જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા દિવસ” રૂપે સમગ્ર ભારતમાં ઉજવાય છે અને ૧૪ જાન્યુઆરીએ બંગાળી કેલેન્ડર અનુસાર સ્વામીજીની જન્મતિથિ છે. ૨૬ જાન્યુઆરીએ છે પ્રજાસત્તાક દિવસ. આ ઉપલક્ષે આપણે જોઈએ કે મહાત્મા ગાંધી દ્વારા અનુપ્રાણિત આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વામીજીના વિચારો સાથે સામંજસ્ય કેટલું હતું.

પરિવ્રાજકના રૂપમાં ભારત-ભ્રમણ કરીને સ્વામી વિવેકાનંદે જોયું હતું કે ઋષિમુનિઓની આ પવિત્ર ભૂમિમાં આજે આત્મશ્રદ્ધાનો અભાવ થઈ પડ્યો છે. માટે જ એક પછી એક આક્રમણકારીઓ ભારતનું શોષણ કરી શક્યા હતા. જો આપણે ફરીથી મહાન રાષ્ટ્રોની હરોળમાં ગર્વપૂર્વક પ્રથમ સ્થાન ગ્રહણ કરવું હોય તો ઉપનિષદ-અર્પિત આ મહામંત્રનો જયઘોષ કરવો રહ્યોઃ

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
(कठोपनिषद्, अध्याय १, वल्ली ३, मंत्र १४)

તેઓ કહે છેઃ “અત્યારે આપણા દેશમાં જેની જરૂર છે તે એટલાં બધાં રોદણાં રોવાની નથી, પણ થોડાક બળની. હું જ વિશ્વની વ્યક્તિત્વરહિત સત્તા છું એવા જ્ઞાનપૂર્વક જ્યારે માણસ બધા વહેમોને ફગાવી દઈને પોતાના પગ પર ઊભો રહે ત્યારે, વિચાર કરો કે, આ વ્યક્તિત્વરહિત ઈશ્વરમાં સામર્થ્યનો કેવડો મોટો ભંડાર ભર્યો હશે? મને ડરાવી શકે એવું શું છે? હું પ્રકૃતિના નિયમોની સુદ્ધાં પરવા કરતો નથી; મૃત્યુ મારે માટે મશ્કરી સમાન છે.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ. ૪, પૃ. ૩૧)

“એક વાર માણસ પોતાની જાતને તિરસ્કારવા લાગ્યો એટલે તેની પડતીના તમામ દરવાજા ખુલ્લા થયા એમ માનવું. આ વસ્તુ રાષ્ટ્ર માટે પણ એટલી જ સાચી છે. આત્મનિંદા ન કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે. આગળ વધવા ઇચ્છનારમાં પ્રથમ આત્મવિશ્વાસ હોવો જોઈએ અને બીજું ઈશ્વર ઉપર શ્રદ્ધા જોઈએ. જેને પોતાનામાં શ્રદ્ધા નથી તેને ઈશ્વરમાં શ્રદ્ધા શી રીતે હોઈ શકે?”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ. ૧, પૃ. ૬૯)

સ્વામીજીની આત્મશ્રદ્ધા વિશે એક ખૂબ પ્રભાવક પ્રસંગ છે. અંગ્રેજ અમલદારો ભારતીયોની સાથે તોછડાઈપૂર્ણ વર્તન કરતા. આપણે પણ એમનાથી ડરીને રહેતા, કારણ કે એમના હાથમાં જ કાયદો, કાનૂન, સૈન્ય અને શસ્ત્રબળ હતાં. જો તેઓ આપણી ઉપર ગુસ્સે થાય તો સહેલાઈથી પોલીસમાં ફરિયાદ નોંધાવીને આપણને જેલમાં મોકલી શકતા. પણ સ્વામીજી તો આવી રીતે ડરીને રહેવાના ન હતા.

એક દિવસ તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. સાથે હતા એક બંગાળી સજ્જન. એ વખતે એક ગોરા ટિકિટચેકરે આવીને એ બંગાળી સજ્જનને ઊતરી જવા કહ્યું. પણ એ સજ્જન પોતે પણ એક રેલ-કર્મચારી હતા, એટલે એના કહેવા ઉપર કશું ધ્યાન દીધું નહિ. ઊલટાનું ગોરા સાથે ચડભડ કરવા માંડી. એટલે સ્વામીજીએ એને રોકવાની કોશિશ કરી ત્યારે ગોરાએ વધારે ચિડાઈ જઈને તોછડા શબ્દોમાં કહ્યું, “તુમ કાહે બાત કરત હો?” સામાન્ય સંન્યાસી સમજીને એક ધમકીથી ચૂપ કરી દેવાના આશયથી જ ગોરાએ હિન્દીનો આશરો લીધેલો.

સ્વામીજી અંગ્રેજીમાં ગરજી ઊઠ્યા, “તુમ તુમ કોને કરો છો? ઉચ્ચ શ્રેણીના મુસાફર સાથે કેવી રીતે વાત કરાય એટલું પણ નથી જાણતા? ‘આપ’ બોલી નથી શકતા?” ત્યારે ટિકિટચેકરને બીજો કોઈ ઉપાય ન દેખાવાથી તેણે કહ્યું, “ભૂલ થઈ ગઈ છે, મને હિન્દી ભાષા બરાબર નથી આવડતી; હું તો ખાલી આ માણસને (ફેલોને) -”

એ વાત પૂરી કરે એ પહેલાં જ સ્વામીજીએ એને ખખડાવી મૂક્યો, “તમે હમણાં કહ્યું કે હિન્દી બરાબર નથી આવડતી. હવે જોઉં છું કે, તમે તમારી પોતાની ભાષા પણ નથી જાણતા. ‘આ માણસ’ એટલે કોણ? ‘સદ્‌ગૃહસ્થ’ કહી નથી શકતા? તમારું નામ અને નંબર આપો; હું ઉપરવાળાઓને જણાવીશ.”

આટલી વારમાં ચારે બાજુએ ભીડ ભેગી થઈ ગયેલી, અને ગોરો ત્યાંથી સરકી જવા પામે તો જ બચે. સ્વામીજી તોયે બોલ્યે જતા હતા, “આ છેલ્લી વાર કહું છું, કાં તો તમારો નંબર આપો, અને નહિ તો ભલે લોકો જોતા કે તમારા જેવો બાયલો માણસ દુનિયામાં નથી.” ત્યારે ગોરાને માન-અપમાન વિશે વિચારવાનો એટલો વખત નહોતો. ડોકું નીચું કરીને એ ત્યાંથી સરકી જ ગયો.

ગોરો જતો રહ્યો તે પછી સ્વામીજીએ કહ્યું, “યુરોપિયનો સાથે વહેવાર કરતાં આપણને શેની જરૂર છે તે જુઓ છો ને? આવું આત્મ-સન્માનનું ભાન. આપણે કોણ છીએ, કઈ કોટિના માણસ છીએ તે સમજ્યા વિના જ વર્તન કરવાથી લોકો આપણી ગરદન પર ચઢી બેસવા માગે છે. બીજાઓની સામે પોતાનું માન જાળવવું જોઈએ. એમ ન થવાથી જ એ લોકો આપણને તું – તાં અને અપમાનિત કરે—આ તો દુરાચારને આશરો આપ્યો કહેવાય. શિક્ષણ અને સભ્યતાની બાબતમાં હિન્દુઓ દુનિયાની કોઈપણ જાતિથી ઊતરતા નથી, પણ એ લોકો પોતાને હીન સમજે છે તેથી જ એક સાધારણ વિદેશી સુધ્ધાં આપણને લાતો ને લાફા મારે છે અને આપણે લોકો ચૂપચાપ બધું ગળી જઈએ છીએ.”

(યુગનાયક સ્વામી વિવેકાનંદ, ભાગ. ૧, પૃ. ૪૩૧)

સ્વામીજીનો આ ઉપદેશ જ હતો ભારતમાં નવચેતનાનો સૂર્યોદય. અને આ જ ઉપદેશે આપણા સ્વાતંત્ર્ય-સંગ્રામને સંવર્ધિત અને પરિપોષિત કર્યો હતો. ઇતિહાસમાં જેટલા સ્વાતંત્ર્ય-સંગ્રામો વિષે વાંચીએ છીએ એ બધા હિંસા અને ક્રૂરતાના આધારે લડાયા હતા. પણ મહાત્મા ગાંધીએ આપણા સ્વતંત્રતા સંગ્રામનો પાયો નાખ્યો હતો હજારો વર્ષ સંચિત આધ્યાત્મિક વારસા પર. કવિ પ્રદીપ કહે છે:

दे दी हमें आज़ादी बिना खड़ग बिना ढाल
साबरमती के संत तूने कर दिया कमाल

ક્યારેક આપણને પ્રશ્ન થઈ શકે કે શું ગાંધીજીનો સત્યાગ્રહ સ્વામીજીના વીરતાભર્યા સંદેશનો વિરોધી તો ન હતોને? ઉત્તર છે, સ્પષ્ટ ના. કારણ કે જો આપણે ગાંધીજીનાં જીવનપ્રસંગો અને લખાણોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીશું તો જણાશે કે સ્વામીજી ઉપદેશિત વીરતા અને આત્મશ્રદ્ધા સત્યાગ્રહના નિર્ણાયક ઘટકો છે. જેનામાં આત્મશ્રદ્ધા નથી એ વ્યક્તિ સત્યાગ્રહનું પાલન ન કરી શકે. ગાંધીજી લખે છેઃ

“સત્યાગ્રહ એટલે કાયદાનો સવિનય ભંગ કરવો—એટલું જ જે જાણે છે, તેણે સત્યાગ્રહ જાણ્યો જ નથી, કાયદાનો સવિનય ભંગ આવી જાય છે એવી સત્યાગ્રહની સખ્ત કલમો છે ખરી, પણ જેણે કાયદા પાળી જાણ્યા છે, તે જ ભાંગવાની કળા જાણે છે. જે બહુ સાંધી જાણે, તે જ તોડવાનો હક્કદાર થઈ શકે. ‘સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને’ એમ કવિએ ગાયું છે એ અનુભવથી ગવાયેલું છે.” (પૃ. 5)

“ક્ષમા એ વીરતાનો ગુણ છે. જેનામાં વેર વાળવાની શક્તિ છે, તે પ્રેમ કરી જાણે; જેનામાં વિષયો ભોગવવાની શક્તિ છે, તે વિષયોને રોકી બ્રહ્મચારી ગણાય. ઉંદર બિલાડીને ક્ષમા આપી જ ન શકે. હિન્દુસ્થાનમાં લડવાની તાકાત હોય છતાં ન લડે એ જ આત્મબળની નિશાની કહેવાય.” (પૃ. 26)

“બાયલા બની દેશનો કે નિર્બળનો બચાવ જ ન કરવો એ સદા સર્વ પ્રકારે ત્યાજ્ય છે. નિરપરાધી સ્ત્રીની ઉપર અત્યાચાર કરનાર પુરુષને આપણે પોતાનું બલિદાન આપી અત્યંત પ્રેમબળ વડે વશ કરીએ, અગર તેમ કરવાની આપણી શક્તિ ન હોય, તો આપણે હોય તેટલું શરીરબળ ખપાવી અત્યાચારીને અત્યાચાર કરતા અવશ્ય રોકીએ.” (પૃ. 32)

અહીં ગાંધીજી એક ઘટના વર્ણવે છેઃ

“સને ૧૯૦૮માં એક પઠાણે મારી ઉપર પ્રાણઘાતક હુમલો કર્યો હતો. તે વેળા મારો મોટો પુત્ર મારી સાથે નહોતો. તેનામાં શરીરબળ ઠીક હતું. જે વિચારો મારા આજે [એટલે સને ૧૯૨૦માં] છે, તે વિચારો તે વેળા પણ હોવાથી મેં તે પઠાણ ઉપર કામ ન ચલાવ્યું. મારા છોકરાઓને પણ હું ક્ષમાના–પ્રેમબળના વિચારો શીખવી રહ્યો હતો, તેથી મારા પુત્રે મને પહેલી મુલાકાતે જ નીચે પ્રમાણે કહ્યું;

‘જ્યારે તમારી ઉપર હુમલો થયો તે વખતે હું તમારી પાસે હોત, તો મારી શી ફરજ હતી તે સમજવા માગું છું. તમે શીખવ્યું છે કે કોઈ આપણને મારે, તો તેને સામું ન મારવું, તેમ તેની ઇચ્છાને વશ પણ ન થવું. આ કાયદો હું સમજું છું, પણ મારામાં તે પ્રમાણે વર્તવાની શક્તિ નથી. તમને મરતા હું ન જોઈ શકું. તમારી ઉપર હુમલો થાય, ત્યારે તમારો બચાવ કરવાની મારી ફરજ સમજું, પણ કેવળ મરીને તમારો બચાવ ન કરી શકું. તેથી કાં તો મારે તમને મારનારને મારીને બચાવ કરવો રહ્યો, અથવા તો મારે તમારી ઉપર માર પડે તે જોયા કરવો અથવા ભાગી જવું.’

મેં તેને જવાબ આપ્યોઃ ‘તું ભાગી જાય અથવા મારો બચાવ ન કરે એ તો નામર્દાઈની નિશાની છે. જો તારાથી તારી જિંદગીને કેવળ જોખમમાં નાખીને મારો બચાવ ન થઈ શકે, તો તારે જરૂર મારનારની સાથે લડીને બચાવ કરવો જોઈએ. નામર્દાઈ કરતાં તો પશુબળ વાપરવું વધારે સારું છે.’” (પૃ. 26)

“આ વિચારમાં હું અત્યારે પણ માનું છું, બીકને લીધે હિંદુસ્થાન શસ્ત્ર ન ઉગામે તેના કરતાં શસ્ત્રધારી બની પોતાની જાતને રહેલું જોખમ વહોરે એ જરૂરનું છે.” (પૃ. 26)

(ગાંધીજીના બધા જ સંદર્ભ નગીનદાસ અમુલખરાય, મુંબઈ, દ્વારા પ્રકાશિત ‘ગાંધી-શિક્ષણ’ પુસ્તકમાંથી સાભાર સ્વીકૃત છે.)

Total Views: 1,134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.