[સપ્ટેમ્બર અને ઑક્ટોબર 1976ના પ્રબુદ્ધ ભારત (અંગ્રેજી માસિક)માં પ્રસિદ્ધ થએલા બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીના લેખ “Attainment of Peace”નો ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે – અનુવાદક : ગણપતરામ ર. વ્યાસ  – સં.]

મનુષ્યમાત્ર મનની શાંતિ માટે ઝંખતો હોય છે. માણસો પોતાનાં જાતિ, ધર્મ, રંગ, રાજકારણ, ધંધો, ગમા-અણગમા, ટેવો, દૃષ્ટિબિંદુઓ, માન્યતાઓ અને આકાંક્ષાઓ અનુસાર એક બીજાથી જુદા પડે છે, છતાં પણ મનની શાંતિની ઝંખનામાં બધા એક છે એટલે બધા જ શાંતિ ઝંખે છે. આમ જો કે આપણે બધા મનની શાંતિ ઝંખીએ તો છીએ અને તેને શોધીએ પણ છીએ. પરંતુ ખરેખર એ એક અજાયબી છે કે આપણામાના બહુ જ થોડા કંઈ પ્રાપ્ત કરે છે. શાંતિની ઉત્કંઠા સાર્વત્રિક હોવા છતાં મનથી દુઃખી લોકોની સંખ્યા ઘણા દેશો-ખાસ કરીને તથાકથિત વિકસિત દેશોમાં વધતી જાય છે.

કેટલાક લોકો જીવનભર માનસિક દુઃખ મૂંગે મોઢે વેંઢાર્યા કરતા હોય છે, તો વળી કેટલાક માણસોને ભૌતિક સાધનોની ખોટ તો નથી હોતી અને તેઓ એશઆરામથીય રહે છે તેમ છતાં તેમને માનસિક શાંતિ હોતી નથી. મનની થોડી પણ શાંતિની શોધમાં તેઓ ઉશ્કેરાટના એક શિખરથી બીજા શિખરે પાગલની માફક કૂદ્યા કરે છે પરંતુ સરવાળે, હતા તેના કરતાંય વધારે દુઃખી થાય છે. તેઓ સારું જમી તો શકે છે, પરંતુ શાંતિથી ઊંઘી શકતા નથી. તેઓ ઊંચી જાતનો પોશાક તો પહેરે છે પરંતુ તેમનું હૃદય હંમેશાં વેદના અનુભવતું હોય છે. તેમનાં મનની સ્થિરતા હોતી નથી કે નથી હોતી શાંતિ. એમના અંતરમાં નિરંતર બળાપો ચાલતો જ હોય છે.

કેટલીક વખત આપણું માનસિક દુઃખ દેખીતી રીતે તીવ્ર હોતું નથી. આપણે સામાન્ય રીતે કામ કરીએ છીએ, મિત્રોને મળીએ છીએ, દેવદર્શન કરવા જઈએ છીએ અને સારા-માઠા સામાજિક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ તેમ છતાં ભારેલા અગ્નિની માફક મનમાં તીવ્ર વેદા ચાલુ હોય છે. આવું દુઃખ ભોગવવું તદ્દન બિનજરૂરી છે. બિનજરૂરી છે એટલું જ નહિ પણ તે અર્થહીન અને મૂર્ખતાભર્યું છે.

જો કોઈ દુઃખ સહન કરવું એ સરવાળે લાભદાયી હોય, તો માણસ જરૂર સહન કરે, પરંતુ માનસિક દુઃખ લાભદાયી હોતાં જ નથી. શાંત મન જ જીવનમાં સારામાં સારી વસ્તુઓ મેળવવામાં મદદરૂપ થશે. જો તેમ નહિ હોય તો આપણે આપણા ખાનગી જીવનમાં જાણે જીવન ઢસરડતા હોઈશું અને એવું દુઃખ ભોગવતા હોઈશું કે જે આપણા નજીકનાં સગાં અગર મિત્રોને પણ માલુમ નહિ પડે.

માનસિક રોગના નિષ્ણાંતની મદદ આપણે સ્વાભાવિક રીતે મનની ગંભીર સ્થિતિમાં લેવી જોઈએ. જેવી રીતે આપણે શારીરિક તંદુરસ્તીના ઉપચાર જાણીએ છીએ તેવી જ રીતે ખરું જોતાં આપણે બધાએ આપણા મનના ઉપચાર પણ જાણવા જોઈએ.

આપણા જમાનામાં દિવસે-દિવસે ગૂંચવણો વધતી જાય છે ત્યારે એ વધારે મહત્ત્વનું છે કે આપણે માનસિક તંદુરસ્તીની વધારે કાળજી રાખવી અને આ વાત આપણે જીવનની શરૂઆતથી રાખવી જોઈએ કારણ કે એક વખત જો માનસિક વ્યથા તીવ્ર થઈ જશે તો તેની હઠીલાઈ દૂર કરવી મુશ્કેલ બનશે.

હિંદુ પ્રણાલિકાઓમાં કેટલીક એવી પ્રમાણભૂત રીતો છે કે જેનું આચરણ કરવાથી મનની શાંતિ મેળવી શકાય છે.

માનસિક શાંતિ મેળવવા માટે આપણે એવું વર્તન રાખવું જોઈએ કે જે શાંતિને અનુરૂપ હોય અને જે શાંતિને હાનિકારક હોય, તેનાથી દૂર રહેવું જોઈએ. આ એક સીધું સાદું વિધાન છે.

વિશાળ દૃષ્ટિએ જોતાં આ વિષયને મનોવૈજ્ઞાનિક અને ધાર્મિક એમ બે રીતે વિચારી શકાય.

મનોવૈજ્ઞાનિક રીતે જોતાં મન એ એવું ગૂંચવણભરેલું યંત્ર છે કે જેને પહેલું સમજવું પડે અને પછી જે રીતથી શાંતિ મળે તે રીત અજમાવવી જોઈએ.

ધાર્મિક રીતે જોતાં કેટલાક નિયમો (Disciplines) પાળવા પડે અને પરિણામે તેની પાછળ શાંતિ અનુભવાય.

આ બંને રસ્તા પ્રમાણભૂત છે. એક રસ્તે સફળ નહિ થવાય તો બીજે રસ્તે જરૂર સફળ થવાશે.

આપણે મનોવૈજ્ઞાનિક રીતની ચર્ચા પહેલી કરીએ અને તે ભગવાન પતંજલિએ સૂચવ્યા મુજબ :

મહર્ષિ પતંજલિનું પૃથક્કરણ શુદ્ધ મનોવૈજ્ઞાનિક જ છે. પરંતુ હિંદુ પ્રણાલી અનુસાર અંતે પુરુષ અથવા આત્મા તરફ લઈ જાય છે.

વેદાંત દર્શનમાંની માયાની માફક તેમ જ અગત્યના બીજા પાયાના પદાર્થોની માફક મનની કોઈ પણ વ્યાખ્યા બાંધી શકાતી નથી. મનની વ્યાખ્યા બાંધવા માટે જે યંત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ તે પણ મન પોતે જ છે. જે માનસિક શાંતિની આપણે શોધ કરીએ છીએ તે કામ મનનું પોતાનું જ છે અને શાંતિને જે જોખમાવે છે તે પણ મન જ છે.

હિંદુ માનસશાસ્ત્ર મુજબ મન અતિ સૂક્ષ્મ છે. અને તરંગ જેવું છે. મન જોઈ શકાય તેવું નથી પરંતુ આપણાં હાસ્ય, આંસુ, આનંદ, ભય, ઉદ્ગાર વગેરેનું મૂળ મન છે. મન દ્વારા આપણી ઇન્દ્રિયો કોઈ વસ્તુની અસર અનુભવે છે અને પ્રત્યાઘાત પાડે છે. મન એ આંતર ઇન્દ્રિય ગણાય છે અને તે એક તરફ આત્માનું પ્રતિબિંબ પાડે છે અને બીજી તરફ બહારના જગતની અસર નોંધે છે. વિચારવું, લાગણી થવી, નિર્ણય કરવો, સંશય કરવો, સમજવું વગેરે મનની પ્રવૃત્તિઓ છે.

મનનાં ગુપ્ત લક્ષણોમાં ઊંડા ઊતરતાં જણાય છે કે, તેના ત્રણ સ્તરો (Strata) છે. અર્ધ જાગૃત મન (Subconscious Mind) જાગૃત મન (conscious Mind) આ પૂર્ણ જાગૃત મન (Super-conscious Mind) આ પૂર્ણ જાગૃત મનથી સામાન્ય માણસ છેક અજાણ્યો છે. બહુ જ થોડાં તેને જાણતાં હોય છે. જ્યારે તેમને સમજણ પ્રાપ્ત થાય છે કે વ્યક્તિનું મન એ વૈશ્વિક મનનું નાનું સ્વરૂપ છે અને જેને આ વૈશ્વિક મનની ખબર પડે છે તેને માટે આત્માથી મન જુદું ઓળખી કાઢવું મહામુશ્કેલ છે.

સામાન્ય માણસો અર્ધ જાગૃત મનથી ખાસ જ્ઞાત હોતા નથી. એ તો મકાનમાંના એક ભોંયરા જેવું હોય છે, અને આ ભોંયરામાં જે વસ્તુઓ ભવિષ્યમાં વાપરવાની હોય અથવા જે વસ્તુઓ કોઈને બતાવવા જેવી ન હોય તે જ રાખવાની હોય છે. ઘરના બહુ જ થોડાં માણસો જાણતાં હોય છે કે ભોંયરામાં શું-શું પડેલું છે. પરંતુ જ્યારે ભોંયરું સાફ કરવામાં આવે છે ત્યારે માલૂમ પડે છે કે નહિ કલ્પેલી એવી વસ્તુઓનો ત્યાં ઢગલો થાય છે.

બરાબર આ જ રીતે આપણા અર્ધ જાગૃત મનમાં વિચારો અને કર્મો સંગ્રહાયેલાં હોય છે અને તેને સંસ્કાર કહેવામાં આવે છે. આ બધા સંસ્કારો એક જન્મના હોતા નથી. પરંતુ જન્મોજનમના ભેગા થએલા હોય છે અને આ બધા સંસ્કારો ઉપલા જાગૃત સ્તરે જાગૃત થવા પ્રયત્ન કરે છે અને તેથી આપણી આંતર ઇચ્છાઓ, વૃત્તિઓ, સારી અગર માઠી ધારણાઓ વલણો, બુદ્ધિ અને ખામીઓરૂપે ઘડાય છે અને પ્રકટ થાય છે.

મનની પ્રક્રિયાઓ બહુ જ ગૂંચવણભરી છે. મનના જાગૃત સ્તરેથી સંસ્કારો અર્ધ જાગૃત મનમાં જાય છે અને તે ફરી પાણીના પરપોટાની માફક નીચેથી ઉપર આવતા હોય છે અને એ જાગૃત મનમાં એનાથી પ્રેરિત થતાં કામો ઉપર ભારે અસર ઉપજાવતા હોય છે. આ ગૂંચવાડાભરી પ્રક્રિયાઓ સતત એકધારી ચાલતી જ હોય છે. તેનું નિયમન કરવું તો બાજુએ રહ્યું પણ આપણાંમાના મોટા ભાગના લોકો તેને જોઈ કે વિચારી પણ શકતા નથી.

વળી, હિંદુ માનસશાસ્ત્ર મુજબ મન બીજી ત્રણ શક્તિઓનું બનેલું છે અને તેથી તેમાં દૈવી માનવીય અને પાશવી લક્ષણો રહેલાં છે તે ગુણો કહેવાય છે અને તેનાં નામ રજસ અને તમસ છે અને તેથી એક જ મન ઘાતકી, માનવતા સભર અને દૈવી કામ પણ કરી શકે છે.

આમ હોવાથી જ આપણે માનવ જાતમાં સાધુ પુરુષો અને દૃષ્ટોને જોઈએ છીએ. તદ્ઉપરાંત આપણે એ પણ જોઈએ છીએ કે પાપી પણ સ્રંત થઈ શકે છે અને પરમ શાંતિનો અનુભવ કરી શકે છે. કોઈ પણ વખતે મનુષ્ય તેના મનથી વધારે સારો અગર વધારે ખરાબ હોઈ શકતો નથી. મતલબ કે જે-તે વખતે મન જેવું હોય છે તેવો જ માણસ હોય છે.

હિંદુ વિચારધારા અનુસાર મનુષ્યનું વ્યક્તિત્વ બહુ ગૂંચવણભર્યું છે. જો કે પારમાર્થિક દૃષ્ટિએ તો મનુષ્ય એક શુદ્ધ આત્મા છે, તે બ્રહ્મ અગર પરમ ચૈતન્યથી જરા પણ જુદો નથી.

આમ આ આત્મા મનના જુદાજુદા સ્તરોથી બનેલા એવા સૂક્ષ્મ શરીરથી, ઇન્દ્રિયોથી અને ભૌતિક શરીરથી વીંટળાયેલો છે. જો કે આત્મા શરીરમાં રહે છે છતાં તે શરીરથી જુદો છે. જેવી રીતે આપણે એક ફ્લેટમાં રહીએ છીએ પરંતુ તેનાથી જુદા છીએ અગર તો આપણે કપડાં પહેરીએ છીએ પણ કપડાંથી જુદા છીએ.

ભગવાન પંતજલિએ મનને એવા સરોવર સાથે સરખાવ્યું છે કે જેમાં હંમેશાં મોજાં ઉત્પન્ન થતાં રહે છે.

આ મોજાં કેવી રીતે ઉત્પન્ન થાય છે?

બાહ્ય વસ્તુઓમાંથી બાહ્ય ઇન્દ્રિયોને ઉત્તેજના મળે છે અને તે અંદરની ઇન્દ્રિયોને અસર કરે છે અને અંદરની ઇન્દ્રિયોની અસર ભીતર બંધાયેલા, (conditioned) અંતરાત્મા ઉપર થાય છે. આના પ્રત્યાઘાત રૂપે જે સ્થિતિ પેદા થાય છે તે જ મનમાં ઉત્પન્ન થનાર મોજાં છે.

મનનાં મોજાં વિચાર, લાગણી અને સંકલ્પો ઉત્પન્ન કરે છે. આ ત્રણે મનના પ્રત્યેક તરંગમાં અંતગતિ છે જ. જ્યારે આ મોજાં હૃદય કરતાં વધારે જોરથી મસ્તિષ્ક ઉપર અથડાય છે ત્યારે વિચાર તરીકે ઓળખાય છે, જ્યારે તે મસ્તિષ્ક કરતાં વધારે જોરથી હૃદય ઉપર અથડાય છે ત્યારે લાગણી તરીકે ઓળખાય છે અને જ્યારે તે હૃદય અને મસ્તિષ્ક સાથે સરખી રીતે અથડાય છે ત્યારે સંકલ્પ તરીકે ઓળખાય છે.

આત્મા કે જે પરમ ચૈતન્ય છે, તે મનમાં વસી રહેલો છે. તે આ મનમાં મોજાંનાં નિરંતર ચડાવ ઊતારથી ઢંકાયેલો રહે છે. (એટલે વિચાર, લાગણી અને સંકલ્પથી)

એટલું પૂરતું નથી. તેને, એ મોજાંને સ્વરૂપ જ ઓળખાવવામાંય આવે છે. પરંતુ આ તો એક મોટી ભ્રમણા જ છે અને આવી ઓળખાણ માટેનું વળગણ અને એનો આગ્રહ તે આપણા માનસિક અને બીજાં દુઃખોનું મૂળ કારણ છે.

હવે જો આપણે આપણાં દુઃખોને દૂર કરવા માગતા હોઈએ અને મનની અશાંતિ દૂર કરવા માગતા હોઈએ, તો તે મૂળ કારણને દૂર કરવું જોઈએ. મનની શાંતિ મેળવવાનો કોઈ ચોક્કસ માર્ગ નથી. બીજા શબ્દોમાં કહીએ તો મનની શાંતિ મેળવવાનો એક ઉપાય આ મોજાને આત્મા સ્વરૂપે નહિ ઓળખાવવો એમાં છે અથવા તો મોજાને બિલકુલ શાંત કરવા એ છે. ટૂંકમાં હિંદુ શાસ્ત્રો મુજબ મનની શાંતિના મુદ્દા અંગેનું આ વિચારપૂર્ણ અને ટૂંકુ પૃથક્કરણ છે.

આ પૃથક્કરણની સમજ આપણને મનની શાંતિ મેળવવામાં મદદરૂપ થશે. આનો અર્થ એવો નથી કે હિંદુ માનસશાસ્ત્રના અભ્યાસથી મનની શાંતિ મળશે અગર કોઈ એવી જ કોઈ માનસશાસ્ત્રની પદ્ધતિ જાણવાથી મળશે. કેટલાક એવા પણ માનવો છે કે જેમનું એવું કાંઈ જ્ઞાન નથી છતાં તેઓ માનસિક શાંતિનો અનુભવ કરે છે. આ બધા માનસશાસ્ત્રના પંડિતો અને પ્રોફેસરો મનની શાંતિ મેળવતા હશે કે કેમ, તે શંકાસ્પદ છે !

અગત્યની વાત તો એ છે કે આપણે એવું વર્તન રાખવું કે જે શાંતિ ઉત્પન્ન કરનાર હોય. માનસિક શાંતિની સાથે સંબંધ હોય તેવાં જ કામ કરવાથી જગતમાં ઘણે સ્થળે માણસોએ તેવી શાંતિ પ્રાપ્ત કરી છે. હવે આપણે તેનો વિચાર કરીએ.

(ક્રમશઃ)

Total Views: 482

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.