(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં પ્રસ્તુત છે. -સં.)

મિસ મેક્લાઉડને લિખિત પત્ર

કોલકાતા, ગુરુવારની સવાર, ૧૦-૦૪-૧૮૯૯

(આ પત્રમાં નિવેદિતા સ્વામીજીના કથળતા જતા સ્વાસ્થ્ય વિશે ચિંતા પ્રગટ કરે છે. સદાનંદ સ્વામીજીના સંન્યાસી શિષ્ય હતા. ઉલ્લેખયોગ્ય છે કે પત્રોમાં નિવેદિતા ઘણી વાર સ્વામીજીને ‘રાજા’ કહે છે.)

સદાનંદ અહીં છે અને મારી સાથે વાતો કરી રહ્યા છે. મારી જેમ એ પણ માને છે કે રાજા પોતાની બોડ (જ્યાં સ્વામીજી રહેતા હતા તે બેલુર મઠ) છોડશે નહીં. થોડા દિવસો પહેલાં જ સ્વામીજીએ આદેશ આપેલો કે તેમનું મૃત્યુ ભલે ગમે ત્યાં થાય, તેમનું શરીર અહીં (બેલુર મઠમાં) લાવવામાં આવે. તેમણે એમ પણ કહેલું કે શ્રીરામકૃષ્ણદેવે પોતાના શિષ્યો માટે ભવિષ્યવાણી કરેલી કે તેમાંના કેટલાક તો માળામાંના મણકા જેવા છે, એકના મૃત્યુથી બીજા પણ ટપોટપ જવા લાગશે; યોગાનંદજી તેમાંના પ્રથમ હતા.

વહાલી યમ, ઇચ્છું છું કે તમે અહીં મારી સાથે રહેવા આવો. પછી સ્વામીજી જો યુરોપ જવા રવાના થાય તો આપણે બંને તેમની સાથે જઈ શકીએ. પણ મને લાગે છે કે તેઓ યુરોપ જશે નહીં. હું તેમને વધારે તકલીફ આપવા માગતી નથી.

આમ જુઓ તો કંઈ જ થયું નથી, પરંતુ (સ્વામીજીનો) અંત જાણે કે આપણી સામે મીટ માંડીને જોઈ રહ્યો છે, આથી જ તમે દૂર છો એ મારા માટે અસહ્ય છે. જો કે, તમે તો જાણો છો કે જ્યાં સુધી હું અહીં છું, તમે પણ (માનસિક રીતે) મારી સાથે જ છો.

મને ખબર છે કે તમે અહીં રહેવા ઇચ્છો છો, પરંતુ જો તમારા માટે આ શક્ય ન હોય તો યાદ રાખજો કે તમે ક્યારેય ભુલાયાં નથી. ગભીર ક્ષણોમાં તેઓ મારા દેહમાં જેટલા મને જુએ છે તેટલા જ તમને પણ જોશે. તેઓ ગહન ચિંતન કર્યા વગર સતત હળવી ક્ષણોમાં જ સમય પસાર કરે, તે મારી અવિરત કોશિશ છે.

‘મને મારી કેરી મળી ગઈ છે’—એવું સ્વામીજી જ્યારે બોલે ત્યારે સમજવાનું કે તેમનો અંત નજીક છે. લોકો એવું કહે છે કે પોતાની અંતિમ ક્ષણોમાં શ્રીરામકૃષ્ણદેવે તેમને ગુપ્ત વાત કરી હતી કે, “મારા દીકરા, જો આ તારી કેરી—એ મેં મારી પાસે સાચવી રાખી છે.”

(સ્વામીજી સપ્તઋષિમાંના એક ઋષિ, નરનારાયણનો અવતાર હતા. શ્રીરામકૃષ્ણદેવે એ ભવિષ્યવાણી કરી હતી કે જ્યારે સ્વામીજીને ખરેખર ભાન થશે કે પોતે કોણ છે—ઋષિનો અવતાર—ત્યારે તેમનું શરીર રહેશે નહીં. આ વાત દ્વારા ઠાકુર શ્રીરામકૃષ્ણદેવ એમ કહેવા માગે છે કે, મારું કાર્ય કરાવવા માટે સ્વામીજીનો જન્મ થયો હતો, જે પૂર્ણ થતાં પોતે ખુદ સ્વામીજીને તેમના સાચા સ્વરૂપનું ભાન કરાવશે અર્થાત્‌ પોતાના પાસે રાખેલી સ્વામીજીની કેરી, તેઓ સ્વામીજીને પરત કરશે.) સદાનંદ પણ કહે છે કે આ પહેલાં પણ જ્યારે જ્યારે સ્વામીજી બીમાર પડ્યા છે, ત્યારે ત્યારે તેમણે કહેલ છે, “આપણે મૃત્યુ પામી શકીએ નહીં, કારણ કે આપણું જીવનકાર્ય પૂર્ણ થયું નથી.” સ્વામીજીની આવી દૃઢ ધારણા આ વખતે જોઈ શકાતી નથી.

સ્વામીજીની જન્મકુંડળી શોધવા મેં તેમના શિષ્યોને કામે લગાડ્યા છે. તેમના જણાવ્યા મુજબ હજુ આવતાં નવ વર્ષ સુધી તેઓ જીવિત રહેશે, પરંતુ તેઓ બીમાર રહેશે. હું એટલી તો સ્વાર્થી છું કે તેમને ગમે તે ભોગે આપણી વચ્ચે રાખવા ઇચ્છું છું. જે ભૂમિ પર તેમનાં ચરણો પડે છે, તે ભૂમિ ધન્ય છે!

શ્રીમતી બુલને લિખિત પત્ર

કોલકાતા, ૧૯-૦૪-૧૮૯૯

મારી મીઠડી નાની,

સ્વામીજીની તબિયત સંબંધી ચિંતા તથા યાતના આપે તેવો છેલ્લો પત્ર, જે મેં યમને લખેલો અને સદ્‌નસીબે તમે તે વાંચ્યો ન હોય, તે પરિસ્થિતિમાં હું તમને તાત્કાલિક જણાવવા માગું છું કે આવનાર સંકટ માટેનો મારો ધ્રાશકો પાયાવિહોણો હતો. સ્વામીજીની તબિયતમાં ઘણો સુધારો છે અને તેઓ ઉત્સાહથી પશ્ચિમના દેશોમાં જવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, જૂનની મધ્યમાં કે જુલાઈની શરૂઆતમાં તો તેઓ લંડન પહોંચી શકશે જ નહીં—તેથી તેમને માટે થઈને તમારી યોજનામાં વિલંબ કરશો નહિ.

(કલકત્તામાં આ સમયે પ્લેગ ફેલાઈ રહ્યો હતો, એનાં રાહતકાર્યોની શરૂઆત સ્વામીજીએ કરી હતી, પરંતુ તેમની પ્રેરણાથી નિવેદિતાએ સમગ્ર રાહતકાર્યનો ભાર પોતાનાં ઉપર લઈ લીધેલો. રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, બીજા યુવાનોની સાથે મળી નિવેદિતા પોતે ગલી-મહોલ્લાઓની સફાઈ કરતાં. ‘ધી સ્ટેટ્સમેન’ તથા ‘ઇંગ્લીશમેન’ જેવાં નામાંકિત અખબારો-સામયિકોમાં નિવેદિતાએ પ્લેગનાં કાર્ય વિશે લખેલા લેખોને કારણે ઉચ્ચ સરકારી અધિકારીઓએ આ કાર્યની સમીક્ષા કરી, તેની પ્રશસ્તિ કરી, ‘આદર્શ કાર્ય’ તેવું પ્રમાણપત્ર આપેલું, એટલું જ નહીં, સરકારી ગ્રાંટ પણ સારા એવા પ્રમાણમાં મંજૂર કરેલી. આમ, પ્લેગની મહામારી દરમ્યાન નિવેદિતાએ ખૂબ પ્રશંસાપાત્ર કાર્ય કરેલું.)

હવે, આ સઘળાં કાર્યોની વિગત કલકત્તાના વિદ્યાર્થીઓને હું ભાષણ દ્વારા આપું, તેની ગોઠવણ સ્વામીજીએ કરેલ છે અને આ કાર્યક્રમનું પ્રમુખપદ શોભાવશે, સ્વામીજી પોતે!!!

આ વિદ્યાર્થીઓને પણ ‘મૃત્યુ જ્વર’નો ચેપ લાગવો જોઈએ, તેવું સ્વામીજી કહે છે. (નિવેદિતાના કાર્યમાંથી પ્રેરણા મેળવી વિદ્યાર્થીઓ પણ આ કાર્યમાં ઝંપલાવે તેવું સ્વામીજી ઇચ્છતા હતા.) હું ખૂબ આનંદિત છું કે સ્વામીજી અધ્યક્ષપદે બિરાજશે!

Total Views: 432

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.