અવકાશી બતક

અંતરિક્ષનું નિરીક્ષણ કરી એનું વર્ણન કરવામાં વૈજ્ઞાનિકો કલ્પનાશક્તિનો કેવો ઉપયોગ કરે છે, એનું સુંદર ઉદાહરણ છે પેલિકન નેબ્યુલા (pelican અર્થાત્‌ બતક). નેબ્યુલાનો અર્થ છે, એક વિરાટ અંતરિક્ષ વાદળું. પૃથ્વીથી 1800 પ્રકાશવર્ષ દૂર આવેલ આ વાદળાને ધ્યાનથી જુઓ. શું તમે સફેદ રંગમાં આલેખાયેલ બતકની લાંબી ચાંચ, ફેલાવેલી પાંખો, અને વળાંકવાળી પીઠ નિહાળી શકો છો? જો તમને બતક દેખાય તો તમે પણ અંતરિક્ષ વિજ્ઞાની બનવા માટે તૈયાર છો.

અવકાશી ઝરણું

અવકાશમાં વહેતું આ ઝરણું વળી કેવી રીતે સર્જાયું? જ્યારે આપણું જીવન સમાપ્ત થાય ત્યારે આપણે શાંતિથી મૃત્યુ પામીએ છીએ, પરંતુ જ્યારે એક તારાનું જીવનચક્ર પૂરું થાય ત્યારે એ એક પ્રચંડ વિસ્ફોટમાં પરિણમે છે. આ વિસ્ફોટને કહેવાય છે સુપરનોવા. આ વિસ્ફોટ એટલો તો ઉજ્જ્વળ હોય છે કે આપણને અવકાશમાં એક નવા તારાએ જન્મ લીધો હોય એવું લાગે છે. કેવો વિચિત્ર વિરોધાભાસ—વિનાશ ભાસે છે સર્જનના રૂપમાં!

1006ની સાલમાં આપણે અવકાશમાં એક નવા તારાનું સર્જન થતું જોયું હતું. પૃથ્વીથી 7000 પ્રકાશવર્ષ દૂર એક તારલો સુપરનોવા વિસ્ફોટમાં વિનાશ પામ્યો હતો. જેને આપણા પૂર્વજોએ વિસ્મિત નયને નિહાળ્યો હતો. આ ઝરણું સુપરનોવાનો એક નાનકડો હિસ્સો છે.

રાત્રીના આકાશનું સાચું દૃશ્ય

આપણે રાત્રે આકાશમાં જોઈએ છીએ તો શું દેખાય છે? મોટા ભાગે તો અંધારું અને મુઠ્ઠીભર ટમટમતા તારલા. એક સમય હતો, રાત પડતાં જ આકાશ કરોડો કરોડો તારાઓથી ઝગમગી ઊઠતું. પરંતુ આજે પ્રદૂષણના કારણે શહેરોમાં તો તારલાઓ દેખાતા જ બંધ થઈ ગયા છે. જો આપણે પ્રદૂષણવિહીન નિર્મળ અવકાશ જોવું હોય તો શહેરોથી દૂર કોઈ પહાડ ઉપર ફરવા જવું પડે. આ દૃશ્ય છે, એટલાંટિક મહાસાગરમાં સ્થિત કેનેરી દ્વીપસમૂહમાં આવેલ પહાડની ટોચ ઉપર નિર્મિત દૂરબીનોનું અને રાત્રીના અવકાશના સાચા દૃશ્યનું. જુઓ, નિર્મળ આકાશનું અવલોકન કરવા માટે વૈજ્ઞાનિકો ક્યાં સુધી જાય છે!

મધપૂડામાં મંગળ

પૃથ્વીથી માત્ર 600 પ્રકાશવર્ષ દૂરે ઝળહળાટ કરતા યુવા તારાઓનો સમૂહ છે. સૃજનશીલ વૈજ્ઞાનિકોએ એનું નામ આપ્યું છે ‘મધપૂડો ઝૂમખું’ (Beehive cluster). 3 જૂને આનો ફોટો પાડતાં પાસે જ મંગળ ગ્રહ દેખાયો. તારલાઓના કદની સરખામણીમાં ગ્રહ તો સાવ નાનકડું શિશુ જ ગણાય, પરંતુ મંગળ પૃથ્વીથી માત્ર 17 પ્રકાશ-મિનિટ જ દૂરે સ્થિત છે. માટે આ ફોટામાં એ વિરાટ પ્રકાશપુંજના રૂપમાં દેખાય છે.

Total Views: 342

One Comment

  1. Kothari Vijay Prabhudas September 19, 2023 at 1:04 pm - Reply

    Very Intresting, will increase my knowlegeKothar

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.