ખોટી સ્વતંત્રતા

સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા છીએ; વળી તે મુક્ત નથી પણ સાન્ત (સીમિત) છે, તેથી જે સાપેક્ષ હોય તેની મુક્તિ કદી સાચી ન હોય. એક ઘડો એમ કદીય ના કહી શકે કે ઘડા તરીકે ‘હું મુક્ત છું;’ માત્ર જ્યારે તે આકારના બધા ખ્યાલ ગુમાવે છે ત્યારે જ તે મુક્ત બને છે. …

જો તમારી મુક્તિ બીજાને નુકસાન પહોંચાડે તો તમે મુક્ત નથી. તમારે બીજાઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૬૪)

આવો, આપણે સ્વામીજીના આ સુવિચારનું તબક્કાવાર વિશ્લેષણ કરીએ અને આજના પરિપ્રેક્ષ્યમાં એનો અર્થ વિસ્તાર કરીએ.

સંયુક્ત કુટુંબમાં સ્વતંત્રતાનો અભાવ

અન્યને ક્ષતિ કરી શકે એ પ્રકારની સ્વતંત્રતાથી કોઈ લાભ નથી. આ પ્રકારની સ્વતંત્રતાનો હંમેશાં આપણે ત્યાગ કરવો જોઈએ. આપણે એવું વિચારીએ છીએ કે હું તો મારી ઇચ્છા અનુસાર જ વર્તીશ કારણ કે હું સ્વતંત્ર છું. મારી ઉપર જો એવું કોઈ બંધન હોય કે મારે આ ન કરવું ને પેલું ન કરવું તો મારો વિકાસ અટકી જશે. હું એક ભાઈને ઓળખું છું કે જેમને તેમના પિતાશ્રીએ વિદેશમાં કે કોઈ અન્ય શહેરમાં જઈને વધારે પગારવાળી નોકરી કરવાની મંજૂરી આપી ન હતી. તેથી પાછલા જીવનમાં એ ભાઈના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે મારા પિતાજીને કારણે મારી ઉન્નતિ ન થઈ! તેઓ માની બેઠા કે અન્ય વ્યક્તિના પ્રતિબંધને કારણે તેઓની પ્રગતિ રૂંધાઈ ગઈ અથવા તો તેઓ જીવનમાં ધનવૈભવ પ્રાપ્ત કરી શક્યા નહીં.

પહેલાંના સમયમાં તો પિતાની આજ્ઞાનું પાલન સ્વાભાવિક હતું. હવે તો ઘણું ઓછું થઈ ગયું છે. પહેલાંના વખતમાં લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા, તથા સુસંગત-ગોઠવણથી (એરેંજ મેરેજ) લગ્નો થતાં, જેમાં ફક્ત માતા-પિતા જ નહિ, પરંતુ કાકા-કાકી, મામા-મામી વગેરે બધાંનો અભિપ્રાય લેવામાં આવતો હતો. આજકાલ હરેક વ્યક્તિ એક વ્યક્તિગત સ્વતંત્રતા (ઇન્ડિવિઝયુલ ફ્રીડમ) ઇચ્છે છે. જેને કારણે પહેલાંના સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે.

ગુરુશિષ્ય પરંપરામાં સ્વતંત્રતા પર લગામ

સ્વામીજીએ પોતાના જીવનમાં બહુ જ થોડા શિષ્યોનો સ્વીકાર કર્યો હતો. અમેરિકામાં લોકો જ્યારે સ્વામીજી સાથે વાર્તાલાપ કરતા કે તેમનાં પ્રવચનો સાંભળતા ત્યારે તેઓ સ્વામીજીથી પ્રભાવિત થઈ એમના આદેશ અનુાસર જીવનગઠન કરવા તૈયાર થઈ જતા. જેમ કે, કેલિફોર્નિયામાં શ્રીમાન અને શ્રીમતી ફ્રેંક રોડહેમલ, શ્રીમાન અને શ્રીમતી એલન, શ્રીમતી હેન્સબ્રો તથા તેમનાં બે બહેનો, વગેરેની સાથે સ્વામીજીનો ઘનિષ્ઠ સંબંધ હતો. સ્વામીજીનાં પ્રત્યેક વર્ગ અને પ્રવચનમાં તેઓ અચૂક હાજરી આપતાં. પરંતુ સ્વામીજી એ બધાંને પોતાનાં શિષ્યોની જેમ કેળવણી નહોતા આપતા કે જીવન-ઘડતર નહોતા કરતા, કારણ કે કોઈને શિષ્ય તરીકે સ્વીકારવાથી ગુરુએ તેની સઘળી જવાબદારી ઉઠાવવી પડે છે.

જેમ કે ભગિની નિવેદિતાને સ્વામીજીએ શિષ્યા રૂપે ગ્રહણ કર્યાં હતાં. હવે આનો અર્થ શું થયો? નિવેદિતાનાં વિચારો, પૂર્વધારણાઓ, ચોક્કસ દિશામાં જવાની તેમની વૃત્તિઓ વગેરે સમગ્ર વ્યવહાર ઉપર સ્વામીજીએ શાબ્દિક પ્રહાર કરવાનું શરૂ કર્યું. નિવેદિતા એક વાર આપણા દેશની પ્રશંસા કરતાં કહે કે, સ્વામીજી, મેં ભારતમાં એક વસ્તુ એ જોઈ કે અહીંયાં કોઈ ચોર નથી. લોકો કેટલા શાલીન, શિષ્ટ અને પ્રામાણિક છે! તો સ્વામીજી તત્ક્ષણાત્‌ તેનો વિરોધ કરતાં કહે છે કે, કાશ, લોકો ચોરી કરતા હોત! કેમ કે, ચોરી કરવાથી રજોગુણ વધે, તો તમસમાંથી ઊગરી રજોગુણમાં તો આવે! અને ત્યાર બાદ તેને સત્ત્વ તરફ વાળી શકાય. હાલમાં તો સમગ્ર દેશ તમસમાં ડૂબેલો છે. તેથી કોઈ ચોરી પણ નહિ કરે તો થોડો પણ રજસ બચશે નહીં. અહીં ‘તમસ’ને પ્રવૃત્તિના અભાવમાં લેવાનું છે.

એટલે જ ઘણી વાર આપણે તામસિક વ્યક્તિને સાત્ત્વિક માની લઈએ છીએ. સાત્ત્વિક વ્યક્તિના મનમાંથી કામ-કાંચનના વિકારો ક્રમશઃ શિથિલ અને અદૃશ્ય થતા જાય છે, જ્યારે તામસિક માણસ કોઈ પ્રવૃત્તિ તો નથી જ કરતો, તદુપરાંત, ઇન્દ્રિયોના સુખોપભોગમાં રાતદિવસ ડૂબેલો રહે છે. ક્યારેક ક્યારેક આપણે આ તફાવત સમજી શકતા નથી, તેથી નિષ્ક્રિય લોકોને સાત્ત્વિક સમજવાની ભૂલ કરી બેસીએ છીએ.

તેથી સ્વામીજી જ્યારે પણ નિવેદિતા કોઈ વિચાર રજૂ કરતાં તો તેનો વિરોધ કરતા, કેમ કે સ્વામીજી ઇચ્છતા કે નિવેદિતા તેમની પૂર્વધારણાઓ, અહંકાર, પૂર્વસંસ્કાર વગેરેને સંપૂર્ણ રીતે ભાંગી-તોડીને એક નૂતન વ્યક્તિત્વનું સર્જન કરે તથા સાત્ત્વિક વ્યક્તિત્વના આધાર પર આધ્યાત્મિક જીવનમાં, આધ્યાત્મિક સાધનામાં આગળ વધે.

લાટુ મહારાજ, શશી મહારાજ, નિરંજન મહારાજ વગેરે ત્યાગી શિષ્યો ઠાકુર પાસે આવતા. આ શિષ્યોની પૂર્વધારણા, વૃત્તિઓને સાચા માર્ગે વાળવા માટે ઠાકુર ઉપદેશ આપતા. જેમ કે, લાટુ મહારાજને ઠાકુરે કહ્યું હતું કે બેલતલાની (બિલ્વવૃક્ષની નીચેની જમીન, જ્યાં એક ઓટલો બનેલો હતો) નીચે જઈને ધ્યાન ન કરતો, ત્યાં ભૈરવ રહે છે. પરંતુ ઠાકુરના બધા શિષ્યો પણ તો ભૈરવ સમાન જ હતાને! લાટુ મહારાજે ઇચ્છા અનુસાર ત્યાં જઈને જેવું ધ્યાન કરવાનું આરંભ કર્યું કે તેવો જ ભૈરવ પ્રગટ થયો અને વિભીષિકાઓ દેખાડવાનું શરૂ કરી દીધું. વિભીષિકા અર્થાત્‌ ખૂબ જ ભયાનક દૃશ્યો, જેવાં કે કોઈના મૃત્યુનું દૃશ્ય, કોઈ કુદરતી દુર્ઘટનાનું દૃશ્ય, કોઈ હોનારતનું કે કોઈ મોટી આગ લાગી છે ને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે, એવું દૃશ્ય.

ઠાકુર એ સમયે પોતાના ઓરડામાં બેઠા હતા, પરંતુ તેઓ તરત જ સમજી ગયા કે લાટુ મહારાજની સામે મહાવિપદ ઊભી થઈ છે. તેઓ તરત જ બેલતલાએ આવીને ‘અરે લાટુ, અરે લાટુ’ એમ પોકારવા લાગ્યા અને લાટુ મહારાજનું ધ્યાન ભંગ કર્યું.

વિષયાંતર: શક્તિપીઠ

આવાં બિહામણાં દૃશ્યો ભૈરવ બતાવે છે, કારણ કે કોઈ કોઈ સ્થાન પર જપધ્યાન કરવાથી આપણે ખૂબ ઝડપથી આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ છીએ. આવાં સ્થળોને શક્તિ-સ્થાન કહેવામાં આવે છે. આવાં શક્તિ-સ્થાનોમાં સાધના કરવાથી મા-શક્તિની કૃપાથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ ખૂબ ઝડપથી થાય છે. એક વાર જપ કરવાથી હજારગણું ફળ મળે છે. પરંતુ એવી કોઈ વ્યક્તિ કે જે શક્તિ-સાધના કરવા માટે લાયક નથી, જેમ કે, કોઈ તામસિક પ્રકૃતિની વ્યક્તિ કે જેણે પોતાનો ઘમંડ, ઇન્દ્રિય સુખ-ભોગની લાલસાઓ વગેરે પર વિજય પ્રાપ્ત નથી કર્યો, એવી વ્યક્તિ જો આવાં સ્થાનોમાં સાધના કરવા જશે તો શું થશે?

તેની પાસે શક્તિ પણ આવી ગઈ છે અને તેના ઇન્દ્રિયભોગ પણ હજુ બાકી છે, શક્તિ-પ્રાપ્તિ કે સિદ્ધિ પ્રાપ્તિ અને ઘમંડનું રહેવું આ બંનેનું મિશ્રણ ખૂબ જ ભયાનક છે. માટે એ અતિ આવશ્યક છે કે કોઈ શક્તિ પ્રાપ્ત થાય એ પહેલાં આપણે આપણા ઘમંડથી સંપૂર્ણ મુક્ત થઈ જઈએ. નહિ તો જે શક્તિઓ આપણે મેળવી છે, તેનો દુરુપયોગ કરવાની શરૂઆત કરી દઈશું. તેથી જ આવાં સ્થાનોમાં જ્યાં જપનું અનેકગણું ફળ મળે છે, ત્યાં ભૈરવની ઉપસ્થિતિ હોય છે અને જેવા આપણે જપ કરવાનું આરંભ કરીએ, ત્યારે ભૈરવ આવીને ભયાનક દૃશ્યો બતાવવાનું શરૂ કરી દે છે. આથી જેની સંકલ્પશક્તિ (વીલ પાવર) નબળી તથા બુદ્ધિશક્તિ અવિકસિત હશે, તથા જે કામ-વાસનાઓમાં ડૂબેલ હશે, તે આવાં દૃશ્યો જોઈને ડરી જશે કાં તો પાગલ થઈ જશે. માટે જ શક્તિ-સ્થાનની પવિત્રતા જાળવવા માટે ઈશ્વરે એક સુરક્ષા-કવચ જેવું બનાવ્યું છે.

એક સાચા સાધક માટે તેમજ સમસ્ત સમાજ માટે આ શક્તિ-સ્થાન કે શક્તિપીઠ ખૂબ જ આવશ્યક છે. ત્યાં જઈને સાત્ત્વિક સાધક જપ કરે તો તેનામાં ઓજસ પ્રગટ થાય છે. ઓજસ એક એવી શક્તિ છે કે જે જપ કરવાથી આપણા હૃદયમાં વિકસિત થતી જાય છે, જેથી આપણી આધ્યાત્મિક કુંડલિની જાગૃત થાય છે. આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં છ ચક્રો આવેલાં છે. આપણી કરોડરજ્જુના અંતિમ છેડે વિરાજિત છે કુંડલિની અને આપણા મસ્તિષ્કના સૌથી ઉપરના મધ્યભાગમાં છે સહસ્રાર ચક્ર. જપ કરવાથી જેમ જેમ આપણી ઓજસશક્તિ વધતી જશે, તેમ તેમ આ કુલકુંડલિની એક પછી એક ચક્રોને ભેદીને સહસ્રરંધ્ર સુધી પહોંચશે. ત્યાં પહોંચતાં જ આપણને સમાધિ પ્રાપ્ત થશે અથવા તો ઈશ્વર-દર્શન કે આત્મદર્શન થશે.

હઠયોગની સાધનાના અંતમાં જડસમાધિ થાય છે. ઠાકુર એક વાર હઠયોગની સાધના કરતાં કરતાં જડસમાધિમાં પ્રવેશ કરવાને આરે પહોંચી ગયા હતા. પરંતુ જો તેઓ જડસમાધિમાં મગ્ન થઈ ગયા હોત તો તેમનો દેહત્યાગ નિશ્ચિત હતો, અને પોતે જે જીવનકાર્યને સિદ્ધ કરવા માટે અવતીર્ણ થયા હતા એ અપૂર્ણ જ રહી જાત.

પરંતુ દૈવયોગથી એક ઘટના બની. ઠાકુરના એક સંબંધી હતા હલધારી, જે ઉંમરમાં ઠાકુરથી મોટા હોવાથી ઠાકુર તેમને દાદા (મોટા ભાઈ) કહેતા. ઠાકુરે એક વાર તેમને કહ્યું હતું કે, દાદા, મેં સાંભળ્યું છે કે તમે શક્તિ-સાધના, તંત્ર-સાધનાના નામે વ્યભિચાર આચરો છો, શું આ વાત સાચી છે? તમારે આ ન કરવું જોઈએ.

આ વાત સાંભળીને હલધારી ખૂબ નારાજ થઈ ગયા અને ઠાકુરને શ્રાપ આપી બેઠા કે જા, તારા મોઢામાંથી રક્ત નીકળશે. પણ જે સત્ય હોય તે કહેવાની ઠાકુરની તો ફરજ હતી.

કોઈ પણ સાધક કોઈ દુરાચાર કરશે તો એ સાધકને તો હાનિ થશે જ, પરંતુ એને કારણે સમસ્ત સમાજ સાધક-સમુદાયને સંદેહની દૃષ્ટિથી જોવા લાગશે. આમ, ઠાકુરે ફક્ત હલધારીના ભલા માટે આ વાત નહોતી કરી પરંતુ બધા સંતપુરુષો, સાધકો, યોગીઓ, સાધુ-સંન્યાસીઓના કલ્યાણ માટે કરી હતી.

એ ઘટનાના કેટલાક દિવસો બાદ સંધ્યા સમયે ઠાકુર પોતાના ઓરડામાં બેઠા હતા. અચાનક તેમના મુખમાંથી લોહી પડવા લાગ્યું! લોહી એટલું ઘટ્ટ હતું કે તેમના મુખ ઉપર જામી ગયું. ઠાકુરનો તો સહજ બાળસ્વભાવ હતો. તેઓ નાના બાળકની જેમ ક્રંદન કરવા લાગ્યા. આસપાસ ભયનું વાતાવરણ સર્જાઈ ગયું. હલધારી એ સમયે મંદિરમાં માની પૂજાનું કોઈ કાર્ય કરી રહ્યા હતા. એ પણ દોડતાં દોડતાં આવ્યા. ઠાકુરે તેને કહ્યું કે જુઓ, તમે મને શ્રાપ આપ્યો હતો ને, તેથી મારી આ અવસ્થા થઈ. આ સાંભળીને હલધારી પણ રડવા લાગ્યા.

પંચવટીમાં ત્યારે એક મહાત્મા નિવાસ કરી રહ્યા હતા. તેમણે ઠાકુરના ઓરડામાં આવીને લોહીનું પરીક્ષણ કર્યું અને જોયું કે લોહી ખૂબ ઘટ્ટ છે. તેમણે ઠાકુરને કહ્યું કે જુઓ, તમે જે હઠયોગની સાધના કરી રહ્યા હતા, તેને કારણે તમને જડસમાધિ પ્રાપ્ત થવાની તૈયારી હતી. આ રક્ત તમારા સહસ્રરંધ્રમાં ચાલ્યું જાત તો જડસમાધિ થાત. પરંતુ તમારા મોઢામાંથી આ રક્ત નીકળી ગયું, એનો અર્થ એ કે જડસમાધિનો માર્ગ બંધ થઈ ગયો.

રામકૃષ્ણ પરંપરામાં સ્વતંત્રતા પર લગામ

આમ, ઠાકુર તેમના શિષ્યોને સંયમમાં રાખતા. શિષ્યોની પૂર્વધારણાઓ, સંસ્કારોને તોડી પાડતા, જેથી એક નૂતન સાત્ત્વિક આધાર ઘડાય તથા આ આધાર પર એક નવીન આધ્યાત્મિક શરીર તથા વ્યક્તિત્વનું ગઠન થાય. સ્વામીજી પણ ઠાકુરની સમાન જ નિવેદિતાને કઠોર શિસ્તમાં રાખતા હતા કે જેથી નિવેદિતા પોતાના જીવનનું પુનર્ગઠન કરી શકે. આપણી ભારતીય પરંપરામાં ગુરુ શિષ્યને અનુશાસનમાં રાખે છે, કેમ કે આ શિસ્ત તથા આત્મસંયમ દ્વારા જ શિષ્ય ચારિત્ર્યઘડતર, આધ્યાત્મિક ઉપલબ્ધિ, તથા બૌદ્ધિક કુશળતા પ્રાપ્ત કરી શકે છે.

ભાવનાત્મક પોષણ

પાછા સંયુક્ત કુટુંબ પર આવીએ. અહીં આપણે સ્વતંત્રતાનું હનન જોયું. પણ આથી આપણે એમ ન માની બેસીએ કે સંયુક્ત કુટુંબપ્રથા ખોટી હતી.

સંયુક્ત પરિવારમાં બાળકનો ઉછેર પ્રેમ-સ્નેહભર્યા વાતાવરણમાં થાય છે. પરિવારના બધા સભ્યો જેવાં કે દાદા-દાદી, કાકા-કાકી, મામા-મામી વગેરે બાળકને લાડ લડાવે છે. તેના માટે મીઠાઈ લાવી આપે છે, તેની સાથે પ્રેમથી નિરાંતે વાતો કરે છે, તેની સાથે વિવિધ રમતો રમે છે, જેથી બાળકનું ભાવનાત્મક પોષણ (emotional nourishment) થાય છે.

એક સમય હતો જ્યારે મનોવૈજ્ઞાનિકો IQને (બૌદ્ધિક-આંકને) ખૂબ મહત્ત્વ આપતા. હવે આજકાલ EQનું (ભાવનાત્મક બુદ્ધિમત્તાનું) પણ પરીક્ષણ કરવામાં આવે છે. બાળકમાં ભાવનાત્મક સ્થિરતા કેટલી છે, બાળકમાં આત્મસંયમ છે કે પછી એ નાની નાની બાબતોમાં રીસાઈ જાય છે કે હતાશ થઈ જાય છે, વગેરેની ચકાસણી કરવામાં આવે છે. અણધારી આપત્તિ આવી પડે તો શું તે નાસીપાસ થઈ જાય છે, અથવા તો કાર્યમાં બાધા આવી પડે તો શું ક્રોધિત થઈ જાય છે કે ક્રોધ, ઈર્ષ્યા, હતાશા વગેરે જેવી નકારાત્મક લાગણીઓને સંયમમાં રાખી શકે છે? નકારાત્મકતા સંપૂર્ણ રૂપે નાબૂદ થઈ જાય એ તો શક્ય નથી જ. સમાધિ પ્રાપ્ત થયા પછી જ્યારે આપણા સંસ્કાર દગ્ધબીજ થઈ જશે ત્યારે જ પંચક્લેશ—અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ ચાલ્યા જશે. અહીં દગ્ધબીજ છે—યોગસૂત્રનો એક પારિભાષિક શબ્દ.

વૃક્ષ કે છોડના બીજને જમીનમાં વાવવાથી તે અંકુરિત થાય છે, પરંતુ જો બીજને ગરમ ભઠ્ઠીમાં બાળી નાખવામાં આવે તો તે અંકુરિત થતું નથી. બીજનું અંકુરિત ન થવું અર્થાત્‌ કામ-કાંચનરૂપી જે આપણી વાસનાઓ છે, તેનો જડમૂળથી વિનાશ થવો.

ભારતીય CEOનો વિશ્વવિજય

આપણને સમાધિ પ્રાપ્ત થશે ત્યારે આપણા પંચક્લેશ દગ્ધબીજ થશે—એ તો બહુ દૂરની વાત છે. એ પહેલાં આવો આપણે ભાવનાત્મક પરિપક્વતા (ઇમોશનલ મેચ્યોરીટી) કેળવીએ. મલ્ટીનેશનલ કંપનીઓમાં સફળ થવા માટે માત્ર તમારી ટેક્નિકલ સમજણ કે કુશળતા (સ્કિલ) પર્યાપ્ત નથી. સાથે જ જોઈએ તમારું મિલનસાર વ્યક્તિત્વ તથા કમ્યુનિકેશન સ્કિલ. લાગણીઓને સંયમમાં રાખીને ઘણા બધા લોકો સાથે અનુકૂલન સાધીને કામ કરવું જ્યારે શક્ય બનશે ત્યારે આપણું વ્યક્તિત્વ નિખરી ઊઠશે.

આપણા ભારતીય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો (સીઇઓ) મલ્ટીનેશનલ કંપનીઓમાં આટલા સફળ થાય છે, કારણ કે તેમનો ઉછેર સંયુક્ત કુટુંબમાં થયો હોવાથી તેમને બાળપણમાં જે ભાવનાત્મક ટેકો, સ્નેહ, પ્રેમ મળ્યો હતો, તેથી તેમને માનસિક સ્થિરતા મળી હતી અને લાગણીઓનું પોષણ યોગ્ય રીતે થયું હતું.

મલ્ટીનેશનલ કંપનીઓમાં આખા વિશ્વની પચરંગી પ્રજા એકીસાથે કામ કરતી હોય છે. કોઈ મેક્સિકન છે, તો કોઈ કોરિયન, કોઈ ફ્રેંચ, કોઈ રશિયન, કોઈ આફ્રિકન; કોઈ શ્રીલંકાથી છે, તો કોઈ છે ભારતીય. બધાની ભાષાઓ પણ જુદી જુદી હોય છે. કોઈ જાપાનીઝ બોલે છે, કોઈ બંગાળી, કોઈ સ્વાહિલી, કોઈ પંજાબી, કોઈ ફ્રેંચ તો કોઈ ઇંગ્લિશ.બહુવિધ ભાષાઓ, બહુવિધ સંસ્કૃતિ, બહુવિધ સભ્યતા, બહુવિધ સંસ્કારો તથા બહુવિધ ધર્મો.

એક જ ઓફિસમાં કે એક જ સંસ્થામાં આ બધા એકત્ર થયા છે. એક સમાન ભાષા તથા સંસ્કૃતિવાળા દસ લોકો સાથે કામ કરવા બેસીએ ત્યારે જે પ્રકારના માથા ગરમ થાય અને અહંકારનો ટકરાવ થાય એ તો આપણે જોઈએ જ છીએ. તો બહુવિધ સંસ્કૃતિ ધરાવતા હજારો લોકો સાથે મળીને કામ કરતા હોય ત્યારે કેવી વિસ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થાય એનું આપણે સહજે અનુમાન કરી શકીએ છીએ.

તો આ પરિસ્થિતિમાં માથું ઠંડું રાખીને બધા સાથે વ્યવહાર (deal) કરવાની જે આવડત છે, તે આપણા ભારતીય સી.ઇ.ઓ. પાસે વધુ પ્રમાણમાં હોય છે, કારણ કે સંયુક્ત પરિવારમાં રહીને તેઓએ બે વસ્તુઓ પ્રાપ્ત કરી છે—ભાવનાત્મક પરિપક્વતા તથા વ્યવહાર કુશળતા.

સંયુક્ત કુટુંબોમાં કોઈનું વિચિત્ર વર્તન રહેશે, કોઈની વિચિત્ર કુટેવ રહેશે, કોઈની નારાજગીપ્રદત્ત (annoying) વૃત્તિ રહેશે. તેથી આપણે બાળપણથી જ આ બધાં સાથે વ્યવહાર કરવાનું શીખી જઈએ છીએ. જેમ કે, શ્રીમા શારદાદેવીના પરિવારમાં પાગલી મામી, રાધુ, માકુ, નલિની તથા શ્રીમાના ત્રણ ભાઈઓ વગેરે હતાં. આ બધાંના સ્વભાવ એકથી એક ચઢે તેવાં હોવા છતાં પણ શ્રીમા માથું ઠંડું રાખીને બધાં સાથે સદ્‌વ્યવહાર કરતાં.

વ્યક્તિગત સ્વતંત્રતાનું દુષ્પરિણામ

તો સંયુક્ત પરિવાર અને ગુરુ-શિષ્ય પરંપરા—આ બંને આપણા સામાજિક તથા મનોવૈજ્ઞાનિક જીવનના પાયા હતા. પરંતુ આજકાલની આધુનિક વિચારધારા છે કે હું મુક્ત રહેવા માગું છું. મારે સ્વતંત્ર નિર્ણયો લેવાની આઝાદી જોઈએ છે. આ બધાને કારણે આપણાં સંયુક્ત કુટુંબો તૂટતાં ગયાં, અને વિભક્ત કુટુંબો (nuclear family) અસ્તિત્વમાં આવ્યાં, જેમાં પતિ-પત્ની તથા એક-બે પુત્ર-પુત્રીઓ છે. તેમાં પતિ તો કોઈ નોકરી-ધંધો કરે જ છે ઉપરાંત, પત્ની પણ રોજગાર કરવા ઘરની બહાર જશે. બાળકોને એવું લાગે છે કે તેમના પર કોઈ ધ્યાન આપતું નથી, તેમને કોઈ પ્રેમ કરતું નથી. આમ, તેઓ સ્વયંને ઉપેક્ષિત સમજવા માંડે છે. આ રીતે એકલતા આજના યુગની એક ખૂબ જ ભયંકર બીમારી બની ગઈ છે, જે આપણા હૃદયને ભીતરથી ખોખલું બનાવી દે છે અને નાની નાની વાતોમાં આપણને હતાશામાં ધકેલી દે છે.

જ્યારે બાળક આ રીતે એકલું એકલું ઘરમાં રહે છે ત્યારે તેને ભાવનાત્મક પોષણ નથી મળતું અને બીજું, તેને ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા લોકો સાથે અનુકૂલન સાધવામાં મુશ્કેલી થાય છે. આ કારણે આવાં બાળકો સ્વભાવે એકદમ અધીર બની જાય છે. માતા પાસે ખાવા-પીવાની કોઈ ચોક્કસ વસ્તુની માગણી કર્યા કરશે. જેમ કે, મારે પીઝા ખાવા છે વગેરે. જો માતા શાક-રોટલી જેવો પોષણયુક્ત ખોરાક ખાવાની સલાહ આપશે તો નારાજ થઈ જશે, કેમ કે તેણે મનને સંયમમાં રાખવાનું શીખ્યું નથી. આ આજના સમયની એક ખૂબ જ ગંભીર સમસ્યા છે.

ઉદારવાદી વલણ આવવાથી સંયુક્ત પરિવારોની જેમ જ ગુરુ-શિષ્ય પરંપરાનો પણ લોપ થયો છે, જેથી ગુરુએ શિષ્યને જે પ્રમાણે અનુશાસિત કરવો જોઈએ, એ શક્ય બનતું નથી.

આજકાલ તો શિક્ષક વિદ્યાર્થીને ઠપકો પણ ન આપી શકે અને પરીક્ષામાં નાપાસ કરતાં પણ ડરે. જો વિદ્યાર્થી દબાણમાં આવીને કશું ખોટું પગલું ભરી બેસે તો જવાબદાર કોણ? મેં આઠમા ધોરણના એક વિદ્યાર્થીને જોયો છે કે જે પોતાનું નામ પણ લખી નથી શકતો. આપણે જો વિદ્યાર્થીને શિસ્તમાં નહિ રાખીએ તો એ વિદ્યા કઈ રીતે પ્રાપ્ત કરશે, મનને એકાગ્ર કેવી રીતે કરશે? મન તો વાંદરા જેવું ચંચળ છે. માની લો કે આપણે 100 વિદ્યાર્થીઓની સાથે એક પ્રયોગ કર્યો. રજાના દિવસે શું કરવું એ વિશે આપણે એમને આટલા વિકલ્પ આપ્યા—ટેલિવિઝન પર કોઈ મૂવી જોવું, કાં તો મોબાઇલમાં સોશિયલ મીડિયામાં મિત્રો સાથે ગપ મારવી, અથવા તો અભ્યાસ કરવો. જો એ વિદ્યાર્થીઓની પાસે વિકલ્પ પસંદ કરવાની સ્વતંત્રતા હશે તો 100માંથી કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસનો વિકલ્પ પસંદ કરશે!

ઠાકુર ત્રણ પ્રકારના વૈદ્યની વાત કરે છે. સામાન્ય વૈદ્ય હશે એ ઔષધિ આપીને ચાલ્યો જશે. મધ્યમ વૈદ્ય દર્દીને ઔષધિના ફાયદા જણાવીને તેને સમજાવવાનો પ્રયાસ કરશે, પરંતુ જે વૈદ્ય દર્દીને ધક્કો મારી, પછાડી દઈને તેની છાતી પર બેસીને બળજબરીપૂર્વક તેના મોઢામાં દવા પિવડાવી દેશે, તે જ છે ઉત્તમ વૈદ્ય કે ગુરુ.

તો વાચકો, આપનું શું મંતવ્ય છે—આજના સમયમાં ઠપકો આપીને પણ વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ શીખવી, તેઓના આધ્યાત્મિક તેમજ બૌદ્ધિક વિકાસના પ્રેરક બને એવા ગુરુનું પ્રયોજન ખરું કે નહીં?

સ્વતંત્રતા અને અનુશાસનનું સંતુલન

અત્યાર સુધી તો જોઈ ખોટી સ્વતંત્રતા, આવો હવે જોઈએ સાચી સ્વતંત્રતા.

સ્વામી વિવેકાનંદ કહે છે કે, “સમગ્ર વિશ્વ માત્ર આત્માનું જ વૈવિધ્ય છે, મધુરતા માટે એક જ રાગના ગવાયેલા વિભિન્ન સૂરો છે. ક્યારેક આ રાગમાં વિસંવાદિતા આવી જાય છે પણ તે આવનારી સંવાદિતાને વધારે પૂર્ણ બનાવે છે. આ વિશ્વ-સંગીતમાં ત્રણ ભાવો વિશેષરૂપે દેખાઈ આવે છે : મુક્તિ, શક્તિ અને સમતા.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૬૪)

સ્વતંત્રતા, સામર્થ્ય અને એકતા—આ ત્રણ મહાન ગુણો સાધકમાં હોવા જોઈએ. પરંતુ આ સ્વતંત્રતા છે—ધર્મના માર્ગ પર ચાલવામાં આપણો  વિરોધ થાય તો તેનો પ્રતિકાર કરવાની સ્વતંત્રતા. જેમ કે, વિભીષણના મોટા ભાઈ રાવણ અધર્મી છે, પરંતુ વિભીષણે વિચાર્યું કે હું ધર્મના માર્ગ પર ચાલીશ અને ભગવાન શ્રીરામનો અનુગત થઈશ. તેણે રાવણ મોટા ભાઈ હોવા છતાં તેમને જઈને કહ્યું કે તમે સીતામાતાનું હરણ કરીને ખૂબ જ ખોટું કર્યું છે.

તો ધર્મના માર્ગ પર ચાલવાની સ્વતંત્રતા હોવી જોઈએ. તે સમયે જો કોઈ આપણને હાનિ પહોંચાડે કે આપણો માર્ગ રોકવાનો પ્રયત્ન કરે તો વિરોધ કરવો વ્યાજબી છે. પરંતુ જ્યાં સુધી તમને ખબર ન હોય કે ધર્મ શું, અધર્મ શું; મારા માટે શું પ્રેય છે, મારા માટે શું શ્રેય છે—ત્યાં સુધી અનુશાસનમાં રહેવું જરૂરી છે. પ્રેય અર્થાત્‌ ઇન્દ્રિય સુખોપભોગની બધી વસ્તુઓ જે મને પસંદ છે અને શ્રેય એટલે અભ્યાસ, જપ-ધ્યાન, સાધના કે જે મારા ભવિષ્યનું ગઠન કરશે.

વિદ્યાર્થી અવસ્થામાં એટલે કે બ્રહ્મચર્યાશ્રમમાં શિસ્તમાં રહેવું જ જોઈએ, નહિંતર આપણો વિકાસ રુંધાઈ જશે. આમ, સ્વતંત્રતા બેધારી તલવાર સમાન છે. સ્વતંત્રતાનો આપણે યોગ્ય ઉપયોગ ન કર્યો અને ઇન્દ્રિય સુખના બંધનમાં ફસાઈ ગયા તો આપણો આધ્યાત્મિક વિકાસ, ધર્મના માર્ગ પર ચાલવાની આપણી શક્તિ કુંઠિત થઈ જશે. આપણે આપણા મનને શિસ્તમાં ન રાખીએ તથા કોઈની વાત ન સાંભળીએ અને દિવસભર ચિડાઈને રહીએ, કોઈને મદદરૂપ ન બનીએ, નિરાશામાં ધકેલાઈ જઈએ એ સ્વતંત્રતા નથી. આપણી વાસનાઓ ઉપર બંધન રાખવાનું છે.

બીજી બાજુ, સાધના કરવા માટે આપણી પાસે સ્વતંત્રતા હોવી આવશ્યક છે. એક ભક્ત ઠાકુરને પૂછે છે: “જો કોઈની મા એમ કહે કે તું દક્ષિણેશ્વર જઈશ નહિ! ત્યાં જો જા તો મારું લોહી પી; તો?”

શ્રીરામકૃષ્ણ ઉત્તર આપે છે: “જે મા એમ કહે તે મા નહિ; એ અવિદ્યારૂપિણી સ્ત્રી. એ માનું કહેવું ન માનવામાં કશો દોષ નહિ, કારણ કે એ મા ઈશ્વર-પ્રાપ્તિના માર્ગમાં વિઘ્ન મૂકે છે. ઈશ્વરને માટે ગુરુજનનું કહેવું ન માનવામાં દોષ નહિ. ભરતે રામને માટે કૈકેયીનું કહેવું માન્યું નહિ. ગોપીઓએ કૃષ્ણ-દર્શનને માટે પોતાના પતિની મનાઈ કાને ધરી નહિ. પ્રહ્લાદે ઈશ્વર-દર્શનને માટે બાપની વાત સાંભળી નહિ. બલિ રાજાએ ભગવાનની પ્રીતિ માટે ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા માની નહિ. વિભીષણે રામને મેળવવા માટે મોટાભાઈ રાવણની વાત સ્વીકારી નહિ.”

(શ્રીરામકૃષ્ણ કથામૃત, 41.8)

જ્યારે આપણે વિદ્યાર્થી અવસ્થામાં હોઈએ ત્યારે સ્વયંને અનુશાસનમાં રાખવાના છે અને જ્યારે પરિપક્વ બનીએ, આપણી વ્યક્તિગત સમજણનો વિકાસ થાય, અને આપણું શ્રેય અને પ્રેય શું છે, તેનું જ્ઞાન વિકસિત થાય, ત્યારે આપણે ધર્મના માર્ગ પર ચાલવા માટે સ્વતંત્ર રહેવાનું છે.

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.