પોતાના પદોના નામાચરણમાં પોતાને ‘નરસૈંયો’, ‘મેતા નરસેં’ વગેરેથી ઓળખાવનાર ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતના સૌથી મોખરાના અને સૌથી વધારે મહત્ત્વ ધરાવનારા ભક્તકવિ છે. સામાન્ય રીતે સંતો અને ભક્તોનાં જીવન વિશે ક્યાંય ઐતિહાસિક પુરાવાઓ મળવા મુશ્કેલ હોય છે. પણ ભક્ત કવિ નરસિંહ મહેતાનું જીવન સુમેખ રીતે આપણને મળે છે એ આપણું સદ્ભાગ્ય છે. તેમનાં પોતાનાં આત્મકથાત્મક પદો દ્વારા તેમજ તેમને વિશે અન્યોએ લખેલાં લખાણો દ્વારા આપણને એ સાંપડે છે.

વડનગરા નાગરોની મોભાદાર ગણાતી નાતમાં એક ચુસ્ત અને રૂઢિવાદી તેમજ મધ્યમ સ્થિતિના કુટુંબમાં એનો જન્મ થયો હતો. નરસિંહ મહેતાના દાદા વિષ્ણુદાસ, તે વખતના જૂનાગઢના વૈષ્ણવધર્મી રાજા રા’મુક્તાસિંહના દરબારમાં વડા કારકૂન તરીકેની નોકરી બજાવતા. ઈ. સ. 1373થી 1397 સુધીનાં લગભગ ચોવીસેક વર્ષ એમણે એ નોકરી કરી. એમના અવસાન પછી તેમના પુત્ર – નરસિંહ મહેતાના પિતા – કૃષ્ણદાસ આજીવિકા પ્રાપ્ત કરવા જૂનાગઢમાં ઘણું મથ્યા પણ લાંબા સમય સુધી કશો કામધંધો ન મળવાથી પોતાના મૂળ ગામ તળાજામાં (અત્યારના ભાવનગરની દક્ષિણે ત્રીસેક માઈલ દૂર આવેલા એક નાના ગામમાં) બાપદાદાના મકાનમાં કુટુંબ સહિત રહેવા ચાલ્યા ગયા. નરસિંહના જન્મ પહેલાં કૃષ્ણદાસને ત્યાં બે પુત્રો અને એક પુત્રીનો જન્મ થયો હતો, પણ બાળપણમાં જ તે બધાનું અવસાન થયું હતું.

ઈ. સ. 1414માં જ્યારે તળાજામાં નરસિંહ મહેતાનો જન્મ થયો, ત્યારે કૃષ્ણદાસ તો સાવ વૃદ્ધ થઈ ગયા હતા, પરંપરા કહે છે કે નરસિંહ મહેતાનો જન્મ માગશર શુદિ બીજના રોજ (વિ. સં. 1470)માં થયો હતો. નરસિંહ મહેતાને ફક્ત ત્રણ જ વરસના મૂકીને કૃષ્ણદાસ ઈ. સ. 1417માં સ્વર્ગે સીધાવ્યા. પિતાના અવસાન પછી નરસિંહ મહેતા અને તેમની માતા દયાકુંવર તેમના કાકા પર્વતદાસને ઘેર તેમને આશ્રયે રહેવા ગયાં. આ પર્વતદાસ કયે સ્થળે રહેતા હતા, તે કહેવું મુશ્કેલ છે. કોઈ કહે છે એ તળાજામાં રહેતા હતા, કોઈ વળી એને જૂનાગઢવાસી ઠરાવે છે, તો કોઈકને મતે તેઓ માંગરોળ (જૂનાગઢથી અગ્નિખૂણામાં સાગરકાંઠાનું ગામ) રહેતા.

ગમે તેમ પણ નરસિંહ મહેતાના જીવનમાં બચપણથી જ કરુણતાની પ્રગાઢ છાયાઓ પડેલી છે અને તે છાયાઓ એના જીવન પર્યન્ત ચાલુ જ રહી. જ્યાં અને ત્યાં તેમના જીવનમાં આ કરુણતા ટપકતી આપણને માલૂમ પડે છે. આવી કરુણ જિન્દગીમાં નરસિંહને ટકાવી રાખનાર એની ઈશ્વરમાં અટળ શ્રદ્ધા હતી. જીવનભર પ્રેમભક્તિમાં રચ્યાપચ્યા રહેલા જૂનાગઢના આ ભક્ત કવિને ભગવાન પરનો ભરોસો જ અણમોલ ધન હતું.

એક કિંવદન્તી એવી છે કે આઠ વરસનો થયો ત્યાં સુધી બાળક નરસિંહ કશું બોલી શકતો ન હતો. અને પછી કોઈ પરિવ્રાજક વૈષ્ણવ સંતના આશીર્વાદથી બોલતો થયો. કોઈ કહે છે કે આ પરિવ્રાજક તે દક્ષિણ ભારતના વિદ્વાન, તત્ત્વજ્ઞ અને રુદ્ર સંપ્રદાયના સ્થાપક વિષ્ણુસ્વામી પોતે હતા. જો કે આ દંતકથાનો ઐતિહાસિક પુરાવો નથી.

નરસિંહના પૂર્વજીવનની પરંપરા પ્રમાણે કહીએ તો એનું બાળપણ તળાજામાં વીત્યું. પોતાના પિતરાઈઓ સાથે ઘણું કરીને તે સ્થાનિક શાળામાં જતો. ત્યાં એણે તત્કાલીન ગુજરાતી અને થોડુંક સંસ્કૃતનું જ્ઞાન મેળવ્યું. માતા અને કાકા વૈષ્ણવ હતાં એટલે ઘેરે જ એમની પાસેથી એને ધર્મનું જ્ઞાન મળ્યું. વૈષ્ણવસંપ્રદાય, કૃષ્ણલીલાઓ, ભાગવત અને અન્ય પુરાણો વગેરે તે ત્યાં જ શીખ્યો. તત્કાલીન રિવાજ પ્રમાણે અગિયારમે વરસે જ એનું વાગ્દાન એક નાગરગૃહસ્થની પુત્રી સાથે કરવામાં આવ્યું હતું; પણ નરસિંહના કશાય ઢંગધડા વગરના વર્તનને અને ભણવામાં ઠોઠપણાને જોઈને સામાવાળાએ એ તોડી નાખ્યું. નરસિંહ બાળપણથી જ નફકરો હતો; આખો દિવસ એ સાધુસંતોના સંગમાં રખડતો રહેતો; ભક્તિની મસ્તીમાં પાગલ રહેતો; કોઈ વાર એકલો-અટૂલો ગુફામાં બેસી ધ્યાન કરતો ; તળાજા પાસેની એક ટેકરીમાં બીજી સદીની બુદ્ધગુફા છે. એને હજુએ લોકો “નરસૈંયાની નિશાળ” તરીકે ઓળખે છે. નરસિંહના સહાધ્યાયીઓ એના આવા રંગઢંગ જોઈને એને પાગલ કહેવા લાગ્યા. અરે, કેટલીકવાર તો એ સ્ત્રીઓનો પોશાક સજીને સાધુઓ પાસે નાચતોય ખરો !

ઈ. સ. 1425ના અરસામાં નરસિંહના માતાનું અવસાન થયું. નરસિંહનો વંશવેલો ચાલુ રાખવા કાકા પર્વતદાસે રઘુનાથ પુરુષોત્તમ નામના નાગરગૃહસ્થની માણેકબાઈ નામની પુત્રી સાથે એનો વિવાહ કરી દીધો. (ઈ. સ. 1428) પણ વિવાહ પછી તરત જ પર્વતદાસ પણ સ્વર્ગે ગયા. નરસિંહ પોતાની પત્ની સાથે પિતરાઈ બંસીધરને આશરે રહેવા લાગ્યો.

વિવાહ થયો તો પણ નરસિંહનું જીવન કંઈ બદલ્યું નહિ. એ જ નેહનાં નર્તન, એ જ સાધુસંગ, એ જ નફકરાઈ, એ જ મસ્તી, એ જ ભક્તિ, આજીવિકા અને પત્નીના ભરણપોષણ માટેની એની એ બેદરકારી ! એક વખત બંસીધરની પત્નીએ નરસિંહને ગાંડા તરીકે અને કુટુંબના બોજા તરીકે ગણીને કડવાં વેણ કહ્યાં. સ્ત્રીસદૃશ કોમળ અને ખૂબ સંવેદનશીલ નરસિંહના શિશુહૃદયને એ વેણ ભાલાની જેમ ભેદી ગયાં. ઘર છોડીને એ તળાજાથી દૂર આશરે 40 કિ.મી. દૂર આવેલા ગોપનાથ નામના ઉજ્જડ ગામડામાં નાસી ગયો. ત્યાંના એક અપૂજ શિવમંદિરમાં ભૂખે પ્રાણ છોડવાનો એણે વિચાર કર્યો. તે આત્મકથાત્મક આ પદમાં કહે છે :

“મરમ વચન કહ્યાં મુજને ભાભીએ,

તે મારા મનમાં રહ્યાં વળૂંભી.”

ખાધાપીધા વગર નરસિંહે ગોપનાથના મંદિરમાં સાત દિવસો વિતાવ્યા. તે સાવ દુર્બળ અને શિથિલ થઈ ગયો હતો, પણ એકાએક એના શરીરમાં ધ્રૂજારી થઈ અને એ ભાવસમાધિમાં ડૂબી ગયો. આ ભાવસમાધિમાં તેણે પોતાની સામે સાક્ષાત્ શિવજી જોયા. શિવે એને વરદાન માગવા કહ્યું. નરસિંહના પોતાના શબ્દોમાં આ પ્રસંગ સાંભળીએ :

“હરજીએ ધરી દીન જાણી કરી,

પ્રગટ દરશણ દીધું શૂલપાનિ;

તમને જે વલ્લભ હોય જે દુર્લભ,

આપો રે પ્રભુજી મને દયા આણી…

ભોળો ચક્રવત્ય પ્રસન્ન હુઆ,

નિ આવી મસ્તક દીજિ હાથ;

સોળ સહસ્ત્ર ગોપીવૃંદ રમતાં,

રાસ દેખાડ્યો વૈકુંઠનાથ…”

આગળ જતાં નરસિંહ એવું પણ જણાવે છે કે, કૃષ્ણપત્ની રુકિમણીની વિનંતીથી રાસ દૃશ્ય નિહાળવા મશાલ પકડવાનું કામ તેને કૃષ્ણ આપે છે હાથમાં મશાલ પકડીને આખી રાત રાસલીલાનાં દર્શન માણવાની આ અનુભૂતિ ખરે જ અદ્‌ભુત છે. આ રાસલીલાના દર્શનમાં એ બાહ્યભાન ગુમાવી દે છે, એના વાળ મશાલની જ્વાળાઓથી સળગી ઊઠ્યા, હાથ પણ સળગ્યો, પણ એને કશું જ ભાન નથી ! આંખો આનંદાશ્રુથી છલકાઈ ઊઠી, અજબનો આ ભાવાવેશ હતો, અનન્ય અનુભૂતિ હતી, કેવું આ ભાવજગત ?

આ ભાવસમાધિએ નરસિંહના જીવનમાં ધરમૂળથી ફેરફાર કરી દીધો. ભક્તિનું સાતત્ય, પ્રેમની મસ્તી અને એનાં નિશ્ચય-શ્રદ્ધાએ હવે એનું જીવન જ બદલી નાખ્યું. જાણે કે એ આવનારી કપરી કસોટીઓ માટે કટિબદ્ધ બન્યો હોય એવું થયું. આ ભાવસમાધિ પછી નરસિંહ પોતાની પત્ની પાસે પાછો તો ફર્યો પણ આખો દિવસ સાદ પાડી-પાડીને, તાળીઓ પાડી-પાડીને સંકીર્તન કરતો નાચતો જ રહ્યો ! એના સકીર્તનથી ખેંચાઈને અન્ય ભક્તો પણ ભેળા થઈ ગયા અને એની સાથે ગાવા-બજાવવા લાગ્યા. કુટુંબીજનો એનાથી વિમુખ થઈ ગયાં. ભાઈ-ભાભીએ ખિજાઈને ચોખ્ખું સંભળાવી દીધું કે ‘નફ્ફટ, નિર્લજ્જ, નીકળ અહીંથી !’ છેવટે નરસિંહ પોતાની પત્ની સાથે ભાઈને ઘેરથી નીકળીને જૂનાગઢમાં આવી રહ્યો અને લગભગ જીવનપર્યન્ત જૂનાગઢમાં જ રહ્યો. પેલી ભાવ સમાધિથી નરસિંહના જીવનમાં જે ખાસ પરિવર્તન થયું તેણે એને ‘કવિ’ બનાવી દીધો, ગૂજરાતી કવિતા સાહિત્યનો એને જ્યોતિર્ધર બનાવી દીધો. ગૂજરાતી સાહિત્યના પ્રાચીન પ્રતિભા સંપન્ન કવિઓમાં આ નાગર નરસૈયાનું નામ એવું તો દીપી ઊઠ્યું કે એની યશોગાથા સોરઠ-ગૂજરાતના સીમાડા ઓળંગીને ઠેઠ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મારવાડ અને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ અને એણે નાભાદાસની ભક્તમાળામાં પણ સ્થાન મેળવ્યું તો પછી ગૂજરાતના પ્રેમાનંદ, વિશ્વનાથ જાની વગેરે જેવા કવિઓ નરસિંહનું જીવન ગાય, એમાં શી નવાઈ ?

નરસિંહ જૂનાગઢમાં આવી રહ્યો તો ખરો પણ એનું જીવન હવે સાવ બદલી ચૂક્યું હતું. દુનિયાદારીના જીવનમાં હવે એને કશો રસ રહ્યો ન હતો, સમાજની સ્વીકૃતિની એને હવે કશી પરવા ન હતી, પોતાની હંમેશની સ્વાભાવિક્તાથી તે આખો દિવસ પ્રભુનાં નામ સંકીર્તન કરતાં-કરતાં નાચતો રહેતો. હવે એનામાં ત્યાગ ભાવના ભરપૂર થઈ ચૂકી હતી. પેલી રાસલીલાનાં દિવ્ય દર્શનનું સ્મરણ એને હજુ તાજું જ લાગતું હતું, રાધાકૃષ્ણની રાસ લીલાને વર્ણવતાં કેટકેટલાં ભવ ભરપૂર પદો એણે આ સમય ગાળામાં (1428-1434) રચ્યાં. આ જ ગાળામાં એને ત્યાં પુત્રી કુંવર બાઈ જન્મી. અને પછી ચાર વરસે પુત્ર શામળદાસ જન્મ્યો.

કુંવરબાઈના જન્મથી માંડીને ઊનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે એનાં લગ્ન થયાં ત્યાં બારેક વરસો (1447 સુધી) નરસિંહ મહેતા શાંત-સરળ જીવન જીવ્યા, થોડી સ્થિરતાનો એમણે અનુભવ કર્યો. જૂનાગઢના આટલા નિવાસ દરમિયાન તેમને નાણાંભીડ પડી ન હતી. તેઓ પોતે કહે છે કે ભગવાને એમની ભીડ ભાંગી હતી. જૂનાગઢના રાજા રા’માંડલિકનાં માતા પવિત્ર વૈષ્ણવ હતાં અને ઘણું કરીને તેમણે ખાનગીમાં નરસિંહ મહેતાની મદદ કર્યા કરી હતી. પણ નરસિંહનો આધ્યાત્મિક અનુભવ, એનું ભાવ જગત તો એ સહાયને જુદેજુદે સ્વરૂપે ભગવાને જ આવીને ભીડ ભાંગી, એમ જ લેખે છે. અને ભાવ જગતની એની આ કવિ વાણીને સામાન્ય લોકો ‘ચમત્કાર’નું રૂપ આપી દે, એ સ્વાભાવિક છે. આજ કારણે ઘણા-ઘણા સંત-ભક્તો-મહાત્માઓનાં સાચાં જીવન, ચમત્કારો, દંત કથાઓ વગેરેથી ઢંકાઈ ગયાં છે, એણે ઐતિહાસિક દૃષ્ટિને આવૃત્ત કરી દીધી છે. ભાવ જગતની કવિવાણીને માણવાની નિપુણતા, નરસિંહની કવિતાને સમજવામાં ખૂબ આવશ્યક છે.

જ્યારે પુત્રી કુંવરબાઈના સીમંતનો પ્રસંગ આવ્યો ત્યારે રિવાજ પ્રમાણે કુંવરબાઈના પિતા-નરસિંહ મહેતાએ ‘મામેરું મોસાળું’ કરવાનું હતું. એમાં વેવાઈના કુટુંબ અને તેમના સગાં-વહાલાંને ‘પહેરામણી’ કરવાની હતી. પણ નરસિંહ પાસે તો શું હતું કે કશું આપે ? કુંવરબાઈના સાસરિયાંનાં સૌને નરસિંહની નિર્ધનતાની ખબર જ હતી. એટલે એ પ્રસંગમાં ઊનાના એ ધનિક વેવાઈએ અને ઊનાની નાગરી નાતે નરસિંહની ભારે ઠેકડી ઉડાડી, એનું અણછાજતું અપમાન કર્યું. નરસિંહે પોતે પોતાના ‘મામેરું’ કાવ્યમાં આ પ્રસંગ સુરેખ રીતે આલેખ્યો છે. એ આપણને જણાવે છે કે, આટલાં ઉપહાસો અને અપમાનો પછી છેવટે કૃષ્ણ અને રુક્ષ્મણીએ સમયસર સહાય કરીને નરસિંહનું માન જાળવ્યું. ભાતભાતની ભેટો અને સોનાં સૌને મળ્યાં. નરસિંહમાં સર્વત્ર ઈશ્વર જોવાની આ કેવી અસાધારણ ભાવ દૃષ્ટિ હતી ?

એકવાર કીર્તન કરતાં-કરતાં મધરાતે નરસિંહને તરસ લાગી હતી ત્યારે કોઈક રતનબાઈ નામની સ્ત્રીએ એને પાણી પાયું હતું. ત્યારે પણ નરસિંહની વ્યાપક ભાવ દૃષ્ટિએ એ સ્ત્રીમાં સાક્ષાત્ મોહિની સ્વરૂપ પ્રભુને જ નિરખ્યા હતા !

સને 1450માં એમના પુત્ર શામળદાસના વિવાહનો પ્રસંગ આવ્યો. એ નરસિંહે પોતે આલેખ્યો છે. વડનગરથી મદન મહેતાએ પોતાની પુત્રી માટે મૂરતિયો ખોળવા પોતાના કુળગોર દીક્ષિતને જૂનાગઢ મોકલ્યા. જૂનાગઢના ટીખળી નાગરોએ તાલ જોવા એને નરસિંહ મહેતાનું ઘર બતાવ્યું. નરસિંહ ઉપર તો ભગવાનના ચારેય હાથ હતા, એટલે પેલા દીક્ષિત ગોરને તો નરસિંહ મહેતા ગમી ગયાં. એણે મદન મહેતાની પુત્રીનું સગપણ કર્યું. થોડાં વખત પછી વિવાહ નક્કી થયા; ગોર લગ્ન-કંકોતરી લઈ જૂનાગઢ, નરસિંહ મહેતાને ત્યાં આવ્યા. પણ ગરીબ નરસિંહ વિવાહ કેમ કરી શકશે ? એમની પત્ની માણેકબાઈ તો મૂંઝાયાં. પણ નરસિંહના મનમાં તો પરમ શ્રદ્ધાજનિત શાંતિ હતી. એણે ગાયું :

“શેઠ મમ શામળો, સરળથી ભલો,

રાખ વિશ્વાસ તે દેશે આણી;

નરસહીંયો નાગર રંક છે બાપડો,

કરશે સંભાળ પોતાનો જાણી…”

આ બાજુ માણેકબાઈ ચિંતામાં ડૂબેલાં છે, પણ એની કશી પરવા કર્યા વગર નરસિંહ મહેતા તો દ્વારકાની યાત્રાએ ઊપડી ગયા. પ્રભુ ઉપરની આવી અતૂટ અને અસાધારણ શ્રદ્ધા વિરલ છે. આગળ જતો આ પ્રસંગ વર્ણવતાં એ જણાવે છે કે, ઠાઠમાઠથી એણે શામળાદાસના વિવાહની તૈયારી કરી; જાન જોડીને તેર દિવસની મુસાફરી કરીને મહેતા વડનગર પહોંચ્યા. ભારે ઠઠારાથી એ વખતે પંદરેક વરસના શામળદાસને પરણાવ્યો. સાત દિવસ જાન વડનગર રોકાઈને પાછી ફરી. પણ આ બધું થયું કેવી રીતે ? ગરીબ નરસિંહ પાસે તો ફૂટી બદામ પણ ન હતી ! કોઈ વેપારીએ મદદ કરી હતી અને નરસિંહે ફક્ત જ એ વેપારીવેશ ધારી પ્રભુ અને રુકિમણી શેઠાણીનાં પોતાનાં દિવ્યચક્ષુથી દર્શન કર્યાં હતાં. બીજા કોઈપણને એ દેખાયા નહિ. આ પ્રતીતિ પણ પેલી ભાવજગતનીજ અનુભૂતિ છે.

જૂનાગઢની ટીખળી અને વિઘ્નસંતોષી નાગરી નાત નરસિંહને સુખે રહેવા દે તેવી ન હતી. શામળદાસના વિવાહ વખતે એણે જેવું ટીખળ કર્યું હતું એવું એક બીજું પણ ટીખળ કર્યું. દ્વારકાની યાત્રાએ જતાં કેટલાક યાત્રાળુઓએ જૂનાગઢમાં મુકામ કર્યો. જૂનાગઢથી દ્વારકા જવાનો રસ્તો એ વખતે ભયંકર લૂંટારુઓની બીકવાળો હતો. એટલે જો યાત્રાળુઓ પોતાની પાસેનું ધન જૂનાગઢના કોઈ વેપારીને આપીને તેની પાસેથી દ્વારકાના કોઈ શેઠ ઉપર તેટલા પૈસાની હૂંડી લખાવી લે તો સારું થાય. ટીખળી નાગરોએ યાત્રાળુઓને એ માટે નિર્ધનિયા નરસિંહ પાસે મોકલ્યા ! અને પ્રભુ ઉપરના વિશ્વાસે રૂપિયા સાતસો રોકડા લઈ મહેતાએ હૂંડી લખી આપી, એ હૂંડી દ્વારકામાં વટાવવામાં આવી અને યાત્રાળુઓને પૈસા પણ મળ્યા. આ નરસિંહની અડગ શ્રદ્ધા કે કોઈ ચમત્કાર કે કોઈ સિદ્ધિ કે પછી કોઈ આકસ્મિક ઘટના છે ? જે હોય છે ? જે હોય તે પણ એ બન્યું હતું, એનો દસ્તાવેજી પુરાવો નરસિંહનાં જ પદ છે.

ઈ. સ. 1451માં નરસિંહનાં પત્ની માણેક બાઈનું અવસાન થયું. હવે કૌટુંબિક સંબંધોથી તદ્દન મુક્ત થઈને મહેતાજી પૂર્ણ રીતે પોતાના ઇષ્ટ કૃષ્ણ ભગવાનમાં મન પરોવવા લાગ્યા. પોતાના જીવનની ભૂતકાલીન ઘટનાઓનું ચિંતન કરવાનો આ સમય હતો એટલે મોટા ભાગનાં તેમનાં આત્મકથાત્મક પદો આ આરસામાં લખાયાં હશે. ‘મામેરુ’માં નરસિંહ મહેતા જણાવે છે કે માણેકબાઈના મરણ પછી તરત જ શામળદાસનું ય અવસાન થયું. એ વખતની પોતાની મનઃસ્થિતિ પણ એમણે બતાવી છે. સૌના રુદન વચ્ચે એ એકલો જ સ્વસ્થ છે. વહેલું મોડું સૌને મરવાનું છે એ પ્રતીતિનું એને બળ છે.

સને 1454માં કુંવરબાઈ પણ વિધવા થઈને બાપને ઘેર જૂનાગઢ રહેવા આવી. આમ લગભગ 40 મે વરસે નરસિંહ મહેતા વિધવા પુત્રી સાથે રહેવા લાગ્યા. આ બંને સ્ત્રીઓ ભક્તોએ આપેલી ભેટ સોગાદોથી તેમજ રા’માંડલિકનાં માતા તરફથી મળતી છૂપી સહાયથી ઘરનું ગાડું બને તેટલું ઠીક-ઠીક ચલાવ્યે રાખતા.

નરસિંહ તો દિનરાત સ્વરચિત ભક્તિપદો ગાતો, નાચતો. ગોપાલકૃષ્ણ અને વૃંદાવન ગોકુળના તરુણકૃષ્ણ એના ઇષ્ટદેવ હતા. અન્ય મધ્યકાલીન ભક્તકવિઓની પેઠે જ નરસિંહ પણ નાતજાતની વાડાબંધી કે પોથીપંડિતાઈને બદલે પવિત્ર જીવન, સાદાઈ અને નિષ્ઠાપૂર્વકની ભક્તિ પર જ ભાર મૂકતો. બધા ભક્તો ભગવાનનું કુટુંબ છે. માનવે ચણેલી કૃત્રિમ ભેદની ભીંતોને ભાંગીને નરસિંહ બ્રાહ્મણને ઘેર પણ નેહમાં નાચ્યો અને અસ્પૃશ્યોના ઘેર પણ એવા જ નેહે નાચ્યો. આ રહ્યા એના જ શબ્દો :

“ગિરિતળાટી ને કુંડ દામોદર,

ત્યાં મહેતોજી ના’વા જાય;

ઢેઢ વરણમાં દૃઢ હરિભક્તિ,

તે પ્રેમ ધરીને લાગ્યા પાય.

કર જોડીને પ્રાર્થના રે કીધી,

વિનંતિ તણાં બહુ વધ્યાં રે વચન;

મહાંત પુરુષ અમારી અરજ એટલી,

અમારે આંગણ કરો રે કીરતન…’

પોતાની નાતના માણસો કરતાં અસ્પૃશ્યોના અને હલકી ગણાતી જાતિના લોકોના નરસિંહ મહેતા વધારે પ્રીતિપાત્ર હતા. નાગરો તો રૂઢિવાદી અને પોતાની જાતને ગુજરાતની સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ જાતિ તરીકે ઓળખાવતા. અસ્પૃશ્યો સાથેનો મહેતાજીનો સંબંધ તે ભલા કેમ સાંખી લે ? પોતાની નાતના એક બેજવાબદાર પાગલનું હલકા અસ્પૃશ્યોને ઘેર આખી રાત થયેલું નૃત્ય તેઓ ન સહી શક્યા. નાતના નેજાને ફગવી દેતા નરસિંહના કાર્યોને રોકવા તેમણે ભારોભાર મથામણ કરી, પણ કશું ન વળ્યું. એણે તો ચોખ્ખું ચટ સંભળાવી દીધું :

“હળવાં કરમનો હું નરસૈંયો,

મુજને તો વૈષ્ણવ વહાલા રે;

હરિજનથી જે અંતર ગણશે,

તેના ફોગટ ફેરા ઠાલા રે…”

નાગરોએ નાતબહાર મૂકેલા નરસૈયાને ફરી નાતમાં લેવા માટે એના જીવનમાં પાછળથી કેટલીક ચમત્કારિક ઘટનાઓને દંતકથા રૂપે ઘુસાડવામાં આવી છે કે જેથી નાગરોના દોષો ધેવાઈ જાય પણ એ બધા તો મનમનામણાં જ લાગે છે. નરસિંહે પોતે જ કહ્યું છે કે, હે ભગવાન હું ફરીથી આ સંકુચિત વિચારની નાગરી નાતમાં જન્મ લેવા ઇચ્છતો નથી.

નરસિંહને નાત બહાર મૂકવા છતાં તેની તે તરફની બેપરવાઈ જોઈ નાગરો છંછેડાયા અને એના ઉપર ભ્રષ્ટાચારી અને દંભી હોવાના આરોપ કર્યા. નરસિંહની લોકપ્રિયતાથી એમના પેટમાં તેલ રેડાતું હતું. એમણે જૂનાગઢના રાજા રા’માંડલિકને નરસિંહની રૂઢિભંજક પ્રવૃત્તિઓ બંધ કરવા માટે એને સજા કરવાની વિનંતી કરી. તેમણે રાજાને એવી ફરિયાદ કરી કે નરસિંહ એની ભજન મંડળીમાં ઉચ્ચ વર્ણની સ્ત્રીઓને ભેળવે છે, અને એ બધાં અસ્પૃશ્ય લોકોના ઘેર નાચગાન કરે છે. એક કિંવદન્તી એવી છે કે, જૂનાગઢના રાજાએ નરસિંહ મહેતાને પોતાના ધાર્મિક વિચારો સિદ્ધ કરવા અને નિર્દોષતા સાબિત કરવા બોલાવ્યા. નરસિંહે વીરતાથી એ બીડું ઝડપીને રાજા પાસે પોતાનું હિન્દુ શાસ્ત્રોનું જ્ઞાન પ્રદર્શિત કર્યું. છેવટ સાક્ષાત્ ભગવાન બારણા ખોલી એના ગળામાં હાર પહેરાવ્યો.

આવી-આવી કેટલીય દંતકથાઓ આ હારપ્રસંગની આસપાસ ગૂંથાયેલી છે. નરસિંહના જીવનકથાકારોએ એ વાતો ખૂબ બહેલાવી છે. નરસિંહનાં હારમાળાનાં પદો એ બધાંના મૂળમાં છે પણ એ ‘હારસમેનાં પદ’માં પણ સંખ્યામાં ઘણી ગરબડ છે. કેટલાક વિદ્વાનો એ બધાં જ પદો બીજા કવિઓએ રચેલાં માને છે.

પોતાની વૃદ્ધ ઉંમરે, જ્યારે એની આશ્રયદાતા રાજમાતા મરણ પામી ત્યારે નરસિંહ અંતર્મુખ બની ગયો. રાધાકૃષ્ણની રાસલીલાને બદલે હવે એ તત્ત્વજ્ઞાન, ત્યાગ અને ભક્તિનાં પદો અને ગીતો રચવા લાગ્યો. એનાં તત્ત્વજ્ઞાનનાં પદોમાં ઘણા વિચારોનું મિશ્રણ છે. તે બિલકુલ સાંપ્રદાયિક નથી. કેટલાંક પદોમાં શાંકરતત્ત્વજ્ઞાનની અસર છે :

“જાગીને જોઉં તો જગત દીસે નહિ,

ઊંઘમાં અટપટા ભેદ ભાસે;

ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે,

બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે…”

તો વળી કેટલાંક પદોમાં વિષ્ણુસ્વામીના પ્રાચીન વૈષ્ણવ સંપ્રદાયની છાંટ વરતાય છે કે આ જગત સત્ય છે :

“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જુજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.”

કેટલાંક પદોમાં સર્વસમર્પણ-આત્મનિવેદન ભક્તિ નિરૂપે છે, પ્રભુનો અનુગ્રહ અને એની ઇચ્છાને આધીન થવા કહે છે :

“ચિત્ત તું શીદને ચિન્તા કરે ?

કૃષ્ણને કરવું હોય તે કરે…”

સને 1467માં 53 વરસની વયે પહોંચ્યા હતા ત્યારે મહમદ બેગડે જૂનાગઢ પર ચઢાઈ કરી. આ આપદ્કાળમાં નરસિંહે જૂનાગઢ છોડ્યું અને કાકાને ઘેર માંગરોળ રહેવા ગયા. તે ઓને માટે ઠીક જ થયું. કારણ કે માંડલિકનું પતન થયું. જીવતો રહેવા એ મુસ્લિમ પણ બન્યો. માંગરોળમાં રહી જીવનનાં છેલ્લાં વરસોમાં પોતાનું છેલ્લું કાવ્ય ‘ગોવિંદગમન’ લખ્યું. એમાં હૃદયદ્રાવક ગોકુળવિયોગનું બ્યાન છે.

સને 1480માં છાસઠ વર્ષની ઉંમરે એનું અવસાન થયું. ગોવિંદગમન, જ્ઞાન-ભક્તિ ઉપદેશનાં પદો, બાળરાસ-દાણલીલાનાં પદો, સુદામાચરિત જેવાં આખ્યાનકાવ્યો, આત્મકથાત્મક ચાર રચનાઓ વગેરે અનેક રચનાઓ કરનાર, નેહમાં નાચનાર, શ્રીમદ્ભાગવતના પ્રભુપ્રેમનો પ્યોલો પીનાર અને પિવડાવનાર, ‘ઢેઢવરણ’માં વિષ્ણુનાં વહાલાં ઢૂંઢનાર, શેરીએ શેરીએ સાદ પાડીને વેણુઘરના વેપાર કરનાર, નવરસ રસિયો નાગર નરસૈંયો ગુજરાતને સાદી વાણીમાં સારતત્ત્વ ભરીને કવિ જયદેવ જેવાં ગેબી ગૂંજનો સંભળાવી ગયો. હજુય એના ભણકારા લોકકંઠે પ્રભાતીઆના સૂરમાં સંભળાય છે અને આવતાં કેટલાંય વર્ષો સુધી સંભળાતા રહેશે. નમન હો નાગર નરસૈંયાને !

Total Views: 1,239

2 Comments

  1. શ્રી કે. કે.દેસાઈ April 17, 2023 at 10:47 am - Reply

    ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાના જીવન વિષે ખૂબજ સુંદર માહિતી.

  2. Kamlesh Nakrani March 26, 2023 at 4:19 am - Reply

    ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાની ખુબખુબ સરસ માહીતી આપવા બદલ આપનો ધન્યવાદ..

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.