ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-ભાવધારાના પ્રભાવ વિષયક આ શૃંખલામાં વધુ એક સાહિત્યકાર, કવિ, નિબંધકાર, આધ્યાત્મિક લેખક અને જેમને સ્વામી આનંદ (જેના વિષે આપણે આ જ શૃંખલામાં આ પહેલાં વાંચી ગયા છીએ) ‘સાંઈ’ કહી સંબોધતા—‘સાંઈ’ એટલે એવી વ્યક્તિ જે ઈશ્વરને સમર્પિત થઈ ગઈ છે—એવા ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મકરન્દ દવે વિશે વાત કરવાની છે.

જેનું જીવન અલગારી હતું તેવા શ્રી મકરન્દભાઈ દવેનો જન્મ રાજકોટ શહેરથી ૩૫-૪૦ કિ.મી. દૂર આવેલ ગોંડલ ગામે ૧૩મી નવેમ્બર, ૧૯૨૨માં થયો હતો, અને ૩૧મી જાન્યુઆરી ૨૦૦૫ના રોજ વલસાડ નજીક નંદીગ્રામ ખાતે તેમનું દુ:ખદ નિધન થયું હતું.

૮૨ વર્ષના તેમના જીવનકાળમાં તેમણે અનેક કાર્યો કર્યાં હતાં. સ્નાતક થવા માટે સૌ પ્રથમ ૧૯૪૦માં ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ ૧૯૪૨માં દેશપ્રેમને કારણે ‘ભારત છોડો આંદોલન’માં સક્રિય ભાગ લેવા માટે તેમણે અભ્યાસ છોડી દીધો અને આમ તેઓ સ્નાતક ન બની શક્યા.

ત્યારબાદ ગોંડલમાં શ્રી નાથાલાલ જોશીના સંપર્કમાં આવી, તેઓ શ્રીરામકૃષ્ણદેવના અનુયાયી બની ગયા. ૧૯૬૮માં સુપ્રસિદ્ધ લેખિકા કુન્દનિકા કાપડિયા સાથે તેઓનું લગ્ન થયું, અને પછી તેઓ મુંબઈ ગયાં. સમયાંતરે તેઓએ મુંબઈથી પરત આવી વલસાડ જીલ્લામાં ધરમપુર ગામ પાસે પ્રકૃતિથી સમૃદ્ધ આદિવાસી વિસ્તાર નંદીગ્રામમાં આદિવાસીઓની સેવા અને પ્રકૃતિ સાથે જીવવાના સંકલ્પ સાથે સ્થાયી થયાં.

આ પહેલાં ૧૯૪૪-૪૫ દરમિયાન શ્રી મકરન્દ દવે ‘કુમાર’ના સંપાદક રહ્યા, ૧૯૪૬માં ‘ઊર્મિનવરચના’ અને ‘જયહિન્દ’ દૈનિકમાં સંપાદક તરીકે સેવા આપી.

સાહિત્ય ક્ષેત્રે તેમણે અનેક કાવ્યો અને આધ્યાત્મિક પુસ્તકોનું લેખનકાર્ય કર્યું છે. તેમનાં પુસ્તકો વાંચવાથી આપણે જાણી શકીએ કે તેઓ સ્વયં એક સાધક હતા અને તેમણે કઈ હદ સુધી ઈશ્વર સાથે સાક્ષાત્કાર કર્યો છે, તેનું પ્રમાણ મળે છે.

૧૯૭૯માં તેમને ગુજરાતી સાહિત્યના સર્વશ્રેષ્ઠ પુરસ્કાર ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’થી નવાજવામાં આવ્યા. ૧૯૯૭માં ‘સાહિત્ય ગૌરવ’ પુરસ્કાર અને ‘નરસિંહ મહેતા’ એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયા.

બાળપણથી જ તેઓ શ્રીરામકૃષ્ણદેવ માટે પાગલ હતા. તેમના મોટાભાઈ પોતાનાં સંસ્મરણોમાં કહે છે, ‘જ્યારે તેઓ યુવાવસ્થામાં હતા ત્યારે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચતા તેમની આંખોમાંથી આંસુ સરી પડતાં, અને આવાં દૃશ્યો મેં અનેક વાર જોયાં છે. તેમણે મૂળ બંગાળીમાં લખાયેલ આ પુસ્તકો વાંચવા માટે ખાસ બંગાળી ભાષા શીખી હતી.’ તે ગ્રંથ પ્રતિ તેમની શ્રદ્ધા કેવી હશે! કેટલો પ્રેમ હશે! આ ઉપરાંત, સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા અને રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં તેઓ ઓતપ્રોત રહેતા.

જ્યારે સ્વામી આનંદ સાથે મુલાકાત થઈ, ત્યારે તેમની પાસેથી તેમણે શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ શિષ્યો વિશે ઘણું સાંભળ્યું હતું. તેમની વચ્ચે થયેલા પત્ર-વ્યવહાર—જે પછીથી ‘સ્વામી અને સાંઈ’ શિર્ષકથી પુસ્તકરૂપે પ્રકાશિત થયો—દ્વારા આપણે જાણી શકીએ કે તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદના કેટલા અનુરાગી હતા! સ્વામી આનંદ સાથે બેસીને શ્રીરામકૃષ્ણના સાક્ષાત શિષ્યોનાં સંસ્મરણો લખવાની તેમનાં ધર્મપત્ની કુન્દનિકાબહેનની ઇચ્છા હતી, પરંતુ એ શક્ય ન બન્યું અને એમની એ ઇચ્છા અધૂરી રહી ગઈ. સ્વામી આનંદ સાથેની વાતોથી—ખાસ કરીને સ્વામી તુરીયાનંદજી વગેરેની વાતોથી—શ્રી મકરન્દભાઈ પ્રભાવિત થયા હતા. તેમની લાઈબ્રેરીમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિષયક અનેક પુસ્તકો હતાં.

સ્વામી આનંદને તેઓ એક પત્રમાં લખે છે:

શ્રીરામકૃષ્ણનું સાહિત્ય મેં ખૂબ વાંચ્યું છે. તેમને અને ટાગોરને વાંચવા હું બંગાળી શીખ્યો છું. રામકૃષ્ણ વિશે કેટલાક અજબ અનુભવો પામ્યો છું. તમે તો કદાચ તેમના સીધા શિષ્યોના સંબંધમાં પણ આવ્યા હશો. મને એમનાં સ્મરણો કહી શકો? એ બધા ગોપાલના ગોઠિયાઓ વિશે જાણવાની ઇચ્છા રહ્યા જ કરે છે. તુરીયાનંદના પરિચયમાં તમે આવેલા? ‘Don’t plan. Mother’s will shall come to pass’ (યોજના ન બનાવો. શ્રીમાની જે ઇચ્છા હશે તે જ થશે) કહેનાર એ ભારે મસ્તરામ છે.’

તા. ૯.૫.૬૨ના રોજ સ્વામી આનંદ તેમને પત્રમાં લખે છે:

“મજલો આમાર મન ભ્રમરા’વાળું ગીત મારી કિશોર વયે મારા ગુરુવત્  મહાપુરુષ સ્વામી શિવાનંદજીને અતિ પ્રિય હતું અને હંમેશાં મારી પાસે તેઓ ગવડાવતા. તમારા પત્રથી એ અંગેનાં ૫૦-૬૦ વર્ષ જૂનાં અનેક સ્મરણો તાજાં થઈ ગયાં.’

આમ તે બંનેના પત્રવ્યવહારથી આપણને ખબર પડે છે કે મકરન્દભાઈ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે કેટલા ગાઢ રીતે જોડાયેલા હતા. તેમને ઘણી અનુભૂતિઓ પણ થઈ હતી. એક અનુભૂતિનું વર્ણન તેઓ એક પત્રમાં કરે છે:

ગોંડલમાં એક વખત તેમને પેટમાં દર્દ ઊપડ્યું અને તેમને રાજકોટ લાવવામાં આવ્યા. હોસ્પિટલમાં દાખલ થયો અને ‘એપેન્ડીસાઈટીસ’નું ઓપરેશન કરવાનું નક્કી થયું. તેઓ આખી રાત રડતા રહ્યા અને પ્રાર્થના કરતા રહ્યા. ‘હે જગદંબા, હું ગોંડલમાં તમારું જ નામ જપતો હતો. મને અહીં રાજકોટ શા માટે લાવ્યાં!’ આવી જાણે ફરિયાદના સૂરમાં તેમણે પ્રાર્થના કરી. બીજી તરફ તેમનાં માતુશ્રી પણ ગોંડલમાં પ્રાર્થના કરતાં રહ્યાં. સવારે પાંચ વાગ્યે શ્રીમકરન્દભાઈને જાણે કે એક અવાજ સંભળાયો, ‘આજે દસ વાગ્યે તમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.’ એક આધ્યાત્મિક અનુભવ તેમને થયો. તેઓ ખૂબ રાજી થયા અને બધાને એ વિશે વાત કરી.

સવારે પોણા દસ વાગ્યે ડોક્ટરોએ તેમને ફરી તપાસ્યા અને આશ્ચર્યની વાત છે કે પહેલાં લેવાયેલ એક્સ રે દ્વારા, જે એપેન્ડીસાઈટીસનું નિદાન થયું હતું, તે માંહેની કોઈ તકલીફ તે સમયે ન જોવા મળી. અને તેમને બરાબર દસ વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ત્યાર બાદ પણ તેમને અનેક અનુભૂતિઓ થઈ હતી. એટલે જ એમને ‘સાંઈ’ કહેવામાં આવતા હતા.

રામકૃષ્ણ મઠ-મિશન પ્રતિ તેમને અખૂટ શ્રદ્ધા હતી. ૧૯૭૯ થી ૧૯૯૮ સુધી મારા રાજકોટ આશ્રમના કાર્યકાળ દરમિયાન તેમની સાથે અનેક વખત પત્ર-વ્યવહાર થતો રહ્યો. ‘રામકૃષ્ણ જ્યોત’માં દીપોત્સવી અંકમાં સુપ્રસિદ્ધ સાહિત્યકારોના લેખ પ્રકાશિત થતા. એ બાબતે તેમને પત્ર લખતાં તેઓ તરત જ પોતાની રચના મોકલાવી આપતા, જેમાંની એક ‘હિમગિરિ પરનું સૂર્યકિરણ’માં તેમણે સિસ્ટર નિવેદિતાએ પ્લેગ સમયે કરેલી અદ્‌ભુત સેવા અને દાર્જિલિંગમાં તેમણે કરેલા દેહત્યાગ વિશે સિસ્ટર નિવેદિતાના શબ્દોને ઉદ્ધૃત કર્યા છે, ‘મારો ક્ષીણ દેહ સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ સૂર્યકિરણ જરૂર આવશે, પ્રભાત થશે. ભારતમાતામાં નવું પ્રભાત થશે.’ એ જ સમયે હિમગિરિમાંથી સૂર્યકિરણ આવ્યું અને તેમણે દેહ છોડી દીધો! આમ, આધ્યાત્મિકતાથી ભરપૂર, અનુભૂત, સાધક, સાંઈ—જેમણે સાધના પૂર્ણ કરી લીધી છે—શ્રી મકરન્દ દવે બાળપણથી જ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી પ્રભાવિત હતા અને જોડાયેલા રહ્યા હતા.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.