(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં પ્રસ્તુત છે. -સં.)
7. જોસેફાઈન મેક્લાઉડ
૧૬, બોઝપાડા લેન,
બાગબજાર, કલકત્તા.
સોમવાર સાંજ, ૨૩/૦૧/૧૮૯૯
વહાલી જોય,
‘રાજા’ (સ્વામી વિવેકાનંદ)ની સાથે એક કલાક પસાર કરીને આવ્યા પછી તમારો પત્ર મળ્યો, જાણે ઝળહળતા પ્રકાશનો સાક્ષાત્કાર થયો! સ્વામીજી ગઈ રાત્રે આવ્યા અને સવારે આઠ વાગ્યે મને બોલાવી. તેમના જણાવ્યા મુજબ તેઓ સતત ત્રણ રાત શ્વાસ લેવા માટે જાણે ઝઝૂમ્યા હતા (તેમને દમની બીમારી હતી); આમ છતાં તેઓ દિવ્ય અને ભવ્ય જણાતા હતા! વળી, તેમની પાસે તો જાણે કામ કરવા માટેની યોજનાઓનો ભંડાર છે! જેમ કે, સ્વામી સારદાનંદ અને મારે ધર્મયુદ્ધમાં પ્રવૃત્ત થવાનું છે અને થિયેટરોમાં પ્રવચનો આપી કલકત્તાવાસીઓનો ઉત્સાહ વધારવાનો છે!
આમ કરીને સ્વામીજી બ્રાહ્મસમાજીઓના ગઢમાં પ્રવેશવા માગે છે. આ ફક્ત અલ્પકાલીન ઉત્સાહ છે કે બ્રાહ્મસમાજીઓની સામે થવાના મારા પ્રયત્નનોને લીધે છે, જે તેમને ખૂબ ગમ્યું છે—તે હું કહી શકતી નથી.
જે હોય તે, તેમણે મને એક ટી-પાર્ટી (મિજબાની)નું આયોજન કરવાનું કહ્યું છે અને મારા બધા બ્રાહ્મસમાજી મિત્રોને આમંત્રણ આપવા કહેલ છે અને આ પાર્ટીમાં સ્વામીજી હાજર રહી પ્રવચન આપશે! હું આ આયોજન કરી શકીશ કે નહીં તે તમે વિચારજો! આ પાર્ટીમાં હું જગદીશચંદ્ર બોઝ (પ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્રી) અને તેમનાં પત્ની, રોય કુટુંબના સભ્યો, પ્રફુલ્લચંદ્ર રોય (પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી), શ્રી મુખર્જી, શ્રી મોહિનીમોહન ચેટર્જી (પ્રસિદ્ધ વિજ્ઞાનશાસ્ત્રી જેઓ પહેલાં થિયોસૉફીમાં માનતા, બાદમાં હિંદુ ધર્મના સમર્થક હતા.), શ્રી ટાગોર (સત્યેન્દ્રમોહન ટાગોર, પ્રખર બ્રાહ્મસમાજી) તેમજ સરલા ઘોષલ (રવીન્દ્રનાથ ટાગોરનાં ભાણેજ જેઓ ખૂબ વિદ્વાન લેખક-પત્રકાર, સમાજસેવિકા અને રાષ્ટ્રવાદી હતાં. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું ખૂબ મહાન યોગદાન હતું.) તથા તેમનાં માતાને આમંત્રિત કરવાની છું. એક જ મંચ ઉપર આ બધી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને એકત્રિત કરવા માટે હું ખૂબ ઉત્સાહિત છું.
બ્રાહ્મસમાજીઓએ કરેલી શ્રીરામકૃષ્ણદેવની ટીકા તથા તેને લીધે મેં કરેલ ગુસ્સા બાબત મેં તેમને વાત કરેલી—તેમણે મારા ગુસ્સાને એકદમ વાજબી ઠેરવ્યો. આ સમયે તેમને જોવા એ પણ એક લહાવો હતો.
દમના ઘણા હુમલાઓ પછી પણ તેમની ઊર્જા તો જુઓ! એમને કલકત્તામાં આવો એકેય હુમલો આવ્યો નહોતો એવું તેઓ કહેતા હતા. આખરે તેમના પોતાના વતનમાં તેઓ કંઈક નક્કર કરી છૂટે એવો સમય આવ્યો હોય તેમ લાગે છે, વહાલી યમ! ખરુંને? (મિસ મેક્લાઉડનું હુલામણું નામ)
ત્યાર બાદ ઘણા બધા મુલાકાતીઓથી હું ઘેરાઈ ગઈ, ખાસ કરીને સ્વામીજીની તબિયત વિશેની વાતોમાં. તેમાંની એક વ્યક્તિના જણાવ્યા મુજબ સ્થાનફેર થવાથી સ્વામીજીની તબિયત ખરાબ થઈ ગઈ છે. ગઈકાલે જ તેમણે ઘન ખોરાક લેવાની શરૂઆત કરી છે.
સ્વામીજી સમગ્ર કલકત્તાને હવે પોતાના ઇશારે કેવી રીતે નચાવે છે તે જોવું ખૂબ રસપ્રદ રહેશે. તેઓ હવે લડાયક મિજાજમાં છે. પોતાની સાથે તેઓ કર્મ અને શક્તિના કેવા ભવ્ય વાતાવરણને લાવ્યા છે!
તમારી પોતાની,
માર્ગોટ
8. જોસેફાઈન મેક્લાઉડ
[બુધવારની મોડી સાંજ] ૨૫-૦૧-૧૮૯૯
મારાં પોતાનાં વહાલાં યમ,
સ્વામીજીની ઇચ્છાથી જે ટી-પાર્ટી ગોઠવવાની છે તે માટેનાં આમંત્રિતોની સંખ્યા ૫૭ની આસપાસ પહોંચાડવામાં હું મારો ફુરસદનો સમય ગાળું છું. સ્વામીજી ખૂબ દેદીપ્યમાન દેખાય છે, પરંતુ મને મળવા આવી શકે તેટલી શક્તિ તેમનામાં નથી. તમે જાણો છો કે ઘણા સમયથી તેઓ બીમાર છે. ફેબ્રુઆરી ૪ના રોજ (કલકત્તાને ભગિની નિવેદિતાનો પરિચય કરાવવા માટે સ્વામી વિવેકાનંદે કલકત્તાના આલ્બર્ટ હૉલમાં તેમના પ્રવચનનું આયોજન કરેલ.) યોજાનાર સમારંભ માટે આલ્બર્ટ હૉલ નિર્ધારિત કરેલ છે અને મારા પ્રવચનનો વિષય ‘કાલી અને કાલીપૂજા’ નક્કી કરેલ છે.
મારા પ્રવચનને લખીને હું ‘રાજા’ને બતાવવાની છું. તેઓ મને મુખ્ય અંશો તૈયાર કરવામાં મદદ કરશે. બસ, પ્રાર્થના કરું છું કે હું શિક્ષિત કલકત્તા સમક્ષ ‘કાલીની પૂજા’ વિશે સહૃદયતાપૂર્વક વાત કરી શકું. સ્વામી ટી-પાર્ટી અંગે વારંવાર પૃચ્છા કરે છે, જેનું આયોજન કદાચ આવતા સોમવારે શક્ય બનશે. દાક્તરોની સલાહ મુજબ તેઓ અહીં એપ્રિલ સુધી રહેશે, પછી તમારી પાસે (અમેરિકા) આવશે.
બાળક, માર્ગોટ
9. જોસેફાઈન મેક્લાઉડ
૧૬, બોઝપાડા લેન
બાગબજાર, કલકત્તા.
જાન્યુ. ૩૦, ૧૮૯૯-મંગળવાર (સોમવાર)
મારાં વહાલાં યમ,
સ્વામીજી માટે આ દિવસો શાંતિપૂર્ણ છે, તેઓ દિવ્ય ભાસે છે. લગભગ દરરોજ હું તેમની સાથે જ ભોજન લઉં છું. તેઓ ગઈકાલે યોજાયેલ ટી-પાર્ટીમાં પણ આવેલ. ગયા શનિવારે પણ મેં કોઈ તૈયારી વગર એક પાર્ટી ગોઠવેલ જેમાં શ્રીમતી પી.કે. રોય, શ્રી મુખર્જી, શ્રી મોહિની, ડૉ. સરકાર (બ્રાહ્મસમાજીઓ) તથા શ્રી કવિ (રવીન્દ્રનાથ ટાગોર) હાજર હતાં. તે ખરેખર નાનો પણ ભભકાદાર મેળાવડો હતો, કારણ કે તેમાં શ્રી ટાગોરે સ્વરચિત ત્રણ રચનાઓ ગાઈ. સ્વામીજી ખૂબ આનંદિત હતા. ત્યાર બાદ તેમણે મને રાત્રિભોજન માટે આમંત્રિત કરેલી.
હાલની તકે હું એવા કાર્યમાં ગુંથાઈ છું, જે જાણીને તમને રમૂજ થશે. સ્વામીજી માટે હું મુરબ્બો બનાવી રહી છું! જો કે, બનાવટ માટેની સામગ્રી-ગેસ(બળતણ)થી માંડીને તવો, ચમચાઓ વગેરેની મારી પસંદગી અલગ છે, આમ છતાં મેં આજે મુરબ્બો બનાવ્યો!
હવે મારા બીજા સમાચાર!
રવિવારે શ્રી પાદશાહ અને તેમની બહેન સ્કૂલ (બાગબજારમાં સિસ્ટર નિવેદિતાએ સ્થાપેલી સ્કૂલ) જોવા અને ત્યાર બાદ ચા માટે આવ્યાં હતાં. સ્વામીજી તે કન્યાને લઈને ખૂબ ઉત્સાહિત છે. તે દેખાવમાં જરાયે આકર્ષક નથી. સ્વામીજીએ મને કહ્યું છે કે તેને વારંવાર ચા પીવા માટે આમંત્રિત કરવી અને તેઓ પોતે પણ આવશે, કારણ કે તેઓ આ કન્યાના ગુરુ બનવા માગે છે. તેના વિશે અભિપ્રાય આપતાં સ્વામીજીએ કહ્યું હતું કે “બીજી બધી કન્યાઓ કરતાં આ સૌથી વધુ લાયક (આધ્યાત્મિક પ્રગતિ સાધવા માટે) છે. મારા અભિપ્રાય બાબતે હું ક્યારેય ખોટો હોતો નથી, કારણ કે મારી અંદર રહેલ ગુરુભાવ મને વ્યક્તિની પરખ કરાવી દે છે.”
સ્વામીજી તાત્કાલિક યુરોપ જવા માગે છે, આથી પ્રિય યમ! તમે તેમને જલદીથી મળી શકશો.
તમારી પોતાની પ્રિય,
માર્ગોટ
( નોંધ: શ્રી પાદશાહ થિયોસૉફી સાથે સંકળાયેલા હતા, જે બાદમાં તેમણે છોડી દીધેલ. તેઓ સ્વામી વિવેકાનંદથી ખૂબ પ્રભાવિત હતા.)
Your Content Goes Here