સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન સમાજસેવક રૂપે, જોયા છે અને બિરદાવ્યા છે. પણ તેમના પત્રકારિત્વના પાસાંથી લોકો એટલા વાકેફ નથી. સ્વામીજીને એક પત્રકાર તરીકે બિરદાવવાનું કદાચ કોઈને હાસ્યાસ્પદ લાગશે પણ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સ્વામીજીએ પોતાના જીવનકાળમાં ઓછામાં ઓછી ચાર પત્રિકાઓ શરૂ કરી હતી તથા આ સિવાય અનેક પત્રિકાઓ પ્રકાશિત કરવામાં સહાય તથા પ્રેરણા પ્રદાન કરેલ. તેમના દેહાવસાન પછી પણ તેમના વિચારોને મૂર્તરૂપ આપવા માટે દેશ-વિદેશમાં અનેક પત્રિકાઓ પ્રકાશિત થઈ હતી અને આજ પણ થઈ રહી છે. એક આધ્યાત્મિક મહાપુરુષે પોતાના જીવનનો મહત્ત્વપૂર્ણ અંશ પત્રિકાઓના પ્રવર્તનમાં લગાડ્યો હોય તથા કઠોર પરિશ્રમ કરીને, જાણે કે પોતાનાં તથા તેમના શિષ્યોનાં રક્તથી પત્રિકાઓનું સિંચન કર્યું હોય, આવું દૃષ્ટાંત પત્રકારિત્વના ઇતિહાસમાં વિરલ છે. એક સંત પુરુષ હોવા છતાંય, પત્રિકાઓના પ્રકાશન માટે સ્વામીજીનો કેટલો આગ્રહ હતો, પત્રિકાઓના પ્રવર્તન માટે તેમણે કેટલો ઘોર પરિશ્રમ કર્યો હતો, પોતાના લેખો વડે, આર્થિક સહાય દ્વારા અને અદમ્ય ઉત્સાહ તથા પ્રેરણાના સંચાર વડે પત્રિકાઓના પ્રકાશનમાં તેમણે કેટલો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો અને પત્રકારિત્વ વિષેના તેમના વિચારો વર્તમાન માપદંડો અનુસાર પણ કેટલાં મહત્ત્વપૂર્ણ છે, આ બધા વિષયોની વિવેચનાને એક જ લેખમાં આવરી લેવી એ ખરેખર ઘણું કપરું કાર્ય છે. અહીં તેને સંક્ષેપમાં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ.

પત્રકારિત્વમાં સ્વામીજીની રુચિ તરુણાવસ્થાથી જ હતી. નરેન્દ્રનાથ દત્ત તરીકે તેમણે શ્રીરામકૃષ્ણદેવના અન્તરંગ ભક્ત શ્રી ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાયને પત્રિકા-પ્રકાશન માટે પ્રોત્સાહિત કર્યા હતા. 1889માં ઉપેન્દ્રનાથે નરેન્દ્રનાથના આગ્રહને કારણે “સાહિત્ય કલ્પદ્રુમ” નામક બંગાળી પત્રિકા શરૂ કરી. [સમય જતાં આ પત્રિકા “સાહિત્ય” નામે બહાર પડતી.] આ પત્રિકાના પહેલા પાંચ અંકોમાં યુવા નરેન્દ્રનાથે કરેલ ‘Imitation of Christ’ (ઇશુનું અનુસરણ)નો બંગાળી અનુવાદ છપાયો હતો. 1896 ઈ.માં ઉપેન્દ્રનાથે “બસુમતી” નામક પ્રસિદ્ધ બંગાળી સાપ્તાહિક પત્રિકા શરૂ કરી અને સ્વામીજીના સંદેશમાંથી પ્રેરણા લઈને આ પત્રિકાનો મુદ્રાલેખ (Motto) રાખ્યો હતો – ‘નમો નારાયણાય.’

પત્રિકાઓના પ્રવર્તનની ઇચ્છા સ્વામીજીના મનમાં અમેરિકા ગયા બાદ વધારે પ્રબળ થઈ ગઈ. અમેરિકામાં તેમને પ્રસિદ્ધિ મેળવ્યા બાદ સંપૂર્ણ ભારતવર્ષમાં જે અદમ્ય ઉત્સાહના વિશાળ તરંગો ઊઠ્યા તેનો વિનિયોગ સ્વામીજી લોકોમાં નવજાગૃતિનો સંચાર કરવા માગતા હતા. શ્રીરામકૃષ્ણ દ્વારા પ્રતિપાદિત સમન્વયકારી વેદાંત ધર્મનો પ્રચાર, કોઈ પણ બાંધછોડ કર્યા વિના સત્યનો પ્રચાર, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સનાતન ધર્મ અને ભારતવર્ષ વિષે થઈ રહેલ ભ્રામક પ્રચારનો વિરોધ વગેરે ઘણાં કારણોથી તેઓ પત્રિકા પ્રવર્તન તરફ વિશેષ આકર્ષાયા હતા.

સ્વામીજીની આ પ્રકારની પત્રિકાની ઇચ્છાને સાકાર કરનાર પ્રથમ વ્યક્તિ હતી, એમના મદ્રાસી તરુણ શિષ્ય આલાસિંગા પેરુમલ. ધન્ય છો આલાસિંગા ! ઇતિહાસમાં તમારું નામ અમર રહેશે. સ્વામીજીના જે અગ્નિમંત્રયુક્ત પત્રોએ ત્યારની યુવા પેઢીને પ્રેરણા આપી ભારતમાં નવચેતના આણી હતી અને આજે પણ જે યુવા પેઢીને પ્રેરણા આપી રહી છે, તેમાંના ઘણા ખરા આલાસિંગાને સંબોધીને લખાયેલા. આ પત્રોના અધ્યયનથી આપણે અનુમાન કરી શકીએ કે તે વખતે સ્વામીજીની ઇચ્છા ફક્ત પત્રિકા જ નહિ, સમાચારપત્ર પ્રકાશિત કરવાની પણ હતી. 29 સપ્ટેમ્બર 1894ના પત્રમાં તેમણે આલાસિંગાને લખ્યું હતું “જો બની શકે તો સમાચારપત્ર અને માસિક પત્રિકા બંને બહાર પાડજો. મારા જે ગુરુભાઈઓ ચારે તરફ બહાર ફરી રહ્યા છે, તેઓ ગ્રાહક બનાવશે – હું પણ ગ્રાહકો બનાવીશ અને વચમાં-વચમાં પૈસા મોકલતો રહીશ.” અલબત્ત સમાચારપત્ર પ્રકાશિત કરવાની સ્વામીજીની ઇચ્છા સાકાર ન થઈ શકી પણ એમના જીવનકાળમાં અને તેમની મહાસમાધિ પછી એમના વિચારોથી પ્રેરાઈને દેશ-વિદેશમાં વિભિન્ન ભાષાઓમાં અનેક પત્રિકાઓ પ્રકાશિત થઈ હતી, અને આજે પણ થઈ રહી છે, આ પહેલાં 11 જુલાઈ 1894ના પત્રમાં સ્વામીજીએ આલાસિંગાની અંગ્રેજીમાં પત્રિકા પ્રકાશિત કરવાની ઇચ્છાનું અનુમોદન કરતાં લખ્યું હતું, “સામયિક શરૂ કરી જ દેજો, વખતોવખત હું તમને મારા લેખો મોકલતો રહીશ.”1

આ પત્રિકાના પ્રકાશન માટે આર્થિક વ્યવસ્થાનો ભાર પણ સ્વામીજીએ પોતાના ખભે લીધો હતો. 31 ઑગસ્ટ 1894ના પત્રમાં તેમણે આલાસિંગાને લખ્યું – “એકાદ સામયિક, પત્રિકા કે મુખપત્ર શરૂ કરીને તમારે તેના સેક્રેટરી થવું. સામયિક અને એના અંગેનું કાર્ય કરવા માટે થનારા ખર્ચની, એટલે કે એ શરૂ કરવા માટે ઓછામાં ઓછું કેટલું જોઈશે, એની ગણતરી કરીને અને પછી સોસાયટીને નામ આપીને તે નામ અને સરનામું મને લખી મોકલો. એટલે હું પોતે જ તમને પૈસા મોકલી આપીશ; એટલું જ નહિ, પરંતુ અમેરિકાના અન્ય લોકોને દર વર્ષે ઉદારતાપૂર્વક આમાં ફાળો આપવા માટે પ્રેરીશ.”2 6 મે 1895ના પત્રમાં સ્વામીજીએ ફરી આર્થિક સહાયનું આશ્વાસન આપ્યું અને સામયિક માટે કેટલાંક મહત્ત્વપૂર્ણ સૂચનો પણ કર્યાં –“એકાદ માસની અંદર, સામયિક માટે હું તમને થોડાક પૈસા મોકલવાની સ્થિતિમાં આવીશ, ભિખારા હિન્દુઓ પાસે ભીખ માગતા ફરશો નહિ. એ બધું મારી મગજશક્તિથી અને જમણા બાહુના બળથી હું પોતે કરીશ… તમારું સામયિક ઉપરચોટિયું નહિ પરંતુ દૃઢ, શાંત અને ઉચ્ચાશયી હોવું જોઈએ. સારા અને સ્થિર લેખકોનું જૂથ એકઠું કરો.”સ્વામીજીએ આપેલ વચન પ્રમાણે એક મહિનમાં જ પત્રિકા માટે એકસો ડોલર મોકલી આપ્યા હતા.3

આલાસિંગાએ મદ્રાસના અન્ય સહયોગીઓ સાથે મળીને આ પત્રિકાનું નામ “બ્રહ્મવાદિન” તથા તેનો મુદ્રાલેખ ‘एकम् सद्विप्रा बहुधा वदन्ति’ રાખ્યો. સ્વામીજીએ તેમાં સહમતિ દર્શાવતો 1895ની 30 જુલાઈ એ ઉત્સાહભર્યો પત્ર લખ્યો – “તમે ઠીક કર્યું છે. નામ તથા મુદ્રાલેખ (Motto) બંને ઠીક છે. તમારા પત્ર માટે “સંન્યાસીનું ગીત” જ મારો પહેલો લેખ છે. નિરુત્સાહિત ન થતા અને પોતાના ગુરુ અને ઈશ્વર પરની શ્રદ્ધા ન ગુમાવતા… હે સાહસી બાળકો, કાર્ય કરતા રહો…”

સ્વામીજી આ પત્રિકાના પ્રકાશન માટે કાગને ડોળે રાહ જોવા માંડ્યા. છેવટે અધીર થઈ પોતાના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીને 4 ઑક્ટોબર, 1895ના પત્રમાં લખ્યું – “મને લાગે છે કે મદ્રાસના લોકો સામયિક શરૂ કરવામાં નિષ્ફળ ગયા છે. હિન્દુ પ્રજામાં વ્યવહારકુશળતાની ખામી જ છે. જ્યારે તમે કોઈ કામ કરવાનું વચન આપો ત્યારે તમારે તે બરાબર નિયત સમયે કરવું જોઈએ. નહિતર લોકોનો તમારામાંથી વિશ્વાસ ઊઠી જાય.”4 સ્વામીજીને શી ખબર કે આ દરમ્યાન “બ્રહ્મવાદિન” (પાક્ષિક પત્રિકા)નો પહેલો અંક 14 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થઈ ગયો હતો અને ત્યારે જહાજમાં યાત્રા કરી રહ્યો હતો ! સ્વામીજીએ 24 ઑક્ટોબરના પત્રમાં આ અંકની પહોંચના સમાચાર લખ્યા અને પત્રિકા માટે અગત્યનાં સૂચનો પણ કર્યાં – “બ્રહ્મવાદિન”ના બે અંકો મળ્યા. શાબાશ ! આવી જ રીતે કાર્ય કરતા રહો. પત્રિકાના મુખપૃષ્ઠને થોડું સુંદર બનાવવાનો પ્રયત્ન કરો અને સંક્ષિપ્ત સંપાદકીય મંતવ્યોની ભાષાને થોડી સરળ પણ ભાવોને ઉજ્જ્વળ બનાવવાનો પ્રયત્ન કરો. કિલષ્ટ ભાષા અને છંદોને કેવળ મુખ્ય લેખો માટે જ રહેવા દો.”5

સ્વામીજીની વેધક દૃષ્ટિ સદાય “બ્રહ્મવાદિન” પર રહેતી. અવારનવાર પત્રો લખી તેઓ આ વિષે મહત્ત્વનાં સૂચનો આપતા અને આર્થિક સહાય પણ મોકલતા. પત્રિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમણે આલાસિંગાને તેમાં જાહેરાતો છાપવાની સલાહ આપી હતી. પત્રિકાની આર્થિક દુર્દશાની જાણ થતાં તેમણે આલાસિંગાને 1896ની 6 ઓગસ્ટે ઉત્સાહભર્યો પત્ર લખ્યો – “બ્રહ્મવાદિન પત્ર નાણાભીડમાં આવી પડ્યું છે એ સમાચાર તમારા પત્ર દ્વારા જાણ્યા. જ્યારે હું લંડન પાછો ફરીશ, ત્યારે તમને સહાય કરવાનો પ્રયત્ન કરીશ. પત્રનું ધોરણ નીચું ઉતારવું નહિ જ. પત્રને ચાલુ રાખજો. થોડા જ વખતમાં હું તમને એવી રીતે સહાય કરીશ કે તમે આ શિક્ષકના વ્યવસાયની માથાકૂટમાંથી મુક્ત થઈ શકશો. ભય રાખશો નહિ. વત્સ ! ભાવિમાં મહાન કાર્યો થવાનાં છે, હિંમત રાખો. ‘બ્રહ્મવાદિન’ તો એક રત્ન છે, એને નષ્ટ થવા દેવાય નહિ. અલબત્ત આવું પત્ર હંમેશાં ખાનગી સહાયથી જ ચાલુ રાખી શકાય અને ‘આપણે તેમ જરૂર કરીશું.’ થોડા મહિના વધુ તમારા કાર્યમાં ચીટકી રહો.”6 આ પત્ર લખ્યાને ત્રીજે દિવસે, 8મી ઓગસ્ટે 1896 સ્વામીજીએ ફરી લખ્યું – “બ્રહ્મવાદિનમાં જે કાંઈ લખાય તે બધું જ દરેકે દરેક જણે સમજવું જોઈએ એવું નથી, પરંતુ લોકોએ એટલે કે હિંદુઓએ સ્વદેશ-પ્રેમ અને સત્કર્મની દૃષ્ટિએ એના ગ્રાહક બનવું જોઈએ – બીજું, તમારા કાર્ય પ્રત્યે તમને પૂર્ણ નિષ્ઠા હોવી જોઈએ. એમ સમજીને કે ‘બ્રહ્મવાદિન’ને સફળ બનાવવા ઉપર જ તમારી ‘મુક્તિ’ નિર્ભર છે. આ પત્રને તમારા ઇષ્ટદેવ ગણો અને પછી જુઓ કે તમને કેવી સફળતા વરે છે.”7

આલાસિંગાએ દિવસ-રાત પરિશ્રમ કરીને એક વર્ષ સુધી તો ‘બ્રહ્મવાદિન’ પત્રને પાક્ષિક પત્રિકાના રૂપમાં પ્રકાશિત કર્યું. પછી તેને માસિક કરવાનું વિચાર્યું પણ સ્વામીજી સહમત ન થયા. 22મી સપ્ટેમ્બર 1896ના પત્રમાં સ્વામીજીએ લખ્યું – “હું નથી ધારતો કે સામયિકને અત્યારના તબક્કે માસિકમાં ફેરવવાનું ઠીક થશે, સિવાય કે તમને ખાતરી હોય કે એનું કદ સારી રીતે વધારી શકાશે. અત્યારે તો એ સામયિકનું કદ અને સામગ્રી અત્યંત નિકૃષ્ટ કક્ષાના છે. હજી પણ એક અત્યંત વિશાળ વણખેડાયેલું ક્ષેત્ર પડેલું છે. દા. ત. તુલસીદાસ, કબીર, નાનક તથા દક્ષિણ ભારતના સંતોનાં જીવન અને કાર્ય અંગેના લેખો. એ લેખો કોઈ ઢંગધડા વગરની શિથિલતાભરી શૈલીમાં નહિ, પરંતુ ઠરેલી અને વિદ્વત્તાભરી શૈલીમાં લખાવા જોઈએ. વસ્તુતઃ સામયિકનો આદર્શ એ હોવો જોઈએ કે એ વેદાંતનો ઉપદેશ આપનાર સામયિક બનવા ઉપરાંત ભારતીય સંશોધન અને પાંડિત્યનું સામયિક પણ બની રહે – અલબત્ત ધર્મ સાથે તો એ સંબંધ ધરાવતું હોય જ. તમારે ઉત્તમ લેખકોને મળીને એમની કલમ દ્વારા કાળજીપૂર્વક લખાયેલા લેખો મેળવવા જોઈએ. પૂરા ઉત્સાહપૂર્વક કાર્ય કરે જાઓ.”8 આલાસિંગાએ સ્વામીજીનાં સૂચનોને અમલમાં મૂકવાનો અથાક પ્રયત્ન કર્યો. પણ છતાંય થોડા સમય પછી આ પાક્ષિક માસિકમાં પરિવર્તન પામી અને આલાસિંગાના દેહાવસાન પછી તો (1914 ઇ.માં) બંધ જ થઈ ગઈ.

આ છે ‘બ્રહ્મવાદિન’ની કથા – આદર્શવાદ, આત્મપ્રકાશ અને આત્મ-વિસ્તારનો કઠોર સંઘર્ષ. પણ તેના બાહ્ય કલેવરે પ્રશંસાનું અજસ્ત્રવર્ષણ પ્રાપ્ત કર્યું હતું. દેશ-વિદેશમાં આ પત્રિકાએ ઘણું સમ્માન પ્રાપ્ત કર્યું હતું. 20 ફેબ્રુઆરી 1896ના “મદ્રાસ ટાઇમ્સ” સંવાદપત્રમાં પ્રો. મેક્સમૂલરે આ પત્રિકાની કરેલી પ્રશંસાનો ઉલ્લેખ હતો. “મદ્રાસ મેલ” (7 જુલાઈ 1902) પત્રે આ પત્રિકાને ભારતની આગવી પત્રિકાના રૂપમાં માન્ય કરતાં લખેલું : “He (Swami Vivekananda) was instrumental in establishing Brahmavadini of Madras, which is an enlightened exponent of the Vedanta, is the leading magazine of India.”

“મદ્રાસની ‘બ્રહ્મવાદિન’ પત્રિકા પાછળ સ્વામી વિવેકાનંદનો જ હાથ હતો. આ વેદાંતની પ્રબુદ્ધ વ્યાખ્યા કરતી ભારતની એક આગવી પત્રિકા છે.”

(ક્રમશઃ)

  1. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક 11 (1984), પૃ. સં. 221
  2. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક 11, પૃ. સં. 226
  3. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક 11, પૃ. સં. 265-267
  4. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક 10, પૃ. સં. 118
  5. શ્રી શંકરીપ્રસાદ બસુ ‘વિવેકાનંદ ઓ સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી), ભાગ 5, પૃ. સં. 8
  6. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક 11, પૃ. સં. 292
  7. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક 11, પૃ. સં. 293
  8. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ 11, પૃ. સં. 289
Total Views: 459

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.