12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાયની રઘુવીર ભક્તિ વિશે થોડું જાણીએ.

ખુદીરામ ચટ્ટોપાધ્યાયની વાત

આર્થિક રીતે મધ્યમ અવસ્થાવાળું એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ કુટુંબ દેરે ગામમાં વસતું હતું. એ ઘરના લોકો સદાચારી, કુલીન તથા શ્રીરામચંદ્રજીના ઉપાસકો હતા. એ કુટુંબના શ્રી માણિકરામ ચટ્ટોપાધ્યાયને ત્યાં સૌથી મોટા પુત્રરૂપે ખુદીરામ (શ્રીરામકૃષ્ણદેવના પિતા)નો જન્મ થયો હતો. તેઓ પણ પોતાના પૂર્વજોની જેમ શ્રીરામચંદ્રજી પર અપાર આસ્થા ધરાવતા. સ્વામી સારદાનંદ લખે છે:

“ઉંમરલાયક થવાની સાથે શ્રીખુદીરામે કોઈ જાતની અર્થોપાર્જન કરાવનારી વિદ્યામાં પારંગતતા મેળવેલી, કે નહિ, તેની તો ખબર નથી. પણ સત્યનિષ્ઠા, સંતોષ, ક્ષમા, ત્યાગ જેવા જે સદ્‌ગુણો એક સદ્‌બ્રાહ્મણમાં સ્વાભાવિકપણે રહેવાં જ ઘટે એમ શાસ્ત્રોનું કથન છે, તે તો વિધાતાએ એમને ખોબેને ખોબે દીધેલા હતા. તેઓ મજબૂત અને કદાવર હતા પરંતુ સ્થૂળકાય ન હતા. રંગે ગોરા અને દેખાવડા. કુળપરંપરાગત શ્રીરામચંદ્રની ભક્તિ તેમનામાં વિશેષરૂપે પાંગરેલી. રોજ સંધ્યાવંદન વગેરે નિત્યકર્મો આટોપીને પુષ્પો ચૂંટીને શ્રીરઘુવીરની પૂજા કર્યા પછી જ કાંઈ ખાતાપીતા.” (1.27)

ખુદીરામે દેરેગામ છોડ્યું

પિતાના મૃત્યુ બાદ ઘરબાર અને જરજમીન સંભાળવાનો બોજો ખુદીરામને શિરે જ આવ્યો. ધર્મના માર્ગેથી ડગ્યા વિના તેઓએ તમામ ફરજ પોતાની શક્તિ અનુસાર બજાવી. આ પહેલાં તેમણે લગ્ન કરીને સંસારજીવન શરૂ કરેલું. એમનાં પત્નીનું નામ શ્રીમતી ચંદ્રામણિ હતું. ધર્મને માર્ગે રહીને સંસારયાત્રા નભાવવી કેટલી તો અઘરી છે તેની બરાબર સમજ ખુદીરામને પડવામાં ઝાઝો સમય વીત્યો નહિ. દેરેગામના જમીનદારે એક વ્યક્તિ પર જૂઠો આરોપ મૂકીને કોર્ટમાં દાવો માંડ્યો. તેણે ખુદીરામને સાક્ષી બનવાનો આગ્રહ કર્યો. પરંતુ ધર્મનિષ્ઠ અને સત્યપ્રિય ખુદીરામ આ માટે સંમત ન જ થયા. જમીનદારે એમની સામે પણ ખોટો આરોપ મૂકીને કેસ માંડ્યો અને મુકદ્દમો જીતી જઈને ખુદીરામની તમામ વડીલોપાર્જિત મિલકત ઝૂંટવી લીધી. આ વાતનું વર્ણન કરતાં સ્વામી સારદાનંદજી મહારાજ લખે છે:

“આમ આશરે ચાલીસ વરસની ઉંમરે ખુદીરામ એકીસાથે સઘળું ગુમાવી બેઠા, બાપદાદાની વારસાગત મળેલી અને પોતે આપ કમાઈથી વધારેલી જે બધી મિલકત (હૃદયરામ મુખોપાધ્યાય પાસેથી સાંભળ્યું છે કે દેરેપુરમાં શ્રીયુત્ ખુદીરામની લગભગ ૧૫૦ વિઘા જમીન હતી.) તેમણે આટલા વખત સુધી સંભાળપૂર્વક સાચવેલી, તે બધીય જેમ વાદળાં પવન વડે વિખરાઈ જાય, તેમ એકી સાથે ક્યાંયે વિલીન ગઈ ગઈ! પણ આવી જાતની ઘટના તેમને ધર્મમાર્ગેથી જરાપણ ચલિત કરી શકી નહિ. શ્રીરઘુવીરનાં ચરણકમળમાં તેમણે એકાંતિક શરણ ગ્રહણ કર્યું અને સ્વસ્થ ચિત્તે પોતાના કર્તવ્ય વિશે વિચાર કરીને દુર્જનથી છેટા રહેવાને માટે બાપીકા ઘર અને ગામથી સદાને માટે વિદાય લીધી.” (1.29)

અદ્‌ભુત રીતે ખુદીરામને રઘુવીર શિલાની પ્રાપ્તિ

ખુદીરામ ઉપર આવી પડેલી વિપત્તિની વાત સાંભળીને તેમના મિત્રે પોતાના નિવાસસ્થાનનો એક ભાગ કાયમી ધોરણે તેમને આપીને કામારપુકુરમાં વસવાટ કરવા આગ્રહ કર્યો. મિત્રના આગ્રહને વશ થઈને ખુદીરામે કામારપુકુરમાં વસવાટ કર્યો. દુઃખના માઠા દિવસો વેઠવા પડે ત્યારે જ મનુષ્યને સંસારની અસારતા અને અનિત્યતાનું ખરું ભાન થાય છે. તેથી રઘુવીરના હાથમાં સંપૂર્ણ રીતે જાતને સોંપી દઈને તેમની સેવાપૂજામાં પ્રાચીનકાળના વાનપ્રસ્થીઓની જેમ દિવસો ગુજારવા માંડ્યા. ત્યાર બાદનું વર્ણન સ્વામી સારદાનંદજીના શબ્દોમાં જોઈએ:

“આ જ સમય દરમ્યાન બનેલી એક ઘટનાથી ખુદીરામનો ધર્મવિશ્વાસ વધુ દૃઢ બની ઊઠ્યો. કામ પ્રસંગે એક દિવસે તેમને બીજે ગામ જવાનું થયું. ત્યાંથી પાછા ફરતી વખતે થાકી ગયા હોવાથી તેઓ રસ્તામાં એક ઝાડ તળે થોડીકવાર વિસામો ખાવા બેઠા. શાંત નિર્જન વિશાળ સ્થળે તેમના ચિન્તાપૂર્ણ મનને શાંતિ પમાડી અને મંદ મંદ વાતો નિર્મળ પવન શરીરને આરામદાયક થઈ રહ્યો. જરાક શરીર લંબાવવાની ઇચ્છા થઈ આવી અને આડે પડખે થતાંની સાથે જ તેમને ઊંઘ આવી ગઈ. ઘડીક પછી સ્વપ્નમાં તેઓ દેખવા લાગ્યા કે તેના ઇષ્ટદેવ, નવદૂર્વાદળ-શ્યામ-તનુ ભગવાન શ્રીરામચંદ્ર જાણે દિવ્ય બાળકના વેશે તેમની સામે ઊભેલા છે અને એક સ્થળ ચીંધીને બોલી રહ્યા છે કે ‘અહીંયાં હું કેટલાય દિવસોથી સારસંભાળ વગરનો અને આહાર વિના પડી રહેલો છું. મને તારે ઘેર લઈ જા, તારી સેવા ગ્રહણ કરવાની મને ઉત્કટ અભિલાષા જાગેલી છે.’ આવાં વચન સાંભળીને ખુદીરામ એકદમ વિહ્વળ થઈ ઊઠ્યા અને તેમને વારંવાર પ્રણામ કરીને કહેવા લાગ્યા, ‘પ્રભુ, હું ભક્તિહીન અને સાવ જ દરિદ્ર, મારે ઘેર આપની યોગ્ય સેવા થવી ક્યારેય સંભવિત નથી. ઊલટાનું, સેવાની ત્રુટિના અપરાધી થઈને મારે નરકમાં જવું પડે. એટલે આવો અણછાજતો આગ્રહ શીદને કરી રહ્યા છો?’ તેના ઉત્તરમાં બાળકવેશધારી શ્રીરામચંદ્રે તેમને પ્રસન્નમુખે અભયદાન આપતાં કહ્યું, ‘સહેજ પણ ડરવાની વાત નથી. હું ક્યારેય તમારી ત્રુટિને ધ્યાનમાં નહિ લઉં, મને લઈને ચાલો.’ શ્રીભગવાનની આવી વણમાગી કૃપાને લીધે ખુદીરામ હવે વધુ વાર હૃદયને ખાળી શક્યા નહિ અને અંતરના આવેગથી રુદન કરી ઊઠ્યા. એ જ ઘડીએ તેમની નિદ્રા ઊડી ગઈ.

જાગી જતાં ખુદીરામજી વિચારવા લાગ્યા કે આ તે કેવું અદ્‌ભુત સ્વપ્ન! હાય રે, ક્યારે પણ શું સાચેસાચ એમનાં નસીબ આ પ્રમાણે ઊઘડી જશે ખરાં? એ પ્રમાણે વિચાર કરતાં કરતાં અચાનક તેમની દૃષ્ટિ પાસે આવેલા ડાંગરના ક્યારાની ઉપર પડી અને આ જ સ્થાનનું સ્વપ્નમાં દર્શન થયેલું એ સમજતાં એમને વાર ના લાગી. કુતૂહલથી પરવશની માફક તેઓ તરત ઊભા થયા અને તે ઠેકાણે પહોંચતાં જ દીઠું કે એક સુંદર શાલિગ્રામની શિલા ઉપર એક ફણીધર સાપ ફેણ માંડીને બેઠેલો છે! તત્કાળ તે શિલા મેળવવાની તેમના મનમાં પ્રબળ ઇચ્છા જાગી અને ઊતાવળે પગલે ચાલીને ત્યાં જતાં દીઠું કે સર્પ અદૃશ્ય થઈ ગયો અને તેના દરના મોઢા પાસે શાલિગ્રામ પડી રહેલ છે. સ્વપ્ન ખોટું નહોતું તે જાણીને ખુદીરામનું હૃદય ત્યારે ભારે ઉત્સાહથી ઊભરાઈ ગયું અને પોતાને દેવની આજ્ઞા મળી છે એમ સમજીને સર્પના કરડવાનો ભય રાખ્યા વગર ‘જય રઘુવીર’ એમ ઉચ્ચસ્વરે ઘોષણા સહિત શિલાને હાથમાં ગ્રહી. ત્યારે પછી શાસ્ત્રજ્ઞ ખુદીરામે શિલાનાં બધાં લક્ષણોનું નિરીક્ષણ કરીને જોયું કે ખરેખર જ એ ‘રઘુવીર’ નામની શિલા હતી. આનંદ અને વિસ્મયથી અધીરા ઊતાવળા તેઓ ઘેર પાછા ફર્યા અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંસ્કાર કરીને એની પોતાના ગૃહદેવતા તરીકે પ્રતિષ્ઠા કરીને તેનું નિત્યપૂજન કરવા લાગ્યા. આવા અદ્‌ભુત ઉપાયે શ્રીરઘુવીરની પ્રાપ્તિ થતાં પહેલાં ખુદીરામ પોતાના ઇષ્ટદેવ શ્રીરામચંદ્રજીની પૂજા ઉપરાંત, કુંભનું સ્થાપન કરીને શીતળાદેવીની નિત્યપૂજા કરતા હતા. (1.32)

સાંસારિક કષ્ટોમાં પણ ખુદીરામની અડગતા અને ઈશ્વર ભરોસો

પતિ-પત્નીનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમભાવ, ઈશ્વર પ્રત્યેની એની અડગ શ્રદ્ધાનું વર્ણન સ્વામી સારદાનંદજી નિમ્ન લિખિત શબ્દોમાં કરે છે:

“આ મુજબ એક પછી એક કરતાં દુઃખના દહાડા વીતતા ચાલ્યા. પણ તમામ પ્રકારનાં દુઃખ-કષ્ટો પરત્વે ઉદાસીન રહીને એકમાત્ર ધર્મનું દૃઢભાવે અવલંબન લઈને પ્રસન્ન ચિત્તે સમય ગુજારવા લાગ્યા. ઘરમાં કોઈ વાર અનાજનો એક દાણો ન હોય એવા દિવસો પણ જતા. પતિપરાયણ ચંદ્રાદેવી વ્યાકુળ હૃદયે એ હકીકત પતિને જણાવતાં. પણ એવે વખતે પણ ક્ષોભ ન પામતાં તેમને ધીરજ બંધાવતાં કહેતા, ‘એમાં ગભરાવાનું શું? જો શ્રીરઘુવીર ઉપવાસી રહેશે તો તેમના ભેગાં આપણે પણ ઉપવાસી રહીશું.’ સરળ હૃદયવાળાં ચંદ્રાદેવી એ સાંભળીને પતિની જેમ શ્રીરઘુવીરનો એકમાત્ર આધાર લઈને ઘરના કામમાં ગુંથાઈ જતાં—અને કોઈક ને કોઈક રીતે ભોજનની વ્યવસ્થા પણ થઈ રહેતી!” (1.34)

લક્ષ્મીજલાનું ધાન્યક્ષેત્ર

પણ આવી રીતે ધાનના સાવ જ સાંસા પડે એવા દિવસો ભોગવવાનું ખુદીરામને માટે બહુ લાંબું ના ચાલ્યું. તેમના પરમ મિત્ર શ્રી સુખલાલ ગોસ્વામીએ લક્ષ્મીજલા નામની જગ્યાએ તેમને જે દોઢ વીઘાનું ડાંગરનું ખેતર આપી દીધેલું, તેમાં શ્રીરઘુવીરની કૃપાથી એટલું ધાન પાકવા માંડ્યું કે તેનાથી એમના નાનકડા સંસારની આખા વરસની જરૂરિયાત પૂરી પડવા ઉપરાંત થોડું ઘણું બચતું, તેમાંથી અતિથિ-અભ્યાગતની સેવા પણ નભી જવા માંડી. રોજી દઈને દહાડિયા પાસે ખુદીરામ એ જમીન ખેડાવતા અને ખેતર ખેડાઈ જાય ત્યારે વાવણી ટાણે હાજર રહીને શ્રીરઘુવીરનું નામ લઈને પોતે થોડાક ધરુના રોપ રોપતા અને ત્યાર બાદ ખેડૂતોને બાકીનું કામ પૂરું કરવા કહેતા. (1.35)

ખુદીરામની ઈશ્વરભક્તિમાં વૃદ્ધિ અને દિવ્ય દર્શનલાભ

ઈશ્વર પરની અડગ આસ્થાને કારણે ખુદીરામને વિવિધ પ્રકારનાં દિવ્ય દર્શનો થવા લાગ્યાં, તે કારણે તેમની ઈશ્વર-ભક્તિ અનેકગણી વધતી ગઈ. તેમની ખ્યાતિ આખા ગામમાં પ્રસરી ગઈ. આ વાત કરતાં સ્વામી સારદાનંદજી વર્ણવે છે:

“આ પ્રમાણે દિવસો અને મહિનાઓ વીતતાં વીતતાં બે ત્રણ વરસ પસાર થઈ ગયાં અને શ્રીરઘુવીર તરફ મીટ માંડીને લગભગ આકાશવૃત્તિનું અવલંબન કરીને રહેવા છતાં પણ ખુદીરામના સંસારમાં જાડાં મોટાં અન્નવસ્ત્રોનો અભાવ રહ્યો નહિ, પરંતુ એ બે ત્રણ વરસની કઠણાઈના અનુભવને પ્રભાવે તેમના ચિત્તમાં જે શાંતિ, સંતોષ અને ઈશ્વરનિર્ભરતાની સરવાણીઓ અવિરતપણે વહેતી થઈ રહી, તેમ થવું તો બહુ અલ્પ લોકોને સદ્‌ભાગ્યે હોય છે. સદા અંતર્મુખ રહેવાનો જાણે તેમના મનનો સ્વભાવ જ થઈ ગયો અને તેના પ્રભાવથી તેમના જીવનમાં અનેક પ્રકારનાં દિવ્યદર્શનો વખતો વખત થવા લાગ્યાં. રોજ સવારે અને સાંજે સંધ્યા કરવા બેસીને જે વખતે તેઓ ગાયત્રીદેવીનું ધ્યાન ધરીને તેમના ચિંતવનમાં ડૂબી જતા ત્યારે તેમના વક્ષઃસ્થળનો રંગ લાલ થઈ જતો અને મીંચેલાં પોપચાંમાંથી અવિરત પ્રેમાશ્રુની ધાર વહેતી. વહેલી સવારે હાથમાં છાબ લઈને ફૂલ વીણવા જતા, ત્યારે દેખતા કે તેમનાં આરાધ્ય શીતળાદેવી આઠ વરસની કન્યાનું રૂપ લઈને રાતાં વસ્ત્ર અને જાતજાતના અલંકારો ધારણ કરીને હસતાં હસતાં તેમની સાથે ફરી રહ્યાં છે અને ફૂલભરેલી ઝાડની ડાળીઓ નમાવી રાખીને તેમને ફૂલ તોડવામાં મદદ કરી રહ્યાં છે. આવાં દિવ્યદર્શનોથી તેમનું અંતર સદા ઉલ્લાસપૂર્ણ રહેતું અને અંતરનાં દૃઢ વિશ્વાસ અને ભક્તિ તેમના ચહેરાને ઊજાળીને તેમને એક અપૂર્વ દિવ્ય આવેશથી સદા વીંટળાયેલા રાખતાં. એમના સૌમ્ય શાંત મુખનું દર્શન કરીને ગ્રામવાસીઓ એ દિવ્યતાનો પોતાના અંતરતમમાં અનુભવ કરતા અને તેથી ધીરે ધીરે એમના તરફ એક ઋષિ જેટલાં શ્રદ્ધા-ભક્તિ દાખવવા માંડ્યા. એમને આવતા દેખીને તેઓ ગામગપાટા મારવાનું બંધ કરી દઈને આદર સહિત ઊભા થઈ જઈને તેમની સાથે વાતો કરતા. તેમના સ્નાન સમયે એકી સાથે તળાવના પાણીમાં ઊતરતા લોકો સંકોચ અનુભવતા અને અદબપૂર્વક થોડી વાર રાહ જોઈને ઊભા રહેતા. તેમના આશીર્વાદ અચૂક ફળશે જ એમ માનીને, સુખમાં કે દુઃખમાં તે પ્રાપ્ત કરવા માટે તેમની પાસે પહોંચી જતા.” (1.35)

ચંદ્રાદેવીના વાત્સલ્યભાવની વૃદ્ધિ

ખુદીરામની જેમ ચંદ્રાદેવીને પણ અદ્‌ભુત દિવ્ય દર્શનો થતાં. એક વાર તેમને મા લક્ષ્મીનાં દર્શન થયા હતા. શ્રીરામકૃષ્ણદેવના જન્મ પહેલાં ગયાધામમાં ખુદીરામને ભગવાન ગદાધર વિષ્ણુનું સ્વપ્ન આવ્યું હતું. જેમાં ભગવાને કહ્યું હતું કે હું તારા ઘરે પુત્ર રૂપે અવતરીશ. સ્વામી સારદાનંદજી આગળ લખે છે:

“ચંદ્રાદેવી પડોશનાં છોકરાંઓ પર હંમેશાં પોતાનાં સંતાનો સરખો પ્રેમ રાખતાં. ખુદીરામે જોયું કે એમની એ વત્સલતા હવે સહુ દેવતાઓ ઉપર પણ ઢળી રહી છે. શ્રીરઘુવીરને હવે તે ખરેખર પોતાના પુત્રરૂપે નિહાળે છે અને શ્રીશીતળાદેવી અને શ્રીરામેશ્વરનું બાણલિંગ પણ એમના હૃદયમાં એવું જ સ્થાન પામેલાં છે. આ પહેલાં આ બધાં દેવતાઓની સેવા સમયે તેમનું અંતર શ્રદ્ધાપૂર્ણ ભયથી હંમેશાં ભરેલું રહેતું; પણ હવે વહાલપે આવીને એ ભયને જાણે ક્યાંયે ભગાડી મેલ્યો છે. દેવતાઓની સમક્ષ હવે એમને નથી રહ્યો કશો ભય, નથી રહ્યો સહેજે સંકોચ, નથી રહ્યું કાંઈ છુપાવવાનું કે માગવાનું! એની જગાએ રહેલ છે ફક્ત એમને પોતાનાં જણ્યાંથી યે વધુ વહાલા ગણવાનું, એમના સુખ ખાતર સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની ઇચ્છા અને એમની સાથેના ભવોભવની ગાંઠે જોડાયાનો ઉલ્લાસ.” (1.53)

ચંદ્રાદેવીની આશંકા અને સ્વામીનાં વચનોથી મળેલું આશ્વાસન

શરદ, હેમંત અને શીતકાળ વીતી જઈને ક્રમે ઋતુરાજ વસંતનું આગમન થયું. શીત અને ગ્રીષ્મની સુખદાયક સંધિરૂપ ફાગણ માસ સ્થાવર-જંગમની અંદર નવીન પ્રાણ સંચાર કરીને આજે છ દિવસથી (બંગાળી પંચાંગ અનુસાર) આવી પહોંચેલો છે. જીવ-જગતમાં એક અનોખા ઉત્સાહ, આનંદ અને પ્રેમની પ્રેરણા સર્વત્ર ભાસી રહેલી છે. શાસ્ત્રમાં કહેલું છે કે બ્રહ્માનંદના એક કણે સહુની અંદર પરોવાઈ રહીને બધાંને રસમય બનાવી રાખેલાં છે. એ દિવ્ય ઉજ્જ્વળ આનંદકણની કાંઈક વિશેષ માત્રા પામીને જ શું આ વસંત ઋતુ પૃથ્વી ઉપર સર્વત્ર આટલો ઉલ્લાસ આણી મૂકે છે કે?

શ્રીરઘુવીરનો ભોગ રાંધતાં રાંધતાં પૂરા દિવસોવાળાં ચંદ્રાદેવી આજે અંતરમાં દિવ્ય ઉલ્લાસનો અનુભવ કરી રહેલાં છે, પણ શરીર જાણે સાવ ઢગલો થઈ જતું જણાયું. અચાનક તેમને વિચાર આવ્યો કે શરીરની આવી દશા જોતાં ગમે ત્યારે કાંઈક થાય. અત્યારે જ જો પ્રસવવેળા આવીને ઊભી રહે તો ઘરમાં બીજું એકેય એવું જણ નથી કે આજની ઠાકોરજીની સેવા ચાલુ રાખે. એમ બને તો શું કરવું? મનમાં ધ્રાસ્કો પડતાં એમણે એ વાત સ્વામીને કહી. ખુદીરામે એ સાંભળીને તેમને આશ્વાસન આપતાં કહ્યું, ‘ગભરાઓ નહિ, તમારા ગર્ભમાં જેમણે શુભ આગમન કરેલું છે, તેઓ શ્રીરઘુવીરની સેવાપૂજામાં વિઘ્ન નાખીને કોઈ દિવસ સંસાર ઉપર પગલાં પાડશે નહિ એવો મારો દૃઢ ભરોસો છે. એટલે ચિંતા ના કરો. આજના દિવસની ઠાકુરસેવા તમે જરૂર ચલાવી શકશો. આવતીકાલથી મેં એના માટે બીજો બંદોબસ્ત કરી રાખેલો છે અને ધનીને પણ કહી રાખેલું છે કે આજથી તે અહીં જ સૂઈ રહેશે.’ સ્વામીનાં આવાં વચન સાંભળીને ચંદ્રાદેવીના શરીરમાં જાણે ફરી પાછી તાકાત આવતી જણાઈ અને પ્રસન્ન ચિત્તે પાછાં ઘરકામમાં લાગી રહ્યાં. અને થયું પણ એમ જ, શ્રીરઘુવીરનો મધ્યાહ્ન ભોગ અને સાંજની સેવાનાં આરતી, ભોગરાગ પણ તે દિવસે નિર્વિઘ્ને આટોપાઈ ગયાં. રાત્રે જમી-પરવારીને ખુદીરામ અને રામકુમાર સૂવાના ઓરડે ગયા અને ધની આવીને ચંદ્રાદેવીની સાથે બીજા એક ઓરડામાં સૂઈ રહી. શ્રીરઘુવીર જ્યાં બિરાજતા હતા તે ઓરડા સિવાય ઘરમાં વસવાટ માટે છાપરે ઘાસ છાયેલા બીજા બે ઓરડા અને એક રાંધણિયું જ હતાં અને એવી જ ઘાસ છાયેલી એક બીજી નાનકડી છાપરીમાં એક ખૂણે ધાન છડવાની એક ઢીંગણી હતી ને ઉકાળવા માટે એક ચૂલો હતો. જગ્યાના અભાવે આ નાનકડી છાપરીને જ સુવાવડીની ઓરડી તરીકે વાપરવાનું ઠરાવેલું. (1.59)

ગદાધરનો જન્મ

સન ૧૮૩૬ના ફેબ્રુઆરી માસની ૧૮મી તારીખ અને બુધવારના રોજ ગદાધરનો જન્મ થયો. એ પુણ્ય ગંભીર બ્રાહ્મમુહૂર્તે ગાજી ઊઠેલા શુભ શંખધ્વનિએ તપસ્વી ખુદીરામના ગરીબ ખોરડાને ભર્યું ભર્યું કરી દઈને મહાપુરુષની પધરામણીના શુભ સમાચાર સંસારમાં વહેતા મૂક્યા. જન્મતાંવેંત ભોંય પર ધીમે ધીમે સરકીને ચૂલાની આગમણમાં રાખથી લપટાયેલાં અંગો વડે વિભૂષિત થઈ તે બાળ ગદાધર શોભી રહ્યા છે! સમય જતાં બાળ ગદાધર મોટો થવા લાગ્યો.

અન્નપ્રાશન પ્રસંગે ધર્મદાસ લાહાની સહાય

સંપૂર્ણ ઈશ્વર પર નિર્ભર રહેતા ખુદીરામ પુત્રના અન્નપ્રાશન પ્રસંગે પણ પોતાના ઇષ્ટદેવ રઘુવીર પર બધું છોડી દીધું ત્યારે ઈશ્વરેચ્છાએ ગામના જમીનદારે એ પ્રસંગને પાર પાડ્યો. આ ઘટનાને સ્વામી સારદાનંદજીએ સુંદર રીતે આલેખિત કરી છે:

“પુત્રના અન્નપ્રાશનના માટે ખુદીરામે પોતાની સ્થિતિ પ્રમાણેની વ્યવસ્થા જ પહેલાં તો ગોઠવેલી. એમણે વિચારેલું કે શાસ્ત્રોક્ત ક્રિયા પૂરી કરીને રઘુવીરનું પ્રસાદી અન્ન પુત્રના મોંમાં ચટાડીને આ કાર્ય પાર પાડી દેશે અને એ પ્રસંગે બે-ચાર નજીકનાં સગાંવહાલાંને જ નોતરશે, પણ થયું કાંઈક જુદું જ. એમના પરમ મિત્ર, ગામના જમીનદાર ધર્મદાસ લાહાની છાનીમાની ચડવણીના પ્રેર્યા ગામના પ્રવીણ બ્રાહ્મણોએ અચાનક આવીને જીદ માંડી કે પુત્રના અન્નપ્રાશનના દિવસે ખુદીરામે એમને ભોજન કરાવવું જ પડશે. એમનો આવો આગ્રહ જોઈને ખુદીરામની મૂંઝવણનો પાર રહ્યો નહિ. કારણ કે ગામના બધા જણ તેમને ઘણાં આદર-માન દેતા, એટલે એમનામાંથી કોને બાકી રાખે ને કોને આમંત્રે તેની સૂઝ તેમને પડતી નહોતી. અને એ બધાંયને બોલાવવાનું ગજું તો એમનું હતું જ ક્યાં? એટલે ‘રઘુવીર કરે તે ખરું’ એમ બોલીને તેઓ ધર્મદાસની સાથે સલાહમસલત કરીને એ વિશે જે તે નક્કી કરવા એમની પાસે ગયા અને મિત્રનો અભિપ્રાય જાણી લઈને એમને માથે જ કામનો ભાર સોંપી દઈને ઘેર પાછા ફર્યા. ધર્મદાસે પણ આનંદપૂર્વક મોટાભાગનો ખર્ચો ખુદ પોતે ઉપાડી લઈને બધી જાતનો બંદોબસ્ત કર્યો અને સારી રીતે પ્રસંગને પાર પાડ્યો. અમે સાંભળ્યું છે કે એ રીતે ગદાધરના અન્નપ્રાશન વખતે ગામના બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર બધીયે જાતના લોકો ખુદીરામના ખોરડે આવીને શ્રીરઘુવીરનો પ્રસાદ જમીને તૃપ્ત થયેલા અને સાથે સાથે અનેક દરિદ્ર ભિક્ષુકોએ પણ એવી જ તૃપ્તિ પામીને તેમના પુત્રના દીર્ઘાયુષ્ય અને મંગળ માટે કામના કરેલી.” (1.66)

એ વિષયની ઘટના: ગદાધરને દીર્ઘકાય જોવો

જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ગદાધરની બાલચેષ્ટાઓ વધુ ને વધુ મધુર થતી ગઈ અને પરિણામે ચંદ્રાદેવીનું હૃદય પ્રયાગરાજ સમું એકી સાથે આનંદ-ભયનું સંગમસ્થળ બની રહ્યું. આવા જ એક અલૌકિક અનુભવની વાત સ્વામી સારદાનંદજીના શબ્દોમાં જોઈએ:

“ત્યારે ગદાધરની વય સાત આઠ મહિનાની થઈ હશે. એક દિવસ સવારે ચંદ્રાદેવી એને સ્તનપાન કરાવી રહ્યાં હતાં. થોડી વારમાં પુત્રને ઊંઘી ગયેલો જોઈને એને મચ્છર કરડી ના જાય એટલા માટે મચ્છરદાનીમાં સુવડાવી દીધો અને પોતે તે ઓરડામાંથી નીકળીને ઘરકામમાં ગૂંથાયાં.

થોડી વાર થઈ હશે અને કાંઈક કામ માટે અચાનક ઓરડામાં આવતાં એમણે જોયું કે મચ્છરદાનીમાં દીકરો નથી, પણ તેની જગ્યાએ એક લાંબો પહોળો અજાણ્યો માણસ આખી મચ્છરદાની ભરીને સૂઈ રહેલો છે. એકદમ ગભરાઈ જઈને ચંદ્રાદેવી ચીસ પાડી ઊઠ્યાં અને ઉતાવળા પગલે ઓરડાની બહાર આવીને પતિને બૂમ મારીને બોલાવવા માંડ્યા. ખુદીરામ આવી પહોંચતાં એમને એ વાત કહેતાં કહેતાં બંને પાછાં ઓરડામાં પેઠાં ને જોયું તો ત્યાં તો કોઈ નહોતું. બાળક જેમ ઊંઘતો હતો તેમ જ ઊંઘી રહેલો, તો પણ ચંદ્રાદેવીની બીક હટી નહિ. વારંવાર કહેવા લાગ્યાં, ‘નક્કી કોઈ ભૂત-પ્રેતને લીધે આવું થયું છે કારણ કે મેં નજરોનજર ચોખ્ખું દીઠેલું કે દીકરાની જગ્યાએ એક મોટોમસ આદમી સૂતેલો. મને સહેજે ભ્રમ નથી થયો અને અચાનક એવો ભ્રમ પેદા થવાનું કંઈ કારણ પણ નથી. એટલે જેમ બને તેમ જલદી કોઈ જાણકાર ભૂવાને બોલાવો અને છોકરાને બતાડો, નહિ તો કોણ જાણે આને લીધે છોકરાનું કશુંક અનિષ્ટ થશે તો?’ એ સાંભળીને ખુદીરામ એમને આશ્વાસન આપતાં બોલ્યા કે જે પુત્રના જન્મતાંની પહેલાં આપણે ભાતભાતનાં દિવ્ય દર્શનો પામીને ધન્ય બન્યાં છીએ, એને વિશે હજી પણ એવું કશું દેખાય એમાં નવાઈ નથી. એટલે એ બધાં ભૂતપ્રેતનાં કરતૂત છે એવી વાત તો મનમાં કદી આણશો નહિ. તે ઉપરાંત, વળી જે ઘરમાં રઘુવીર સ્વયં બિરાજી રહેલા છે, ત્યાં બધાં ભૂતપ્રેત ભેળાં મળીને પણ કદી સંતાનનું અનિષ્ટ કરી શકે કે? એટલે ચિંતા છોડો અને આ વાત બીજા કોઈને કોઈ દહાડે કહેતા નહિ. નક્કી જાણો કે રઘુવીર સંતાનનું સર્વદા રક્ષણ કરી રહેલા છે. પતિનાં આવાં વચનોથી ચંદ્રાદેવીને ત્યારે તો હૈયાધારણા બંધાઈ પણ પુત્રના અમંગળની આશંકાનો ઓછાયો એમના મન ઉપરથી પૂરેપૂરો ખસવા પામ્યો નહિ. તે દિવસે એમણે ક્યાંયે લગી બેઉ કર જોડીને કુળદેવતા શ્રીરઘુવીર પાસે અંતરની વ્યથા રજૂ કર્યા કરી.” (1.67)

ખુદીરામનો વ્યાધિ અને દેહત્યાગ

ખુદીરામને લગભગ અડસઠ વર્ષ પૂરાં થવા આવેલાં. એમનું અડીખમ શરીર હવે નબળું પડી ગયું હતું. શ્રીરઘુવીરને પ્રણામ કરીને સહુની વિદાય લઈ તથા ગદાધરનું મુખ ચૂમીને એમણે પૂજાના થોડાક દિવસો અગાઉ સેલામપુરે જવા પ્રયાણ કર્યું. આ હતી એની જીવનની અંતિમ યાત્રા. આ ઘટનાનું વેદનાપૂર્ણ વર્ણન સ્વામી સારદાનંદજી કરે છે:

“પણ ત્યાં પહોંચ્યા ના પહોંચ્યા અને ખુદીરામના સંગ્રહણીના રોગે ફરી દેખા દીધી અને તેના ઔષધોપચાર ચાલવા માંડ્યા. છઠ, સાતમ અને આઠમના દિવસો ઘણા આનંદભેર ઉજવાઈ ગયા, પણ નોમના દિવસે આનંદના મેળામાં નિરાનંદ આવીને ઊભો રહ્યો. ખુદીરામના રોગે ગંભીર રૂપ ધારણ કર્યું. રામચાંદે હોશિયાર વૈદ્યોને બોલાવ્યા અને બહેન હેમાંગિની તથા રામકુમારની મદદથી તન તોડીને એમની સેવા કરવા માંડી. પણ ઘણા વખતથી શરીરમાં ઘર ઘાલી ગયેલા રોગના હટવાનાં કોઈ લક્ષણ જણાયાં નહિ. નોમનો દિવસ ને રાત જેમ તેમ કરીને પસાર થઈ ગયાં અને હિન્દુઓને હળવામળવાનો વિજયાદશમીનો વિશેષ પાવન દિન ઊગ્યો. આજે તો ખુદીરામને એટલી અશક્તિ આવી ગયેલી કે બે શબ્દો બોલવામાં પણ એમને ભારે કષ્ટ થતું હતું.

એમ ને એમ બપોર ઢળતાં પ્રતિમાનું વિસર્જન કરીને રામચાંદ જલદી જલદી મામાની પાસે આવી પહોંચતાં તેમણે દીઠું કે મામાની અંતિમ ઘડી લગભગ આવી પહોંચેલી છે. ખબર પૂછતાં જાણ્યું કે ખુદીરામજી ક્યારનાયે આ રીતે અવાચક થઈને બેભાન જેવા પડી રહેલા છે. ત્યારે રામચાંદ આંખોમાંથી આંસુ પાડતાં પાડતાં એમને સંબોધીને બોલ્યા, ‘મામા, આપ તો દિવસરાત ‘રઘુવીર, રઘુવીર’નું રટણ કર્યા કરતા ને અત્યારે કેમ બોલતા નથી?’ ‘રઘુવીર’નું નામ કાને પડતાં જ ખુદીરામને અચાનક ચેતન આવ્યું. ધીરે ધીરે કંપતા અવાજે તેઓ બોલી ઊઠ્યા ‘કોણ રામચાંદ? પ્રતિમાનું વિસર્જન કરીને આવ્યા? તો મને જરા એક વાર બેઠો કરો’ એટલે રામચાંદ, હેમાંગિની અને રામકુમારે એમને ટેકો કરીને સંભાળપૂર્વક પથારીમાં જેવા બેઠા કર્યા કે એમણે ગંભીર સ્વરે ત્રણ વાર ‘શ્રીરઘુવીર’ના નામનું ઉચ્ચારણ કરીને દેહત્યાગ કર્યો. બિન્દુ સિન્ધુમાં ભળી ગયું—શ્રીરઘુવીર ભક્તના પૃથક્ જીવનબિંદુને નિજ અનંત જીવનમાં સંમિલિત કરી દઈને તેમને અમર અને પૂર્ણ શાંતિના અધિકારી કર્યા. ત્યારબાદ ગાઢ રાત્રિએ ઉચ્ચ સંકીર્તનથી ગામ ગૂંજી ઊઠ્યું અને ખુદીરામજીના દેહને નદી કિનારે આણીને તેને અગ્નિસંસ્કાર દેવામાં આવ્યો. બીજે દિવસે આ સમાચાર પહોંચતાં કામારપુકુરનું આનંદધામ શોકમાં ગરકાવ થયું.” (1.79)

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.