોમાં મારા નરેન્દ્રને (સ્વામીજીને) આ જેકેટ મળ્યું હોત તો તેને શિકાગોમાં આખી રાત એક લાકડાના ખોખામાં, કાતિલ ઠંડીમાં વિતાવવી પડી ન હોત.’

કેટલી આત્મીયતા…!!!

વસંતભાઈએ એક વિલ તૈયાર કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું:

‘એક દિવસ આ દેહની ઉપર સફેદ ચાદર હશે, હોસ્પિટલની કોઈ પથારી પર. આ દેહનો કોઈ સંસ્કાર કરવાની આવશ્યકતા નથી. જીવનભર આ દેહથી સેવાકાર્ય થયું છે. મારી ઇચ્છા છે કે મારા મૃત્યુ પછી પણ આ દેહ સેવાકાર્ય કરતો રહે. જો મને બાળવાની ઇચ્છા હોય તો મારા દુર્ગુણોને બાળજો; મારી દુર્બળતા, મર્યાદાઓ અને પૂર્વગ્રહોને દફનાવજો. મારી સ્મૃતિમાં કંઈ કરવા માગતા હો તો રડશો નહીં, પરંતુ બીજાનાં આંસુઓને લૂછજો, દુ:ખીને દિલાસો આપજો. આ જ મારા પ્રતિ આપની સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે.’

અંતે તેમના દેહનું દાન કરવામાં આવ્યું અને એ નશ્વર દેહને મેડિકલ કોલેજને સોંપવામાં આવ્યો.

૧૫મી માર્ચ, ૨૦૦૭માં તેમણે દેહત્યાગ કર્યો. તે પહેલાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી રત્નપ્રભા બહેને પણ દેહ છોડી દીધો હતો.

સ્વામીજીનાં પુસ્તકો વાંચવાથી શું થાય તે જાણવું હોય તો બાળપણથી જ સ્વામીજીથી પ્રેરિત થયેલા ડૉ. વસંતભાઈ પરીખનું જીવન જોવું જોઈએ. શું ન થઈ શકે?

(ક્રમશઃ)

Total Views: 1,409

7 Comments

  1. Sharmisthaben Patel February 15, 2023 at 4:40 pm - Reply

    My father Ishwarlal Gandhi (Patel) always said me about Dr vasantbhai’s principle s about seva through politics when I was councillor in Ahmedabad.. A true saint dr Vasantbhai Parikh.🌺🌺🌺🌺🌺

  2. Kajallodhia January 20, 2023 at 10:16 am - Reply

    ખરેખર…. મુઠી ઉંચેરા માનવી… સ્વામીજી થોડો વધુ વખત આ પૃથ્વી ઉપર રહ્યા હોત તો ભારત ભૂમિ સ્વર્ગ બની રહી હોત..

  3. Kamlesh Nakrani January 16, 2023 at 9:49 am - Reply

    ધન્ય છે ધન્ય છે , આ ભારત ભૂમીના મુઠ્ઠી ઉંચેરા દંપતીને
    વાહ! કેટલું સરળ, સાદું અને ત્યાગમય જીવન

  4. Sunny January 16, 2023 at 4:50 am - Reply

    🙏🕉️

  5. Amit Kunadia January 14, 2023 at 4:05 am - Reply

    Revered Swami Nikhileshwaranandji,

    Heart felt pranam for this article on such a great life of service, devotion and renunciation. Every word of the entire article is rife with power to motivate and uplift. The devotion Vasantbhai had for Swamiji coupled with his spirit of service to the poor and the needy has set a shining example to follow. His wife, herself a great soul and a helper in his spiritual aspirations and ideals, fills the heart with awe and reverence. She makes an ideal example of a truly spiritual companion.

    Thanks a lot Swamiji for this and for the more to come..

  6. Dr Kaushik k lumbhani January 13, 2023 at 3:29 am - Reply

    Great man,great follower of vivekanand ji

  7. Dr.k.k.lumbhani January 13, 2023 at 3:28 am - Reply

    Great man and great follower of vivekanand ji
    dr.k.k.lumbhani

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.