સંસાર

* અધ્રુવ, અશાશ્વત અને દુ:ખપ્રધાન સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી મને દુર્ગતિ ન મળે?

* આ કામભોગ ક્ષણભરનું સુખ આપનાર અને ચીરકાળનું દુ:ખ દેનાર છે, વધુ દુ:ખ અને ઓછું સુખ આપનાર છે. મુક્તિના વિરોધી અને અનર્થોની ખાણ છે.

* ઘણાં પ્રયત્નશોધ કરવાં છતાં કેળના વૃક્ષમાં કંઈ સાર દેખાતો નથી. તેવી જ રીતે ઇન્દ્રિયવિષયોમાં પણ કોઈ પ્રકારનું સુખ જણાતું નથી.

* નરેન્દ્ર-સુરેન્દ્રાદિનાં સુખ વાસ્તવિક રીતે દુ:ખ જ છે. એ તો ક્ષણિક છે, પરંતુ એનું પરિણામ દારુણ હોય છે; એટલે જ એનાથી દૂર રહેવું ઉચિત છે.

* ખરજવાનો રોગી જેમ જેમ ખંજવાળે તેમ તેનાથી ઉપજતા વધારે દુ:ખને પણ સુખ માને છે. એવી રીતે મોહાતુર માનવ કામજન્ય દુ:ખને સુખ માને છે.

*  આત્માને દુષિત કરતા ભોગામિષમાં ડૂબેલા, હિત અને શ્રેયસ્‌માં વિપરિત બુદ્ધિવાળા, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ બળખામાં સલવાયેલી માખીની જેમ કર્મોમાં બંધાયેલો રહે છે.

* જીવ જન્મ, જરા અને મરણથી ઉપજતા દુ:ખને જાણે છે, એનો વિચાર પણ કરે છે, પરંતુ વિષયોમાંથી વિરક્ત થઈ શકતો નથી. અરે!  માયાની ગાંઠ કેટલી મજબૂત હોય છે!

* સંસારી જીવનાં-રાગદ્વેષરૂપી-પરિણામો હોય છે. પરિણામોને કારણે કર્મબંધ આવે છે. કર્મબંધને કારણે જીવ ચાર ગતિ-યોનિમાં જાય છે – જન્મે છે. જન્મથી શરીર અને શરીરથી ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે. એના દ્વારા જીવ વિષયોનું સેવન કરે છે. તેને લીધે વળી પાછા રાગદ્વેષ જન્મે છે. આ રીતે જીવ સંસારચક્રમાં ભટકતો રહે છે. જીવના આ પરિભ્રમણના હેતુભૂત પરિણામ (સમ્યક્‌દૃષ્ટિ પ્રાપ્ત ન થતાં) અનાદિ અનંત (સમ્યક્‌દૃષ્ટિ પ્રાપ્ત થતાં) અનાદિ સાંત બને છે.

* જન્મ દુ:ખ છે, જરા દુ:ખ છે, રોગ દુ:ખ છે અને મૃત્યુ પણ દુ:ખ છે. અરેરે! સંસાર દુ:ખ જ છે. આ સંસારમાં જીવને ક્લેશ જ મળે છે.

* જ્ઞાતિ, મિત્રવર્ગ, પુત્ર અને ભાઈઓ એનું દુ:ખ લઈ શકતા નથી. એ પોતે એકલો જ દુ:ખોને ભોગવે છે, કારણ કે કર્મ કર્તાનું અનુગમન કરે છે.

* જેમ કોઈ માનવ સ્વેચ્છાએ વૃક્ષ પર ચડી જાય પરંતુ પ્રમાદને કારણે નીચે પડતી વખતે પરવશ થઈ જાય છે, તેમ જીવ કર્મબંધ બાંધવા સ્વતંત્ર છે, પરંતુ તે કર્મનો ઉદય થતાં એને ભોગવવામાં તેને અધીન થઈ જાય છે.

* અરેરે! દુ:ખની વાત એ છે કે, સુગતિનો માર્ગ ન જાણવાને લીધે હું મૂઢગતિ ભયાનક અને ઘોર સંસારવનમાં ચિરકાળ સુધી ભટકતો રહું છું.

* જે જીવ મિથ્યાપણાથી ગ્રસ્ત છે એની દૃષ્ટિ વિપરીત બની જાય છે. જેમ જ્વરગ્રસ્ત માનવને મીઠો રસે ય ગમતો નથી તેમ જીવને ધર્મ પણ રુચિકર લાગતો નથી.

* મિથ્યાદૃષ્ટિવાળો જીવ તીવ્ર કષાયથી પૂરી રીતે અભિભૂત થઈને શરીર અને જીવને એક માને છે, આ બહિરાત્મા છે.

* રાગ અને દ્વેષ કર્મનાં બીજ છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. તે જન્મમરણનું મૂળ છે અને જન્મમરણને દુ:ખનું મૂળ કહેવામાં આવ્યું છે.

* જેટલું નુકસાન સંયમ વિનાના રાગદ્વેષ કરે છે, એટલું નુકસાન અત્યંત તિરસ્કૃત દુશ્મન પણ નથી કરી શકતો.

* આ સંસારમાં જન્મ, જરા અને મરણનાં દુ:ખથી ઘેરાયેલા જીવને કોઈ સુખ સાંપડતું નથી. એટલે મોક્ષ જ ઉપાદેય – ઉત્તમ છે.

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.