(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં પ્રસ્તુત છે. -સં.)

10. મિસ મેક્લાઉડ

૧૬, બોઝપાડા લેન,
બાગબજાર, કલકત્તા
બુધવાર- ફેબ્રુ. ૧૫, ૧૮૯૯
સરસ્વતી-પૂજા પછીનો દિવસ

મારી પ્યારી યમ,

સોમવારે મારું ‘કાલી’ (કાલી-મા) ઉપરનું પ્રવચન યોજાઈ ગયું. આલ્બર્ટ હોલ ખીચોખીચ ભરેલો હતો. આપણા જાણીતા વયોવૃદ્ધ ડૉક્ટર (મહેન્દ્રલાલ) સરકાર મારી અને ‘કાલી’ વિરુદ્ધ આક્રોશપૂર્વક બોલ્યા, પણ કમનસીબે શ્રીરામકૃષ્ણદેવના એક ઝનૂની શિષ્ય ઊભા થઈ ગયા અને ખૂબ ઉત્તેજનાપૂર્વક બીજા અપશબ્દોની સાથે તેમની સામે ‘વૃદ્ધ શયતાન’ કહીને બૂમો પાડવા લાગ્યા. જો કે, હવે હું એ વિશે વિચારું છું, ત્યારે મને હસવું આવે છે. મારા પ્રવચનથી સ્વામીજી ખુશ હતા.

કાલીઘાટના લોકોએ મને કાલીઘાટ ખાતે ‘કાલીપૂજા’ વિશે બોલવાનું કહ્યું છે, તેથી સ્વામીજી ખૂબ ખુશ છે. મારું પ્રવચન એ પોતાને અનન્ય અને અનોખા માનનાર બ્રાહ્મસમાજીઓ પર ખૂબ મોટો પ્રહાર હશે, તેવું સ્વામીજી માને છે.

ગઈ કાલે સવારે મિ. પાદશાહની પુત્રીની સાથે હું વૃદ્ધ દેવેન્દ્રનાથ ટાગોર (રવીન્દ્રનાથ ટાગોરના પિતાશ્રી) ના આશીર્વાદ લેવા ગઈ હતી. સ્વામીજીએ આ જાણ્યું, ત્યારે તેઓ ખૂબ રાજી થયા. મેં દેવેન્દ્રનાથજીને આ બાબતે જણાવ્યું અને સ્વામીજીએ તેમના પ્રણામ પાઠવ્યા છે તેમ કહ્યું, ત્યારે તેઓ ખૂબ આનંદિત થઈ ગયા. ભૂતકાળમાં નૌકાવિહાર કરતી વખતે યુવાન નરેન્દ્રનાથ (સ્વામીજી) તેમને અનાયાસ મળી ગયા હતા. તે પ્રસંગને યાદ કરીને તેમણે જણાવ્યું કે સ્વામીજી એક વખત તેમને મળવા આવે, તેવું તેઓ હૃદયપૂર્વક ઇચ્છે છે.

આ વાત ગઈ કાલે મેં સ્વામીજીને કહી, જે તેમને ખૂબ સ્પર્શી ગઈ. તેમણે કહ્યું, “ચોક્કસ, હું જઈશ. એક દિવસ નક્કી કરીને આપણે બંને સાથે જઈશું.”

યુવાન નરેન્દ્રનાથે એક વખત નૌકાવિહાર દરમિયાન દેવેન્દ્રનાથ ટાગોરની નૌકામાં સવાર થઈ જિજ્ઞાસાપૂર્વક એમને અદ્વૈતવાદ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. શાંતિથી આ પ્રશ્નો સાંભળીને દેવેન્દ્રનાથે આખરે કહેલ, “ઈશ્વરે મને તો ફક્ત દ્વૈતવાદ જ બતાવ્યો છે.” ત્યારબાદ સ્વામીજીને પ્રેમથી થાબડીને તેમણે કહેલ—તેમની (સ્વામીજીની) આંખો યોગી જેવી છે, અને તેમને ખૂબ સ્નેહ કર્યો.

આવતા રવિવારે સવારે જવા માટે મેં સ્વામીજીને કહેલ છે અને જો અમે ત્યાં જઈશું, તો આ મુલાકાતની વિગત હું સારા બુલ (સ્વામીજીનાં અમેરિકન શિષ્યા) ને જણાવીશ. તેઓ ખૂબ રાજી થશે, તે હું જાણું છું.

11. મિસ મેક્લાઉડ

૧૬, બોઝપાડા લેન,
બાગબજાર, કલકત્તા,
સોમવાર, ફેબ્રુ. ૨૦, ૧૮૯૯

મારી પોતાની જોય,

ગઈકાલે રવિવારે સવારે હું રાજાની સાથે ટાગોરના ઘરે ગઈ હતી. તમારા કોઈ સમાચાર નથી. તેથી સ્વામીજી બેચેન છે. સમગ્ર ટાગોર કુટુંબની સમક્ષ સ્વામીજીએ રામમોહન રોય વિશે પોતાનો મત કહી સંભળાવ્યો.

વહાલી યમ, (જોસેફાઈન મેક્લાઉડનું હુલામણું નામ) તમે કહો છો કે,“સમગ્ર હિંદુ જાતિમાંથી માંડ એક કે બે હિંદુઓ વખાણવા લાયક હશે!” પરંતુ આ જાતિએ કેવી કેવી શાનદાર વ્યક્તિઓને જન્મ આપ્યો છે! મારી સમક્ષ હાલમાં જ ત્રણ દેવતુલ્ય માણસો છે—સ્વરૂપાનંદ (સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય), મિ. પાદશાહ અને મિ. બોઝ (પ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્રી જગદીશચંદ્ર બોઝ).

એક સાંજે મેં એક શિકાર કરનાર ગૃપ સાથે જોડાવાની મૂર્ખતાપૂર્ણ અને છોકરમતથી ભરેલી વાત કરી અને તે પણ આવી વાત મારી પાસેથી સાંભળીને સ્વામીજીને આઘાત લાગશે; તે જાણવા છતાં! આ સાંભળી અચાનક મારી તરફ ફરી તીવ્ર ગુસ્સાપૂર્વક તેમણે કહ્યું, “તું આટલી ક્રૂર કેમ છે? સુંદર ડાહી ડાહી વાતો વાંચી તેને હૃદયમાં, વર્તનમાં ન ઉતારો તો વાંચવાનો અર્થ શું છે?” આમ કહીને તેઓ ધૂમ્રપાન કરવા વરંડામાં ચાલ્યા ગયા. અચાનક જાણે મારાં ચક્ષુ સમક્ષના પડદા ખસી ગયા, હું જોઈ શકી કે તેઓ સાચા હતા. આ મનુષ્યની (સ્વામીજીની) પ્રગાઢ ખાનદાની પ્રગટ થતી જોઈ, મને લાગ્યું કે હું ક્રૂર બની તે સારું જ થયું! અને આ સંવેદના લાંબા સમય સુધી મને ઝંકૃત કરતી રહી! તેને વ્યક્ત કરવા મારી પાસે શબ્દો અપૂરતા છે. મને લાગે છે કે, આ સમગ્ર ઘટના અને મારી સંવેદના વર્ણવવા હું અક્ષમ છું, પણ હું જાણું છું યમ કે તમે તેને બરાબર સમજી શકશો. આ સમગ્ર ઘટના પછી મારો પ્રથમ વિચાર એ જ હતો કે, “આ ઘટનાક્રમ જાણે—યમ માટે જ છે!”

ગઈકાલે સાંજે ઘેર આવીને રાજાએ શ્રીરામકૃષ્ણ વિશે વાતો કરી. ટાગોર કુટુંબ સાથે ‘પ્રતીકવાદ’ વિશે વાતો કરવા માટેનો પાયો મારા ‘કાલી’ ઉપરના પ્રવચને નાખ્યો એવું લાગ્યું, કારણ કે બધી જ ચર્ચા આ વિષય પર જ થઈ! શ્રીમાન મોહિની એ ચર્ચા સમયે હાજર હતા. સ્વામીજીએ કહ્યું, “બિચારા મોહિની! તેમણે પ્રતીકવાદના ઇતિહાસનો ક્યારેય અભ્યાસ કર્યો નથી. આથી, પ્રાકૃતિક પ્રતીકો અપૂરતાં છે, એવું તેઓ સમજતા નથી. તમે જાણો છો, મારું શિક્ષણ થોડું વિચિત્ર (અસામાન્ય) હતું. હું શ્રીરામકૃષ્ણદેવ પાસે જતો હતો, તેમને ખૂબ ચાહતો હતો, પરંતુ તેમના વિચારો સાથે હું સંમત નહોતો થઈ શકતો. એટલે જ પૂરાં છ વર્ષ સુધી અમારી વચ્ચે સંઘર્ષ ચાલ્યો. હું કહેતો, ‘તમે મારી પાસે જે કરાવવા માગો છો, તેની મને જરાયે દરકાર નથી; અને તેઓ કહેતા, ‘કંઈ વાંધો નહીં, હું જેમ કરું, તેમ કર અને તને ચોક્કસ પરિણામો મળશે.’ અને આ સઘળાં વર્ષો દરમ્યાન મને તેમણે જે પ્રેમ આપ્યો છે! એવો પ્રેમ કે જે મારાં માતા-પિતા કે બીજા કોઈએ મને આપ્યો નથી. એ પ્રેમની સાથે ગહન આદર-ભાવ ભળેલો હતો. મારા માટે એમને એક પ્રકારનો પૂજ્યભાવ હતો. મારી ધારણા છે કે, તેઓ વિચારતા હશે કે ‘આ છોકરો આગળ જતાં ખૂબ મહાન અને પ્રખ્યાત બનશે.’ તેઓ ક્યારેય મને પોતાની સેવા કરવા દેતા નહીં. તેમની મહાસમાધિ સુધી મને પોતાની વ્યક્તિગત સેવા કરવા દીધી નથી. તેમને પંખો કરવાની પણ મને મનાઈ કરતા, આવાં તો કેટલાંય કામો મને ક્યારેય કરવા દેતા નહીં.”

પડોશમાં એક નાની બાળાનું મૃત્યુ થયું. તેની માના મસ્તકને મારા ઘૂંટણ પર રાખી મેં કહ્યું, “આપણું બાળક જગન્માતા પાસે છે, તે કાલી-મા પાસે છે.” આથી તેને ખૂબ શાતા થઈ. અને મેં મારી તૂટી-ફૂટી બંગલા ભાષામાં તેની સાથે વાતો કરી. અમારી વચ્ચે આદર્શો-સંસ્કૃતિની કોઈ દીવાલ નહોતી. ત્યાર પછી મેં કાલી-મા અને શ્રીરામકૃષ્ણદેવનાં ભજનો કલાક ઉપરાંત ગાયાં.

બાળાના કુટુંબને અદ્‌ભુત શાંતિ પ્રાપ્ત થઈ. બીજે દિવસે મેં સ્વામીજીને બધી વાત કહી અને જ્યારે મેં કહ્યું કે, શ્રીરામકૃષ્ણદેવનું નામ તેમના માટે કાલી-માના નામ કરતાં પણ વધુ અસરકારક હતું, ત્યારે સ્વામીજી બોલ્યા, “શ્રીરામકૃષ્ણદેવ આ જગતને પ્રેમ શીખવવા આવ્યા હતા. તેઓ એકમાત્ર એવી વ્યક્તિ હતા કે જેમણે જે કહ્યું તે વ્યવહારમાં ઉતાર્યું. ખાસ કરીને દરેકની સાથે (તે વ્યક્તિની) તેમની પોતાની જ ભાષામાં, તેમના જ ભાવને અનુરૂપ વાત કરવી જોઈએ, તેવું તેઓ કહેતા અને કરતા.”

હાલની તકે આટલું જ-આવજો.

લી.
માર્ગોટ

13. શ્રીમતી ઓલી બુલ

૧૬, બોઝપાડા લેન,
બાગબજાર, કલકત્તા.
ફેબ્રુ. ૨૩, ૧૮૯૯

મારી પ્રિય લેડી સારા,

અત્યારે રાત્રે ૧૦.૨૦ મિનિટ થઈ છે, પરંતુ આવતીકાલે ટપાલીને આવવાનો દિવસ હોવાથી મોડી રાત થઈ ગઈ હોવા છતાં સ્વામીજીની દેવેન્દ્રનાથ ટાગોર સાથેની મુલાકાતનો અહેવાલ આપવાનું મેં તમને વચન આપેલ; એટલે લખવા બેઠી છું. (ટપાલી રોજ નહોતો આવતો, માટે નિવેદિતા મોડી રાત્રે પત્ર લખે છે.)

રવિવારની સવારે તેમની ગાડી અમને લેવા આવી અને અમે ૮:૦૦ વાગ્યા પહેલાં જ ત્યાં પહોંચી ગયાં. દેવેન્દ્રનાથ ટાગોર હવે પાર્ક સ્ટ્રીટમાં રહેતા નથી. તેઓ હવે તેમના કૌટુંબિક મકાનમાં રહે છે, એમ વિચારીને કે જ્યાં જન્મ્યા ત્યાં જ મૃત્યુ પામવું સારું. આ મકાનના સૂર્યપ્રકાશથી આલોકિત અગાશી સામેના એક ઓરડામાં તેઓ રહે છે.

અમે પહોંચ્યાં ત્યાં જ તેમના કુટુંબના એક-બે સભ્યો અમને ઉપરના મજલા પર લઈ ગયા. સ્વામીજીએ આગળ વધીને તેમને પ્રણામ કર્યા. મેં પણ પ્રણામ કરી, બે સુંદર ગુલાબનાં ફૂલ તેમને અર્પણ કર્યાં. તે વૃદ્ધ સજ્જને પહેલાં મને આશીર્વાદ આપ્યા અને પછી બેસવાનું કહ્યું. સ્વામીજીને જાણે ઠપકો આપતા હોય, તેવા સ્વરમાં દસ મિનિટ વાતો કરતા રહ્યા. તેઓ થોડું અટક્યા ત્યારે સ્વામીજીએ ખૂબ વિનમ્રતાથી તેમના આશીર્વાદ માગ્યા, જે તેમને મળ્યા. ત્યારબાદ અમે નીચે આવેલા દીવાનખંડમાં ગયાં. ધીમે ધીમે તેમના કુટુંબના પુરુષો એક પછી એક એકત્રિત થવા લાગ્યા. સ્વામીજીએ ચા લેવાની ના પાડી, પણ મારા માટે ચા આપવાનું કહ્યું. ત્યારબાદ તેમણે હુકો સ્વીકાર્યો અને ૧૦:૦૦ વાગ્યા સુધી તેમની વાતો ચાલતી રહી. શ્રીમાન મોહિની (મોહન ચેટર્જી- બ્રાહ્મસમાજી) ૯:૦૦ વાગ્યે આવ્યા હતા.

‘કાલી- એક પ્રતીક’—આ તેમના વાર્તાલાપનો વિષય હતો. શરૂઆતમાં સ્વામીજીએ રામમોહન રોયને યાદ કર્યા, જે તેમના અભિપ્રાય મુજબ આધુનિક ભારતની સૌથી મહાન વ્યક્તિ હતી. તેમજ પ્રતીકો વિશેનો પોતાનો મત સ્વામીજીએ વ્યક્ત કર્યો. ત્યારબાદ જ્યારે વામાચારની વાત નીકળી, ત્યારે એક ક્ષણ માટે તો લાગ્યું કે તેઓ ખૂબ લડાયક મિજાજમાં આવી ગયા છે, કારણ કે તેમનો વિરોધ કરવાની ક્ષમતા કોઈમાં નહોતી. આખરે તેમનો વિરોધ કરીને તેમનો રોષ સહન કરવાનું બીડું મારા વફાદાર વિશ્વાસુ સુરેન્દ્રનાથે ઝડપ્યું અને સ્વામીજીની સામે દલીલ કરી. જો કે, બધું બરાબર ચાલ્યું અને ચર્ચા જોશથી થઈ. સ્વામીજીનું વલણ અતિશય સમાધાનકારી હતું.

આગલી રાતે મેં તેમને કહેલું કે દરેક બ્રાહ્મસમાજીઓની ફરિયાદ છે કે સ્વામીને મળવા-જાણવાની તેમને તક મળતી નથી. તે સાંભળીને તેમણે કહેલું કે તેઓ (બ્રાહ્મસમાજીઓ) તેમને ગમે ત્યારે મળી શકે છે અને પછી ઉમેર્યું કે, “મને લાગે છે કે આવતીકાલે તેમની સાથે આપણી મુલાકાત થશે.”

આમ, સ્વામીજી અને તેમને સંલગ્ન લોકો વચ્ચે હું પ્રત્યક્ષ, જીવંત સાંકળ રૂપ બની રહી છું, તેનો મને અત્યંત આનંદ છે. મુલાકાત પૂરી થઈ ત્યારે ટાગોર કુટુંબ બેલુર મઠ જઈને સ્વામીજીને મળવા માટેની, તથા તે સમયે ત્યાં મિજબાનીનું આયોજન કરવાની વાત કરતું હતું. આવતીકાલે નેટોરના મહારાજ કે જેઓ સનાતન હિંદુ ધર્મના અહીંના (બંગાળના) વડા છે, તેઓ મને તથા સુરેન્દ્રનાથ ટાગોરને મળવા આવનાર છે.

મારી પ્રિય નાનીની સદાની વહાલી બાલિકા,

માર્ગોટ

Total Views: 536

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.