[સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. તેમનાં ગીતા પ્રવચનો “ગીતા-તત્ત્વચિંતન” નામક ગ્રંથમાં પ્રકાશિત થયા છે. તેમાના થોડા અંશો અહીં ધારાવાહિક રૂપે આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભાષાંતરકાર – શ્રી કે. વિ. શાસ્ત્રી  – સં.]

ગીતા એક એવો ગ્રંથ છે કે જેના શાશ્વત ઉપદેશો આપણા રોજબરોજના જીવન માટે ખૂબ જ ગ્રહણ કરવા યોગ્ય છે. અર્જુનના મનમાં માનવજીવનના વિષયમાં તરેહ-તરેહના પ્રશ્નો ઊભા થયા હતા. એ પ્રશ્નોના ભગવાન શ્રીકૃષ્ણે જે ઉત્તરો આપ્યા, એ આપણે માટે પણ જીવનમાં ઉતારવા લાયક છે. આ પ્રશ્નો અને એના ઉત્તરો જ ગીતાશાસ્ત્રની રચના કરે છે.

જીવનમાં ઊઠતા મૌલિક પ્રશ્નો :

અર્જુન જીવનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે સંસારમાં જીવન પસાર કરીએ છીએ. સંસારમાં આપણી સામે કેટલીય સમસ્યાઓ આવે છે. અને આપણા મનમાં અનેક પ્રશ્નો ખડા થાય છે. આપણે આ સમસ્યાઓનો ઉકેલ કરવાનો ઉપાય મેળવવા ઇચ્છીએ છીએ. આ આપણા જીવનની મૌલિક સમસ્યાઓ છે. માણસ ફક્ત રોટલાથી જ સંતોષ પામતો નથી. એ સાચું છે કે માણસને રોટલાની જરૂર પડે છે, એને શરીર માટે કપડાંની જરૂર હોય છે તેમજ પોતાનું માથું ઢાંકવા માટે એક ઘર, એક છાપરાનુંય એને પ્રયોજન હોય છે. પરંતુ જ્યારે આ આવશ્યકતાઓ પૂરી થઈ જાય છે, ત્યારે મન માટેનો ખોરાક મેળવવાનું જરૂરી બને છે. માનસિક ભોજનની પૂર્તિ ધાર્મિક સંપ્રદાયો દ્વારા કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે સંસારમાં અનેકાનેક ધર્મસંપ્રદાયોનો વિકાસ થયો છે. આ વિભિન્ન ધર્મસંપ્રદાયો એટલા માટે ઊભા થયા છે કે તેઓ મનુષ્યોની માનસિક ભૂખને જુદીજુદી રીતે મટાડી શકે. એક જ સંપ્રદાય બધા જ લોકોની માનસિક ભૂખને મટાડી શકે નહીં; એટલા માટે જુદાજુદા ધર્મસંપ્રદાયોનો જન્મ થયો છે. આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ નવો સંપ્રદાય બને છે, ત્યારે અનેક લોકો એના અનુયાયી થઈ જાય છે. આનું તાત્પર્ય એ છે કે આની પહેલાંના સંપ્રદાયો તેમની માનસિક ભૂખને શમાવી શક્યા ન હતા. નવો સંપ્રદાય તેમની માનસિક ભૂખનું સમાધાન રજૂ કરે છે. આટલા જ માટે નવાનવા સંપ્રદાયો પાંગરે છે અને વિકાસ પામતા રહે છે.

માનવજીવનમાં જે-જે ગૂંચવડાઓ આવી શકે છે, માનવમનમાં જીવન સંબંધી જે-જે પ્રશ્નો ઊભા થઈ શકે છે, એ ગૂંચવડાઓ અને પ્રશ્નો અર્જુનના માધ્યમથી ગીતામાં અભિવ્યક્ત થયા છે. એટલા માટે અર્જુનને જીવનો પ્રતિનિધિ કહેવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ એ પ્રશ્નોની મીમાંસા કરે છે.

અર્જુન મહાબળવાન છે. એને નરના અવતાર તરીકે લેખવામાં આવેલ છે. અને એનું ચિત્રણ એક મહનીય વ્યક્તિના રૂપમાં થયું છે. પરંતુ એવા અર્જુન પણ સંશયથી ગ્રસ્ત થઈ જાય છે. જીવનની આ સમસ્યાનું રહસ્ય શું છે? સંસારમાં આવાગમનનો આ ક્રમ શું શાશ્વત છે, કે પછી એનો અંત લાવી શકાય છે? આપણા જીવનનું પ્રયોજન શું છે?– આ કેટલાક એવા પ્રશ્નો છે કે જે સ્વાભાવિક રીતે સૌના મનમાં ઊભા થયા કરે છે. આ પ્રશ્નો ઊભા થાય તે કંઈ ખરાબ નથી. ઊલટું, જો આવા પ્રશ્નો ઊભા ન થાય તો સમજવું જોઈએ કે મનુષ્યની ઉન્નતિ ક્યાંક અટકી રહી છે.

માનવજીવન શું છે? માનવજીવન આ જ પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ છે. જ્યાં સુધી વ્યક્તિના મનના પ્રશ્નો ઉકલી જતા નથી ત્યાં સુધી એ આગળ વધી શકતી નથી. આપણા પ્રશ્નો દાર્શનિક-તત્ત્વજ્ઞાન સંબંધી – જ હોય, એવું કંઈ જરૂરી નથી. એક નાનકડો પ્રશ્ન પણ આપણને આગળ વધવાની પ્રેરણા દઈ શકે છે. એક નાનકડો પ્રશ્ન આપણા મનમાં જાગ્યો કે આપણા જીવનનું રહસ્ય શું છે, તો બસ માની લો કે પ્રકૃતિમાતાની કૃપા થઈ ગઈ. ભલે આપણે સાંસારિક કાર્યોમાં ડૂબ્યા રહીને આ પ્રશ્નોને ભૂલી જવા માગતા હોઈએ, પણ ક્યારેક ને ક્યારેક તો આ પ્રશ્નો આપણા મનમાં જાગી જ ઊઠે છે. અને આપણે આપણને પોતાને પૂછીએ છીએ કે છેવટે આપણે શું મેળવવા માગીએ છે? છેવટે આપણે ક્યાં પહોંચવાનું છે? આ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે આપણું મન વ્યાકુળ થઈ ઊઠે છે. ફક્ત ભારત જેવા આધ્યાત્મપ્રધાન દેશની વ્યક્તિઓના મનમાં જ કંઈ આવા પ્રશ્નો જાગ્યા કરતા નથી, પણ વિજ્ઞાનની રોશનીની ઝાકઝમાળવાળા પશ્ચિમના દેશોની જનતાના મનમાં પણ આવા પ્રશ્નો ઊભા થયા કરે છે. એ એવા દેશો છે કે જ્યાં વિજ્ઞાનની મદદથી માણસ પ્રકૃતિનાં રહસ્યમય તત્ત્વોને છતાં કરી રહ્યો છે. આવા દેશોમાં પણ એક પ્રશ્ન માનવમનમાં ગડમથલ ઉત્પન્ન કરી રહ્યો છે. તે એ છે કે માનવજીવનનો અર્થ શો છે? આપણા જીવનનું પ્રયોજન શું છે?

નોબેલ પુરસ્કાર વિજેતા એલેક્સિસ કેરલે એક પુસ્તક લખ્યું છે. એનું નામ છે ‘મૅન ધ અનનોન’ આ ગ્રંથમાં તેઓ માનવમનમાં ઊઠતા પ્રશ્નોનો ઉલ્લેખ કરે છે. તેઓ દર્શાવે છે કે મનુષ્યનાં બે રૂપો છે. પહેલું તો એ રૂપ છે કે જે જાણેલું છે, જ્ઞાત છે. અને બીજું રૂપ એ છે કે જે હજુ સુધી અજાણ્યું જ છે. મનુષ્યનું જાણેલું રૂપ શું છે? એ જ કે એની લંબાઈ કેટલી છે? એની ઊંચાઈ કેટલી છે? એનાં રંગ-રૂપ અને બાહ્ય દેખાવ કેવાં છે? આ મનુષ્યનું જાણેલું રૂપ છે. પણ આ રૂપ બહુ અલ્પ છે. આ સિવાયનું એનું અજાણ્યું રૂપ પણ છે કે જે ખૂબ વિસ્તૃત છે. આપણો ઘણો ખરો ભાગ એવો છે કે જે અજાણ્યો છે. અને આ અજાણ્યા રૂપને જાણવાની પ્રક્રિયા જ જીવનની પ્રક્રિયા છે જે અજાણ્યું છે, એને જાણવાનો પ્રયત્ન જ જીવન છે.

તો શું આપણે આપણને પોતાને જાણતા નથી? ના, આપણે આપણને પોતાને જાણતા નથી. એનેક્સિસ કેરલ કહે છે કે, માણસ ફક્ત પોતાના એક અંશને જ જાણે છે અને તે અંશ અતિ અલ્પ છે. તે પોતાના બહુલ અંશને નથી જાણતો. એ અંશ અજાણ્યો છે. આ અજાણ્યા અંશને જ જાણવાનો ઉપનિષદો લલકાર કરે છે.

(ક્રમશઃ)

Total Views: 488

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.