અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ, હૈદ્રાબાદ

[અહીં પ્રસ્તુત છે, સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિ નિમિત્તે કોઈમ્બતુરની શ્રીઅવિનાશલિંગમ હોમસાયન્સ કૉલેજની વિદ્યાર્થિનીઓ સમક્ષ તા. 9-2-64 કરેલું પ્રવચન ‘ઇટર્નલ વેલ્યુઝ ઑફ ચેઇંજિંગ સોસાયટી, (પૃ. 500-505)માંથી અનુવાદિત. અનુવાદક : વ. પિ. –સં.]

શહેરમાં ચાલતા વિવેકાનંદ શતાબ્દિ મહોત્સવ પ્રસંગે કોઈમ્બતુરની મારી આ મુલાકાત દરમિયાન આ હોમ સાયન્સ કૉલેજમાં ફરી આવવાની તક મળતાં મને આનંદ થાય છે. તમારી સમક્ષ પ્રવચન કરવાનું મને નિમંત્રણ અપાયું છે. ક્યા વિષય પર હું બોલું ? વિવેકાનંદ શતાબ્દિના આ વર્ષ દરમ્યાન મારા મનમાં રમી રહેલો મુખ્ય વિષય સ્વામી વિવેકાનંદ છે, અને વિદ્યાર્થિનીઓ સમક્ષ ઊભો છું ત્યારે, ભારતની સ્ત્રી શક્તિના ઊગમ અને વિકાસમાં તેમના પ્રદાન વિશે બોલવાનું મને મન થાય છે. દક્ષિણના મારા આ પ્રવાસ દરમ્યાન મદ્રાસ શહેરમાંની કેટલીક મહિલા કૉલેજોમાં મારે ગયે અઠવાડિયે જવાનું અને હજારો વિદ્યાર્થિનીઓ સમક્ષ બોલવાનું થયું હતું. સ્વામી વિવેકાનંદના સંદેશનું વાર્તિક એમણે સાંભળ્યું ત્યારે, તેમના ચહેરા આનંદથી પ્રફુલ્લ થતા મેં જોયા હતા; આ સંદેશ શક્તિનો, આશાનો અને આનંદનો છે તેનો એ પુરાવો છે. તો, સ્વામીજીએ આપણી બહેનો માટે શું કર્યું હતું ? એમને માટે એમણે શો અમૂલ્ય વારસો આપ્યો છે ? પિતા અવસાન પામે ત્યારે ઘણીવાર, એ પોતાનાં બાળકો માટે કંઈ મિલકત મૂકી જાય છે. ભારતના યુવાનો માટે સ્વામીજી એવું શું મૂકી ગયા છે જેની પ્રાપ્તિ તેમને સમૃદ્ધ અને ઉદાત્ત બનાવશે ?

એમનાં જીવન અને કાર્યનું અધ્યયન કરનારને ખાતરી થશે કે આપણા યુવાનો માટે તે મોટો ભવ્ય વારસો મૂકી ગયા છે. યુવાનોને પોતાનાં આધ્યાત્મિક બાળકો ગણી તેમને તેઓ ચાહતા હતા. અને કોઈ પણ પિતા રાખી જાય તેના કરતાં એ જે રાખી ગયા છે તે અનેક ગણું દીર્ઘજીવી અને સત્ત્વશીલ છે અને એમનાં વાત્સલ્ય અને કાળજીના સારા એવા ભાગ પર ભારતની કન્યાઓ પોતાનો હક્ક-દાવો કરી શકે છે. આપણી સ્ત્રીઓ ઉપર તેમને પૂર્ણ વિશ્વાસ હતો, અને આપણી સંસ્કૃતિના સંવર્ધન માટે બહેનોએ જે કર્યું છે તે માટે તેમને ખૂબ માન હતું.

તમારે માટે અને ભારતની અન્ય કરોડો કન્યાઓ માટે, તેઓ શું આપી ગયા છે, તે વિશે તમને કહેવા હું કોશિશ કરું છું. તાજેતરમાં કલકત્તાનાં શ્રીમતી ઉષા ચક્રવર્તીનું લખેલું, ‘કંડિશન ઑફ બંગાલી વિમેન અરાઊંડ ધ સેકન્ડ હાફ ઑફ ધ નાઇન્ટીન્થ સેન્ચુરી’ (ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં બંગાળી સ્ત્રીઓની દશા) નામનું પુસ્તક મારા વાંચવામાં આવ્યું હતું. ઉપલા તેમજ નીચલા સમાજના તમામ વર્ગની સ્ત્રીઓનાં યાતના અને દુઃખો કેટલાં મોટાં હશે, તે વિશે વાંચી મને ઊંડો આઘાત લાગ્યો હતો. એમને શિક્ષણનો પ્રકાશ મળતો ન હતો; તેઓ વહેમોમાં ઉછરેલ હતી; એમનામાં આત્મશ્રદ્ધા ન હતી; એમને પોતાનાથી ઊતરતી ગણતા પુરુષોમાં એમને માટે માન જાગતું નહીં. આ ચિત્ર માત્ર બંગાળને માટે જ નહીં પણ ભારતવર્ષના બધા ભાગો માટે સાચું હતું. આગલી અને તેની પહેલાંની, સદીમાં ભારતની સંસ્કૃતિની અને સભ્યતાની કક્ષા કેટલી નીચી ગઈ હતી. તેનું એ ચિહ્ન હતું.

પણ આ ભેંકાર વાતાવરણમાં તેવે વખતે પ્રકાશ થયો. આપણી મહિલાઓનાં હૃદયોમાં અને જીવનમાં પ્રસન્નતા જગાડવા માટે મહા પુરુષોનું અને મોટી ઘટનાઓનું આગમન થયું. નારી પ્રત્યે સમાજનો અભિગમ બદલવા અને એમના માનસિક અને શારીરિક બંધનો તોડવા રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યા સાગર જેવા મહાનુભાવો અવિરત પ્રયત્ન કરવા લાગ્યા હતા. એમના પ્રયત્નો વડે શિક્ષણ અને સમાજ સુધારણા દ્વારા આપણી મહિલાઓ માટે વધારે સ્વતંત્રતા અને તક સાંપડ્યાં. ઓગણીસમી સદીના અંત ભાગમાં આવેલા સ્વામી વિવેકાનંદ આ પુરોગામીઓને અનુસર્યા અને સ્ત્રી શિક્ષણના તથા સ્ત્રીઓના સર્વાંગી વિકાસના સમર્થ પુરસ્કર્તા બન્યા અને ઘરમાં તેમજ સમાજમાં નારી સ્વતંત્ર્યને તથા નારી અભિવ્યક્તિને તેમણે ઉત્તેજન આપ્યું. આપણી મહિલાઓમાં તેમણે આત્મશ્રદ્ધા, અભયનો ભાવ અને પોતાની શક્તિઓનું ભાન જાગૃત કર્યાં.

શિક્ષણથી પ્રાપ્ત થતો જ્ઞાનનો પ્રકાશ પુરુષ કે સ્ત્રી માટે મોટામાં મોટો આશીર્વાદ છે. અંધકાર છે ત્યાં ભીતિ છે, અને ભીતિ વહેમ તથા સંકુચિતતાની જનની છે. સ્વામીજીએ આપણી મહિલાઓને કહ્યું : તમારામાં જ્ઞાનનો દીવો પેટાવો; જ્ઞાનથી પેદા થતી શક્તિ પ્રાપ્ત કરો; અને નિર્ભય, કરુણાવાન અને ઉદાર મનવાળાં બનો; વ્યવહાર કૌશલ પ્રાપ્ત કરો. શિક્ષણમાંથી જન્મતાં આ ચાર મૂલ્યો પર સ્વામીજી ફરીફરીને ભાર દેતા : જ્ઞાન, શક્તિ અને નિર્ભયતા, કરુણા અને વ્યવહાર કૌશલ.

યોગ્ય કેળવણી મળતાં, પોતાની મેળે જ ભારતીય નારી પોતાના બધા જ પ્રશ્નોને ઉકેલી શકશે એમ સ્વામીજીને લાગતું હતું. સ્ત્રીના વ્યક્તિત્વનો અર્ક એનું હૃદય છે. માહિતી અને વિચારો આપવા ઉપરાંત સ્ત્રીના હૃદયને વિશાળ કરવાનું એની વત્સલતા, આકાંક્ષા અને સંરક્ષણની શક્તિને સુદૃઢ કરવાનું કાર્ય શિક્ષણે કરવું જોઈએ. આમાંથી જ અભય અને વ્યવહાર કૌશલના ગુણો પ્રગટશે.

આવું શિક્ષણ કેવળ ભૌતિક હોઈ શકે નહીં; એ આધ્યાત્મિક હોવું જોઈએ. સંકુચિત દૃષ્ટિએ વિચારાયેલું કેવળ ભૌતિક શિક્ષણ તો સ્વાર્થપણાને અને શોષણને પોષે છે. રોટલો રળવામાં અને પૈસો ભેગો કરવામાં એનો છેડો આવી જાય છે. મનુષ્યની આધ્યાત્મિક વૃદ્ધિ અને સમૃદ્ધિ શિક્ષણનો હેતુ છે, સાન્તની મર્યાદામાંથી એ જ માનવીના આત્માને મુક્ત કરે છે. “सा विद्या या विमुक्तये” શિક્ષણનો વિચાર આધ્યાત્મિક દૃષ્ટિએ કરવામાં આવે, અને એને આધ્યાત્મિક હેતુઓથી ભરવામાં આવે ત્યારે જ આમ થઈ શકે. આવા શિક્ષણમાં રોટલો રળવાનું કંઈ વિસારે પડાતું નથી; માનવીની સર્વાંગી કેળવણીનો તે શિક્ષણ એક નાનો સરખો પણ અગત્યનો ભાગ છે.

આમ વિચારાયેલી કેળવણી કેવળ ઔપચારિક શિક્ષણકાળ પૂરતી મર્યાદિત નથી. છેક શૈશવમાંથી તે આરંભાય છે ને આખી જિંદગી તે ચાલે છે. ‘જીવું છું ત્યાં સુધી હું શીખું છું,’ એમ શ્રીરામકૃષ્ણ કહેતા.

કેળવણીમાંથી સૌ પ્રથમ પ્રાપ્ત કરવાનો ગુણ અભય છે. જ્ઞાન ભીતિનો નાશ કરે છે. બહિર જગતમાંથી નિષ્પન્ન થતા ડરનો નાશ ભૌતિક વિજ્ઞાન કરે છે. અંદરથી જન્મતા ભયનો નાશ આધ્યાત્મિક વિજ્ઞાન કરે છે. નીતિમય જીવનનો સૌથી મોટો દુશ્મન ભય છે. ભય હોય ત્યાં સત્ય અને પ્રામાણિકતા, શુચિતા અને પ્રેમ રહી શકે નહીં. નિર્ભયતાના વાતાવરણમાં જ નૈતિક સદ્ગુણો પ્રગટી અને વિકસી શકે. દેશની માતાઓ તો ખાસ નિર્ભય અને નૈતિક તાકાતવાળી હોવી જોઈએ. બીકણ માતા પોતાનાં બાળકોને મહત્તાની પ્રેરણા પાઈ શકે નહીં. જ્યાં જ્ઞાન નથી ત્યાં ભય છે. આપણાં જીવન આ સત્યની પ્રતીતિ કરાવે છે. કોઈ અભણ માનું બાળક બિમાર પડે તો શું કરવું તે મા જાણતી નથી; એ ગભરાઈ જાય છે. અને મગજની સમતુલા ગુમાવી બેસે છે. પરંતુ એણે જો શરીર વિજ્ઞાનનો થોડો અભ્યાસ કર્યો હોત તો પોતાના બાળકને શું દર્દ હતું, તેની તેને ખબર પડી હોત; અને તે શાંત ચિત્તે તેનો ઇલાજ કરવાના કામમાં લાગી હોત. સૃષ્ટિને નિયમનમાં રાખતા નિયમોની જાણકારીમાંથી નિર્ભયતા ઉદય પામે છે. કારણ, જ્ઞાન એ શક્તિ છે. પરમેશ્વર, જે સૌનો અંતરાત્મા છે, તે અમર પરમાત્માના જ્ઞાનથી જન્મતી નિર્ભયતા તો વળી ઘણી જ મોટી છે.

છેલ્લી થોડીક સદીઓમાં આપણા પૂર્વજો ભય હેઠળ જીવ્યા હતા. આજનાં બાળકો વધારે નિર્ભય છે. ભારતમાં બધે જ છોકરા-છોકરીઓમાં આ નિર્ભીકતા મેં જોઈ છે. સ્વામી વિવેકાનંદના આત્માનો આવિષ્કાર એ સૌમાં આપણે જોઈએ છીએ. શ્રીકૃષ્ણે ગીતા (16.1)માં ગણાવેલ ગુણોની યાદીમાં પ્રથમ સ્થાને આ અભય મૂકેલ છે.

॥अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यव स्थितिः ॥

॥ दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥

આપણે પરમાત્માનો સાક્ષાત્કાર કરીએ ત્યારે નિર્ભયતાની ચરમ સીમાએ પહોંચીએ છીએ. ઉપનિષદ બ્રહ્મની વ્યાખ્યા “અભય” (अभयम् ब्रह्म) તરીકે આપે છે. અને ઉમેરે છે કે જે સર્વના આત્મા એવા બ્રહ્મને પ્રાપ્ત કરે છે, તે નિર્ભય બને છે. અપાર જ્ઞાનથી, આ નિર્ભયતા જન્મે છે; આ અનંત જ્ઞાન અનંત પ્રેમને પણ નિર્દેશે છે, અને સ્વામી વિવેકાનંદ કહે છે કે, પ્રેમ છે ત્યાં ભય નથી, જ્યાં ભય નથી ત્યાં વહેમ પણ રહી શકશે નહીં.

વહેમ, ભય, દુષ્ટતા અને સંકુચિતતાથી નરનારીઓને મુક્ત કરવા અને પોતાની જન્મ જાત દૈવી પ્રકૃતિને જગાડવામાં મદદ કરવા માટે ધર્મ અને વિજ્ઞાન આંકડા ભીડીને ચાલે; એવા શિક્ષણની હિમાયત સ્વામી વિવેકાનંદ કરે છે. એમના પોતાના જ શબ્દો જોઈએ. [સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભા. 11. (આવૃત્તિ બીજી, 1984, પૃષ્ઠ 180)]

“આપણને જોઈએ છે એક યુગલરૂપ વેદાંત સાથે સંયુક્ત પશ્ચિમનું વિજ્ઞાન, બ્રહ્મચર્યનો પથદર્શક મુદ્રાલેખ અને પોતાની જાતમાં શ્રદ્ધા અને વિશ્વાસ.”

આવો મેળ મનુષ્યના સર્વાંગીણ ઉત્કર્ષ અને કલ્યાણમાં પરિણમશે. એથી વ્યક્તિ અને સમાજના જીવનના દરેક પાસા પર પ્રકાશ પાથરી માનવસ્વભાવની મહત્તાનો આવિષ્કાર થશે. શિક્ષણે ત્રિવિધ અંધકારનો નાશ કરવાનો છે. તેમાં મનુષ્યની ભૌતિક ગતિશીલતાને, હલનચલનને રુંધતો ભૌતિક અંધકાર પહેલો છે, ભૌતિક અને સામાજિક સૃષ્ટિના અને તેમના નિયમોના અજ્ઞાનથી જન્મતો બીજા પ્રકારનો અંધકાર તે માનસિક અંધકાર છે. અને આધ્યાત્મિક વિશ્વને, મનુષ્યના આંતર વિશ્વને લગતા નિયમોના અજ્ઞાનથી જન્મતો ત્રીજા પ્રકારનો અંધકાર આધ્યાત્મિક અંધકાર છે.

પ્રથમ અંધકાર સ્વાસ્થ્ય અને સમૃદ્ધિથી દૂર થાય છે; બીજો ભૌતિકતા પ્રધાન શિક્ષણથી; અને આધ્યાત્મિક જ્ઞાન તથા સતત સાધનાથી યુક્ત કેવળ ધર્મથી જ ત્રીજો અંધકાર દૂર થાય છે. यत्न અથના साधना એ જ ધર્મનું તત્ત્વ છે. મંદિરો અને ગિરજાઘરો, ક્રિયાકાંડો અને વિધિઓ વ. આ સાધનાનું કેવળ ઉપલું પડ છે. साधना નો અંતરનો મર્મ તો મનોનિગ્રહ, અનુશાસન, પ્રેમભાવે ઈશ્વર સ્મરણ અને ધ્યાનનો બનેલો છે. આવી બધી साधना ક્ષરની અક્ષર ભણીની, સાન્તની અનંત ભણીની ગતિ છે. ઉપનિષદો કહે છે કે, અનંતને પામવા મથો, કારણ કે, એમાં જ પરમાનંદ છે.’ ‘સાંત’માં આનંદ નથી. ‘સાંત’ પ્રત્યેનું વળગણ દુનિયાદારી જ આત્માના વિકાસને અવરોધે છે. કેળવણી એ આ અવરોધ દૂર કરવો જ રહ્યો, કારણ કે બધી કેળવણી અંધકારથી પ્રકાશ તરફની ગતિ છે. માનવહૃદયની ઊંડામાં ઊંડી આરજુ છે કે – ‘મને અંધકારમાંથી તેજમાં લઈ જા.’ (तमसोमा ज्योतिर्गमय) આવું શિક્ષણ ઘરને આનંદનું ધામ બનાવે છે, જ્યાં પ્રત્યેક હૃદયનાં દ્વાર એકમેકને માટે ખુલ્લાં છે અને બધાનાં હૃદય દ્વારો બહારના માનવ જગત માટે ખુલ્લાં છે. સાચી વિશ્વાત્મકતાની આ સિદ્ધિ છે. કુટુંબના મર્યાદિત ક્ષેત્રમાં આ વિશ્વાત્મકતાનું પ્રતીક માતા છે. કુટુંબમાં એ સૌનો સ્વીકાર કરે છે, કોઈને જાકારો આપતી નથી.

પરંતુ આ સદ્ગુણે કુટુંબની મર્યાદા ઓળંગી વિસ્તરવું જોઈએ. કુટુંબના દરેકે-દરેક સભ્યમાં તેનો પ્રાદુર્ભાવ થવો જોઈએ અને દેશના દરેક નાગરિકમાં પણ આપણાં ઘરનાં બાળકોને જ આપણી છાતીએ વળગાડી અટકી નહીં રહેતાં તમામ ઘરનાં બાળકોને આપણે તેમ કરવું જોઈએ. માતૃ હૃદયનું લક્ષણ છે તે પાળવાની અને પોષવાની વૃત્તિ, નાગરિકમાં જાગે, તે તેની સાચી કેળવણી છે. માતૃહૃદયના અનંત ઓઢણાને ભારતે પરમેશ્વરની જગન્માતાની કલ્પનામાં પિછાણ્યું છે.

છેલ્લા કેટલાક સૈકાઓમાં ભારતમાં આપણે સંકુચિત અને સ્વાર્થી બનવા તરફ વળ્યા હતા; આપણી સામાજિક ભાવનાઓ સુકાઈ ગઈ હતી; આપણું ધાર્મિક જીવન ઔપચારિકતા અને ધર્મજડતાથી જકડાઈ ગયું હતું. ઔપચારિક રીતે ધાર્મિક હોવાનો દાવો કરતા આપણે સૌ પૂરેપૂરા સંસારી બની ગયા હતા. આપણાં દૃષ્ટિ બિંદું અને વર્તનના દરેક પાસા ને આવી ઉઘાડી સાંસારિકતાનો ચેપ લાગે છે અને મુક્ત સમાજના નાગરિક તરીકે આપણને નાલાયક બનાવે છે. આપણી માતાઓની કાળજી પોતાનાં બાળકો પૂરતી જ મર્યાદિત રહે છે; અને તે છતાં તેમનામાં ધાર્મિકતાની ઊણપ નથી. આપણા સ્ત્રીપુરુષોને બીજાનાં સુખ માટે ભાગ્યે જ કંઈ ચિંતા હતી.

સાંસારિકતાના સંસ્કારનું સિંચન કરતી ધર્મજડતાનું એક મજાનું ઉદાહરણ આપણો સમાજ બની ગયો હતો. આ સાંસારિકતાને દૂર કરવાનો એક સસ્તો માર્ગ આપણે શોધી કાઢ્યો હતો. પવિત્ર નદીઓમાં આપણાં ખોળિયાં આપણે બોળતાં અને ક્રિયાકાંડો અને ધર્મની બીજી ક્રિયાઓ કરતા, પણ સંસાર, અર્થાત્ દુનિયાદારી, આપણને બરાબર ચીટકી જ રહેતી. આપણી ક્ષુદ્રતા અને હલકટતાએ આપણા સમાજનાં દુર્બળ અંગોને અત્યંત તેવો ઘણો ત્રાસ આપ્યો હતો; આ ત્રાસ મુખ્યત્વે મહિલાઓને અને આમજનતાને સહન કરવો પડ્યો હતો. વિશેષમાં મહિલાઓએ પુરુષો તરફથી જે માસ ભોગવ્યો, એથી વધારે ત્રાસ એમાં અંદરોઅંદર એક બીજા તરફથી ભોગવ્યો હતો.

આ અંધાર ઘેર્યા અને ભેકાર જગતમાંના આપણા સામાજિક જીવન ઉપર સ્વામી વિવેકાનંદના સંદેશમાંથી પ્રકાશનાં કિરણો ફેંકાયાં હતાં; સ્વામીજીએ આપણને શીખવ્યું કે સાંસારિક્તાનો ઇલાજ ધર્મજડતા નથી પણ ઉત્કૃત આધ્યાત્મિકતા છે; એ આધ્યાત્મિકતાનું પ્રથમ સોપાન હૃદયનો, સામાજિક ભાવનાનો વિકાસ છે. એ અંતસ્તલમાં વસતી દિવ્યતાના પ્રકાશમાં માનવસેવા અને માનવપ્રેમ છે. આવી રીતે વાત કરીએ ત્યારે ધર્મનો અર્થ થાય છે, ચારિત્ર્ય માટેની કેળવણી. એમણે, અને એમના ગુરુ શ્રીરામકૃષ્ણે, સંસારમાં મુક્ત જીવ તરીકે જીવવાનું પણ સાંસારિકતાને આપણામાં ન રહેવા દેવાનું શીખવ્યું હતું. ‘નૌકા પાણીમાં હોય, પણ પાણી નૌકામાં ન હોવું જોઈએ’, એ મુસાફરી માટે ભયંકર છે. એમ શ્રીરામકૃષ્ણ યોગ્ય જ કહેતા અને જીવન સત્ય તથા ઉત્કૃષ્ઠતા પામવા માટેની મુસાફરી જ છે. વિવેક અને નિર્લેપતાથી મન સંસારના જંગલને કાપવાની શક્તિ વિકસાવે છે. આ બોજાથી મુક્ત થતાં સત્ય અને ઉત્કૃષ્ઠતા તરફ જીવનની કૂચ વેગીલી બને છે. આ પ્રક્રિયામાં શિક્ષણ અને ધર્મ બંને સંગમ પામીને જીવન સિદ્ધિની એક પ્રવાહે વહેતી વિદ્યારૂપ બની રહે છે.

આપણું તત્ત્વજ્ઞાન આપણને શીખવે છે કે સ્ત્રીઓ જગન્માતાનાં વ્યક્ત રૂપો છે. સ્ત્રીઓ પ્રત્યે આ દૃષ્ટિએ જોવાનું પુરુષોને શીખવવામાં આવે છે. પોતાના આ દિવ્ય વારસાના ભાનનું અને પોતાના જીવનમાં અને વર્તનમાં આ દિવ્યતાને વ્યક્ત કરવા પ્રયત્નશીલ રહેવાનું શિક્ષણ સ્ત્રીઓને પણ આપવામાં આવે છે. પુરુષો અને સ્ત્રીઓમાં રહેલી આ જન્મજાત દિવ્યતાના પ્રાકટ્યમાં તેમને સહાય કરવા માટે જ શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવી અવતર્યાં હતાં. ધર્મ કે જાતિના ભેદભાવ વિના બધાં નરનારીઓનાં હૃદયમાં તેમને પ્રભુનાં દર્શન થતાં. એમને સમર્પિત થયેલા એક સુંદર મંદિરથી તમારી હોમ સાયન્સ કૉલેજ પાવન થઈ છે. બધા ધર્મોના લોકોને એ મંદિર આવકારે છે, કેમકે જે એકતા અને સંવાદિતાનો શ્રીરામકૃષ્ણે સાક્ષાત્કાર કર્યો હતો તેનું એ પ્રતીક છે. પ્રત્યેક ધર્મ ઈશ્વરનો જ પંથ છે તેમ એમણે શીખવ્યું હતું. બંગાળના સમકાલીન મુસ્લિમ કવિ કાજી નઝરુલ ઇસ્લામે ગાયું છે તેમ આ વૈશ્વિક ચેતના માટે, આખું જગત શ્રીરામકૃષ્ણને ચરણે નમે છે.

ઉદાત્ત આદર્શો અને હેતુઓવાળી તમારી આ સંસ્થા સરસ છે. તમારા જીવનમાં અને ઘરમાં દિવ્યતા આણવાનો આ સંસ્થાનો વિશેષ હેતુ છે. તમારો ઈશ્વર તરફનો પ્રેમ માનવપ્રેમ અને માનવસેવારૂપે વહેશે, કારણ કે ઈશ્વર માનવહૃદયમાં નિવાસ કરે છે. તમારા હૃદયમાં પ્રેમ હશે તો, તમારું પ્રત્યેક કાર્ય સમૃદ્ધ અને વિકસિત હૃદયના સંસ્કારવાળું થશે. નાની-નાની ક્રિયાઓને પ્રેમ મોટી કરે છે અને સાથે એમને સિદ્ધિઓમાં પલટાવે છે. પ્રેમ વિના, મોટાં કાર્યો પણ ક્ષુલ્લક અને હેતુહીન બની જાય છે. શ્રીરામકૃષ્ણ કહેતા હતા તેમ, ‘જિંદગીની બધી પ્રવૃત્તિઓ એટલાં બધાં મીંડા જ છે. મીંડાની કશી કિંમત જ નથી, પણ તેમની આગળ એકડો મુકાય ત્યારે તેમની પૂરી કિંમત થાય છે. એ એકડો પરમાત્મા છે. પહેલાં પરમાત્મા, પછી જ જગત.’ વૈભવ, સત્તા કે આનંદ ત્યારે જ જગતમાં સાર્થક થાય છે. એક કવિનું ગીત ટાંકતાં શ્રીરામકૃષ્ણ આ કહેતા : ‘આ સંસાર આનંદનું ધામ છે.’ બધા શિક્ષણની ખાસ કરીને ગૃહવિજ્ઞાનના શિક્ષણની, સફળતાની આજ કસોટી છે. તમારે સૌએ, શિક્ષકોએ વિદ્યાર્થિનીઓએ, એવું શિક્ષણ આપવાનું છે કે એથી તમારાં જીવનમાં અને ગૃહોમાં આનંદ પ્રસરે. તમને સૌને મારી શુભેચ્છાઓ.

Total Views: 771

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.