(શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદ, સ્વામી િવવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદે સ્વહસ્તે પોતાની સ્મૃતિકથા લખી છે. મૂળ બંગાળીમાં પ્રકાશિત ‘સ્મૃતિકથા’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. – સં.)

સન 1886માં શ્રીશ્રી ઠાકુરે લીલાસંવરણ કર્યું હતું. ભક્તશ્રેષ્ઠ સુરેશ મિત્રના આગ્રહ અને પરામર્શથી વરાહનગર મઠની સ્થાપના થઈ. તેઓ જ મઠનો સમસ્ત વ્યય વહન કરતા.

એ મઠમાં રહેતાં રહેતાં જ નરેન, રાખાલ, બાબુરામ, શરત્‌, શશી, સુબોધ, લાટુ, ગોપાલ, તારક, તથા કાલીએ સંન્યાસ ગ્રહણ કર્યો હતો. ઠાકુરના દેહત્યાગના બે વર્ષમાં જ તેઓએ વિરજા હોમ કર્યો હતો. ઠાકુરના દેહત્યાગ પછી બધા વરાહનગર મઠમાં ભગવાં વસ્ત્ર પહેરતા, પરંતુ કાર્ય ઉપલક્ષે બહાર જવાનું હોય ત્યારે સાદાં વસ્ત્ર પહેરતા.

ઠાકુરના દેહત્યાગના લગભગ છ મહિના પછી મેં સર્વપ્રથમ વરાહનગર મઠમાંથી સંન્યાસીના વેશે પરિવ્રાજકરૂપે ગમન કર્યું હતું.

પહેલી યાત્રા બોધગયા. વૈદ્યનાથની ટિકિટ તો ખરીદી હતી, પરંતુ બુદ્ધદેવ ઉપર મારી અતિશય ભક્તિ હોવાથી બાંકીપુરથી જ હું બોધગયા ચાલ્યો ગયો. ત્યાંથી પગપાળા રાજગીર જવાથી ચાલવાનું સાહસ વધ્યું હતું. પગપાળા ફરીથી બોધગયા, ગયા, ‘બરાબર’ પહાડ, ફરીથી ગયા, અને ત્યાંથી કાશી જવા માટે યાત્રા કરી. કાશીથી ક્રમાગત અયોધ્‍યા, નૈમિષારણ્ય, હરિદ્વાર, તથા હૃષીકેશ. ત્યાંથી પગપાળા દહેરાદૂન તથા રાજપુર ગયો હતો. આ સમયથી જ પગપાળા નિરાધાર ભ્રમણ કરવાનું વ્રત ગ્રહણ કર્યું હતું.

મસુરીથી ટિહરી, જમુનોત્રી, ગંગોત્રી, ગંગોત્રીથી ચંદ્રવદની મહાપીઠ સ્થાનના રસ્તે કેદારનાથ અને બદરીનારાયણનાં દર્શન કર્યાં હતાં. ચંદ્રવદની પહાડ પરથી પાછા આવવાના સમયે રસ્તો ભૂલી જઈ અતિશય દુર્ગમ પથે અવતરણ કાળે ઘનઘોર જંગલમાં આસન લગાવી ઠાકુરનું ધ્યાન કર્યું હતું. ધ્યાનથી ઊઠીને હું કઈ દિશામાં ચાલું છું એની ચિંતા ન કરીને ‘જય ઠાકુર’ પોકારી સામેની દિશામાં આગળ વધવા લાગ્યો. જેટલું ચાલતો ગયો એટલી જ સીધી ખીણ આવવા લાગી, તથા ઊભા રહેવાનું મુશ્કેલ થવા લાગ્યું. ઝાડી-ઝાંખરાં પકડી પકડી ઊતરવા લાગ્યો, પરંતુ એકાએક પગ લપસી ગયો અને આળોટતાં આળોટતાં એક ખેતરમાં આવી પડ્યો. ત્યાં બે-ત્રણ પહાડીઓ ઘઉંનો પોંક શેકીને ખાઈ રહ્યા હતા. એકાએક મને જાેઈને આશ્ચર્યચકિત થઈ તેઓ બોલ્યા, “આ શું! તું ક્યાંથી આવ્યો? કોણ તારો હાથ પકડીને દોરી લાવ્યું? આજ સુધી કોઈ મનુષ્યે આ રસ્તો પાર કર્યો નથી.”

હું ચંદ્રવદની દેવીના મંદિરેથી આવું છું સાંભળીને તેઓએ કહ્યું, “મા ચંદ્રવદની જ તારો હાથ પકડીને દોરીને લાવ્યાં છે.” મને થયું કે સાચે જ કોઈક મારો હાથ પકડીને દોરી રહ્યું હતું. લગભગ ત્રણેક કિ.મી.નો રસ્તો આવી રીતે આળોટીને આવ્યો હતો.

તિબેટ ‘માના’ પાસના રસ્તે ગયો હતો. (બે પહાડની વચ્ચેના ખાઈ જેવા રસ્તાને પાસ કહે છે. ઊંચા પહાડો પાસ દ્વારા જ ઓળંગી શકાય.) માના પાસની વચમાં પાર્વતીના જન્મસ્થાન અને પિત્રાલય હિમાલય પુરીનાં દર્શન કર્યાં હતાં.

તિબેટમાં ત્રણ-ચાર માસ વિતાવી નિતિ પાસના રસ્તે બદરીનારાયણનાં દર્શન કરી આવ્યો હતો. ત્યાર બાદ હિમાલયમાં તિબેટી વ્યાવસાયિકોની સાથે નિવાસ કર્યો હતો. ત્યાંથી હરિદ્વાર અને ત્યાંથી પુન: બદરીનારાયણની યાત્રા કરી હતી. ત્યાં ત્રણ માસ અવસ્થાન કરી શિપ્‌-છિલામ પાસના રસ્તે પાછો તિબેટ ગયો. આ યાત્રા દરમિયાન ત્યાં ચાર-પાંચ માસ અવસ્થાન કરી માનસરોવર અને કૈલાસનાં દર્શન કર્યાં.

કૈલાસની પાસેની છેકડા નામક એક જગ્યાએ એક લ્હાસા (તિબેટની રાજધાની) પ્રવાસી ધની ખાંબા (તિબેટનો એક પ્રકારનો નિવાસી) મારી પાસે ઠાકુરની જે છબી રહેતી એ હાથમાં લઈ થોડી વાર તો બિલકુલ સુન્ન થઈને બેસી રહ્યો. હોંશ આવતાં જ એણે કહ્યું, “આ છબી તને ક્યાંથી મળી? આ મને આપી દે, હું એની નિત્ય પૂજા કરીશ. આ તો સાક્ષાત્‌ ભગવાન છે. એટલે જ તો એમનો સ્પર્શ કરતાં જ મારી આવી અવસ્થા થઈ. એક મનુષ્યનો આવો ચહેરાનો ભાવ તથા આંખો હોઈ જ ન શકે.”

ત્યાર બાદ એ ખાંબા પોતાની પાસે ભગવાન બુદ્ધને બેસાડવા માટેનું જે સાધન હતું તેની ઉપર ઠાકુરની છબી રાખીને ધૂપ-દીપ દ્વારા નિત્ય પૂજા કરવા લાગ્યો. હું જેટલા દિવસ ત્યાં હતો એટલા દિવસ એ છબી તેની પાસે રહી. તિબેટ-ભ્રમણ દરમિયાન એ છબી મારી નિત્ય સંગી હતી. હું પણ સુયોગ મળવાથી એ છબીને ધૂપ-દીપ અર્પણ કરી પૂજા કરતો. માટે જ છબી એને આપી શક્યો નહીં.

નિતિ પાસના રસ્તે હું ફરી વાર બદરીનારાયણ આવ્યો. ત્યાર બાદ કુમાયુ, બાગેશ્વર, જાગેશ્વર, અલમોડા, નૈનિતાલ, રાણીખેત, વગેરે દર્શન કરી ગઢવાલ પાછો ફર્યો અને કેદાર-બદરીનાં ફરીથી દર્શન કર્યાં. બદરીમાં બે માસ અવસ્થાન કરી મિતિ પાસના રસ્તે ફરી વાર તિબેટ-યાત્રા કરી.

ત્યાર બાદ હું લદ્દાખ ગયો હતો, અને ત્યાંથી કાશ્મીર. ત્યાં જ કર્નલ પેરિ નિસબેટે મારી ધરપકડ કરી પાંચ દિવસ જેલમાં પૂરીને રાખ્યો હતો. મેં એ દિવસો દરમિયાન કશું જ ખાવાની ના પાડી દીધી હતી, આથી તેઓએ મને છોડી દીધો હતો. એ સમયે મારી ઉંમર હતી વીસ વરસ.

તિબેટમાં ત્રણ વર્ષ

તિબેટ-યાત્રાનો ઉદ્દેશ હતો કૈલાસ અને માનસરોવર-દર્શનના અંતે લ્હાસા-દર્શન. પહાડી વ્યાવસાયીઓ મારા મિત્રો હતા. પહેલા વર્ષે હું ખુલિં મઠમાં તિબેટી ભાષા શીખ્યો હતો. લામાઓનાં ઐશ્વર્ય, આહાર, વેશભૂષામાં વિલાસિતા જાેઈને સાધારણ ગરીબ-દુ:ખી લોકોને સહાય કરવા માટે મેં લામાઓને કહ્યું. વ્યાવસાયી મિત્રોએ આમ કરવાની મને ના પાડી હતી. પરિણામે ખુલિં મઠમાં મારી ઉપર અત્યાચાર થયો—એ લોકોએ મ્યાન સહિત તલવાર મારી પીઠ ઉપર મારી હતી. કેટલાક પહાડીઓએ નશાની અવસ્થામાં લામાઓની સામે મારી દુ:ખી લોકો ઉપરની સહાનુભૂતિની વર્ણના કરી હતી. લામાઓએ મારા ગાલ ફાડી નાખવાનો પરામર્શ આપ્યો. ઉદ્દેશ્ય એ જ કે ગાલ ફાટી ગયા પછી બોલવાનું બંધ થઈ જાય. છેવટે મેં ત્યાંથી પલાયન કર્યું.

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.