ધ્યાનનો પરિચય

ધ્યાનનો સામાન્ય અર્થ થયો, કોઈ પણ એક વસ્તુ કે વિચાર ઉપર મનને એકાગ્ર કરવું. પતંજલિ ઋષિ યોગસૂત્રના ‘વિભૂતિપાદ’માં આ પ્રક્રિયાને ત્રણ સોપાનોમાં વર્ણવે છે: અમુક ખાસ વિષય પર ચિત્તને સ્થિર કરવું, એ થઈ ધારણા. એ વિષય ઉપર ચિત્તનો અખંડ પ્રવાહ વહે તો થાય ધ્યાન. જ્યારે વિષયનાં બાહ્ય રૂપો ઊડી જાય અને એનો અંતર્નિહિત અર્થ પ્રકાશિત થાત ત્યારે થાય સમાધિ.

વેદાંત દર્શન અનુસાર જો આપણે મનને ઈશ્વર અથવા અવતાર પર એકાગ્ર કરીએ તો ધ્યાનની પ્રક્રિયા સહજ બની જાય છે. ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, કે મા જગદંબાના ભવ્ય સ્વરૂપ ઉપર ધ્યાન કરી શકાય અથવા તો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, કે ભગવાન રામકૃષ્ણ રૂપી અવતારના જીવનમાંથી મુક્તિપ્રદ શ્રદ્ધાદાયી પ્રસંગો ઉપર પણ ધ્યાન કરી શકાય.

વિશ્વાસના વહેણ

આજકાલ પાછો અવિશ્વાસનો યુગ છે. જો કોઈ યોગકેન્દ્રમાં તમે જશો તો તમને દીવડાની જ્યોત કે હૃદય ઉપર ધ્યાન કરવાનું શીખવશે. આમાં પણ ખોટું કંઈ નથી. મનને એકાગ્ર કરવાથી જ થયું. પરંતુ એકાગ્રતા આણવી કેટલી અઘરી છે, એ ખબર છે ને! સ્વામી વિવેકાનંદ મનને એવા વાંદરાની સાથે સરખાવે છે કે જેણે શરાબ પીધો છે, જેને વીંછી કરડ્યો છે, અને ઉપરથી જેની ઉપર ભૂત ચડ્યું છે.1સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 1, પૃ. 190 આંખ બંધ કરીને દસ મિનિટ બેસવાનો પ્રયત્ન કરો તો આ વાતની સત્યતા પ્રત્યક્ષ થઈ જશે.

સૃષ્ટિ, સ્થિતિ, પ્રલયના સ્વામી ઈશ્વર છે કે ‘પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્‌’ અર્થે આ જ ઈશ્વર મનુષ્યનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર અવતરણ કરે છે એ વાતનો આજે કોઈ અસ્વીકાર નહીં કરે, પરંતુ હૃદયથી વિશ્વાસ પણ નહીં કરે.

ઠાકુર એક ચોરનું દૃષ્ટાંત આપે છે. થોડી સાધનાની જરૂર પડે. સાધના કરતાં કરતાં પછી આનંદની પ્રાપ્તિ થાય. જમીનમાં જો સોનામહોર ભરેલો ઘડો હોય, ને જો કોઈ એ ધન લેવા ઇચ્છે, તો મહેનત કરીને ખોદ્યે જવું જોઈએ. માથેથી પરસેવો પડે, પરંતુ ખૂબ ખોદ્યા પછી ઘડાને જરાક કોદાળી લાગે ને ઠન્ન્ અવાજ આવે ત્યારે આનંદ થાય. જેમ જેમ ઠન્ ઠન્ થાય, તેમ તેમ આનંદ વધે. રામને બોલાવ્યે જાઓ, તેનું ચિંતન કરો. રામ જ બધું મેળવી આપશે.2શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 35, અધ્યાય 15 જો મોટા ભાગના લોકો વિશ્વાસ કરતા હોત તો આ માનવ-સભ્યતાનું સ્વરૂપ જ કંઈક અલગ હોત.

ધ્યાન કરતાં શીખવું એટલે જાણે કે કૈલાસ માનસરોવરનાં દર્શન કરવા જવાનો પરિશ્રમ કરવો. આજકાલ તો જીપ અને હેલિકોપ્ટરથી સહજતાથી પહોંચી જવાય છે પરંતુ કલ્પના કરી જુઓ કે જ્યારે યાત્રીઓ પગપાળા જતા ત્યારે કેટલો પરિશ્રમ કરતા! એટલો જ પરિશ્રમ મનની સાથે યુદ્ધ કરીને ધ્યાન શીખવામાં થશે. પણ સાથે જ દર્શનનું જે પુણ્ય પ્રાપ્ત થાય, એટલું જ પુણ્ય ધ્યાન સફળ થવાથી મળશે. જો ઈશ્વર કે અવતાર ઉપર ધ્યાન કરીએ તો આ યુદ્ધ સહજ બની જાય છે.

હવે માની લો કે ઈશ્વર અને અવતાર પર તો થોડી ઘણી શ્રદ્ધા આવી ગઈ, પરંતુ મા શારદાની આ વાત પર શું વિશ્વાસ થશે કે, “મંત્ર દ્વારા એકમાંથી બીજામાં શક્તિનો સંચાર થાય. ગુરુની શક્તિ શિષ્યમાં આવે, શિષ્યની ગુરુમાં આવે.”?3શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.328 ‘ગુરુ’ કે ‘શિષ્ય’ શબ્દ સાંભળતાં જ આજકાલ લોકોના મનમાં કટાક્ષ કે ભય પ્રગટે છે. ‘શિક્ષક’ બરાબર છે, કે જેની પાસેથી આપણે નવી વાતો શીખીએ, પરંતુ ‘ગુરુ’ વળી શું કામ કરવા? મનુષ્યને વધારે પડતો આદર આપીએ તો એના માથા પર અહંકાર સવાર ન થઈ જાય? આ પ્રશ્નનો ઉત્તર સહજ નથી. મા કહેતાં, ગુરુગૃહે ત્રણ દિવસથી વધુ નિવાસ ન કરવો. કેમ કે એનું સામાન્ય-મનુષ્યોચિત વર્તન જોઈને અવિશ્વાસ આવી જઈ શકે છે.

માટે જ, શ્રીરામકૃષ્ણ દર્શિત ધ્યાનની પદ્ધતિમાં મનને સંયમનમાં લાવવા કરતાં પણ વધુ આકરું છે, હૃદયથી વિશ્વાસ કરવો. પણ ચિંતાની જરૂર નથી. આવો વિશ્વાસ લઈને જન્મ લેનારા વિરલાઓ પૂરા માનવ-ઇતિહાસમાં મૂઠીભર હશે. આપણા જેવા સામાન્ય માનવોને તો સંસાર-ચક્કીમાં પીસાઈ પીસાઈને જ વિશ્વાસ આવે છે. તો આપણે આ પણ સ્વીકારી લઈએ કે આપ શ્રદ્ધા-વિશ્વાસની યાત્રામાં પહેલું ડગલું માંડી ચૂક્યા છો. આજના માટે આટલું પૂરતું છે.

પૂર્વતૈયારી

ધ્યાન શીખતાં પહેલાં થતી પૂર્વતૈયારીના મહત્ત્વથી તો આપણે બધા અવગત છીએ જ. યમ-નિયમ જેમ કે—સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, તપ, શૌચ, સંતોષ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન, તથા ચિત્તપ્રસાદ જેમ કે—મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા વિશે આપ પરિચિત હશો એમ માની લઈએ છીએ.

પણ યાદ રાખો કે, મનુષ્ય-સ્વભાવ ખામીરહિત ન હોઈ શકે. ઠાકુર કહેતા, “રામ સીતાને માટે રોતા રોતા ફરતા; (કારણ કે) પંચભૂતોમાં પડે—તો બ્રહ્મ પણ રડે.”4કથામૃત, ખંડ-45, અધ્યાય-4 માટે આપણાં સ્વભાવ કે વર્તન આદર્શ નથી એને લઈને ચિંતામાં ગરકાવ થઈ જવાની જરૂર નથી. આજે આપણી પાસે જેટલું છે, એનાથી શરૂ કરીએ. આગળ જતાં ધ્યાનનો અભ્યાસ જ આપણા મનને સુગઠિત કરતો જશે.

હવે જોઈએ, શ્રીરામકૃષ્ણ દર્શિત ધ્યાનની ત્રણ પદ્ધતિઓ—જપ, ધ્યાન, અને પ્રાર્થના. સાથે જ આપણે શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી, તથા સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગો પણ વર્ણવીશું. આ જીવનપ્રસંગો ઉદાહરણ સ્વરૂપ પણ છે તથા ધ્યાનનો વિષય પણ છે.

બીજું, આ લેખ આપણે શ્રીરામકૃષ્ણ દર્શિત ધ્યાનની પદ્ધતિ સુધી સીમિત રાખીશું. આવો, આ લેખમાં આપણે ધ્યાનની પદ્ધતિઓનો એક પરિચય મેળવીએ.

ઈશ્વર માટે આતુર ક્રંદન

આજના યુગમાં ઈશ્વરને યાદ કરવાનો સમય મળતો નથી. તો પછી શું કરવું? આપણે ઈશ્વરનાં ચરણમાં બધું સમર્પણ કરી દેવું જોઈએ; તેને મુખત્યારનામું આપી દેવું જોઈએ. ઈશ્વર માટે વ્યાકુળતાપૂર્વક એકાંતમાં જઈને રુદન કરવું જોઈએ. શ્રીઠાકુર વારંવાર કહે છે:

‘સાધનાની જરૂર ખરી; પણ સાધકો બે પ્રકારના હોય છે. એક પ્રકારના સાધકોનો વાંદરીનાં બચ્ચાં જેવો સ્વભાવ. બીજા એક પ્રકારના સાધકોનો બિલાડીનાં બચ્ચાં જેવો સ્વભાવ. વાંદરીનું બચ્ચું પોતે જેમ તેમ કરીને માને જકડીને વળગી રહે. એ પ્રમાણે કોઈ કોઈ સાધક મનમાં માને કે આટલા જપ કરવા જોઈએ, આટલું ધ્યાન કરવું જોઈએ, આટલી તપસ્યા કરવી જોઈએ, તો જ ભગવાનને પામી શકાય. એ સાધક પોતે પ્રયાસ કરીને ઈશ્વરને પકડવા ઇચ્છે! પરંતુ બિલાડીનું બચ્ચું પોતે માને પકડી શકે નહિ; એ પડ્યું પડ્યું માત્ર ‘મ્યાઉં મ્યાઉં’ કરીને માને બોલાવ્યા જ કરે. માની ઇચ્છા હોય તેમ કરે. તેની મા તેને ક્યારેક પથારી પર, તો ક્યારેક અગાસીમાં લાકડાંના ઢગલાની પાછળ મૂકી રાખે. તેની મા તેને મોઢામાં પકડીને અહીંતહીં લઈ જાય, એ પોતે માને પકડવાનું જાણે નહિ. એ પ્રમાણે કોઈ સાધક પોતે હિસાબ કરીને કશી સાધના કરી શકે નહિ કે આટલા જપ કરવા, આટલું ધ્યાન કરવું વગેરે. એ માત્ર આતુર થઈને રડી રડીને ઈશ્વરને પોકાર્યા કરે. ઈશ્વર તેનું રુદન સાંભળીને રહી શકે નહિ; આવીને દર્શન દે.’5કથામૃત 1.427

ઠાકુરની પ્રાર્થના

ઠાકુર કહેતા કે ઈશ્વર કીડીના પગના ઝાંઝરનો અવાજ પણ સાંભળી શકે છે. તો આપણી પ્રાર્થના કેમ ન સાંભળે? આપણી પ્રાર્થનામાં હૃદયપૂર્વકની વ્યાકુળતા હોવી ઘટે. લીલાપ્રસંગમાં સ્વામી સારદાનંદજી ઠાકુરની પ્રાર્થનાનું કંઈક આવું જ વર્ણન કરે છે:

અમે કહ્યું છે કે મોટાભાઈના મૃત્યુ પછી ઠાકુરે શ્રીશ્રીજગદંબાની પૂજામાં વધારે મન પરોવ્યું અને તેમનાં દર્શન મેળવવા જે કાંઈ અનુકૂળ છે એમ સમજતા, તે તે શ્રદ્ધાવાળા ચિત્તથી ઉત્સુકતાપૂર્વક આચરણ કરતા. એમના શ્રીમુખે સાંભળ્યું છે કે એ સમયે તેઓ વિધિપૂર્વકની પૂજા પૂરી કરીને દેવીને રોજ રામપ્રસાદ વગેરે સિદ્ધ ભક્તોનાં રચેલાં પદો સંભળાવવાને પૂજાનું જ એક વિશેષ અંગ ગણતા. હૃદયની ગહન ઊર્મિઓ યુક્ત એ બધાં પદો ગાતાં ગાતાં એમનું ચિત્ત ઉત્સાહપૂર્ણ બની ઊઠતું. તેઓ વિચારતા કે રામપ્રસાદ જેવા ભક્તો માનાં દર્શન પામ્યા છે, તો પછી જગત્ જનનીનાં દર્શન ચોક્કસ પામી જ શકાય. તો પછી મને પણ તેમનાં દર્શન કેમ ન થાય? વ્યાકુળ હૃદયે કહેતા, “મા, તેં રામપ્રસાદને દર્શન આપ્યાં છે, તો પછી મને શા માટે દર્શન આપતી નથી? મને ધન, જન, ભોગ, સુખ કશુંય ખપતું નથી, મને દર્શન દે.” એવી પ્રાર્થના કરતાં કરતાં અશ્રુધારાથી તેમની છાતી ભીંજાઈ જતી અને એનાથી હૃદયનો ભાર જરાક હળવો થવાથી વિશ્વાસની મુગ્ધ પ્રેરણાથી કંઈક આશ્વાસન મેળવીને ફરીથી ગીતો ગાઈને તેઓ દેવીને પ્રસન્ન કરવામાં લાગી જતા. આ પ્રમાણે પૂજા, ધ્યાન અને ભજનમાં દિવસો વીતવા લાગ્યા અને ઠાકુરના મનમાં અનુરાગ અને વ્યાકુળતા દિવસે દિવસે વધતાં ચાલ્યાં.

દેવીની પૂજા અને સેવા માટેનો નિશ્ચિત કરેલ સમય પણ આ વખતથી દિવસે દિવસે વધતો ગયો. પૂજા કરવા બેસીને તેઓ વિધિ મુજબ પોતાને મસ્તકે એક પુષ્પ મૂકીને જ કાં તો બે કલાક સુધી થાંભલાની જેમ હાલ્યા-ચાલ્યા વગર ધ્યાનસ્થ બની રહેતા; અન્ન આદિ નિવેદન કરીને, મા જમી રહ્યાં છે, એમ વિચારતાં વિચારતાં જ ઘણી વખત સમય વિતાવી દેતા; વહેલી સવારે પોતાને હાથે ફૂલ ચૂંટીને, માળા ગૂંથીને દેવીને શણગારવામાં પણ કેટલોય વખત કાઢી નાખતા; અથવા તો પ્રેમભર્યા હૃદયે લાંબા સમય સુધી સાંજની આરતી ઉતારતા જ રહેતા! કે બપોર પછી જગન્માતાને ગાન સંભળાવવાનું શરૂ કરતા, તો એવા તો તન્મય અને ભાવવિહ્‌વળ થઈ જતા કે સમય થઈ ગયો છે એ વાત વારંવાર યાદ કરાવવા છતાં પણ તેમને આરતી વગેરે કામ સમયસર કરવા માટે ઉઠાડી શકાતા નહિ! આ પ્રમાણે કેટલોક વખત પૂજા ચાલતી રહી.6લીલાપ્રસંગ, સાધકભાવ, 5. 9

પ્રચંડ વ્યાકુળતા

ઈશ્વરનાં દર્શન મેળવવાની ઝંખના તો આપણે સેવીએ છીએ, પરંતુ તેની પ્રાપ્તિ માટેની આપણી તાલાવેલી કેટલી? આપણે ભૌતિક સુખ કે સામાજિક સંબંધો માટે ઘણી મથામણ કરીએ છીએ. પરંતુ શું આપણે ઈશ્વર-દર્શન માટે આતુર-હૃદયે રડી રડીને તેને પોકારીએ છીએ ખરા? લીલાપ્રસંગકાર સ્વામી સારદાનંદજી લખે છે:

શરીરને સાફ રાખવા તરફ એ સમયે મન બિલકુલ જતું નહિ. તેને કારણે માથાના વાળ વધી જઈને તેમાં ધૂળ માટી ભરાવાથી પોતાની મેળે જ જટા બંધાઈ ગઈ. ધ્યાન કરવા બેસતાં મનની એકાગ્રતાને કારણે શરીર એવું તો જડ પદાર્થ જેવું સ્થિર થઈ જતું કે બધાં પક્ષીઓ એને અચેતન પદાર્થ સમજીને નિઃસંકોચ માથા પર આવીને બેસી રહેતાં અને વાળમાં જામેલા ધૂળના થરમાં ચાંચો મારીને તેમાંથી દાણા શોધતાં! વળી ક્યારેક ક્યારેક ભગવાનના વિરહથી અધીરો બનીને એવું તો જમીન ઉપર મોઢું ઘસતો કે છોલાઈ જઈને ઠેકઠેકાણે લોહી નીકળી આવતું! એ રીતે ધ્યાન-ભજન પ્રાર્થના, આત્મનિવેદન વગેરેમાં આખો દિવસ ત્યારે ક્યાં પસાર થઈ જતો, તેનું પણ ભાન ન રહેતું. પછી સંધ્યાકાળ થતાં જ્યારે ચારે તરફ શંખઘંટાના અવાજો થતા, ત્યારે ખ્યાલ આવતો કે દિવસ આથમી ગયો. એક બીજો દિવસ વ્યર્થ ચાલ્યો ગયો અને માનાં દર્શન પામ્યો નહિ. ત્યારે તીવ્ર સંતાપ કે ક્ષોભ જાગતો અને પ્રાણ એવા તો આકુળવ્યાકુળ થઈ જતા કે પછી સ્થિરતા રાખી શકતો નહિ. પછડાટ ખાઈને ભોંયે પડતો અને ‘મા, હજીયે દર્શન આપ્યાં નહિ’ એમ ચિત્કાર કરીને રુદન સાથે ચારે દિશાઓ ગજાવી મૂકતો અને વેદનાથી તરફડતો. લોકો કહેતા, ‘પેટમાં શૂળનો રોગ થયો લાગે છે, તેથી આટલું બધું રડે છે.’ અમે જ્યારે ઠાકુરની પાસે પહોંચ્યા, ત્યારે તેઓ અવારનવાર અમને ઈશ્વરને માટે અંતરમાં તીવ્ર વ્યાકુળતાની જરૂર સમજાવતાં સાધનકાળની ઉપર કહેલી બધી વાતો કહેતા અને ખેદપૂર્વક કહેતા, “લોકો સ્ત્રીપુત્રાદિ મરણથી કે માલમિલકત ગુમાવીને ઘડેઘડા આંસુ વહાવે છે, પણ ઈશ્વરપ્રાપ્તિ થઈ નથી એમ કહીને કોણ રડે છે, કહો તો? અને તો પણ વળી કહે, ‘આટઆટલા પોકાર મેં એમને કર્યા તો પણ તેમણે હજી દર્શન દીધાં નથી!’ ઈશ્વર માટે એવી વ્યાકુળતાથી એક વાર રડો તો, જોઉં કે કેમ તેઓ દર્શન નથી દેતા!” એમનાં એ વચનો અમને મર્મસ્થાને આઘાત કરતાં. સાંભળતાં જ સમજાઈ જતું કે તેમણે પોતાના જીવનમાં એ વાતની સચ્ચાઈનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે તેથી જ આટલી નિઃસંદેહ રીતે એમ બોલી શકે છે.7લીલાપ્રસંગ, સાધકભાવ, 8. 7

હરિ-નામરૂપી અમૃત

ખરા હૃદયથી લેવાયેલ ઈશ્વરનામ કદી નિષ્ફળ જતું નથી. ક્યારક ને ક્યારેક તેનું ફળ અવશ્ય મળે જ છે. ઠાકુર કહે છે:

“સંસારી લોકોને જો કહો કે ‘બધું છોડીને ઈશ્વરનાં ચરણકમળમાં મગ્ન થાઓ, તો એ લોકો કદી સાંભળવાના નહિ. એટલે સંસારી લોકોને આકર્ષવા માટે શ્રીગૌરાંગ અને નિત્યાનંદ એ બે ભાઈઓએ મસલત કરીને એક યુક્તિ કરેલી કે ‘માગુર માછલીનો ઝોલ (રસદાર શાક), જુવાન સ્ત્રીનો કોલ (ખોળો), હરિ બોલ.’ એ બે વસ્તુની લાલચે કેટલાય લોકો ‘હરિ બોલ, હરિ બોલ’ બોલવા આવતા. પણ થોડા સમયમાં જ હરિ-નામરૂપી અમૃતનો જરાક સ્વાદ લાગતાં જ તેઓ સમજી જતા કે માગુર માછલીનો ઝોલ એ બીજું કાંઈ નહિ પણ હરિ-પ્રેમે જે આંસુ ઝરે તે; અને જુવાન સ્ત્રી એટલે આ પૃથ્વી. જુવાન સ્ત્રીનો ખોળો એટલે હરિ-પ્રેમમાં ધૂળમાં આળોટવું તે!” નિતાઈ કોઈ પણ રીતે હરિ-નામ લેવરાવી લેતા. ચૈતન્યદેવે કહેલું કે ઈશ્વરના નામનું બહુ જ માહાત્મ્ય છે. ફળ જલદી ભલે ન મળે, તો પણ ક્યારેક ને ક્યારેક તો મળે જ. જેમ કે કોઈએ જૂના ઘરને ટોડલે બીજ રાખી મૂકેલું હતું. લાંબે સમયે એ ઘર પડી ગયું. એ બીજ માટીમાં પડ્યું, અને લાંબે વખતે તેમાંથી ઝાડ ઊગ્યું ને ફળ પણ આવ્યાં.8કથામૃત 1.115

અનુરાગનું માહાત્મ્ય

ઈશ્વર પ્રત્યે અનુરાગ હોવો અત્યંત આવશ્યક છે, કારણ કે પ્રેમ હશે તો વ્યાકુળતા આપમેળે જ આવશે. આ અનુરાગ પ્રાપ્ત કરવા માટે ઈશ્વરનું નામ-સ્મરણ એકમાત્ર ઉપાય છે. નામ અને નામી અભિન્ન છે.

શ્રીરામકૃષ્ણ: વારુ, તમે શું કહો છો? ઉપાય શો?

ગોસ્વામી: જી, નામથી જ ઈશ્વરપ્રાપ્તિ થાય. કળિયુગમાં નામ-માહાત્મ્ય.

શ્રીરામકૃષ્ણ: હાં. નામનું ખૂબ માહાત્મ્ય છે ખરું, પણ અનુરાગ ન હોય તો શું વળે? ઈશ્વરને માટે પ્રાણ આતુર થવા જોઈએ. માત્ર નામ લીધે જઈએ છીએ, પણ મન કામ-કાંચનમાં પડ્યું હોય, એથી વળે? વીંછીનો કે ઝેરીલા મોટા કરોળિયાનો ડંખ એમ એકલા મંત્રથી ન મટે. છાણાનો શેક-બેક કરવો જોઈએ.9કથામૃત 1.178

નિરંતર જપ

શ્રીરામકૃષ્ણ (રાખાલના પિતા અને ભક્તોને): આહા, આજકાલ રાખાલનો સ્વભાવ કેવો થઈ ગયો છે! એના મોઢા સામે નજર નાખો તો દેખાશે કે વચ્ચે વચ્ચે તેના હોઠ હાલે છે. મનમાં ઈશ્વરના નામનો જપ કરે ને, એટલે હોઠ હાલે.10કથામૃત 1.181

નામ કદીયે નિષ્ફળ નહીં જાય

સને ૧૯૧૬માં જયરામવાટીમાં શ્રીમા શારદાદેવીને એક સંન્યાસી શિષ્ય તરફથી નિરાશાભર્યો પત્ર મળ્યો. ત્યારે તેમણે કહ્યુંઃ ‘આ શું? ઠાકુરનું નામ શું નકામું જશે? એ નામ કદીયે નિષ્ફળ નહીં જાય. જેઓ અહીં ઠાકુરને યાદ કરીને આવ્યા છે તેમને ઇષ્ટદર્શન થશે જ થશે. વહેલાં નહીં થાય તો પણ મૃત્યુ પહેલાંની ક્ષણે તો થશે જ.’11શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.333

બીજમંત્ર કેટલો ટૂંકો છતાં…

ગુરુ મંત્ર આપે છે, તેના જપ દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકાય છે. પરંતુ આપણા પ્રયત્ન ઉપર બધો આધાર છે. એ ‘મન તોર’ મન ઉપર આધારિત છે. માત્ર ગુરુ-મંત્ર પ્રાપ્તિ કરીને જ સંતુષ્ટ થવાનું નથી, પરંતુ ગુરુ-નિર્દિષ્ટ આદેશ અનુસાર મંત્રનો જપ નિરંતર કરતા રહેવું જોઈએ. ઠાકુર અને શ્રીમાના જીવનના કેટલાક પ્રસંગો જોઈએ.

મંત્રદીક્ષા સંબંધે બીજા એક ભક્તે એક વાર (૧૯૦૭માં) પૂછ્યું હતું, ‘મા, મંત્ર લેવાની શી જરૂર? મંત્ર લીધા વગર કોઈ જો મા કાલીનું નામ વારંવાર બોલે તો શું ન ચાલે?’ શ્રીમા શારદાદેવીએ કહ્યુંઃ ‘મંત્ર દ્વારા દેહની શુદ્ધિ થાય.. બીજું કાંઈ નહીં તો પણ દેહની શુદ્ધિ માટે મંત્રની જરૂર છે.’ ૧૯૧૩ના ફેબ્રુઆરીમાં એક ભક્તે શ્રીમા શારદાદેવીને વડના ઝાડનું એક નાનું બીજ દેખાડીને કહ્યુંઃ ‘મા, જુઓ, કેટલું નાનું બીજ, લાલ ભાજીના બીજથી પણ નાનું ને છતાં એમાંથી કેટલું મોટું વૃક્ષ થાય છે.’ ત્યારે શ્રીમા શારદાદેવીએ કહ્યુંઃ ‘એ તો હોય જ ને! જુઓ ને, ભગવાનના નામનો બીજમંત્ર કેટલો ટૂંકો છતાં વખત જતાં એમાંથી ભાવ, ભક્તિ, પ્રેમ વગેરે કેટલાં બધાં પરિણામો આવે છે!’12શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.335

ભગવાનના નામ-બીજમાં ઘણી શક્તિ છે. એ અવિદ્યાનો નાશ કરે. બી એટલું કોમળ હોય, અંકુર એટલો કોમળ હોય, પણ તોય એ કઠણ જમીન ફોડીને બહાર નીકળે, જમીન ફાટી જાય.13કથામૃત 1.205

જીવતો જાગતો મંત્ર

એક વખત એક શિષ્યે મગજની અસ્થિરતામાં શ્રીમા શારદાદેવીને જપવાની માળા પાછી આપી દીધી હતી. એક સંન્યાસીએ જ્યારે પૂછ્યું કે એણે મંત્ર પણ પાછો આપ્યો છે કે નહીં ત્યારે શ્રીમા શારદાદેવીએ જણાવ્યુંઃ ‘એ તે કદી બને? આ તો જીવતો જાગતો મંત્ર છે. એને જે મળ્યો છે એ તો મહામંત્ર છે. એ કાંઈ પાછો આપી શકાય? ગુરુ પ્રત્યે જે ભક્તિ એક વાર ઊપજે તે કાંઈ ઓસરી જાય?’14શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.335

જપની કાર્યસાધકતા

નિયમિત જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે. ષડ્‌રિપુઓને સંયમમાં રાખવામાં જપ ખૂબ જ સહાયક નીવડે છે.

જપની કાર્યસાધકતા સમજાવતાં શ્રીમા શારદાદેવી એક વાર બોલ્યાં હતાંઃ ‘જપ-તપ કરવાથી કર્મનાં બંધનો કાપી શકાય, પણ પ્રેમ અને ભક્તિ સિવાય ભગવાન ન મળે. જપ-તપ એ શું છે જાણો છો? એનાથી ઇન્દ્રિયોનો પ્રભાવ ઘટી જાય.’ બીજે એક પ્રસંગે તેમણે કહ્યું હતુંઃ ‘સમયસર આળસનો ત્યાગ કરીને જપ-ધ્યાન કરવાં જોઈએ.’ વળી કહ્યું હતુંઃ ‘રોજ પંદર કે વીસ હજાર વાર જપ કરી શકો તો કંઈક ફળ મળે. પહેલાં કરો. પછી ફળ ન મળે તો કહેજો, પરંતુ કાળજીથી કરવા જોઈએ. આમ કોઈ કરતું નથી અને બેદરકારી રાખે છે ને પછી ફરિયાદ કરે છે કે મને જપનું ફળ કેમ નથી મળતું?’ ‘કામકાજ તો કરવાં જ જોઈએ. કામ કરવાથી મન પ્રસન્ન રહે છે. પણ જપ, ધ્યાન, પ્રાર્થના વગેરેની તો ખાસ જરૂર છે. ઓછામાં ઓછા સવાર-સાંજ તો તે કરવા બેસવું જોઈએ, એ જાણે હોડીનું સુકાન છે.

સાંજના બેસો તો આખા દિવસમાં સારાં-નરસાં શાં કામ કર્યાં એનો વિચાર આવે. પછી આગલે દિવસે મનની કેવી સ્થિતિ હતી એની સાથે આજની મનની સ્થિતિની તુલના કરવી જોઈએ. પછી જપ કરતાં કરતાં ઇષ્ટમૂર્તિનું ધ્યાન કરવું જોઈએ. કામકાજની સાથે સાથે સવાર-સાંજ જપ-ધ્યાન નહીં કરો તો સાધના વગેરે કરો છો કે નહીં તે કેમ સમજી શકશો?’ ‘ધ્યાન-જપ કરવા માટે કોઈ એક ચોક્કસ સમય રાખવો બહુ જરૂરી છે.’ વળી એથી ઉચ્ચ કોટીના સાધકને તેઓ પ્રભુનું સતત સ્મરણ-મનન કરવાનું કહેતાં.

૧૯૧૯ના એપ્રિલ માસમાં શ્રીમા શારદાદેવી જ્યારે કોઆલપાડા હતાં ત્યારે એક ભક્તે દીક્ષા લીધા પછી ઘેર પાછા ફરતી વખતે પૂછ્યુંઃ ‘મા, આગળ કેમ વધવું?’ ઓરડાના એક ગોખલામાં એક ઘડિયાળ હતી તે બતાવીને શ્રીમા શારદાદેવી બોલ્યાંઃ ‘આ ઘડિયાળ જેમ ટીકટીક અવાજ કર્યે જાય છે તેમ ભગવાનનું નામ જપ્યે જાઓ. એથી જ બધું થઈ જશે. બીજું કાંઈ કરવાની જરૂર રહેશે નહીં.’15શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.335

જપ દરરોજ કરવો જોઈએ

રાજેન્દ્ર દત્તને તેમણે એક પત્રમાં (૧૧-૧૧-૧૯૧૬ના રોજ લખેલ) લખાવ્યું હતુંઃ ‘તારી જનોઈ લેવા વિષે હું શું કહું? એ એક સામાજિક વિધિ છે. એ કંઈ ખરાબ કામ નથી, આ વિષે તમને લોકોને જેમ સારું લાગે તેમ કરો. પણ જનોઈ પહેરી પછી ધ્યાન રાખજો, જેથી તેનો ઉપયોગ બરાબર થાય. મનમાં તરંગ ઊઠતાંની સાથે જ કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી. પહેલાં પોતાના ઇષ્ટમંત્રનો જપ કરી પછી જે મંત્ર જપવો હોય તે જપી શકો છો. જપના સમય માટે કોઈ વિધિનિષેધ નથી. તો પણ સવાર-સાંજનો વખત સારો ગણાય છે. સમય ગમે તે હોય પણ જપ દરરોજ કરવો જોઈએ. કોઈ પણ દિવસ ખાલી ન જવા દેવો.’16શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.338

ધ્યાન

આજના અશાંત વાતાવરણમાં મનને શાંત કરવા સાધકે ધ્યાન ક્યાં કરવું, એ એક મોટી સમસ્યા છે. ઠાકુર કહે છે: ‘ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં. હંમેશાં સત્ અસત્‌નો વિચાર કરવો. ઈશ્વર જ સત્ એટલે નિત્ય વસ્તુ, બીજું બધું અસત્ એટલે અનિત્ય. એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો.’ તેનાં કેટલાંક દૃષ્ટાંતો જોઈએ.

પંખી ઈંડું સેવવા બેઠું હોય ત્યારે તેનું બધું મન એ ઈંડામાં હોય

સંધ્યા થવાની તૈયારી. ઓરડાની દક્ષિણપૂર્વની ઓસરીમાં ઓરડાના બારણાની પાસે મણિની સાથે ઠાકુર એકાંતમાં વાતો કરે છે. શ્રીરામકૃષ્ણ (મણિને): યોગીનું મન હંમેશાં ઈશ્વરમાં રહે, સર્વદા આત્મસ્થ, તેની દૃષ્ટિ શૂન્ય હોય, જોતાંવેંત સમજી શકાય. જેમ કે પંખી ઈંડું સેવવા બેઠું હોય ત્યારે તેનું બધું મન એ ઈંડામાં હોય, ઉપર તો નામનું જ જોતું હોય! વારુ, મને એવું ચિત્ર એક બતાવી શકશો?17કથામૃત 1.71

હૃદયમાં ધ્યાન કરો

મણિલાલ (શ્રીરામકૃષ્ણને): સંધ્યા-વંદન (જપ-ધ્યાન) કરતી વખતે કયે ઠેકાણે ઈશ્વરનું ધ્યાન કરવું?

શ્રીરામકૃષ્ણ: હૃદય તો સૌથી ઉત્તમ, પ્રસિદ્ધ જગા. ત્યાં ધ્યાન કરો.18કથામૃત 1.238

ઈશ્વર ધ્યાન કરાવે તો ધ્યાન થાય

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): મચ્છરદાનીની અંદર ધ્યાન કરતો હતો. ત્યાં વિચાર આવ્યો કે એ પણ કેવળ એક રૂપ-કલ્પના વિના તો બીજું કાંઈ નથી ને? એટલે ગમ્યું નહિ. ઈશ્વર એકદમ દેખાડી દે તો કામ આવે. વળી મનમાં આવ્યું કે કોણ ધ્યાન કરે, ને કોનું ધ્યાન કરે?

માસ્ટર: જી હાં. આપે કહ્યું છે કે ઈશ્વર જ જીવ, જગત, આ બધુંય થઈ રહેલ છે; જે ધ્યાન કરે તે પણ તે જ.

શ્રીરામકૃષ્ણ: અને ઈશ્વર ન કરાવે તો થાય નહિ. ઈશ્વર ધ્યાન કરાવે તો ધ્યાન થાય. તમે શું કહો છો?

માસ્ટર: જી. આપની અંદર ‘અહં’ નથી એટલે એમ થાય છે. જ્યાં ‘હું’ એવી ભાવના નથી ત્યાં એવી સ્થિતિ.

શ્રીરામકૃષ્ણ: પરંતુ ‘હું દાસ, હું સેવક’ એટલું રહે એ સારું. જ્યાં ‘હું બધું કામ કરું છું’ એવું ભાન છે, ત્યાં ‘હું દાસ, તમે પ્રભુ’ એવો ભાવ બહુ સારો. બધું કરાય છે ત્યાં સુધી સેવ્ય-સેવક ભાવે રહેવું એ જ સારું.19કથામૃત 1.302

અભ્યાસ-યોગ

શ્રીશ – સંસારમાં રહીને ઈશ્વર તરફ જવું બહુ જ કઠણ.

શ્રીરામકૃષ્ણ – કેમ? અભ્યાસ-યોગ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંવા ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી સાંબેલું એક સરખી રીતે પડ્યા કરે છે. બાઈ નીચે એક હાથથી ડાંગર સંકોરતી જાય છે. બીજે હાથે છોકરાને ખોળામાં ધવરાવે છે. એ વખતે વળી ઘરાક આવેલ છે. આ બાજુ સાંબેલું પડ્યે જ જાય છે, ને એ સાથે ઘરાકની સાથે વાત પણ કરે છે. ઘરાકને કહે છે કે ‘તો પછી આગલા જે પૈસા બાકી રહ્યા છે તે ચૂકતે કરી જાઓ ને પછી નવો માલ લઈ જાઓ.’ જુઓ છોકરાને ધવરાવવું, સાંબેલું પડ્યા કરે તેની નીચેની ડાંગર સંકોરવી, અને ખંડાયેલી ડાંગર ભરીને ઉપાડી લેવી, અને એ સાથે ઘરાકની સાથે વાતો કરવી, એ બધું તે એકી સાથે કરી રહી છે. આનું નામ અભ્યાસ-યોગ. પરંતુ તેનું પંદર આના મન સાંબેલા તરફ હોય, કદાચ તે હાથ પર પડે તો? બાકીના એક આનામાં છોકરાને ધવરાવવાનું અને ઘરાક સાથે વાત કરવાનું! તેમ, જેઓ સંસારમાં છે તેમણે પંદર આના મન ભગવાનને આપવું ઉચિત, નહિતર સર્વનાશ! કાળના પંજામાં સપડાવું પડે. બાકીના એક આના મનથી બીજાં કામ કરો.20કથામૃત 1.424

ભૈરવની જેમ ધ્યાન

ભગવદ્ દર્શન માટે અત્યંત તીવ્ર વ્યાકુળતાને લીધે ઠાકુર જે દિવસે સાવ અધીર અને બાહ્યભાન રહિત થઈ ન જતા, તે દિવસે પહેલાંની જેમ પૂજા કરવા બેસતા. પૂજા અને ધ્યાન કરવા સમયે એ દિવસોમાં એમનામાં જે વિચારો ઊઠતા અને અનુભવો થતા તેના વિશે તેઓશ્રીએ અમને આ પ્રમાણે ક્યારેક ક્યારેક થોડું થોડું કહ્યું, “માના સભામંડપની અગાસીની પાળી ઉપર જે ધ્યાનસ્થ ભૈરવની મૂર્તિ છે, તેને ધ્યાનમાં બેસતી વખતે મનને ચીંધીને કહેતો, ‘આની માફક હાલ્યા-ચાલ્યા વગર બેસીને માનાં ચરણકમળનું ચિંતન કરવાનું છે.’ ધ્યાન કરવા બેસતાં જ સાંભળી શકતો કે શરીર અને અંગ-પ્રત્યંગોના બધા સાંધાઓમાં પગની દિશાએથી ઉપર જતો ખટખટ કરતો અવાજ થઈ રહ્યો છે અને એક પછી એક સાંધા બધા અકડાતા જાય છે, જાણે કે કોઈ અંદરથી એ બધે ઠેકાણે તાળાં મારી રહ્યું છે! જેટલો વખત ધ્યાન કરતો તેટલો વખત શરીરને જરા પણ હલાવી ચલાવીને આસન બદલી લઉં અથવા તો ઇચ્છા થતાં ધ્યાન છોડીને બીજે કશે જાઉં કે પછી બીજા કોઈ કામે લાગું, એમાંનું કશું જ કરવાની શક્તિ ન રહેતી.

ફરી બીજી વાર ખટખટ અવાજ કરીને આ વખતે ઉપરથી નીચે પગ સુધીના એ બધા જ સાંધા ફરી પાછા જ્યાં સુધી ખૂલી ન જાય, ત્યાં સુધી જાણે કે કોઈ એક પ્રકારનું જોર કરીને મને બેસાડી રાખતું! ધ્યાનમાં બેસીને પહેલાં તો આગિયાનાં ટોળેટોળાંની જેમ જ્યોતિ બિંદુઓનો સમૂહ જોવામાં આવતો, તો વળી ક્યારેક ધુમ્મસની માફક ઢગલે ઢગલા જ્યોતિ વડે ચારે દિશાઓને ઘેરાયેલી જોતો, અને કોઈ વાર વળી પીગળેલા રૂપા જેવા ઉજ્જ્વળ જ્યોતિ-તરંગોમાં સર્વ પદાર્થોને તરબોળ થઈ રહેલા જોતો. આંખો બંધ કરીને એ પ્રમાણે જોતો; અને વળી ઘણીયે વાર ઉઘાડી આંખે પણ એ પ્રમાણે જોઈ શકતો. શું જોઈ રહ્યો છું તે સમજાતું નહિ, આવાં દર્શન થવાં તે સારું કે ખોટું તે પણ જાણતો નહિ, તેથી માની (શ્રીજગદંબાની) પાસે વ્યાકુળ હૃદયે પ્રાર્થના કરતો, ‘મા, મને આ શું થાય છે, તે હું કંઈ સમજતો નથી; તને બોલાવવાના મંત્રતંત્ર કશુંય જાણતો નથી; જે કંઈ કરવાથી તને મેળવી શકાય તે તું જ મને શીખવી દે. તું નહિ શીખવે તો બીજું કોણ મને શીખવશે, મા? તારા સિવાય મારી બીજી કોઈ ગતિ નથી! બીજી કોઈપણ સહાય નથી.’ એકચિત્તે આવી રીતે પ્રાર્થના કરતો અને વ્યાકુળ હૃદયે આક્રંદ કરતો.21લીલાપ્રસંગ, સાધકભાવ, 7. 2

તંત્રસાધનામાં ધ્યાન

શ્રીરામકૃષ્ણ કહેતા કે, “બ્રાહ્મણી દિવસને ભાગે દૂર દૂર ઠેકઠેકાણે ફરી ફરીને તંત્રમાં કહેલી દુષ્પ્રાપ્ય ચીજો ભેગી કરતી. રાતના સમયે બિલ્વવૃક્ષ તળે અથવા તો પંચવટીની નીચે બધી તૈયારી કરીને મને બોલાવતી અને એ બધી વસ્તુઓની મદદથી શ્રીજગદંબાની વિધિપૂર્વક પૂજા કરાવીને જપ-ધ્યાનમાં નિમગ્ન થવાને કહેતી. પરંતુ પૂજાને અંતે જપ ઘણું ખરું કરી શકતો નહિ. મન એટલું તન્મય થઈ જતું કે માળા ફેરવવા જતાં જ સમાધિસ્થ થઈ જતો અને એ ક્રિયાનું શાસ્ત્રે વર્ણવેલું ફળ, અદલ એ જ પ્રમાણેનું, સાક્ષાત્ અનુભવી રહેતો. એ રીતે એ દિવસોમાં દર્શન ઉપર દર્શન, અનુભવની ઉપર અનુભવ, અદ્‌ભુત અદ્‌ભુત બધું કાંઈ કેટલુંયે પ્રત્યક્ષ કરેલું તેની ગણતરી નથી.”22લીલાપ્રસંગ, સાધકભાવ, 11.7

હૃદયમાં આનંદનો પ્રવાહ

આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર તથા રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદ સાથે થયેલી કેટલીક પ્રશ્નોત્તરી જોઈએ.

પ્રશ્ન: મન તો કોઈ પણ રીતે શાંત થતું નથી. શું કરવું?

સ્વામી બ્રહ્માનંદ: પ્રત્યેક દિવસે ઓછાવત્તા પ્રમાણમાં જપ-ધ્યાન કરવાં. તેમાં એક દિવસ પણ ચૂકવું નહીં. મન તો બાળકના જેવું ચંચળ છે, નિરંતર અહીંતહીં ભાગતું રહે છે. તેને વારંવાર ખેંચીને ઇષ્ટના ધ્યાનમાં લગાવવું જોઈએ. આ રીતે બે-ત્રણ વરસ કર્યા બાદ જોશો કે હૃદયમાં અનિર્વચનીય આનંદ આવવા લાગ્યો છે. મન પણ શાંત થઈ રહ્યું છે. પહેલાં પહેલાં તો જપ-ધ્યાન નીરસ જ લાગે છે. પરંતુ દવાના સેવનની જેમ મનને પરાણે ઇષ્ટચિંતનમાં ડુબાડેલું રાખવું જોઈએ. ત્યાર પછી ધીમે ધીમે આનંદનો અનુભવ થશે. પરીક્ષામાં સફળ થવા લોકો કેટલી બધી મહેનત કરે છે! પરંતુ એની સરખામણીમાં પ્રભુપ્રાપ્તિ તો ઘણી વધારે સહેલાઈથી થઈ શકે છે. શાંતિથી અંતઃકરણપૂર્વક સરળ ભાવથી ભગવાનને પોકારવા જોઈએ.

પ્રશ્ન: આ તો ઘણી આશાજનક વાત છે: જ્યારે પરીક્ષામાં સફળ થઈ ગયો તો હવે પ્રયત્ન કરવાથી ભગવાન-પ્રાપ્તિ કેમ નહીં કરી શકું? ક્યારેક ક્યારેક ઘોર નિરાશા આવી જાય છે. એવું લાગે છે કે આટલા જપ કરવા છતાં પણ જ્યારે કંઈ જ અનુભવ થતો નથી તો આ બધું વ્યર્થ છે?

સ્વામી બ્રહ્માનંદ: ના, ના. નિરાશ થવાની કોઈ જરૂર નથી. કર્મનું ફળ તો ચોક્કસ મળે જ છે. પરાણે કરો કે ભક્તિપૂર્વક કરો. નામ-સ્મરણ કરવાથી એનું ફળ તો મળશે જ. થોડા સમય સુધી નિયમિત અભ્યાસ કરો. ધ્યાનથી ફક્ત મનમાં જ શાંતિ આવે છે એવું નથી. તેનાથી શારીરિક લાભ પણ થાય છે. રોગ-દોગ દૂર થઈ જાય છે. શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ધ્યાન વગેરે કરવું જોઈએ.

પહેલાં પહેલાં તો ધ્યાન કરવું એટલે જાણે મનની સાથે યુદ્ધ કરવા જેવું છે. ચંચળ મનને ધીમે ધીમે સ્થિર કરીને ઇષ્ટનાં ચરણકમળમાં એકાગ્ર કરવું જોઈએ. આ અભ્યાસથી થોડા સમય બાદ મસ્તિષ્ક થોડુંક ગરમ થઈ જાય છે. એટલે શરૂમાં વધારે ધ્યાન-ધારણા કરી મસ્તિષ્કને વધારે શ્રમિત કરવું યોગ્ય નથી. આ બધું ખૂબ જ ધીમે ધીમે વધારવું જોઈએ. થોડો સમય આ રીતે નિયમિત અભ્યાસ કરતાં રહેવાથી જ્યારે ઠીકઠીક ધ્યાન થવા લાગશે, ત્યારે બે-ચાર કલાક સતત એક આસને બેસીને ધ્યાન-ધારણા કરવાથી પણ કોઈ તકલીફ પડશે નહીં; ઊલટું, ગાઢ નિદ્રા બાદ શરીર ને મન જેવાં સ્ફૂર્તિદાયક બની જાય છે, તેવા પ્રકારનો અનુભવ થશે અને હૃદયમાં આનંદનો પ્રવાહ વહેવા લાગશે.

ખાવાપીવાની બાબતમાં વિશેષ કાળજી

સ્વામી બ્રહ્માનંદ: સાધનાની પ્રારંભિક અવસ્થામાં ખાવાપીવાની બાબતમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. શરીરની સાથે મનનો ઘણો નિકટનો સંબંધ છે. ખાવાપીવાના દોષથી શરીરનું સ્વાસ્થ્ય કથળી જાય છે અને તેને પરિણામે ધ્યાન-ધારણાનો અભ્યાસ પણ થઈ શકતો નથી. તેથી ખાવાપીવાના વિષયમાં આટલા બધા આચારવિચાર પાળવા જોઈએ. ભોજનની વસ્તુઓ એવી હોવી જોઈએ કે જે સહેલાઈથી પચી જાય અને પુષ્ટિકારક હોય અને ઉત્તેજક ન હોય. વધારે ખાવું પણ સારું નથી. એનાથી તમોગુણ વધે છે. અર્ધું પેટ ભરાય તેટલું ભોજન કરવું. બાકીનો પા ભાગ પાણીથી ભરવો, બાકીનો પા ભાગ વાયુના આવન-જાવન માટે ખાલી રાખવો.

ધ્યાન કરવું તે શું સહેલી વાત છે? કોઈ દિવસ થોડું વધારે ખાવાથી મન એકાગ્ર થઈ શકતું નથી. કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે શત્રુઓને સંયમમાં રાખવા પડે છે અને ત્યાર પછી ધ્યાન કરવાનું શક્ય બને છે. આ શત્રુઓમાંથી એક પણ જો માથું ઊંચું કરે તો ધ્યાન થઈ શકતું નથી. ખૂબ તપશ્ચર્યા કરવી જોઈએ. બે પૈસાનાં છાણાં ખરીદી તેને સળગાવીને અગ્નિની વચ્ચે બેસવું ઘણું સહેલું છે. પણ કામ, ક્રોધ વગેરે શત્રુઓને વશમાં રાખવા, તેમને માથું ઊંચકવા ન દેવું, તે જ ખરી તપસ્યા છે. નપુંસક ભલા શું કરી શકે? કામ, ક્રોધ વગેરે શત્રુઓનું દમન કરવું એ જ શ્રેષ્ઠ તપશ્ચર્યા છે.

મનની સ્થિરતાનો ઉપાય

સ્વામી બ્રહ્માનંદ: ધ્યાન વગર મન સ્થિર થતું નથી અને મનની સ્થિરતા વગર ધ્યાન લાગતું નથી. મન સ્થિર થયા બાદ ધ્યાન કરીશું એવું વિચારવાથી ધ્યાન ક્યારેય થશે નહીં. બંને એક સાથે કરવાં પડશે. મનની વાસનાઓ તો વાસ્તવમાં કંઈ નથી. ધ્યાન કરતી વખતે એવું વિચારવું કે ‘સઘળું મિથ્યા છે.’ આ રીતે ચિંતન કરતાં કરતાં ક્રમશઃ મનમાં સદ્‌ભાવનાઓના સંસ્કાર પડશે. દુર્ભાવનાઓને જેમ જેમ મનમાંથી કાઢશો, તેમ તેમ તેમાં શુભ ભાવનાઓ આવતી જશે. ધ્યાન કરતાં કરતાં કેટલીક વખત જ્યોતિદર્શન થાય છે, ક્યારેક ક્યારેક પ્રણવ-ધ્વનિ કે કોઈ દૂરનો શબ્દ સંભળાય છે. પણ આ બધું કંઈ નથી. આનાથી પણ આગળ જવાનું છે. છતાં પણ આ બધાં લક્ષણો બહુ સારાં છે. આવું થાય તો સમજવું કે હું યોગ્ય માર્ગે જઈ રહ્યો છું.

એક માણસ ઘણો ટીખળી હતો. મૃત્યુના પંદર દિવસ અગાઉ કહેવા લાગ્યો: ‘ચાલો, ચાલો, મને ગંગાતીરે લઈ જાઓ. તમે લોકો કદાચ એમ સમજતા હશો કે હું અહીં મરીશ.’ ગંગાકિનારે જઈને હસતાં હસતાં કહેવા લાગ્યો: ‘મા, તું હતી ને એટલે મેં આટલાં પાપ કર્યાં છે. હું જાણું છું કે તું બધું જ ધોઈ-ધફોઈને સ્વચ્છ કરી દઈશ.’ ભક્તિ, વિશ્વાસ એમાંથી એક પણ હોય તો ભગવાનની પ્રાપ્તિ થાય છે.

સ્વામીજી કહેતા: ‘કુલકુંડલિનીની થોડીક જાગૃતિ મોટી આપત્તિનું કારણ બને છે. જો તે ઊર્ધ્વગામિની ન બને તો કામ, ક્રોધ વગેરે નિમ્ન વૃત્તિઓ અત્યંત પ્રબળ બની જાય છે. એટલા માટે વૈષ્ણવોની મધુરભાવ અને સખીભાવની સાધનાઓ શ્રેષ્ઠ અધિકારીઓ સિવાય બધાં માટે ખૂબ જ ખતરનાક છે. સાધનની પ્રારંભિક અવસ્થામાં રાસલીલા વિશેનાં પુસ્તકો પણ ન વાંચવાં જોઈએ.’

નિરાશાનો ઉકેલ

પ્રશ્ન: મહારાજ, મને જપ-ધ્યાન એક સાથે કરવાનો આદેશ મળ્યો છે. પણ ધ્યાન તો બિલકુલ થતું નથી. એટલા માટે વચ્ચે વચ્ચે મન બહુ જ બગડી જાય છે.

સ્વામી બ્રહ્માનંદ: મનમાં આવી નિરાશા આવે તે સ્વાભાવિક છે. દક્ષિણેશ્વરમાં મને એક વખત આવું થયેલું. મારી ઉંમર તે સમયે નાની હતી અને ઠાકુર ત્યારે લગભગ પચાસ વર્ષના હતા. એટલે મનની બધી જ વાતો એમને કહેતાં શરમ આવતી હતી. એક દિવસ હું કાલીમંદિરમાં ધ્યાન કરી રહ્યો હતો. ધ્યાન લાગતું ન હતું, મનમાં બહુ ખરાબ લાગવા માંડ્યું. વિચાર્યું: ‘આટલા દિવસથી અહીં છું. કંઈ પણ ન થયું. તો પછી શું મોઢું લઈને રહું? બધું જાય ચૂલામાં. એમને (ઠાકુરને) પણ કંઈ નહીં કહું. જો આ રીતે બે-ત્રણ દિવસ વધારે ચાલ્યું તો ઘરે પાછો જતો રહીશ. ત્યાં પાંચ-દશ વસ્તુઓમાં મન તો લાગશે.’ આવું વિચારીને કાલીમંદિરમાંથી બહાર આવી રહ્યો હતો કે તરત ઠાકુરે મને જોઈ લીધો. તેઓ એ સમયે પરસાળમાં ટહેલતા હતા. મને જોઈને ઓરડામાં ચાલ્યા ગયા. ત્યારે અમારા બધાનો એવો નિયમ હતો કે કાલીમંદિરમાંથી આવ્યા બાદ એમને પ્રણામ કરીને થોડો પ્રસાદ લેવો. મેં અંદર જઈને એમને પ્રણામ કર્યા. તેઓ બોલ્યા: ‘જો, જ્યારે તું કાલીમંદિરમાંથી આવી રહ્યો હતો, ત્યારે જોયું તો તારું મન જાણે પરદાથી ઢંકાઈ ગયેલું લાગ્યું.’ મેં વિચાર્યું: ‘અરે, તેઓ તો બધું જ જાણી ગયા છે.’ મેં કહ્યું: ‘મારું મન આટલું બગડી ગયું છે, તે તો આપ જાણી જ ગયા છો.’ ત્યારે તેમણે મારી જીભ પર કશુંક લખી દીધું. તત્ક્ષણ હું મારું પહેલાંનું સમસ્ત દુઃખ ભૂલીને અપૂર્વ આનંદવિભોર થઈ ગયો. ગમે ત્યારે પણ તેમની સમીપ હોઉં ત્યારે હંમેશાં આનંદથી ભરપૂર રહેતો. એટલા માટે તો સિદ્ધ અને શક્તિશાળી ગુરુની આવશ્યકતા રહે છે.

એ જરૂરી છે કે દીક્ષા આપતાં અને ગ્રહણ કરતાં પહેલાં ગુરુ-શિષ્ય એકબીજાની પરીક્ષા કરીને જોઈ લે, નહીંતર છેતરાવું પડે છે. આ કંઈ એકાદ-બે દિવસનો સંબંધ નથી. મારી પાસે કોઈ દીક્ષા લેવા આવે તો પહેલાં તો હું તેને ભગાડી જ મૂકું છું. જ્યારે જોઉં કે તે છોડતા નથી, ત્યારે કહું છું કે આ ‘નામ’ નો દરરોજ એક વર્ષ સુધી ઓછામાં ઓછો એક હજાર વાર જપ કરો, ત્યાર પછી મળજો. ઘણા લોકો આનાથી જ ભાગી જાય છે.

કેવી રીતે મન એકાગ્ર બને?

પ્રશ્ન: મહારાજ, કેવી રીતે મન એકાગ્ર બને?

સ્વામી બ્રહ્માનંદ: મનને એકાગ્ર કરવાના ઉપાયો છે—સાધન, ભજન, ધ્યાન, ધારણા, વગેરે. પ્રાણાયામ પણ એક ઉપાય છે. પરંતુ સંસારી લોકો માટે તે સલામત નથી. આ સમયે બ્રહ્મચર્યનું પાલન ન કરવાથી રોગ થઈ જાય છે. પ્રાણાયામની સાધના દરમિયાન સાત્ત્વિક આહાર, ઉત્તમ સ્થળ અને વિશુદ્ધ હવા, આ બધું જોઈએ. ધ્યાન-ધારણા માટે કોઈ શરત નથી. એકાંત સ્થળે ધ્યાનનો અભ્યાસ કરવાથી જ થાય છે. રોજ એક-બે કલાક જ ધ્યાન-ધારણા કરવાં એવું નથી; જેટલું વધારે કરી શકશો એટલું જ મન વધારે એકાગ્ર થઈને ભગવાન પ્રત્યે અગ્રસર બને છે. હંમેશાં નિયમિતરૂપે અભ્યાસ કરવો જોઈએ. ગમે ત્યાં પણ જાઓ, ત્યાં સુંદર સ્થળ કે સુંદર પ્રાકૃતિક દૃશ્ય દેખાય કે તરત જ ધ્યાન કરવા બેસી જવું. એમને શોધો. કામિની-કાંચનનો ત્યાગ કરી એકમાત્ર એમને જ આધાર બનાવો. પણ સૌથી પહેલાં તો અંતરમાં ત્યાગ આવવો જોઈએ. આ બધી અનિત્ય વસ્તુઓમાંથી મનને પહેલાંથી જ બહાર કાઢી લેવાથી બહારનો ત્યાગ તો આપોઆપ થઈ જશે.

સાધુસંગ અને એકાંતમાં સાધન-ભજન

પ્રશ્ન: મહારાજ, ઠાકુર ભક્તોને કહેતા: ‘એકાંતમાં, ગુપ્તરૂપે, રડતાં રડતાં ભગવાનને પોકારવા; પછી ભલે તે એક વર્ષ માટે હોય કે ત્રણ મહિના કે ત્રણ દિવસ.’ સાધુસંગ અને એકાંતમાં સાધન-ભજન આ બે બાબતોમાંથી અમારે કઈ બાબત ઉપર વધારે ભાર દેવો યોગ્ય છે?

સ્વામી બ્રહ્માનંદ: બંને કરવાં પડશે. એકાંતમાં ધ્યાન કરવાથી મન સહેલાઈથી અંતર્મુખ બની જાય છે. નકામી ચિંતાઓ ઓછી થઈ જાય છે. થોડી પ્રગતિ કર્યા વગર, પૂર્ણ એકાંતવાસ કરી શકાતો નથી. કેટલાય લોકો એકદમ એકાંતમાં રહેવાની કોશિશ કરવાથી પાગલ બની ગયા છે. સમાધિસ્થ થયા વગર, ભગવનમાં જોડ્યા વગર મન સારી રીતે નિઃસંગ બનતું નથી.

સાધુસંગની પણ હંમેશાં જરૂર છે. એક માણસ ત્રૈલંગ સ્વામી પાસે ગયેલો. એમને જોઈને તે વિચારવા લાગ્યો કે આ તો કંઈ વાતચીત કરતા નથી, તો તેમની પાસે જવાથી શો લાભ? એમ વિચારી તે દિવસે તે પાછો ચાલ્યો આવ્યો. ફરી એક દિવસ જઈને તે તેમની પાસે ઘણા લાંબા વખત સુધી બેસી રહ્યો. તે દિવસે તેણે જોયું કે સ્વામી અત્યંત વ્યાકુળ બનીને રડી રહ્યા છે; થોડા સમય પછી તેઓ ખૂબ હસવા લાગ્યા; તે દિવસે તેમનો એ ભાવ જોઈને તે માણસે કહ્યું: ‘આજે જે શીખ્યો તે હજારો પુસ્તક વાંચીને પણ ન શીખી શક્યો હોત. ભગવાન માટે જ્યારે આવી તત્પરતા આવશે, ત્યારે એમનાં દર્શન થશે અને ત્યારે જ એવા આનંદની પ્રાપ્તિ થશે.’

ચાર વખત ધ્યાન કરવું

સ્વામી બ્રહ્માનંદ: ચાર વખત ધ્યાન કરવું—સવારે, સ્નાન પછી, સંધ્યા સમયે અને મધ્યરાત્રીએ. ભગવાનપ્રાપ્તિ માટે ઘરબાર છોડીને આવ્યા છો તો તો તેમને મેળવવા માટે એકનિષ્ઠ બની પ્રાણના ભોગે પ્રયત્ન કરવો જોઈએ. પાગલ કૂતરાની જેમ ભગવાન માટે વ્યાકુળ થઈ જવું જોઈએ. બે મુઠ્ઠી દાળ-ભાત ખાઈને મઠમાં માત્ર પડ્યા રહેવું, તે અત્યંત દયાજનક – હીન જીવન છે, ન ઘરના રહેશો, ન ઘાટના; બંને બાજુ સપાટ થઈ જશે! ‘ઈતો નષ્ટઃ તતો ભ્રષ્ટ:’ થઈ જશો. જો મન એમાં ન ચોંટે તો અભ્યાસ કરો. રોજ ગીતાના એક અધ્યાયનો પાઠ કરવો જરૂરી છે. મેં જાતે જોયું છે; મન જ્યારે નીચે આવે છે, ત્યારે ગીતાપાઠ કરવાથી જ મનનો મેલ એકદમ ધોવાઈ જાય છે. બે મુઠ્ઠી દાળભાત ખાઈને પડ્યા રહેવાનો અર્થ તો છે – ‘ઈતો નષ્ટઃ તતો ભ્રષ્ટઃ’

હંમેશાં મનને ચકાસવું પડશે

સ્વામી બ્રહ્માનંદ: હંમેશાં મનને ચકાસવું પડશે, પોતાની જાતને પૂછવું પડશે: ‘હું શું કરવા અહીં આવ્યો છું? કેવી રીતે દિવસો વિતાવી રહ્યો છું? શું મારે ખરેખર ભગવાન જ જોઈએ છે? જો જોઈએ છે તો હું શું કરી રહ્યો છું?’ હૃદય ઉપર હાથ રાખીને જુઓ અને પૂછો કે જેવું કરવું જોઈએ તેવું કામ હું કરી રહ્યો છું કે નહીં? મન કામચોરી કરવાનો પ્રયત્ન કરશે. પણ તેનું ગળું પકડીને અંકુશમાં રાખવું પડશે, જેથી તે કામચોરી ન કરી શકે.

સત્યને પકડવું પડશે. પવિત્ર બનવું પડશે. તમે જેટલા પવિત્ર બનશો, તેટલી જ મનની એકાગ્રતા વધશે અને મનની છળકપટવૃત્તિ પકડાઈ જશે અને એક દિવસ તેની આ દુષ્પ્રવૃત્તિનો સંપૂર્ણપણે નાશ થઈ જશે. ‘કે શત્રવઃ સન્તિ નિજેન્દ્રિયાણિ. તાન્યેવ મિત્રાણિ જિતાનિ યાનિ.’ આ મન જ પોતાનો શત્રુ છે અને મન જ પોતાનો મિત્ર છે. જે જેટલી ઊલટતપાસ કરી મનની ભૂલોને બહાર કાઢશે અને તેને દૂર કરવામાં સમર્થ થશે તે એટલી જ ત્વરિત ગતિથી સાધના ક્ષેત્રમાં આગળ વધતો જશે.

કુલકુંડલિની શક્તિ ધીમે ધીમે જાગ્રત થશે

સ્વામી બ્રહ્માનંદ: ખૂબ જપ-ધ્યાન કરો. પહેલાં પહેલાં તો મન સ્થૂલ વસ્તુઓમાં લાગેલું રહે છે. જપ-ધ્યાન કરવાથી તે ધીમે ધીમે સૂક્ષ્મ વિષયોને ગ્રહણ કરતાં શીખે છે. શીતકાલ તો જપ-ધ્યાનનો સમય છે અને આ ઉંમર પણ એ માટે યોગ્ય છે. ‘ઈહાસને શુષ્યતુ મે શરીરમ્’ કહીને બેસી જાઓ. ભગવાન ખરેખર છે કે નહીં તે એક વખત ચકાસી તો જુઓ. થોડી થોડી તિતિક્ષાનો અભ્યાસ કરવો સારો છે—જેમ કે અમાસ કે એકાદશીના દિવસે એક ટંક જમવું.

નિરર્થક ગપ્પાં માર્યા વગર આખો દિવસ ઈશ્વરનું સ્મરણ-મનન કરવું. ઊઠતાં-બેસતાં, બધો જ વખત. આ રીતે કરવાથી જોશો કે કુલકુંડલિની શક્તિ ધીમે ધીમે જાગ્રત થઈ રહી છે. શું સ્મરણ-મનનથી વધારે સારી બીજી કોઈ વસ્તુ છે ખરી? માયાનાં આવરણ એક પછી એક હટી જશે અને ત્યારે જોઈ શકશો કે પોતાની અંદર જ કેટલી અદ્‌ભુત વસ્તુ છે, ત્યારે તમે સ્વયંપ્રકાશ બની જશો.

ભરતી-ઓટ તો આવતી જ રહે છે

પ્રશ્ન: જપ-ધ્યાનમાં બેસવાથી ક્યારેક ક્યારેક મન ખૂબ સ્થિર થઈ જાય છે અને ક્યારેક ક્યારેક તો હજાર પ્રયત્ન કરવા છતાં પણ સ્થિર નથી થતું ફક્ત અહીંતહીં ભટકતું ફરે છે.

સ્વામી બ્રહ્માનંદ: અરે, ગંગામાં ભરતી-ઓટ થાય છે, તે જાણો છો ને? એ રીતે બધી જ વસ્તુઓમાં ભરતી-ઓટ આવે છે. સાધન-ભજનમાં પણ ભરતી-ઓટ છે. પરંતુ એ શરૂ શરૂમાં જ હોય છે, એના માટે કંઈ વિચાર ન કરો. કમ્મર કસીને મંડ્યા જ રહો. થોડા સમય સુધી જો નિયમિતરૂપે સાધન-ભજન કરવામાં આવે તો પછી ભરતી-ઓટ નહીં થાય. ત્યારે ગંગા એક ધારી વહેવા લાગશે.

આસનમાં બેસતાં જ એકદમ જપ-ધ્યાન શરૂ કરી દેવા યોગ્ય નથી. પહેલાં તો વિચારપૂર્વક મનને બહારથી સમેટી લેવું જોઈએ, ત્યાર પછી જપ-ધ્યાન શરૂ કરવાં જોઈએ. કેટલાક દિવસ આ રીતે અભ્યાસ કરવાથી મન ધીમે ધીમે સ્થિર થઈ જશે.

જ્યારે મન થોડુંક સ્થિર થઈ રહ્યું છે એવું લાગે તો તે સમયે બધાં જ કામ છોડીને જપ-ધ્યાન કરવાં અને જ્યારે સારું ન જણાય, મન સ્થિર ન હોય તે સમયે નિયમિત વખતે આસન ઉપર બેસીને વિચાર વગેરેની મદદથી મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો. મન શું જલદીથી સ્થિર થઈ જાય છે? સંઘર્ષ, સંઘર્ષ, પ્રત્યેક ક્ષણે સંઘર્ષ કરવો પડશે. મન કહો, બુદ્ધિ કહો કે પછી ઇન્દ્રિયો કહો—પ્રયત્ન કરવાથી જ બધા વશમાં આવી જાય છે.

ટેક રાખવી જોઈએ

સ્વામી બ્રહ્માનંદ: સાધન-ભજનની પહેલી અવસ્થામાં કેટલાક નિયમોનું પાલન કરવું ઘણું જરૂરી છે—આટલા સમય સુધી જપ કરીશ, આટલો સમય ધ્યાન કરીશ, આટલો સમય પાઠ કરીશ, વગેરે. સારું લાગે કે ન લાગે, ‘હું મારા નિયમનું અવશ્ય પાલન કરીશ.’ આવી રીતે ટેક રાખવી જોઈએ. કેટલાક દિવસ સુધી આ રીતે કરવાથી ટેવ પડી જાય છે. અત્યારે જેવી રીતે જપ-ધ્યાન કરવાં ગમતાં નથી; તે સમયે આનાથી બરોબર ઊંધું થશે. ત્યારે મનની એવી દશા થશે, ત્યારે સમજવું કે તમે લક્ષ્ય પ્રત્યે ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યા છો. ભોજન ન મળવાથી કે ઊંઘ ન આવવાથી જેવું દુઃખ થાય છે અને મન વ્યગ્ર બને છે, તેવી જ રીતે જ્યારે ભગવાનને માટે મનની એવી દશા થશે ત્યારે માનજો કે તેઓ તમારી ખૂબ નિકટ જ છે.

અમર થઈ જાઓ

સ્વામી બ્રહ્માનંદ: પહેલાં અમૃતની શોધ કરી લો. અમર થઈ જાઓ. પછી જે કંઈ થાય તે થવા દો. તેઓ ભલે ઉકરડા પર રાખે કે સિંહાસન પર બેસાડે, કશી હરકત નહીં. એક વાર પારસમણિને સ્પર્શીને લોઢું સોનું બની જાય પછી કાંઈ ચિંતા નથી. એને પછી માટીમાં દાટી રાખો કે પેટીમાં તાળું મારીને, પણ સોનું તો સોનું જ રહેશે. ઠાકુર કહેતા, ‘અદ્વૈત જ્ઞાનને ગાંઠે બાંધીને જે ઇચ્છા હોય તે કરો.’ અર્થાત્ જ્ઞાન-ભક્તિની પ્રાપ્તિ કરી, એમને જાણી લઈને પછી ભલે જે કંઈ કામ કરો એનાથી તમારું કોઈ નુકસાન નહીં. ત્યારે ખોટા માર્ગે પગ વળશે નહીં.

સન્માર્ગે જતાં અનેક મુશ્કેલીઓ આવે છે— મહામાયા સહેલાઈથી છોડી દેતી નથી. એની કૃપા મેળવવા માટે ખૂબ રડવું પડે છે. ખૂબ પ્રાર્થના કરવી પડે છે. પૂર્વજન્મના કેટલાય સંસ્કાર ભરેલા છે અને વળી પાછા આ જન્મમાં પણ થોડા ઘણા સંચિત થઈ રહ્યા છે, સમગ્ર જીવન આ સંસ્કારો સાથે લડવામાં પસાર કરવું પડશે. સંસ્કારો સાથે જેટલા વધારે લડશો, તે સંસ્કારો પણ તમને તેટલા જ વધારે જોરથી ધક્કા મારશે. તે સમયે ઉદ્દેશ્યને ભૂલ્યા વિના જે પોતાના લક્ષ્યને પકડીને આગળ વધતો જાય છે, તે જ વિજયી બને છે.

મનુષ્યની અંદર બે વૃત્તિઓ છે: ‘કુ’ અને ‘સુ’. આ બન્ને વચ્ચે ખૂબ લડાઈ થાય છે. એક ભોગ પ્રત્યે ખેંચે છે, બીજી ત્યાગ તરફ લઈ જવા ઇચ્છે છે. એમની હાર-જીત પર મનુષ્યના મનુષ્યત્વ અને પશુત્વનો આધાર રહેલો છે.

આનંદમય સ્વરૂપનું ધ્યાન

સ્વામી બ્રહ્માનંદ: સાધન, ભજન કરવાથી જ કામ, ક્રોધ વગેરે દૂર થશે. હજુ મન રજસ, તમસથી ઢંકાયેલું છે. તેને શુદ્ધ કરવું પડશે. સૂક્ષ્મ કરવું પડશે. સત્ત્વગુણમાં લઈ જવું પડશે, ત્યારે જપ-ધ્યાન ગમશે. વધુ ને વધુ માત્રામાં કરવાની ઇચ્છા થશે. પછી જ્યારે મન શુદ્ધ સત્ત્વ બની જશે, ત્યારે જ આ લઈને રહેવું. મન હજુ જડ (તમસાવૃત) છે. એટલા માટે જડ, સ્થૂળ, બાહ્ય વિષયો પ્રત્યે એનું આકર્ષણ છે અને જ્યારે આ મન ચેતન થશે, ત્યારે તે ચેતનને આકર્ષિત કરશે. મનના સૂક્ષ્મ થવાથી તેની ધારણાશક્તિ વધી જશે, ત્યારે તમે સૂક્ષ્મ દૈવી તત્ત્વો શીઘ્ર સમજી શકશો.

ધ્યાન કરતી વખતે એક આનંદમય સ્વરૂપનું ચિંતન કરવું પડશે. તેનાથી જ્ઞાનતંતુઓ શાંત બની જશે. ઇષ્ટમૂર્તિના હોઠ પર સ્મિત છે અને તે આનંદમય છે. આ રીતે ચિંતન કરવું જોઈએ, નહીં તો ધ્યાન શુષ્ક બની જશે. હવે સમય નષ્ટ ન કર. બધા શત્રુઓ સમર્થ છે. હમણાં તો તેનો વેગ સહન કરી લેવો પડશે. એનાથી કષ્ટ પણ થશે. સાત-આઠ વર્ષ પરિશ્રમ કરી લે. પછીથી સમગ્ર જીવન સુખમાં પસાર થશે. એક વર્ષમાં જ ફળની જાણકારી મળી જશે.

જપની સાથે સાથે મૂર્તિનું ચિંતન કરવું જોઈએ. નહીં તો જપ બરાબર થશે નહીં. સંપૂર્ણ મૂર્તિ ધ્યાનમાં ન આવે, તો પણ જેટલી મનની સામે આવે, તેને લઈને ધ્યાનની શરૂઆત કરવી જોઈએ. પહેલાં ચરણકમળથી પ્રારંભ કરવો. ન કરી શકો તો પણ વારંવાર પ્રયત્ન કરો. મૂર્તિ ન આવે તો શું ધ્યાન છોડી દઈશું? એમ કરતાં કરતાં જ થશે. ધ્યાનનું બીજું પગલું સમાધિ છે. નિર્ભરતા વગેરે જે પણ છે, તે બધું સાધના દ્વારા અંદરથી પ્રગટ થશે. એના ઉપર બધું છોડી દો. પૂરી રીતે શરણાગત બની જાઓ.

હૃદયમાં ધ્યાન કરવું જ સારું છે

પ્રશ્ન: મહારાજ, કોઈ હૃદયમાં, તો કોઈ મસ્તિષ્કમાં ધ્યાન ધરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હું જે રીતે બહારનું સ્વરૂપ જોઉં છું, જેમ કે હમણાં આપને જોઈ રહ્યો છું, તે રીતે ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું. તો કઈ રીતે ધ્યાન કરવું યોગ્ય છે?

સ્વામી બ્રહ્માનંદ: જુઓ, એ બધું સાધકો પ્રમાણે જુદી જુદી રીતનું હોય છે. સાધારણ રીતે હૃદયમાં ધ્યાન કરવું જ સારું છે. શરીર જાણે મંદિર છે, ઠાકુર એમાં બિરાજે છે. ધ્યાન કરતાં કરતાં મન જ્યારે સ્થિર થઈ જશે, ત્યારે જ્યાં ઇચ્છા થશે ત્યાં ઇષ્ટ દર્શન થશે. બાજુમાં, હૃદયમાં, પાછળ, બહાર—બધી જગ્યાએ ધ્યાન કરી શકાય છે. ધ્યાન કરતાં કરતાં જ્યોતિર્દર્શન થાય છે, પરંતુ આ રીતના જ્યોતિર્દર્શનની સાથે સાથે અથવા તેના થોડા સમય બાદ એક પ્રકારનો આનંદ મળે છે, જેને છોડીને મન આગળ વધવા ઇચ્છતું નથી. ત્યાર પછી પ્રચંડ જ્યોતિર્દર્શન થાય છે, મન તેમાં તન્મય બની જાય છે. ક્યારેક ક્યારેક તે દીર્ઘ પ્રણવ-ધ્વનિ સાંભળતાં સાંભળતાં જ મન તન્મય બની જાય છે. દર્શન અને અનુભૂતિના રાજ્યની શું કોઈ મર્યાદા છે ખરી? જેટલા આગળ વધો, ત્યાં બસ, અનંત ને અનંત જ. ઘણા લોકો થોડીક જ્યોતિ-બ્યોતિ જોઈને વિચારે છે કે બસ, આ જ આખરી છે, પણ તે બરાબર નથી. જ્યાં પહોંચવાથી મનના વિકલ્પો સમાપ્ત થઈ જાય છે, ત્યાં કોઈ કહે છે કે તે જ અંતિમ છે અને કોઈ કહે છે કે તે જ આરંભ છે.

જ્ઞાનચક્ષુ ખૂલી જવાથી પ્રત્યક્ષ દર્શન થશે

સ્વામી બ્રહ્માનંદ: ધ્યાન વખતે ઇષ્ટમૂર્તિનું ચિંતન જ્યોતિર્મય સ્વરૂપે ક૨વું જોઈએ. જાણે એમના પ્રકાશથી બધું જ પ્રકાશિત છે. એ જ્યોતિને ચૈતન્ય સ્વરૂપ જાણવી. આ પ્રકા૨નું ધ્યાન પછીથી સહજ રીતે જ નિરાકા૨ ધ્યાનમાં પરિણમશે. ત્યારે હૃદયમાં પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. ‘પ્રતિબોધ વિદિતં મતમ્.’ તે પછી જ્ઞાનચક્ષુ ખૂલી જવાથી પ્રત્યક્ષ દર્શન થાય છે, તે એક જુદું જ જગત છે. આ જગત તો જાણે એનાથી સંપૂર્ણ રીતે ભિન્ન છે. ત્યારે આ ક્ષુલ્લક જણાય છે. જેમ ઉદી (મહારાજના પ્રિય બાળક ૨સોઈયાનું નામ) કલકત્તામાં આવીને શહે૨નો વૈભવ અને સૌંદર્ય જોઈને કહેવા લાગ્યો: ‘ભુવનેશ્વર તો કંઈ પણ નથી.’ પછીથી મનનો લોપ થઈ જાય છે, ત્યારે સમાધિ. ત્યા૨ પછી નિર્વિકલ્પ સમાધિ. એના પછી હજુ પણ વધારે આગળ જવાથી શું છે, તે વાણીથી વર્ણવી શકાય એમ નથી. ત્યાં નથી દર્શન કે નથી શ્રવણ, છે માત્ર અનંત ને અનંત!

આ બધી અનુભૂતિની વાતો છે. ત્યારે મનને બળપૂર્વક આ જગતમાં ખેંચી રાખવું પડે છે. એવું લાગે છે કે આ બધું કંઈ જ નથી. ‘દ્વૈતાદ્વૈતવિવર્જિતમ્’ આ અવસ્થામાં પહોંચીને કેટલાક તો શરી૨ને એક મોટું વિઘ્ન જાણી સમાધિમાં એનો ત્યાગ કરી દે છે. જાણે ઘડાને ફોડી નાખવો. ઠાકુ૨ એક સુંદ૨ દૃષ્ટાંત આપતા: દસ શકોરાંમાં પાણી છે. એમાં સૂર્યનું પ્રતિબિંબ પડી ૨હ્યું છે. એક એક શકોરું ફોડતાં ફોડતાં અંતે એક શકોરું અને એક સૂર્ય વધ્યાં. તેને પણ ફોડી નાખવાથી જે ૨હ્યું તે—સત્ય, સૂર્ય બચ્યો. આ કહેવાનું પણ ત્યારે હોતું નથી. કોણ કહેશે?

પ્રશ્ર: મહારાજ, ધ્યાન વખતે જે ઈશ્વરના સર્વવ્યાપી સ્વરૂપનું ચિંતન ક૨વામાં આવે તો તે પણ ધ્યાન છે?

સ્વામી બ્રહ્માનંદ: એ તો ક૨વું જ પડે છે; પણ થોડા વખત પછી. ત્યારે એ જ ઇષ્ટનો બધાંમાં—જળમાં, સ્થળમાં, પાંદડેપાંદડાંમાં, આકાશમાં, નક્ષત્રમાં, પહાડમાં, પર્વતમાં, સર્વત્ર અનુભવ થાય છે.23ધ્યાન, ધર્મ, અને સાધના, ૨૫ એપ્રિલ, ૧૯૧૩

બાળકની માફક રડી રડીને પ્રાર્થના કરો

રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ મહાપુરુષ સ્વામી શિવાનંદજી મહારાજ સાથે પ્રશ્નોત્તરીનો એક અંશ.

ભક્ત: મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું. પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર સમજણ પડતી નથી. ધ્યાન જામતું નથી.

શ્રીમહાપુરુષ મહારાજ: શરૂઆતમાં ધ્યાન થવું બહુ મુશ્કેલ છે. એમની કૃપાથી એમનું નામ જપતાં જપતાં, પ્રાર્થના કરતાં કરતાં જ્યારે એમના ઉપર આત્યંતિક પ્રેમભાવ થાય ત્યારે જ સહજ ધ્યાન થશે. શરૂઆતમાં ધ્યાન કરવાનો પ્રયત્ન ન કરતાં ચિરપવિત્ર, કામ-કાંચન ત્યાગી, પરમદયાળુ યુગાચાર્ય જગદ્‌ગુરુ શ્રીરામકૃષ્ણદેવની શ્રીમૂર્તિ સામે બેસીને અત્યંત આર્તભાવે બાળકની માફક રડી રડીને પ્રાર્થના કરીને કહેવું, ‘પ્રભુ! તમે જગતના ઉદ્ધાર માટે માનવદેહ ધારણ કરીને જીવોના કલ્યાણ માટે કેટલું કષ્ટ સહન કર્યું છે? હું અતિ દીન-હીન, ભજનહીન, પૂજનહીન, જ્ઞાનહીન, શ્રદ્ધાહીન, પ્રેમહીન છું. દયા કરીને મને શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, પ્રેમ અને પવિત્રતા આપો. મારો માનવ-જન્મ સફળ થાઓ. તમે કૃપા કરીને મારા હૃદયમાં પ્રકાશમાન થાઓ. મને દર્શન આપો. તમારા જ એક બાળકે મને તમારી પાસે આ પ્રમાણે પ્રાર્થના કરતાં શીખવ્યું છે; તમે મારા પર કૃપા કરો.’ આ પ્રમાણે પ્રાર્થના કરતાં કરતાં એમની કૃપા થશે ત્યારે મન સ્થિર થશે—જપ અને ધ્યાનમાં મન સ્થિર થશે —હૃદયમાં પ્રેમ અને આનંદનો અનુભવ થશે; પ્રાણમાં આશાનો સંચાર થશે. પહેલાં ખૂબ પ્રાર્થના કરવી અને પછી જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જપ કરવા, એમનું પવિત્ર નામ જપતાં જપતાં ધ્યાન પોતાની મેળે જ થશે. જપ કરતાં કરતાં ખૂબ એકાગ્રભાવથી કલ્પના કરવી કે તેઓ તમારા તરફ સસ્નેહ જોઈ રહ્યા છે. આ કલ્પના ઘણા લાંબા સમય સુધી એકચિત્તે કરવી એ જ એક પ્રકારનું ધ્યાન છે. તમે એમનું નામ જપતાં જપતાં પ્રાર્થના કરો, ‘પ્રભુ! જેનાથી મને ધ્યાન થાય એવું કરો.’ તેઓ તે કરશે જ—ચોક્કસ જાણો. તેઓ સર્વના હૃદયના ગુરુ છે. માર્ગદર્શક, પ્રભુ, પિતા, માતા અને મિત્ર છે. ગમે તે પ્રકારે પ્રેમપૂર્વક શ્રીમૂર્તિનું ચિંતન અથવા તેમના ગુણોનું સ્મરણ કરવું એ જ ધ્યાન છે. હવે, આ પ્રમાણે કર્યા કરો. પછીથી જરૂર પ્રમાણે તેઓ અંદરથી બતાવશે કે કેવી રીતે ધ્યાન કરવું. ખૂબ વ્યાકુળતાપૂર્વક પોકાર કરો. ખૂબ આક્રંદ કરો. અશ્રુ દ્વારા મનની સઘળી મલિનતા ધોવાઈ જશે અને તેઓ કૃપા કરીને પોતાનું સ્વરૂપ બતાવશે. આ બધું એક દિવસમાં કે એકાએક જ થઈ જતું નથી. કરતો રહે, પોકારતો રહે, અવશ્ય તેમનો પ્રતિસાદ મળશે. આનંદ મળશે.24આનંદ ધામના પથ પર, પૃ.3

નીરવ અને નિરંતર

શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજી કહે છે: નીરવ અને નિરંતર, શાંતચિત્તે પ્રાર્થના અને ધ્યાન દ્વારા માણસે પોતાના મનમાં આધ્યાત્મિકતાનો અંતઃપ્રવાહ ઉત્પન્ન કરવો જોઈએ. પછી તે પ્રવાહ સતત ચાલુ રહેશે—ઊંઘમાં સુધ્ધાં. એનો અર્થ એવો નથી કે એ સ્થિતિમાં સ્વપ્ન નહીં આવે, પણ એ ઉત્પન્ન થયેલો પ્રવાહ મુખ્ય રહેશે, અને અજાણપણે અંદર કાર્ય કરતો રહેશે. આવા સાધનાકાળ દરમિયાન વધુ માણસો સાથે હળવું-મળવું નહિ, કે નિરર્થક વાતોમાં સમય ગાળવો નહિ.

જપનો સાચો અર્થ

શિષ્ય: મહારાજ! જપનો સાચો અર્થ શું?

તુરીયાનંદજી: તેનો અર્થ એ કે માણસે ઈશ્વરના નામનું રટણ કરવું, અને સાથોસાથ તેના સ્વરૂપનું ધ્યાન ધરવું, તેનું ચિંતન કરવું, તેને ચાહવું. જો મન દુન્યવી પદાર્થોમાં આસક્ત હોય તો માત્ર ઈશ્વરના નામના જપથી શું વળે? આપણે માટે ખાસ જરૂરી એ છે કે ગમે તે રીતે ઈશ્વરને આપણો પોતાનો કરવો જોઈએ.

ઓમકારનો જપ

તુરીયાનંદજી એક છોકરા સાથે વાત કરતા હતા. તેમણે તેને પૂછ્યું: તું ધ્યાન કરે છે? ધ્યાન ઈશ્વરના સ્વરૂપનું તેમજ ઓમકારનું થઈ શકે છે. જેમ જેમ સાધક ધ્યાન કરતો જાય, તેમ તેમ તે ઓમકારમાં મગ્ન બનતો જાય છે. ‘તજ્જપસ્તદર્થભાવનમ્‌’—જેમ જેમ સાધક ઓમકારનો જપ કરે અને તેના અર્થનું ચિંતન કરે, તેમ તેમ તેનું મન સ્થિર બનતું જાય. એટલે કે તેણે ધ્યાન છોડવું નહિ. ઈશ્વરમાં આત્મસમર્પણ કરવાથી મનની એકાગ્રતા આડેથી બધી અડચણો દૂર થાય છે, મનુષ્યને આત્માનો સાક્ષાત્કાર થાય છે.

હૃદયમાં ધ્યાન

તુરીયાનંદજી: જ્ઞાનીઓ મસ્તકમાં ધ્યાન કરે, ભક્તો હૃદયમાં. આપણે સામાન્ય રીતે આમ જોઈએ છીએ, પણ જ્યારે હૃદયમાં ધ્યાન કરવાના ફળરૂપે આધ્યાત્મિક અનુભૂતિનો વિકાસ થાય, ત્યારે ધ્યાન માટે કોઈ ચોક્કસ સ્થળની જરૂર રહેતી નથી.25‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ’માંથી કેટલાક અંશો

સંદર્ભ ગ્રંથો

  • 1
    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 1, પૃ. 190
  • 2
    શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 35, અધ્યાય 15
  • 3
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.328
  • 4
    કથામૃત, ખંડ-45, અધ્યાય-4
  • 5
    કથામૃત 1.427
  • 6
    લીલાપ્રસંગ, સાધકભાવ, 5. 9
  • 7
    લીલાપ્રસંગ, સાધકભાવ, 8. 7
  • 8
    કથામૃત 1.115
  • 9
    કથામૃત 1.178
  • 10
    કથામૃત 1.181
  • 11
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.333
  • 12
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.335
  • 13
    કથામૃત 1.205
  • 14
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.335
  • 15
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.335
  • 16
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.338
  • 17
    કથામૃત 1.71
  • 18
    કથામૃત 1.238
  • 19
    કથામૃત 1.302
  • 20
    કથામૃત 1.424
  • 21
    લીલાપ્રસંગ, સાધકભાવ, 7. 2
  • 22
    લીલાપ્રસંગ, સાધકભાવ, 11.7
  • 23
    ધ્યાન, ધર્મ, અને સાધના, ૨૫ એપ્રિલ, ૧૯૧૩
  • 24
    આનંદ ધામના પથ પર, પૃ.3
  • 25
    ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ’માંથી કેટલાક અંશો
Total Views: 313

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


  • 1
    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 1, પૃ. 190
  • 2
    શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 35, અધ્યાય 15
  • 3
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.328
  • 4
    કથામૃત, ખંડ-45, અધ્યાય-4
  • 5
    કથામૃત 1.427
  • 6
    લીલાપ્રસંગ, સાધકભાવ, 5. 9
  • 7
    લીલાપ્રસંગ, સાધકભાવ, 8. 7
  • 8
    કથામૃત 1.115
  • 9
    કથામૃત 1.178
  • 10
    કથામૃત 1.181
  • 11
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.333
  • 12
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.335
  • 13
    કથામૃત 1.205
  • 14
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.335
  • 15
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.335
  • 16
    શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, પૃ.338
  • 17
    કથામૃત 1.71
  • 18
    કથામૃત 1.238
  • 19
    કથામૃત 1.302
  • 20
    કથામૃત 1.424
  • 21
    લીલાપ્રસંગ, સાધકભાવ, 7. 2
  • 22
    લીલાપ્રસંગ, સાધકભાવ, 11.7
  • 23
    ધ્યાન, ધર્મ, અને સાધના, ૨૫ એપ્રિલ, ૧૯૧૩
  • 24
    આનંદ ધામના પથ પર, પૃ.3
  • 25
    ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ’માંથી કેટલાક અંશો