આ પહેલાના અંકોમાં આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશથી પ્રભાવિત થયેલા કેટલાક ગુજરાતી સાહિત્યકારો વિષે વાત કરી. આ અંકમાં લેખિકા, ઉચ્ચ કોટીનાં સાધિકા, સંત, ભક્ત, મૌલિક વિચારક-પ્રચારક એમ બહુમુખી પ્રતિભા ધરાવનાર સુપ્રસિદ્ધ વિમલાતાઈ કે વિમલાદીદીના નામથી પણ જાણીતાં સુશ્રી વિમલા ઠકાર વિષે જાણીશું.
૧૫મી એપ્રિલ, ૧૯૨૧ના રામનવમીના શુભ દિવસે તે સમયના મધ્યપ્રદેશ અને હાલમાં છત્તીસગઢ રાજ્યના બિલાસપુરમાં બાપુસાહેબથી જાણીતા શ્રી બગારામ ઠકાર અને ચંદ્રીકાજીને ત્યાં તેમનો જન્મ થયો. પિતા આકોલામાં વકીલનો વ્યવસાય કરતા હતા. માઉન્ટ આબુમાં તેઓ જ્યાં ઘણાં વર્ષો સુધી રહ્યાં હતાં તે ‘શિવકુટીર’માં તેમણે તારીખ ૧૧મી માર્ચ, ૨૦૦૯, ફાગણ પૂર્ણિમાના દિવસે પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો.
તેમનું બાળપણ (તે સમયના મધ્યપ્રદેશ અને હાલના છત્તીસગઢ રાજ્યના) રાયપુરમાં વીત્યું હતું. બાળપણમાં બધાં બાળકો રમત રમતાં હોય, પરંતુ વિમલાજીની રમત અનૂઠી હતી. બપોરે ઓરડો બંધ કરી, જ્ઞાનેશ્વર આવ્યા છે, સ્વામી વિવેકાનંદ આવ્યા છે, મારી સાથે વાતો કરે છે, મને હિંમત આપી રહ્યા છે, તેવી કલ્પના કરવી એ જ એમની રમત હતી.
બચપણથી જ ભૌતિક અને માનસિક રૂપે તેઓ સાધુ-સંતો સાથે જ રહેતાં, તેમની પાસે જ મોટાં થયાં. જેમ જેમ સંતો સાથે સંપર્કમાં આવતાં ગયાં, તેમ તેમ બાળપણથી જ તેઓ ગૃહસ્થ જીવન પ્રત્યે ઉદાસીન થવા લાગ્યાં. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીનાં પુસ્તકોના વાચન દ્વારા જે જીવનનો પાયો નખાયો હતો, તેના કારણે અને સંત-સમાગમને કારણે તેમની વૈરાગ્યની ભાવના પ્રબળ બની. અને એટલા માટે જ તેમણે કઠિન સંઘર્ષભર્યા ગૃહસ્થ જીવનમાં પ્રવેશ ન કર્યો. તેમજ તુકડોજી મહારાજ, દાદા ધર્માધિકારી, મા આનંદમયી, વિનોબાજી, સાને ગુરુજી, જયપ્રકાશ નારાયણ વગેરે સાથેના સત્સંગને કારણે લોકનિષ્ઠાના ઊંડા સંસ્કાર તેમના મન પર પડ્યા.
૮૮ વર્ષના તેમના જીવનકાળ દરમિયાન તેમણે અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ નાગપુર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ‘ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ફિલોસોફી’ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન ડૉ. રાધાકૃષ્ણન તેમના અધ્યાપક રહ્યા હતા. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ શ્રી વિનોબા ભાવેના ભૂદાન કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાઈ ગયાં. ૧૯૫૧માં કાર્નેલ યુનિવર્સિટીમાં ‘વિશ્વયુવાપરિષદ’માં એક વક્તા તરીકે તેમનું ચયન થવાથી તેઓ પ્રથમ વખત અમેરિકા ગયાં અને ત્યાર પછી કેટલાય દેશોનો પ્રવાસ તેમણે કર્યો. કોલેજમાં હતાં ત્યારે અનેક પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા. ગાયન, વાદન, નાટક, વક્તૃત્વ, ચિત્ર વગેરે સ્પર્ધાઓમાં તેઓને હંમેશાં અવ્વલ નંબર પ્રાપ્ત થતો.
૧૯૫૩થી ૧૯૬૩ સુધી ‘ભૂદાન’ અંદોલનમાં અનેક સભાઓમાં તેઓએ હજારોની માનવમેદનીને ‘સર્વોદય’નો સાચો અર્થ સમજાવ્યો.
૧૯૫૮માં તેઓ જિદ્દુ કૃષ્ણમૂર્તિના સંપર્કમાં આવ્યાં. તેમણે કહ્યું, ‘તમારી ભીતર જે આધ્યાત્મિક શક્તિઓ ભરી પડી છે તેને પ્રગટ કરવી પડશે.’ આ માટે વિમલાજીએ માઉન્ટ આબુમાં ‘શિવકુટીર’ અને ડેલહાઉસીમાં ‘શિવકુલ’ એવી બે કુટીરોમાં વર્ષનો અમુક સમય સાધનામાં વ્યતીત કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેઓ વધુ ને વધુ અંતર્મુખી થવા લાગ્યાં અને અધ્યાત્મ તરફ આગળ પ્રગતિ કરવા લાગ્યાં.
૧૯૫૧થી ૧૯૯૧ એમ ચાલીસ વર્ષ દરમિયાન તેઓએ સમસ્ત વિશ્વ માટે ઉપયોગી એવા વેદાંતના અને પોતાના વિચારોના પ્રચાર-પ્રસાર માટે પંચાવનથી વધુ દેશોની અનેક વખત મુલાકાત લીધી. આ જ પ્રવચનોના આધારે તેમનાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન વગેરે ભાષામાં ૩૦૦થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમાં એક જ વિષય અધ્યાત્મ પરનાં આત્મજ્ઞાન અને આત્માની ઉન્નતિ પ્રાપ્ત કરવા માટેના સાધનરૂપ તેમનાં પુસ્તકો ‘જીવન સૌરભ’, ‘જીવન રહસ્ય’, ‘જીવન સંજીવની’, ‘આત્મોલ્લાસ’ વગેરેને બહોળો વાચકવર્ગ મળ્યો છે. કેટલાંક સુપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તકોમાં ‘હેતની રેલી’, ‘જીવન જોગ’, ‘સાચું ધાર્મિક જીવન’, ‘વિમલ જીવનયાત્રા’ વગેરેનો ઉલ્લેખ કરી શકાય. પુસ્તકો સિવાય તેમનાં પ્રવચનની અનેક વીડિયો સી.ડી. તેમજ ડી.વી.ડી. પણ બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત ‘જીવનસાધનાનાં સોપાનો’ પુસ્તકમાં તેઓએ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ વિશે ઘણી વાતો કરી છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પણ તેમના ટૂંકા પરંતુ અતિ મહત્ત્વપૂર્ણ લેખો પ્રકાશિત થયા છે. હમણાં જ પ્રકાશિત થયેલ પુસ્તક ‘આધુનિક યુવાવર્ગ અને સ્વામી વિવેકાનંદ’ના ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્યવરાન્નિબોધત’ લેખમાં તેઓ લખે છે:
“અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણદેવને બધી રીતે જાણી લીધા પછી નરેન્દ્રે જે શ્રદ્ધાબળ વ્યક્ત કર્યું તે શબ્દાતીત ગણાય. શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યેક શબ્દનું શ્રદ્ધાભર્યું શ્રવણ, મનન, દોહન કરીને નરેન્દ્રે ‘કૃણ્વન્તુ વિશ્વમાર્યમ્’નો સંદેશ તારવી લીધો. શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ‘અમૃતસ્ય પુત્રાઃ’ના સંબોધનથી શ્રોતાઓને અભિભૂત કરીને વેદાંતને વિશ્વ ધર્મની પ્રતિષ્ઠા પ્રદાન કરી. ત્યાંથી પાછા ફર્યા ત્યારે તમોગુણમાં ગળાડૂબ ભારતીયોને હચમચાવી મૂક્યા. ‘બલમ્ ઉપાસ્ય’નો ઉપદેશ કરીને ધર્મસંસ્થાપનાર્થે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. સંન્યાસીઓની એક અવનવી મંડળી ઊભી કરી કે જેઓ સમાજસેવાને આત્મસાધનાનું માધ્યમ બનાવી શક્યા!!” (પૃ. ૪૧).
આમ, તેઓ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજી પ્રતિ અતિ શ્રદ્ધાવાન હતાં, જે તેમનાં સાહિત્ય અને પ્રવચનોમાં વ્યક્ત થાય છે.
કૈસર ઈરાનીએ અંગ્રેજીમાં તેમની બાયોગ્રાફી લખી છે. ૨૦૦૪માં પ્રકાશિત થયેલ આ પુસ્તકનું શીર્ષક છે ‘અવધૂત ઑફ અર્બુદાચલ’. તેમાં તેઓ વિમલાજીના બાળપણનાં સંસ્મરણોમાં જણાવે છે કે તેઓ તેમના નાનાજી યાદવરાવ ભાગડીકરથી સૌથી વધુ પ્રભાવિત થયાં હતાં. જોગાનુજોગ તેમનો જન્મ પણ વિમલાજીની જેમ રામનવમીના દિવસે થયો હતો. તેઓ રાયપુરમાં રહેતા હતા. તેઓ ખૂબ જ ધર્મપરાયણ હતા. પાંચ મજલાના તેમના વિશાળ મકાનમાં ૨૫૦ લોકો રહેતા હતા, જેમાં પચાસ તો નોકર-ચાકર હતા. તેઓ રામચંદ્રજીની ઉપાસનામાં લીન રહેતા અને વિમલાજીને રામચરિતમાનસ વાંચી સંભળાવતા. તેઓ કોઈને તેના નામથી ન બોલાવતા. પુત્ર હોય કે નોકર, પુરુષ સભ્યને તેઓ ‘રામપ્યારે’ અને સ્ત્રી સભ્યને ‘રામપ્યારી’ કહીને બોલાવતા.
વિમલાજીના જન્મ પહેલાં તેમને દર્શન થયું હતું કે “તેમની પુત્રીને ત્યાં જે પુત્રીનો જન્મ થશે તે સાધારણ વ્યક્તિ નથી. તે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરશે, વિશ્વના કલ્યાણ માટે તેમનો જન્મ થવાનો છે. તેને તેમનાં માતા-પિતા પાસે અકોલામાં ન રાખતાં તમારી પાસે રાખજો, શિક્ષણ આપજો.” એક વખત એવું બન્યું કે તેઓ જ્યારે ધ્યાનમાં મગ્ન હતા ત્યારે એક ચોર આવીને ચોરી કરી જતો રહ્યો. પછી જ્યારે તેમને ખબર પડી ત્યારે તેમણે પૂછ્યું કે ચોરને કોઈએ માર્યો તો નથી ને! અને પોલીસમાં રીપોર્ટ કરવાની પણ ના પાડી. આમ તેઓ અહિંસાના પ્રખર હિમાયતી હતા. ઊલટાનું તેઓ એમ માનતા કે આ પોતાનો જ દોષ છે. સંપત્તિનો સંગ્રહ કર્યો એટલે જ ચોરને લાલચ થઈ. આમ વિમલાજીને ત્યારથી જ સમજાયું કે અપરિગ્રહ એટલે શું?
રાયપુરમાં નિવાસ દરમિયાન નાનાજીએ તેમનો મેળાપ સાધુ-સંતો સાથે કરાવ્યો. મુલાકાતો દરમિયાન ધર્મ-ચર્ચા થતી રહેતી અને વિમલાજી આશીર્વાદ પ્રાપ્ત કરતાં રહેતાં. નાનાજી તેમને દુર્ગા કહીને બોલાવતા. આમ બચપણથી જ તેમણે વિમલાજીમાં અધ્યાત્મનાં બીજ રોપ્યાં હતાં.
નાનાજીને તેમના દેહત્યાગનો અંદેશો છ માસ પહેલાં જ મળી ગયો હતો. રામનવમીના દિવસે સંકીર્તન, ભજન, દક્ષિણા વગેરે સંપન્ન થયા પછી પોતે થોડો પ્રસાદ ગ્રહણ કર્યો અને ધ્યાનમાં જ નશ્વર શરીરનો ત્યાગ કર્યો. મૃત્યુ પહેલાં તેમણે વિમલાજીને જ્ઞાનેશ્વરનો ગ્રંથ આપ્યો હતો. તે સમયે વિમલાજીની વય ૧૨ વર્ષની હતી. વિમલાજીએ તેમનો અત્યંત તેજસ્વી ચહેરો જોયો. તેઓ મૃત્યુ વિષે જાણતાં ન હતાં. નિર્દોષતાપૂર્વક તેમણે પણ એવી ઇચ્છા કરી કે હું પણ આવી રીતે મૃત્યુ પામીશ.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને વડોદરા કેન્દ્રના કેટલાક ભક્તો તેમની સાથે ઘનિષ્ઠ સંબંધે બંધાયા હતા. તેમના આગ્રહથી ૨૦૦૮માં માઉન્ટ આબુમાં તેમને મળવાની તક મને સાંપડી હતી. તે સમયે તેઓ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માટે અંતર્મુખી થઈ ગયાં હતાં. શરીર પણ અસ્વસ્થ હતું. કોઈને પણ ન મળવાની સૂચના આપ્યા છતાં ખાસ કિસ્સામાં મને અનુમતિ મળી અને પંચાવન મિનિટ સુધી વાતો કરી. તેમના દેહત્યાગ પહેલાંના સાડા ત્રણ મહિના પહેલાંની આ વાત છે. વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું:
તેમના પરિવારનો એ રિવાજ હતો કે પરિવારમાં કોઈ બાળકનો જન્મ થાય અને તે પાંચ વર્ષનું થાય ત્યારે તેને બેલુર લઈ જવામાં આવતું અને તે બાળકને શ્રીરામકૃષ્ણદેવને સમર્પિત કરવામાં આવતું. ૧૨ વર્ષની ઉંમરે તેઓએ પોતાનાં નાનાજી પાસેથી સ્વામીજી વિષે વાતો સાંભળી હતી. સ્વામીજી જ્યારે ૧૪-૧૫ વર્ષના નરેન્દ્ર હતા ત્યારે તેઓ નાનાજીના ઘેર લગભગ રોજ જતા. નાનાજી પાસે મોટી લાઇબ્રેરી હતી અને સ્વામીજી તેમની પાસેથી પુસ્તકો લઈ જતા. નાનાજી ત્યારે પણ સ્વામીજીથી ખૂબ પ્રભાવિત થયા હતા, ખાસ કરીને તેમની તેજસ્વી આંખોથી. વિમલાજીએ સ્વામીજીનાં પુસ્તકો વાંચ્યાં. વાંચતાં એટલો રોમાંચ થતો અને પ્રભાવ પડતો કે જેનું વર્ણન પણ ન થઈ શકે. એટલું જ નહીં નાનાં બાળકોને સ્વામીજીનાં પુસ્તકો વાંચવાં માટે પ્રોત્સાહિત કરવા પોતે એક ‘વિવેકાનંદ સ્ટડી સર્કલ’ શરૂ કર્યું હતું.
3 Comments
Leave A Comment
Your Content Goes Here
પૂજ્યા દીદી / વિમલાજી વિ શેનો લેખ વાંચી અત્યંત આનંદ થયો.
જય માઁ.
જય ઠાકુર
જય સ્વામીજી.
ખૂબ સરસ… 2007 માં शिव कुट्टी માં. આબુમાં પૂજ્ય विमला જી ने મળવા nu સૌભાગ્ય પ્રાપ્ત થયેલ, તેણી તો સાક્ષાત શક્તિ હતા. તેની યાદો તાજી થઈ.. આભાર..
જૂનાગઢ केंद्र સાથે જોડાયેલ છું. જૂન 13,(રોકાણ)sept 18( રોકાણ),
dec 2022(માત્ર દર્શન)એમ 3 વાર belur मठ ગયો છું..
જય ઠાકુર. સ્વામી નિખિલેસ્વરાનંદજી ની આ અદભૂત મુલાકાત ૨૭/૧૧/૨૦૦૮ ના બપોરના સવા ચાર થી સાડા પાંચ ના અરસામાં શિવકુટી , માઉન્ટ આબુ ખાતે ખૂબ જ ઉર્જામય અને દિવ્ય રહી.