(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં પ્રસ્તુત છે. ઉલ્લેખ યોગ્ય છે કે પત્રોમાં નિવેદિતા ઘણીવાર સ્વામીજીને ‘રાજા’ કહે છે. -સં.)
‘લોક ના પોક’
શનિવારની સાંજ પછી રાજાને મેં જોયા નથી, પરંતુ તેમનું એક વાક્ય કે જે તેઓ વારંવાર કહેતા હોય છે, તે બાબત તો તમને હું કહેતાં ભૂલી જ ગઈ! તેઓ હંમેશાં કહે છે કે શ્રીરામકૃષ્ણદેવનું એક વાક્ય છે કે, ‘લોક ના પોક’. (લોક અર્થાત્ લોકો, પોક એટલે કીડાઓ. નિંદક લોકોના અભિપ્રાયની કીમત કીડાઓ જેટલી છે. પોતાનો અંતરાત્મા જે કહે છે તે સાંભળવું વધુ યોગ્ય છે, નહીં કે લોકો શું કહે છે તે.) સ્વામીજી જ્યારે શિકાગોમાં હતા ત્યારે તેમને એક દર્શન થયેલું. તેઓ જમીન પર અર્ધબાહ્ય દશામાં પડ્યા હતા; ચિંતામગ્ન અને તનાવગ્રસ્ત હતા. ત્યારે તેમણે અનુભવ્યું કે શ્રીરામકૃષ્ણદેવ ઓરડામાં પ્રવેશ્યા અને તેમને સ્પર્શીને બોલ્યા, “ચાલ, ઊભો થા! લોક ના પોક!”
(૧૬ માર્ચ, ૧૮૯૯, મિસ મેક્લાઉડને લિખિત)
શિવ અને કાલી
શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણદેવ પાસે સાંભળ્યું હતું કે સ્વામીજી ભારતના રાષ્ટ્રીય દેવતાના (શિવના) અવતાર છે, અને તેઓ (ઠાકુર) ખુદ શ્રીમા કાલીના અવતાર હતા. તને સમજાયું? હિંદુ પત્નીનો પોતાના ઈશ્વર પ્રતિ શ્રદ્ધા અને સમર્પણનો ભાવ હોય છે. આમ જોઈએ તો સ્વામીજી એક અર્થમાં ચઢિયાતા છે.
(જેમ પત્નીનો પતિ પ્રતિ શ્રદ્ધા અને શરણાગતિનો ભાવ હોય છે, જેમ મા કાલીનો ભગવાન શિવ પ્રતિ શ્રદ્ધા અને શરણાગતિનો ભાવ છે, તેમ જ જો સ્વામીજીએ શિવના અંશે જન્મગ્રહણ કર્યો હોય અને ઠાકુરે કાલીના અંશે—તો ઠાકુરનો એક અર્થે સ્વામીજી પ્રતિ શરણાગતિનો ભાવ હોવો જોઈએ. આ જ વાત ઠાકુરે કથામૃતમાં અન્ય રીતે પણ કહી છે.)
(૧૬ માર્ચ, ૧૮૯૯, મિસ મેક્લાઉડને લિખિત)
નૈષ્ઠિક બ્રહ્મચારિણી
સ્વામીજી મજામાં છે. મને નૈષ્ઠિક બ્રહ્મચારિણીની દીક્ષા આપ્યાને એક વર્ષ પૂરું થયું, તેથી ગઈ કાલે હું સ્વામીજીને મળવા ગયેલી. પૂજાનો વિધિ તેમણે વિસ્તારપૂર્વક મને સમજાવી મારી લાંબા સમયની ઇચ્છાને પૂર્ણ કરી. નાના મંદિરમાં અમે પૂજાનો આ વિધિ સંપન્ન કર્યો. તે દરમિયાન પૂજા-સામગ્રીમાંથી એક લીલું પર્ણ લઈ, સ્વામીજી દ્વારા તેની પર ભસ્મનો સ્પર્શ કરાવી તમારા માટે મેં સાચવી રાખ્યું છે. સમગ્ર પૂજા દરમિયાન તેમણે એટલી મધુરતાથી મંત્રોચ્ચાર કર્યા અને મને એવો અહેસાસ થયો કે કેમ જાણે વહાલી મા પોતાનાં નાનાં બાળકોને ખૂબ વહાલથી શીખવતી ન હોય!
હું માનું છું કે તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારિણીની પુરાતન પ્રથાને જીવિત રાખવા માગે છે, એટલે જ મને દીક્ષા આપી છે અથવા તો આના કરતાં વધુ ઉચ્ચ પદવી ધારણ કરવાની ક્ષમતા તેઓએ મારામાં જોઈ નહીં હોય! (નિવેદિતાની કદાચ સંન્યાસ ગ્રહણ કરવાની ઇચ્છા હતી, પરંતુ સ્વામીજીએ એને માત્ર બ્રહ્મચર્યની જ દીક્ષા આપી હતી. જો કે નિવેદિતાના હૃદયમાં ગુરુભક્તિનો પ્રકાશ એટલો જાજ્વલ્યમાન હતો કે સંન્યાસનું તેજ સહજે એનામાં પ્રકાશિત થઈ ઊઠ્યું હતું.)
(૨૬ માર્ચ, ૧૮૯૯, શ્રીમતી ઓલી બુલને લિખિત)
નિવેદિતાની બ્રહ્મચર્ય-દીક્ષા
મારી દીક્ષાનો વિસ્તૃત અહેવાલ આપવાની મારી અત્યંત ઇચ્છા છે.
સવારે ૮ વાગ્યે હું મઠમાં પહોંચી અને મંદિરમાં ગઈ. ત્યાં અમે (નિવેદિતા અને સ્વામીજી) ભૂમિ પર બેઠાં અને ફૂલો વગેરે ન આવે ત્યાં સુધી તેમણે બુદ્ધ વિશે મારી સાથે વાતો કરી. તેમણે કહ્યું કે જાતક-કથાઓ મુજબ અન્ય માટે ૫૦૦ વખત પોતાનું જીવન સમર્પિત કરી, તેનો ત્યાગ કરનાર મનુષ્ય ‘બુદ્ધ’ બનવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
ત્યાર બાદ પૂજાની સામગ્રી આવી અને ખૂબ મધુરતાથી પૂજા વિશેનાં વિધિ-વિધાન સમજાવતાં તેમણે મને પૂજા કરવાનું શીખવ્યું. મારા મસ્તક પર મૂકવા માટે જે નાનું સફેદ પુષ્પ તેમણે આપેલું, તે મેં તમારા માટે સાચવી રાખેલું છે. તેના ઉપર નાનું ટપકું છે, તે ચંદનનો લેપ છે.
એક ચોક્કસ અવતારને પ્રણામ કર્યાની સાથે પૂજાની સમાપ્તિ થઈ; કમનસીબે તેમનું નામ મને યાદ નથી. જ્યારે મેં મંદિરને પુષ્પોથી શણગારેલું ત્યારે તેઓ (સ્વામીજી) બોલેલા, “થોડાં ફૂલો મારા બુદ્ધને પણ ચઢાવજો. અહીં મારા સિવાય તેમને કોઈ પસંદ કરતું નથી.”
પૂજા પૂરી કર્યા પછી હવન કરવા માટે અમે નીચે ગયાં. પૂજા દરમિયાન સ્વામી અભયાનંદજી આવ્યા અને અમે બંનેએ સંન્યાસીઓ સાથે નાસ્તો કર્યો. એ પછી અમે પાંચ વાગ્યા પહેલાં નીકળી શક્યાં નહીં; જો કે વચ્ચે એક-બે કલાક રાજા (સ્વામીજી) સાથે ગાળી શકી.
હું સ્વામીજીને પૂજું છું અને દરેક વ્યક્તિ તેને સ્પષ્ટપણે અનુભવી શકે છે.
(સ્વામી અભયાનંદ—મૂળ નામ મેરી લુઈ, તેઓ સ્વામીજીનાં પ્રથમ અમેરિકન મહિલા સંન્યાસી શિષ્યા હતાં. સ્વામીજીએ તેમને ૧૮૯૫માં દીક્ષા આપેલી.)
(૩૦ માર્ચ, ૧૮૯૯, મિસ મેક્લાઉડને લિખિત)
વહેમ અને અંધશ્રદ્ધાવાળો એક પણ શબ્દ હવે નહીં!
બુધવારની સવારના આઠ. કેસરી ઝભ્ભાનાં અચાનક દર્શન થયાં અને, “સિસ્ટર નિવેદિતા, સ્વામી તમારી સામે છે!” — એવી હાક સંભળાઈ. આશ્ચર્ય સાથે મેં જોયું તો સામે જ તંદુરસ્ત અને ચૈતન્યમય સ્વામીજી હતા; મેં તેમને આવકાર્યા. અમે શાંતિથી બેઠાં—તેઓ અભ્યાસ-ખંડના વરંડામાં અને હું શાળાનાં પગથિયાં ઉપર. થોડા સમય પછી તેઓ ઊભા થયા અને ચોગાનમાં ફરવા લાગ્યા.
મેં તેમની જન્મકુંડળી વિશે મારી ચિંતા વ્યક્ત કરી. તેઓ એકદમ બોલ્યા, “વહેમ અને અંધશ્રદ્ધાવાળો એક પણ શબ્દ હવે નહીં! આ બધાને એક તરફ રાખીને શુદ્ધ અને સરળ અદ્વૈતવાદ માટે જગ્યા બનાવવાની છે—એક હિમાલયમાં અને એક અહીં, જો તમારી ઇચ્છા હોય તો.” તેઓ જાણે એક ચક્રવાત સમાન ભાસતા હતા. “આપણને કાર્ય, પ્રવૃત્તિ જોઈએ છે. આ અઠવાડિયામાં આપણે એક પ્રવચનનું આયોજન કરીશું, તમે તે આપશો અને હું કાર્યક્રમની અધ્યક્ષતા કરીશ. કલકત્તાના બધા વિદ્યાર્થીઓ રસ્તા પર આવશે અને શહેરની સફાઈ કરશે, પોતાના હાથે. તેઓ ‘મોતને માથે લઈ ફરે’ તેવું હું ઇચ્છું છું. તેનો અર્થ ખબર છે? મારા પોતાના છોકરાઓ કે જેઓ દોરડાથી બાંધેલા શિકારી શ્વાનો જેવા છે, તેમની સાથે ગઈ કાલે આખો દિવસ હું આ બાબત ચર્ચા કરતો રહ્યો છું.” જબરદસ્ત ઉત્તેજના વચ્ચે તેમણે પોસ્ટર્સ બનાવવાનો ઓર્ડર આપ્યો.
(સ્વામીજીના છોકરાઓ એટલે બેલુર મઠના યુવાન બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓ. એ સમયે કોલકાતામાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. સ્વામીજી ઇચ્છતા હતા કે તેઓ મૃત્યુભયનો સંપૂર્ણ ત્યાગ કરીને પ્લેગના રોગીઓની સેવા કરે અને શહેરની સફાઈ કરે. જેમ શિકારી શ્વાન શિકાર કરવા માટે ઉત્સુક હોય છે, તેમ સંન્યાસીઓ પણ પ્લેગ રાહત માટે ઉત્સુક હતા. માત્ર સ્વામીજીના આદેશની રાહ જોઈ રહ્યા હતા.)
રાત્રે સ્વામીજીએ કહેલું, “ઓહ! જો મિસ મેક્લાઉડ અને શ્રીમતી બુલ—બંને ભારતમાં આવીને નિવાસ કરે તો કેટલા લોકોને પ્રેરણા મળે! એ તેમના વ્યક્તિત્વમાં રહેલ પવિત્રતાના સ્પર્શે શક્ય બની શકે. હું સારી રીતે સમજું છું—જેઓ આવા મધુર અને ઉદાર મનના માલિક છે, જેમનો આત્મા ઉદાત્ત છે તેઓ ખરેખર મહાન છે.”
(૧૦ એપ્રિલ, ૧૮૯૯, મિસ મેક્લાઉડને લિખિત)
પુરુષત્વનો મહિમા
એકબીજા સાથે આપણે વાતચીત કરતા હોઈએ, તે સૂરમાં તેમણે સરલાને જે પત્ર લખ્યો તે વિશે વાત કરતાં સ્વામીજીએ કહ્યું, “આપણા પુરુષો ભલે કઠોર કે અસભ્ય લાગે, પરંતુ બંગાળમાં તેઓ જ પુરુષત્વ ધરાવે છે. યુરોપમાં પુરુષત્વ સ્ત્રીઓએ જ ટકાવી રાખ્યું છે, કારણ કે તેઓ કાયરતાને ધિક્કારે છે. બંગાળી કન્યાઓ પણ આવો જ અભિગમ દાખવીને પુરુષોની દુર્બળતા જ્યારે જ્યારે પ્રદર્શિત થાય, ત્યારે ત્યારે તેને રહેમ રાખ્યા વગર કઠોરતાથી વખોડી નાખવા ક્યારે તત્પર બનશે?” જો કે, આમ કરીને તેમણે આપણા (બ્રિટનની) રાષ્ટ્રીય મિથ્યાભિમાનને જાણે પોષ્યું હતું!
(૧૦ એપ્રિલ, ૧૮૯૯, મિસ મેક્લાઉડને લિખિત)
સંઘર્ષ અને સહાનુભૂતિ
મેં તેમને જગદીશચંદ્ર બોઝની વાત પણ વિગતવાર કરી, જે મેં તમને ગયા અઠવાડિયામાં જણાવી હતી, અને તેમણે કહ્યું, “મારી સાથે હતો એ ત્રણ દિવસો દરમિયાન તે છોકરો (બોઝ), રીતસરનો મને પૂજતો હતો એવું લાગ્યું—એક અઠવાડિયાની અંદર તે મારો માણસ બની જશે.” મેં કહ્યું, “હા, એ તમને પૂજે જ છે.” ખરેખર તો યમ, તેના સ્વામીજી પ્રત્યેના ઊંડા, સૂક્ષ્મ આદર, પૂજ્યભાવની તો શી પ્રશંસા કરું!
“હા,” રાજા (સ્વામીજી)એ કહ્યું, “અને એવા માણસો પણ છે કે જે સાકાર ઈશ્વરની પૂજા કરવાનો મહા-આડંબર કરે છે. તેઓ ખરેખર તો પોતાને જ સમજતા નથી—પોતે નિર્બળતા સામે ઝઝૂમે છે એ વાતની સારી રીતે ખબર હોવા છતાં, જ્યારે સામેવાળામાં નિર્બળતા દેખાય ત્યારે એમને ધિક્કારે છે!” આ સાંભળીને જાણે મને અચાનક પ્રકાશની અનુભૂતિ થઈ!
(૧૦ એપ્રિલ, ૧૮૯૯, મિસ મેક્લાઉડને લિખિત)
પ્રેમ અને સૌંદર્ય
આજે રજા છે. સ્વામીજીનું પ્રેમ અને સૌંદર્ય વિશેનું સંભાષણ સાંભળવા લાયક હતું. કાશ! તમે પણ એ સાંભળવા અહીં હાજર હોત! તેઓ કહેતા હતા, “પ્રેમ એ ખરેખર અન્ય પ્રત્યેનો સદ્ભાવ નથી, પરંતુ યોગ્ય મૂલવણી છે. એકબીજા પ્રત્યે આદરભાવ ધરાવતી બે વ્યક્તિઓ વચ્ચેના પરસ્પર પ્રેમમાં સ્થિરતા, સ્થાયીત્વ હોય છે—પરંતુ જો બેમાંથી એક વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા બીજી વ્યક્તિ કરતાં ઊતરતી હોય અને તે વ્યક્તિ સંબંધમાંથી કંઈક પ્રાપ્ત કરવા ઉત્સુક હોય તો તે સંબંધમાં પ્રદાનની પ્રક્રિયા અટકી જાય છે, કારણ કે વ્યક્તિએ વિકસવું જોઈએ. પરસ્પર પ્રેમ કરતી બે વ્યક્તિઓમાંથી એકનો વિકાસ થાય અને બીજીનો ન થાય, તો શું થાય? એવી પરિસ્થિતિમાં એ વિકાસશીલ વ્યક્તિ, બીજી વ્યક્તિને શા માટે પ્રેમ કરતી હતી તે પણ તેને યાદ રહે નહીં.”
(૧૯ એપ્રિલ, ૧૮૯૯, મિસ મેક્લાઉડને લિખિત)
Your Content Goes Here